અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પૂરતુ છે?

શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પૂરતુ છે?

જ્યારે પવિત્ર નબી (સ.અ.વ.)ની શહાદત બાદ તેમના જાનશીનની પસંદગીની વાત આવી તો અમુક મુસલમાનોએ સૌ પ્રથમ જે દલીલ રજુ કરી તે ફકત સહાબીય્યત હતી, બલ્કે તેઓની પાસે તેઓની તરફેણમાં બીજી કોઈ દલીલ ન હતી. એ સ્પષ્ટ છે કે ન તો તે સમયના મુસ્લીમો પાસે અને ન તો આજના ઝમાનાના મુસ્લીમો પાસે બની બેસેલા ખલીફાઓની ખિલાફતને સહીહ અને યોગ્ય સાબીત કરવા માટે સહાબીય્યત સિવાય બીજી કોઇ દલીલ મૌૈજુદ હતી. સહાબી હોવાની ફઝીલતની દલીલ એક ખોખલી અને નબળી દલીલ છે કારણકે તેમાં કોઇ ગુણવત્તા (ફઝીલત) નથી. આમ છતા તેને જાહેરી રીતે જોવામાં આવે તો પણ તે ખિલાફત માટે યોગ્ય વ્યક્તિની ઓળખ આપવામાં નિષ્ફળ જાય છે.

‘શું સહાબી હોવુ તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવાનું માપદંડ છે?’

આવો આપણે આ વિષય ઉપર વધુ ઉંડી ચર્ચા કરીએ અને આ ચર્ચા હેઠળ નીચે પ્રમાણેના મુદ્દાઓ ઉપર ધ્યાન આપીએ.

સહાબી હોવાની દલીલ માત્ર તકવાદ હતી:

સહાબીય્યતની દલીલથી કોઈને મુર્ખ બનાવી શકાય નહિ. સહાબીય્યતની દલીલનો ઉપયોગ તે સમયે કરવામાં આવ્યો જ્યારે સકીફા એ બની સાએદહમાં અન્સારની બહુમતી વચ્ચે જ્યારે મુહાજેરીનને લાગ્યુ કે ઉમ્મતની આગેવાની અન્સારના હાથોમાં જતી રેહશે ત્યારે અમૂક મુહાજીરોએ અન્સારની સમક્ષ સહાબી હોવાની દલીલ રજુ કરી હતી. જ્યારે કે ચોક્કસ પણે બન્ને સમુહ સહાબી હતા, પરંતુ મોહાજેરીને 13 વર્ષ વધારે સહાબી રહ્યા હોવાના અને કુરૈશ (રસુલેખુદા સ.અ.વ.ના કબીલા) માંથી હોવાના આધારે સહાબીમાં વધારે ચઢીયાતા હોવાનો દાવો કર્યો.

સકીફામાં જે ઘટના ઘટી તેની વધારે વિગતની ચર્ચામાં ન પડતા અહિં એ જાણવુ વધારે યોગ્ય છે કે શું આ દલીલનું કંઈ મહત્ત્વ છે? અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી (અ.સ.)એ કહેલી સાચી અને સચોટ વાત સાબીત કરી દે છે કે સહાબીય્યતની આ દલીલ માત્ર તકવાદ સિવાય બીજુ કશુ જ નથી અને આ દલીલ બિલ્કુલ ખોખલી છે.

وَ اللهِ لَوْ تَمَكَّنَ الْقَوْمُ أَنْ طَلَبُوا الْمُلْكَ بِغَيْرِ التَّعَلُّقِ بِاسْمِ رِسَالَتِهِ كَانُوا قَدْ عَدَلُوا عَنْ‏ نُبُوَّتِه‏

‘અગર ઉમ્મત માટે એ શકય હોત કે તેઓ અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની નબુવ્વતને તર્ક કરીને બાદશાહત હાસીલ કરી લ્યે તો ચોક્કસ તેઓ આપ (સ.અ.વ.)ની નબુવ્વતથી મોઢું ફેરવી લેત.’

(કશ્ફુલ મોહજ્જહ, પા. 125, બૈતુલ અહઝાન, પા. 74)

સગપણ, સહાબીય્યત કરતા ચઢીયાતુ છે:

કોઈ પણ અકલમંદ મુસ્લીમ એ સ્પષ્ટ રીતે સમજી શકે છે કે ‘સહાબીય્યત’ વધારેમાં વધારે ખલીફા બનવાના માપદંડમાંથી એક માપદંડ હોઇ શકે છે પણ ‘સહાબી’ હોવાની એક માત્ર લાયકાતથી ખલીફા નથી બની શકાતુ. જ્યારે ‘સહાબીય્યત’ની સાથે ‘સગપણ’ પણ જોડાય જાય છે ત્યારે ‘સહાબીય્યત’નો દરજ્જો વધારે બુલંદ થઈ જાય છે. આવો અહીં અમુક પ્રસંગો તરફ ધ્યાન આપીએ કે જ્યાં મુસલમાનો સમક્ષ આ દલીલ રજુ કરવામાં આવી હતી:

(અ) પછી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ અબુબક્ર તરફ નજર કરી અને આ પ્રમાણે શેઅર કહ્યા:

પછી અગર તમે આ સત્તા (ખિલાફત) શૂરાના આધારે પ્રાપ્ત કરી છે તો આ કેવી શૂરા કે જેમાં કોઈ સલાહ-મશ્વેરો આપનાર જ ન હોય. અને અગર તમે આ ખિલાફત નબી(સ.અ.વ.)ની નઝદીકી અને સગપણના આધારે પ્રાપ્ત કરી છે તો બીજા પણ એવા લોકો મૌજુદ છે કે જેઓ તમારા કરતા નબી(સ.અ.વ.)ની નઝદીકી અને સગપણના આધારે તમારાથી વધારે હકદાર છે.

આપ (અ.સ.)એ ઘણીવાર ફરમાવ્યું:

‘કેટલુ વિચિત્ર છે! કે સહાબી હોવાની બુનિયાદ ઉપર ખિલાફત પ્રાપ્ત કરી શકાય છે પરંતુ સહાબીય્યત અને સગપણ બંનેના આધારે નહિ.’

(નહજુલ બલાગાહ, હદીસ - 190, શર્હે નહજુલ બલાગાહ, ભાગ - 18, પા. 416, મુસ્તદરકુલ વસાએલ, ભાગ - 3, પા. 94, અલ ખેસાલ ભાગ-2 પેજ-464, 12 ખાસિયતો વાળું પ્રકરણ)

(બ) જ્યારે મોહાજેરીન અને અન્સારમાંથી બાર (12) બુઝુર્ગ સહાબીઓએ અબુબક્રનો વિરોધ કર્યો તો તેઓએ આ સગપણની દલીલને તેના સહાબીય્યતની કમઝોર દલીલ પર અગ્રતા આપી.

અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઊદ ઉભા થયા અને બોલ્યા - અય કુરૈશના સમૂહ! તમે અને તમારામાંથી જે લોકો નેક છે તેઓ સારી રીતે જાણે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની એહલેબૈત (અ.સ.) તમારા બધા કરતા રસુલે ખુદા (સ.અ.વ.)ની વધારે નઝદીક છે. અગર તમે રસુલે ખુદા (સ.અ.વ.)ની નિકટતાના આધારે ખિલાફત માંગો છો અને તમારી જાતને તેના માટે આગળ કરો છો તો પછી રસુલે ખુદા (સ.અ.વ.)ની એહલેબૈત (અ.સ.) તમારા કરતા રસુલે ખુદા (સ.અ.વ.)ની વધારે નિકટ છે અને તેના વધારે હકદાર છે. આ ઉપરાંત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.) પછી ઉલીલ અમ્ર ખલીફા છે, તો પછી જે દરજ્જાથી અલ્લાહ તઆલાએ તેમને નવાજ્યા છે તે તેમને સોંપી દયો (ખિલાફત) અને તેનાથી મોઢું ન ફેરવો.

(ક) હસ્સાન બીન સાબીતે એક સુંદર શેઅરમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બીજા બધા સહાબીઓ ઉપરની સર્વશ્રેષ્ઠતાને તેમના સગપણના આધારે સાબિત કરી છે.

એ નોંધવુ જરૂરી છે કે આ પંક્તિઓને રસુલે ખુદા (સ.અ.વ.)ની હયાતીમાં લખવામાં આવી હતી, જે દર્શાવે છે કે હસ્સાન એ જાણતો હતો કે રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ આ વિવાદ જાહેર થશે (ખિલાફત માટે). તો પછી એ કેવી રીતે શક્ય છે કે ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)ને તેની જાણકારી ન હોય?!!

અશ્આરના શબ્દો કંઈક આ પ્રમાણે છે:

તૌબા કરનારની તૌબા કબુલ કરવામાં નહીં આવે

અગર અબુ તાલીબના દીકરાની મોહબ્બત ન હોય.

તેઓ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના ભાઈ છે, તેમજ તેમના જમાઈ પણ છે.

અને જમાઈની સરખામણી સહાબીઓ સાથે શું હોય?

અને કોણ છે જે અલી (અ.સ.)ના જેવુ હોય?

અને ચોક્કસ સુર્યને તેમના માટે પશ્ર્વિમમાંથી પાછો ફેરવવામાં આવ્યો.

સુર્યને તેના માટે ઝળહળાટ સાથે પાછો ફેરવવામાં આવ્યો.

એવો ઝળહળાટ જાણે કે તે કદી આથમ્યો જ ન હોય.

(બશારતુલ મુસ્તફા સ.અ.વ., ભ. 2, પા. 147-148)

જાનશીન હંમેશા ‘આલ’માંથી હોય છે સહાબીમાંથી નહિ:

ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે દરેક ઇલાહી પયગમ્બરે પોતાના ઉત્તરાધિકારીની નિમણુંક કરી છે અને તે જાનશીન હંમેશા તેમની આલ (વંશ)માંથી હોય છે. આ બે શરતો કે ‘પયગમ્બર દ્વારા નિમણુંક અને તેની આલમાંથી હોવું.’ દરેક ઇલાહી પયગમ્બરોમાં જોવા મળે છે. જ્યારે કે તેઓ બધા આપણા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી નીચેના દરજ્જા ઉપર છે, પરંતુ મુસલમાનોએ સૌથી શ્રેષ્ઠ પયગમ્બર રસુલુલ્લાહ (સ.અ.વ.) માટે એવી માન્યતા ઘડી કાઢી કે આપ (સ.અ.વ) એ પોતાના કોઈ જાનશીન નિમ્યા જ નથી કે જે આપ (સ.અ.વ.) પછી ઉમ્મતની હિદાયત કરે!!

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) એ ફરમાવ્યું:

‘દરેક પયગમ્બર પોતાની પાછળ એક ઉત્તરાધિકારી મુકીને ગયા છે જે તેમના વંશમાંથી હતા, સિવાય કે ઇસા બીન મરયમ (અ.સ.) કારણકે તેમના કોઇ વંશજ (વારસદાર) ન હતા.’

(અલ - યકીન , પા. 406, બેહારૂલ અનવાર , ભાગ - 26, પા. 26)

સહાબીય્યત મર્યાદિત સમય માટે હોય છે જ્યારે કે સગપણ આજીવન (હંમેશા માટે) હોય છે:

સહાબીય્યત ક્યારેય ખિલાફત માટે હંમેશા માટેની શરત ન હોઈ શકે. વધુમાં વધુ તે શરૂઆતના અમુક ખલીફાઓ માટે શરત હોઈ શકે. કારણકે સહાબીઓની સંખ્યા કંઈ વધારે નથી અને એક સમય એવો આવશે કે સહાબીઓ લગભગ ખત્મ થઈ જશે. હીજરી સન 60 માં આપણે એ જોયું કે મલ્ઊન યઝીદ કે જે સહાબી ન હતો, તે ખલીફા બન્યો. તેને શા માટે ખલીફા બનાવવામાં આવ્યો જ્યારે કે તે સહાબી એ રસુલ (સ.અ.વ.) ન હતો, જ્યારે કે તે સમયે ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.) કે જેઓ એક સહાબી હતા તેમને ખલીફા બનાવવામાં ન આવ્યા. આ સવાલનો જવાબ દેવા કોઈ ઇચ્છતુ નથી.

સલફીઓ પણ સ્વીકારે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પછી ઇસ્લામનો સારો સમય પ્રથમ ત્રણ ખલીફાનો સમયગાળો હતો. તેનો અર્થ એમ થયો કે અગર સહાબીમાંથી કોઈને ખલીફા બનાવી લેવામાં આવે તો એ ફક્ત પહેલા ત્રણ ખલીફાઓ માટે જ હતું. જ્યારે આ સહાબીઓ ખતમ થઈ જશે ત્યારે આ મુસલમાનો શું કરશે? શું એ મુસ્લીમો કે જેઓ ખલીફા બનાવવા માટે ઉતાવળા હતા તેઓએ આ વિચાર્યુ ન હતું કે અમુક વર્ષો બાદ જ્યારે કોઇ સહાબી મૌજુદ નહીં હોય ત્યારે આ ઉમ્મતનું શું થશે?

પરંતુ અગર આપણે સગપણને ખલીફાની નિયુક્તિની શરત તરીકે સ્વીકારી લઈએ તો તે હંમેશાની એક શરત પણ બનશે અને અક્કલ પણ આ વાતનો સ્વીકાર કરશે.

અગર આપણે હદીસોનો અભ્યાસ કરીએ તો ખબર પડશે કે આ સગપણને જ રસુલ્લુલ્લાહ (સ.અ.વ.)ના જાનશીન નિયુક્ત કરવાની શરત જણાવવામાં આવી છે. સંખ્યાબંધ હદીસો જોવા મળે છે કે જેમાં એહલેબૈત (અ.સ.)ને  ઉમ્મતના ખલીફા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. કિતાબોના પ્રકરણો ભરેલા છે કે જે આ બાબત સાબિત કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પછી ઈસ્લામમાં બાર ખલીફાઓ હશે અને તેઓ બધા કુરૈશમાંથી હશે.

અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)થી વધારે શ્રેષ્ઠ સહાબી કોણ છે?

આપણે આ વાત સાબિત કરી ચુક્યા છીએ કે સગપણ અને સહાબીય્યત બન્ને લાયકાતથી અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ખલીફા બનવા માટે વધારે હક ધરાવે છે. આથી વધારે સાબિતીની કોઇ જરૂરત રેહતી નથી. આમ છતાં જેઓ એમ માને છે કે ‘સહાબીય્યત’ ચઢીયાતી છે ‘નઝદીકી અને સગપણ’ કરતા, તેઓને અમે કહેવા ચાહશું કે માત્ર સહાબીય્યતને અગર માપદંડ માનવામાં આવે તો પણ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) તેની યાદીમાં સૌથી પ્રથમ અને મોખરે છે. બલ્કે તેઓ તમામ ઈન્સાનો કરતા શ્રેષ્ઠ છે અને રસુલે ખુદા (સ.અ.વ.) પછી સમગ્ર મુસલમાનો કરતા સૌથી શ્રેષ્ઠ છે.

(અ) અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના જેવુ માનવજાતમાં બીજું કોઇ નથી:

જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી રસુલે ખુદા (સ.અ.વ.)થી હદીસ નકલ કરે છે:

‘અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) માનવજાતમાં સર્વશ્રેષ્ઠ છે અને જે કોઈ તે બાબત ઉપર શંકા કરે તે કાફીર છે.’

(તારીખે બગદાદી, ભાગ - 4 , પા. 421)

આ હદીસને અમૂક શબ્દોના ફેરફાર સાથે નીચે દર્શાવેલ કીતાબોમાં આલીમોએ નોંધી છે.

 • તેહઝીબુત્તેહઝીબ, ભાગ - 9, પા. 419, લે. ઇબ્ને હજર અલ-અસ્કલાની
 • મનાકેબે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.), લે. એહમદ ઇબ્ને હમ્બલ
 • ક્ન્ઝુલ હકાએક, પા. 92
 • અર રીયાઝુન નઝરહ
 • મુસ્નદ, લે. અબુ યાઅલા અલ-મુસલી અલ-હમ્બલી
 • ઝખાએરુલ ઉકબા, પા. 96, લે. મોહયુદ્દીન તબરી
 • મજમઉઝ ઝવાએદ, ભાગ - 9, પા. 116
 • અલ મોઅજમુલ અવસત, ભાગ - 9, પા. 288

(બ) માત્ર અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) જ નહીં બલ્કે તેમના શીઆ પણ શ્રેષ્ઠ મખ્લુક છે:

સુરે બય્યેનહ (98), આયત - 9:

"બેશક જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તે લોકોજ સર્વ સૃષ્ટિમાં  શ્રેષ્ઠ છે.”

આ આયતની તફસીરમાં ઘણા વિદ્વાનોએ લખ્યુ છે કે આ આયત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના શીઆઓના બારામાં છે. જેમકે:

 • જામેઉલ બયાન ફી તાવીલીલ કુરઆન (જે તફસીરે તબરીના નામથી મશ્હુર છે) - લે. મોહમ્મદ બિન જરીર તબરી
 • તફસીર અદ્ દુર્રુલ મન્સુર - લે. જલાલુદ્દીન અબ્દુર રેહમાન ઇબ્ને અબીબક્ર અસ્સીયુતી
 • અસ્સવાએકુલ મોહર્રેકહ, લે. ઇબ્ને હજર અલ-મક્કી

(ક) અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સહાબીઓ કરતા શ્રેષ્ઠ છે:

કેટલાક મુસ્લીમો દાવો કરે છે કે સહાબીઓમાં અબુબક્ર, ઉમર, અબુ ઉબૈદાહ અલ જર્રાહ, ઉસ્માન ઇબ્ને અફ્ફાન વિગેરે સહાબીઓમાં ચઢીયાતા હતા, પરંતુ સત્ય એ છે કે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના 11 ફરઝંદો સિવાય સર્વશ્રેષ્ઠતા કોઈના માટે સાબિત નથી.

આ વિષય ઉપર અમુક હદીસો રજુ કરીએ છીએ:

1, ઉમર ઇબ્ને ખત્તાબ બયાન કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: અલી (અ.સ.)ની જેવી ફઝીલતો બીજા કોઇની પાસે નથી, તેઓ તેમના સાથીઓને હિદાયત તરફ બોલાવે છે અને ગુમરાહીથી દૂર કરે છે.

(અર રીયાઝુન્નઝરહ ફી મનાકેબુલ અશરહ, ભ. 1, પા. 277, અલ મોઅજમુસ્સગીર, ભ. 1, પા. 242)

2, ઇમામ એહમદ ઇબ્ને હમ્બલ કહે છે કે: જેટલી ફઝીલતો અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારામાં નોંધાયેલી છે તેટલી ફઝીલતો બીજા કોઇ સહાબીના બારામાં નોંધાયેલી નથી.

(અલ મુસ્તદરક અસ્સહીહૈન, ભાગ - 3, પા. 107)

3, ઇમામ એહમદ ઇબ્ને હમ્બલ અને ઇસ્માઇલ ઇબ્ને ઇસ્હાક અલ-કાઝી વર્ણવે છે: જેટલી ફઝીલતો અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારામાં ભરોસાપાત્ર રાવીઓએ નોંધી છે, તેટલી ફઝીલતો રસુલે ખુદા (સ.અ.વ.)ના બીજા કોઇ સહાબીના બારામાં નોંધવામાં નથી આવી. આજ પ્રમાણે કીતાબ ‘સોનને નીસાઇ’ કે જે સેહાહે સીત્તાહમાંની એક કિતાબ છે તેના સંપાદક એહમદ ઇબ્ને શોએબ ઇબ્ને અલી અન્નીસાઇએ પણ આ હકીકતને સ્વીકારી છે.

(અલ ઇસ્તીઆબ, ભાગ - 2, પા. 466)

આજ પ્રમાણે એહલે સુન્નતના બીજા આલીમોએ પણ પોતાની કિતાબોમાં આ હકીકતને લખી છે જેમકે:

-   અસ્સવાએકુલ મોહર્રેકહ, પા. 72, લે. ઇબ્ને હજર અલ-મક્કી (આ કિતાબ ખાસ શીઆઓની      વિરૂધ્ધમાં લખવામાં આવી છે.)

-    ફત્હુલ બારી ફી શર્હે સહીહ અલ-બુખારી, ભાગ - 8, પા. 71, લે. ઇબ્ને હજર અલ-અસ્કલાની

-    નૂરૂલ અબ્સાર, પા. 73, લે. શબ્લન્જી

4, ઇબ્ને અબ્બાસ નોંધે છે - અલી (અ.સ.)ના બારામાં કુરઆનની 300 આયતો નાઝીલ થઇ છે.

(તારીખુલ બગદાદી, ભાગ - 2, પા. 221)

કોઈ પણ સહાબીની સરખામણી અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે કેવી રીતે થઈ શકે જ્યારે કે ઉપરોકત વર્ણવાએલા સહાબીઓ કરતા તો ઝૈદ ઇબ્ને હારીસ (રસુલેખુદા સ.અ.વ.ના દત્તક પુત્ર) વધારે મહાન અને ઉચ્ચ હતા.

એક મશ્હુર હદીસમાં, ઉમર ઇબ્ને ખત્તાબ કહે છે: રસુલે ખુદા (સ.અ.વ.) મારા કરતા વધારે ઝૈદ ઇબ્ને હારીસને ચાહતા હતા.

રસુલે ખુદા (સ.અ.વ.) ને જંગે ઓહદ અને જંગે હુનૈનમાં એકલા મુકીને ભાગી જનારાઓ (જેનું વર્ણન પવિત્ર કુરઆનમાં મૌજુદ છે.) પછી કોઈ વ્યક્તિ દ્વારા સહાબીય્યતનો દાવો કરવો તે બેશરમ હોવાની દલીલ છે. ખિલાફત તો દૂરની વાત છે પ્રથમ તેના મુસલમાન હોવા બાબતે ચર્ચા થવી જોઈએ.

જો કે આપણે સહાબીય્યતને ખિલાફત અને ઇલાહી ઈન્આમોનું માપદંડ નથી માનતા, પરંતુ અગર સહાબીય્યત જ માપદંડ હોત, તો ચોક્કસ પણે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની સરખામણી બીજુ કોઇ જ નથી કરી શકતું. આ ઉપરાંત ‘સગપણ’ અને ‘સહાબી’ બન્ને હોવુ એ ચઢીયાતુ છે માત્ર ‘સહાબી’ હોવા કરતા. ખૈર ચાહે કોઈ પણ વ્યક્તિ આ વિષય પર કોઈ પણ પ્રકારે અભ્યાસ અને અવલોકન કરે અને કોઈ પણ ફઝીલત (સદ્ગુણ)ને માપદંડ બનાવે, તે ફકત અને ફકત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને જ રસુલે ખુદા (સ.અ.વ.)ના સાચા અને ઇલાહી ખલીફા પામશે.