અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
જનાબે સલમાન (અ.ર.)ની હુકુમત

જનાબે સલમાન (અ.ર.)ની હુકુમત

પ્રસ્તાવના:

એ વાત પોતાની જગ્યા ઉપર બિલકુલ સાચી અને નિર્વિવાદ છે કે સકીફાનાં બનાવ પછી પયગમ્બર (સ.અ.વ.) નાં અમુક બુઝુગૅ સહાબીઓ એ હઝરત અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની ખિલાફતના હકને ગસબ કરનારાઓની બયઅત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અને તે નાજાએઝ હુકુમત કે જેનો પાયો ઈસ્લામ અને કુરઆનનાં કાયદા કાનુનોથી વિરૂધ્ધ ગયરોએ બળજબરી અને તાકાતના ઝરીએ નાખ્યો હતો તેનું સમર્થન કરવું તો દુરની વાત હતી બલ્કે તેઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ફરમાનોની રોશનીમાં તેનાં હકદાર અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ને જ માનતા હતા.

(અલ-ગદીર)

આવા બુઝુગૅ મરતબાવાળા સહાબીઓમાંથી એક જનાબે સલમાન (અ.ર.) એ ફારસી છે. તેઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની પાકીઝા હયાત દરમ્યાન તેઓ તેમના હુકમોની હંમેશા પયરવી કરતા રહ્યા અને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) નાં ગુલામની હેસિયતથી જીવન પસાર કરી રહ્યા હતા. અને આખરી નબી (સ.અ.વ.) ની વફાત પછી પણ હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના જાંનિસારો અને ફરમાબરદારોમાં તેમની ગણના થતી. તેઓ એટલી હદે તન અને મન લગાવીને એહતેરામ કરતા હતા કે કયારેય પણ પોતાની ઈચ્છાઓને પોતાનાં મૌલાની ઈચ્છા અને ઈરાદા કરતા આગળ નથી કરી. સલમાન (અ.ર.) (અ.ર.)ની જાંનિસારી અને ફિદાકારી નો અંદાજ એના ઉપરથી આવી જાય છે કે જ્યારે લોકો જનાબે સિદ્દીકા તાહેરા (સ.અ.) નાં ઘર ઉપર હુમલો કરવા તેમના દરવાજા ઉપર ભેગા થયા અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની બયઅત લેવા માટે તેમને કૈદ કરવા ઘરમાં દાખલ થયા તો ત્યારે પણ જનાબે સલમાન (અ.ર.) હઝરત અલી ઇબને અબી તાલિબ (અ.સ.) ની સાથે હતા. પોતાના મૌલાનાં હુકમથી સબ્ર અને ખામોશી થકી પોતાની સાબિત કદમીનો પુરાવો આપી રહ્યા હતા.

તો જનાબે સલમાન (અ.ર.) ની આ ફિદાકારીઓ અને આં હઝરત (સ.અ.વ.) સાથેની અનહદ મોહબ્બત જોઈને અને એહલેબૈત (અ.સ.) ના દુશ્મનો સાથેની તેમની દુશ્મનીને ધ્યાનમાં રાખીને આ સવાલ મગજમાં પૈદા થાય છે કે (આ સવાલ ઉભો થાય છે કે):

તો પછી સલમાન (અ.ર.) એ ઉમર બિન ખત્તાબની ખિલાફતના સમયમા કે જ્યારે તેઓ તેને ખિલાફતનાં ગાસિબ સમજતા હતા તો પછી મદાએનની ગવર્નરીને કેમ સ્વીકારી? અને ત્યાંના ઉમૂરની સુધારણા માટે શા માટે કદમ ઉપાડયા?          શું જનાબે સલમાન (અ.ર.)ના આ પગલાને ગસબી ખિલાફતનું સમર્થન ગણવામાં નહીં આવે? અને શું તેનાથી એ સ્પષ્ટ નથી થતું કે જનાબે સલમાન (અ.ર.) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) નાં બીજા સહાબીઓને પણ મેહબ્બત કરતા હતા અને તેમનાથી રાજી હતા?

આ સવાલનાં ઘણા જવાબો માંથી જે વાતનું બધા સમર્થન કરે છે તે એ છે કે જનાબે સલમાન (અ.ર.) પોતાની છેલ્લી ક્ષણો સુધી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એટલેકે એહલેબૈત (અ.સ.) નાં દુશ્મનોના દુશ્મન રહ્યા. અને દૂશ્મનોના માટે કોઇપણ સૂરતમાં કોઇપણ જાતના હકનાં કાએલ ન હતા. પરંતુ આ સવાલનાં જવાબને સ્પષ્ટ કરવા માટે અમુક વાતોનું પૃથ્થકરણ જરૂર કરીશું.

(૧)        જનાબે સલમાન (અ.ર.) નું ઈમાન અને હઝરત અલી (અ.સ.) સાથેની મોહબ્બતઃ-

જનાબે સલમાન (અ.ર.)ના પહેલાનાં જીવનનો અભ્યાસ કરવાથી એ ખબર પડે છે કે જે શખ્સ પોતાનાં મૌલા અને આકાનાં કોઈપણ હુકમનો અનાદર ન કરતો હોય, જે એક પગલુ પણ પોતાનાં મૌલાની ઇચ્છા વિરૂધ્ધ ન ઉપાડતો હોય. જે આટલી હદે મોહબ્બત કરનારો અને ફરમાબરદાર હોય, કેવી રીતે શકય છે કે તેમણે આ બાબતમાં પોતાનાં મૌલાના હુકમની રાહ ન જોઇ હોય? બેશક અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના હુકમ અને તેમની આજ્ઞાથી ગવરનરી સ્વીકારી હતી. આ કલ્પના બહારની વાત છે કે જનાબે સલમાન (અ.ર.) આ બાબતમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની ઉપરવટ જાય. એ વાતતો બીલકુલ સ્પષ્ટ છે કે જેવી રીતે તેઓ પોતાની ઝીંદગીનાં બધા તબક્કાઓમાં પોતાનાં આકા અને મૌલા હઝરત અમીરૂલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) ને માનતા અને ઓળખતા હતા. તેવીજ રીતે ગવરનરીની બાબતમાં પણ આપ (અ.સ.) ને જ મૌલા તસ્લીમ કરતા હતા એટલા માટે મદાએનની ગવરનરી હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની પરવાનગીથી જ કબુલ કરી હતી. તેમાં પોતાની ખ્વાહીશ અથવા કોઈ દુશ્મને એહલેબૈતની ખુશનુદી જરા બરાબર પણ શામેલ નથી. વળી પછી અઈમ્મએ મઅસુમીન (અ.સ.) ની નઝરમાં જનાબે સલમાન (અ.ર.)ની અઝમત અને દરજ્જો અને મદાએનની ગવરનરી સ્વીકાર્યા પછી ખુદ હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની તરફથી અસંખ્ય વાર મળેલી તાઇદ (જેમકે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નાં હાથે ગુસ્લ, કફનનું અદા થવું) આ બધી ઉત્તમ અને સચોટ દલીલો છે.

(બેહારૂલ અન્વાર, ભાગ-22, પાના નં. 368)

(૨)        હુકુમતનાં ઓહદાને કબુલ કરવોએ હુકુમતનાં સાચા હોવાની દલીલ નથી.

આ બાબત નિર્વિવાદ છે કે કોઈ હુકુમતનો દરજ્જા અથવા હોદ્દાનો સ્વીકાર કરવો તેને હુકુમતની પૃષ્ટિ કહી શકાય નહીં. આની શ્રેષ્ઠ દલીલ અને પૂરાવો કુરઆને કરીમમાં જનાબે યુસુફ (અ.સ.) નો બનાવ છે. જેમાં હઝરત યુસુફ (અ.સ.) એ પોતાનાં ઝમાનાના બાદશાહને મિસ્રના ખઝાનાનાં હાકિમ બનવાની દરખાસ્ત મુકી હતી.

قَالَ اجْعَلْنِيْ عَلٰي خَزَائِنِ الْاَرْضِ

તેણે કહ્યું કે મને આ ઝમીનના સઘળા ખઝાનાઓ ઉપર  (અમીનબનાવી દે

(યૂસુફ:૫૫)

જ્યારે કે હઝરત યુસુફ (અ.સ.) અલ્લાહનાં નબી હતા. તેઓ કોઇપણ સંજોગોમાં મીસ્રનાં બાદશાહ અને કાફિર મઝહબનું સમર્થન હરગી કરી શકતા નહોતા. જાહેરમાં બાદશાહની પાસે હુકુમતનો હોદ્દો માંગી રહ્યા હતા.

આ રીતે હઝરત યુસુફ (અ.સ.)ની ગણના મુશ્રીક વ્યકિતની હુકુમતમાંના હોદ્દેદાર તરીકે થાય છે જ્યારે કે તેઓ અલ્લાહનાં નબી છે અને ખાત્રી છે કે અલ્લાહનાં જ હુકમથી આ કામ માટે નિમાયા. એટલા માટે જો આપણે એ વાત સ્વીકારતા હોઈએ કે આ હોદ્દાને સ્વીકારવો જાણે કે મુશ્રીક હુકુમતને સમર્થન આપ્યું કહેવાશે તો પછી એ પણ કહેવું પડશે કે (મઆઝલ્લાહ) અલ્લહ તઆલાએ એક ઝાલિમ અને મુશ્રીક હુકુમતની તાઈદ કરી છે અને ઝુલ્મ કર્યો છે. જ્યારે કે અલ્લાહ કોઈના ઉપર ઝુલ્મ કરતો નથી. આ વાત કુરઆનની અગણીત આયતોની વિરૂધ્ધ પણ છે. એટલે આપણા માટે જરૂરી છે કે આપણે એ વાતને સ્વીકારવી પડશે કે અલ્લહ તઆલાએ મીસ્રના બાદશાહની હુકુમતને સમર્થન આપ્યુ ન હતું પરંતુ હઝરત યૂસુફ (અ.સ.) ને ઝાલિમ હુકુમતમાં હોદ્દેદાર તરીકે જરૂર નિમ્યા છે. અ રીતે કોઈપણ હુકુમતમાં ઓહદો કે સ્થાન સ્વીકારવું તે એ હુકુમતને સમર્થન આપવું એવુ હરગીઝ નથી. આ જગ્યાએ ઈતિહાસનું વધુ એક ઉદાહરણ રજુ કરી શકાય છે. ઈમામ મુસા કાઝિમ (અ.સ.) નાં ઝમાનામાં હારૂનરશીદનાં વઝીર અલી બિન યક્તીન હતા. તેમની ગણના ઇમામ (અ.સ.) નાં વફાદાર સાથીઓમાં થાય છે. અબ્બાસી હુકુમતનાં  સૌથી મહત્તવના હોદ્દા ઉપર હતા તેમ છતાં ઇમામ (અ.સ.) ના મુખ્લીસ અને વફાદાર શીઆઓમાંથી હતા. તેઓ કોઈપણ રીતે ઇમામ (અ.સ.) નાં હુકમોની પૈરવી કરવામાં કયારેય કોતાહી કરતા ન હતા. ઈમામ જે કાંઇ હુકમ આપતા હતા તેને અંજામ આપતા હતા. તેઓ હંમેશા શીઆઓનાં મદદગાર અને તેમનું આશ્રયસ્થાન હતા. ત્યાં સુધી કે જ્યારે અલી બિન યકતીને પોતાનાં હોદ્દાથી રાજીનામું આપ્યું તો ઈમામ (અ.સ.) એ તેમને મનાઈ કરી. અલી બિન યકતીને પોતાનાં પત્રમાં ઈમામ (અ.સ.) ને આ મુજબ લખ્યું હતુઃ

“….. મૌલા! હવે બાદશાહની બાબતોથી મારો જુસ્સો ઓસરી ગયો છે. અલ્લાહ મને આપનો જાંનિસાર બનાવે. અગર આપ મને પરવાનગી આપો તો હું જુદો થઈ જાવ.”

ઈમામ (અ.સ.) એ જવાબ લખ્યોઃ

“હું અલગ થવાની પરવાનગી નહી આપું. અલ્લહથી પરહેઝ કરો અને ડરો.”

(કુરબુલઅસ્નદ, પાના ન.. 126)

(૩)        મોઅમીનોને મુશ્કેલીમાંથી નજાત અપાવવીઃ

મોઅમીનોને મુશ્કેલીમાંથી નજાત અપાવવી અને તેમની હાજતો પૂરી કરવી એવી જવાબદારી છે કે જેને દુનીયાઓના પાલનહારે તમામ મોઅમીનો ઉપર ફરજ કર્યુ છે કે પોતાના મોઅમીન ભાઈની મુશ્કેલી દુર કરવામાં શકય હોય તેટલી બધી કોશિષ કરે. ઈમામ સાદિક (અ.સ.) થી રીવાયત નકલ થઇ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યુઃ

“જે કોઈ મોઅમીનની મદદ કરે તો અલ્લાહ તઆલા તેની 73 મુશ્કેલીઓને દુર કરશે. તેમાંથી ૧ દુનિયામાં અને ૭૨ કયામતમાં દુર કરશે કે જ્યારે તે મુશ્કેલીઓમાં ઘેરાયેલો હશે.” અને ફર્માવ્યું “ત્યાં ઇન્સાન પોતાની જાતમાં મશગુલ હશે.

(ઉસુલે કાફી, ભાગ-3, પાના ન. 302, પ્રકરણએ મોમીનની મુશ્કેલીને દૂર કરવી)

એટલા માટે મોઅમીને એકબીજાની મદદ કરવી જોઈએ અને આ રીતે અલ્લાહ તઆલાની ની ખુશનુદી પ્રાપ્ત કરે. મોઅમીનની મુશ્કેલી દુર કરવા અને તેની હાજતો પુરી કરવાનો એક રસ્તો ઝાલિમ હુકુમતમાં સત્તા અને પ્રભાવ પેદા કરવાનો છે કે જેના વડે મોઅમીનો ઉપર ઝુલ્મ થતો અટકાવી શકાય અને તેમની મુશ્કેલીઓને હલ કરી શકાય. હઝરત યુસુફ (અ.સ.) ના કિસ્સામાં આપણે જોઈએ છીએ કે હુકુમતમાં સત્તા અને પ્રભાવ પૈદા કરવો અલ્લાહના બંદાઓ અને મોઅમીનો માટે ખુબજ કુળદાયી રહ્યું છે. અને તે એવી રીતે કે અદલ અને ઈન્સાફના તકાદા પ્રમાણે બૈતુલમાલને લોકોમાં વહેંચ્યો કે જેનાં કારણે બાદશાહમાં ઝુલ્મથી લોકોને બચાવી લીધા. કુરઆન હઝરત યુસુફ (અ.સ.) ની ઝબાનથી નકલ કરે છે.:

…اِنِّیْ حَفِیْظٌ عَلِیْمٌ۔

“બેશક હું (બૈતુલમાલનો) રખેવાળ અને (બધી ભાષાઓનો) જાણનાર,.”

(સુ. યુસુફ:૫૫)

હારૂનરશીદની હુકુમતમાં જનાબે અલી બિન યક્તીનનાં સંજોગો પણ આવાજ હતા. તેઓ હંમેશા શીઆઓની જાન અને માલની હિફાઝતમાં સક્રીય રહેતા હતા. એ જ કારણે જ્યારે પોતાના હોદ્દાથી રાજીનામું આપવાનો ઈરાદો કર્યો તો ઈમામ કાઝિમ (અ.સ.) એ લખ્યુઃ

“હું તમારા માટે એ જાએઝ નથી સમજતો કે હુકુમતથી પોતાને અલગ કરી લો. એટલા માટે કે ઝાલિમ અને સિતમગારોનાં દરબારમાં અલ્લાહ તઆલા તરફથી અમુક લોકો હોય છે જેમના કારણે તેમના દોસ્તોથી બલાઓ દુર થાય છે અને તે લોકો અલ્લાહ થકી જહન્નમની આગથી નજાત પામે છે. એટલા માટે અલ્લાહના અઝાબથી પરહેઝ કરો અને પોતાનાં ભાઈઓ સાથે નેકી કરો.”

(કરબુલ અસ્નાદ, પાના નં. 126)

આ બાબત એ સમયે ખૂબ વધારે મહત્વની થઈ જાય છે જ્યારે ઈતિહાસમાં અરબ અને અજમની વચ્ચે ખુબજ સખત ભેદભાવ જોવા મળતા હતા અને અજમને ઓરમાન નઝરથી જોવામાં આવતા. જેમકે ઉમર બિન ખત્તાબની ખિલાફતના ઝમાનામાં આ વાત જોવા મળે છે. આવા સંજોગોમાં જનાબે સલમાન (અ.ર.)નું હુકુમતનાં એક ભાગનાં હાકિમ બનવું ખરેખર એક હદ સુધી આવા ભેદભાવોને ઓછા કરવાનો સબબ બન્યો.  અને ખરેખર ઈરાનીઓને ઈસ્લામથી નઝદીક કરવાનો મોકો મળ્યો.

આ મોકા ઉપર બીજી એક વાત એ છે કે ઈરાન અને શામ બન્ને પ્રદેશો લગભગ એકજ સાથે ફતેહ થઈ પરંતું બન્ને વીસ્તોરો ઉપર વિચાર કરીએ તો ખબર પડશે કે બન્ને જગ્યાએ પરસ્પર વિરોધાભાષી વિચારધારા સાથે ઈસ્લામ રજુ કરવામાં આવ્યો છે. તેનું ખાસ કારણ છે કે જે ઇસ્લામ શામના પ્રદેશમાં પહોંચ્યો તે મોઆવીયા બિન અબુ સુફીયાનનાં દ્વારા અને જે ઈસ્લામ ઈરાનમાં આવ્યો તે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નાં બે નઝદીકના છાહનારા હોઝયફા બિન યમાની અને સલમાન (અ.ર.) દ્વારા પહોંચ્યો. અગર બન્ને દેશના રહેવાસીઓના અહલેબૈત (અ.સ.) સાથેના વર્તન અને વર્તણુંક નો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના નિર્ણયની યોગ્યતા અને ઉંડી સુજબુજનો ઉત્તમ પુરાવો બની શકે છે.