અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ગદીરની નસ (નિમણુંક)ના ઈન્કારનું પરિણામ

ગદીરની “નસ” (નિમણુંક)ના ઈન્કારનું પરિણામ

પરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો છે. એટલેકે દીને મુકદ્‌સે ઈસ્લામ.

ત્યારબાદ તેના તરફથી એ તવફીક મળી અને એ તેની મહેરબાની હતી કે તેણે આપણને એહલેબય્ત (અ.મુ.સ.) ની વિલાયત અને મોહબ્બત જેવી સર્વોચ્ચ નેઅમત અતા કરી.

હવે જે બંદો પરવરદિગારે આલમની આ દયા, કરમ અને મહેરબાનીની કદર કરે તો તે ખુશનસીબ છે. પરવરદિગારે આલમની બારગાહમાં તેનો દરજ્જો ઊંચો થાય છે. અને જે પણ ઈલાહી નેઅમતનો ઈન્કાર કરે છે તે બગાવત કરનારો છે. તે એવો બદનસીબ છે કે જેને દુનિયા અને આખેરતમાં અપમાન અને અઝાબ સિવાય કંઈજ મળશે નહિં.

અલ્લાહ તબારક વ તઆલાએ આ મહાન નેઅમતો અતા કર્યા પછી ઈન્સાન નજાત અને સફળતા પ્રાપ્ત કરી શકે અને નુકસાનોથી સુરક્ષિત રહી શકે તે માટે તેણે પોતાના નબીઓ અને વસીઓ (અ.મુ.સ.) ની ઈતાઅત અને ફરમાંબરદારીની તાકીદ કરી. નહીંતર જેવી રીતે આપણા હિદાયત પામવાથી તેને કોઈજ ફાયદો થતો નથી તેવીજ રીતે આપણા ગુમરાહ થવાથી પણ તેનું કોઈ નુકસાન થવાનું નથી.

આ તો તેના લુત્ફો કરમનો અનંત સમુદ્ર છે જેમાં આપણે સવાર સાંજ ડુબકીઓ માર્યા કરીએ છીએ. કારણકે અલ્લાહ પોતાના ઈલ્મ અને હિકમત વડે જાણતો હતો કે માણસ ખુબજ બગાવત કરનારો છે. તેમાં ઝુલ્મ અને હદ ઓળંગવાની બળવાખોરી જોવા મળે છે. તેથી તેણે હિદાયતના ચિરાગોને તેના માટે પ્રકાશિત કરી દીધા. અલ્લાહે એક બાજુ તો તેને સારી અક્કલ, સમજણ અને ન્યાય કરવાની ક્ષમતા આપી અને બીજી બાજુએ પોતાની તરફથી માર્ગદર્શકો મોકલ્યા જે ગુમરાહીના ડરને દુર કરીને તેઓને શરીઅતે ઈલાહીના સુકુન આપનારા રસ્તાઓ ઉપર ચલાવે. તેથીજ અલ્લાહ (સુ.વ.ત.) ફરમાવે છે.

“અય ઈમાન લાવનારાઓ! જ્યારે અલ્લાહ અને તેના રસુલ તમને એ તરફ બોલાવે જે તમારા માટે રૂહાની જીવનનું કારણ હોય તો અલ્લાહ અને તેના રસુલની આજ્ઞાને માની લો અને જાણી લ્યો કે અલ્લાહ એવો શકિતમાન છે કે માણસ અને તેના દિલ (ઈરાદા) ની વચ્ચે આવી જાય છે અને (જાણી લ્યો) કે તમને બધાને તેની સામે ભેગા કરવામા આવશે.”

(સુ. અન્ફાલ, ૨૪)

“અને કોઈ મોઅમીન પુરૂષ કે સ્ત્રી માટે તે યોગ્ય નથી કે જ્યારે અલ્લાહ અને તેના રસુલ તેને કોઈ વાતનો હુકમ આપે તો તેમને તે કામ ને કરવા કે ન કરવાનો ઈખ્તેયાર હોય અને (યાદ રાખો કે) જે શખ્સે અલ્લાહ અને તેના રસુલની નાફરમાની કરી તો ખરેખર તે ખુલ્લી ગુમરાહીમાં છે.”

(સુ. અહઝાબ, ૩૬)

“રસુલ તમને જે કંઈ આપે તેને લઈ લ્યો અને જેનાથી રોકે તેનાથી રોકાઈ જાવ.અલ્લાહથી ડરો, બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનારો છે.”

(સુ. હશ્ર, ૭)

પરંતુ તેમ છતાં ઈતિહાસ, સિરત, હદીસ અને તફસીરથી તે એકદમ સ્પષ્ટ અને જાહેર છે કે મુસલમાનોમાં અમુક એવા લોકો પણ હતા કે જેમને અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ તેઓને જે ચીજોની તરફ બોલાવ્યા અને જે બાબતોનું આમંત્રણ આપ્યું તેમાં અલ્લાહ અને તેના રસુલના હુકમનો વિરોધ કર્યો. અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ જેમની ઈતાઅતનું આમંત્રણ આપ્યું હતું તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.

મુસલમાનોએ અલ્લાહ અને તેના રસુલે બતાવેલી જે ચીજોનો ઈન્કાર કર્યો તેમાંથી એક આપ (સ.અ.વ.) ના ઈન્તેકાલ પછી હદીસે ગદીરની નસ્સના ઈન્કારનો પણ સમાવેશ થાય છે. મુસલમાનોએ તેનાથી મોઢું ફેરવી લીધું અથવા સંપૂર્ણપણે તેને ભુલાવી દીધી. જ્યારે કે આ તે હકીકત છે કે જેનો ઈન્કાર અશકય છે. તેનો ઈન્કાર એવીજ રીતે અશકય છે જેવી રીતે ભરબપોરે સુરજનો ઈન્કાર કરવો અશકય છે. અગર કોઈ આસમાનમાં ચમકતા સુરજનો ઈન્કાર કરે છે તો તે સુરજનું કંઈ નુકસાન નથી કરતો. પરંતુ લોકોની નજરમાં પોતાની ઈઝઝત ગુમાવી દે છે. પરંતુ તેઓનું શું કેહવું! તેઓની જીદનું છતાંય સુરજ તેઓને પોતાના કિરણોથી ફાયદો ઉપાડવાની તક આપે છે. આમ મુસલમાનોએ હદીસે ગદીરની નસ્સનો ઈન્કાર કરીને પોતાનુજ નુકસાન કર્યું છે. હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) નું કોઈ નુકસાન નથી કર્યુ. પરંતુ તેમ છતાં ઈમામતના આ સુરજનો ફાયદો દરેક સુધી પહોંચતો રહ્યો છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) ની હદીસે ગદીર એટલેકે રસુલુલ્લાહ (સ.અ.વ.) નું ઉમ્મતની રહબરી અને ઈમામત માટે મઅસુમ ઈમામો (અ.સ.)ને જાનશીન તરીકે નિયુકત કર્યા હતા. તેમ છતાં મુસલમાનોએ તેઓનો ઈન્કાર કરીને ઈન્સાનીય્યતનું એટલું મોટું નુકસાન કર્યુ છે જેની ભરપાઈ કોઈપણ રીતે શકય નથી.

એહલે સુન્નતના આલિમોએ પોતેજ હદીસે ગદીરની નસ્સના ઈન્કારના નુકસાનો અને તેના ખરાબ પરિણામોનું તેમજ તેની અતિશય ખરાબ અસરોની જાહેરમાં સ્પષ્ટતા કરી છે. અહીં આપણે એહલે સુન્નતના અમુક આલિમો અને સમજદાર લોકોની કબુલાતો રજુ કરીશું.

(૧) ખિલાફતનું રાજાશાહીમાં પરિવર્તન:

ડો. અહમદ મહમુદ સબહી કહે છે:

‘બયઅત અને રાજકરણની વ્યવસ્થાના વિષે એહલે સુન્નતની વિચારધારાના કારણે ઘણી અસરો જાહેર થઇ છે. પ્રથમ ત્રણેય ખલીફાઓમાંના દરેક પોતાની ઈચ્છા પ્રમાણે એક બીજાની કાર્ય પધ્ધતીથી વિરૂધ્ધ હુકમો આપતા રહ્યા, આવી હાલતમાં ઈસ્લામની સાચી છબી કેવી રીતે દોરી શકાય કે જેના ઉપર તમામ મુલસમાનો એકમત થઈ શકે.”

(નઝરીયતો અલ-ઈમામતે લદય અશ્-શીય્યતે

અલ-ઈસ્ના અલ-અશઅરીય્યા, પા. ૫૦૧)

બીજી કિતાબમાં લખે છે:

‘મોઆવીયાએ પોતાના પછી પોતાના દીકરાને ખલીફા નિયુકત કરીને ખિલાફતને વારસાગત બનાવી દીધી. જેના કારણે ઈસ્લામી વ્યવસ્થામાં એક એવી બિદઅતનો પાયો મુકાઈ ગયો કે જેના પછી એક નવો સિલસિલો શરૂ થઇ ગયો. પછી તો શું? સલફની સુન્નત પાયમાલ થવા લાગી. ખિલાફત ઈરાન અને બઝન્તીઓની રાજાશાહી સાથે લડવા લાગી અને ખિલાફતને રાજાશાહીનું નામ આપી દેવામાં કોઈ અડચણ ન રહી. ટુંકમાં એ કે જાહિઝના કહેવા પ્રમાણે ખિલાફતનું રાજાશાહી અને મહેલોની શહેનશાહીમાં પરિવર્તન થઇ ગયું.”

(અન્નિઝામો અલ-ઈસ્લામીય્યા

નિશસ્તહા વ તતવ્વુરહા, પા. ૨૬૭)

પછી લખે છે

‘ઝાલિમ ખલીફાઓના ઝમાનામાં ઈસ્લામના નામે તાકત અને બળના આધારે જે કંઈ કારાસ્તાનો કરવામાં આવ્યા, તે બધાને દીને મુકદ્દસે ઇસ્લામની સાથે કોઈ સંબંધ નથી. અલ્લાહનો દીન તેનાથી એકદમ મુક્ત અને સ્વતંત્ર છે. કયામત સુધી તેના ગુનાહો તે લોકોના ખાતામાં લખવામાં આવશે જેઓ આ પ્રકારની હુકુમતો માટે જવાબદાર છે.”

(ઉપર મુજબ, પા. ૨૭૯)

(૨) ઝુલ્મ અને સરમુખત્યારીએ ખિલાફતમાં પણ સ્થાન મેળવ્યું:

જાહિઝ એહલેસુન્નતના મહાન આલિમોમાંથી ગણાય છે. તેમ છતાં કે તેઓ ઉસ્માનના તરફદાર અને સમર્થક છે પરંતુ મોઆવીયાની હુકુમતની રીતનો સખત વિરોધ કરતા લખે છે:

‘…મોઆવીયાએ પોતાની હુકુમતમાં ખુબજ ઝુલ્મ અને સરમુખત્યારી ચલાવી અને મોહાજેરીન અને અન્સારના સમુહ તેમજ શુરાના બીજા સભ્યો ઉપર ખુબજ અત્યાચારો કર્યા, એટલી હદે કે જે વર્ષને એકતાનું વર્ષ ઠરાવ્યું હતું તેમાં પણ મુસલમાનો હાકિમે શામના ઝુલ્મ અને અત્યાચારથી સુરક્ષિત ન રહ્યા. હકીકતમાં તે એકતાનું વર્ષ ન હતું બલ્કે ઝુલ્મ, અત્યાચાર, જુદાઈ, વિરોધો અને જોર-જબરદસ્તીનું વર્ષ હતું. જેમાં ઈમામત અને ખિલાફત રાજાઓ, મહેલોની રાજાશાહી અને તખતો તાજમાં બદલાઈ ગઈ.’

(રસાએલે જાહિઝ, પાના ૨૯૨-૨૯૭, રસાએલે યાઝ દહુમ)

નોંધ:

આ ઈસ્લામના સરદારો, આ લેખકો અને સંકલન કરનારાઓ, આ કલમ ચલાવનારા કોણ છે જેની સામે ઉસ્માનની ખિલાફતના કારાસ્તાનો, મરવાન બિન હકમ ઉપર તેની મહેરબાની, બયતુલ માલના ઇસ્રાફને નહોતા જાણતા? જાણવા છતાં પણ તેની હિમાયત કરવા તૈયારી!!

‘ખસ્તે અવ્વલ ગર નહદ મેઅમાર કુજા તા સય્યાએ રૂ દિવરે કજ”

‘પહેલી ઈંટજ આડી મુકે એ કડીયો કેવો, કે જેનાથી દીવાલ જ વાંકી બને?”

મોઆવીયાની રાજાશાહી આજ ખિલાફતની એક મજબુત શાખા તો હતી. કાશ કે હદીસે ગદીરની નસ્સને છુપાવવા કરતા તેની ઝેરી અસરોથી માહિતગાર હોત તો દુનિયાને ઈસ્લામની તબાહીનું આ દ્રશ્ય જોવું ન પડત.

(૩) હ. અલી (અ.સ.)ના બારામાં રસુલુલ્લાહ (સ.અ.વ.) ના તમામ હુકમોની અવગણના કરવી:

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ હ. અલી (અ.સ.) ની જે કંઈ ફઝીલતો અને મનાકીબ (સદગુણો) વર્ણવ્યા હતા તે બધાને નજર અંદાજ કરી નાંખ્યા. એહલેબૈત (અ.સ.) બાબતે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની નસીહતો અને ભલામણોથી મુસલમાનોએ મોઢું ફેરવી લીધુ. તેટલુંજ નહિં બલ્કે એહલેબૈત (અ.સ.) નું નાહક ખુન વહાવ્યું. ઈમામત જેવા ઈલાહી હોદ્દા ઉપર યઝીદ જેવા ફાસિક અને ફાજીર માણસને બેસાડી દેવામાં આવ્યો. આ બાબતે ઈબ્ને કુતયબા લખે છે:

‘જહમીય્યા અને મુશબ્બ્હાએ હ. અલી કરરમલ્લાહો વજહહુના મરતબાને ઘટાડવામાં અતિશ્યોક્તિથી કામ લીધુ. તેમના હકનો ઈન્કાર કરીને ગુમરાહી અને અંધકારને પસંદ કર્યો. તેઓએ પોતાના ઝુલ્મોને વ્યાજબી પૂરવાર કર્યા વગર ઝુલ્મ અને સિતમ વડે તેમનું નાહક ખૂન વહાવ્યું… પોતાની અજ્ઞાનતાના આધારે ઈમામ (અ.સ.) ને ઈમામતના પાકિઝા સ્થાનથી હટાવીને ફિત્ના-ફસાદ કરનારાઓના ઈમામ ઠરાવ્યા. લોકોમાં મતભેદ હોવાના કારણે તેમની ઈમામત અને ખિલાફતને ન સ્વીકારી બલ્કે તેમની સામે યઝીદ બિન મોઆવીયાને (પોતાના મંતવ્ય પ્રમાણે) ઊમ્મતના ઈજમાઅને કારણે તેને ખિલાફતનો હકદાર સમજી લીધો.”

(અલ ઈખ્તેલાફો ફી લફઝે વર રદદે અલા

જહમીયા વલ મુશ્બેહાહ, પા. નં. ૪૭-૪૯)

(૪) દીને હક્ક અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ની સુન્નતમાં ફેરફાર:

તેમાં કોઈ શંકા નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) ના ઈન્તેકાલ પછી પાકીઝા દીને ઈસ્લામમાં એવી એવી બાબતો ઘુસાડી દેવામાં આવી જેનો ઈસ્લામ સાથે દુર-દુર સુધી પણ કોઈ સંબંધ નથી, જેને આજનો મુસલમાન દીનનો એક ભાગ સમજીને અંજામ આપવામાં તન-મનથી લાગેલો છે અને આ બાબતોને સાચા મોઅમીનની નિશાની સમજે છે. આ બધી વાતોને રજુ કરવાનો મૌકો નથી. રસ ધરાવનારા લોકોએ મહાન સંશોધક સૈયદ શરફુદ્દીન મુસવીની કિતાબ ‘અલ ઈજતેહાદ વન્નસ્સ” તરફ રજુ થઈ શકે છે. અહિં માત્ર એહલે સુન્નતના એક બુઝુર્ગ આલિમ મકરીઝીની કબુલાતનો ઊલ્લેખ કરીશું.

મકરીઝી લખે છે:

‘અલ્લાહ અને તેના રસુલે સાચુંજ કહ્યું હતુ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પછી અમુક એવા ખલીફાઓ આવશે જે હિદાયતના રસ્તા અને દીને હક્ક થકી ફેંસલા નહીં કરે અને સુન્નતોને બદલી નાખશે…”

(અન્નિઝાઅ વત્ત-તખાસુમ, ભા.૧૨, પાના નં. ૩૧૫-૩૧૭)

(૫) કુપાત્ર (કપાતર) માણસો ઈસ્લામના સત્તાધારી બની ગયા જેના કારણે મુસલમાનો અને ખાસ કરીને બુઝુર્ગ સહાબીઓની ખૂના-મરકીનો માર્ગ મોકળો બની ગયો:

આ બાબતે ઈબ્ને હઝ્મ ઝાહેરી લખે છે:

‘યઝીદ બિન મોઆવીયાએ ઇસ્લામમાં ખુબજ ખરાબ પરિણામો ઊભા કર્યા. તેણે પોતાની હુકુમત અને રાજ્યની શરૂઆતના દિવસોમાં ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના એહલેબૈત (અ.સ.) ને કત્લ કર્યા. અબ્દુલ્લાહ બિન ઝુબૈરને મસ્જીદુલ હરામમાં કૈદ કર્યા. ઈસ્લામ અને કાબાની હુરમતનો વિચાર પણ ન કર્યો અને હુકુમતના અંતિમ દિવસોમાં મદીનાવાસીઓ, કૌમના બુઝુર્ગો અને મહાન સહાબાઓને હરર્રાના બનાવમાં કત્લ કરી નાંખ્યા.”

(જમહરતો અન્સાબ અલ-અરબ, પાના નં. ૧૧૨)

બીજી કિતાબમાં કંઈક આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી છે:

‘બની ઉમય્યાના રાજાઓએ નમાઝમાંથી તકબીરને કાઢી નાખી, નમાઝે ઈદે ફીત્ર અને ઈદે કુરબાનના ખુત્બાને આગળ કરી નાંખ્યો. એટલી હદે કે આ વાત દરેક જગ્યાએ ફેલાઈ ગઈ (અને દરેક સ્થળે આ બિદઅત અને ગુમરાહી અંજામ અપાવા લાગી) માટે હવે એમ કહેવું બિલકુલ સાચુ અને યોગ્ય છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) સિવાય કોઈનો પણ અમલ હુજ્જત નથી.”

(અલ મુહલ્લા, ૧/૫૫)

(૬) તફસીરે આલુસીમાં વણૅન થયું છે (અબુ સનાઅ આલુસી):

વમા જઅલ્નર રુઅયલ લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશ્શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નોખેવ્વેનોહુમ ફમા યઝીદોહુમ ઈલ્લા તુગયાનન કબીરા.

“અને તે સપનું કે જે અમે તમને દેખાડયું હતુ તેને માત્ર લોકો ના ઈમાનની આજમાઈશનું માધ્યમ બનાવ્યું હતું (તેવીજ રીતે) તે ઝાડ કે જેના ઉપર કુરઆનમાં લાનત કરવામાં આવી છે અને તેમ છતાં અમે તેઓને અલગ-અલગ રીતે ડરાવીએ છીએ પરંતુ અમારૂ ડરાવવું તેમની બગાવતને વધારતુંજ ગયું..”

(સુ. બની ઈસરાઈલ, ૬૦)

આ આયતની તફસીરમાં ઈબ્ને જરીર ઈબ્ને અબી હાતિમ અને ઈબ્ને મરદવય્હે અને બયહીકી વિગેરેના હવાલાથી પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના સ્વપ્ન વિષેની રિવાયતો ને વર્ણવી છે કે બની ઉમય્યા આપ (સ.અ.વ.) ના મિમ્બર ઉપર વાંદરાઓની જેમ ચઢી રહ્યા છે. જ્યારે આ સ્વપ્ન આપ (સ.અ.વ.) ને આકરૂ અને તકલીફ દેહ લાગ્યું તો અલ્લાહ તઆલાએ આ આયતે કરીમાને નાઝિલ કરી.

(તફસીરે આલુસી, આ આયત હેઠળ, સુ. ઈસરા, ૬૦)

(૭) ખાનએ કાબાની પવિત્રતા અને મદીનએ મુનવ્વરાની બેહુરમતી અને લુંટફાટ:

ડો. તાહા હુસૈન મિસરી કહે છે:

‘અલ્લાહે કુરઆનમાં મક્કાની પાકીઝગી અને હુરમતને વર્ણવી છે અને મદીનએ રસુલને પણ ઈઝઝત અને એહતેરામ આપેલ છે. પરંતુ બની ઉમય્યાએ મદીના અને મક્કાને મુબાહ જાહેર કર્યુ. ત્રણ વખત મદીનાની પવિત્રતા પાયમાલ થઇ છે. સૌ પ્રથમ યઝીદ બિન મોઆવીયાએ ત્યાં ખુનામરકીનું બજાર ગરમ કર્યું અને અબ્દુલ મલિક બિન યઝીદ બિન મોઆવીયાએ ત્યાં ખૂનામરકીનું બજાર ગરમ રાખ્યુ અને અબ્દુલ મલિક બિન મરકીને પણ હજ્જાજ બિન યુસુફને મક્કાની બરબાદી માટે દરેક પ્રકારની પરવાનગીઓ આપી હતી. ત્યારબાદ ત્યાં જે કંઈ ઝુલ્મો કરવામાં આવ્યા તેને ઈતિહાસે પોતાના પાનાઓમાં સાંચવી રાખેલ છે જેને વાંચીને માણસના રૂંવાટા ઉભા થઈ જાય છે. આ બધાજ ઝુલ્મો ફકત એટલે કરવામાં આવી રહ્યા હતા જેથી કરીને ઈસ્લામના મહત્વના અને મુકદ્દસ શહેરો અબુ સુફયાન અને બની મરવાનની ઔલાદના કબજામાં આવી જાય અને તેઓની સામે માથુ ન ઊંચકે. યઝીદ બિન મોઆવીયાના હુકમથી ઈબ્ને ઝિયાદે ઈમામ હુસૈન (અ.સ.) અને આપના ફરઝંદો, આપના ભાઈઓને શહીદ કર્યા અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ની દીકરીઓ અને નવાસીઓને કૈદી બનાવ્યા. બયતુલ માલ મુસલમાન ખલીફાઓની અંગત મિલ્કત બની ગઈ. પછી મન ફાવે તેમ વાપરતા. તેમાં અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) ની પસંદ-નાપસંદનું કાંઈ સ્થાન ન હતું.”

(મિરઅતુલ ઈસ્લામ, પા. ૨૬૮-૨૭૦)

બીજી જગ્યાએ લખે છે:

‘બની ઉમય્યાની હુકુમતનો પાયો જોર, જબરદસ્તી, સરમુખત્યારી અને સરકશી ઉપર હતો. પૂર્વ અને પશ્વિમની દુનિયામાં ઝિયાદ અને આલે ઝિયાદ એટલા માટે ફિત્ના ફસાદ ફેલાવતા હતા કે જેથી કરીને બની ઉમય્યા માટે હુકુમતને મજબુત કરી શકે. એટલા માટે બની ઉમય્યાએ પણ તેઓને દરેક પ્રકારની છુટછાટ આપી હતી. ઝિયાદ અને ઈબ્ને ઝિયાદ પછી હજ્જાજ ઈરાક આવ્યો અને ઈરાકની ધરતીને કત્લોગારત અને ફિત્નાફસાદથી ભરી દીધી.”

(મિરઅતુલ ઈસ્લામ, પા. ૨૬૮-૨૭૨)

ડો. તાહા હુસૈન પોતાની કિતાબ ‘અલ ફિત્નતુલ કુબરા” માં લખે છે:

‘હ. અલી (અ.સ.) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી સૌથી વધારે નજદીક હતા, તેમનીજ છત્રછાયામાં અલી (અ.સ.) નો ઉછેર થયો હતો અને તેમની તમામ અમાનતો માટે અલી (અ.સ.) જ જાનશીન વારસદાર હતા અને ભાઈચારાના કરારના આધારે રસુલુલ્લાહ (સ.અ.વ.) ના ભાઈ હતા, આપ (સ.અ.વ.) ના જમાઈ હતા, રસુલ (સ.અ.વ.) ની ઝુર્રીયતના વાલિદે બુઝુર્ગ હતા, હ. અલી (અ.સ.) પયગમ્બર (સ.અ.વ.) નું ઈલ્મ ધરાવનારા હતા. એહલેબૈત (અ.સ.) માં તેઓજ તેમના જાનશીન હતા અને આપ (સ.અ.વ.) ની નસ્સ પ્રમાણે આપ (સ.અ.વ.) ની નજદીક અલી (અ.સ.) નું તેજ સ્થાન છે જે હ. મુસા (અ.સ.) ની પાસે હ. હારૂન (અ.સ.) નું હતું. અગર તમામ મુસલમાનો આ હકીકતોનો સ્વીકાર કરી લેતે અને તેઓ આ હકીકતોના આધારે હ. અલી (અ.સ.) ને ચૂંટી કાઢતે તો કદીપણ હકથી દુર ન થાત અને ન તેમનાથી વિમુખ થતે… આ બધીજ હકીકતો અલી (અ.સ.) ની ખિલાફત માટેના દસ્તાવેજરૂપી પુરાવાઓ છે. પછી ભલે તે આપ (સ.અ.વ.) સાથે નજદીકીની બાબત હોય અથવા ઈસ્લામ સ્વીકારવામાં પહેલ કરવાની હકીકત હોય અથવા બધાજ મુસલમાનો દરમ્યાન આપ (અ.સ.) ના સ્પષ્ટ અને જાહેર દરજ્જાની વાત હોય. અલ્લાહની રાહમાં જેહાદની વાત હોય અથવા આપનું પાકીઝા ચારિત્ર્ય અને કિરદાર હોય કે જેમાં જરા પણ શંકાને સ્થાન નહોતુ, અદાલત અને હિદાયત હોય અથવા તો કિતાબ અને સુન્નત ઉપર મક્કમતા, આ બધીજ બાબતો આપ (અ.સ.)ને ઈમામત અને ખિલાફત માટે સૌથી વધારે હકદાર ઠરાવતી હતી. બની હાશિમ ખિલાફત અને ઈમામતની બાબતોથી જબરદસ્તીથી દુર કરી દેવાયા છે અને તેમને દુર કરનારા કુરૈશ જ હતા કારણકે તેઓને આ વાતનો અતિશય ડર હતો કે લોકો બની હાશિમની આસપાસ એકઠા ન થઈ જાય અને તેઓને તે વાત પસંદ ન હતી કે ખિલાફત તેમના કબીલામાંથી નિકળીને કોઈ બીજા કબીલામાં ચાલી જાય.”

(અલ ફિત્નતુલ કુબરા, ભાગ-૧, પાના નં. ૧૫૨)

બીજી જગ્યાએ લખે છે:

‘દુનિયા મોઆવીયાનો ભલે ગમે તેટલો કસીદો પડે અને તેના ગીત ગાય પરંતુ આ હકીકત પણ તેની જગ્યાએ એટલી સ્પષ્ટ છે કે તેને કોઈ જુઠલાવી શકતુ નથી કે તે જંગે ઓહદ અને ખંદકમાં મુશ્રીકોના સરદાર અબુ સુફયાનનોજ દિકરો હતો, તે એજ હીન્દાનો દીકરો છે જે હ. હમ્ઝા (અ.ર.)ના કત્લનું કારણ હતી. તેણીએજ તેમનું પેટ ચીરી અને કલેજુ કાઢીને મોઢેથી ચાવવાની કોશીશ કરી હતી પરંતુ ખાઈ શકી નહીં. આ વાત પયગમ્બર (સ.અ.વ.) માટે ખુબજ તકલીફનું કારણ બની હતી.”

(અલ-ફિત્નતો અલ-કુબરા, ભાગ-૨, પાના નં. ૧૫)

(૮) જાહેલિય્યતના ઝમાનાની મૂર્તિપૂજાનું પાછા ફરવું:

પ્રખ્યાત ઈતિહાસકાર સૈયદ અમીર અલી હિન્દી લખે છે:

‘બની ઉમય્યાની હુકુમતની રીત રસમે ફકત ખિલાફતના સિધ્ધાંતોનેજ નથી બદલાવ્યા બલ્કે તેણે ઈસ્લામની બુનિયાદ અને પાયાને હલાવી નાંખ્યો.”

(મુખ્તસર તારીખે અલ-અરબ વ

અત્-તમદ્દ્દને અલ-ઈસ્લામ, પાના નં. ૬૩)

બીજી જગ્યાએ લખે છે:

‘શામમાં મોઆવીયાની હુકુમત આવવાથી જાહેલિય્યતની બુતપરસ્તિને ફરી ટેકો મળી ગયો. તેના કારણે ઈસ્લામની બધીજ તાલીમો ભુંસાઈ ગઈ.”

(રૂહો અલ-ઈસ્લામ, પાના નં. ૨૯૬)

(૯) ખિલાફત બાબતે આજ સુધી મતભેદ:

એહમદ અમીન મીસરી ‘યવ્મો અલ-ઈસ્લામ” માં લખે છે: પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) જે બીમારીમાં વફાત પામ્યા તેમાં આપ (સ.અ.વ.) એ પોતાની પછીના ખલીફાને નિયુકત કરવાનો ઈરાદો કર્યો જેમકે સહીહ બુખારી અને સહીહ મુસ્લીમમાં લખ્યુ છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘લાવો હું એક લખાણ લખી આપુ, જેથી મારા પછી તમે લોકો ગુમરાહ ન થાવ, પરંતુ તેઓ પોતાના લોકોમાંથી જેને ખિલાફતનો અમ્ર સોંપવા માંગતા હતા તેઓને ખલીફા બનાવતા રહ્યા છે. તેથીજ આજ સુધી ખિલાફત બાબતે મતભેદ જોવા મળે છે, પયગમ્બર (સ.અ.વ.) ના ઝમાનામાં ઈસ્લામ ખુબજ શકિતશાળી અને મઝબુત હતો પરંતુ પયગમ્બર (સ.અ.વ.) ની વફાત પછી ભયાનક લડાઈઓ શરૂ થઈ ગઈ.”

(યવ્મુલ અલ-ઈસ્લામ, પાના નં. ૪૧)

નોંધ:

અફસોસ તે વાતનો છે કે પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) એ પોતાની વફાત પહેલા એક લખાણ લખવાનો હુકમ ફરમાવ્યો જેને અમલમા મુકવા દેવામાં ન આવ્યો. તે પ્રસંગ એક દુ:ખદ ઘટના સાબિત થઈ. અને આ ઐતિહાસિક વળાંકથી ઈસ્લામની પડતીનો પડછાયો દેખાવા લાગ્યો. જે ત્યારબાદ બની ઉમય્યા અને બની અબ્બાસના બદ કિરદાર બાદશાહોએ ‘ઝિલ્લે ઈલાહી” (અલ્લાહનો પડછાયો) ના નામથી એવી જાળ પાથરી કે મોટા મોટા આલિમો આ પડછાયાની જપટમાં આવીને પોતાનું ઈમાન ગુમાવી બેઠા. આ રીતે સાચા ઈસ્લામની સામે ગુમરાહીનો એક મોટો દરવાજો ખુલી ગયો.

(૧૦) જન્નત અને જહન્નમનો ઈન્કાર:

ડો. અલી સામી નિશાર લખે છે:

જ્યારે ઉસ્માન બિન અફફાનને ખિલાફત મળી તો અબુ સુફીયાને કહ્યું:

‘જુઓ તીમ અને અદી કબીલા પછી તમને હુકુમત મળી છે. તેથી તેને એક દડાની જેમ પોતાના હાથોમાં ફેરવતા રહો અને તેના મુળોને બની ઉમય્યામાં નાખી દો, કારણકે ખિલાફત એક બાદશાહી છે, હું નથી માનતો કે જન્નત અથવા જહન્નમ જેવી કોઈ વસ્તુ પણ અસ્તિત્વ ધરાવે છે.”

(અન્-નેઝાઅ વ અત્-તખાસુમ, પાના નં. ૩૧)

નોંધ:

અબુ સુફીયાન ઉસ્માન બિન અફફાનને સંબોધીને કહેતો હતો જે ખલીફાની હૈસીયતથી મુસલમાનોનો આગેવાન હતો. ઉસ્માન બની ઉમય્યાની પેઢીનો પ્રથમ ખલીફા હતો. આ પ્રકારની વાતચીતથી બન્નેના રોગનો ખ્યાલ આવે છે. બદ્ર, હુનૈન, ખંદક અને ખૈબરમાં જેણે બગાવતનો પરચમ ઉપાડયો હતો તે રૂપ બદલીને ઈસ્લામના મૂળોને હલબલાવી નાંખવામાં લાગેલા હતા. અબુ સુફીયાનના એક-એક શબ્દમાંથી દુશ્મનીનું ખુબજ કડવુ ઝેર ટપકી રહ્યું હતું. એ સાચું છે કે પહેલા લોકોની બુધ્ધિમત્તા અને કિરદાર તબાહ થઈ જાય છે અને પછી તે કૌમની અઝમતનું પતન થાય છે.

(૧૧) દુનિયાના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના:

ગદીરની નસ્સના ઈન્કારના આધારે ઈસ્લામના નામે જેટલી હુકમતો અથવા ખિલાફતો બની છે, તે ઈસ્લામી ઈતિહાસ માટેજ નહિં પરંતુ દુનિયાના ઈતિહાસ માટે પણ એક બહુ મોટી દુર્ઘટના છે. જેના જેવી બીજી કોઈ દુર્ઘટના થઈ શકતી નથી. આ બાબતે અબ્બાસ મેહમુદ અક્કાદ લખે છે:

‘ખિલાફતના ઝમાના પછી બની ઉમય્યાના ખાનદાનની હુકુમતની સ્થાપના, ઈસ્લામી ઈતિહાસ અને દુનિયાના ઈતિહાસની એક ખુબજ ખતરનાક અને દર્દનાક ઘટના હતી જે અસ્તિત્વમાં આવી.”

(મોઆવીયા ફી અલ-મીઝાને, ભાગ-૩, પાના નં. ૫૩૪)

પ્રખ્યાત ઈતિહાસકાર તબરીએ સઈદ ઈબ્ને સોવૈદથી વર્ણવ્યું છે કે મોઆવીયાએ એક દિવસ લોકોને સંબોધીને કહ્યું:

‘મે તમારી સાથે એટલે જંગ નથી કરી કે નમાઝ પઢો, રોઝા રાખો, હજ કરો અને ઝકાત આપો. પરંતુ મેં એટલા માટે જંગ કરી છે કે જેથી હું તમારા ઉપર હુકુમત કરૂં.”

(મોઆવીયા ફી અલ-મીઝાને, ભાગ-૩, પાના નં. ૬૧૧)

નોંધ:

ગદીરની નસ્સના ઈન્કારે રાજકરણ અને હુકુમતના જાતે ઘડેલા બંધારણે ઈસ્લામના રંગ અને રૂપને બદલી નાખ્યો છે. કુરઆને મજીદની નત-નવી તફસીરો, નત-નવી તાવીલો, નવા નવા અર્થો અને વસ્તુ વિચારોના ઘડેલા વલણો બધુંજ ઉભરીને સામે આવવા લાગ્યું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો લોકોને ગદીરનો પ્રસંગ, કલમ અને દવાતનો પ્રસંગ યાદ આવવા લાગ્યો. નહીંતર સુન્ની ઈતિહાસકારો આ રીતે પોતાના પૂર્વજો ઉપર આમ ભોંઠપ ન અનુભવત!

(૧૨) ખિલાફતના શાસન હેઠળ બિદઅતો અને શરીઅત વિરૂધ્ધની બાબતોને ઈજતેહાદનું નામ આપી દેવામાં આવ્યું:

એહલેબૈત (અ.મુ.સ.) ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની ઈમામત અને ખિલાફત માટે પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.) ની તરફથી બયાન થયેલ હદીસો અને રિવાયતોના ઈન્કાર પછી જ્યારે મુસ્લીમ સમાજને નવા-નવા પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો થયો તો જેવી રીતે મુસલમાનોએ એહલેબૈત (અ.મુ.સ.) ના ઈમામતના હકને ગસબ કર્યો તેવીજ રીતે મુસલમાનોએ તેઓ પાસેથી દીનની સમજુતી અને એહકામ તથા કુરઆનનું અર્થઘટન કરવાનો હક પણ ગસબ કરી લીધો. આ રીતે પોતાના અભિપ્રાય અને નફસાની ખ્વાહીશોથી એહકામ બયાન કર્યા. આમ ખિલાફતની બાબતોમાં ઈજતેહાદનો દરવાજો ખુલી ગયો. આ વિષયમાં જોરડનની યુનિવર્સીટીના પ્રોફેસર ડોકટર મોહમ્મદ ખાલિદ લખે છે, પયગંબરે અકરમ (સ.અ.વ.) ની વફાત પછી ખિલાફત નવી શાસન પધ્ધતિ રૂપે જાહેર થઈ, જેના કારણે તેમાં ઈજતેહાદનો રસ્તો ખુલી ગયો, ખિલાફતની શાસન પધ્ધતિની ચર્ચા શરૂ થઈ ગઈ અને સામાન્ય મુસલમાનોમાં ખિલાફતના ઈજતેહાદ અને ખતાની ચર્ચા થવા લાગી. જેના કારણે અલગ-અલગ મતો અને વિચારસરણીઓ અસ્તિત્વમાં આવી ગઈ. દીની અને રાજકરણના ફિરકા અને જમાઅતો અસ્તિત્વમાં આવવા લાગ્યા. ચર્ચા થવા લાગી કે ખિલાફતનું સ્વરૂપ કેવું હોય અને ખલિફાની પસંદગીનું માપદંડ શું હોય? આ ચર્ચા થકી ખિલાફતના અલગ-અલગ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા.

(અલ-અહવાલો અલ-ફિકરીયા લે અસ-સકાફતે

અલ-ઈસ્લામીયા, ભાગ-૩, પાના નં. ૧૬)

(૧૩) ખિલાફતના મતભેદના નામે ભૂતકાળ અને ભવિષ્યના તમામ ઝુલ્મોને જવાબદાર ગણાવવા:

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની ઈમામતના હકને ગસબ કરવાના પરિણામે જે ઝુલ્મો ગુજારવામાં આવ્યા હતા અને આવતા રહ્યા, કેટલાયના ગળા કાપી નાખવામાં આવ્યા, નસલોને તબાહ અને બરબાદ કરી દેવામાં આવી. સાલેહ આલિમો, અલ્લાહના વલીઓ અને અલ્લાહ ખાસ બંદાઓને નાહક કત્લ કરવામાં આવ્યા. નામાંકિત સહાબીઓ, હામિલાને કુરઆન અને કુરઆના હાફિઝોને તલવારથી કાપી નાંખવામાં આવ્યા. ઉપરાંત તેનાથી પણ વધીને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ની શહાદતથી લઈને અગ્યારમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) ની શહાદતની જવાબદારી તેઓના જ શિરે જાય છે જેમણે ખલીફાએ બિલા ફસ્લ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની ઈમામત અને ખિલાફતનો ઈન્કાર કર્યો અને તેની વિરૂ્ધ્ધ નફસાની ખ્વાહીશો અને સત્તાની હવસમાં અલગથી એક ખલીફા બનાવી નાખ્યો.

મોહમ્મદ રશીદ રેઝા તફસીરૂલ મનારમાં લખે છે:

‘બની ઉમય્યાએ ઈસ્લામી હુકુમતને તબાહ અને બરબાદ કરી નાખી, તેના સિધ્ધાંતો અને પાયાઓને હચમચાવી નાંખ્યા અને મુસલમાનો માટે વ્યકિતગત અને હંમેશાની હુકુમતનો પાયો નાખી દીધો. આના કારણે તેમના પોતાના અમલો અને કયામત સુધી આવનારા તમામ લોકોના અમલો કે જેઓ તેની રીત ઉપર ચાલતા રહેશે તેનો જવાબ આપવો પડશે.”

(તફસીરૂલ મનાર, ભાગ-૫, પાના નં. ૧૮૮)

આ તમામ મુશ્કીલો ઈલાહી નસ્સ અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ના હુકમની અવગણના કરવાના પરિણામે પૈદા થઈ છે. અગર મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.) પછી મઅસુમ ઈમામો (અ.સ.) માટેની નસ્સનો ઈન્કાર ન કરતે તો કદી પણ તે મુસીબતોમાં ફસાતે નહિં. ઈન્કારના પરીણામની આ તે ખરાબ અસરો છે કે જેનો એહલે સુન્નતના આલિમોએ સ્વીકાર કર્યો છે અને શિકાયત પણ કરી છે. આ તે મુશ્કેલીઓ છે જેનાથી એહલેબૈત (અ.મુ.સ.) નું અનુસરણ કરવાના કારણે શીઆઓ આઝાદ છે અને આ તેઓનુ જ પવિત્ર માર્ગદર્શન છે કે જેના કારણે આજે શીઆઓ નજાત પામેલા છે અને સિરાતે મુસ્તકીમ ઉપર ચાલી રહ્યા છે.

અય અલ્લાહ, અમને આખરી શ્વાસ સુધી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને તેમની પવિત્ર અવલાદની વિલાયત અને મોહબ્બત ઉપર કાએમ રાખ. આમીન.