શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટ

ગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ)ની વીલાયતનું એલાન કર્યું હોય. ઈસ્લામની પ્રથમ દાવત, દાવતે ઝુલઅશીરાથી લઈને ગદીરે ખુમના મીમ્બર સુધી અનેક પ્રસંગો કે મૌકાઓ પર આ પૈગામને ઉમ્મતના સમક્ષ મૂકવામાં આવ્યો. પરંતુ જ્યારે રસુલે ઈસ્લામ (સ..અ.વ)ની શહાદત થઇ, ત્યારે અયોગ્ય વ્યક્તિઓ ખીલાફતના મંચ પર બેઠી ગયા. તેમણે એહલેબૈતે રસુલ (અ.મુ.સ.)ની બયઅત  માગવાના નામે  તેઓના પર અત્યંત ઝુલ્મો કર્યા.. પરિણામે, મૌલા અલી (અ.સ.) અને તેમના એહલેબૈતને ખીલાફ્તના જાહેરી પદ પરથી દૂર કરી ઘરમાં બેસાડી દીધા. ઉમ્મતની ભલાઈને ધ્યાનમાં રાખીને અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ ખિલાફત પ્રાપ્ત કરવા માટે તલવાર ન ઉઠાવી.

પરંતુ દુ:ખની વાત છે કે લોકોએ આપ (અ.સ.)ના આ મૌનને અલગ રીતે સમજ્યું અને હવે લોકો પુછે છે કે જો હઝરત અલી (અ.સ.) સાચા રસૂલના જાનશીન હતા, તો તેમણે પોતાનો હકક મેળવવા માટે તલવાર કેમ ન ઉઠાવી? એ કેવી રીતે શક્ય છે કે અલી (અ.સ.) જેવા બહાદુર પોતાના હકકને છીનવાતા જોઈ અને તલવાર ન ઉઠાવે?  પરંતુ વિરોધીઓ એમ કહે છે કે હઝરત અલી (અ) નું મૌન રહેવું એ દર્શાવે છે કે તેઓ ખિલાફતને પોતાનો હકક માનતા ન હતા અને કોઈએ તેમનો હકક છીનયો નહીં, પરંતુ તેઓ ત્રણ ખલીફાના શાસન અને ખિલાફતથી રાઝી હતા.

આ પ્રશ્નના ઘણા જવાબો આપવામાં આવ્યા છે. તેમાંના અમુક જવાબો આ મુજબ છે. અમીરુલ મોઅમીનીન (અ.સ.)ના મૌનનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કારણ એ હતું કે આપ(અ.સ.)ને  રસૂલલ્લાહ (સ.અ.વ.) એ વસીય્યત કરી હતી કે “અય અલી (અ.સ.)! અગર જો તમને મદદગાર અને સાથ આપનારા મળે તો પોતાના હકક માટે તલવાર ઉઠાવજો, નહિ તો મૌન રહેજો”.  રિવાયત આ રીતે મળે છે:-

عَنْ أَمِيرِ اَلْمُؤْمِنِينَ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَ آلِهِ : يَا عَلِيُّ إِنَّمَا أَنْتَ بِمَنْزِلَةِ اَلْكَعْبَةِ تُؤْتَى وَ لاَ تَأْتِي فَإِنْ أَتَاكَ هَؤُلاَءِ اَلْقَوْمُ فَسَلَّمُوا لَكَ اَلْأَمْرَ فَاقْبَلْهُ مِنْهُمْ وَ إِنْ لَمْ يَأْتُوكَ فَلاَ تَأْتِهِمْ حَتَّى يَأْتُوا اَللَّهَ.

“અય અલી! તમારી મંઝેલત કાબાની જેમ છે, લોકો કાબા પાસે જાય છે, કાબા કોઈના પાસે નથી જતું. પછી અગર આ કૌમ તમારા પાસે આવે અને પોતાના ઓમુર (કાર્યો) આપને હવાલે કરે તો તમે તેને કબુલ કરી લેજો  અને જો તેઓ ન આવે તો તમે તેમની પાસે ન જજો.

 

-બશારહ અલ મુસ્તફા લે શીઅતીલ મુર્તઝા, ભાગ ૧, પેજ ૨૭૭;

– બેહાર અલ અનવાર, ભાગ ૪૦, પેજ૭૮

આ વાક્યોથી બે બાબતો સ્પષ્ટ થાય છે.

પહેલું કે ઉમ્મત માટે હઝરત અલી (અ.સ)ની મંઝેલત કાબાની જેવી છે.આપ(અ.સ.)ને અલ્લાહ(સુ.વ.ત.) એ ખલીફા બનાવી દીધા છે. લોકો તમારૂ અનુસરણ કરે કે ન કરે, તમારા મરતબામાં કોઈ ફરક નહિ પડે .

બીજું કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) માટે જરૂરી નહોતું કે તેઓ પોતાના હક મેળવવા માટે ઉમ્મત પાસે જાય, પણ ઉમ્મતની જવાબદારી હતી કે તેઓ પોતાના દરેક કાર્યો (ઓમુર) આપ(અ.સ)ને સોંપે. હઝરત અલી (અ.સ)ને હુકુમતથી કોઈ લગાવ ન હતો, પરંતુ જો લોકો તેમને પોતાના હાકીમ  સ્વીકારી લેતે તો તેઓ ગુમરાહ ન થાત.

આથી આ પ્રશ્ન જ મૂળભૂત રીતે ખોટો છે. એક વખત આ જ પ્રશ્ન કોઈએ અમીરુલ મોઅમીનીન (અ.સ.) ને પુછયો હતો, જેને અલ્લામા તબરસી (અ.ર.)એ તેમની પ્રખ્યાત કિતાબ ‘અલ એહતેજાજ’ ના પ્રથમ ભાગમાં નકલ કર્યું છે. એક વ્યક્તિએ પૂછ્યું “યા અમીરુલ મોઅમેનીન (અ.સ.)! તમે નાકેસીન (અસહાબે જમલ), મારેકીન (નાફરમાન અને બાગી જૂથ એટલે કે મોઆવિયા અને તેમના સાથીઓ) અને ખવારિજના વિરુદ્ધ તલવાર ચલાવી, પરંતુ  આ ત્રણ ખલીફા અને તેમના સાથીઓ સામે ઝુલ્ફિકાર કેમ ન કાઢી?”

આપ (અ.સ.) સવાલ કરનારને જવાબમાં ફરમાવ્યું. “આ સમયે મારી માટે છ નબીઓની સીરત હતી:

સૌથી પહેલા, જનાબે નુહ (અ.સ.)ની સીરત, જ્યારે તેમની કોમે તેમને મગલુબ કરી તો તેમણે ફરમાવ્યું

رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ

ખરેખર હું હારી ગયો છું, તું મારી મદદ કર !

સુ. કમર -૧૦

આ વાક્યથી અમીરુલ મોઅમેનીન (અ.સ.)નો મતલબ છે કે જેમ નબીની મગલુબ થવાથી તેમની નબુવ્વ્ત પર કોઈ અસર નથી આવતી, તેમ નબીના વસી પર કોઈ અસર નહીં પડે. તેથી મૌલા અલી (અ.સ.) એ નબી નૂહ (અ.સ.)ની સીરત પર અમલ કર્યો અને અલ્લાહની મદદ માટે દુવા કરી. જેમ અલલાહે નૂહ (અ.સ.) ની મદદ કરી તેમ આલે મોહમ્મદ (અ.સ.) ની પણ મદદ કરે.

બીજુ ઉદાહરણ જનાબે લૂત (અ.સ.) નુ હતુ  જેનું મેં અનુસરણ કર્યું. જ.લૂત (અ.સ.) એ કહ્યું

قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

હે કાશ, મારા પાસે તમારી વિરુદ્ધ લડવા માટે શક્તિ હોત અથવા મને મજબૂત તાકાતની પનાહ મળતે.

(સુ.હૂદ – ૮૦)

એટલે હઝરત લૂત (અ.સ.) ના ઘરે જ્યારે ફરિશ્તાઓ આવ્યા જેથી તેમની કોમ પર અઝાબ નાખી શકે ત્યારે તેમની દુષ્કર્મી કૌમના લોકો સમૂહમાં તેમના ઘરની તરફ નીકળી આવ્યા. અને બુમો પાડવા લાગ્યા તો હઝરત લૂત (અ.સ.)એ તેમને ઘણું સમજાવ્યું કે આ મારા મહેમાનો છે, પરંતુ તેમની વાત કોઈએ ન માની, બલ્કે આ મહેમાનોને તેમના હવાલે કરવા માટે અત્યંત અડગ રહ્યા. ત્યારે હઝરત લૂત (અ) એ ફરમાવ્યું : ‘આજે મારા પાસે તમારી સામે લડવાની શક્તિ હોત, એટલે કે મારે અસ્હાબો અને મદદગાર હોત, તો હું તમારો સામનો કરત,પરંતુ હું એકલો છું અને મારી પાસે કોઈ શક્તિશાળી મદદગાર નથી,જેની મદદથી હું તમારો સામનો કરી શકું.’

આ ઉદાહરણથી અમીરુલ મોઅમેનીન (અ.સ.)નો મતલબ આ હતો કે જો તેમના પાસે પણ વફાદાર મદદગાર હોત, તો તેઓ ખિલાફતના ગાસીબોનો સામનો કરત.પરંતુ દુ:ખની વાત છે કે ઉમ્મતના મોટા ભાગે આપને નબળા  અને અશક્ત બનાવી દીધા હતા. આ જ કારણ હતું કે આપે પોતાના હકને ગસબનારા લોકોનો સામનો ન કર્યો.

હઝરત ઈબ્રાહિમ ખલીલુલ્લાહ (અ.સ.) ની મિસાલ પણ મારી સામે હતી કે જ્યારે તેમણે પોતાની કૌમને ફરમાવ્યું :

وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ

હું તમારો અને જેને જેને તમે અલ્લાહ સિવાય પોકારો છો તેમનો ત્યાગ કરૂં છું

(સુ. મરયમ -48)

આ વાક્યથી મૌલાએ કાએનાતનો અર્થ એ છે કે, જ્યારે હઝરત ઈબ્રાહિમ (અ.સ.) પોતાની કૌમની નાફરમાનીને કારણે તેમના કોમનો ત્યાગ (તેઓથી અલગ થઈ શકે છે) કરી શકે છે, જ્યારે કે  તેઓ નબી અને ખલીલુલ્લાહ હતા, તો પછી નબીનો વસી કૌમથી અલગ થાય તો કોઈ નુકસાન છે ? અને ખાસ કરીને જ્યારે આ ઘરમાં બેસી જવું એ ખુદાની રઝા અને દિનની મસ્લેહતના કારણે હોય.

હઝરત મુસા (અ.સ.)ની મિસાલ પણ મારી સામે હતી, જેના પર અમલ કરવો મારી માટે ફરજ હતો. જ્યારે મુસા (અ.સ.)એ કહ્યું:

فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ

પછી મેં તમારા(ફિરઔન)થી દુરી ઇખ્તેયાર કરી જ્યારે મને મારી જાનનો ખૌફ (મેહસૂસ) થયો.

(અરબી સુ.શોઅરા-૨૧)

હઝરત મુસા(અ.સ.)ની મિસાલથી આ વાત જાણી શકાય છે કે કલીમુલ્લાહે પોતાની જિંદગીની સુરક્ષા માટે મિસરને છોડ્યું અને મદાએન ચાલ્યા ગયા અને જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થઈ તો પરત આવ્યા. તે જ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના વસી હઝરત અમીરુલ મોઅમેનીનને પણ આ ઉમ્મતથી (દીન બાબતે) ખતરો હતો, તેથી તેમણે પણ તેમને છોડ્યા અને પરિસ્થિતિ અનુકૂળ થવા અને અલ્લાહના હુકમના ઇન્તેઝાર કરતા રહ્યા અને કયામ ન કર્યો. તો પછી જે વાત નબી માટે ખરાબ (અય્બ) ન હોય તે વસી માટે કેવી રીતે ખરાબ (અય્બ) બની શકે છે?

હઝરત હારૂનની મિસાલ પણ મારી સામે હતી, જ્યારે તેમણે ફરમાવ્યું :

قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي

તેણે અરજ કરી કે હે મારા માજાયા (ભાઇ) ! ખરેજ કોમવાળાઓએ મને અશક્ત સમજ્યો અને મને મારી નાખવાની અણી ઉપર હતા,

(અરબી સુ.આઅરાફ-૧૫૦)

આ મિસાલથી અમીરુલ મોઅમેનીન (અ.સ)ની મુરાદ એ છે કે, જ્યારે હઝરત મુસા ચાલીસ દિવસ પછી તૌરેતની લવહ લઈને કોહે તૂર પરથી પાછા આવ્યા અને પોતાની કોમને વાછરડાની પુજા કરનારા પામ્યા તો હઝરત હારૂન પર ગુસ્સે થયા કે તેમણે કૌમને આ કામથી કેમ ન રોક્યા? તો હઝરત હારૂને જવાબ આપ્યો ‘અય મેરા ભાઈ! તમારી કૌમે મારી નાફરમાની કરી અને મને એકલો કરી દીધો અને નબળો કરી દીધો, બલ્કે મારા કતલ માટે તૈયાર થઈ ગઈ.’ તો જ.મુસા (અ.સ)ના વસી માટે જે પરિસ્થિતિઓ જ.મુસા(અ.સ)પછી બની, તેવી જ પરિસ્થિતિઓ હઝરત અલી(અ.સ)માટે નબીએ અકરમ(સ.અ.વ.)ના પછી બની અને મૌલા અલી (અ.સ.) એ જ કર્યું જે હઝરત હારૂન(અ.સ)એ કર્યું. એટલેજ તો નબી(સ.અ.વ)એ ફરમાવ્યું હતું  : અય અલી! તમને મારાથી એ જ સંબંધ છે જે હારૂનને મુસા(અ.સ)થી છે.

રસુલુલ્લાહ (સ.અ.વ. )ની સીરત પણ મારી નજરમાં હતી, જેનું અનુસરણ મારી ઉપર વાજીબ હતું. જ્યારે આહઝરત (સ.અ.વ.)એ મને પોતાના બિસ્તર ઉપર સુવડાવીને હિજરત કરી અને ગારમાં છુપાયા. ત્યારે આહઝરત (સ.અ.વ)નું છુપાવું દુશ્મનોના શર્રથી બચવા માટે હતું.’ આ મિસાલથી હઝરત અલી(અ.સ)નો મતલબ એ છે કે, સરવરે કાએનાત (સ.અ.વ.)નું દુશ્મનના શર્રથી સુરક્ષિત રહેવા માટે પોતાને છુપાવવુ અને આ છુપાવવુ અલ્લાહનો હુકમ હતો, જેના પર નબીએ અમલ કર્યો. પછી જ્યારે જંગોનો હુકમ આવ્યો તો આપ(સ.અ.વ.)એ કાફરો વિરુદ્ધ યુદ્ધ કર્યું. તેવી જ રીતે અમીરુલ મોઅમેનીન(અ.સ)નું રસુલે અકરમ (સ.અ.વ.)ના પછી એક નિશ્ચિત સમય સુધી ચુપ રહેવું પણ અલ્લાહનો હુકમ હતો જેના પર આપ(અ.સ.)એ અમલ કર્યો. અને જ્યારે યુદ્ધનો સમય આવ્યો તો શેરે ખુદા હઝરત અલી(અ.સ.)થી વધુ ખુશનસીબ કોઇ ન હતું, જેમણે અલ્લાહના રસ્તે જેહાદ કર્યો.

અમીરુલ મોઅમેનીન (અ.સ)ના આ વિગતવાર જવાબથી કેટલીક વાતો વધુ સ્પષ્ટ થાય છે.

એક તો એ કે,આપની ચુપકીદી કાયરતાના કારણે ન હતી, પરંતુ આપ(અ.સ.) આ પરિસ્થિતિમાં અંબીયા(અ.મુ.સ.)ના સીરત પર અમલ કરતાં આપ (અ.સ.)ની અને આપના ચાહવાવાળાઓની જીંદગીને સુરક્ષિત રાખી.

બીજું, જો આપ (અ.સ.)ને  ઉમ્મતનો સાથ મળ્યો હોત તો આપ (અ.સ.) ખરેખર જંગ કરતે અને પોતાનો હકક પ્રાપ્ત કરી લેતા.

કોઇપણ રીતે આપ(અ.સ.)ની હકક માટે તલવાર ન ઉઠાવવું એ ક્યારેય એવો પુરાવો નથી કે આપ (અ.સ.) પોતાના સમયના ખલીફાઓની ખિલાફતથી રાજી હતા અથવા કે આપ(અ.સ.)એ આપનો હક્કે ખિલાફતને જતો  કર્યો હતો.(ભૂલી ગયા હતા)

Be the first to comment

Leave a Reply