પ્રસ્તાવના:
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછીનો સમયગાળો એ ઝમાનો હતો કે જેમાં ખિલાફત ગસ્બ કરનારા ગાસીબો દ્વારા હદીસો નકલ કરવા ઉપર પાબંદી હતી. તેઓ ડરતા હતા કે એહલેબૈત (અ.મુ.સ.)ના શબ્દો લોકોને સાચા જાનશીનો તરફ આકર્ષશે અને આ ઇલાહી હોદ્દો ગસ્બ કરનારાઓને ઉઘાડા પાડશે. તેથી એક બાજુ તેઓએ સામાન્ય લોકોને હદીસો નકલ કરવાથી રોક્યા અને બીજી તરફ આ હક્ક (હદીસ બયાન કરવાનો) ફક્ત તેઓને આપ્યો કે જેઓ તેમને રાજકીય ફાયદો પહોચાડે. હદીસો બયાન કરવા અને તેની સ્પષ્ટતા કરવાનો હક્ક ખુબ જ થોડા પુરતું મર્યાદિત કરવું તે કોઈ નવી ઘટના નથી પરંતુ તે જનાબે મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અલી તાલિબ (અ.સ.)ની શહાદત જેટલી જૂની ઘટના છે. જો તે સમયે હાલના ઝમાનાની ટેક્નોલોજી એટલી વિકસીત હોતેતો એહલેબૈત (અ.સ.)ના દુશ્મનો ઈમેલ, મોબાઈલ અને સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ દ્વારા હદીસોને ફેલાવવા ઉપર ચોક્કસપણે પ્રતિબંધ મૂક્યો હોત.
તેથી, આજે અગર કોઈ સમૂહ આવી પ્રકારની પાબંદી લાદવાની કોશિશ કરે છે તો મોઅમીનો માટે એ સમજવું ખુબ જ આસાન થઈ જાય છે કે તેઓ કોના નકશે કદમ ઉપર ચાલે છે. ખાસ કરીને જયારે આજ સમૂહ જનાબે મોહસીન (અ.સ.)ના કાતીલો ઉપર લઅનત કરવાથી રોકે છે. તેઓ દરમ્યાન સમાનતા, દરેક માટે સ્પષ્ટ છે અને દીની લોકો દીનના આધારે ઓળખી લે છે કે કોણ લોકો પહેલાની જેવા છે.
આ મુદ્દાઓ આજે એટલા માટે ઉઠાવવામાં આવે છે જેથી હદીસો સુધી પહોચ ફક્ત આલિમો સુધી મર્યાદિત કરવામાં આવે:
મોઅમીનો દરમ્યાન એહલેબૈત (અ.મુ.સ.)ની હદીસોની આપ લે રોકવા માટે નીચેના મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે:
- જયારે કે હદીસોમાં તફાવત છે અને શીઆઓ બધી જ હદીસોને સહીહ નથી જાણતા તેથી શીઆઓએ સંદર્ભો સાથે પણ હદીસો બયાન કરવી ન જોઈએ ભલે પછી તે ભરોસાપાત્ર પણ કેમ ન હોય.
- હદીસોથી ફાયદો હાસિલ કરવા માટે આપણે સીધો જ તેનો અભ્યાસ ન કરી શકીએ પરંતુ આલિમોના ઝરીએ. આપણે દરેક બાબતમાં તેમના ફતવાને જોવો જોઈએ કારણ કે તેઓ સહીહ અને ઘડી કાઢેલી હદીસો દરમિયાન ફર્ક કરવામાં નિષ્ણાત છે.
આ બાબતો નીચેના જવાબોને પાત્ર છે:
૧. પ્રસ્તાવનામાં જે કઈ બયાન થયું છે તેમાં ઉમેરો કરતા આપણે જોઈએ છીએ કે આવા જ પ્રકારની મતભેદથી બચવાનું બહાનું કહેવાતા પહેલા ખલીફા અબુબક્રએ પવિત્ર એહલેબય્ત (અ.મુ.સ.)ની હદીસો ઉપર પાબંદી નાખવા માટે રજુ કરી હતી.
અલ્લામા સૈયદ મુર્તઝા અસ્કરી (ર.અ.)એ તેમની મશ્હુર કિતાબ ‘ધ રોલ ઓફ હોલી ઈમામ્સ (અ.સ.) ઈન ધ રીવાવલ ઓફ રીલીજ્ન’માં પાના નં. ૧૦૦ અને ૧૦૧ ઉપર નીચે મુજબ રજુ કર્યું છે.
ઝહબી, એક પ્રખ્યાત સુન્ની આલીમ, નકલ કરે છે કે અબુબક્રએ સરકારની આગેવાની પોતાના હાથમાં લઈ લીધી, તેણે મુસલમાનો અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓને ભેગા કર્યા અને કહ્યું:
તમે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસો બયાન કરો છો અને ચોક્કસ અમુક મુદ્દાઓમાં તમે એકબીજાથી સહમત થતા નથી. ભવિષ્યમાં તમારી અસંમતીના મુદ્દાઓમાં ઔર વધી જશે. એ પણ ચોક્કસ છે કે તમારા પછી લોકોમાં વધુ મતભેદો જોવા મળશે. તેથી તમારે રસુલુલ્લાહ (સ.અ.વ.)થી કઈપણ નકલ કરવાનું નથી. અગર તમને કોઈ આના બારામાં પૂછે તો કહેજો કે આપણી દરમિયાન કુરઆન છે જે જાએઝ વસ્તુને હલાલ અને નાજાએઝ વસ્તુને હરામ બતાવવા માટે મૌજુદ છે.
બન્ને તરીકાઓમાં સમાનતા અકલ ધરાવનાર વાંચકોને સમજવા માટે સ્પષ્ટ છે.
૨. શીઆઓ ફકત ૧૪ મઅસુમ હાદીઓને જ ઇલાહી હુજ્જતો જાણે છે, જેઓ દરેક બુરાઈથી પાકો પાકીઝા છે. તેથી પવિત્ર કુરઆનની જેમ કોઈ પણ વ્યક્તિ તેઓના અભિગમમાં કોઈ પ્રકારનો વિરોધાભાસ નહિ પામે. તેમ છતા અગર કોઈ જાહેરી તફાવત જોવા મળે છે તે તેમના ઝમાનાની અલગ – અલગ જરૂરીયાતના કારણે છે. બધા જ શીઆઓ એ માન્યતામાં એકમત છે કે અગર કોઈ ઈમામ (અ.સ.) બીજા ઈમામ (અ.સ.)ના ઝમાનામાં મૌજુદ હોત તો તેઓ દીનની દીફા એ જ રીતે કરત જે રીતે તે સમયના ઈમામે કરી હતી. એટલે કે જે સંજોગો ઈમામ હસન (અ.સ.)ના ઝમાનામાં પેશ આવી હતી તે જ સંજોગો અગર ઈમામ હુસૈન (અ.સ.)ના ઝમાના પેશ આવત તો ઈમામ હુસૈન (અ.સ.) પણ મોઆવીયા ઇબ્ને અબુ સુફીયાન સાથે સુલેહ કરી લેત જે રીતે ઈમામ હસન (અ.સ.)એ કરી હતી. ઇસ્મતના અકીદાની બુનિયાદ ઉપર શીઆઓ મઅસુમ ઇમામો (અ.મુ.સ.)ના સરખા અભિગમનો દાવો કરે છે. શીઆઓ સહાબીઓ, ફકીહો, આલિમોને મઅસુમ નથી માનતા ચાહે તેઓ ગમે તેટલા મુત્તકી કેમ ન હોય. ઈતિહાસ એવા ઘણા નઝદીકના સહાબીઓના સીધા રસ્તાથી ગુમરાહ થઈ જવા ઉપર ગવાહ છે. આલીમો દરમીયાન શલમગાની ગયબતે સુગરામાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના પ્રતિનિધિ બનવાની પોતાની ઈચ્છામાં ગુમરાહ થવામાં નામચીન શખ્સ હતો.
આપણા મહાન અને પરહેઝગાર આલિમોએ ક્યારેય પણ પોતાના માટે ઈસ્મતના મન્સબનો દાવો નથી કર્યો. આજ કારણે આપણે તેઓ દરમિયાન ઇસ્લામના અહેકામમાં (અમુક મંતવ્યોમાં) તફાવતો પામીએ છીએ. પરંતુ એહલેબય્ત (અ.મુ.સ.)ની હદીસો અને તેમના હુકમોના આધારે ઈમામ મહદી (અ.સ.)ની ગયબતે કુબરામાં આપણે આ મુત્તકી ફકીહોના ફતવાને અનુસરીએ છીએ અને તેઓને રોજબરોજના મસઅલાઓમાં (ફૂરૂએદીનમાં) અનુસરીએ છીએ અને તેઓ દરમિયાન ફતવામાં તફાવતોને નઝરઅંદાઝ કરીએ છીએ.
આપણા બધા જ આલિમો આ અનુસરણને ફક્ત રોજબરોજના મસઅલાઓના અનુસરણ પુરતું મર્યાદિત રાખ્યું છે કે જ્યાં સામાન્ય શીઆઓ માટે વિસ્તૃત હદીસોનો અભ્યાસ કરવો અને તેમાંથી ફતવાઓ કાઢવા મુશ્કિલ છે. અલબત્ત, જયારે ઉસુલે દીનની વાત આવે છે તો આપણા બધા જ આલિમો જવાબદારી લેવાનો ઇનકાર કરે છે અને સ્પષ્ટપણે (ઉસુલેદિનમાં) તકલીદ કરવાની મનાઈ છે. અગર આપણે આપણા મહાન ફકીહોને ફતવાઓની કિતાબ (તવઝીહુલ મસાએલ અથવા રીસાલે અમલીય્યાહ) તરફ રજુ થઈએ તો આપણે પહેલા જ મસઅલામાં જોઈએ છીએ કે તેઓએ ઉસુલની બાબતોમાં તકલીદ કરવાની મનાઈ કરી છે.
તેઓના અમુક ફતવાઓને ટુંકાણમાં અહી રજુ કરીએ છીએ:
- મુસલમાન માટે જરૂરી છે કે તે ઉસુલે દીનમાં પોતાની સૂઝ અને સમજથી માને અને આ બાબતમાં તે કોઈનું અનુસરણ નથી કરી શકતો. દા.ત. તે બીજી જાણકાર વ્યક્તિના શબ્દોને કબુલ નથી કરી શકતો એટલા માટે કે તેણે તેમ કહ્યું છે. અલબત્ત જે કોઈ ઇસ્લામના સાચા સિદ્ધાંતો ઉપર ઈમાન રાખતો હોય અને પોતાના કાર્યોથી સાબિત કરતો હોય તે મુસલમાન અને મોઅમીન છે, ભલે પછી તે ઊંડો ઉતરેલો ન હોય પણ મુસલમાનને લગતા અહેકામ તેના માટે સારા રહેશે.
(આયતુલ્લાહ સૈયદ અલી સિસ્તાની)
- દરેક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાની અકલ, દલીલ અને સમજણથી ઉસુલે દીનમાં માને અને આ બાબતમાં કોઈ પણ શખ્સના મંતવ્યો ઉપર આધાર ન રાખી શકાય. દા.ત. કોઈ પણ શખ્સના શબ્દોને કોઈ પણ દલીલ કે તર્ક વગર કબુલ કરવું જાએઝ નથી.
(આયતુલ્લાહ શૈખ બશીર હુસૈન નજફી)
સાથોસાથ સામાન્ય અખ્લાકી તાઅલીમાતની બાબતો પણ છે કે જેના માટે સીધુ હદીસો તરફ રજુ થવાની કોઈએ શીઆ આલીમે મનાઈ નથી કરી.
વિગતવાર અહેકામ હાસિલ કરવામાં રહેલી મુશ્કેલીઓને સમજી શકાય છે અને એ હકીકત પણ છે કે સમાજની વ્યક્તિઓને બીજી ઘણી જવાબદારીઓ અદા કરવાની હોવાથી દરેક શખ્સ મસઅલાઓ કાઢવામાં નિષ્ણાત નથી બની શકતા, તે માટે તકલીદ એક વ્યવહારિક રીત છે કે જેની આપણા ઇમામો (અ.મુ.સ.)એ ભલામણ કરી છે.
હવે, અહેકામ સિવાયની બાબતોમાં, અગર હદીસો નકલ કરવા ઉપર પાબંદી છે તો પછી ઉસુલે દીન અને અખ્લાકી બાબતોમાં સામાન્ય શીઆઓ માટે તર્ક (અકલ)નો કોઈ સ્ત્રોત જ બાકી નહિ રહે. અલબત્ત ઉસુલે દીનની બાબતોમાં સામાન્ય શીઆઓ માટે બધા જ દરવાજાઓ બંધ થઈ જશે કારણ કે આલીમોએ ઉસુલ (ઈમાન)ની બાબતોમાં તકલીદને હરામ કરાર દીધી છે અને અમુક ઉત્સાહી કહેવાતા આલિમોએ હદીસો તરફ રજુ થવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
કદાચ, આ કહેવાતા આલિમો ચાહે છે કે શીઆઓ તૌહીદ, અદ્લ, નુબુવ્વત, ઇમામત અને કયામતની બાબતોમાં બીજા મઝહબોના માનનારાઓ તરફ રજુ થાય!!!
આ કોઈના બસમાં નથી કે કિતાબોમાં જે હદીસો જોવા મળે છે તે સંપૂર્ણપણે વિશ્વસનીય અને ભરોસાપાત્ર છે. તદુપરાંત હદીસોમાં તફાવતો પણ મૌજુદ છે. આ તફાવતોનું કારણ એ છે કે આપણે સીધું ઈમામો (અ.મુ.સ.) પાસેથી નથી સાંભળતા પરંતુ અમુક ગૈરમઅસુમ રાવીએ આપણે અને ઇમામો (અ.મુ.સ.) દરમિયાન છે. અલબત્ત, આપણા ઇમામોએ હદીસો કબુલ કરતા પણ ક્યારેય હદીસો બયાન કરવાની મનાઈ નથી કરી.
ઈમામ સાદિક (અ.સ.), ઈમામ અલી (અ.સ.)થી નકલ કરે છે કે આપ (અ.સ.)એ ફરમાવ્યું:
“હદીસો તેના સંદર્ભો સાથે નોંધો. અગર તે સહીહ હશે તો આખેરતમાં તમને તેનો અજ્ર મળશે અને અગર ગલત હશે તો ગુનાહ મૂળ લેખક ઉપર હશે જેની તરફ તમે રજુ થયા હતા.”
(મિશ્કાતુલ અન્વાર ફી ગોરરલ અખ્બાર, હદીસ નં. ૭૫૩)
હવે આપણે ઉપર છે કે હદીસોમાં તફાવતોના કારણે આપણે ઈમામ સાદિક (અ.સ.)ની ભલામણને અનુસરીશું કે બીજા કોઈને.
સારાંશ:
ઉપરોક્ત બાબતનો નીચે મુજબ ખુલાસો આપીએ:
- હદીસો બયાન કરવાની મનાઈ કરવા ઉપર તફાવતોનું બહાનુ રજુ કરનાર સૌથી પહેલા બીજું કોઈ નહિ પરંતુ તે શખ્સ છે જેના સલામનો જવાબ પણ જનાબે ઝહરા (સ.અ.) નથી આપતા. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે જનાબે ઝહરા (સ.અ.)ના દુશ્મનોની રીતોનું અનુસરણ ન કરીએ.
- આપણે મુત્તકી આલિમોએ હંમેશા એ પ્રયત્નો કર્યા છે કે એહલેબય્ત (અ.મુ.સ.)ની હદીસોને તબલીગ કરવામાં આવે.
- રોજના અહેકામની બાબતોમાં જ્યાં આપણા માટે સીધો પવિત્ર એહલેબય્ત (અ.મુ.સ.)ની હદીસોનો અભ્યાસ કરવો મુશ્કેલ છે ત્યાં આપણે બધા માટે જરૂરી છે કે આપણે મુત્તકી આલીમોના (ફ્કીહ) ફતવાઓ તરફ રજુ થઈએ.
- પરંતુ બીજી ઉસુલે દીનની બાબતોમાં આપણે આલીમોએ તેઓને સામાજિક અને અખ્લાકી બાબતોમાં અનુસરવાની મનાઈ કરી છે અને તે માટે આપણે એહલેબય્ત (અ.મુ.સ.)ની હદીસો તરફ રજુ થવાનું ચાલુ રાખવું જોઈએ અને તેઓની તઅલીમાત મુજબ અમલ કરવો જોઈએ. જયારે આપણી સમક્ષ કોઈ એવી હદીસ આવે કે જે આપણે સમજી નથી શકતા અથવા તે હદીસમાં તફાવત જોવા મળે ત્યારે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ગયબતમાં આપણે આલિમોને તેની સમજણ આપવા વિનંતી કરવી જોઈએ.
Be the first to comment