અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે.
પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) નમાઝો પડવામાં બીજા બધા ઉપર અગ્રતા ધરાવતા હતા. અમુક અગ્રણી મુસલમાન આલીમોની આ વિષય ઉપર રિવાયતો અહી નકલ કરવામાં આવી છે:
૧) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:
હું અલ્લાહનો બંદો છું અને તેના રસુલ (સ.અ.વ.)નો ભાઈ છું, હું સૌથી પેહલા ગવાહી આપનાર છું, મારા પછી કોઈ પણ આનો દાવો નહિ કરે સિવાય કે જુઠ્ઠો. હું બીજાઓ કરતા નમાઝ પડવામાં સાત વર્ષ આગળ છું.
- સોનને ઇબ્ને માજાહ, હદીસ ૧૧૭
- કન્ઝુલ ઉમ્મલ, હદીસ ૩૨૯૩૯
- મુસ્તદરક અલ અસ્સહીહૈન, ભા. ૩, પા. ૧૧૧-૧૧૨
૨) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:
બેશક ફરિશ્તાઓએ મારી અને અલી (અ.સ.) ઉપર સાત વર્ષો સુધી સલવાત મોકલી છે, કારણ કે તે સમય દરમિયાન અલી (અ.સ.) સિવાય મારી સાથે કોઈ નમાઝ પડતું હતું નહિ.
- અસદુલ ગાબાહ ફી મઆરીફ અસ્સહાબાહ, ભા. ૪, પા. ૧૮
૩) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:
અય અલ્લાહ! હું આ ઉમ્મતમાંથી રસુલ (સ.અ.વ.) સિવાય કોઈને નથી જાણતો કે જેણે મારી પહેલા તારી ઈબાદત કરી હોય.
અને અલી (અ.સ.)એ આ ત્રણ વખત ફરમાવ્યું. પછી ફરમાવ્યું:
હું બીજાઓ કરતા નમાઝ પડવામાં સાત વર્ષ આગળ છું.
- મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, હદીસ ૭૭૬
- કન્ઝુલ ઉમ્મલ, હદીસ ૩૬૪૦૦
- ઝખાઐરૂલ ઉક્બા, પા. ૬૦
- મજમઉઝ ઝવાએદ, ભા. ૯, પા. ૧૦૨
કુરઆનથી સાબિતી:
કુરઆન પણ અલી (અ.સ.)ની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં અગ્રતાની નોંધ કરે છે.
ઇબ્ને અબ્બાસના હવાલાથી કુરઆની આયતના બારામાં નોંધવામાં આવ્યું છે:
وَ ارْكَعُوا مَعَ الرَّاكِعِينَ
‘…અને રૂકુઅ કરનારાઓ સાથે રૂકુઅ કરો.’
(સુરએ બકરહ (૨): ૪૩)
આ આયત રસુલુલ્લાહ (સ.અ.વ.) અને અલી (અ.સ.) માટે ખાસ નાઝીલ થઈ હતી. આ બન્ને સૌથી પહેલા નમાઝ પઢનાર અને રૂકુઅ કરનારા હતા.
- કશ્ફુલ યકીન પા. ૧૨૨
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો ખિલાફતના બાબતે શ્રેષ્ઠ દાવો
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ઉસ્માન (ઇબ્ને અફ્ફાન)ને ફરમાવ્યું:
હું તારી અને તે બન્ને (પહેલા અને બીજા દાવેદારો) કરતા બહેતર છું.
મેં અલ્લાહની તેઓ બન્ને પહેલા અને પછી ઈબાદત કરી છે.
- અલ ફૂસુલુલ મુખ્તરહ, ભા. ૮૮, ઇસ્લામ કબુલ કરવાના સમયે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વય.
એ આશ્ચર્યજનક છે કે નમાઝ પઢવામાં બીજાઓની સામે તેઓ આગળ હતા તો પણ ખિલાફતમાં બીજાઓને તેમના ઉપર અગ્રતા આપવામાં આવી. આ તો આપ (અ.સ.) બેશુમાર ફઝીલતમાંથી ફક્ત એક છે, બલ્કે રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા ગદીરે ખુમનું જાહેર એલાન મુસલમાન ઉમ્મત માટે સ્પષ્ટ થવું જોઈએ કે આપ (અ.સ.)થી વધુ કોઈ ખિલાફતને લાયક નથી.
Be the first to comment