ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટ

ઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે કે કેવી રીતે એક આંસુ તમામ ગુનાહોને ભૂંસી શકે? અથવા તે કેવી રીતે એક બહુ જ ગુનેહગાર વ્યક્તિ માટે માસૂમીન (અ.મુ.સ.)ની શફાઅતનું યકીન અપાવનારું હોઈ શકે? તેઓ આવી રીવાયતો અને આ પ્રકારની હદીસોને સ્વીકારતા નથી.

ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે માણસની પાસે અમારા પર પડેલી મુસીબતોનો ઉલ્લેખ કરવામાં આવે અને તેની આંખોમાંથી મચ્છરની પાંખ જેટલા ૫ણ આંસુ નીકળી આવે તો તેના તમામ ગુનાહ માફ થઇ જશે ભલે તેની સંખ્યા દરીયાના ફીણ જેટલી હશે તો ૫ણ માફ કરી દેવામાં આવશે.

(કામીલુઝઝીયારત, પાનું ૧૦૪)

જવાબ:

કોઈ અકીદાની ખરાઈ કરવા માટેનું માપદંડ કુરઆન તરફ રજુ થવું છે.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَى أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ

 إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ

(હે રસૂલ !) તું કહે કે અય મારા તે બંદાઓ કે જેમણે (ગુનાહો કરી) પોતાની જ ઉપર હદ ઉપરાંતનો ઝુલ્મ કર્યો છે ! તમે અલ્લાહની રહેમતથી નિરાશ થશો નહિ; નિસંશય અલ્લાહ સર્વે ગુનાહ માફ કરી દેશે; બેશક તે મહા ક્ષમાવાન (અને) દયાળુ છે.

(સુ. ઝોમર (૩૯):૫૩)

إِنَّ اللّهَ لاَ يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَن يَشَاء

وَمَن يُشْرِكْ بِاللّهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا

અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવામાં આવે એ હરગીઝ માફ કરશે નહિ અને તે સિવાયનો કોઈ પણ ગુનોહ જેના માટે ચાહશે તેને માફ કરી દેશે,અને જેણે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કર્યો તેણે ખરેજ એક ઘણો મોટો ગુનોહ અંજામ આપ્યો.

(સુ. નીસા (૪): ૪૮)

إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّـيِّئَاتِ

બેશક સારા કામ બુરા કામોને દૂર કરે છે.

(સુ. હૂદ(11) ૧૧૪)

આના જેવી સ્પષ્ટ આયતો એ બાબત સાબીત કરે છે કે અલ્લાહની બક્ષીસ ગુનાહોથી મોટી છે અને (અમુક) નેક આમાલ ગુનાહોથી વધારે શક્તિશાળી છે. એ કહેવાની જરૂર નથી કે નેક આમાલ તૌહીદ, નબુવ્વત અને ઈમામતના સાચા અકીદાની સાથે કરવામાં આવે.

કુરઆની આયતો મુજબ ઇમામતમાં અકીદો ખુદ એક સારું કાર્ય છે, જેની સાબિતી સુ. કહફ(૧૮)ની છેલ્લી આયત કરે છે:

…તેથી જે કોઈ અલ્લાહથી મુલાકાતની તમન્ના રાખતો હોય

તેણે સારા કાર્યો (ઇમામોની મઅરેફત) કરવા જોઈએ…

સુ. કહફ (૧૮):૧૧૦; તફ્સીરે અય્યાશી ભાગ ૨, પાનું ૩૫૩.

તેથી સારા કર્યો, જેવું કે ઇમામોની મઅરેફ્ત, ઈમામ હુસૈન  (અ.સ.) પર આંસુ વહાવવું, હદીસો મુજબ બધા ગુનાહો ભૂંસી શકે છે. કોઈ શકનું કારણ નથી કેમ કે આ એ છે કે જેને કુરઆને વારંવાર જાહેર કર્યું છે.

તહલીલે-લાએલાહ ઈલ્લલ્લાહ-નું મહત્વ

ઈમામ હુસૈન (સ.અ.)પર વહેલા આંસુની જેમ જ બીજા પણ કાર્યો છે જે ગુનાહોની બખ્શીશ અને જન્નતની ખાતરી આપે છે.

દાખલા તરીકે, તહેલીલ (લા એલાહ ઈલ્લલ્લાહ) પડવાનો અજ્ર ઘણો આશ્ચર્યજનક છે, જેવું કે અમુક રીવાયતોમાં છે.

૧.  દિલથી ખુલુસ્તાથી (ધ્યાનથી એક વખત) લા એલાહ ઈલ્લલ્લાહ પઢવું એ જન્નતની ખાતરી આપે છે, અગર તે ઇમામતના અકીદાની સાથે હોય.

(અલ-મહાસિન, ભાગ ૧, પાનું ૨૨-૨૩)

૨. ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ બધા ગુનાહોને ભૂંસી નાખે છે.

(સવાબુલ આમાલ ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ પડવાના સવાબમાં)

૩. દરેકની બરાબરી (સમાનતા/માપ) થઈ શકે છે સિવાય કે અલ્લાહ તબારક વ તઆલાની ઝાત કારણકે અલ્લાહની સમાનતા કે માપ કોઈ સાથે ન થઈ શકે, અને ન તો લાએલાહા ઈલ્લલ્લાહ અને ન તો ખૌફે ખુદામાં વહેતા આંસુ કે જેના અજ્રની બરાબરી કે માપ ન થઈ શકે એટલે કે આ કાર્યનો બદલો કોઈ  નક્કી ન કરી શકે કારણકે અલ્લાહની બરાબરી કે માપ ન થઈ શકે.

(સવાબુલ આમાલ ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ પડવાના સવાબમાં)

૪. ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ પઢવાથી ઇન્સાનના દરજ્જાત બલંદ થાય છે અને તેને પઢનાર નવી ઉંચાઈઓ (દરજ્જાઓ) સુધી પહોંચે છે, તેના કોઈ ગુનાહ વિષે સવાલ નહિ કરવામાં આવે અને તેના દરેક ગુનાહના બદલામાં તેટલી જ સંખ્યામાં નેકીઓ અતા કરવામાં આવશે અને તેને ઇત્મીનાન થશે.

(સવાબુલ આમાલ ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ પડવાના સવાબમાં)

કોઈ શક કરનાર ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ જેવો ગુનાહને ખત્મ કરનાર અને ગુનાહોને નેકીઓમાં બદલવાના આશ્રર્યજનક સવાબ પર વાંધો ઉઠાવવાની હિમ્મત કરશે નહી. અગર તે ‘લા એલાહ ઈલ્લલ્લાહ’ પર હુમલો કરવાની મુર્ખતા કરશે તો તે તૌહીદ પર સીધો હુમલો ગણાશે.

છતાંય, ઈમામ હુસૈન (અ.સ.) પર આંસુ વહાવવા પરના આવા સવાબના બયાનને બીદઅત અથવા અતિશયોક્તિ તરીકે જોવામાં આવે છે!!!

ગુનાહો કરવાનું લાયસન્સ (અધિકાર/ સ્વતંત્રતા) ?

જાહિલ અને શક કરનારા માને છે કે ઈમામ હુસૈન (અ.સ.) પર ગીર્યા કરવાના બારામાં રીવાયાતો અને સાથે જોડાયેલી કુરઆની આયતો, જે ગુનાહગાર માટે માફીનો વાયદો કરે છે, તે ગુનાહો કરવાનું લાયસન્સ છે. કેમ કે ગુનાહગાર માને છે કે શફાઅતથી બધું જ માફ થઇ જશે.

જવાબ:

કોઈ પણ સહીહ વિચારધારા ધરાવનાર, આકિલ વ્યક્તિ ઉપર મુજબનું તારણ (નિષ્કર્ષ) કાઢતો નથી. આ રીવાયતો અને કુરઆનની આયતોનું સ્પષ્ટ તારણ (નિષ્કર્ષ) ભાંગી પડેલા, નિરાશ થયેલા ગુનાહગારને એ યકીન અને આશા આપે છે કે અલ્લાહની માફી અને રહેમતનો વિશાળ દરવાજો તેના માટે અલ્લાહે રાખેલો છે (અગર તે તૌબા કરી પાછો ફરે).

અને ઈમામ હુસૈન (અ.સ.) આ દરવાજાઓ પૈકીનો એક દરવાજો છે, સૌથી મોટો દરવાજો. અને ‘સારા આમાલ જે બુરા આમાલને દૂર કરે છે’ માં ઈમામ હુસૈન (અ.સ.) પર આંસુ વહાવવું શામિલ છે.

એ કહેવાની જરૂર નથી કે કુરઆન અને સુન્નત (હદીસ) મુજબ બીજા પરિબળો જેવા કે ઇખ્લાસ, પાકીઝ્ગી (તકવા) અને વરા (પાકીઝ્ગી માટે સાવચેતી) આમાલની ક્બુલીયતમાં મહત્વનો ભાગ ભજવે છે.

શા માટે માત્ર ઈમામત સામે જ આંગળી ચિંધવામાં આવે છે?

આપણે જોયું તે મુજબ માત્ર ઈમામ હુસૈન (અ.સ.)પર વહાવેલા આંસુ જ જન્નતની અને ગુનાહોની બખ્શીશની ખાતરી નથી આપતા. બીજા પણ ઘણા કાર્યો છે જેવા કે તહેલીલ (લા એલાહ ઈલ્લલ્લાહ), નમાઝે શબ, રોઝા, કુરઆને પાકની તિલાવત જેવા કાર્યો પણ આવા જ અજ્રનું વચન આપે છે.

તો પછી શા માટે માત્ર ઈમામ હુસૈન (અ.સ.) પર વહાવેલા આંસુ જ ચર્ચા અને શંકાનો વિષય છે?

જવાબ:

ઇબ્લીસે હક રસ્તા-સેરાતે મુસ્તકીમ પર ચાલનારને ગુમરાહ કરવાનું’ વચન આપ્યું છે.

قَالَ فَبِمَا أَغْوَيْتَنِي لأَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيمَ

તેણે (ઇબ્લીસે) કહ્યું કે તે મને ગુમરાહ કર્યો છે તેથી હું જરૂર તારા સેરાતે મુસ્તકીમ ઉપર (લોકોને ગુમરાહ કરવાની) તાકમાં જરૂર બેસી જઈશ.

(સુ. અઅરાફ (૭) ૧૬)

ઇબ્લીસે કસમ ખાધી છે કે તે ઈમાનદારને ગુમરાહ કરવાની તાકમાં સેરાતે મુસ્તકીમ પર બેસશે, કે જે અલી (અ.સ.)નો અને તેમની મઅસુમ ઔલાદનો રસ્તો છે. તેથી ઈમામત અંગે શંકાશીલપણું (મઅરેફ્ત, આંસુ વહાવવું, ઝીયારાત, તવસ્સુલ) ઇબ્લીસની મોટામાં મોટી જાળ છે. અને તદ-અનુસાર, ઈમાનદારો માટે જરૂરી છે કે તેઓ કુરઆન અને હદીસોમાંથી જવાબ તૈયાર રાખી ઈમામત પર હુમલાઓ વિરુદ્ધ તૈયાર રહેવું જોઈએ.

અંતમાં, એ નોંધવું જોઈએ કે ગમ કરવાવાળો માત્ર ગુનાહોની માફી મેળવવાના મકસદથી જ આંસુ વહાવતો નથી, તેનો મુખ્ય મકસદ કરબલાના ગમનાક બનાવની અહેલેબૈત (અ.સ.)ને તઅઝીયત આપવી છે અને આ રીતે અલ્લાહની, પયગંબર (સ.અ.વ.), અલી (અ.સ.), ફાતેમા ઝહેરા (સ.અ.) અને ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.), જેઓ અહેલેબય્ત (અ.સ.)ના આખરી જીવંત વ્યક્તિ છે, તેમની કુર્બત હાસિલ કરવી અને તેમને પુરસો આપવો છે.

Be the first to comment

Leave a Reply