ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૪

વાંચવાનો સમય: 6 મિનિટ

યઝીદ (લા..)નાં દરબાર માં એહલેબૈત .મુ..નાં ખુત્બા ની અસર

જ.ઝયનબ સ.અ.નાં ખુત્બાનાં  પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું પુરતું ન હતું. આથી ઈમામે વકત (એટલે ચોથા ઈમામ અ.સ.) એ મિમ્બર પરથી ખુત્બો આપયો અને તે પણ યઝીદ (લઈન)ને તેના અવામ (આમ લોકો)ના બેહદ આગ્રહ અને દબાણ પછી. અને આપનું પ્રવચન તો એટલું દિલ પીગળાવી મુકે એવું અને અસરકારક હતું કે યઝીદને ભય લાગ્યો કે કયાંક દરબારમાંથી બળવાની શરૂઆત ન થઇ જાય, કારણકે જ. ઝયનબ સ.અ.ના ખુત્બાને બેઅસર (નિષ્પ્રભાવી) બનાવવા માટે યઝીદે પોતાના ભાષણકારને હુકમ આપયો કે તે (મિમ્બર પર જઇ) હ. અલી અ.સ. અને તેમની ઔલાદ માટે બુરૂ બોલે અને આલે અબુસુફયાનની ફઝીલત બયાન કરે,

યઝીદ અને તેના સાથીઓનું ઠેકાણું જહન્નમ

પણ પ્રવચનકારના આવા ભાષાણ દરમ્યાન શહીદોના સય્યદો સરદાર હ.ઇ. હુસૈન અ.સ.ના જીગરના ટુકડા એવા બીમાર ઈમામ અ.સ. હથકડી અને બેડીઓની સાંકળ સંભાળતા ઊભા થયા અને ભાષણકારને પડકારીને બોલ્યા: અફસોસ છે તારા હાલ પર અય ખતીબ! તેં લોકોને ખુશ કરવા માટે થઈને અલ્લાહનો ગઝબ (ગુસ્સો) વ્હોરી લીધો. હવે તારૂ સ્થાન જહન્નમની ભડકતી આગમાં છે.

સય્યદે સજ્જાદ અ.સ.ના આ પ્રવચને રહી સહી કસર પણ પુરી કરી દીધી હતી. લોકોને વાસ્તવિકતાનું ભાન થઈ ગયું. શામના લોકોના વિચારોમાં પરિવર્તન ડોકિયા કરવા લાગ્યું. ખુદ યઝીદ (લઅન)ના દરબારમાં જ તેના જ વિરોધીઓનું એક જુથ તૈયાર થઇ ગયું. એહલેબૈત રસુલ સ.અ.વ. પરના કૈદ અને ઝુલ્મોસિતમની સખ્તીઓ પણ લોકોને ફરેબ ન આપી શકે (કે ઈમામ(અ.સ) અને તેના સાથીઓ ખરેખર બળવાખોર અને સજાપાત્ર છે.)

છેવટે થાકી હારીને એક દિવસે યઝીદે (લઅન) તેમને કૈદમાંથી મુકત કર્યા.

ઇમામ સજ્જાદ(અ.સ) અને જ.ઝયનબ(સ.અ)એ યઝીદને મજબુર કરી દીધા

યઝીદના માનસ પર મહાન ગુન્હો કર્યાની ભાવના એવી પ્રબળ રીતે થવા લાગી કે (ભર્યા દરબારમાં બેશરમી પૂર્વક શેખી વધારનાર) તે પોતે આ ગુન્હા પાછળ જવાબદાર હોવાનો સ્વીકાર કરવામાં હીણપત અનુભવવા લાગ્યો અને જાણે પોતે આમાં સાવ બેકસુર હોય તેમ તમામ ગુન્હાનો ટોપલો પોતાના ગવર્નર ઈબ્નેઝિયાદના માથે ઓઢાડવા લાગ્યો (કે તેણે જ આ બધું કરાવ્યું!) અને અડધી અડધી રાતે ઉઠીને મા લી વલિલ્હુસૈન અ.સ. હાએ, હુસૈન અ.સ.મે મારૂં શું બગાડયું હતું? ની પોકારો પાડવા લાગ્યો અને પછી નબી (સ.અ.વ) ના અહલેબૈતને ફકત મુકત જ નથી કરી આપતો, પરંતુ તેમની જ ફરમાઈશ માન્ય કરી હ. હુસૈન અ.સ.ની અઝાદારી અને શોક પ્રદર્શન માટે મકાન સાધન વિ. ની વ્યવસ્થા પણ કરી આપે છે.

આજે હવે નબી સ.અ.વ.ના પવિત્ર એહલેબૈત મુકત થઈ રહ્યા છે. જયાં જવા ચાહે ત્યાં જઈ શકે છે. શું પહેલા કરબલા જવા માગો છો? ભલે, ત્યાં જાઓ! મહેમિલો પર રેશમી પરદા નાખવામાં આવે અગર હુસૈન અ.સ.ના એહલેબૈત એ પસંદ ન કરતા હોય તો જેવા પસંદ કરે તેવા પરદા નાખી દેવામાં આવે. ભલે કાળા પરદા નાખો પણ એ લોકો જેમાં રાઝી હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે હવે સમયના સત્તાધારીએ પોતાની મરજીથી ઝુલ્મથી હાથ ધોઈ નાખ્યા છે. અને એક સત્તાધારીએ પોતાની મરજી ઠોકી બેસાડવામાંથી પીછે હઠ કરવી એ તેના પરાજયની બરાબર છે. યઝીદ પણ પૂરી રીતે પરાજીત થઇ ચુકયો હતો માનસિક રીતે ભાંગી પડયો હતો.

મેહમિલો અને અમારીઓ તૈયાર થઈ ચુકી છે, સામાન બરાબર લદાઈ ગયો છે અને બીબીઓ એક એક કરીને સવાર થઈ રહી છે. પણ એ પહેલાં ઝયનબ સ.અ. એ દમિશ્કની સર ઝમીન પર પોતાના મઝલૂમ અને શહીદ ભાઈની સફે અઝા બિછાવી ચુક્યા છે અને ખુદ બની ઉમૈયાની તથા અન્ય તમામ ઔરતોથી પુરસો (આશ્વાસન) લઈ ચુક્યા છે અને દરેકને ઝુલ્મની વાત સંભળાવીને યઝીદ (લઈન) અને બીજા ઉમવી (તથા અન્ય) સરદારો તથા કહેવાતા મોટેરાઓના કાળા કામાની પુરી વિગતો સંભળાવી ચુક્યા છે. ઝુલ્મો સિતમ અને જોર જબરદસ્તી અને હુકમોની વિરૂધ્ધ નફરતની આગનો પલીતો ચાંપીને, યઝીદ અને મુઆવિયાની ભવ્ય મહેલાતોના પાયા હલાવીને, શામ વાસીઓના સુષુપ્ત અંતરાત્માઓને ઢંઢોળીને અને ખુદ દમિશ્કને જ અઝાએ હુસૈન અ.સ.નું આરંભ કેન્દ્ર બનાવીને, શામને ફતેહ કર્યા પછી મઝલૂમો આ કાફેલો પોતાની આગેકૂચ આરંભે છે અને દમિશ્ક અને કરબલાની વચ્ચે આવતા દરેક શહેરો અને ગામોના સ્ત્રી-પુરૂષો અને બચ્ચા, બુઢા જવાનોના હઝારો દિલોના કાફલાને પોતાની મઝલૂમીની સાથે લેતો કરબલાની સરઝમીન પર ઉતરાણ કરે છે.

કાફલાવાળાઓની નઝરોમાં દૂર દૂર સુધી, નજર પહોંચે ત્યાં સુધી, નયનવાનુ. અફાટ રણ ફેલાયેલું પડયું હતું જેના ઈન્તેઝારમાં અગણિત બેચૈન અને દર્દનાક ઘડીઓ વીતાવી હતી. જ્યારે અગિયારમી મોર્હરમે સરઝમીને કરબલાને છેલ્લા સલામ કહ્યા હતા તે વખતના કરબલા અને આજના કરબલામાં કેટલું વિશાળ અંતર હતું? પહેલા જ્યારે કરબલાથી ચાલ્યા હતા ત્યારે નૈનવાના અફાટ રણની તપતી રેતી પર શહીદોની પામાલ લાશો બેગોરો કફન પડી હતી. સળગેલા તંબૂઓની ધૂંધવાતી અર્ધજલી કનાતો (પર્દા) તેમની બેકસી અને બેબસીનો પોકાર પાડી રહી હતી. ખુદાની પસંદ કયાયેલી પાક હસ્તીઓના પવિત્ર જીસ્મો (શરીરો)ના વેર વિખેર ટુકડાઓ આમ તેમ વેરાયેલા પડયા હતા અને જે તરફ નજર દોડાવો ત્યાં બસ લોહી જ લોહી નજરે પડતું હતું.

જ્યારે આજે?

આજે રાહેખુદાના તમામ શહીદો પોતપોતાની આરામ ગાહોમાં (કબરોમાં) પહોંચી ગયા હતા. પણ કયારે? અને કેવી રીતે? એની ખુદ કાફલાવાળાઓને પણ ખબર ન હતી (હ. ઈ. ઝયનુલ આબેદીન અ.સ. સિવાય) કેટલીક વાર સુધી તો કાફલામાંની બીબીઓ ગમ-અફસોસ અને આશ્ચર્યના અતિરેકમાં પોતપોતાની જગાએથી હલ-ચલ પણ ન કરી શકી.

પણ પછી તો તરત જ જેમ કમાનમાંથી તીર છૂટે તેમ દરેક બીબી પોત પોતાની જગાએથી આ પાકીઝા કબ્રોની તરફ દોડી પડી અને કબ્રો પર પહોંચતા જ કબ્રો પર પડતું મુકયું. પરંતુ અજબ નથી કે જ.ફાતેમા (સ.અ)ની લાડલી, હુસૈન મઝલૂમ (અ.સ)ની માજાઈ અને ઔનો મોહમંદની મા, ઝયનબ(સ.અ) હજી સુધી પોતાની જગાએ દિગ્મૂઢ ઉભા રહયા, એકદમ ખામોશ, શાંત, ચુપ, જાણે તેની નિર્ણય શકિત જવાબ દય ગઈ હોય. દરેક શહીદ જાણે પોતાની તરફ બોલાવી રહ્યા હોય. હ. ઈ. હુસૈન અ.સ. જાણે કહી રહ્યા હતા.

“હે માજાઈ! આ તરફ તો જો! તારા ભાઈને કબ્ર નસીબ થઈ ગઈ છે.” અલી અકબર અ.સ. કહી રહ્યા હતા: ફુઈમા! અહી આવો ને! હું કયારનો આપના ઈન્તેઝારમાં છું. અબુલ ફઝલ (અબ્બાસ અ.સ.) જાણે દરિયા કિનારેથી આવાઝ આપી રહ્યા હતા.

“શાહઝાદી! આપનો હાથ પગ વગરનો ગુલામ અહીં પડયો છે. જો હાથ પગ (સાબિત) હોત તો ભલા કોની હિમત હતી કે આપનો ગુલામ દોડીને આપની ખિદમતમાં ન પહોંચે?” કાસિમ કહી રહ્યા હતા: “ફુઈમા! શું ભત્રીજાને ભુલાવી દીધો?” અરે ત્યાં સુધી કે હ. હબીબ ઈબ્ને મઝાહિર અરઝ કરી રહ્યા હતા, કે રસૂલઝાદી તેમની કબ્ર પર તશરીફ લાવે જેથી તેમની દુન્યવી અને આખેરતની અઝમત (મહત્તા)માં ચારચાંદ લાગી જાય. ચારે તરફથી જાણે કે (એકજ) પુકાર હોય, બીબી! આ તરફ બીબી! આ બાજુ બીબી અહીં.”

સાનીએ ઝહરા સ.અ. અજબ કશ્મકશ (ખેંચતાણ)માં ગિરફતાર હશે    બારે ઈલાહા! એક ઝયનબ સ.અ. કેટલે કેટલે પહોંચે? પરંતુ  છેવટ ફેંસલો કરી જ લીધો. અન્ય બીબીઓની માફક તે પણ તેઝ કદમે એક તરફ દોડી પડયા પરંતુ શાયદ કંઇ ખ્યાલ (વિચાર) આવી ગયો એટલે જ તો ઘડીક કદમ રોકાઈ ગયા.

હાં, અદબ (વિવેક)ની જગ્યા છે. ભાઈની લાશ પર તો મારી નજરની સામે જ ઘોડા દોડાવવામાં આવ્યા હતા. એજ ખાડા તરફથી તો માં ઝેહરા (સ.અ) રડવાનો અવાજ આવી રહ્યો હતો. આજે પણ તો કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પુરી ઝમીન પર ઈ.હુસૈન અ.સ. ના નાજુક અને પાક શરીરના ટુકડાઓ વેરવિખેર થઈને જાણે કે ઝમીનમાં લુપ્ત થઇ ગયા હતા. કરબલાની જમીન માટી ન રહી, તે હવે ખાકે શફા બની ગઈ હતી. માટે હવે ઝયનબ સ.અ.ના  પગલાં પુરા અદબ અને વિનમ્રતા સાથે પડવા જોઈએ. બીબી થોડા ઉભા રહો તો ભાઈની કબ્ર તરફ ધીરેથી જજો. પયગમ્બર (સ.અ.વ)ના વૃધ્ધ અને ફિદાકાર સહાબી જ.જાબિર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી (અ.ર) પોતાના રસૂલના પ્યારા શહેઝાદાની પવિત્ર કબ્રની ઝિયારતમાં વ્યસ્ત છે. કબ્રના સિરાને ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે અને રોતાં રોતાં હિબકે ચડી ગયા છે. જરા એમના દિલને તો સુકુન (શાંતિ) મેળવી લેવા દો!

બીબી! હવે તો સ્વસ્થ થઇ જાવ! હવે તો આપના ભાઈને કબ્ર નસીબ થઈ ગઈ છે. નહી તો જ્યારે આપ ૧૧ મી મોહર્રમે અહીંથી કૈદી થઈને રવાના થયા ત્યારે તો અબુ અબ્દિલ્લાહની લાશ, લાશ, શું લાશના ટુકડાઓ, વેરણ છેરણ થયેલી લાશ, ઘોડાઓની ટાપોથી ચૂરચૂર થયેલ લાશ. બે ગૌ0રો કફન (કફન દફન વગર) એમજ પડી હતી. પણ હા આપના (બીમાર દીકરા) સય્યદે સજ્જાદ અ.સ. આવ્યા હતા. હાથકડી અને બેડી સહિત! ઈમામતના ઈખ્તીયારોનો ઉપયોગ કરીને અને આવીને પોતાના પિતાની લાશોના ટુકડા દફન કરીને પાછા ચાલ્યા ગયા હતા.

જ.જાબીર ઝીયારતથી ફારેગ થઈ ગયા. બીબી! આવો ભાઈની કબ્ર પર ફાતેહો પડી લ્યો. આવો, ત્યાં આપને આપની માદરે ગીરામી મળશે, બાબા અલી એ મુર્તુઝા પણ મળશે, નાના રસુલે ખુદા(સ.અ.વ) મળશે, ત્યાં ભાઈ હસન (અ.સ.) પણ મળશે. બધા જ તમારા ગમમાં તમારી સાથે છે.

ફાતેમાની લખ્તે જીગર આગળ વધ્યા કબ્રની પાસે જઈ નીચે વળ્યા, બહુ જ ધ્યાનથી જોયું. આંખોમાંથી આંસુઓના ધોધ વરસી પડયા. ભાઈની કબ્ર પર ઢળી પડયા. ફરીયાદ અને રૂદન શરૂ થઈ ગયા.

પ્યારા હુસૈન અ.સ.! મારા ભાઈ, તમે તો જાણો છો કે તમારા વગર ઝયનબને ઝીંદગીની કોઈ કિંમત નથી. કેટલી આશા હતી કે તમારી સામે ઝયનબ દમ તોડતી, તો આ દિવસ જોવાનો વારો ન આવતે. ખુદાની કસમ, આપની કબ્રે મુતહહરની કસમ, મારા દિલની તમન્ના હતી કે આપ પર કુરબાન થઈ જાય આપના મકસદ આપના ધ્યેય પર જાન કુરબાન કરી દઉ પણ હાય અફસોસ! આ સઆદત નસીબ ન થઈ. મારી આશા મારા દિલમાં જ રહી ગઈ…

હવે આપ(સ.અ.) કબ્રથી વિંટળાઈ ગયા અને કહેવા લાગ્યા: હે ભાઈ, તમે પોતે જ કહો, આપની વગર ઝયનબ મદીના કેમ જાય? મદીના કે જ્યાં નાના અને માં ફાતેમા (સ.અ.) આરામ ફરમાવે છે, કેવી રીતે પાછી જાઉં? સુગરાને શું જવાબ આપું? માદરે ગીરામી ઊમ્મુલ બનીનને પોતાના અબ્બાસ વિષે પૂછશે, તો શું જવાબ આપીશ?

હે મારા ભાઈ, તમારી સકીના (સ.અ)ના વિષે મને ન પૂછતા! વ્હાલા ભાઇ, તારી લાડકી સકીનાને ઝયનબ (સ.અ) ખોઈને આવી છે. તારી અમાનતને, પરદેશમાં અજાણી જગ્યામાં, અંધારા કૈદનખાનામાં, સુવરાવીને આવી છે. ભાઈ એ ભાઈ! ઝયનબ મદિના હરગીઝ નહિં જાય, અબ્દુલ્લાહ, મારા સરતાજ, ઔન અને મોહમ્મદ વિષે પૂછશે તો ઝયનબ શો જવાબ આપશે?

ભાઈ… ભાઈ… ભાઈ…

“અસ્સલામો અલયક યા અબા અબ્દિલ્લાહ વ અલા અરવાહીલ્લતી હલ્લત બે ફેનાએક.”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*