
કેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ
- શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી કરવામાં કોઈ અયોગ્ય કે બુરાઈ અને બેઇઝઝતી નથી.
- અલ્લાહની નજરમાં બધા દિવસો અને મહિનાઓ સમાન છે.
- જો કોઈ ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત જેવી ઘટનાઓના આધારે શાદી ટાળે, તો કોઈ પણ દિવસે શાદી શક્ય ન બને કારણ કે કોઈને કોઈ દિવસે કોઈને કોઈ મહાન વ્યક્તિની વફાત થઈ જ છે.
તેના પુરાવા તરીકે, તેઓ કુરઆનની આયત રજૂ કરે છે –
‘બેશક, અલ્લાહની નજરમાં મહિનાઓની સંખ્યા બાર છે’
(સુરે તૌબા (૯): ૩૬).
તેઓ દાવો કરે છે કે અલ્લાહની નજદીક બધા મહિના સમાન છે, તેથી મોહર્રમમાં પણ આ બધાકર્યો માટે કોઈ વાંધો કે કારણ નથી.
જવાબ:
મોહર્રમમાં શાદી યોજવાના વિષય પર આનાથી વધુ હાસ્યાસ્પદ કે પૂર્વગ્રહયુક્ત (હઠાગ્રહ) મત હોઈ જ ન શકે.બધા મહિના અલ્લાહની નજીક સમાન છે એમ કહેવું એ ચાર પવિત્ર મહિનાઓની પવિત્રતા, રમઝાન મહિનાની પવિત્રતા, શાબાન મહિનાની પવિત્રતા અને મહત્વ કે જે પયગંબર (સ.અ.વ)નો મહિનાણે નકારવા બરાબર છે. તેમની દલીલ મૂળભૂત રીતે જ ખામીયુક્ત છે અને સુરે તૌબા(૯)ની કુરઆની આયત પણ જ્યારે તમે તેને સંપૂર્ણ રીતે વાંચો છો, ત્યારે તે તેમના આ મતને નકારી કાઢે છે.
આયત આ પ્રમાણે છે:
“બેશક અલ્લાહ પાસે તેની કિતાબમાં આસમાનો અને ઝમીન પેદા કર્યા તે દિવસથી જ મહિનાઓની સંખ્યા બાર છે, જેમાંથી ચાર હુરમતવાળા છે; તે જ સાબિત (કાયમ રહેનાર) દીન છે, માટે તમે આ મહિનાઓમાં પોતાના પર ઝુલ્મ કરો નહિ……”
(સુરે તૌબા (૯): આયત ૩૬)
વર્ષના બધા દિવસો પણ અલ્લાહની નજરમાં સમાન નથી, અને એમ કહેવું કે દરેક દિવસો અલ્લાહની નજીક સમાન છે તો પછી તેઓ લયલતુલ કદ્ર, 15મી શાબાન, અરફાહનો દિવસ, તશરીકના દિવસો (11થી 13 ઝીલ્હજ્જ), બે ઈદ જ્યારે રોઝો રાખવાની સખત મનાઈ છે, શુક્રવારની પૂર્વ સંધ્યા (શબે જુમ્મા) અને શુક્રવાર જેવા કેટલાક ઉદાહરણોના મહત્વને નકારવા બરાબર છે.
આથી, સ્પષ્ટ છે કે વર્ષના બધા મહિનાઓ અને દિવસો સમાન નથી.
શું શાદીનું વધુ મહત્વ છે કે પછી અલ્લાહ અને તેના પયગંબર(સ.અ.વ.)ની કુરબત (ખુશી)?
એટલે કે શું શાદી અલ્લાહ અને તેના પયગંબર (સ.અ.વ)ની ખુશી કરતા વધુ મહત્વતા ધરવે છે?
ખાસ કરીને મોહર્રમ મહિનામાં શાદી અને જશ્નોના વિષય પર વાત કરીએ તો કુરઆન અને સુન્નતમાં જવાની કોઈ જરૂર નથી. જેઓ બુદ્ધિશાળી છે અને અકલ ધરાવે છે, તેઓ પોતાની સામાન્ય અકલ થકી સ્પષ્ટ ફેસલો કરી શકે કે મુળભૂત બાબત અલ્લાહ તથા તેના પયગંબર(સ.અ.વ.)ની ખુશી અને તેનાથી સહીહ મોહબ્બત જ જરૂરી છે.
શું આપણે એ વાત પર સહમત નથી કે પયગંબર(સ.અ.વ.)એ ઇસ્લામના પ્રચારમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હતો? અને આ મુશ્કેલીઓ તેમના જીવનકાળમાં સમાપ્ત થઈ ન હતી, આપ(સ.અ.વ.)ના દુન્યાથી જવા પછી પણ ચાલુ રહી હતી. આપ (સ.અ.વ)ના જીવનકાળમાં બીબી ખદીજા(સ.અ.) અને જ.અબુ તાલિબ(અ.સ.)ની વફાતને આમૂલ હુઝ્ન (શોકનું વર્ષ, પયગંબરીના 10મા વર્ષને) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને જ.હમઝા(અ.સ.) અને જ.જાફર ઈબ્ને અબ્દુલ મુત્તલિબ(અ.સ.)ની શહાદત આ બધી મુસીબતો અને તકલીફો અમુક ઉદાહરણ તરીકે રજુ કરી છે જે આપ(સ.અ.વ)ના જીવનકાળ દરમ્યાન આવી હતી.
આપ(સ.અ.વ.)ની શહાદત પછીની મુશ્કેલીઓ જેવીકે બીબી ફાતેમા ઝેહરા(સ.અ.), અમીરુલ મોઅમેનીન(અ.સ.), ઈમામ હસન(અ.સ.), ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને બીજી અન્ય મુસીબતો.
ઉદાહરણ તરીકે, જ્યારે ઓહદમાં જ.હમઝા(અ.સ.) ગુમ થયા, ત્યારે જે સહાબીઓ તેમને શોધવા ગયા, તેમને થોડે દૂર તેમનો વિખરાયેલી લાશ (શબ) મળી. આ દ્રશ્ય સહાબીઓ માટે એટલું વિનાશક હતું કે તેઓએ પયગંબર(સ.અ.વ.)ને તેની જાણ કરવાની હિંમત ન કરી અને માથું ઝુકાવીને પાછા ફર્યા. છેવટે પયગંબર(સ.અ.વ.) પોતે જ.હમઝા(અ.સ.)ને શોધવા નીકળ્યા. તેમનો શબ જોયા પછી આપ(સ.) તેમની પયગંબરીમાં પ્રથમ વખત એટલા ગુસ્સા થયા હતા, તેઓ કાફિરોને બદદુઆ આપવાના હતા. તરત જ જ.જિબ્રઈલ(અ.સ.)ને વહી સાથે મોકલવામાં આવ્યા, જેમાં સબ્રની સાથે કાફિરોને સજા કરવાની રીત સૂચવવામાં આવી હતી. (સુરેનહલ (૧૬), આયત:૧૨૬).
કારણ કે પયગંબર(સ.અ.વ.) પોતાની ઇચ્છાથી કઈ બોલતા નથી (સુરે નજમ (૫૩), આયત:૩), તેનો અર્થ એ છે કે તેમનો ગુસ્સો અલ્લાહના માર્ગમાં હતો. જ.હમઝા(અ.સ.)એ પયગંબર(સ.અ.વ.)ને અસંખ્ય પ્રસંગોએ બચાવ્યા હતા અને જ્યાં સુધી તેઓ હતા ત્યાં સુધી કોઈ પયગંબર(સ.અ.વ.)ને પડકારી કે ધમકાવી શકતું ન હતું. જ.હમઝા(અ.સ.)નું કત્લ કરીને કાફિરોએ પયગંબર(સ.અ.વ.) પર અત્યાચાર કર્યો હતો, જેની સજા અલ્લાહે કુરઆનમાં જાહેર કરી છે:
إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا
બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઇજા પહોંચાડે છે તેમના ઉપર દુનિયા તથા આખેરતમાં અલ્લાહની લાનત છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે.
(સુરે અહઝાબ (૩૩), આયત:૫૭)
ઓહદના યુદ્ધ પછી પણ પયગંબર(સ.અ.વ.) ગમગીન રહ્યા અને એ જોઈને દુઃખી થયા કે મુસલમાનો જ.હમઝા(અ.સ.)ને ભૂલી ગયા હતા, જ્યારે કે ઓહદના અન્ય શહીદોનો શોક મનાવીને યાદ કરવામાં આવતા હતા.
જ.હમઝા(અ.સ.)ની શહાદત કોઈ નાની વાત ન હતી વહશી કે જે હિન્દ – અબુ સુફયાનની પત્ની અને મુઆવિયાની માતાનો ગુલામ હતો કે જેણે જ.હમઝા(અ.સ.)નું કત્લ કર્યું હતું. તે પણ પોતાના ગુનાહની ગંભીરતા અને તે પ્રસંગે પયગંબર(સ.અ.વ.)ના ગુસ્સાને સમજ્યો હતો. પયગંબર(સ.અ.વ.)ના સમગ્ર જીવન દરમિયાન, વહશીએ ક્યારેય પયગંબર(સ.અ.વ.)નો સામનો કરવાની હિંમત કરી નહીં. ભલે કેટલાક અહેવાલો મુજબ તેણે પાછળથી ઇસ્લામ સ્વીકાર્યો હતો. આ દર્શાવે છે કે જ.હમઝા(અ.સ.)ના મૃત્યુ પર પયગંબર(સ.અ.વ.)નો ગુસ્સો ક્ષણિક (થોડીવાર માટે) ન હતો, તે(ગુસ્સો) તેમના સમગ્ર જીવન દરમ્યાન તેમની સાથે રહ્યો. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે પયગંબર(સ.અ.વ.)ને જ.હમઝા(અ.સ.)ની યાદ આવતી, ત્યારે તે તેમની શહાદત અને તેમના વિખરાયેલી લાશની દુઃખદ યાદો ફરી તાજી થતી હતી.
અને પયગંબર(સ.અ.વ.)ની નારાજગી અલ્લાહની પણ નારાજગી હતી, જે સુરે અહઝાબ (૩૩): આયત:૫૭ દ્વારા સ્પષ્ટ થાય છે, જેનો અર્થ છે કે અલ્લાહ પણ જ.હમઝા(અ.સ.)ના કત્લ અને તેના પછી તેમની લાશની પરેલ ઝુલ્મોથી નારાજ છે.
પયગંબર(સ.અ.વ.) અને અલ્લાહ બંનેની નારાજગી કાયમી છે. અર્થાત્ જ.હમઝા (અ.સ.), તેમની શહાદત, તે દિવસ, પ્રસંગ, અને તેમની શહાદતની પરિસ્થિતિઓ ઈલાહી નારાજગી અને ગુસ્સાનો કાયમી સ્ત્રોત છે.
જો કોઈ એમ માની લે કે વહશીને માફ કરી દેવામાં આવ્યો હતો (જેમ કે કેટલાક મુસલમાનો દાવો કરે છે), તો પણ અલ્લાહ અને તેના પયગંબર(સ.અ.વ.) માટે જ.હમઝા(અ.સ.)ની શહાદત પરની નારાજગી હંમેશા રહેશે. પયગંબર (સ.અ.વ.)ના જ.હમઝા(અ.સ.)ની શહાદત પરના શોક (ગમ)ની સરખામણી ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત સાથે કરતાં, અહલે તસન્નુનના પ્રખ્યાત વિદ્વાન, અબુલ ફરજ જવઝી, તેમની કિતાબ ‘તબસેરહ’માં નોંધે છે:
જ્યારે જ.હમઝા(અ.સ.)ના કાતીલ, વહશીએ ઇસ્લામ સ્વીકાર્યો, ત્યારે પયગંબર (સ.અ.વ.)એ તેને કહ્યું મને તારો ચહેરો ન બતાવ કારણ કે હું તેને જોવાનું પસંદ નથી કરતો જેણે મારા ચહિતાને કત્લ કર્યો હોય.
જવઝી બયાન કરે છે : પયગંબર(સ.અ.વ.)એ આ ત્યારે કહ્યું જ્યારે ઇસ્લામ સ્વીકારવાથી ભૂતકાળના તમામ ગુનાહો માફ થઈ જાય છે. તો પછી પયગંબર (સ.અ.વ.) તે વ્યક્તિને કેવી રીતે જોશે જેણે ઈમામ હુસૈન(અ.સ.)ને ઝબ્હ કર્યા અને જેણે તેમના કત્લનો આદેશ આપ્યો અને જેણે તેમના પરિવાર(એહલેબય્ત)ને ઊંટની ઉઘાડી પીઠ પર ફેરવ્યા?!
-તઝકેરહ અલ-ખવાસ પાનાં.૨૭૪
હવે આપણે એક પળ (ક્ષણ) માટે વિચારીએ કે જો પયગંબર(સ.અ.વ.) સાથે રહેતા કોઈ મુસ્લિમે ઓહદના દિવસે 15મી શવ્વાલ, 3જી હિજરીએ અથવા એક-બે દિવસ પછી શાદીનું આયોજન કર્યું હોતે તો શું તેના માટે આ શાદીનું આયોજન યોગ્ય હતું જ્યારે કે જ.હમઝા(અ.સ.)ની શહાદત અને તે પ્રસંગે પયગંબર (સ.અ.વ.)ના શોક (ગમ)ને ધ્યાનમાં રાખીને.
ખરેખર, પયગંબરીના 10મા વર્ષને, જેમાં જ.અબુ તાલિબ(અ.સ.) અને બીબી ખદીજા(સ.અ.)ના વફાતનો બેવડો આઘાત રસુલુલ્લાહ(સ.અ.વ)ને લાગ્યો હતો, જેમાં આપ (સ.અ.વ)દ્વારા તે વર્ષને આમૂલ હુઝ્ન (શોકનું વર્ષ) જાહેર કરવામાં આવ્યું હતું. શું આપણે તે વર્ષે પયગંબર (સ.અ.વ.)ના શોકને અવગણીને મુસલમાનોને શાદી અને જશ્નો પર આગ્રહ રાખતા જોઈએ છીએ?
જો તે જ વર્ષે નહીં – જો કોઈ મુસલમાન તે પછીના કોઈ પણ વર્ષે જ.હમઝા(અ.સ.)ની શહાદતના દિવસ અથવા અબુ તાલિબ(અ.સ.) કે ઉમ્મુલ મોઅમેનીન બીબી ખદીજા(સ.અ.)ના વફાતના દિવસ સાથે સુસંગત દિવસે શાદી કે જશ્નનું આયોજન કરવા માંગતો હોત, તો શું તેને પયગંબર(સ.અ.વ.)ની મંજૂરી મળવાની સંભાવના છે?
જે વાત જ.હમઝા (અ.સ.)ની શહાદત માટે સાચી છે, તે જ વાત ઈમામ હુસૈન(અ.સ.) , તેમના ભાઈ ઇમામ હસન(અ.સ.) સાથે કે જે જન્નતના યુવાનોના સરદાર છે અથવા અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની શહાદત, અથવા બીબી ફાતેમા ઝહરા(સ.અ.) જન્નતની તમામ સ્ત્રીઓના સરદારની શહાદત જેવી અન્ય હસ્તીઓની શહાદત માટે પણ એટલી જ સાચી છે. ઇબ્ન જવઝી જેવા અહલે તસન્નુનના આલિમોએ પણ આવો જ નિષ્કર્ષ (તારણ) કાઢ્યો છે.
તેમની શહાદત અને અહલેબૈત(અ.મુ.સ.)ના અન્ય માઅસૂમ વ્યક્તિઓની શહાદત પયગંબર(સ.અ.વ.) અને અલ્લાહ બંને માટે નારાજગીનો સ્ત્રોત છે.
જો કે અમે અહી અહલેબૈત (અ.સ.)ની અસંખ્ય ફઝીલતોમાં ઊંડા ઉતરવા માંગતા નથી, ત્યારે એટલું કહેવું પૂરતું છે કે ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત બેમિસાલ શહાદત હતી અને તે કારણસર ઈમામ(અ.સ.) અને તેમની શહાદત અલ્લાહ અને પયગંબર (સ.અ.વ.)ની નજરમાં જ.હમઝા(અ.સ.) કરતાં ઘણું ઉચ્ચ સ્થાન ધરાવે છે.
શા માટે ફક્ત મોહર્રમમાં જ શાદી કરવી?
જે મુસલમાનો એવો આગ્રહ રાખે છે કે મોહર્રમમાં શાદી કરવું માન્ય છે કારણ કે બધા દિવસો અને મહિનાઓ અલ્લાહના છે તેઓને અમારો એક પ્રશ્ન છે
શું પયગંબર(સ.અ.વ.)એ જ.હમઝા(અ.સ.)ની શહાદતના દિવસે શાદી કરવા માંગતા મુસલમાનોને શાદી બીજા કોઈ દિવસે યોજવાની સલાહ ન આપી હોત?
આખરે, મહિનાના ઘણા દિવસો એવા હોય છે જ્યારે શાદી યોજી શકાય છે અને તે ઉજવણી અને આનંદ સાથે સંકળાયેલા છે, જેમ કે બેઅસતનો દિવસ (27મી રજબ), પયગંબર (સ.અ.વ.)નો જન્મદિવસ 17મી રબીઉલ અવ્વલ અને બીજા ઘણા બધા દિવસો. ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદતના દિવસે શાદી કરીને અલ્લાહ અને પયગંબર(સ.અ.વ.)ની નારાજગી લેવાને બદલે, ઇમામ હુસૈન(અ.સ.)ના જન્મદિવસ 3જી શાબાનના દિવસે શાદી કરવું વધુ ફાયદાકારક બની શકે છે.
શું કોઈ અકલમંદ મુસલમાન પોતાના પિતા કે માતા કે કોઈ પ્રિયજનની વફાતના દિવસે અથવા તેની વફાતની તારીખે (મરણ દીવસની તારીખે) શાદીનું આયોજન કરશે કારણ કે બધા દિવસો અલ્લાહના છે?
શું કોઈ અકલમંદ મુસલમાન પ્રથમ, બીજા, ત્રીજા ખલીફાઓની વફાત પર શાદીનું આયોજન કરશે કારણ કે બધા દિવસો અલ્લાહના છે?
આથી, આપણે ફક્ત હઠાગ્રહ અને પૂર્વગ્રહ જ જોઈએ છીએ કે શાદી અને જશ્નો મોહર્રમ સહિતના તમામ મહિનાઓમાં યોજી શકાય છે, જે આપણે જોયું તેમ, ઈસ્લામની રૂહ અને અલ્લાહ તથા તેના પયગંબર(સ.અ.વ.)ની ખુશીની વિરુદ્ધ છે.(બલકે નારાઝગીનું કારણ છે.)
Be the first to comment