હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) – ઝળહળતું નૂર

વાંચવાનો સમય: 10 મિનિટ

સમગ્ર કાએનાત અલ્લાહની છે. તે જે ચાહે કરે છે. કોઈ તેની તાકત અને સત્તાને ઘટાડી નથી શકતું. ખાસ કરીને અલ્લાહે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની પોતાની રહમત અને બરકતના માધ્યમ તરીકે નિમણુંક કરી છે. આ આધારે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) આ કાએનાતમાં કોઈપણ વસ્તુ ધરાવી શકે છે. આપણી જવાબદારી છે કે આપણે આ માનનીય હસ્તીઓની મઅરેફત હાસીલ કરીએ, જેમને આસમાન અને જમીન ઉપર તાકત અને સત્તા આપવામાં આવી છે.

 

તદઉપરાંત અગર આપણે એક ખુશહાલ ઝીંદગી વિતાવવા ચાહતા હોઈએ અને સીધા રસ્તા ઉપર રહેવા માંગતા હોઈએ તો આપણા માટે હક્ક અને બાતિલ વચ્ચે તફાવત કરવો જરૂરી છે. આ માનનીય હસ્તીઓ અલ્લાહની રેઝા અને નારાઝગીના પ્રતિબિંબ છે. તેઓની ઈતાઅતથી અલ્લાહની ઈતાઅત થાય છે અને તેઓની નાફરમાનીથી અલ્લાહની નાફરમાની થાય છે. તેથી આપણા ઉપર જરૂરી છે કે તેઓની મઅરફેત હાસીલ કરીએ, જે અંતે આપણી સમૃધ્ધિ અને સફળતાનું સબબ બનશે.

 

જનાબે ઝહરા (સ.અ.)નો ઉમદા હોવા કરતા વિશેષ દરજ્જો છે:

 

જનાબે ઝહરા (સ.અ.)નો દરજ્જો ઉમદા હોવા કરતા ઘણો ઉંચો છે.

 

રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે: બેશક, અલ્લાહ જનાબે ફાતેમા (સ.અ.)ના રાજી થવાથી રાજી થાય છે અને આપ (સ.અ.)ના નારાજ થવાથી નારાજ થાય છે.

(બેહારૂલ અન્વાર, ભાગ-30, પા. 353, અલ મુસ્તદરક અલા અલ સહીહૈન, ભાગ-3, પા. 154, અલ મોઅજમ અલ કબીર, ભાગ-22, પા. 401, સહીહ અલ બુખારી, ભાગ-5, પા. 83)

 

આ હદીસ સ્પષ્ટ કરે છે કે જનાબે ઝહરા (સ.અ.)નું મકામ ઉમદા હોવા કરતા ઘણું જ બલંદ છે કારણ કે પાકીઝગી એટલે વ્યક્તિનું દરેક કાર્ય, તેનો સંતોષ અથવા અસંતોષ, ખુશી અને નારાઝગી અલ્લાહની ખ્વાહીશ મુજબ હોય. તે અલ્લાહની રેઝામાં રાજી અને તેની નારાઝગીમાં નારાજ હોય. તેના કાર્યો અલ્લાહની ઈચ્છાઓનું પ્રતિબિંબ હોય.

 

પરંતુ જનાબે ઝહરા (સ.અ.) માટે આવું નથી કારણકે અહિંયા અલ્લાહ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની રેઝામાં રાજી છે અને તેમની નારાઝગીમાં નારાજ છે.

 

જનાબે ઝહરા (સ.અ.)ની સંપુર્ણ માઅરેફત અશકય છે:

રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે:

જનાબે ફાતેમા (સ.અ.)નું નામ ફાતેમા એટલા માટે રાખવામાં આવ્યું કે સમગ્ર કાએનાત તેમની સંપુર્ણ માઅરેફ્ત મેળવવાથી લાચાર છે.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 65)

આ હદીસના શબ્દો ગૌર તલબ છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ સમગ્ર કાએનાત ઉપર ભાર મૂકયો છે જેમાં અલ્લાહને છોડીને ન ફકત દરેક ઈન્સાન બલ્કે ઈલાહી વહી લાવનારા માનનીય ફરિશ્તાઓ, અલ્લાહના ભરોસાપાત્ર જનાબે જીબ્રઈલ, ઈઝરાઈલ અને બીજા મુકર્રબ ફરિશ્તાઓ, ઉલુલ અઝમ પયગમ્બરો, અંબીયા (અ.મુ.સ.) અને તેમના વસીઓ.

તે પાક શખ્સીય્યત કેટલી અઝીમ હશે કે જેમને ભરોસાપાત્ર જીબ્રઈલ પણ સંપૂર્ણ મઅરેફ્ત નથી હાસિલ કરી શકતા? બલ્કે અંબીયા (અ.મુ.સ.) પણ તેમની સંપૂર્ણ મઅરેફત નથી હાંસીલ કરી શકતા. આ મહાન શખ્સીય્યતને સંપૂર્ણ રીતે ફકત અલ્લાહ જ જાણી શકે છે.

 

આ બાબતે આવો આપણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસને જોઈએ:

 

જ્યારે અલ્લાહના નુમાઈંદાઓ કયામતના દિવસે સફોમાં ગોઠવાઈ જશે, તે સમયે આદમ (અ.સ.) અને બીજા અંબીયા (અ.મુ.સ.) આપ (જનાબે ફાતેમા સ.અ.)ની મુલાકાત માટે આવશે.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 22)

બેશક અંબીયા (અ.મુ.સ.) માટે એ કેવો દરજ્જો છે કે સફોમાં ઉભા રહે અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને બોલાવવામાં આવે. આ મહાન ઔરતને આપવામાં આવેલ માનને દર્ક કરવામાં માનવ અકલ ટૂંકી પડે છે.

બેશક કોઈ તે ઔરતની અઝમતને દર્ક ન કરી શકે કે જેમના માટે અંબીયા (અ.મુ.સ.) સફોમાં ઉભા રહીને તેમને જન્નતમાં બોલાવે. જેવી રીતે અકલો અંબીયા (અ.મુ.સ.)ના દરજ્જાને દર્ક નથી કરી શકતી તો પછી કેવી રીતે શકય છે કે તે શખ્સીય્યતના દરજ્જાને દર્ક કરે કે જેમની મુલાકાત માટે ખુદ અંબીયા (અ.મુ.સ.) સફોમાં ઉભા રહેશે?

 

જનાબે ઝહરા (સ.અ.)ની ખિલ્કત:

 

આ હદીસ શીઆઓ અને સુન્નીઓ બન્ને દ્વારા નકલ કરવામાં આવી છે. ભરોસાપાત્રતાના અનુસંધાને આ એટલી બધી મોઅતબર છે કે આ હદીસના આધારે ફતવો પણ જારી કરી શકાય છે.

 

ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે: રસુલુલ્લાહ (સ.અ.વ.) જનાબે ઝહરા (સ.અ.)ને ખુબજ બોસો આપતા. જ્યારે આયેશાએ આમ કહી વાંધો ઉપાડયો: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! શું કારણ છે કે તમે જનાબે ફાતેમા (સ.અ.)ને આટલા બોસા આપો છો?

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ જવાબમાં ફરમાવ્યું:

 

જ્યારે હું આસમાન (મેઅરાજ) ઉપર ગયો, મેં જન્નતની મુલાકાત કરી. જન્નતના વૃક્ષોમાં મેં એક વૃક્ષ જોયું કે જે બીજા બધા વૃક્ષો કરતા બહેતર હતું. કોઈ વૃક્ષ તેની કરતા વધુ સફેદ અથવા વધુ ખુશ્બુદાર ન હતું. મેં તે વૃક્ષમાંથી એક ફળ લીધું. આ ફળે મારી સુલ્બમાં પ્રવાહીનો આકાર લીધો અને જ્યારે હું ઝમીન ઉપર પરત ફર્યો, મને જે આપવામાં આવ્યું હતું તે મેં જનાબે ખદીજા (સ.અ.)ના ગર્ભમાં મુન્તકીલ કર્યું, જેના દ્વારા જનાબે ફાતેમા (સ.અ.)ની ખિલ્કત થઈ. તેથી જ્યારે પણ હું જન્નતની ખુશ્બુ સુંઘવા ચાહું તો હું જનાબે ફાતેમા (સ.અ.)ને સુંઘુ છું.

(બેહારૂલ અન્વાર, ભાગ-18, પા. 315, અલ દુર્રૂલ મન્સુર, ભાગ-4, પા. 153, અલ મોઅજમ અલ કબીર, ભાગ-22, પા. 401, તફસીરે નૂરૂસ્સકલૈન, ભાગ-3, પા. 98)

 

એ નોંધવું જરૂરી છે કે હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) તમામ રસુલો, અંબીયા (અ.મુ.સ.) અને સમગ્ર કાએનાતમાં શ્રેષ્ઠ અને સૌથી વધુ માનનીય છે. સૌથી વધુ પાકીઝા જગ્યા જન્નત છે અને આ જન્નતમાંથી સૌથી ખાસ વૃક્ષ અને આ ખાસ વૃક્ષમાંથી સૌથી શ્રેષ્ઠ ફળ. અહિંથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પાકીઝા વુજુદની શરૂઆત થાય છે અને આ વુજુદ જાહેરી ખિલ્કત છે. એટલેકે તે ચીઝ જેના દ્વારા જનાબે ઝહરા (સ.અ.)નું શરીર બન્યું તે સૌથી ખુબસુરત ફળોમાંથી હતું.

 

શરીરનો રૂહ સાથેનો સંબંધ:

 

કુરઆનની દ્રષ્ટિએ શરીર અને રૂહને એક સબંધ છે. જનાબે આદમ (અ.સ.)ની ખિલ્કતના સમયે કુરઆને કરીમ ફરમાવે છે:

પછી જ્યારે મેં તેમને પૂરેપૂરો બનાવ્યો અને મારી રૂહ તેમાં ફુંકી.

(સુરએ હીજ્ર (15): આયત 29)

બીજી જગ્યાએ ફરમાવ્યું:

 

બેશક અમે ઈન્સાનોને શ્રેષ્ઠ રૂપમાં પૈદા કર્યા.

(સુરએ તીન (95): આયત 4)

 

ઈન્સાન કરતા કોઈ ખિલ્કત અફઝલ નથી. ઈન્સાનોની ખાસ લાક્ષણીકતાઓ અને તેના શરીરનું રૂપ એક રૂહને તેમાં નાંખવા માટે લાયક અને યોગ્ય છે. તેથી રૂહને ત્યારે જ નાખવામાં આવે છે જ્યારે શરીર તે લાયક હોય. એટલે કે દુનિયાના દરેક શરીરો એ લાયક નથી કે તેમાં રૂહ ફૂંકવામાં આવે. જ્યારે બધા શરીરો એક સામાન્ય રૂહને નથી ધરાવી શકતા, તો પછી અલ્લાહ તરફથી અઝીમ અઝમત ધરાવતી શખ્સીય્યતના શરીર માટે અલ્લાહ તરફથી ખાસ રહમત હોય છે.

 

દુન્યવી સામગ્રીથી બનેલા શરીર માટે જરૂરી છે કે એક રૂહ તેમાં નાંખવામાં આવે અને તે પણ એવી રૂહ જે અલ્લાહ સાથે સંકળાયેલ હોય. જે માટે અલ્લાહ ફરમાવે છે, આ તેની રૂહ છે. તેથી તે પાક શરીર માટે કે જે જન્નતનું ફળ ખાવા પછી બન્યું, તેના માટે કેવી પ્રકારની રૂહની જરૂર હોય? જ્યારે આ પાક શરીર દુનિયાઓના શરીરથી અઝીમ અને બાઅઝમત  છે તો પછી તેમાં રૂહ પણ અઝીમ જ હશે.

 

કદાચ, આ કારણે રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે:

 

અલ્લાહ તઆલાએ એ મોઅઝ્ઝમાને પોતાના નૂર થકી ખલ્ક કર્યા છે. આપના નૂરથી સમગ્ર કાએનાત પ્રકાશિત થઈ. મલાએકાઓની આંખો ઝુકવા લાગી, તેઓએ અલ્લાહ સામે પોતાના માથાઓને સજદામાં નાખી દીધા. તેઓએ કહ્યું: અય પરવરદિગાર! આ નૂર કેવું છે?

 

અલ્લાહ તઆલાએ તેઓ ઉપર વહી ઉતારી કે આ નૂર મારા નૂરમાંથી છે. તેને મેં પોતાના જ આસમાનમાં જગ્યા આપી છે. તેને મેં મારી અઝમત થકી પૈદા કર્યું છે, મારા અંબીયામાંથી હું એક નબીના સુલ્બ થકી જાહેર કરીશ કે જે નબી તમામ અંબીયાથી શ્રેષ્ઠ હશે. પછી આ નૂરથી હું મારા ઈમામોને પૈદા કરીશ કે જે મારા હુક્મથી કયામ કરશે અને લોકોને મારા હક્કો તરફ માર્ગદર્શન આપશે. વહીનો સિલસિલો ખતમ થઈ જવા બાદ હું તેઓને ઝમીન ઉપર મારા વસીઓ નિયુકત કરીશ.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 12)

 

આ રીતે જન્નતના શ્રેષ્ઠ ફળોમાંથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના પાકીઝા શરીરની ખિલ્કત થઈ હતી અને અલ્લાહે તેમની રૂહ પોતાના નૂર થકી ખલ્ક કરી. જ્યારે આ નૂર આ માદદી/ભૌતિક દુનિયામાં આવવામાં આટલું ભવ્ય હતું તો પછી આખેરતમાં તેની શું મન્ઝેલત હશે?

ઈમામ સાદિક (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે: અલ્લાહે આસમાન અને ઝમીનની ખિલ્કત પહેલા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના નૂરને પૈદા કર્યું હતું.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! શું તેણી (સ.અ.) ઈન્સાન નથી? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ફાતેમા (સ.અ.) ઈન્સાની શકલમાં હુર્રા છે. આપ (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: તે કેવી રીતે ઈન્સાની શકલમાં હુર્રા છે? રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલ્લાહે હઝરત આદમ (અ.સ.)ની ખિલ્કતના પહેલા આપ (સ.અ.)ને પોતાના નૂરથી પૈદા કર્યા. તે સમયે ફકત રૂહો જ હતી. જ્યારે હ. આદમ (અ.સ.)ને પૈદા કર્યા, નૂરને તેમની સામે રાખવામાં આવ્યું.

આપ (સ.અ.વ.)ને પૂછવામાં આવ્યું: જનાબે ફાતેમા (સ.અ.) ત્યારે કયા હતા?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: અર્શની નીચે ખઝાનામાં.

આપ (સ.અ.વ.)ને પૂછવામાં આવ્યું: આપ (સ.અ.)નો ખોરાક શું હતો?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલ્લાહની હમ્દ અને સના આપનો ખોરાક હતો.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 4)

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઈબાદત:

આ હદીસના અંતે રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે કે રૂહોની દુનિયામાં, અર્શની નીચે, જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો ખોરાક અલ્લાહની હમ્દ અને વખાણ હતા જેણે સામાન્ય રીતે તસ્બીહે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) કહેવામાં આવે છે, એક અઝીમ તસ્બીહ.

જનાબે ઝહરા (સ.અ.)ના નૂરને અર્શના ખઝાનાઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું, તેમનો ખોરાક અલ્લાહની હમ્દો સના હતી. તેવી જ રીતે આ દુનિયામાં આપ (સ.અ.) ઈબાદતમાં મુસલ્લા ઉપર એટલા બધી તલ્લીન રહેતા કે આપના પગ સોજી જતા.

તેઓ ઉભા રહીને એટલી બધી ઈબાદત કરતા કે તેમના પગ સોજી જતા.

(ઈબ્ને શહરે આશોબની અલ મનાકીબ, ભાગ-3, પા. 389)

 

આપ (સ.અ.)ની આ દુનિયામાં ઈબાદત એ હકીકત તરફ ઈશારો કરે છે કે આપ (સ.અ.વ.) એવી જ રીતે અલ્લાહની હમ્દો સના કરો છો જેવી રીતે આપ રૂહોની દુનિયામાં કરતા હતા.

 

ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: જે કોઈ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની હકીકી મઅરેફત મેળવવામાં કામ્યાબ થયો તો પછી તેણે શબે કદ્રની હકીકતને પામી લીધી.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 66, તફસીર અલ ફુરાત, પા. 581)

 

હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)નો ટૂકડો છે:

 

એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો હાથ થામી પોતાના ઘરથી બહાર નિકળ્યા અને ફરમાવ્યું: જે કોઈ આમને જાણે છે જાણે છે. જે કોઈ આમને નથી જાણતા તેઓ જાણી લે કે આપ (સ.અ.) ફાતેમા બિન્તે મોહમ્મદ (સ.અ.વ.) છે. આપ (સ.અ.) મારો ટૂકડો છે. આપ (સ.અ.) મારૂં દિલ છે. આપ (સ.અ.) મારા પડખાઓ દરમ્યાનની રૂહ છે. જે કોઈ તેમને નારાજ કરે તેણે મને નારાજ કર્યો અને જે કોઈએ મને નારાજ કર્યો તેણે અલ્લાહને નારાજ કર્યો.

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 54)

આ હદીસની રૌશનીમાં, જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ટૂકડા છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ એમ નથી ફરમાવ્યું કે તેઓ મારા શરીરનો ભાગ છે. બલ્કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે તેઓ મારો ભાગ છે. આપ (સ.અ.) નબુવ્વત અને રિસાલતનો ભાગ છે. આપ (સ.અ.)ની રૂહ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દિલ સાથે જોડાયેલ છે.

 

રસુલુલ્લાહ (સ.અ.વ.)નું દિલ એક સામાન્ય દિલ નથી. બલ્કે તે પહેલેથી છેલ્લે સુધી દરેક વિજ્ઞાનનું કેન્દ્ર છે. તેમાં બધા અંબીયા (અ.મુ.સ.) અને અવસીયા (અ.મુ.સ.)નું સંપૂર્ણ ઈલ્મ છે. જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આ વિજ્ઞાન અને હકીકતોનું પ્રતિબિંબ છે.

 

સહાબીઓનું જનાબે ફાતેમા (સ.અ.) સાથે વર્તન:

 

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની અઝમતને ધ્યાનમાં રાખીને અને આ બાબતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અદભૂત હદીસોને ઘ્યાનમાં લેતા એક સવાલ મુસલમાન ઉમ્મતને સતાવે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓએ આપ (સ.અ.વ)ની શહાદત બાદ આપ (સ.અ.) સાથે કેવું વર્તન કર્યું?

 

આ સવાલનો જવાબ ઈતિહાસ રજુ કરે છે. નીચેનો બનાવ નોંધપાત્ર છે:

 

જ્યારે ખિલાફતના ગાસીબો (જે હક્ક અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ. નો હતો તેને ગસ્બ કરનારાઓ) તેમના ઘરે આવ્યા અને તેમને બહાર આવવા કહ્યું, આપ (સ.અ.) પોતે દરવાજા તરફ ગયા. આ એ સમય હતો જ્યારે ઉમર બળજબરીપૂર્વક (અલી અ.સ.થી) અબુબકરની બયઅત લેવા આવ્યો હતો. જ્યારે અલી (અ.સ.) બહાર ન આવ્યા તો ઉમરે કહ્યું: એની કસમ જેના હાથમાં મારી જાન છે, અગર તમે અલી (અ.સ.)ને નહિં સોંપો તો હું ઘરને તેના રહેવાસીઓ સમેત આગ લગાવી દઈશ.

આ સમયે તેના પોતાના માણસોએ તેને યાદ અપાવ્યું: અય અબુ હફસ (ઉમર) જનાબે ફાતેમા (સ.અ.) આ ઘરમાં છે.

 

ઉમરે આસાનીથી કહ્યું: તો શું?

(અલ ઈમામહ વલ સિયાસહ, ભાગ-1, પા. 19)

આના ઉપર જનાબે ફાતેમા (સ.અ.) એ ફરમાવ્યું: મેં તારા કરતા વધુ બેશરમ અને બેઅદબ માણસ નથી જોયો. તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પાકીઝા જનાઝાને ત્યજી દીધો અને અહિંયા અમારા હક્કો ગસબ કરવા આવ્યો છો?

(અલ ઈમામહ વલ સિયાસહ, ભાગ-1, પા. 19)

 

આ તે લોકો છે કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની તઅલીમ હેઠળ પરવાન ચઢયા હતા અને તેઓનો મરતબો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓ તરીકે થતો હતો. તેઓની સમાજમાં ઓળખાણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબીઓ તરીકે થતી હતી. તેમ છતાં, તેઓએ તેમના પવિત્ર જનાઝાને ત્યજી દીધું અને ખિલાફતની બાબતનો નિર્ણય કરવા દોડવા લાગ્યા કે કદાચને તેમને અવગણવામાં આવે. ખિલાફત છીનવી લેવા ઉપર પણ સંતોષ ન થતા તેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વ્હાલી દુખ્તર, જન્નતની સ્ત્રીઓની સરદારના ઘરને આગ લગાવી દીધી, કે જેમની ફઝીલત ઉપર રસુલુલ્લાહ (સ.અ.વ.) એ વારંવાર ભાર મૂકયો હતો.

 

અલબત્ત આશ્ર્ચર્યજનક છે કે કેવી રીતે સહાબીઓ ફકત બે થી ત્રણ દિવસમાં નાટ્યાત્મક રીતે બદલાઈ ગયા. આ એજ સહાબીઓ હતા કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) પાછળ મસ્જીદમાં નમાઝ પઢવા જમા થતા હતા અને ધ્યાનપૂર્વક આપ (સ.અ.વ.)ના ખુત્બાઓ સાંભળતા હતા. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ એવું હતું કે જાણે તેઓ આપ (સ.અ.વ.)ના સહાબીઓ હતા જ નહિ, જે રીતે તેઓએ ઠંડા કલેજે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ અને તેમની દુખ્તર પ્રત્યે વર્તન કર્યું.

 

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર પડેલી મુસીબતો:

 

સઈદ બિન ઝુબૈર ઈબ્ને અબ્બાસથી નકલ કરે છે: એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) તશરીફ લાવ્યા ત્યારે ઈમામ હસન (અ.સ.) દાખલ થયા. આપ (સ.અ.વ.)એ તેમને આવકાર્યા અને ખુશી સાથે તેમને પોતાના જમણા ઝાનુ ઉપર બેસાડયા. પછી ઈમામ હુસૈન (અ.સ.) તશરીફ લાવ્યા. આપ (સ.અ.વ.)એ તેમને આવકાર્યા અને તેમને પોતના ડાબા ઝાનુ ઉપર બેસાડયા. પછી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવ્યા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાજુમાં બેસી ગયા. પછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) આવ્યા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની જમણી બાજુ બેસી ગયા.

 

પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) બેસાખ્તા રડવા લાગ્યા.

 

કોઈએ પુછયું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! તમને કઈ બાબતે ગમગીન કર્યા?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓની ફઝીલતો બયાન કરી અને એ મુશ્કેલીઓને બયાન કરી જે રસુલુલ્લાહ(સ.અ.વ) ના બાદ તેઓના પર પડશે. જ્યારે વાત જનાબે ઝહરા (સ.અ.) સુધી પહોંચી, આપ (સ.અ.)ની ફઝીલતો બયાન કર્યા બાદ આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યારે હું તેમને જોઉ છું તો મને તે મુસીબતો યાદ આવે છે જે તેમના ઉપર મારા પછી પડશે.

(શૈખે સદુક (ર.અ.)ની અલ આમાલી, મજલીસ 24, પા. 99, બેહારૂલ અન્વાર, ભાગ-28, પા. 37)

 

એહલે તસન્નુનના આલીમોએ પણ આ હદીસને ફરાએદુસ્સીમતૈન, ભાગ-2, પા. 25 ઉપર નકલ કરી છે.

શું મુસલમાનો આ હદીસ  ઉપર ધ્યાન દેવાનું ભુલી ગયા, એમ છતાં કે તે નકલ કરી છે? અગર જનાબે ફાતેમા (સ.અ.)ની ખુશીમાં અલ્લાહની ખુશી છે અને તેમની નારાજગીમાં અલ્લાહની નારાજગી છે તો પછી તેઓની શું હેસિયત કે જેઓએ તેમના ઉપર ઝુલ્મ કર્યો?

જ્યારે અબુબકર અને ઉમર આ બનાવ (કે જેમનાથી આપ (સ.અ.) ગંભીરતાપૂર્વક ઝખ્મી હતા) બાદ જનાબે ઝહરા (સ.અ.)ની મુલાકાત માટે આવ્યા તો આપ (સ.અ.)એ તેઓને કહ્યું કે હું અલ્લાહ અને ફરિશ્તાઓને ગવાહ રાખીને કહું છું કે તમે બન્નેએ મને ગુસ્સે કર્યા અને મને નારાજ કર્યા.

(અલ ઈમામહ વલ સિયાસહ, ભાગ-1, પા. 20)

 

શું જનાબે ઝહરા (સ.અ.)ની નારાજગી અલ્લાહની અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નારાજગી નથી? તદઉપરાંત, શું જેણે જનાબે ઝહરા (સ.અ.)ને ગઝાબનાક કર્યા તે સીધા રસ્તાથી ભટકી નથી ગયો? અમૂક મુસલમાનો એવા મંતવ્યના છે કે આપણે આવા બનાવો ન વર્ણવવા જોઈએ કારણકે જે થવાનું હતું તે થઈ ગયું અને હવે તેને યાદ કરવાથી કંઈ ફાયદો નથી. આજ તર્ક ઉપર (અમલ કરીએ તો) અડધા કુરઆનને ત્યજી દેવું જોઈએ કારણ કે તે તેવા બનાવોથી ભરેલુ છે જે થઈ ચુકયા છે અને અત્યારે મુસલમાનો માટે કંઈ ફાયદાકારક નથી.

ન ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બરહક ખલીફાના બારામાં બનાવોનું વર્ણન કરવું જરૂરી છે બલ્કે એ તપાસ કરવી પણ જરૂરી છે કે કયા લોકોએ હક્કને છુપાવ્યું છે અને લોકોને ગુમરાહ કર્યા છે?

 

આ એટલા માટે જરૂરી છે કે આપણે નેકીને અનુસરી શકીએ અને બદીથી પરહેઝ કરી શકીએ. આ એટલા માટે કે ઘણા કારણો પૈકી એક કારણ એ પણ છે કે પવિત્ર કુરઆનમાં વારંવાર અગાઉના અંબીયા (અ.મુ.સ.) અને તેઓની ઉમ્મતના બારામાં વર્ણન છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને આ બનાવનું ઈલ્મે ગય્બ હતું જ્યારે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જાણે કે હું તે સમયે હાજર છું અને જોઈ રહ્યો છું કે કેવા નીચા અને ધિક્કારપાત્ર ચારિત્ર્યના લોકો જનાબે ઝહરા (સ.અ.)ના ઘરમાં દાખલ થઈ રહ્યા છે.

આ કરતા વધુ બુરી હકીકત કઈ હોય શકે કે બદઅખ્લાક લોકો દરવાજા ઉપર છે અને ઘરને આગ લગાવવા માંગે છે? શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે આના કરતા પણ વધુ કોઈ હિંસક અને ઘૃણાસ્પદ બાબત હોય શકે કે તેમની પત્નિ ઉપર દરવાજો પાડવામાં આવ્યો, અને ગંભીરતાપૂર્વક ઝખ્મી કરવામાં આવ્યા. ત્યાં સુધી કે આપ (સ.અ.)ની પાંસળીઓ તુટી ગઈ, આજ ઈજાના કારણે આપ (સ.અ.) આ દુનિયાથી રૂખ્સત થઈ ગયા.

 

નીચેનો બનાવ નોંધપાત્ર છે:

ઈબ્ને અબીલ હદીદ અલ મોઅતઝેલી, પ્રખ્યાત સુન્ની આલીમ, લખે છે: એક દિવસ મેં ફત્હે મક્કા અને હબ્બાર ઈબ્ને અસ્વદના બનાવને મારા ઉસ્તાદ અબુ જઅફર નકીત સમક્ષ દોહરાવ્યો. મક્કાના વિજય પછી, એમ છતાં કે રસુલુલ્લાહ (સ.અ.વ.) દુનિયા માટે રહમત છે, એ અમૂક લોકોને કત્લ કરવાનું જાએઝ હોવાનું જાહેર કર્યું. તેમાંનો એક હબ્બાર બિન અસ્વદ હતો. આનું કારણ મુસલમાનોનું મદીનાથી તરફની હિજરત હતી. જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કુટુંબની ઔરતો મક્કાથી મદીના હિજરત કરી રહ્યા હતા, જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દત્તક પુત્રી ઝયનબ પણ હતા, હબ્બારે તેમના તરફ  ભાલો ઉગામ્યો કે જેના કારણે તેમનું બાળક કત્લ થઈ ગયું. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દ્રષ્ટિએ આ કૃત્ય એટલું ધિક્કારપાત્ર હતું કે આપ (સ.અ.વ.) એ હબ્બાર બિન અસ્વદનું ખૂન જાએઝ કરાર દીધું.

 

ઈબ્ને અબીલ હદીદ કહે છે: મારા ઉસ્તાદ અબુ જઅફર નકીતે કહ્યું: અગર રસુલુલ્લાહ (સ.અ.વ.) હયાત હોત તો શું આપ (સ.અ.વ.) તેઓના ખુનને જાએઝ ન ઠરાવત કે જેઓએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ત્રાસ આપ્યો અને ધમકાવ્યા?- જેના કારણે આપ (સ.અ.)નું હમલ સાકિત થઈ ગયું અને જનાબે મોહસીન (અ.સ.)ની શહાદત થઈ?

(ઈબ્ને અબી હદીદની શર્હે નહજુલ બલાગાહ, ભાગ-3, પા. 35)

 

હવે શમ્સુદ્દીન અલ ઝહબી (વફાત હી.સ. 748), ભરોસાપાત્ર સુન્ની આલીમના બયાન ઉપર નઝર કરીએ. તેમણે તેમની કિતાબ મીઝાનુલ એઅતેદાલમાં નકલ કર્યું છે કે: ઉમરે જનાબે ફાતેમા (સ.અ.)ને એટલો બધો જોરથી ધક્કો માર્યો જેના કારણે જનાબે મોહસીન (અ.સ.)ની શહાદત થઈ.

(મીઝાનુલ એઅતેદાલ, ભાગ-1, પા. 139)

 

અબુ બસીર (ર.અ.) નકલ કરે છે: મેં ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને સવાલ કર્યો: શા માટે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આટલી નાની વયમાં આ દુનિયાથી ચાલ્યા ગયા?

 

આપ (અ.સ.) એ ફરમાવ્યું: આપ (સ.અ.) જવાનીમાં શહીદ થયા કારણકે ઉમરના ગુલામ કુન્ફુઝે ઉમરના હુકમ મુજબ જનાબે ઝહરા (સ.અ.) ઉપર પોતાની તલવારની ધારથી એટલી ક્રુરતાથી હુમલો કર્યો કે જનાબે મોહસીન (અ.સ.) શહીદ થઈ ગયા. આ ઈજાથી જનાબે ઝહરા (સ.અ.) ખૂબ જ કમઝોર થઈ ગયા (જેના પછી આપ સ.અ. કયારેય તંદુરસ્ત ન થયા).

(દલાએલે ઈમામહ, પા. 134)