ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ

ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક બાબતે બે મુખ્ય મુસ્લિમ ફીર્કાઓ શિયાઓ અને સુન્ની વચ્ચે વિવાદનો મુદ્દો છે.

શિયાઓ માને છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદાર તે ઇલાહી વાયદો છે અને તે ચોક્કસપણે ફક્ત અને ફક્ત અલ્લાહ અજ્જ વ જલ્લ દ્વારા જ નિયુક્ત કરવામાં આવે છે. આ જવાબદારી મુસલમાન ઉમ્મતને હવાલે નથી કરવામાં આવી.

સુન્નીઓ ઇસ્લામના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) દ્વારા નિયુક્ત ઈમામને અલ્લાહના પ્રતિનિધિ નથી ગણતા. બલ્કે તેઓ એવી માન્યતા ધરાવે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) બાદ ઈમામની પસંદગી જેવો સંવેદનશીલ મુદ્દો મુસલમાનોને હવાલે કર્યો છે.

તેજ કારણે તેઓમાંથી એક સમૂહ એમ માને છે કે ગદીર અને ખીલાફતની ચર્ચાની કઈ જરૂર નથી. તેઓ એવું મંતવ્ય રાખે છે કે આજના ઝમાનામાં આ વિષય ઉપર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી કઈ બોલવાની જરૂર નથી કારણ કે ઇસ્લામ અથવા મુસલમાનોને આ ચર્ચાથી કોઈ ફાયદો થશે નહીં.

તદઉપરાંત આ સમૂહ એવું મને છે કે આવી પ્રકારની ચર્ચાઓ મુસલમાન ઉમ્મતમાં દરમિયાન મતભેદો, જુથવાદ અને સાંપ્રદાયિકતાનું કારણ છે.

આ લેખમાં આપણે ઐતિહાસિક હકીકતો અને રિવાયતોની મદદથી આ વિચારધારાની વિવેચનાત્મક રીતે તપાસ કરીશું.

એહલે સુન્નતના રાવીઓ અને ગદીર

સુન્ની રાવીઓની કિતાબો ઉપર એક નજર નાખવાથી આપણને ચોક્કસપણે ગદીરની રિવાયતોની ઝલક જોવા મળશે.

એહલે સુન્નતની કિતાબોમાં ગદીર અને તેને સંબંધિત ઘણી બધી રિવાયતો ખાસ કરીને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) દ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતો ગદીરનો ખુત્બો જે આપ (સ.અ.વ.)એ ગદીરના દિવસે આપ્યો હતો જોવા મળે છે.

દા.ત. આ હદીસ:

اَلَسْتُ اَوْلٰى بِكُمْ مِنْ اَنْفُسِكُمْ؟ …فَمَنْ كُنْتُ مَوْلاَهُ فَعَلِىٌّ مَوْلاَهُ، اَللّٰهُمَّ وَالِ مَنْ وَالاَهُ وَ عَادِ مَنْ عَادَاهُ…

શું હું તમારા નફસો ઉપર તમારા કરતા વધારે અધિકાર નથી ધરાવતો?… તો પછી જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) મૌલા છે. અય અલ્લાહ! તું તેને દોસ્ત રાખ જે અલી (અ.સ.)ને દોસ્ત રાખે અને તેની સાથે દુશ્મની કર જે અલી (અ.સ.) સાથે દુશ્મની રાખે….”

ઈલ્મે હદીસના કાયદા મુજબ આ હદીસ મુતવાતીર (સતત) હદીસ છે. અલબત્ત તે મુતવાતીર હદીસ કરતા પણ વધારે ભરોસાપાત્ર છે, કારણ કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ૧૧૦ સહાબીઓ અને ૮૫ તાબેઈનએ ગદીરનો બનાવ નકલ કર્યો છે.[1]

ઝીયાઉદ્દીન મક્બુલી (વફાત ૧૧૦૮ હિ.સ.) પ્રખ્યાત સુન્ની આલીમ કહે છે, ‘અગર આપણે ગદીરની હદીસને કબુલ કરવા તૈયાર નથી (તમામ ધારણાઓ અને ભરોસાપાત્રતાને ધ્યાનમાં લીધા વગર) કે જે સ્થાપિત અને બિન-તકરારી છે, તો પછી આપણે ચોક્કસપણે માનવું પડશે કે ઇસ્લામમાં બીજો કોઈ બનાવ બન્યો જ નથી.

(અલ ગદીર, ભા. ૧, પા. ૩૦૭)

તેવી જ રીતે, શમ્સુદ્દીન અલ જઝાએરી (વફાત ૭૩૯ હિ.સ.) ગદીરની હદીસનો ઇનકાર કરનારાઓને અભણ અને જાહિલ જાણે છે.

(અસ્નાઉલ મતાલીબ, પા. ૪૮)

એક બાજુ ખુત્બાના લખાણનું પવિત્ર કુરઆનમાંથી અસંખ્ય સનદોથી સમર્થન છે કે જે જાહેર કરે છે કે આ હદીસ કોઈ પણ તકરાર વગર ઈમામ અલી (અ.સ.)ની ખિલાફત બાબતે છે.

તો બીજી બાજુ ગદીરના દિવસે[2] જે આયત નાઝીલ થઈ તે જાહેર કરે છે કે અલ્લાહે ઇસ્લામના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને આપના મુખ્લીસ સહાબીઓની ૨૩ (ત્રેવીસ) વર્ષોની મહેનત અને મશક્કતને કબુલ કરવાની શર્ત અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઇમામ અને ખલીફા તરીકે નિયુક્તિ અને લોકોને તેમની ઇતાઅતનો હુકમ આપવો કરાર દીધી.

આનો અર્થ એમ થયો કે અલ્લાહ પોતાની મરઝીથી એવો દીન પસંદ કરે છે કે જે ઈમામ અલી (અ.સ.)ની વિલાયત સાથે મુકમ્મલ થાય.

આજ કારણથી શીઆઓ ગદીરના બનાવને ફક્ત ખિલાફત, હુકુમત અથવા ફકત એક ઐતિહાસિક બનાવ તરીકે નથી જોતા. બલ્કે, તેઓ તેને પવિત્ર કુરઆનમાંથી સ્પષ્ટ પુરાવાઓની રોશનીમાં જોવે છે કે ઇસ્લામ મઅસુમ ઇમામો (અ.મુ.સ.)ની વિલાયત અને ખિલાફત વગર અધુરો અને અપૂર્ણ છે.

જેવી રીતે બધા મુસલમાનો માને છે કે કયામતના દિવસે દીન તરીકે ફક્ત ઇસ્લામ જ કબુલ કરવામાં આવશે તેવી જ રીતે આ આયએ ઇકમાલથી એ સ્પષ્ટ છે કે જે કોઈ અલી (અ.સ.)ની વિલાયતનો સ્વીકાર નહિ કરે તો તેનો ઇસ્લામ અધુરો અને અપૂર્ણ છે, અલ્લાહની નઝદીક વ્યર્થ અને અસ્વીકાર્ય છે.

શીઆઓની માન્યતા મુજબ ઈમામત ફક્ત હુકુમત અને સત્તા પુરતું મર્યાદિત નથી બલ્કે તે ફક્ત તેનો એક ભાગ છે. તેથી ઇમામતની આવશ્યકતા એહલેબય્ત (અ.મુ.સ.)ના ઇલાહી દરજ્જાને એ રીતે કબુલ કરવું કે તેઓ પવિત્ર કુરઆન અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસોનું સાચું ઇલ્મ અને મઅરેફત ધરાવે છે.

તે બતાવે છે કે ફક્ત એહલેબય્ત (અ.મુ.સ.) કે જેઓ પવિત્ર કુરઆન અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસોને વધારા કે ઘટાડા વગર જાણે છે અને તેઓ બીજાઓને તે જ રીતે તઅલીમ આપે છે જેવી તાલીમ આપવાનો હક છે.

તેથી, દરેક માટે જરૂરી છે કે તેમના તરફ રૂખ કરે અને ફક્ત તેમનાથી જ દીન લે. બલ્કે તેઓની સંપૂર્ણ ઇતાઅત અને એહતેરામ કરે.

જોકે, જયારે અમલની વાત આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા મુસલમાનો એહલેબય્ત (અ.મુ.સ.)નો રસ્તો નથી અપનાવ્યો, એહલેબય્ત (અ.મુ.સ.)ની ઇતાઅત અને તસ્લીમ થવાને બદલે તેમની જગ્યાએ બીજાઓને પ્રાથમિકતા આપી છે.

ઈસ્મતના ઘરે હુમલો:

ઈસ્લામને સહીહ સ્ત્રોતથી ન લેવો બલ્કે અલ્લાહના પ્રતિનિધિને મૂકીને બીજા રસ્તેથી તેને લેવાથી અંધકારમય અને નિરાશાજનક મુદ્દાઓ ઉત્પન્ન થયા છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસોનું અનુસરણ ન કરવાથી ઉમ્મત પોતાને વિવિધ મુશ્કેલીઓ અને જેહાલતમાં ફસાએલા પામે છે.

હકીકતમાં, બાબુલ ઇલ્મ (ઇલ્મનો દરવાજો), ઇલાહી હિકમતના ખઝાનેદાર (ધરાવનાર) અને જેઓ કોઈ પણ ભૂલ વગર હક્ક અને બાતીલ વચ્ચે ફર્ક કરનાર છે તેઓને છોડી દેવું તથા સત્તા અને પૈસાના પુજારી, ખિલાફત છીનવી લેનારોને અનુસરવું એ જ મુસલમાનોમાં ભાગલા પડવાનું અને ગુમરાહીનું મૂળ કારણ છે.

કહેવાતા પહેલા ખલીફાએ જાહેરી રીતે એવા મુનાફિક સમૂહની પસંદગી કરી કે જેઓ સત્તાના ભિખારી અને હુકુમત લાલચી ઘાતકી લોકો હતા, જેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબયત ઉપર હુમલો કરવાનો હુકમ કર્યો હતો[3] તથા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના મિમ્બર ઉપરથી આપની ચહીતી દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર જૂઠ બોલવાની તોહમત લગાવી.[4] કહેવાતા ખલીફા પવિત્ર કુરઆનના  અર્થોથી સંપૂર્ણપણે જાહિલ હતા અને તેણે પોતાની મેળે અલ્લાહની કિતાબની વિચિત્ર તફસીર કરી. [5]

અથવા કહેવાતા બીજા ખલીફા, કે જેની પહેલા ખલીફાએ તાવની હાલતમાં નિમણુંક કરી હતી, તેણે ઈમામ અલી (અ.સ.)ના માનનીય ઘર ઉપર હુમલો કર્યો, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ચહિતા દુખ્તરની ઇઝ્ઝત અને  પાકીઝગી સામે સંપૂર્ણ ઉધ્ધ્તાઇ અને અપમાનજનક વર્તન કર્યું, આપ (સ.અ.)ના ઘરને આગ લગાડી અને અગર શેરે ખુદા, ઈમામુલ મુત્તકીન (અ.સ.) પહેલા ખલીફાની બયઅત ન કરે તો તેમને મારી નાખવાની ધમકી આપી. [6] તે એજ છે કે જેણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસો બયાન કરવા અને આપ (સ.અ.વ.)ની સુન્નત ઉપર અમલ કરવા ઉપર પાબંદી લગાવી દીધી એ બહાનુ આપીને કે લોકો પવિત્ર કુરઆનને ભૂલી જશે. [7] આજ કારણે અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદ અને બીજા માનનીય સહાબીઓને તેના ઝમાનામાં મદીનામાં કૈદ કરી દેવામાં આવ્યા. તેઓનો જુર્મ ફક્ત એટલો જ હતો કે તેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસો બયાન કરતા હતા. [8]

અથવા તો ત્રીજા ખલીફા કે જેની નિમણુંક બીજા ખલીફા દ્વારા બનાવેલી પક્ષપાતી શુરા (કમિટી) દ્વારા થઈ હતી, તેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માનનીય સહાબી જનાબે અબુઝર (અ.ર.)ને રબઝા તરફ જિલાવતન (દેશનિકાલ) કર્યા. તેમનો જુર્મ એ હતો કે તેમણે ખલીફા દ્વારા હુકુમતી માલનો દુરૂપયોગ અને સરકારી તિજોરીના અસમાન વિતરણ સામે વાંધો ઉઠાવ્યો હતો. [9]

વગર તકલ્લુફે કહીએ તો, શું આ લોકો એ લાયક પણ છે કે તેઓની તુલના મઅસુમ અને પાકીઝા ઘરાના સાથે કરી શકાય? અથવા શું ન્યાયી રીતે તેઓનું આદાબ અને અખ્લાક એ લાયક છે કે તેઓ મુસલમાનો માટે માર્ગદર્શક બની શકે? [10]

મોઆવીયાનો અહદ કરવો:

મોઆવીયાએ પણ અહદ (મકકમ રીતે નકકી) કર્યો હતું કે તે જમીન ઉપરથી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)નું નામ મિટાવી દેશે. [11]

તે માટે તેણે હદીસો ઘડનારાઓને પોતાના દરબારમાં બોલાવ્યા. તેઓની મદદથી તે ચાહતો હતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની ઐતિહાસિક ઝીંદગી અને આપ (સ.અ.વ.)ની સુન્નતોને બગાડી નાખે અને સાથોસાથ હુકુમત છીનવી લેનારાઓના વખાણમાં હદીસો ઘડી કાઢવામાં આવે.[12] તે તેમની સંકુચિત માનસિકતા અને દીન પ્રત્યે દેખીતી અસ્પષ્ટતાના કારણે સુન્ની વિચારધારાઓ ધરાવતા પ્રમાણિક અને સારા લોકોએ ફક્ત એ નિય્યતથી કે અલ્લાહ ખુશ થાય હદીસો ઘડી કાઢી છે. [13]

તેથી, વિવિધ વિષયો ઉપર અસંખ્ય કિતાબો ઘડી કાઢેલી જોવા મળે છે.

ધીરે ધીરે ઘડી કાઢેલો અને બનાવટી મઝહબો એક પછી એક જાહેર થવા લાગ્યા. મુસલમાનો કે જેઓ સાચા દીનથી ગુમરાહ થઈ ગયા હતા વિભાજીત થતા ગયા અને દરેક પસાર થતા દિવસે મુસલમાનો વધુને વધુ ફીર્કાઓમાં વિભાજીત થતા ગયા અને ઇસ્લામી એકતા અને ભાઈચારાને સૌથી વધારે નુકસાન પહોચાડતા ગયા.

પવિત્ર કુરઆન એ પણ નજાતનો રસ્તો મઝબુત રસ્સીને વળગી રેહવું બતાવ્યો છે અને તે છે ઈમામ અલી (અ.સ.) સાથે મુતમસ્સિક થવું.

وَاعْتَصِمُوْا بِحَبْلِ اللهِ جَمِيْعًا وَ لاَ تَفَرَّقُوْا…

“અને અલ્લાહની રસ્સીને મઝબુતીથી પકડી લ્યો અને એકબીજાથી જુદા થાવ નહિ.” [14]

આ આયતને સમજાવતા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે:

“એ અલ્લાહની રસ્સી કે જેને મઝબુતીથી પકડી રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે તે અલી (અ.સ.) અને આપની એહલેબય્ત (અ.મુ.સ.) છે.”[15]

બીજી જગ્યાઓ ઉપર જોવા મળે છે કે ઈમામ અલી (અ.સ.)એ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને સવાલ કર્યો:

“યા રસુલુલ્લાહ! કયો સમૂહ નજાત પામશે?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

“એ સમૂહ જે તમારા અને તમારા સાથીદારોના રસ્તાને અને અખ્લાકને અપનાવે અને તેને વળગી રહે.”[16]

આજ કારણ છે કે શીઆઓ ગદીરને પવિત્ર કુરઆનનું, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસોનુ અને સાચા ઇસ્લામનું સંપૂર્ણ થવું માને છે. હકીકતમાં જ્યાં સુધી ઇસ્લામ બાકી રહેશે અને મુસલમાનો હિદાયત અને સહીહ નેત્રુત્વના તલબગાર રહેશે ત્યાં સુધી ગદીરનો પયગામ, જે પોતાની ઝાતમાં જ સીધા રસ્તા તરફ દઅવત આપનાર છે અને નજાતનો એક માત્ર રસ્તો છે જે હમેશા બાકી રહેશે, સમયની ઉથલપાથલ અને ઝમાનાની અસર તેના ઉપર નહિ પડે.

[1] અબ્કાતુલ અન્વાર લેખક: મીર દામાદ હુસૈન હિન્દી (અ.ર.); અલ ગદીર લેખક: અલ્લામા અમીની (અ.ર.)

[2] આયએ ઈકમાલ, સુરએ માએદાહ, આયત ૩ અને આયએ બલ્લીગ, સુરએ માએદાહ, આયત ૬૭

[3] તારીખે અબુલ ફિદા, ભા. ૧, પા. ૧૫૬, અલ ઈક્દુલ ફરીદ, ભા. ૨, પા. ૨૫૩

[4] શર્હે નહજુલ બલાગાહ, ઇબ્ને અબીલ હદીદ મોઅતઝેલી, ભા. ૪, પા. ૮૦ (જૂની આવૃત્તિ)

[5] સોનને દારેમી, ભા. ૨, પા. ૩૬૫, સોનને બૈહકી, ભા. ૨, પા. ૨૨૩, તફ્સીરે ઇબ્ને કસીર, ભા. ૧, પા. ૪૬૦

[6] તારીખે અબુલ ફિદા, ભા. ૧, પા. ૧૫૬; અલ ઈમામાહ વલ સિયાસહ, ભા. ૧, પા. ૧૨, તારીખે તબરી, ભા. ૩, પા. ૧૯૮; શર્હે નહજુલ બલાગાહ, ભા. ૧, પા. ૧૩૪;  અન્સબુલ અશરાફ, બલાઝરી, ભા. ૧, પા. ૫૮૬

[7] સોનને દારેમી, ભા. ૧, પા. ૫૮, મુસ્તદરક અલ સહીહૈન, ભા. ૧, પા. ૧૦૨

[8] મુસ્તદરક અલ સહીહૈન, ભા. ૧, પા. ૧૧૦, તઝકેરતુલ ખવાસ, ભા. ૧, પા. ૭, મજમુઝ ઝવાએદ, ભા. ૧, પા. ૧૪૯

[9] સહીહ બુખારી, ભા. ૩, પા. ૭, કીતાબુઝ ઝકાત; અન્સાબુલ અશરાફ, ભા. ૫, પા. ૫૨-૫૪, ફથુલ બારી, ભા. ૩, પા. ૨૧૩, ઇબ્ને અસીરની કામિલ, ભા. ૩, પા. ૪૩

[10] કિતાબ અલ ગદીરમાં ભા. ૬-૯ સુધી ઘણી બધી સુન્ની કિતાબોનો બિદઅત માટે અભ્યાસ કરવામાં આવ્યો છે અને અલ્લામા અમીની (અ.ર.)એ તેઓના વખાણમાં ઘડવામાં આવેલ ઘણી બધી હદીસોનું ટીકાપાત્ર વિશ્લેષણ કર્યું છે.

[11] મસઉદીની મુરૂજુઝ ઝહબ, ભા. ૨, પા. ૩૪૧-૩૪૨; અલ અખબાર અલ મૌફીકીય્યાત, ભા. ૫૭૬, અલ ગદીર, ભા. ૧૦, પા. ૨૮૩

[12] શર્હે નહજુલ બલાગાહ, ભા. ૧, પા. ૩૫૮ (જૂની આવૃત્તિ), અલ ગદીર, ભા. ૧, પા. ૭૩

[13] સહીહ મુસ્લીમ, ભા. ૧, પા. ૧૩, તારીખે બગદાદી, ભા. ૨, પા. ૯૮

[14] સુરએ આલે ઇમરાન (૩), આયત નં. ૧૦૩

[15] સવાએકુલ મોહર્રેકા, પા. ૯૩

[16] અલ અસ્બાત ફી તમીઝુલ અસ્હાબ, ભા. ૨, પા. ૧૭૪

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*