
ઇસ્લામના ઇતિહાસમાં દર્દનાક ઘટનામાં સૌથી મોટી દર્દનાક ઘટના બતુલ (સ.અ.)ના દરવાજા ઉપર હુમલો છે.આ હુમલામાં ન ફક્ત રસુલ(સ.અ.વ.)ના દીકરીના ઘરને આગ લગાડી દીધી. પરંતુ દુન્યાઓની ઔરતોની સરદારને એવી રીતે ઝખ્મી કર્યા કે આપની શહાદત થઇ.
ઇતિહાસ ગવાહ છે કે આ મહાન ઝુલ્મ પહેલા ખલીફાના દોસ્તોએ અને ખાસ કરીને ઇબ્ને ખત્તાબે અંજામ આપ્યું. આજ કારણ છે કે એમના ચાહવાવાળા આલિમો આ ઘટનાનો ઇન્કાર કરે છે. અને એના વિશે શંકાઓ પૈદા કરે છે. આ શકમાં એક શક આ પણ બયાન કરે છે કે જ્યારે ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો થયો એ વખતે હઝરત અલી (અ.સ.) ઘરમાં હાજર હતા. તો શા માટે તેમણે ઘરનો દરવાજો ન ખોલ્યો અને પોતાની પત્નીને આ હુમલાનો સામનો કરવાની મંજૂરી આપી ? શું નઉઝોબીલ્લાહ મૌલા અલી (અ.સ.) આ હુમલાથી ડરી ગયા હતા? કેવી રીતે શક્ય છે કે હ.અલી (અ.સ.) જેવા બહાદુર પોતાની ઈઝ્ઝતને ભૂલી જાય અને પોતાની પત્નીને દુશ્મનોની સામે જવા દે ? આ સવાલો પછી પોતાની બધી વાતને પૂર્ણ કરતા તેઓ કહે છે આ બધી વાતો હઝરત અલી (અ.સ.) જેવા બહાદુર વ્યક્તિને શોભતુ નથી અને એના માટે શક્ય નથી આથી આ આખી ઘટના પોતાના મનથી ઘડી કાઢેલી છે અને રાફઝીઓએ બનાવેલ છે. આ રીતે આ લોકો આ ઘટનાનો પહેલેથી જ ઇન્કાર કરે છે.
જવાબ :
પ્રથમ વાત :
ઘરનો દરવાજો કોણ ખોલશે. તેના ઉપર ઇસ્લામે કોઇ પ્રતિબંધ મુક્યો નથી. પરંતુ એ જરૂર કુરઆનની શિખામણ છે કે અગર તમે મોઅમીન છો તો કોઇના પણ ઘરમાં દાખલ થવા માટે મંજુરી મેળવો અને જો મંજુરી ન મળે તો ઘરમાં દાખલ ન થાવ. (સૂરએ નૂર 27) આથી આ સવાલ પાયા વગરનો છે. તો આ સવાલ ઘરવાળાઓના બારામાં એ ન હોવો જોઇએ કે તેણે દરવાજો કેમ ન ખોલ્યો પરંતુ સવાલ એ હોવો જોઇએ કે જ્યારે મંજુરી મળી નથી. તો બળજબરીથી લોકો ઘરમાં કેમ દાખલ થયા ? શું આ લોકો મોઅમીન ન હતા કે કુરઆનની શિખામણ ઉપર અમલ કરે.
બીજી વાત :
જ્યારે પહેલા ખલીફાની બયઅત માંગવામાં આવી રહી હતી. તો ઉમર અને તેના સાથીઓ ત્રણ વખત બતુલ (સ.અ.)ના દરવાજા ઉપર આવ્યા હતા. હુમલો ત્રીજી વખતે કર્યો જ્યારે કે એના પહેલાના બન્ને વખતે દરવાજા ઉપર જનાબે ફાતેમા (સ.અ.) જ મળ્યા હતા. જનાબે સૈયદા (સ.અ.) નહોતા ઇચ્છતા કે મામલો લડાઇ ઝઘડા સુધી પહોંચે એટલા માટે આપ (સ.અ.)એ વારંવાર દરવાજા પર આવીને ભીડને શાંત કરવાની ભરપુર કોશિશ કરી. હુમલાખોરો પણ સારી રીતે જાણતા હતા કે દરવાજા ઉપર એમનો સામનો પયગંબર (સ.અ.વ.)ની દીકરીથી થશે એ છતાં પણ આ લોકોએ ઘર પર હુમલો કરવાની હિંમત કરી, અને પોતાની બેહયાઈનું પ્રદર્શન કર્યું. જ્યારે કે એ લોકોએ જન્નતની સ્ત્રીઓની સરદારના એહતેરામમાં ખામોશી સાથે પરત થઇ જવું જોઇતું હતું.
ત્રીજી વાત :
દરેક સ્ત્રીને તેના પતિની સુરક્ષા કરવાનો અધિકાર છે. આ કિસ્સામાં હઝરત અલી (અ.સ.) માત્ર પયગંબર (સ.અ.વ.)ની દીકરીના પતિ જ ન હતા. પરંતુ તે સમયના ઇમામ અને વસીએ રસુલ (સ.અ.વ.)નું પદ ધરાવતા હતા. તેથી જનાબે સૈયદા (સ.અ.)ની ફરજ હતી કે તેઓ પોતાના વક્તના ઇમામની મદદ કરે, જે તેમણે સારી રીતે અંજામ આપ્યું. આ જ કારણ હતું કે મૌલા અલી (અ.સ.)ને તેમના દુશ્મનોના શરથી બચાવવા માટે આપ (સ.અ.) ખુદ દરવાજા પર ગયા અને હુમલાખોરોનો મુકાબલો કર્યો..
ચોથી વાત :
જો જનાબે ફાતેમા (સ.અ.)ના બદલે મૌલા અલી (અ.સ.) પોતે દરવાજા પર ગયા હોત, તો તેમને ઘેરીને ખલીફાની પાસે લઇ જવામાં આવ્યા હોત અને બળજબરીથી ખલીફાની બયઅત કરી લેવામાં આવતી અને ઇતિહાસમાં આ લખી દેવામાં આવતું કે હઝરત અલી (અ.સ.)એ ખુશી ખુશી અબુબક્રની બયઅત કરી લીધી હતી. (જો કે આ એક જુઠ છે અને આમ છતાં આ જુઠને નામ વગર કેટલાક કહેવાતા જુઠા આલિમો દ્વારા બયાન કરવામાં આવે છે) જનાબે ફાતેમા (સ.અ.)ના આ પગલાએ આ રીતે જબરદસ્તી બયઅતને ટાળી દીધી.
પરિણામે બુખારી જેવા વિદ્વાન આલીમ પર ફરજીયાતપણે આ વાતને ટાંકવાની ફરજ પડી કે હઝરત અલી (અ.સ.)એ જનાબે ફાતેમા (સ.અ.)ના જીવનકાળ દરમિયાન (ઝિંદગીમાં) અબુબક્રની બયઅત કરી ન હતી. આ રીતે ઇતિહાસના દરેક ઇન્સાફ પસંદ તાલીબે ઇલ્મ માટે આ બાબત સ્પષ્ટ થઇ જશે કે
પહેલું – અબુબક્ર માટે જબરદસ્તી (બળજબરી)થી બયઅત તલબ કરવામાં આવી હતી. આ વાત ઉપર મુસલમાનો એકમત ન હતા અને ન તો કોઈએ સ્વીકાર્યું હતું.
બીજુ – અબુબક્રની ખિલાફત હડપ (ગસ્બ) કરવામાં આવેલી ખિલાફત હતી.
ત્રીજુ – એહલેબૈત રસૂલ (સ.અ.વ.)એ અબુબક્રની ખિલાફતને કબૂલ કરી ન હતી.
ચોથી – રસૂલ (સ.અ.વ.)ની દીકરીને એ જાહેર કરવાનું હતું કે તેના ઘર પર હુમલો કરનારાઓ કેટલા બેશરમ, નિર્લજ્જ અને કુફ્રમાં ડુબેલા હતા.
(બેહારૂલ અન્વાર, ભાગ-30, પાના.293, અવાલેમૂલ ઓલુમ, ભા-11, પે.405)
હકીકત એ છે કે ઇસ્લામને બચાવવા અને ઝાલિમો (અત્યાચારીઓ)નો પર્દાફાશ કરવામાં પયગંબર (સ.અ.વ.)ના ઘરની પવિત્ર ઓરતોએ પણ કુરબાનીઓ આપેલી છે. રસૂલ (સ.અ.વ.)ની દીકરી જનાબે સૈયદા (સ.અ.)નું આ પગલું આ બાબતનું નમુનાએ અમલ છે.
Be the first to comment