
શૈખૈને એક યા બીજા બહાના પર હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાનો ઇનકાર કર્યો. તેઓએ આપ (સ.અ.)ની ગવાહી, તથા તેમના માઅસુમ પતિ અમીરુલ મોમિનીન (અ.સ.)ની ગવાહી અને ત્યાં સુધી કે ઉમ્મે અયમનની ગવાહીને પણ નકારી દીધી હતી કે જેમની ઈમાનદારીમાં કોઈ શક નથી કારણકે તેઓને પવિત્ર પયગંબર (સ.અ.વ.)દ્વારા જન્નતની ઝમાનત આપવામાં આવી હતી.
ગવાહોની ગેરહાજરી અથવા ‘વિશ્વસનીય’ ગવાહોની ગેરહાજરીના બહાના તળે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ના ફદક પરના દાવાને નકારી કાઢવામાં આવ્યો.
અહીં આપણે માઅસુમ હસ્તીઓ (અ.મુ.સ.) અને તેઓનો અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની નઝદીક તેઓના મકામ અને મર્તબા વિશે ઊંડાણપૂર્વક વાત કરવા નથી માંગતા કે હુકુમતે આ વાસ્તવિકતાને જાણી જોઈને અવગણી અને કેવી રીતે મોટી ભૂલ કરી જે એક મુસલમાન બાળક માટે પણ સ્પષ્ટ હતી.અમે ફક્ત વાચકોનું ધ્યાન શૈખૈનના વલણમાં રહેલી અસમાનતાઓ તરફ દોરવા માંગીએ છીએ, જેમાંથી એક ફદક પ્રત્યેના તેઓના વલણને અમે અહીં ઉજાગર કર્યા છે.
દાવેદારને શપથ (કસમ) ના આધારે તેનો અધિકાર આપવો :
જો જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ગવાહો પૂરતા ન હોય, તો પણ ફદક તેમને એક સરળ શપથ (કસમ)ના આધારે મળવો જોઈતો હતો.
એ કેવું અજીબ છે! કે જ્યારે પ્રથમ ખલીફા સમક્ષ અન્ય દાવાઓ આવ્યા,ત્યારે તેણે ફક્ત દાવાના આધારે દાવેદારના પક્ષમાં તેમને મંજૂરી આપી,જ્યારે કે દાવેદારણે ન તો પોતાના દાવાના કોઈ પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ન તો ગવાહો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ બાબતે બુખારીમાં ઉલ્લેખ છે કે
‘જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારીથી વર્ણવવામાં આવ્યું છે કે તેમણે કહ્યું – રસુલે ખુદા (સ.અ.વ.) એ મને કહ્યું હતું કે જ્યારે બહરૈનથી માલેગનીમત આવશે, ત્યારે તેઓ મને તેમાંથી અમુક માલ આપશે, પરંતુ માલેગનીમત પયગંબર (સ.અ.વ.)ની શહાદત પછી જ અમારા સુધી પોહોચ્યો, અને તે પ્રથમ ખલીફાની હુકુમતના સમયમાં આવ્યો, તેથી હું તેની પાસે ગયો અને તેને કહ્યું કે પયગંબર (સ.અ.વ.)એ બહરૈનના માલેગનીમત માંથી મને આટલો અને આટલો માલ આપવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ તેણે મને જે કંઈ વચન આપવામાં આવ્યું હતું તે બધું આપી દીધું.’
(સહીહ બુખારી ભાગ-૨, પ્રકરણ -૨૭ પેજ ૧૯૦)
આ હદીસના અર્થઘટનમાં, ઇબ્ને હજર અલ-અસ્કલાની નોંધ કરે છે:
‘આ રિવાયત આપણને એવા તારણ પર લઈ જાય છે કે એક આદીલ સહાબીની ગવાહીને પણ સંપૂર્ણ પુરાવા તરીકે સ્વીકારી શકાય છે, ભલે પછી તે તેના પોતાના પક્ષમાં હોય, કારણ કે પ્રથમ ખલીફાએ જનાબે જાબીરને પોતાના દાવા માટે કોઈ ગવાહ કે પુરાવા રજૂ કરવા કહ્યું ન હતું.’
આમ, જો ગવાહો કે કોઈ પુરાવા માંગ્યા વિના જનાબે જાબીરને આદીલ સહાબી હોવાના આધારે મિલકત આપવી કાયદેસર હતી, તો પછી હુકુમતને આજ આધાર પર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના દાવાને મંજૂરી આપવાથી કઈ ચીજે રોક્યું?
પ્રથમ, જ.ફાતેમા ઝહેરા(સ.અ)ની મશહુર સચ્ચાઈ અને ઈમાનદારી તેમના દાવામાં તેમને નિષ્ઠાવાન રાખવા માટે પૂરતી હતી, આ ઉપરાંત તેમના હક્કમાં ઈમામ અલી (અ.સ.) અને ઉમ્મે અયમનની ગવાહી પણ મૌજુદ હતી. છતાય શા માટે જ. ફાતેમા ઝહેરા (સ.અ)ણે હક્ક ન મળ્યો?
કુરઆન મુજબ બે ગવાહોની માંગ:
એવું કહેવાય છે કે આ બે ગવાહોના આધારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના હક્કમાં દાવો નક્કી થઈ શક્યો ન હતો !! કારણ કે કુરાનમાં ગવાહો માટેનો હુકમ આ રીતે બયાન કરવામાં આવ્યો છે.
‘પછી તમારામાંથી બે પુરુષોને ગવાહ તરીકે બોલાવો અને જો બે પુરુષો ન હોય, તો એક પુરુષ અને બે સ્ત્રીઓને લાવો.
સુ. બકરાહ આ- ૨૮૨
જવાબ
જો આ હુકમ સાર્વત્રિક અને સામાન્ય હોય, તો તે હુકમને દરેક પ્રસંગ માટે ધ્યાનમાં લેવો જોઈએ.જો કે,જેમ આપણે જનાબે જાબીરના બાબતે જોયું કે તેનો સતત અમલ કરવામાં આવ્યો ન હતો. એક ગવાહ – તે પણ દાવેદાર પોતે – પોતાના હક્કમાં ચુકાદો આપવા માટે પૂરતો માનવામાં આવ્યો હતો. કુરઆનમાં બે પુરુષ ગવાહો અથવા તેના સમકક્ષ ગવાહોની જોગવાઈ હોવા છતાં, બીજા ગવાહની કોઈ જરૂર ન હોતી. તો પછી શા માટે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માટે હઝરત અલી (અ.સ.) અને ઉમ્મે અયમનની ગવાહી તેમની અઝમત અને સચ્ચાઈને ધ્યાનમાં રાખીને તેમના માટે પૂરતી કેમ ન ગણાય? તેમના દાવાની બાબત જનાબે જાબીરના દાવાની બાબત કરતાં પણ વધુ મજબૂત હતી કારણ કે જનાબે જાબીરના કિસ્સામાં દાવેદાર અને એકમાત્ર ગવાહ બંને પોતે જ હતા; જ્યારે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે અનેક ગવાહો હતા.
જનાબે જાબીરના કિસ્સા પરથી એ સ્પષ્ટ થાય છે કે, હુકુમત સ્પષ્ટપણે માનતી હતી કે કુરઆનની આયત (સુરએ બકરહ સુ.નં. ૨ આ.૨૮૨) તેમને બે ગવાહો સુધી મર્યાદિત કરતી નથી અને ઉકેલના અન્ય માધ્યમોની મંજૂરી આપે છે. તેથી ફદક પર શૈખૈનના ફેસલાના સમર્થનમાં આ આય્તને પેશ કરીને ફદકના દાવાનો ઇનકાર કરવો અયોગ્ય છે.
શહીદે સાલીસ (ર.અ)નો દર્ષ્ટિકોણ :
આ સંદર્ભમાં, શહીદે સાલીસ સૈયદ નુરુલ્લાહ અલ-શુસ્તરી (ર.અ.) એહકાક અલ-હક્કમાં મતાઐનના પ્રકરણમાં લખે છે: ‘એઅતેરાઝ કરનાર (પ્રથમ /બીજા ખલીફા)નો વિચાર કે ઉમ્મેં અયમનની ગવાહી હોવા છતાં પુરાવાની જરૂરિયાત અધૂરી રહે છે તે ખોટો છે કારણ કે કેટલીક રીવાયતોથી એવું જોવા મળે છે કે એક ગવાહના આધારે નિર્ણય આપવો કાયદેસર છે, અને તેનો અર્થ એ નથી કે કુરઆનના હુકમનું ઉલ્લંઘન થયું છે, કારણ કે આ આયતનો અર્થ એ છે કે બે પુરુષો અથવા એક પુરુષ અને બે સ્ત્રીઓના ગવાહીના આધારે નિર્ણય આપી શકાય છે, અને તેમના પુરાવા પૂરતા છે.
એવું નથી કેહવાયુ કે જો ગવાહોના પુરાવા ઉપરાંત કોઈ અન્ય આધાર હોય, તો તે અસ્વીકાર્ય ગણાય અને તેના આધારે તે ફેસલો આપી શકાતો નથી, આથી આ અર્થને બાજુ પર રાખી શકાય છે, કારણ કે રિવાયત સ્પષ્ટપણે વિપરીત અર્થ તરફ નિર્દેશ કરે છે (ઉદાહરણ તરીકે જનાબે જાબીરનો રજુ કરેલ બનાવ).
બીજું, આ આયત બે પુરુષો અથવા એક પુરુષ અને બે સ્ત્રીઓની ગવાહી વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપે છે. જો રિવાયતના આધારે, ત્રીજો વિકલ્પ પણ ઉમેરવામાં આવે છે, એટલે કે ફેસલો બીજા પુરાવાથી પણ સાબિત થઇ શકે છે,તો પછી કુરાનની આયતનું ઉલ્લંઘન કેવી રીતે બને છે?
(બય્ત અલ – અઝ્હાન ફ્દ્ક માટે ગવાહો સ્થપિત કરવાના પ્રકરણ હેઠળ)
મુત્તકી અલ હિન્દીનો દ્રષ્ટિકોણ :
આ સંદર્ભમાં, પ્રખ્યાત એહલે તસન્નુન વિદ્વાન મુત્તકી અલ-હિન્દી લખે છે:
‘રસુલે ખુદા (સ.અ.વ.), પ્રથમ અને બીજા ખલીફા, એક ગવાહ અને કુરાનની કસમના આધારે કેસોનો ફેસલો કરતા હતા.’ જ્યારે ઐતિહાસિક રીતે એક ગવાહ અને કસમના આધારે નિર્ણયો લેવામાં આવતા હતા, તો પછી ભલે પ્રથમ ખલીફાના મતે ફદક અંગેના પુરાવા અધૂરા હોય, તેણે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.વ.) ને (કુરાન પર) કસમ લેવાનું કહેવું જોઈતું હતું અને તે તેમના હક્કમાં ચુકાદો આપી શક્યા હોત. પરંતુ અહીં ઉદ્દેશ્ય જનાબે ફાતેમા ઝહરા (સ.અ.વ.)ની સચ્ચાઈને કલંકિત કરવાનો હતો જેથી ભવિષ્યમાં તેમની ગવાહીનો પ્રશ્ન ઉભો ન થાય.
– બૈત અલ-અહઝાન ફદક માટે ગવાહો સ્થાપિત કરવાના પ્રકરણ હેઠળ
Be the first to comment