યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસલમાનોના ઈતિહાસમાં તમને ઘણા ક્રૂર અને ઝુલ્મી બાદશાહો અને રાજાઓનો ઉલ્લેખ મળશે. પરંતુ જેટલો મોટો ગુનાહ અને ઝુલ્મ યઝીદ ઈબ્ને મુઆવિયાનો છે તેવો  બીજા કોઈનો નથી. તેની હુકુમત ત્રણ વર્ષ ચાલી અને તે ત્રણ વર્ષ દરમિયાન  તેણે મુસલમાનોના નિર્દોષ પવિત્ર વ્યક્તિઓનું લોહી વહેવડાવ્યું એટલું જ નહીં, પણ મોટા મોટા ગુનાહો પણ કર્યા. તેના આદેશ પર તેના સૈન્યએ મદીનાએ મુનવ્વરા પર હુમલો કર્યો, મસ્જિદે નબવીની બેહુર્મતી કરી, અને ઘણા સહાબીઓ અને તાબેઈનનું લોહી વહેવડાવ્યું. પછી તેઓએ મક્કા પર હુમલો કર્યો અને અલ્લાહના ઘર કાબાને આગ લગાવી દીધી. તેમનો સૌથી મોટો ગુનાહ ઈમામ હુસૈન(અ.સ.) અને તેમના પરિવારના સભ્યોને કરબલામાં શહીદ કરવાનો અને તેમના ખાનદાનની ઔરતો અને બચ્ચાઓને કેદી બનાવીને કુફા અને શામના (સીરિયા) બજારોમાં ફેરવવાનો અને તેમને દરબારમાં લાવવાનો હતો. ટૂંકમાં, તેના શાસનકાળ દરમિયાન યઝીદે ઈસ્લામની બધી પવિત્ર વસ્તુઓની પવિત્રતાને પામાલ કરી. હકીકત એ છે કે માનવજાતના ઈતિહાસમાં તમને આનાથી વધુ ગુનેહગાર,ફાસિક, દુષ્ટ અને અત્યાચારી રાજા નહીં મળે.

 

આખું ઈસ્લામિક વિશ્વ એ વાત સ્વીકારે છે કે યઝીદનું શાસન ઈસ્લામિક ઈતિહાસનો સૌથી કાળો(ખરાબ) સમય હતો, પરંતુ મુસલમાનોમાં યઝીદ વિશે મતભેદ જોવા મળે છે. મક્તબે એહલેબેત(અ.મુ.સ), એહલે શિયા અનુસાર, યઝીદએ ખુલ્લમખુલ્લો દુશ્મને એહલેબેત અને નાસેબી છે, તેથી તે કાફિર છે, અને કુરઆન પ્રમાણે તેને લાનત આપવી એ ભલામણ કરેલ કાર્ય છે.ન ફક્ત યઝીદ , પણ જે કોઈ યઝીદના કાર્યો સાથે સંમત છે તે પણ લાનતને લાયક  છે. શિયાઓમાં આ એક અકીદો  છે જેના પર બધા શિયા આલિમો સંમત છે.

ઈમામ જાફર સાદિક(અ.સ.) ના  આ કોલ શિયાઓના અકીદાનો એક મહત્વપૂર્ણ ભાગ છે:

من شك في كفر أعدائنا والظالمين لنا فهو كافر

“જે કોઈ અમારા દુશ્મનો અને અમારા પર ઝુલ્મ કરવાવાળાઓના કુફ્ર ઉપર શક કરે છે તે કાફિર છે.”

(અલ અઅતેકાદ:૧૦૩)

અલ્લામા મજલીસી (અ.ર)એ બેહારુલ અનવાર ભાગ-૧ પાનાં.૩૬૬ પર આ હદીસનું વર્ણન કર્યું છે અને બુઝુર્ગ શિયા આલિમોનો આ હદીસ વિષે એકમત હોવાનો ઝીક્ર પણ કર્યો છે. આથી તમને શિયા પુસ્તકોમાં યઝીદ વિશે લાનત સિવાય બીજું કંઈ મળશે નહિ.

આ વિષય પર તમને સુન્નીઓમાં મતભેદો જોવા મળશે. એક જૂથ કરબલાની ઘટના માટે યઝીદને સંપૂર્ણપણે જવાબદાર માને છે અને તેને લાનત આપવાના પક્ષમાં છે.

એ એહલેસુન્નત આલિમો જે યઝીદને ઈમામ હુસૈન (અ.સ.)નો કાતીલ માને છે અને તેના ઉપર લાનતને માન્ય સમજે છે તેની એક મોટી સંખ્યા છે. અહીં તેમાંથી કેટલાકના નામ છે:

 

અલ્લામા જલાલુદ્દીન સુયુતી, ફકીહોમાં ઈમામ માલિક, ઈમામ શાફઈ, ઈમામ અબુ હનીફા, ઈમામ અહમદ ઈબ્ન હમ્બલ તેમના ઉપરાંત, અલ્લામા તફ્તાઝાની, અલ-મનાવી, સિબ્ત ઈબ્ને અલ-જવઝી, અલ-શિહાબ અલ-આલુસી, અલ-બરઝનજીની, ઈબ્ન હજર અલ-હયસમી, અબુ અલ-ફરજ ઈબ્ને અલ-જવઝી વગેરે.

 

એહલે સુન્નતનો બીજો જૂથ, જે પહેલા જૂથથી મતભેદ રાખે છે, તેઓ યઝીદને ફક્ત એક રાજા તરીકે જુએ છે અને તેને મુસલમાન ફાસિક રાજા તરીકે ઓળખે છે અને તેમના મતે તેને  લાનત આપવી માન્ય(જાએઝ) નથી.

 

આ જૂથના આલિમો જેમ કે ઈબ્ને ક્સીર, ઈબ્ને તેમીયા વગેરે કરબલાની ઘટના માટે યઝીદને જવાબદાર ઠેરવતા નથી, પરંતુ તેના વતી હિમાયત (ફેવર) કરે છે. (ઈન્શાલ્લાહ તેમના આ ખોટા વિચાર પર બીજા લેખમાં ટિપ્પણી કરવામાં આવશે.)

 

કેટલાક લોકો માને છે કે આ યાદીમાં ઈમામ ગઝાલીનો પણ સમાવેશ થાય છે. આ જૂથ યઝીદને લાનત આપવાને માન્ય ગણતા નથી, પરંતુ તેના બદલે તેના માટે રઝીઅલ્લાહ અને રહમલ્લાહ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. ત્રીજો જૂથ એવા લોકોનો છે જેઓ યઝીદને ગુનેહગાર તો માને છે પણ તેને લાનત આપવાનું ટાળે છે. તેમના મતે, યઝીદને લાનત આપવી માન્ય છે, પરંતુ ચૂપ રહેવું વધુ સારું છે.

રસપ્રદ વાત એ છે કે જે જૂથ યઝીદને તેના મોટા મોટા  ગુનાહો કરવા છતાં ટેકો આપે છે અને તેને મુસલમાન તરીકે સ્વીકારે છે તે જ જૂથ ઈસ્લામ ઉપર એહસાન કરનાર જ.અબુ તાલિબ (અ.સ.)ની મહાન ખીદમતો અને સરવરે કાએનાત(સ.અ.વ.) માટે તેમની જાન આપવ છતાં તેમને કાફિર માને છે. એ સ્પષ્ટ છે કે આ જૂથ ફક્ત બની ઉમૈયાઓનો અનુયાયી અને સમર્થક છે. એટલું જ નહીં આ જૂથના આલિમો પોતાના સિવાયના અન્ય તમામ ઈસ્લામિક ફીરકાઓને કાફિર અને બિદઅતી માને છે. એ સ્પષ્ટ છે કે આ જૂથને ન તો ઈસ્લામની સમજ છે કે ન તો મુસલમાનો પ્રત્યે સહાનુભૂતિ છે. આ એવા લોકો છે જેઓને આવા ઝાલીમ લોકોને ગળે લગાવવામાં કોઈ શરમ લાગતી નથી. જો આવા લોકો કોઈ ને કોઈ બહાના હેઠળ એક દિવસ શેતાનને પણ આદર આપવા લાયક માનવા લાગે તો નવાઈની કોઈ વાત નથી.

 

 

 

 

 

 

 

Be the first to comment

Leave a Reply