ઝુહુરની ચાવી – દોઆ

વાંચવાનો સમય: 12 મિનિટ

પવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે છેઃ

દોઆ મોઅમીનની ઢાલ છે. જ્યારે દરવાજો વારંવાર ખટખટાવવામાં આવે છે ત્યારે તે ખુલી જાય છે.

(ઉસુલે કાકી, ભાગ-૪, પ્રકરણ દોઆ મોઅમિનનું હથિયાર છે, પાના નં. ૨૧૫, હદીસ નં. ૪)

હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ તેમના એક સહાબીને ફરમાવ્યું

શું હું તમને એવી વસ્તુના બારામાં ન જણાવું જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ કોઈ અપવાદ નથી રાખ્યો?”

અરજ કરીઃ જરૂર ઈરશાદ ફરમાવો.

આપ (અ.સ.) એ ફરમાવ્યું:

દોઆ કે જે હતમી કઝાને બદલી નાંખે છે.

(ઉસૂલે કાફી, પ્રકરણ દોઆ બલા અને કઝાને દફઅ કરી દે છે, પાના નં. ૨૧૬ હ. નં. ૬)

ઈમામ (અ.સ.) એ પોતાની મુઠ્ઠીને મજબુતીથી બંધ કરીને આમ પણ ફરમાવ્યું:

અલ્લાહની કસમ! અગર કોઈ બંદો અલ્લાહની બારગાહમાં દિલ લગાવીને પાબંદીની સાથે દોઆ કરે છે તો અલ્લાહ તઆલા તેની હાજતને જરૂર પુરી કરે છે.

(ઉસુલે કાકી, પ્રકરણ: પા ફશારી વ ઇસ્‍રાર બર દોઆ, પાના નં. ૨૨૪, હદીસ નં. ૫)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છેઃ

દોઆ કરો અને એમ ન કહો કે જે કંઈ થવાનું હતું તે થઈ ગયું છે અને જે તકદીરમાં છે તે જ થવાનું છે.

(ઉસુલે કાકી, પ્રકરણ દોઆની ફઝીલત, પાના નં. ૨૧૧, હદીસ નં. ૩)

દોઆની પોતાની અસર છે. દોઆ હરહમેશ અસરકારક છે.

જનાબ અલ્લામા મજલીસી (અ.ર.) આ રિવાયતની શર્હમાં લખે છે કેઃ

આપણે બદાઅ ઉપર ઈમાન રાખવું જોઈએ. દરેક દિવસે અલ્લાહની એક શાન હોય છે. તે જે ચાહે છે તે ભૂંસી નાંખે છે અને જે ચાહે છે તે લખી નાંખે છે. કઝા અને કદર દોઆના રસ્તામાં રૂકાવટ રૂપ નથી. લવ્હે મહવો-ઈસ્બાતમાં ફેરફાર શક્ય છે. આ ઉપરાંત દોઆ પણ કઝા અને કદરનું એક કારણ છે. આ જ કારણે દોઆ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

(ઉસુલે કાકી)

એક બીજી રિવાયતમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું છેઃ

દોઆ કઝાને હટાવી દે છે અને રોકી દે છે, જેવી રીતે બળપ્રયોગથી મોટા દોરડાના વળ ખુલ્લી જાય છે.

(ઉસુલે કાકી, પ્રકરણ: દોઆ બલા અને કઝાને દુર કરે છે, પાના નં. ૨૧૫, હદીસ નં. ૧)

કોઈપણ એવું નથી જે પોતાની મુશ્કેલીઓમાં દોઆ માટે હાથ બલંદ કરતું ન હોય. તેમજ કોઈ એવું નથી જે અલ્લાહની બારગાહમાં રાઝો-નિયાઝ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ની ખિદમતમાં તવસ્સુલ થકી પોતાની મુશ્કલીઓના ઉકેલ ન મેળવતો હોય.

એ બાબત ધ્યાન આપવા જેવી છે કે આપણે બધા આપણી મુશ્કેલીઓ અને સમસ્યાઓના ઉકેલ માટે આપણે સતત દોઆ કરીએ છીએ અને કરગરીને દોઆ કરીએ છીએ. દરેક પ્રકારે આપણી સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ ઝીંદગીનો સૌથી મહત્વનો પ્રશ્ન એટલેકે હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ના ઝુહુર માટે આપણે ખરા દિલથી દોઆ કરતા નથી. આ હકીકતથી આપણે ગાફિલ છીએ. સૌથી શ્રેષ્ઠ તમન્ના અને આરજૂ ઝુહુરની તમન્ના અને ઝુહુરની આરજૂ છે. તથા સૌથી શ્રેષ્ઠ દોઆ ઝુહુરની દોઆ છે. કારણકે હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) નો ઝુહુર તે એવી વાસ્તવિકતા છે કે જેનાથી ન ફકત આપણી દુનિયા અને આખેરતની સઆદત (નેકબખ્તી) જોડાએલી છે બલ્કે તમામ ઇન્સાનોની ભૌતિક અને રૂહાની બધીજ મુશ્કેલીઓનો ઉકેલ ઝુહુરમાં છુપાએલો છે. કદાચ આજ કારણ છે કે જેના લીધે રિવાયતોમાં મઅસુમ ઇમામો (અ.સ.) એ ઝુહુર માટે દોઆ કરવાની ઘણી વધારે તાકીદ કરી છે.

હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) એ જનાબે ઈસ્હાક ઈબ્ને યાઅકુબના નામે લખેલી એક તવકીઅમાં ફરમાવેલ છે કેઃ

મારા ઝુહુરના જલ્દી થવા માટે ખુબજ વધારે દોઆ કરો કારણકે મારો ઝુહુર તમારી મુશ્કેલીઓનો ઉકેલ છે.

(કમાલુદ્દીન, ભાગ-૨, પાના નં. ૪૮૫)

આજ રીતે જનાબે શૈખે સદુક (અ.ર.) ના નામે એક તવકીઅમાં આ પ્રમાણે ઇરશાદ ફર્માવ્યું કેઃ

અગર અમારા શીઆઓ, અલ્લાહ તઆલા તેઓને ઈતાઅત કરવાની તવફીક ઈનાયત કરે, એક દિલ થઈને પોતાના વાયદા અને વચનમાં એક હોતે તો અમારી બરકતવંતી મુલાકાતમાં મોડું ન થતે.

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૩, પાના નં. ૧૭૬)

દોઆની અસરોના સંબંધમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ની આ રિવાયત ખાસ ધ્યાન આપવા જેવી છે કે ઈમામ (અ.સ.) ફરમાવે છેઃ

જ્યારે બની ઈસ્રાઈલ ઉપર અઝાબ અને તકલીફોની મુદ્દત લંબાણી ત્યારે તેઓએ અલ્લાહની બારગાહમાં ચાલીસ દિવસ સુધી ખુબ કરગરીને દોઆ કરી. અલ્લાહ તઆલાએ જનાબે મુસા (અ.સ.) અને જનાબે હારૂન (અ.સ.) ઉપર વહી કરી કે બની ઈસ્રાઈલને ફીરઔનના અઝાબથી નજાત અપાવે. આ તે સમયની વાત છે જ્યારે તેઓના ૪૦૦ વર્ષના અઝાબમાં ૧૭૦ વર્ષનો સમય બાકી હતો, અલ્લાહ તઆલાએ તઓની દોઆના કારણે આ ૧૭૦ વર્ષ ઓછા કરી નાખ્યા.

ત્યારબાદ ઈમામ (અ.સ.) ફરમાવે છેઃ

તમારી પરિસ્થિતિ પણ આવીજ છે. અગર તમે લોકો ઝુહુર માટે કરગરીને દોઆ કરશો અલ્લાહ તઆલા ઝુહુરમાં જરુર જલ્દી કરશે અને અગર તમોએ ખુબ વધારે દોઆઓ ન કરી તો પછી આ સિલસિલો તેના અંત સુધી પહોંચશે..

(તફસીરે અય્યાશી, ભાગ-૨, પાના નં. ૧૫૫)

આ રિવાયતની રોશનીમાં કિતાબ મિકયાલુલ મકારીમના લેખક લખે છે કેઃ

ઈમામ (અ.સ.) નો ઝુહુર તે બાબતો માંથી છે કે જેમાં બદા થઈ શકે છે. અર્થાત્ નક્કી થએલી મુદ્દતમાં ફેરફાર થઈ શકે છે.

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૩૪૭)

આ એક હકીકત છે કે આપણે દોઆ વડે ઝુહુરમાં જલ્દી કરાવી શકીએ છીએ. તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઝુહુર માટે એવો કોઈપણ ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નથી કે જેમાં ફેરફાર શકય ન હોય. અગર લોકો આ ગયબતના ઝમાનામાં પોતાના ઈમામ (અ.સ.) ની લાંબી ગયબતથી ગફલતમાં રહે અને કોઈ ધ્યાન ન આપે તથા એક દિલ થઈને વાયદા અને વચનને પુરા કરતાં કરતાં કરગરીને દોઆ ન કરે તો ઝુહુર પોતાની અંતિમ મંઝિલ સુધી પહોંચી જશે.

કિતાબ મિકયાલુલ મકારીમના લેખક લખે છે કેઃ

જનાબે ઈદરીસ (અ.સ.) ના ઝમાનામાં તે સમયની ઝાલિમ હુકુમતે તેઓ ઉપર ઝુલ્મ ગજાર્યો. જનાબે ઈદરીસ (અ.સ.) લોકોની દરમ્યાનથી ગાએબ થઇ ગયા. તેમનું અનુસરણ કરનારાઓને આપની આ ગયબત ખુબજ સખત અને અસહ્ય લાગી. તેઓએ અલ્લાહની બારગાહમાં તૌબા અને ઈસ્તિગફાર કર્યો.  કરગરીને દોઆ કરી. અલ્લાહ તઆલાએ તેઓ ઉપર રહેમ કર્યો અને જનાબે ઈદરીસ (અ.સ.) ને તેઓની દરમ્યાન પરત મોકલી આપ્યા. જનાબે ઈદરીસ (અ.સ.) જાહેર થયા અને તે ઝમાનાનો બાદશાહ અપમાનિત અને હડધુત થયો.

આવીજ રીતે આ ગયબતના ઝમાનામાં લોકો સામુહિક રીતે તૌબા અને ઈસ્તિગફાર કરે અને અલ્લાહની બારગાહમાં દોઆ કરે તો ઉમ્મીદ છે કે અલ્લાહ તઆલા આપણા ઈમામ (અ.સ.) ને જલ્દી ઝાહિર કરી દે.

 (મિકયાલુલુ મકારીમ, પ્રકરણ-૪)

હઝરત ઈમામ હસને મુજતબા (અ.સ.) એ એક સ્વપ્નમાં આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ બાકિર ફકીહ ઈમાનીને ફરમાવ્યું

મિમ્બર વડે લોકો સુધી આ પયગામ પહોંચાડી દયો અને તેઓને આ હુકમ આપો, કે તેઓ તૌબા કરે અને હઝરત હુજ્જત (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરે. હઝરત હુજ્જત ના ઝુહુર માટે દોઆ કરવી નમાઝે મય્યતની જેમ વાજીબે કિફાઈ નથી કે કોઈ એક વ્યકિતના પઢી લેવાથી વાજીબાત અદા થઈ જાય, બલ્કે આ રોજની પંજગાના નમાઝની જેમ છે. દરેક બાલિગ ઈન્સાન ઉપર વાજીબ છે, કે તે હઝરત હુજ્જત (અ.સ.) ઝુહુર માટે દોઆ કરે.

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૪૩૮, સહીફએ મહદીય્યહ, પાના નં. ૫૧)

જનાબે ફકીહ ઈમાની પોતાની કિતાબમાં લખે છે કેઃ

રિવાયતો, દોઆઓ અને ઝિયારતોના વાક્યોથી આ બાબત તદ્દન સ્પષ્ટ અને જાહેર છે, કે ઝુહુરનો વાયદો એવો ચોક્કસ છે, કે તેમાં વાયદા ખિલાફીનો જરાપણ અવકાશ નથી. પરંતુ ઝુહુરના સમયની બાબત એવી બાબત છે, કે જેમાં પરિવર્તન થઈ શકે છે. રિવાયતોથી એ બાબત પણ સ્પષ્ટ છે કે મોઅમિનોની નિખાલસ દોઆઓ ઝુહુરમાં જલ્દી થવાનું કારણ બની શકે છે.

 (શેવહાએ યારીએ કાએમે આલે મોહમ્મદ, પાના નં. ૫૭)

શાએરે એહલેબૈત (અ.સ.) સય્યદ હિલ્લાવીએ એક કસીદામાં શીઆઓની પરેશાનીનું વર્ણન કર્યુ છે અને શીઆઓના દર્દ, ગમ, મસાએબ અને તકલીફોને ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ખિદમતમાં રજુ કર્યા છે. અને તઓ ઘણી જગ્યાએ આ કસીદો પઢયા. નજફે અશરફના એક બુઝુર્ગ અને ખુદાપસંદ આલિમે દીન એ સ્વપ્નમાં હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) ની ઝિયારતનું સદ્ ભાગ્ય પ્રાપ્ત કર્યુ. હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ ફરમાવ્યું

સય્યદ હલ્લાવીને કહો કે આ રીતે શીઆઓની પરેશાનીઓ અને મસાએબ બયાન કરીને મારા દિલને ન દુખાવે, કારણકે લયસલ અમ્રરો બે યદીઝુહુર મારા ઈખ્તેયારની વાત નથી.

આ અલ્લાહના ઈખ્તેયારમાં છે. અલ્લાહ પાસે દોઆ કરો અને મારા જલ્દી ઝુહુર થવાની વિનંતી કરો.

(મજાલીસે હઝરત મહદી અ.સ., પાના નં. ૧૦૯)

એક શખ્સને મસ્જીદે જમકરાનમાં હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) ની બારગાહમાં હાજર થવાનું સદ્ ભાગ્ય પ્રાપ્ત થયું. તેનું બયાન છે કે હું મારી પત્નિ સાથે મસ્જીદે જમકરાનના અઅમાલ અંજામ આપીને બહાર નિકળી રહ્યો હતો. રસ્તામાં એક નુરાની સય્યદ સાથે મુલાકાત થઈ. મેં મારા દીલમાં વિચાર્યું કે આવી ગરમીમાં આ નુરાની સય્યદ જરૂર તરસ્યા હશે. મેં તેમની ખિદમતમાં પાણી રજુ કરતા કહ્યું કેઃ આપ ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરો.તો તેમણે ફરમાવ્યું

મારા શીઆઓને પાણીની જરૂરિયાત જેટલી પણ મારી જરૂરત નથી. અગર તેઓ મને ચાહતા હોત તો મારા ઝુહુર માટે જરુર દોઆ કરતા હોત. તેઓની દોઆઓથી ઝુહુર નજીક થઈ શકે છે.

(શીફતગાને હઝરત મહદી અ.સ., ભાગ-૧, પાના નં. ૧૫૫)

આની સાથેજ ઈમામે ઝમાના (અ.સ.) ના બે પયગામો પણ ખુબ સારી રીતે દીલમાં બેસાડી દેવા જોઈઅ કે ઈમામ (અ.ત.ફ.શ.) ફરમાવે છેઃ

જ્યારે કોઈ મોઅમીન મારા જદ્દ હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના મસાએબ સાંભળીને આંસુથી ભરેલી આંખો સાથે મારા માટે દોઆ કરે તો હું પણ તેના માટે દોઆ કરૂં છું.

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૩૩૩)

મારા શીઆઓ અને મારા દોસ્તોને આ પયગામ આપી દયો કે મારા ફુઈ જનાબે ઝયનબ (સ.અ). નો વાસ્તો આપીને મારા ઝુહુર માટે દોઆ કરે.

(શીફતગાને હઝરત મહદી અ.સ., ભાગ-૧, પાના નં. ૨૫૧)

અમુક રિવાયતોથી જાણવા મળે છે કે એહલેબૈત (અ.મુ.સ.) નો શીઆઓ ઉપર એક હક એ છે કે તેઓ હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) માટે દોઆ કરે.

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે કેઃ

શીઆઓ ઉપર અમારો એક હક એ છે કે તેઓ દરેક વાજીબ નમાઝ પછી પોતાની દાઢી ઉપર હાથ રાખીને ત્રણ વખત આ મુજબ દોઆ કરે

અય મોહમ્મદ (સ.અ.વ.) ના રબ! આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના ઝુહુરમાં જલ્દી ફરમાવ.

અય મોહમ્મદ (સ.અ.વ.) ના રબ! ગયબતમાં મોહમ્મદની હિફાઝત કર.

અય મોહમ્મદ (સ.અ.વ.) ના રબ! મોહમ્મદ (સ.અ.વ.)ની દુખ્તરનો બદલો લે.

(સહીફએ મહદીય્યહ, પાના નં. ૧૯૫)

આ દોઆથી દોઆ કરનારને પોતાને પણ ફાયદો થાય છે.

ગયબતના અંધરાઓમાં આ દોઆ જ નજાતનું કારણ છે. હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ફરમાવે છેઃ

 “અલ્લાહની કસમ! મારા ફરઝંદના માટે એક ગયબત હશે. તેમાં કોઇપણ શખ્સ હલાકતથી બચી શકશે નહીં સિવાય કે તે શખ્સ કે જેને અલ્લાહ તઆલા તેમની ઈમામતના અકીદા ઉપર સાબિત કદમ રાખે અને ઝુહુર માટે દોઆ કરવાની તવફીક અતા ફરમાવે.

(કમાલુદ્દીન, ભાગ , પાના નં.૩૬૮)

બીજી એક રિવાયતમાં આ પ્રમાણે ફર્માવેલ છે.

જ્યારે તમે જૂઓ કે આલે મોહમંદ (સ.અ.વ.)ના ખનદાનમાંથી ઇમામ ગાએબ છે અને તમે તેમની મુલાકાત કરવાથી મેહરુમ છો, તો અલ્લાહની બારગાહમાં ઇસ્તિગાસા કરો અને અલ્લાહની બારગાહમાં તેમના ઝૂહુરની દોઆ કરો. તેનાથી તમારી ફરિયાદનો ઉકેલ આવી જશે.

(કમાલુદ્દીન, પ્રકણ ૩૨, હદીસ નં. ૮)

દોઆ અને ઝુહુર દરમ્યાન ઘણા સંબંધો છે. તેમાંથી નીચે અમુક બાબતો તરફ ઈશારો કરી રહ્યા છીએ.

(૧) દોઆની એક અસર ફકત ઝુહુરમાં જલ્દી જ નથી બલ્કે આ દોઆની બીજી પણ બરકતો છે. જેમકે ગુનાહોની મગ્ફેરત, નેઅમતોનું નાઝિલ થવું, બલાઓનું દુર થવું, લાંબુ આયુષ્ય, તંદુરસ્તી, રિઝ્ક, જન્નતમાં પ્રવેશ, આલે મોહમ્મદ (અ.મુ.સ.) ની શફાઅત, કયામતના દિવસે કયામતના મયદાનમાં તરસથી છુટકારો, વિગેરે. કિતાબ મિકયાલુલ મકારીમના લેખકે, તેમની કિતાબમાં, ઝુહુર માટે દોઆ કરવાના ૧૧૦ ફાયદાઓ નોંધ્યા છે.

(૨) એક વખત ફરીવાર એ બાબત ઇપર ભાર મૂકી રહ્યા છીએ કે દોઆ ઝુહુરના સમયને નઝદીક કરી શકે છે. દોઆ ન કરવાના કારણે ઝુહુરમાં મોડું થઈ શકે છે. આપણી બેદારી માટે બની ઈસ્રાઈલનો બનાવ પુરતો છે.

(૩) અમુક લોકો કહે છે કે જ્યારે અલ્લાહ ચાહશે ત્યારે ઈમામ (અ.સ.) આવશે.આવા લોકો આવી વાતો કરીને દોઆની અસરોને ઓછી કરવા ચાહે છે.

આ વાત સાચીછે કે બેશક ઝુહુર કરવું અલ્લાહના ઈખ્તેયારમાં છે. જેમકે એક રિવાયતમાં છે કેઃ

વ અમ્મા ઝુહુરલ ફરજો ફ ઈન્નહુ એલ્લલાહે

અને બેશક ઈમામ (અ.સ.) નો ઝુહુર અલ્લાહના ઈખ્તેયારમાં છે.

(ગયબતે શૈખે તુસી, પાના નં. ૧૭૭)

પરંતુ રિવાયતોને ધ્યાનમાં રાખીને એમ કહી શકાય કે ઈમામ (અ.સ.) નો ઝુહુર યકીની છે અને ઝુહુરના સમયને નક્કી કરવો પણ અલ્લાહના ઈખ્તેયારમાં છે. પરંતુ આપણી દોઆઓ ઝુહુરના સમયને નઝદીક કરી શકે છે. દોઆઓ થકી અલ્લાહનો આ વાયદો વહેલો પૂરો થઇ શકે છે.

(૪) અમુક લોકો કહે છે કે આપણે તો ગુનાહગાર છીએ. આપણે ક્યાં તેને લાયક છીએ કે આપણે ઈમામ (અ.સ.) માટે દોઆ કરીએ. આપણા ખોરાક-પાણી શંકાસ્પદ છે. આપણે દોઆ માટે લાયક પણ નથી.

આવા પ્રકારની વાતો શયતાની વિચારો છે, જે આપણને દોઆઓની બરકતોથી વંચિત કરી શકે છે. આ ઉપરાંત ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) કંઈ ફકત મુત્તકી અને પરહેઝગારોના જ ઈમામ નથી.

આપ (અ.ત.ફ.શ.) ગુનાહગારો ઉપર પણ હુજ્જત છે. ઈમામ (અ.સ.) સુરજ સમાન છે કે જેની ગરમી અને પ્રકાશ દરેકના માટે છે. તેના કિરણો ફકત નેક બંદાઓ માટેજ ખાસ નથી. આજ પ્રમાણે ઈમામ (અ.સ.) કોઈ ખાસ વ્યકિત, કૌમ કે સમુહના ઈમામ નથી બલ્કે તેઓ આખી કાએનાતના ઈમામ છે. તેઓ ફકત ઈન્સાનોના જ ઈમામ નથી બલ્કે જીન્નાત અને ફરિશ્તાઓના પણ ઈમામ છે. જ્યારે તેઓ દરેકના ઈમામ છે તો પછી ઈમામ (અ.સ.) ના ઝુહુર માટે દોઆ કરવી દરેક જણની જવાબદારી છે.

અગર એવું હોત કે ગુનાહગારોની દોઆ કબુલ ન થાય તો અલ્લાહ તબારક વ તઆલા તૌબાનો દરવાજો જ ન ખોલત. કારણકે તૌબા પોતે એક દોઆ છે. તૌબાનું કબુલ થવું દર્શાવે છે કે ગુનાહગારોની દોઆઓ પણ કબુલ થાય છે.

આ પ્રકારના લોકો માટે યોગ્ય છે કે પ્રથમ ગુનાહોની તૌબા કરે અને પછી ઈમામ (અ.સ.) માટે દોઆ કરે. ગુનાહને બહાનુ બનાવીને દોઆ ન કરવી ખુદ એક ગુનાહ છે.

જેમકે બયાન કરવામાં આવ્યું કે ઝુહુર માટે દોઆ કરવી એ ગુનાહોની મગ્ફેરતનું કારણ છે. ખુદાવંદે આલમ કુરઆને શરીફમાં ફરમાવે છેઃ

નેકીઓ બુરાઈઓને ખતમ કરી નાખે છે.

(સુરએ હુદ (૧૧), આયત નં. ૧૧૪)

શું ઝુહુર માટે દોઆ કરવી સર્વશ્રેષ્ઠ નેકી નથી ?

(૫) જ્યારે ઝુહુરની વાત થાય છે તો અમુક લોકો કહે છે કે ઈમામ (અ.સ.) કંઈ આટલા વહેલા આવવાના નથી.

આવી વાતો રિવાયતોની વિરૂધ્ધ છે. અમુક રિવાયતોમાં સવારે અને સાંજે દોઆ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે તથા અમુક રિવાયતોમાં છે કે ઝુહુર અચાનક થશે. જ્યારે લોકોની અપેક્ષા પણ નહીં હોય ત્યારે ઝુહુર થશે.

આ ઉપરાંત ઈમામે અસ્ર (અ.સ.) ની મોહબ્બતનો એ તકાઝો છે કે ઝુહુરને દુર ન સમજવામાં આવે. અગર આપણો કોઈ દોસ્ત પ્રવાસ ઉપર ગયો હોય તો આપણી મોહબ્બત આપણને એ વાતની રજા આપશે કે આપણે તેના આગમનને હંમેશા દુર ગણતા રહીએ અને કયારેય પણ તેના આગમનને નજદીક ન સમજીએ ?

ફરીવાર દોહરાવીશું કે આ બધા શયતાની વસવસાઓ છે. અને આપણે તેનાથી દુર રહેવું જોઇએ. કારણકે ઈમામ (અ.સ.) ના ઝુહુરથી સૌથી વધારે તકલીફ શયતાનને પહોંચશે. એટલા માટે કે શયતાન ઈમામે ઝમાના (અ.સ.) ના હાથો વડે માર્યો જશે.

(૬) અમુક લોકો ઝુહુરની દોઆ કરવાના હુકમને તવઝીહુલ મસાઈલમાં શોધે છે અને એમ કહે છે કે તવઝીહુલ મસાઈલમાં કયાં લખ્યું છે ?

તેઓની ખિદમતમાં એ અરજ છે કે તવઝીહુલ મસાઈલમાં ફકત ફુરૂએ દીનના મસઅલાઓ જ હોય છે. ઈમામતનો અકીદો અને ઈમામ (અ.સ.) માટે દોઆ કરવાની બાબત નો સંબંધ ઉસુલે દીન સાથે છે.

હઝરત ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) એ જનાબે અબ્દુલ અઝીમ હસનીને ફરમાવ્યું કેઃ

અય અબુલ કાસીમ! (અબ્દુલ અઝીમ હસનીની કુન્નીયત) અમારા મહદી (અ.સ.) એવા હિદાયત કરનારા છે કે ગયબતમાં તેમનો ઈન્તેઝાર કરવો વાજીબ છે અને તેમના ઝુહુરના ઝમાનામાં તેમની ઈતાઅત કરવી વાજીબ છે.

(કમાલુદ્દીન, શૈખે સદુર અ.ર., ભાગ-૨, પાના નં. ૩૭૭)

ઈમામ હસન (અ.સ.) ની એક રિવાયતમાં ઝુહુર માટે દોઆ કરવાને રોજબરોજની પંજગાના નમાઝની જેમ વાજીબ ઠેરવવામાં આવેલ છે.

(મિકયાલુલ મકારીમ, ભાગ-૧, પાના નં. ૩૩૩)

(૭) ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુરની દોઆને બીજી દોઆઓની જેમ ન સમજવી જોઈએ. આ દોઆ કોઈ રસમ કે રિવાજ નથી. આ દોઆ દોઆઓમાં સૌથી છેલ્લી દોઆ નથી. જ્યારે બિમારો માટે, કર્ઝદારો માટે, ઔલાદના માટે, ઘર કે મકાન માટે, સાહેબે ખાના માટે, જેઓએ દોઆ કરવાની ગુઝારીશ કરી હોય તેવા લોકો વિગેરે માટે જ્યારે દોઆ કરી લેવામાં આવે અને પછી બીજી કોઈ દોઆ બાકી ન રહે ત્યારે બસ અંતમાં ઈમામ (અ.સ.) માટે દોઆ કરવામાં આવે જે એ વાતની નિશાની હોય કે હવે દોઆ ખતમ થઈ રહી છે. બલ્કે આ દોઆ બધીજ દોઆઓ કરતા સૌથી પહેલા હોવી જોઈએ. કારણકે આ દોઆ તે દોઆ છે કે જે દરેક દર્દની દવા છે.

તદ્ઉપરાંત આ દોઆ કાએનાતના સૌથી બેહતરીન ઇન્સાનના માટે દોઆ છે. અલ્લાહની હુજ્જતના માટે દોઆ છે. આ દોઆ તમામ મઝલૂમો, બિમારો, નિરાધારો, બેઘરો, ગરીબો, મોહતાજો, કૈદીઓમહરુમો….. ના માટે દોઆ છે. આ દોઆ હકીકતમાં કાએનાતના ઝર્રા ઝર્રા માટે દોઆ છે કારણ કે જ્યારે ઇમામ તશ્‌રીફ લાવશે તો આપ (અ.ત.ફ.શ.)ની ન્યાઇ હુકુમતને દરેક જણ માણશે. કાએનાતના કણે કણ તેમના રહેમ અને કરમથી ફૈઝ હાસિલ કરશે. તેથી આ એકમાત્ર એવી દોઆ છે કે જે એકલી બધા માટેની દોઆ છે. તેથી આ દોઆ તરફ ખાસ ધ્યાન આપવું જોઇએ.

(૮) અમુક લોકો કહે છે કે જ્યાં સુધી આપણી પોતાની સુધારણા નહીં થાય ત્યાં સુધી ઈમામ (અ.સ.) તશ્ રીફ લાવશે નહીં.

અગર તેનો અર્થ એમ હોય કે આપણે પોતે આપણા સમાજની સુધારણા કરીને ઝુહુર માટે માહોલ તૈયાર કરીએ તો આ વાત ખુબજ યોગ્ય અને સારી છે. અગર તેનો અર્થ એમ હોય કે જ્યાં સુધી આપણે પોતાની સુધારણા નહીં કરીએ ત્યાં સુધી ઈમામ (અ.ત.ફ.શ.) નહીં આવે તો આ વાત યોગ્ય નથી. કારણ કે ઈમામ (અ.ત.ફ.શ.) પોતે સુધારણા માટે આવશે. આ ઉપરાંત અપણે કોઈપણ હાલતમાં ઈમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુરને દુર ન સમજવો જોઈએ. દોઆએ અહદમાં છે કેઃ

લોકો આપ (અ.ત.ફ.શ.) ઝુહુરને દૂર સમજે છે પરંતુ આપણે તેમના ઝુહુરને નઝદીક સમજીએ છીએ.

(૯) અમુક લોકો એમ વિચારે છે કે આજના ઝમાનામાં મહાસત્તાઓ પાસે રહેલા અક્લ કામ ન કરે એવા હથિયારોની મૌજુદગીમાં ઇમામ (અ.ત.ફ.શ.) કેવી રીતે દુનિયા ઉપર પ્રભુત્વ મેળવશે? અને તે હથિયારોના મુકાબલામાં કઇ વ્યવહારૂ રણનિતિ અપનાવશે? તે સમયે શું થશે?

આવા લોકોને ફક્ત એટલું કહેવુંજ પૂરતું છે કેઃ ઈમામ (અ.ત.ફ.શ.) અલ્લાહની કુદરત છેઝમાનાના ઇમામ (અ.ત.ફ.શ.) અલ્લાહ તઆલાની તાકત અને કુદરતનું પ્રતિક છે. ઈમામ (અ.ત.ફ.શ.) નો એક ઈશારો તમામ હથિયારોને નકામા અને બરબાદ કરી શકે છે.

આ ઉપરાંત ઈમામ (અ.ત.ફ.શ.) ને ગયબી મદદ પ્રાપ્ત થશે. રિવાયતોમાં છે કે કાફિરોના દિલોમાં ઈમામ (અ.ત.ફ.શ.) અને તેમના લશ્કરનો જબરદસ્ત ડર અને રોબ છવાઇ જશે. એટલી હદ સુધી કે આ ડર અને રૂઆબ લશ્કર કરતાં એક મહીના અગાઉ પહોંચશે. આ ડર અને રૂઆબ કાફિરોની ઘણી બધી યોજનાઓને નકામી બનાવી દેશે. તેઓના દિલમાં ઈમામ (અ.ત.ફ.શ.) નો એવો ખોફ હશે કે તેઓની અક્લ પણ સરખી રીતે કામ કરી શકશે નહિં. રિવાયતમાં છે કે અલ મન્સુરો બિલ-રોઅબેઅર્થાત રૂઆબ વડે તેમની મદદ કરવામાં આવશે’. આજના ઝમાનામાં પણ ડર અને રૂઆબ એક જબરદસ્ત હથિયાર છે. મહાસત્તાઓનો ડર લોકોને પરેશાન કરી દે છે અને તેઓની વિચારવાની શક્તિને છિનવી લે છે. ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના ઝુહુરના સમયે ડર અને રૂઆબના કારણે મોટી-મોટી તાકતોની પણ આજ હાલત થશે. આ ઉપરાંત ઈમામ (અ.સ.) જાહેરી માધ્યમોનો પણ ઉપયોગ કરશે. આજ કારણ છે કે આ જંગમાં ઈમામ (અ.ત.ફ.શ.) ના અમુક સહાબીઓ બશારત ના દરજ્જા ઉપર ફાએઝ હશે. બહરહાલ મહાસત્તાઓના હથિયારો ઝુહુરના રસ્તમાં અને ઈમામે ઝમાના (અ.સ.) ની વિશ્વ વ્યાપી હુકુમતના રસ્તામાં અંતરાય રૂપ નહીં બને.

અલ્લાહ તઆલાનો વાયદો છે કે જ્યારે ઈમામ (અ.સ.) તશ્ રીફ લાવશે ત્યારે વાત કંઈક અલગ જ હશે. અગાઉના અંબિયા (અ.સ.) ના લોકોની જેમ લોકોમાં એવી હિમ્મત નહિં હોય કે તેઓ ઈમામ (અ.સ.) ને જુઠલાવી શકે અથવા કોઈપણ મોરચા ઉપર ઈમામ (અ.ત.ફ.શ.) ને પરાજીત કરી શકે. હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) જીત અને સફળતા માટે તશ્ રીફ લાવશે. કોઈપણ મોરચે હારની કલ્પના લેશમાત્ર પણ નહિં હોયપરાજય અને શરમિંદગી વિરોધીઓના નસીબમાં હશે.

બુઝુર્ગ આલિમે દીન જનાબે શૈખે હુર્રે આમેલી (અ.ર.) બયાન ફરમાવે છે કેઃ

મેં સ્વપ્નમાં જોયું કે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ..) મશ્હદમાં તશરીફ લાવ્યા છે. મેં તેમને તેમના ઘરનું સરનામું પુછયું. લોકોએ કહ્યું કે મશ્હદના પશ્વિમી વિસ્તારમાં એક બાગ છે. ઈમામ (અ.સ.) ત્યા રોકાયા છે. હું હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) ની ખિદમતમાં પહોંચ્યો. હઝરત (અ.ત.ફ.શ.) બેઢકના મધ્ય સ્થાને બિરાજમાન હતા. ત્યાં એક હૌઝ હતો અને અંદાજે વીસ લોકો તે મજલીસમાં હાજર હતા.

થોડો સમય ચર્ચા થયા બાદ જમવાનું લાવવામાં આવ્યું. જે દેખાવમાં ઘણું જ ઓછું હતું પરંતુ સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ હતું. અને દરેકે તે જમણ ખાધું અને ધરાઇ ગયા. તેમ છતાં જમણ હજુ તેટલુંજ બચ્યું હતું. જમી લીધા પછી મેં ધ્યાનપૂર્વક જોયું કે ઇમામ (અ.ત.ફ.શ.) ના સહાબીઓની સંખ્યા ૪૦ થી વધારે નથી. હું એમ વિચારવા લાગ્યો કે હઝરત (અ.ત.ફ.શ.) નો ઝુહુર થઈ ચૂકયો છે. આપ (અ.ત.ફ.શ.) તશરીફ લાવી ચુકયા છે અને આપ (અ.ત.ફ.શ.)ના સહાબીઓની સંખ્યા આટલી ઓછી છેહું વિચારવા લાગ્યો કે આટલી ઓછી સંખ્યા જોઈને દુનિયાના બાદશાહો અને હાકિમો ઈમામ (અ.ત.ફ.શ.) ની ઈતાઅત કરશે કે નહિં?? આટલી ઓછી સંખ્યા સાથે કેવી રીતે ઝાલિમો સાથે જંગ કરશે? આટલા નાના લશ્કર સાથે કઈ રીતે કામ્યાબી હાસિલ કરશે? હું મારા વિચારોમાં ખોવાયેલો હતો. હજુ સુધી મોઢાથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. હઝરત (અ.ત.ફ.શ.) મારી સામે જોઈને મુસ્કરાયા અને ફરમાવ્યું:

અમારા શીઆઓને સહાયકો અને મદદગારોની કમીના કારણે ડરાવો નહિં. મારી સાથે જે લોકો છે તેમને હું હુકમ આપું તો તેઓ દુનિયાના તમામ બાદશાહો અને હાકિમો અહીં હાજર કરી દે અને તેઓની ગરદનોને ઉડાવી નાખે.

વ મા યઅલમો જુનુદ રબ્બેક ઈલ્લા હોવ

તમારા રબના લશ્કરને તેની સિવાય કોઈ જાણતું નથી.

(સુરએ મુદસ્સીર, આયત નં. ૩૧)

આ ખુશખબરી સાંભળીને હું ચુપ થઇ ગયો.

(ઈસ્બાતુલ હોદા, પ્રકરણ ૨૩, મોઅજીઝાતે સાહેબુઝ ઝમાન, નં. ૧૬૬)

(૧૦) આ સંપૂર્ણ ચર્ચાનો અર્થ હરગિઝ એમ નથી થતો કે ખુદાના ખ્વાસ્તા કોઈના મનમાં એવો વિચાર આવે કે (નઉઝોબિલ્લાહ) હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) આપણી દોઆઓના મોહતાજ છે.

હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) હરગિઝ હરગિઝ આપણી દોઆઓના મોહતાજ નથી બલ્કે આપણે આપ (અ.ત.ફ.શ.) ની ઈનાયતોના મોહતાજ છીએ. આપણું સંપૂર્ણ અસ્તિત્વ તેમનું મોહતાજ છે. રિવાયતમાં છે કેઃ

તે શખ્સ કાફિર છે જે એમ વિચારે કે ઈમામ (અ.સ.) લોકોના મોહતાજ છે.

(મિકયાલુલ મકારીમનો તરજુમો, ભાગ-૨, પાના નં. ૩૫૩)

જે કંઈ લોકોની પાસે છે તેનાથી ઈમામ (અ.ત.ફ.શ.) બેનિયાઝ છે. આથી ઈમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુર માટે જેટલી પણ દોઆ કરવામાં આવે તેનો ફાયદો આપણને જ મળશે. જ્યારે હઝરત હુજ્જત (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે અને આખી દુનિયામાં અદ્લ અને ઈન્સાફ કાએમ થશે ત્યારે તેનાથી દરેક જણને ફાયદો મળશે. હઝરત (અ.ત.ફ.શ.) માટે આ દુનિયા અને તેની હુકુમત કોઈ હૈસિયત ધરાવતી નથી. આપ (અ.ત.ફ.શ.) ની નજર તો ફકત અલ્લહ તઆલાની ખુશનુદી અને રેઝા ઉપર છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*