શિઆ અને સુન્ની તફ્સીરો મુજબ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની ફઝીલતો

વાંચવાનો સમય: 3 મિનિટ

 જારુલ્લાહ ઝમખ્શરી પોતાની તફસીર “અલ કશ્શાફ” ભાગ ૪, પાનાં નં. ૧૯૭ પર ઇબ્ને અબ્બાસથી લખે છે કે એક વખત પવિત્ર પયગંબર (સ.અ.વ.) પોતાના અસહાબોને લઈને ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) બીમાર હતા ત્યારે તેમની મુલાકાતે ગયા. તે સમયે અમીરુલ મોઅમેનીન અલી (અસ.) પણ ત્યાં હાજર હતા. પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ આપને કહ્યું:

 
“બાળકોના જલ્દી સાજા થવા માટે નઝર કેમ નથી કરતા?” જેથી અલી (અ.સ.), જનાબે ઝહેરા (સ.અ.) અને જનાબે ફીઝ્ઝાએ નઝર કરી કે અગર આ બાળકો બીમારીમાંથી સાજા થઇ જશે તો ત્રણ દિવસ રોઝા રાખશે. હસનૈનના સાજા થવા બાદ જયારે તેમણે પહેલા દિવસે રોઝો રાખ્યો ત્યારે તેમના ઘરમાં  કંઈ જ ન હતું કે જેનાથી તેઓ રોઝો ઈફ્તાર કરે. ઈમામ અલી અ.સ.એ શમઉન નામના માણસ પાસેથી ત્રણ કિલો જવ ઉછીના લીધા. આપ (અ.સ.)એ તે જવ જનાબે ઝેહરા (સ.અ.)ને આપ્યા જેમણે તેમાંથી થોડી રોટલીઓ બનાવી. જયારે તેઓ ઈફ્તાર કરવા બેઠા ત્યારે એક એક ફકીર તેઓના દરવાજે આવ્યો અને પોકાર કર્યો: “અય પયગંબર સ.અ.વ.ની એહલેબૈત ! હું આપને મારા સલામ કરું છું, હું ગરીબ અને હાજતમંદ છું. મને કંઈક ખાવાનું આપો. બેશક અલ્લાહ તમને જન્નતના ખજાનાઓમાંથી અતા કરશે.” આ અરજ સાંભળીને બધાએ પોતાનો ઇફતારનો હિસ્સો આપી દીધો અને પાણીથી ઇફતાર કર્યું. બીજા દિવસે ફરી તેઓએ રોઝો રાખ્યો. આગલા દિવસની જેમ જ બન્યું. ફરી, ઇફતારના વખતે એક યતીમ આવ્યો અને મદદ માંગી. આજે પણ તેઓ બધાએ ઇફ્તારનો પોતાનો હિસ્સો તે યતીમને આપી દીધો.  જયારે તેઓએ ત્રીજા દિવસે રોજો રાખ્યો ત્યારે ફરી વાર ઇફતાર વખતે એક નિરાધાર તેમના દરવાજે આવ્યો  અને ખોરાકની માંગણી કરી. ત્રીજી વખત તેઓ બધા પોતાના ભાગનો ઇફતાર તે ગરીબ વ્યક્તિને આપી દીધો. ચોથા દિવસે અલી (અ.સ.) ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની સાથે પયગંબર (સ.અ.વ.)ને મળવા ગયા. જેમણે આપને  ભૂખ અને તરસથી ધ્રુજતા જોયા. પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ કહ્ય: “આપને આ સ્થિતિમાં જોઇને મને દુ:ખ થાય છે.” પવિત્ર પયગંબર (સ.અ.વ.) ઉભા થયા અને જ. ઝેહરા(સ.અ).નાં ઘરે ગયા.

આપે તેણીને મેહરાબમાં બેસી દુઆ કરતા જોયા. તેણી ભૂખથી એટલા બધા નબળા થઇ ગયા હતા કે આપનું પેટ પીઠની સાથે જોડાઈ ગયું હતું અને આપની આંખો ચહેરામાં ઊંડી ઉતરી ગઈ હતી. પોતાની વહાલી દીકરીની આ હાલત જોઈને પયગંબર સ.અ.વ. ખુબ દુ:ખી થયા. ત્યારે જ. જીબ્રીલે અમીન (ર.અ.) આસમાન પરથી નાઝીલ થયા અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને કહ્યું: “અય મોહમ્મદ (સ.અ.વ.) ! અલ્લાહે તમારા અને તમારી એહલેબૈત ની ખુશખબરી અને મુબારકબાદી માટે આ સુરો (કુરઆનનું એક પ્રકરણ) નાઝીલ કર્યો છે. ત્યારે તે મૌકા પર પયગંબર (સ.અ.વ.)  એ સુરે દહરની તિલાવત કરી. ફકીર તરીકે જીબ્રઈલ, મીકાઈલ અને ઇસ્રાફીલ હતા.: (અલ્લામાં શાફેઈ )

આ વાકેઆને પોતાની તફસીરમાં વર્ણવ્યા પછી અલ્લામાં નીશાપુરી લખે છે: “હદીસો મુજબ, જે ફકીર ત્રણે રાત્રે દરવાજા પર આવ્યો તે જીબ્રઈલ સિવાય બીજો કોઈ ન હતો. તે અલ્લાહના હુકમ પર આપની સબ્રની કસોટી કરતો હતો.

શહાબુદ્દીન આલુસી “અલ ક્શ્શાફ”માં આ વાકેઓ તેની તફસીર “રૂહ અલ માની” ના ભાગ ૨૯, પાનું ૧૫૮ પર નકલ કરે છે  અને લખે છે: “ઈમામ અલી (અ.સ.) અને અને જ. ઝેહરા સ.અ. વિષે એ સિવાય બીજું શું કહેવું કે ઈમામ અલી (અ.સ.) મોમીનોના સરદાર અને પયગંબર (સ.અ.વ.)ના વસી છે. જયારે કે જ. ઝહેરા પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની ચહીતી અને ખુશી છે. હસન અને હુસૈન (અ.સ.) એક ફૂલની ખુશ્બુ જેવા છે અને જન્નતના જવાનોના સરદાર છે. આ અકીદો માત્ર શિઆ (રાફેઝી)નો જ નથી. હકીકતમાં આથી અલગ માનવું એ તદ્દન ગુમરાહી છે.”

આમ, આખો સુરએ દહર એહલેબૈત  (અ.સ.)ની શ્રેષ્ઠતા રજુ કરવા નાઝીલ થયો છે.  આ સુરા વિશેનો મહત્વનો મુદ્દો એ છે કે જો કે તે જન્નતની નેઅમતોનો ઉલ્લેખ કરે છે, છતાં તેમાં હૂરો(જન્નતની સ્ત્રીઓ)નો ઉલ્લેખ નથી. આ જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ના માનમાં છે.

વધુ વિગત માટે જોઈ શકો છો:

  • હાફીઝ જલાલુદ્દીન અલ સુયુતીની અલ દુર્રુલ મન્સુર, ભાગ ૬ પાનું ૨૯૯.
  • અબુ હય્યાન અલ અંદલુસીની અલ-બેહર અલ-મોહીત, ભાગ ૮, પાના ૩૯૫.
  • હાફીઝ સુલાય્માન કુન્દુઝીની યનાબીઉલ મવદ્દત, પાનું ૯૩

અલ્લામાં શાફેઈ પોતાની કિતાબ કીફાયાહ અલ તાલિબ પર પાનાં નંબર ૩૪૫ પર લખે છે, “પહેલા ફકીર જીબ્રઈલ હતા, બીજા મીકાઈલ હતા અને ત્રીજા ઇસ્રાફીલ હતા.”

Be the first to comment

Leave a Reply