ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

વાંચવાનો સમય: 7 મિનિટ

ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી અને ગમ, તેમજ ઈબાદતો અને ઈતાઅતોમાં કુરઆને કરીમ, સુન્નતે પયગમ્બર (સ.અ.વ.) તથા અઈમ્મા (અ.મુ.સ.)ની મોઅતબર રિવાયતોનું અનુસરણ કરે છે. એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓની નજીક ઈદે ગદીર એ ઈસ્લામની સૌથી મહાન ઈદ અને ઈદે અકબરનું સ્થાન અને ખ્યાતી ધરાવે છે. આ ઈદને દીલોમાં સ્થાન આપવા માટે અને માન્યતાઓ સમક્ષ તેનું માપદંડ અને વસ્તુવિચાર સ્થાપિત કરવા માટે આ દિવસને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ઈદ ઠેરવવામાં આવ્યો છે. જેથી કરીને આ તારીખે દિવસ અને રાતમાં મેહફીલો અને જશ્નનું આયોજન કરવામાં આવે. અલ્લાહની ઈબાદતો અંજામ આપવામાં આવે. સિલે રહેમ (સગાવ્હાલા સાથે સારૂ વર્તન) અને બક્ષીસો વડે જરૂરતમંદોની મદદ કરવામાં આવે. નવા અને સુંદર વસ્ત્રોથી પોતાને શણગારવામાં આવે. રંગબેરંગી વાનગીઓ પકાવવામાં આવે જેથી કરીને લોકોનું ધ્યાન તેના તરફ કેન્દ્રીત થાય. આ પ્રકારની વ્યવસ્થા અને આયોજનના કારણે અજાણ લોકોને કુતુહુલ પૈદા થાય. તેથી તેઓ તેનું કારણ શોધે અને જાણકાર લોકો થકી તેઓ સમક્ષ ગદીરના પ્રસંગની મુતવાતીર રિવાયતોને બયાન કરવામાં આવે. આલીમો, ખતીબો, શાએરોની તકરીરો અને મન્કબતો ગુંજવા લાગે અને તેની ભરોસાપાત્રતાનું એઅલાન થઈ શકે. આ રીતે અલગ અલગ કૌમો અને સમુહો દરમ્યાન સમયાંતરે આ પ્રસંગને દોહરાવવામાં આવતો રહે.

આ સંબંધે બે બાબતો વિચારવા લાયક છે:

પ્રથમ: ઈદે ગદીરે ફકત શીઆઓ પુરતી જ મર્યાદિત નથી બલ્કે મુસલમાનોના બીજા ફિરકાઓ પણ તેનાથી સંકળાયેલા છે. હિન્દુસ્તાનની બહારના એહલે સુન્નતના આલીમોએ પોતાની કિતાબોમાં બીજી ઈદોની સાથે-સાથે ઈદે ગદીર તરફ પણ ઈશારો કર્યો છે. જે મુસલમાનો માટે ધ્યાનાકર્ષક છે. (આસારૂલ બાકીય્યાહ ફી કોરૂનીલ ખાલેફીય્યહ)

ઈબ્ને તલ્હા મતાલેબુસ્સોઉલમાં નકલ કરે છે કે ગદીરે ખુમના દિવસનું વર્ણન અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાના શેઅરમાં કર્યું છે અને આ દિવસ એટલે નિયુકત થયેલ છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને વિલાયતના મહાન મરતબા ઉપર નિયુક્ત કર્યા. તેઓ આગળ લખે છે: મૌલા શબ્દનો જે અર્થ રસુલે ખુદા (સ.અ.વ.) માટે સમજી શકાય છે, બિલ્કુલ તે જ અર્થ અલી (અ.સ.)ના માટે નક્કી ઠેરવવામાં આવ્યો અને આ સ્થાન અને મરતબો અત્યંત ઉચ્ચ છે કે જેના પર આપને નિયુક્ત કરવામાં આવ્યા અને આજ કારણે તેમના દોસ્તો માટે આ દિવસને હર્ષો-ઉલ્લાસનો દિવસ કરાર દીધો.

ઉપરોકત વાકયો પોતાના સ્થાનેથી સમગ્ર મુસલમાનો માટે સામુહિક તૌરથી ઈદ હોવાનું દર્શાવે છે. મુસલમાનોમાં કોઈ એવું નહિ હોય જે હઝરત અલી (અ.સ.)ની સાથે દુશ્મની ધરાવતુ હોય, સિવાયકે અલ્પ સંખ્યામાં ખારજીઓ અને નાસેબીઓનું ટોળું કે જે દીને ઈસ્લામથી બહાર છે.

ઈદે ગદીર સંબંધીત ઐતિહાસીક કિતાબોથી જાણવા મળે છે કે સમગ્ર પૂર્વ અને પશ્ર્ચિમના બધાજ દેશો, મીસ્ર, પશ્ર્ચિમી આફ્રીકા અને ઈરાક વિ. ના મુસલમાનો શરૂઆતના સમયથી જ મુત્તફીક થઈને આ દિવસને મનાવતા આવે છે.

આ દિવસ સંબંધે ખાસ આયોજનો જેમકે નમાઝ અને દોઆ, તકરીરોની મહેફીલો અને મુકાસેદાની મહેફીલો વિ. નું વિગતવાર વર્ણન કિતાબોમાં મૌજુદ છે. વફાતુલ અઅયાનમાં આ ઈદનું વર્ણન અસંખ્ય જગ્યાએ જોવા મળે છે. દા.ત. મુસ્તઅલા બિન મુસ્તનસીરના બયાનાતમાં છે કે ઈદે ગદીરે ખુમના દિવસે તારીખ 18 ઝિલ્હજ ના રોજ આપની બયઅત કરવામાં આવી. આજ રીતે ઈબ્ને ખલ્કાન અને મસઉદીએ તમ્બીહુલ અશ્રાફમાં, સોઅલબી એ પોતાની કિતાબમાં લખ્યું છે કે આ દિવસને શીઆઓ ખુબજ મહત્ત્વ આપે છે અને શબે ગદીર મુસલમાનો દરમ્યાન ખૂબજ પ્રખ્યાત છે.

બીજું: જે દિવસે રસુલે અકરમ (સ.અ.વ.) એ હઝરત અલી (અ.સ.)ની ખિલાફતે કુબરાનું એઅલાન કર્યું અને ગદીરના દિવસે તેમની દીની અને દુન્યવી વિલાયત અને ખિલાફત સ્થાપિત થઈ, તેજ દિવસથી સતત અને હંમેશા તે દિવસને અઝમત અને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને આ દિવસથી વધીને મહત્ત્વનો દિવસ કયો હોય શકે કે જે દિવસે દીનમાં વાસનાઓ અને ખ્વાહીશાતનું ગળુ દાબી દેવામાં આવ્યું હોય અને જાહેલીય્યત અને વહેમોનો ઈન્કાર કરવામાં આવ્યો હોય તેમજ હિદાયતનો ધોરી માર્ગ સ્પષ્ટ થઈ ગયો, દીન સંપૂર્ણ અને નેઅમતોના પરિપૂર્ણ થવાની જાહેરાત થઈ હોય.

જે દિવસે બાદશાહ તેના શાહી સિંહાસન ઉપર બિરાજમાન થાય છે તે દિવસ લોકોમાં હર્ષો-ઉલ્લાસનો દિવસ હોય છે, રોશની કરવામાં આવે છે, જશ્ન મનાવવામાં આવે છે અને ખુશીઓ પ્રદર્શિત કરવામાં આવે છે…

તો પછી જે દિવસે ઈસ્લામી રાજ્યની મહાન સત્તા ઉપર એક મહાન હસ્તી વહીની ઝબાનથી મહાન વિલાયતના દરજ્જે બિરાજમાન થાય, તે દિવસને તો બધા કરતા સૌથી ઉચ્ચ દરજ્જાની ઈદ સમજવી જોઈએ અને દીલ ખોલીને ખુશીઓને પ્રદર્શિત કરવી જોઈએ.

આ ખુશીભર્યા મૌકા ઉપર જશનનું આયોજન કરવું તે અલ્લાહની નઝદીકીનું કારણ બનશે, તેથી જ નમાઝ, રોઝા, દોઆ અને ઝિયારત વિ. માં દિવસ પસાર કરવો જોઈએ, એટલે જ રસુલે અકરમ (સ.અ.વ.) એ હાજર લોકોને કે જેમાં અબુબક્ર, ઉમર અને કુરૈશ તથા અન્સારના બુઝુર્ગો તેમજ રસુલ (સ.અ.વ.)ની પત્નિઓ પણ હાજર હતી, તે બધાને હુકમ આપ્યો કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ખિદમતમાં હાજર થાય અને તેમને વિલાયતે કુબરાના મન્સબ ઉપર બિરાજમાન થવાની ખુશીમાં મુબારકબાદીનો તોહફો પેશ કરે અને આપ (સ.અ.વ.) એ આ મૌકા ઉપર ખુશ થઈને ફરમાવ્યું:

اَلْحَمْدُ   لِلہِ   الَّذِیْ   فَضَّلَنَا   عَلٰی   جَمِیْعِ   الْعَالَمِیْنَ

‘તમામ વખાણ તે અલ્લાહના છે કે જેણે અમને તમામ દુનિયાઓ ઉપર શ્રેષ્ઠતા અર્પણ કરી.’                   (અલ ગદીર)

આ તમામ બાબતો ઉપરાંત તે હકીકતને ભુલી શકાય નહિ કે ઉમરના ઝમાનામાં એક યહુદી રહેતો હતો કે જેનુ નામ તારીક બિન શહાબ હતું. એક દિવસ તમામ સહાબા અને ખુદ ઉમરની હાજરીમાં તેણે કહ્યું: ‘અગર આ દીનના સંપૂર્ણ થવાની આયત અમારા વિષે ઉતરતી તો જરૂર અમે તે દિવસને ઈદ તરીકે મનાવતે. ત્યાં હાજર કોઈએ પણ આ વાત ઉપર ન તો વાંધો ઉઠાવ્યો અને ન તેનો ઈન્કાર કર્યો. બલ્કે ઉમરે પણ એવી વાત કહી કે જે તેની વાતનું સમર્થન કરતી હતી.’

(અલ ગદીર)

આજ કારણે રસુલે ઈસ્લામ (સ.અ.વ.) અને તેમના પછીના અઈમ્મા (અ.મુ.સ.) એ તેને વિશિષ્ટપણે ઈદના દિવસ તરીકે મનાવવા ઉપર ભાર મુકયો છે અને આ આધારે જ હૈદરે કર્રારના શીઆઓએ તેને ખુશી અને હર્ષો-ઉલ્લાસનો દિવસ કરાર દીધો છે.

ઈદે ગદીર રિવાયતોની રોશનીમાં:

18 ઝિલ્હજ એટલે ગદીરે ખુમના દિવસને શ્રેષ્ઠ ફઝીલત ધરાવનાર ઈદનો દિવસ કરાર દેવામાં આવ્યો છે.

આવો રિવાયતોનું પણ અવલોકન કરીએ.

1) ઈમામ જઅફરે સાદિક (અ.સ.) પોતાના બાપ-દાદાઓથી રસુલ (સ.અ.વ.)ની હદીસ વર્ણવે છે કે: મારી ઉમ્મત માટે સૌથી શ્રેષ્ઠ ઈદ ગદીરે ખુમના દિવસની ઈદ છે. આ દિવસે અલ્લાહે મને તાકીદ કરી કે હું મારા ભાઈ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ઉમ્મતના ઈમામ નિયુકત કરૂ. જેથી કરીને તેમના થકી લોકો મારા પછી હિદાયત પામે, અલ્લાહે આ દિવસના થકી દીનને સંપૂર્ણ કર્યો છે અને ઉમ્મત ઉપર પોતાની નેઅમતોને પરિપૂર્ણ કરી છે. આજ વાતને હાફીઝ ખરગોશીએ પણ લખી છે કે રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

‘મને મુબારકબાદી આપો, મને મુબારકબાદી આપો.’

(શરફુલ મુસ્તફા)

2) રાવી અહનફે સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)ને અરજ કરી: હું આપના ઉપર કુરબાન! મુસલમાનોની દરમ્યાન અરફા, ઈદૈન અને જુમ્આ સિવાય પણ બીજી કોઈ ઈદ છે, જે તે બધાથી શ્રેષ્ઠ હોય?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: હા, તે બધાથી ઘણો વધારે અફઝલ અને અશ્રફ તે દિવસ છે કે જ્યારે અલ્લાહે દીનને સંપૂર્ણ કર્યો અને આ આયત નાઝીલ ફરમાવી:

اَلْيَوْمَ   أَكْمَلْتُ   لَكُمْ   دِيْنَكُمْ   وَأَتْمَمْتُ   عَلَيْكُمْ   نِعْمَتِيْ   وَرَضِيْتُ   لَكُمُ   الْإِسْلَامَ   دِيْنًا

અહનફે પુછયું: તે કયો દિવસ છે?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: ‘જ્યારે બની ઈસ્રાઈલના નબીઓ પોતાના પછી કોઈને વસી અથવા ઈમામ નિયુક્ત કરતા તો તે દિવસને ઈદ ઠેરવતા, આથી તમારા માટે પણ તેજ દિવસ છે જે દિવસે આપ (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને ઈમામ નિયુકત કર્યા અને આ બાબતે જે કંઈ નાઝીલ થયુ તે તો તમે જાણોજ છો.

અહનફે પુછયું: તે દિવસ વર્ષમાં કયા વારે આવે છે?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: દિવસમાં આગળ પાછળ થતું રહે છે, શનિવાર, રવિવાર…

તેણે પુછયું: તે દિવસે શું કરવું જોઈએ?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: નમાઝ, અલ્લાહની ઈબાદત, શુક્રગુઝારી અને અલી (અ.સ.)ની વિલાયતના એઅલાન ઉપર ખુશીને પ્રદર્શિત કરવી, હું આ દિવસે રોઝો રાખવાનુ પસંદ કરૂં છું.

(તફસીરૂલ ફુરાત, સુરએ માએદાહ હેઠળ)

અને આનાથી મળતી આવતી એક રિવાયત શૈખે કુલૈની (ર.અ.) એ વર્ણવી છે કે જ્યારે ઈમામ સાદિક (અ.સ.)ને પુછવામાં આવ્યું કે મુસલમાનો માટે બે ઈદો સિવાય પણ બીજી કોઈ ઈદ છે?

તો આપ (અ.સ.) એ ફરમાવ્યું: હા, તે બન્ને કરતા પણ મહાન તે દિવસ છે કે જે દિવસે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ઈમામ બનાવવામાં આવ્યા.

પુછવામાં આવ્યું: તે દિવસે અમે શું કરીએ?

આપ (અ.સ.) એ ફરમાવ્યું: રોઝો રાખો, આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર સલવાત પઢો અને તેમનો હક ગસબ કરનારાઓથી બેઝારી કરો. રસુલોએ પોતાના વસીઓને હુકમ આપ્યો હતો કે જે દિવસે તેમની વિસાયત (વસી હોવા)નું એલાન થયું હોય તે દિવસને ઈદ તરીકે મનાવે.

પુછવામાં આવ્યું: તે દિવસે રોઝાનો સવાબ શું છે?

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: 60 મહીનાઓના રોઝાનો સવાબ છે.

(અલ કાફી)

રાવી ફૈયાઝ બિન મોહમ્મદ બિન ઉમર તૂસીએ ઈમામ અલી રેઝા (અ.સ.) સાથે મુલાકાત કરી તો જોયું કે ઈમામ (અ.સ.)એ પોતાના નજીકના અને ખાસ લોકોને ગદીરના દિવસે ઈફતાર માટે દઅવત આપી હતી. આપના ઘરનો નકશો સંપૂર્ણપણે બદલાયેલો નજરે પડતો હતો. પરિસ્થિતિ તદ્દન અલગ હતી, ખાણુ, પોશાક, વીંટી, જૂતા બલ્કે જીવનના તમામ પાસાઓ શણગારેલા હતા, પોતાના ગુલામોને પણ એવા શણગારનો હુકમ આપવામાં આવ્યો હતો કે જે સામાન્ય દિવસો કરતા તદ્દન અલગ પ્રકારનો હતો અને આપ (અ.સ.) લોકોને તે દિવસની મહાનતા વિષે માહિતગાર કરી રહ્યા હતા.

(અલ ગદીર)

ઈદે ગદીર ઈસ્લામી હોવા બાબતે વિરોધ કરનારાઓ:

માનનીય વાંચકો, હવે જ્યારે તમે ઈદે ગદીરની મુત્તફીક હૈસીયત અને તેની મહાનતાથી માહિતગાર થઈ ગયા અને જાણી લીધું કે આનો સિલસિલો નબી (સ.અ.વ.)ના ઝમાનાથી સતત ચાલ્યો આવે છે અને અઈમ્મા (અ.મુ.સ.) અને અવસીયાની મુબારક ઝબાનથી સંકળાયેલો છે. આપે તફસીરે ફુરાત અને ઉસુલે કાફીની રિવાયત જોઈ કે જે ત્રીજી સદીના આલીમો છે.

પરંતુ હવે જરા તે તરફ પણ ધ્યાન આપો કે જેઓને બુગ્ઝ અને દુશ્મનીએ એવા આંધળા બનાવી દીધા છે કે તેઓને આ હકીકત દેખાતી જ નથી. દા.ત.

(1) મકરીઝી ખતતમાં કહે છે કે ઈદે ગદીરનું કોઈ શરઈ (ઈસ્લામી) સ્થાન નથી અને ન તો ઉમ્મતના અગાઉના લોકોમાં મનાવવામાં આવતી હતી અને સૌ પ્રથમ તેની શરૂઆત ઈરાકમાં થઈ, તે મોઈઝુદદૌલા અલી ઈબ્ને બુયાહનો ઝમાનો હતો. હી.સ. 352 માં આ ઈદની શોધ થઈ અને તે સમયથીજ તેને બધા શીઆઓ મનાવતા આવે છે.

(2) આજ રીતે નુવૈરીએ પણ પોતાની કિતાબમાં તેને નિસ્બત આપી છે કે સૌ પ્રથમ જેણે તેની શરૂઆત કરી તે મોઈઝુદદૌલા અબુલ હસન અલી બિન બુયાહ છે. શીઆઓ એ તેની શોધ કરી અને પોતાના રસ્મો રિવાજમાં તેને શામિલ કરી દીધી.

અમારો જવાબ:

આવા બકવાસ કરનારાઓને શું કહી શકાય કે જેઓ શીઆઓનો ઈતિહાસ લખતી વેળાએ હકીકત જાણવાનો પ્રયત્ન જ નથી કરતા અથવા તો તેને ભુલી જાય છે. અંધકારમાં શોધખોળ કરવાના પ્રયત્નો કરે છે અને જે કંઈ મળે તે લખી નાખે છે… છેવટે મસ્ઉદી પણ છે કે જેની વફાત હી.સ. 346 માં થઈ છે અને તેણે તમ્બીહુલ અશરાફમાં લખ્યું છે કે ‘અલી (અ.સ.)ના ફરઝંદો અને તેમના શીઆઓ આ દિવસને ખુબજ માન આપે છે.’

શૈખ કુલૈની (ર.અ.) પણ છે કે જેમની વફાત હી.સ. 329 માં થઈ છે. અગર કુલૈની (ર.અ.)થી દુશ્મનાવટ છે, તેમની રિવાયતોથી વેર છે તો અંતે તેમના લખાણો એટલે કે નકલ કરવામાં આવેલી બાબતોથી શા માટે આંખ મિચામણી કરે છે? તેમને સ્વિકારવા કે ન સ્વિકારવાની વાત નથી, છેવટે તેમણે પોતાની કિતાબમાં વર્ણવ્યું તો છે. તો પછી તેની નિસ્બત મોઈઝુદદૌલા સાથે કેવી રીતે આપી શકાય? તેમની પહેલા ફુરાત ઈબ્ને ઈબ્રાહીમ પણ પોતાના સમયમાં આ ઈદની જાણકારી આપી રહ્યા છે. આ બધા લોકોના લખાણો મકરીઝીના હી.સ. 352 ના બિદઅતી શોધ કરવાના ખોટા દાવાની અફવા પહેલાના લખાણ છે.

આ તો ફૈયાઝ તૂસી છે કે જે ઈદે ગદીરના અસ્તિત્વને ઈમામે રેઝા (અ.સ.)ના સમયમાં હોવાની ખબર આપે છે કે જે હી.સ. 203 ની પહેલાનો સમયગાળો છે. તેઓ ખુદ ઈમામ રેઝા (અ.સ.)ની બારગાહમાં હાજર હતા અને પોતાની આંખોથી નિહાળેલ તમામ આઅમાલને જોઈ રહ્યા છે.

ઈમામ સાદિક (અ.સ.) કે જેમની શહાદત હી.સ. 148 માં થઈ છે તેઓ પોતાના સહાબીઓને ઈદે ગદીરના આઅમાલની તબ્લીગ કરી રહ્યા છે અને તે સુન્નતે અંબીયા હોવાનું એઅલાન કરી રહ્યા છે. તે દિવસના આઅમાલ અને જવાબદારીઓની તઅલીમ આપી રહ્યા છે, જ્યારે કે બસાએરૂદ્દરજાતની ખાસ હદીસથી સ્પષ્ટપણે માલુમ થાય છે કે મોઈઝુદદૌલાની પહેલા 4 ઈદોનું અસ્તિત્વ હતું.

કદાચ મકરીઝી જેવા નાઈન્સાફ અને અંજામ તરફની દીર્ધદ્રષ્ટી ન ધરાવનારા લોકો એમ સમજી રહ્યા હતા કે તેઓ જે કંઈ ખયાનત કરશે અને જે હકીકતો બયાન કરવામાં દુશ્મનાવટનો સહારો લેશે અને હકીકતોને ગળી જશે અને કોઈ પણ પોલ ખોલનાર તેમના આ લખાણનું અવલોકન નહિ કરે. હક આજ રીતે જાહેર થાય છે અને બાતીલ આજ રીતે નાબૂદ થાય છે અને બાતીલ તો નાબુદ થવાનું જ હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*