ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ

6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે:

આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે સૌથી મોટી રાજકીય અને હકીકી એકતા અને એકમતતાની પ્રસ્તાવના બની શકે છે. એટલા માટે કે મુસલમાનોની દરમ્યાન બધા મતભેદોનું ફકત એકજ મૂળ છે અને તે ઈસ્લામના પ્રારંભકાળની ઐતિહાસીક ઘટનાઓ અને બનાવો છે. આજે ચૌદસો વર્ષો પછી આપણે મુસલમાનોની એ જવાબદારી બને છે કે તેના કારણોનું સંશોધન કરીએ, તે બનાવોનું પૃથ્થકરણ કરીએ, વિવિધ બનાવો અને અલગ અલગ ઘટનાઓેની વિખેરાએલી કડીઓને તેની યોગ્ય જગ્યાએએક બીજા સાથે જોડીએ કે જેથી કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.) સુધી પહોંચનારી મૂળભૂત સાંકળ સ્થાપી શકીએ કે જેથી કયામત સુધી આવનારા મુસલમાનોની સાચી હિદાયત અને રાહનુમાઈ કરી શકીએે અને આ રીતે ઈસ્લામી વહદત અને હકીકી એકતા કાયમ કરીને મુસલમાન ઉમ્મતની મુશ્કેલીઓને ઉકેલીએ.

7.મુશ્કેલીઓનું પૃથ્થકરણ અને તેના ઉકેલનો રસ્તો:

સીરિયાના આલિમ ડો. અબ્દુર રેહમાન કેયાલી કિતાબ ‘અલ ગદીર’ ઉપર પોતાની પ્રસ્તાવનામાં લખે છે:

‘ઈસ્લામના પ્રારંભકાળના ઐતિહાસિક બનાવો અને ઘટનાઓ સંબંધિત ચર્ચા અને વાતચીતની હરહંમેશ જરૂરત રહી છે અને આલમે ઈસ્લામ તેની વધારે જરૂરત અનુભવે છે. આથી આ વાત હદ ઉપરાંત મહત્ત્વની છે કે ઈસ્લામથી પહેલા અને તેના પછી શા માટે હુકુમત બદલાણી, ઈસ્લામી સમાજ એ જાણવા ચાહે છે કે ખલીફાઓ અને ખિલાફત વિષે થવાવાળા ઈખ્તેલાફ અને દુર્ધટનાઓના કારણો અને પરિબળો શું હતા? પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વફાત પછી શા માટે ઈખ્તેલાફની શઆત થઈ કે જેના કારણે બની હાશિમ પોતાના હક્કથી વંચિત રહી ગયા. ઈસ્લામી સમાજને આ વાત જાણવાની તીવ્ર ઈચ્છા અને સખત બેચૈની છે કે આખરે શા કારણોના લીધે મુસલમાનોની પડતી અને અધોગતી થઈ? કે જેના કારણે આજે મુસ્લિમ સમાજ આ પરિસ્થિતિમાં ગિરફતાર છે. મુસ્લીમ સમાજને ભેગો કરવા અને તેમની દરમ્યાન વહદત અને એકતાના મહાન દરજ્જા સુધી પહોંચવાના કયા રસ્તાઓ છે? અને મુસલમાનોમાં મઝહબી, રાજકીય, આર્થિક એવીજ રીતે ઈલ્મ અને અદબના મૈદાનમાં કેવી રીતે ઈન્કેલાબ લાવી શકાય છે? અથવા તો પછી દરેકની આ જવાબદારી બને છે કે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર ગંભીર અને ઈલ્મી ચર્ચા અને વાતચીતની શરૂઆત કરે. હકીકતોનું પૃથ્થકરણ કરીને તે કારણો અને પરિબળો સુધી તારણો વડે પહોંચી જાય.’

(અલ ગદીર, ભાગ-5, પાના નં. 339-340)

8.મઝહબી પેશ્વાઓની તઅઝીમ કરવાથી દિનના એહકામો તાજા થાય છે:

અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને બીજા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) થી સંબંધિત મજલીસો અને મહેફીલોમાં ભલે મોઅમીનો પોતાના દીની પેશ્વાઓ અને ઈલાહી પ્રતિનિધિઓની મોહબ્બત અને મવદ્દત તથા તેમની સાથેની મોહબ્બતના કારણે હાજર થાય છે પરંતુ તેની સાથે સાથે તેમાં ઈસ્લામની હકીકતો, મઆરીફ, દિનના મસઅલાઓ અને અકીદાઓ અને એહકામ તથા અખ્લાકનું બયાન કરવામાં આવે છે. જેને મોઅમીનો ધ્યાનથી સાંભળે છે અને તેનાથી માહિતગાર થવાથી મઅરેફત પ્રાપ્ત થાય છે. શું મઅસુમ રેહબરોની તબ્લીગ અને દીનની રાહમાં તકલીફો અને મુશ્કેલીઓનો મુકાબલો કરવામાં પોતાને રજુ કરવા ત્થા મુશ્કેલીઓ સહન કરવા પાછળ શું આના સિવાય બીજો કોઈ હેતુ હતો? હરગીઝ નહીં. આજે મજલીસો અને મહેફીલોમાં બયાન થતા દીની પ્રશ્રો અને ઉસુલે દીનની વાતો લોકો સુધી પહોંચાડવી જ બરહક ઈમામોનો મૂળ મકસદ હતો.

9.મુસલમાનો અલ્લાહના વલીઓ સાથે લાગણી અને મોહબ્બતનો સંબંધ બાંધે છે:

જ્યાં સુધી કોઈ વાત અથવા કોઈ અકીદો દિલના ઉંડાણમાં ન ઉતરે તો તેનો ઈચ્છનીય ફાયદો થતો નથી. ઈસ્લામી અકીદાઓ અને એહકામ તથા રાજકીય અને સામાજીક પ્રશ્રો વડે લોકો ત્યારેજ યોગ્ય અને ગાઢ સંબંધ સ્થાપી શકે જ્યારે આ પ્રશ્રો લોકોના દિલોમાં મોહબ્બત અને લાગણી સાથે જગ્યા લ્યે. સમાજ અને અકીદાઓને લગતા પ્રશ્રો વિષે લોકોના દિલોમાં લાગણી,શોખ અને રૂચી પૈદા કરવી જોઈએ. અલબત્ત આ પ્રશ્રોને મોહબ્બત અને લાગણીના રસ્તા કરતા વધારે અક્લની બુનિયાદ ઉપર મજબુત કરવાના મહત્ત્વથી ગફલત ન વર્તવી જોઈએ. ઈસ્લામના પ્રારંભકાળના બનાવો અને ઘટનાઓનું વર્ણન કરવાથી અને એહલેબૈત (અ.મુ.સ.)ની મઝલુમીય્યતનું વર્ણન કરવાથી તેમાં પણ ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર ગુજારવામાં આવેલા ઝુલ્મો અને ઈસ્લામ માટે આપ (અ.સ.) એ અંજામ આપેલી ખિદમતો અને તકલીફો તથા આખરી નબી (સ.અ.વ.)ની વફાત પછી આપ (અ.સ.)ને ખિલાફતના હોદ્દાથી તથા દીનની તશ્રીહ કરવાના હક્કથી વંચીત કરી દેવાયા તેનું બયાન અને ઉલ્લેખ કરવાથી હકીકી ઈસ્લામના શિક્ષણ અને અખ્લાકની તરફ લોકોનું માર્ગદર્શન થાય છે અને સામાન્ય મુસલમાનોને પોતાનો દિન અને અકીદો મજબુત કરવાનો મૌકો મળે છે.

10.મઝલુમનો બચાવ થાય છે:

જ્યાં એક તરફ સામાન્ય મુસલમાનોની ઈસ્લામી તઅલીમ સંબંધિત અમૂક જવાબદારીઓ હોય છે તેવીજ રીતે સામાન્ય મુસલમાનો અને ખાસ કરીને લેખકો, આલિમો, ખતીબો તેમજ ઝાકિરોની આ જવાબદારી છે કે તેઓ મઝલુમોનો બચાવ કરે. ખાસ કરીને જ્યારે તે મઝલુમ અલ્લાહનો પ્રતિનિધિ અને મુસલમાનોના બરહક હાદી હોય તો ચોક્કસપણે તે જવાબદારી ઘણી વધારે વધી જાય છે. જ્યારે મસ્જીદે કુફામાં અબ્દુર રેહમાન ઈબ્ને મુલ્જીમ (લ.અ.) એ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ને તલ્વાર મારી ત્યારબાદ ઈમામ (અ.સ.) એ પોતાના બંને ફરઝંદ ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને વસીય્યત કરતા ફરમાવ્યું:

કુન્ના લિઝ્-ઝાલિમે ખસ્મન વ લીલ મઝલુમે નાસેરા

‘ઝાલિમના દુશ્મન અને મઝલુમના મદદગાર બનજો.’

(તારીખે તબરી, 4/113)

દુનિયાના મુસલમાનોને આ વાત ઉપર ચિંતન મનન કરવાની દઅવત આપીએ છીએ કે તેઓ વિચારે અને ઈતિહાસના પાનાઓને તપાસે અને જુએ કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને આપની આલ જેવી બીજી કોઈ શખ્સીય્યત ઈતિહાસમાં જોવા નહીં મળે કે જેની ઉપર જેટલા ઝુલ્મો ગુજારવામાં આવ્યા તેટલા ઝુલ્મો બીજા કોઈ ઉપર ગુજારવામાં આવ્યા હોય. તેથી આજે મુસલમાનોની જવાબદારી બને છે કે ઈસ્લામના પ્રારંભકાળની પરિસ્થિતિની તપાસ કરે અને તેમની ઉપર સતત કેટ-કેટલા ઝુલ્મો ગુજારવામાં આવ્યા તેનું પૃથ્થકરણ કરે. હક્ક અને બાતિલ વચ્ચેના ભેદને પારખે અને પછી તેને લોકો સુધી પહોંચાડે અને આ દુનિયાની સૌથી વધારે મઝલુમ શખ્સીય્યત ઉપર કરવામાં આવતા એઅતેરાઝોના જવાબ આપે કે જેથી મુસ્લીમ ઉમ્મતની સાચી દિશામાં હિદાયત થઈ શકે અને હક્ક અને હકીકતને ઓળખીને તેની પયરવી કરે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દોઆ કરીએ કે દુનિયામાં હક્કનો પરચમ બલંદ કરનારાઓની તાઈદ અને મદદ કરે, બાતિલને તેના લશ્કર સમેત નિસ્તો નાબુદ કરે અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ના વારિસ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના નૂરથી ઝળહળિત ઝુહુરમાં જલ્દી ફરમાવે. આમીન.

Be the first to comment

Leave a Reply