કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે વધારે પુરાવાની જરૂર નથી કારણકે તમામ પુરાવાઓ કુરઆનની રોશનીમાં સાબિત છે.

છતાં પણ એ લોકોના લાભાર્થે કે જેઓ હ.રસુલેખુદા સ.અ.વ. ની સુન્નત તરફ રજુ થાય છે ઘણા પુરાવાઓ એહલે તસન્નુંનના ભરોસાપાત્ર સ્ત્રોતોથી રજુ કર્યા છે કે જે સાબિત કરે છે કે મસ્જિદોનું બાંધકામ જાએઝ છે ઉલટાનું ઇસ્લામમાં તેના પર ભાર મુક્યો છે.

  • શંકાશીલ લોકોની વિરોધ

કબ્રો ઉપર મસ્જિદોના બાંધકામ વિષે જવાબ આપતા પહેલા આપણે ફરીવાર એ હદીસોને જોઈએ કે જે શંકા કરનારાઓ તેમના વિવાદના ટેકામાં રજુ કરે છે.

તેઓની મુખ્ય દલીલ પવિત્ર પયગંબર સ.અ.વ.ની હદીસની આજુબાજુ ફરે છે કે જે યહુદીઓ અને ઇસાઇઓના કાર્યો વિષે છે.

એક હદીસમાં આવ્યું છે કે ખુદાના રસુલ સ.અ.વ એ યહૂદીઓ અને ઈસાઈઓને કે જેમણે તેમના નબીઓની કબ્રોને ઈબાદતગાહ બનાવી હતી તેમના પર લાનત કરેલ છે આવી હદીસોના આધારે આ મુસલમાનો એવું તારણ કાઢે છે કે જેઓ કબ્રોનું બાંધકામ કરે છે.તેઓ પયગંબર સ.અ.વ.ની લાનત ને પાત્ર છે

જવાબ:

આ બાબત તમામ મુસલમાનો માટે સ્પષ્ટ છે કે રસુલે ખુદા સ.અ.વ. ના જમાનાના લોકો તેમજ તેમની અગાઉના જમાનાના બંન્ને પ્રકારના લોકો આ હદીસ તેમજ આ પ્રકારની હદીસો કે જે કબ્રોની એ રીતની ઈબાદતની મનાઈ કરે છે કે જે રીતે ખુદાની ઈબાદત કરવામાં આવે છે પરંતુ કબ્રમાં દફન થએલ વ્યક્તિ વડે અલ્લાહની કુરબત પામવા માટે કબ્રની નજીક ઈબાદત કરવી અથવા કબ્રમાં રહેનાર તરફ ફરવું કે જેથી અલ્લાહ તરફના માર્ગને ભરોસાપાત્ર અને વધુ મજબુત અને સુરક્ષિત કરી શકે તે હેતુથી ઈબાદત કરવાની  મનાઈ નથી બલકે તેની ખુબજ તાકીદ છે.

જે મુસલમાનો અલ્લાહના અંબીયા અ.સ અને નેક બંદાઓની કબ્રો પાસે ઈબાદત અને દોઆઓ પઢે છે તેમનો હેતુ એ ફરીશ્તાઓના હેતુથી અલગ નથી કે જેમણે અલ્લાહના હુકમથી હ.આદમ અ.સ ની સામેં સજદો કર્યો હતો અથવા તો જ.યુસુફ અ.સ.ના ભાઈઓએ તથા તેમના માતા-પિતા એ તેમના પિતા નબીએ ખુદા જ.યાકુબ અ.સ એ જે જ.યુસુફ અ.સ ની તાઝીમ કરી હતી તેનાથી અલગ હેતુ નથી.

જ્યારે કે આ કાર્યોને પવિત્ર કુરાન દ્વારા ખુબજ તાકીદના દર્શાવ્યા બાદ એ આશ્ચર્યજનક છે કે શંકાખોરો શા માટે કબ્રો પર મસ્જિદના બાંધકામ વિષે રાડારાડ અને શોર બકોર કરે છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે જ.આદમ અ.સ અને જ.યુસુફ અ.સ જીવીત હતા અને પવિત્ર પયગંબર સ.અ.વ. દફન થયેલ છે. કારણકે આપ સ.અ.વ તે બન્ને કરતા અફઝલ છે. શું આ મુસલમાનો એવું સૂચવી રહ્યા છે  કે કુરબત મેળવવાનું કાર્ય જેમકે સજદો કરવો એ વ્યક્તિ જીવીત હોય ત્યારે તાકીદ ભરેલું હોય અને મૃત્યુ બાદ તે શિર્ક બની જાય છે? મૃત કે જીવિત હોવા સાથે તૌહીદ કે શિર્કને કોઈ સંબંધ નથી ઈસાઈઓ એ હ.ઇસા અ.સ ને તેમની જીંદગી દરમ્યાન ખુદા ગણ્યા તેથી જો આ કહેવાતા મુસલમાનોના માપદંડને લાગુ પાડવામાં આવે તો આ કાર્ય ખુબજ તાકીદભર્યું ગણાશે.

ઉપરાંત સુ. કહફ ૧૮:૨૧ માં અસ્હાબે કહફના બનાવમાં તેઓના આ જુઠ્ઠા દાવાને સ્પષ્ટ રીતે રદ્દ કરે છે અને આ હકીકત પર ભાર મુકે છે કે નેક બંદાઓની કબ્રો પર બાંધકામ કરવું જાએઝ છે.

  • કબ્રો પર મસ્જીદ બનાવવાને સિહાએ સિત્ત્તાહ (હદીસોના ૬ સંગ્રહો જેને એહલે તસન્નુંન ખુબ જ ભરોસાપાત્ર ગણે છે) નું સમર્થન

જ્યારેકે આ મુસલમાનોના પોતાના હેતુને મળતી આવતી હદીસોને સહીહ બુખારીમાંથી અને સહીહ મુસ્લીમમાંથી ટાંકવામાં મોખરે રહે છે કે જેથી આ ઇસ્લામી તરીકાને બેદીની દર્શાવે પરંતુ તેમના વિવાદને રદ્દ કરતી હદીસો નોંધવામાં સુસ્તી દાખવે છે.

  • ૧- ઉમર ની કબ્ર ઉપર બાંધકામ છે.

બુખારી તેની સહીહમાં કિતાબે જનાઈઝ્માં વર્ણવે છે કે : જ્યારે ઉમરને ચાકુ મારવામાં આવી ત્યારે તેણે તેના પુત્ર અબ્દુલ્લાને આયેશા તરફ એક સંદેશા સાથે  મોકલ્યો કે તેણીને પુછે કે શું હું મારા બે સાથીદારો સાથે તેમના ઓરડામાં દફન થઇ શકું એટલેકે રસુલેખુદા સ.અ.વ. અને અબુબક્રની બાજુમાં?

આયશાએ જવાબ આપ્યો : “હું તે જગ્યા મારા માટે ઈચ્છતી હતી પરંતુ હું આજે તેને (ઉમરને) મારી જાત પર પ્રધાન્ય આપું છું.

આ તેણીની પ્રણાલિકા હતી કે અગર અસહાબમાંથી કોઈ તેણીને એ જગ્યાની વિનંતી કરે  તો તે રદ્દ કરતી.

તેણીએ મૃત્યુ પહેલા આ સુચના આપી હતી :મને મારી બહેનપણીઓ (પવિત્ર પયગંબર સ.અ.વ ની બકીઅમાં દફન પત્નીઓ) સાથે દફનાવજો મને પયગંબર સાથે ઘરમાં દફન ન કરશો કારણકે મને પુજાવું પસંદ નથી

ઇબ્ને ઉમર આ સમાચાર લઈને પરત આવ્યો ત્યારે ઉમરે કહ્યું “આ દુનિયામાં મારી પાસે તે આરામગાહ કરતા વધારે મહત્વનું કશું નથી (સહીહ બુખારી કિતાબે જનાઈઝ)

અગર જો કોઈની કબરને  બાંધકામ / રૂમની અંદર રાખવાની મનાઈ હતી, તો ઉમરે આગ્રહ રાખવો જોઈતો હતો કે તેને પવિત્ર પયગંબર સ.અ.વ. ની બાજુમાં રૂમની અંદર નહીં પરંતુ બકીમાં ખુલ્લામાં દફનાવવામાં આવે.

  • ૨ કબ્રોને સપાટીથી ઉંચી કરવી

અબુબક્ર બિન અય્યાશ વર્ણવે છે કે સુફિયાન અલ-તમ્મારે મને કહ્યું કે તેણે પયગંબરની કબ્રને ઉંચી અને બાહ્યગોળ જોઈ હતી.

(સહીહ અલ બુખારી ભાગ-૨ કિતાબ ૨૩,હ.૪૭૩)

એ સાબિત કરે  છે કે રસુલે ખુદા સ.અ.વ.એ ઉસ્માન બિન મઝઉનની કબ્ર ઉપર એક મોટો પથ્થર નસ્બ કરેલ.

(સુનને અબી દાઉદ અલ બયહકી-અલ કુબ્રામાં ભાગ-૩ પાના-૪૧૨)

વિસ્તૃત એહવાલ વર્ણવે છે કે હ.રસુલે ખુદા સ.અ.વ એ એક માણસને ઉસ્માન બિન મઝઉનની કબ્રની ઉપરના ભાગે એક મોટો પથ્થર નસ્બ કરવા જણાવ્યું જ્યારે તે માણસ એ પથ્થરને ન હલાવી શક્યો તો આપે પહેરણની બાયો ચડાવી અને તેની મદદ કરી ત્યાં સુધી કે આપના હાથોની સફેદી દેખાવા લાગી. ઉસ્માન બિન મઝઉન એ પ્રથમ મુહાજીર હતા કે જેઓ બકીઅમાં દફન થયા. રસુલેખુદા સ.અ.વ ના ફરઝંદ ઈબ્રાહીમ તેમની બાજુમાં દફન થયા હતા.

ખરીજ્હ બિન ઝૈદ વર્ણવે છે કે “હું મારી જાતે નિહાળી શકતો જ્યારે અમો ઉસ્માન બીન અફ્ફાનના સમયમાં યુવાન હતા ત્યારે અમારામાંથી ઉંચો કુદકો લગાવવામાં મજબુત એ હતો કે જે ઉસ્માન બિન મઝઉનની કબ્ર ઉપરથી કુદી શકે અને તેને  સાફ કરે”

(સહીહ બુખારી પ્રકરણ: કબ્ર ઉપર છોડની દાંડી મુકવી ઇબ્ને હજર ફત્હુલબારી ભાગ-૩ પા-૨૫૬ ૧૯૫૯ ની આવૃત્તિ અલ બુખારી તેની તારીખ અલ સગીરમાં ભાગ-૧ પા-૪૨)

ઉપરોક્ત હવાલાઓ કબરની સપાટી વધારવા તેમજ તેને જમીન કરતા ઉંચી સપાટી કરવા વિષે સ્પષ્ટ પુરાવાઓ અને સાબિતીઓ છે.

અલ-શવ્કાની જે એક અગ્રણી સલ્ફી વિદ્વાન છે તેણે સ્વીકાર્યું કે ઉપરોક્ત સંદર્ભો પરથી સાબિત થાય છે કે સલફે કબરો ઉંચી બનાવી છે.

ઇબ્ને હિબ્બ્ન (તેની સહીહે ઇબ્ને હિબ્બનમાં) જે ઘણા સુન્ની વિદ્વાનો મુજબ બુખારી અને મુસ્લીમ પછી સૌથી વધારે ભરોસાપાત્ર વિદ્વાન ગણાય છે તેણે ઈમામ અલી ઇબ્ને મુસા અરરેઝા અ.સ.ના રોઝાની મશહદમાં ઝીયારત કરી અને પોતાની ઝીયારતનોંધમાં લખ્યું છે :-

“મેં મારા તુસના મુકામ દરમ્યાન તેમના રોઝાની ઘણીવાર ઝીયારત કરી છે જ્યારે પણ હું કોઈ મુશ્કેલીમાં સપડાતો ત્યારે હું ઈમામ અલી ઇબ્ને મુસા અરરેઝાની કબ્ર પર જતો અને અલ્લાહ પાસે મારી જરૂરત પુર્ણ થવા માટે દોઆ કરતો દર વખતે મારી દોઆ પુર્ણ થતી અને મુસીબત દુર થતી આ હકીકત છે કે જેને મેં સાચી પામી છે.તે ફર્ક નથી પડતો કે મેં કેટલીવાર આ મુજબ કર્યું છે અલ્લાહ આપણને રસુલે ખુદા સ.અ.વ અને તેમની એહલે બૈત અ.મુ.સ.ની સાચી મોહબ્બતમાં મૃત્યુ આપે”

(ઇબ્ને અબી હાતિમ અર્રાઝી કીતાબુસેકહ ભાગ-૮ પા- ૪૫૭ હ,૧૪,૪૧૧)

  • . હ.ઇસા અ.સ પવિત્ર પયગંબર સ.અ.વ ની બાજુમાં દફન થશે .

હદીસો મુજબ હ.ઇસા અ.સ તેમના બીજીવાર આગમન(ઝુહુર) પછી મૃત્યુ બાદ હ.રસુલે ખુદા સ.અ.વ.ની બાજુમાં મદીનામાં દફન થશે.

(મિશ્કાતુલ મસાબીહ અલ કવલુલ મુખ્તસર ફી અલામાતે મહ્દીલ મુન્તાઝાર અ.સ)

ઉપરોક્ત બધી હદીસો સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે કબ્રની બાજુમાં ઈબાદત કરવી, કબ્ર ઉપર બાંધકામ કરવું, અને કબ્રની સપાટીને ઉંચી કરવી, એ ઇસ્લામિક તાલીમ છે કે જે પવિત્ર પયગંબર સ.અ.વ અને સલફે સાલેહ(નેક પૂર્વજો)થી હાસિલ થઇ છે. જે એટલા સરળ છે કે એક મુસ્લીમ બાળક પણ સમજી જાય

તૌહીદ અને શીર્કને કોણ સારી રીતે સમજી શકે છે – સલફ કે સલફી

ઉમરની હત્યાના પ્રસંગ મુજબ ન તો ઉમર કે ન તો તેની પહેલા અબુબક્ર કે ન તો આયેશા ન તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર કે ન તો બીજા અસંખ્ય સહાબીઓ કે જેઓએ રસુલુલ્લાહ સ.અ.વ ની બાજુમાં દફન થવાની માંગણી કરી હતી તેઓને ઈમારતના બાંધકામમાં દફન થવા બાબતે કોઈ પણ ખોટું કે અયોગ્ય (હરામ) સમજ્યું ન હતું. તેઓનું  આ કાર્યને હરામ સમજવું કે શિર્ક સમજવું તો બહુ દુરની વાત છે બલ્કે તેઓના મુજબ આ દફન થવાની નિશ્ચિત જગ્યા છે કારણકે  રસુલેખુદા સ.અ.વ.ની નજદીકીના લીધે આરામદાયક જગ્યા બની જશે.

અને સૌથી વધુ મહત્વનું કે મોહમ્મદ બિન ઈસ્માઈલ બુખારી કે જે સહીહ બુખારીના સંકલનકર્તા છે તેઓ કબરો પર ઈમારત કે મસ્જીદ બનાવવાને શિર્ક નથી માનતા નહીતર આજના ઉઝબેકિસ્તાનમાં સમરકંદ પાસે તેમની કબર પર બાંધવામાં આવેલ ભવ્ય સમાધિને આ મુસ્લિમો કેવી રીતે સમજાવે?

અલબત્ત મુસ્લિમ બિન અલ હજ્જાજ કે જે સહીહ મુસ્લિમના સંકલનકર્તા તેમજ બુખારીના વિદ્યાર્થી છે તે પણ કબરો પર ઈમારત કે મસ્જીદ બાંધવાને શિર્ક નથી માનતા નહીતર તેઓ પોતાના ઉસ્તાદની કબરના બાબતે વિરોધ કરતે અને તે બાબતે તેઓ સખ્ત પગલા લેતે જેથી તેની કબરોની મુલાકાતે આવતા ઝાએરોને રોકે અને તેની કબર તરફ રુખ કરવાની મનાઈ ફરમાવતે.

એહલે તસ્ન્નુંનના ચારેય ઇમામો કે જેઓએ અલ્લાહની ઈબાદત, તૌહીદ અને શિર્કના વિષે ઘણીબધી રીવાયતોને નોંધી છે ચોક્કસપણે તેઓએ તેઓની કબરો આજની જન્ન્તુલ બકીની કબરોની જેમ સુનિશ્ચિત હોય તે બાબતે કોઈ જરૂરી પગલાઓ લીધા હોતે પરંતુ આવું બન્યું નથી અને ન તો આ બાબતે કોઈ એક પણ દ્રષ્ટાંત મળે છે. માલિક બિન અનસ તેમની કિતાબ અલ મવાતા કે જેને શાફેઈ જેવા ઘણા લોકો પવિત્ર કુરઆન સિવાયની શ્રેષ્ઠ કિતાબોમાથી સૌથી શ્રેષ્ઠ માને છે તેઓને જન્ન્તુલ બકીમાં એક ઈમારતમાં દફન કરવામાં આવ્યા હતા અને તે ઈમારત લગભગ ૬૦૦ વર્ષ સુધી ઉભી હતી અને ત્યાં સુધી હતી કે તેને તે લોકો કે જેઓ ઇસ્લામ અને તૌહીદનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાનો દાવો કરનારાએ બિસ્માર ન કરી.

કબ્રો પર બાંધકામની હદીસનું અર્થઘટન

પવિત્ર કુરઆન અને રસુલુલ્લાહ સ.અ.વ ની સુન્નત અને નેક,બુઝુર્ગ લોકોના કાર્યો પરથી સ્પષ્ટ છે કે કબ્રો પર બાંધકામ જાએઝ છે અને બુઝુર્ગ શખ્સીય્તો તેને જાએઝ,સારું અને મુસ્તહબ ગણે છે તો પછી કેટલીક રીવાય્તો કે જે જાહેરી રીતે કબ્રોના બાંધકામની મનાઈ કરતી હોય તેને કોઈ કેવી રીતે સ્વીકારી શકે?

જેઓ આવી રીવાય્તોના મતલબ અને અંદાજને જાણે અને સમજે છે તેઓ માટે જવાબ એકદમ આસાન છે ઘણા બધા આલીમોએ પોતાની કિતાબમાં આ બાબતને સ્પષ્ટપણે સમજાવી છે આ કેહવાતા મુસ્લિમો તેઓની કિતાબના હવાલાને અનુસરે અને હકીકત મેળવી લે, કદાચ તેઓએ આ કિતાબના હવાલાઓને જોયા પણ હોય પરંતુ હક્કને છુપાવવું પસંદ કર્યું હોય.

બન્ને ઇબ્ને હજર (હય્સમી અને અસ્ક્લાની)એ બીજા આલીમોથી આવી રીવાય્તોના વિષે એવી સ્પષ્ટ દલીલ રજુ કરી છે કે એક મુસલમાન બાળક પણ તેને આસાનીથી સમજી શકે.

ઇબ્ને હજર હયસમી,જેને શિઆઓથી કઈ પણ લગાવ ન હતો તે તેમની કિતાબ અલ ઝવાજીર અન ઇક્તીરાફીલ કબાઈરમાં આ હદીસને વિસ્તૃત રીતે વર્ણવી છે કે કબ્રોના બાંધકામની મનાઈ ત્યારે જ છે કે જ્યારે અગર ઈબાદત કરનાર કબ્ર તરફ અથવા કબ્ર ઉપર ઈબાદત કરે અને એ ફક્ત ત્યારેજ કે જ્યારે કોઈ કબ્રથી ખુબ નજીક ઈબાદત કરે અને એ એટલું નજીક હોય કે જ્યારે ઈબાદત કરનારની ઈબાદત દરમ્યાન ધ્યાન (નીચે જોતા) કબ્ર તેની નજર સમક્ષ આવી જાય.

(અલ ઝવાજીર અન ઇક્તીરાફીલ કબીર)

આ યહૂદી અને ઇસાઇઓની ઈબાદતનો તરીકો હતો આથી જ મનાઈ છે ઇસ્લામના ઇતિહાસમાં કોઈએ પણ આ હદીસને નેક મુસલમાનોની કબ્ર ઉપર મકબરો ચણવાની મનાઈ હોવાની સાબિતી તરીકે લીધેલ નથી કારણકે મુસલમાનો આ અર્થમાં ઈબાદત નથી કરતા

આજરીતે ઇબ્ને હજર અસ્કલાની લખે છે કે હકીકતમાં યહૂદી અને ઈસાઈઓ તેમના પયગંબરની કબ્રોને કિબ્લો બનાવવા તેમને એહ્તેરામ આપવા માટે ઇબાદતના સમયે તેના તરફ ધ્યાન ધરતા, કબ્રોએ મૂર્તિઓની જગ્યા લઇ લીધી આથી મુસલમાનોને આ કાર્યની મનાઈ કરવામાં આવી છે. જો કે અગર કોઈ નેક વ્યક્તિની કબ્રની બાજુમાં મસ્જીદ બાંધવામાં આવે તબર્રુક મેળવવાના હેતુથી અને સજદા માટે કે તેના તરફ ધ્યાન આપવા માટે ન હોય તો તે મનાઈ નહી ગણાય (સુ.કહ્ફ ની આયત મુજબ)

(ઇબ્ને હજરે અસ્ક્લાની ફત્હુલબારી ભાગ-૩ પ ૨૦૮)

  • ઇસ્લામના આગમન પહેલા કબ્રો પર મસ્જીદો બનાવાતી:-

જ્યારે ઇસ્લામના આગમન પછી કબ્રો પર મસ્જિદો બાંધવામાં આવી હોવાના  ઘણા બધા સૂચીબદ્ધ ઉદાહરણો છે.

ઇસ્લામના આગમન પહેલા પણ કબ્રો પર મસ્જીદ બાંધવી ઇલાહી મઝહબોની એક સામાન્ય પરંપરા હતી જેનું વર્ણન આપણે સુ. કહફની ૧૮ થી ૨૧ મી આય્તની તફસીર હેઠળ જોઈ ચુક્યા છીએ. ઘણી બધી હદીસોથી સ્પષ્ટ છે કે અગાઉની ઉમ્મતના પયગંબરોને મસ્જિદોમાં દફન કરાયા હતા.

ઉદાહરણ તરીકે અબ્દુલ્લાહ બિન ઉમર પવિત્ર પયગંબર સ.અ.વ થી વર્ણવે છે કે મસ્જીદે ખૈફ (મીનામા મસ્જીદે ખૈફમાં) ૭૦ પયગમ્બરોની કબ્રો સાથે આવેલ છે

અલ હયસમી મુજબ આ હદીસના રાવીઓ ભરોસાપાત્ર છે જેથી તે દર્શાવે છે કે આ હદીસ સહીહ છે (ભરોસાપાત્ર અને વિશ્વસનીય છે.)

(મજમઉલજવાઈદ ભાગ-૩ પા-૬૪૦ બાબો ફિલ મસ્જીદે ખૈફ હદીસ ૫૭૬૯)

એહલે તસન્નુંનના બીજા વિદ્વાન મુલ્લા અલ કારી મુજબ મસ્જીદુલ હરામમાં પયગમ્બરોની કબ્રો મૌજુદ છે….શું તમે નથી જોતા કે જ.ઈસ્માઈલ પયગંબરની કબ્ર મસ્જીદુલ હરામમાં હતીમની નજીક છે અને ત્યાં ઈબાદત કરવી એ બીજી જગ્યા પર ઈબાદત કરવા કરતા વધારે બેહતર છે. જ્યારેકે કબ્રની નજીક ઈબાદતની ત્યારેજ મનાઈ છે જયારે મરનારની નજાસતથી કબ્રની માટી ગંદી થઈ જાય, હતિમમાં હજરે અસ્વદ અને પરનાળા(મીઝાબની) નજીક ૭૦ નબીઓની કબ્રો છે

(અલ મીર્કાતફી શર્હીલ મિશ્કાત ભાગ-૨ પા-૨૦૨)

અબુ હનીફા સલીમ અલ અફ્તસથી વર્ણવે છે કે “એવા કોઈ પયગંબર નથી કે જે તેમની કૌમથી ખાને કાબામાં અલ્લાહની ઈબાદત માટે ન ગયા હોય જેની આજુબાજુમાં ૩૦૦ નબીઓની કબ્રો છે.

(કિતાબ અલ અસ્ર લે.શયબાની પા-૧૫૦ તૌરાત પબ્લીકેશન લંડન દ્વારા પ્રકાશિત)

મસ્જીદે ખૈફ અને મસ્જીદુલ હરામ પયગંબરોના દફન સ્થળ હોવા વિશેના આ બંને ઉદાહરણો વિસ્તૃત રીતે નોંધાએલ છે અને સ્વીકૃત દસ્તાવેજી પુરાવાઓ છે પરંતુ જે બાબતનો એક પણ ઉલ્લેખ કુરઆનની આયત કે પયગંબર સ.અ.વ.ની હદીસમાં નથી કે મુસલમાનોને મસ્જીદે ખૈફ અથવા મસ્જીદુલ હરામમાં શિર્કના ભયે ઇબાદતની મનાઈ કરવામાં આવે અથવા તો આ મસ્જિદોને સમથળ કરી દેવામાં આવે જેથી સલફના રસ્તે દુનિયામાં તૌહીદને જાહેર કરી શકાય. આથી ઉલટું આપણને મસ્જીદુલ હરામમાં મકામે ઈબ્રાહીમ પર ઈબાદતનો હુકમ કરવામાં આવ્યો છે.

وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى

 

“અને જ.ઈબ્રાહિમના ઉભા રહેવાની જગ્યાને નમાઝની જગ્યા તરીકે લો”   

(સુ.બકરહ આ-૧૨૫)

કોઈપણ એવો દાવો નથી કરતું કે મકામે ઈબ્રાહીમ એ કશું જ નથી સિવાયકે તે એક મૃત વ્યક્તિના પગના ચિન્હો છે અને તેની નજીક ઈબાદત કરવું એ શિર્ક છે.

જ.હાજરાહ અને જ.ઈસ્માઈલ તેઓને અલ્લાહની રાહમાં સબ્ર અને એકલતાને સહન કરવાને લીધે એવો મરતબો ધરાવે છે કે તેમના પગના ચિન્હો ઇબાદતની જગ્યા બની ગયા દા.ત. સફા અને મરવાહની પહાડીઓની વચ્ચેનું અંતર

(જલાઉલ અફ્હામ ફીસ્સાલાહે વસ્સ્લામ અલ ખૈરીલ અનામ લે.ઇબ્ને કય્યીમ જવ્ઝીય્યહ ઇબ્ને તૈમીયાહના શાગીર્દમાથી પા-૨૨૮)

આથી વધારે મુર્ખામી અને હાસ્યાસ્પદ શું હોય શકે કે  ઇબ્ને તૈમીયાનો શાગિર્દ લખે  છે કે બેશક આ બે વ્યક્તિઓના પદચિન્હો તેમની રાહેખુદામાં સબ્ર અને સંયમના લીધે એટલા એહતેરામપાત્ર બન્યા કે મુસલમાનોને તે જગ્યા પર ઈબાદત કરવાનો અને ભવ્યતા તથા દબદબાથી સઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો પછી શા માટે પવિત્ર પયગંબર સ.અ.વ.ની કબ્ર એહતેરામપાત્ર ન થઇ શકે કે જેને રાહે ખુદામાં અત્યંત સબ્ર અને અને સમાજ સુધારણામાં સૌથી વધુ ધીરજ દાખવનાર છે? શા માટે એવી જગ્યા કે જે ભવ્યતા અને માન ધરાવતી હોય ત્યાં ઈબાદત અને દોઆ ન થઇ શકે?

અગર કબ્રની નજીક ઈબાદત શરઈ ન હોય તો પછી કેવી રીતે આયશા એ એક નોંધપાત્ર મુદ્દત સુધી ઈબાદત અને અલ્લાહની બંદગી પવિત્ર પયગંબર સ.અ.વ ની કબ્રની બાજુમાં તેણીના ઓરડીના એક ખુણામાં લગભગ ૫૦ વર્ષો સુધી કરી, સિવાયકે એ ટૂંકો ગાળો કે જ્યારે તેણી જંગે જમલમાં તેના સમયના ખલીફાએ બરહક હ.અલી અ.સ ની વિરુદ્ધ જંગ માટે બહાર નીકળી અને પછી તેણીને મદીના પરત મોકલી દેવાઈ અને ફરીથી પોતાની ઈબાદત પવિત્ર પયગંબર સ.અ.વ ની કબ્રની બાજુમાં શરુ રાખી.

  • મન્સુરે દવાનકીને પવિત્ર પયગમ્બર સ.અ.વ તરફ ચહેરો રાખવા કહ્યું

જો કે આપણે જાણ્યું કે તે સમયના ખલીફાઓ કબ્રની બાજુમાં ઈબાદત કરવા બાબતે ઘણાજ પ્રભાવિત હતા અને આ કાર્ય પાછળની હકીકત જાણવા તત્પર રહેતા જેમકે મન્સુરે દવાનકી એ ઈમામ માલિકને (એહલે તસન્નુંન ની ફિકહના એક ઈમામ) મસ્જીદુન્નબવીમાં એક મુનાઝેરા માં પૂછ્યું:

“દોઆ કરતી વખતે ખાને કાબા તરફ ચહેરો રાખવો જોઈએ કે પવિત્ર પયગંબર સ.અ.વ ની કબ્ર તરફ?”

ઈ.માલિક : “શા માટે તમે તમારો ચહેરો તમારા પિતા હ.રસુલે ખુદા સ.અ.વ થી ફેરવી રહ્યા છો? “તેઓ તમારા શફાઅત કરનારા છે અને તે મારા દાદા આદમ અ.સ. ની પણ શફાઅત કરનારા છે ઉલટું તમે તેમની કબ્ર તરફ ચહેરો રાખો અને તેમનાથી શફાઅત તલબ કરો.

  • અબીલ હય્યાજની કબ્રોને સમથળ કરવા સંબંધી રીવાયતનું ખંડન:

બીજી રીવાયતકે જે શંકાખોરો રજુ કરે છે તેમાં તેઓના દાવા અનુસાર હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ એ તેને (અબુલ હય્યાજને) કબ્રોને સમથળ કરવા હુકમ કરેલ જે પવિત્ર પયગંબર સ.અ.વ નો હ.અલી અ.સ ને હુકમ હતો

અઢળક કુરઆનના પુરાવાઓ અને ભરોસાપાત્ર સુન્નત કે જે કબ્રો પર મસ્જીદો બાંધવા વિષે છે. તેની રોશનીમાં આવી રીવાયતનું કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ત્યારે કે જ્યારે આ રીવાય્તનો ફક્ત એક જ રાવી અબુલ હ્ય્યાજ છે.(ખબરે વાહીદ) પરિણામે આ રીવાયતને નબળી (ઝઈફ) અને બિન ભરોસાપાત્ર  ગણવામાં આવે છે.

છતાં પણ તેને એ સમયના સલફની કબ્રોને એક બીજાની કબ્રોનું લેવલ એક સમાન કરવાના પ્રયત્ન તરીકે ગણી શકાય કારણકે તે સમયમાં કબ્રોની કોઈ  ચોક્કસ ઊંચાઈ ન હતી આથી શક્ય છે કે આ પ્રયાસ દરેક કબ્રોનું લેવલ એક સમાન કરવા માટે હોય નહિ કે તેને જમીન દોસ્ત કરવા માટે જેમકે શંકા ખોરો દાવો કરે છે

તો એ બુદ્ધિશાળીઓ! બોધ મેળવો.