જ. સલમાનની હુકુમત

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રસ્તાવના

એ વાત પોતાની જગ્યા ઉપર બીલકુલ સહીહ અને યોગ્ય છે કે સકીફાનાં બનાવ પછી પયગમ્બર (સ.અ.વ.)ના અમુક બુઝુગૅ સહાબીઓએ હ. અલી અ.સ. ના ખીલાફતનાં હકને ગસબ કરવાવાળાઓથી બયઅતનો ઈન્કાર કરી દીધો હતો અને તે નાજાએઝ હુકુમત કે જેનો પાયો ઈસ્લામ અને કુરઆનનાં ઉસુલોથી વિરૂધ્ધ બીજાઓની બળજબરી અને તાકાતથી નાખવામાં આવ્યો હતો તેનો સ્વીકાર તો દુરની વાત છે બલ્કે તેઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ફરમાનોની રોશનીમાં ખિલાફત અને ઈમામાંતના સાચા હકદાર અમીરૂલ મોઅમેનીન હ. અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ને જ માનતા હતા.

અલ ગદીર

તે જ બુઝુગૅ સહાબીઓમાંથી એક હ. સલમાને ફારસી છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની હયાતિમાં તેમનાં હુકમોની પયરવી કરતા રહ્યા અને હ. અલી (અ.સ.)ના ગુલામની હયસીયતથી ઝીંદગી પસાર કરી રહ્યા હતા અને આખરી નબી (સ.અ.વ.)ની શહાદત પછી પણ હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના જાનીસાર અને ફરમાબરદારોમાં ગણવામાં અવતા. તેઓ એવી રીતે દીલો-જાનથી એહતેરામ કરતા હતા કે કયારેય પણ પોતાની ઈચ્છાઓને પોતાનાં મૌલાની ઈચ્છા અને ઈરાદાઓ ઉપર વધારે મહત્વ નથી આપ્યું. જ. સલમાનની જાનીસારી અને ફીદાકારીનો તો એટલા થીજ અંદાજ આવી જાય છે કે જ્યારે લોકો જ. સીદ્દીકા તાહેરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવા દરવાજા ઉપર ભેગા થયા અને હ. અલી (અ.સ.)ને બયઅત માટે કૈદ કરવા ઘરમાં દાખલ થયા ત્યારે પણ જ. સલમાન હ. અલી (અ.સ.) ની સાથે હતા અને પોતાના મૌલાનાં હુકમથી સબ્ર અને ખામોશીથી પોતાની સાબીત કદમીનો પુરાવો આપી રહ્યા હતા.

તો જ. સલમાનની આજ ફીદાકારીઓ અને હઝરતથી ખુબજ મોહબ્બતને જોઈને અને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનો સાથે દુશ્મનીને ધ્યાનમાં રાખીને અમુક સવાલ મગજમાં પૈદા થાય છે:

  • શા માટે જ.સલમાને બીજા ખલીફાની ખીલાફતના સમયમા, જ્યારે કે આપ આ ખીલાફતને ગાસીબ સમજતા હતા તો પછી મદાએનની ગવનૅરી સ્વીકારી?
  • શા માટે ત્યાંના લોકોની સુધારણા માટે કદમ ઉપાડયા?
  • શું જ. સલમાનના આ પગલાને ગાસીબ ખીલાફતની સંમતી કે મદદ ગણવામાં નહી આવે?
  • શું તેનાથી એ સ્પષ્ટ નથી થતું કે જ. સલમાન પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના બીજા સહાબીઓથી પણ મેહબ્બત કરતા હતા અને તેમનાથી ખુશ હતા?

આ સવાલનાં અસંખ્ય જવાબોમાંથી એક જવાબ એ છે કે એમાં કોઈ શંકા નથી કે જ. સલમાન પોતાની છેલ્લી ક્ષણો સુધી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એટલેકે એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોના દુશ્મન રહ્યા અને કોઈપણ સ્વરૂપે એહલેબેત (અ.મુસ.)ના દુશ્મનોની તરફદારીના કાએલ ન હતા. પરંતુ આ સવાલનાં જવાબને સ્પષ્ટ કરવા માટે અમુક વાતોનું પૃથ્થકરણ જરૂર કરીશું.

(૧) જ. સલમાનનું ઈમાન અને હ. અલી (અ.સ.)થી માહબ્બતઃ-

જ. સલમાનના જીવનનો અભ્યાસ કરવાથી એ સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે જે શખ્સ પોતાનાં મૌલા અને આકાનાં કોઈપણ હુકમનો અનાદર ન કરતો હોય, જે એક પગલુ પણ પોતાનાં મૌલાની મરઝી વિરૂધ્ધ ન ઉપાડતો હોય. જે આવી રીતે મોહબ્બત કરનાર અને ફરમાબરદાર હોય, કેવી રીતે શકય છે કે આ બાબતમાં પોતાનાં મૌલાના હુકમનો ઈન્તેઝાર ન કર્યો હોય? યકીનન અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના હુકમ અને તેમની મરઝીથી ગવર્નરી સ્વીકારી હતી. તે વિચારવું યોગ્ય નથી કે જ. સલમાન આ બાબતમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી સબકત લઈ જાય (આગળ વધી જાય). એ વાતતો બીલકુલ સ્પષ્ટ છે કે જેવી રીતે તેઓ પોતાની ઝીંદગીનાં બધા તબક્કાઓમાં પોતાનાં આકા અને મૌલા હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને માનતા હતા. તેવીજ રીતે ગવર્નરીની બાબતમાં પણ આપ (અ.સ.)ને જ મૌલા તસ્લીમ કરતા હતા એટલા માટે મદાએનની ગવર્નરી હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની મરઝીથી જ કબુલ કરી હતી. તેમાં પોતાની ખ્વાહીશ,અકલ કોઈ દુશ્મને એહલેબૈતની ખુશનુદી જરા બરાબર પણ શામેલ નથી અને પછી અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની નઝરમાં જ. સલમાનની અઝમત અને દરજ્જો અને ખુદ હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વારંવારની મદદ જે મદાએનની ગવર્નરી સ્વીકાયૅ પછી મળી છે (જેમકે હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નાં હાથે ગુસ્લ, કફનનું અદા થવું) આ બધી બેહતરીન અને મજબુત દલીલ છે.

(બેહારૂલ અન્વાર, ભાગ-22, પાના નં. 368)

(૨) હુકુમતનાં ઓહદાને કબુલ કરવોએ હુકુમતનાં સાચા હોવાની દલીલ નથી.

આ વાત પણ સાબીત છે કે કોઈ હુકુમતનાં દરવજ્જા અથવા ઓહદો સ્વીકારવો તેનાથી તે હુકુમતની સ્વીકૃતિ ન કહી શકાય. તેના માટે બેહતરીન દલીલ અને ગવાહી કુરઆને કરીમમાં જ. યુસુફ (અ.સ.)નો બનાવ છે. જેમાં હ.યુસુફ (અ.સ.)એ પોતાનાં સમયનાં બાદશાહથી મીસ્રનાં ખઝીનાનાં હાકીમ બનવાની દરખાસ્ત મુકી હતી.

قَالَ اجْعَلْنِيْ عَلٰي خَزَائِنِ الْاَرْضِ

“તેણે કહ્યું કે મને ખઝીના (અમીન) બનાવી દે”

(સુ.યુસુફ -૫૫)

જ્યારે હ. યુસુફ (અ.સ.)અલ્લાહનાં નબી હતા. જે કોઈપણ સંજોગોમાં મીસ્રનાં બાદશાહ અને કાફીર હુકુમતના સ્વીકાર (તાઈદ) ન્હોતા કરી શકતા. જાહેરી રીતે બાદશાહની હુકુમતનો ઓહદો માંગી રહ્યા હતા.

આ રીતે હ. યુસુફ (અ.સ.)મુશ્રીક વ્યકિતની હુકુમતમાં ઓહદેદાર બની જાય છે. જ્યારે કે તેઓ અલ્લાહનાં નબી છે અને યકીન છે કે અલ્લાહનાં જ હુકમથી આ કામ માટે નીમાયા છે એટલા માટે જો આપણે એ વાત સ્વીકારતા હોઈએ કે આ ઓહદાને સ્વીકારવો એ મુશ્રીક હુકુમતને સ્વીકૃતિ આપવી કહેવાશે તો એ પણ કહેવું પડશે કે (મઆઝલ્લાહ) ખુદાવંદે આલમેં પણ એક ઝાલીમ અને મુશ્રીક હુકુમતની તાઈદ (સ્વીકૃતિ આપી છે) કરી છે અને ઝુલ્મ કર્યો છે. જ્યારે કે અલ્લાહ કોઈ ઉપર ઝુલ્મ નથી કરતો. આ વાત કુરઆનની અગણીત આયતોની વિરૂધ્ધ પણ છે. એટલા માટે આપણે એ વાતને સ્વીકારવી પડશે કે ખુદાવંદે આલમે મીસ્રના બાદશાહની હુકુમતને સ્વીકૃતિ ન આપી હતી પરંતુ હ. યુસુફ (અ.સ.)ને ઝાલીમ હુકુમતમાં ઓહદેદાર તરીકે જરૂર નીમ્યા છે. આ રીતે કોઈપણ હુકુમતમાં ઓહદો કે સ્થાન સ્વીકારવું, એ તે હુકુમતને સ્વીકૃતિ આપવી એવું હરગીઝ નથી. આ જગ્યાએ ઈતિહાસનો હજી એક નમુનો રજુ કરી શકાય છે. ઈમામ મુસા કાઝીમ(અ.સ.)નાં ઝમાનામાં હારૂનરશીદનાં વઝીર જ.અલી બીન યકતીન હતા. જેઓની ઇમામ (અ.સ.)ના વફાદાર સાથીઓમાં ગણના થતી હતી. અબ્બાસી હુકુમતનાં ખુબજ ઉચ્ચ હોદ્દા ઉપર હતા. છતાં પણ ઇમામ (અ.સ.)ના મુખ્લીસ અને વફાદાર શીઆઓમાંથી હતા. જે કોઈપણ રીતે ઇમામનાં ફરમાબરદારીમાં કયારેય કોતાહી કરતા ન હતા. જે ઈમામ હુકમ આપતા હતા તેને અંજામ આપતા હતા. તેઓ હંમેશા શીઆઓનાં મદદગાર અને તેમનું આશ્રયસ્થાન હતા. ત્યાં સુધી કે જ્યારે જ.અલી બીન યકતીને પોતાનાં હોદ્દાથી રાજીનામું આપ્યું તો ઈમામ (અ.સ.)એ તેમને મનાઈ કરી. અલી બીન યકતીને પોતાનાં પત્રમાં ઈમામ અ.સ. ને આ મુજબ લખ્યું હતુઃ

“….. મૌલા! હવે બાદશાહનાં હુકમ અને કાર્યોથી મારો હોસ્લો પસ્ત થઈ ગયો છે. ખુદા મને આપનો જાનીસાર બનાવે. અગર તમે પરવાનગી આપો તો હું જુદો થઈ જાવ.” ઈમામ અ.સ. એ જવાબ લખ્યોઃ “હું અલગ થવાની પરવાનગી નહી આપું. ખુદાથી પરહેઝ કરો અને ડરો.”

(કરબુલ અસ્નાદ, પાના ન.. 126)

(૩) મોઅમીનોને મુશ્કેલીમાંથી નજાત અપાવવીઃ

મોઅમીનોને મુશ્કેલીમાંથી નજાત અપાવવી અને તેમની હાજતો પૂરી કરવી એવું વળતર છે જેવુંકે પરવરદિગારે આલમે તમામ મોઅમીનો ઉપર ફરજ કર્યુ છે કે પોતાના મોઅમીન ભાઈની મુશ્કેલી દુર કરવામાં શકય તેટલી કોશિશ કરે. ઈમામ સાદિક (અ.સ.)થી રીવાયત નકલ થઇ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યુઃ “જે કોઈ મોઅમીનની મદદ કરે તો ખુદાવંદે આલમ તેનાથી 73 મુશ્કેલીઓને દુર કરશે. તેમાંથી ૧ દુનિયામાં અને ૭૨ કયામતમાં દુર કરશે જ્યારે મુશ્કેલીઓમાં ઘેરાયેલો હશે.”

(ઉસુલે કાફી, ભાગ-3, પાના ન. 302, બાબ ગશદને ગીરફતારીએ મોઅમીન)

એટલા માટે મોઅમીને એકબીજાની મદદ કરવી જોઈએ અને આ રીતે ખુદાવંદે આલમની ખુશનુદી પ્રાપ્ત કરે. મોઅમીનની મુશ્કેલી દુર કરવાનો અને તેની હાજતો પુરી કરવાનું એક માધ્યમ ઝાલીમ હુકુમતમાં પોતાનું સ્થાન (તાકાત) કાયમ કરવું છે, જેથી તેનાં વડે મોઅમીનો ઉપર ઝુલ્મ થતો અટકાવી શકાય અને તેમની મુશ્કેલીઓને હલ કરીશ શકાય. હ. યુસુફ અ.સ. ની દાસ્તાનમાં આયતો જોઈએ છીએ કે હુકુમતમાં સ્થાન બનાવવું અને તાકાત પૈદા કરવું. અલ્લાહના બંદાઓ અને મોઅમીનો માટે ખુબજ ફળદાયી રહ્યું છે અને એવી રીતે અદલ અને ઈન્સાફથી બૈતુલમાલને લોકોમાં વહેંચ્યો કે જેનાં કારણે બાદશાહમાં ઝુલ્મથી લોકોને બચાવી લીધા. કુરઆન હ. યુસુફ અ.સ. ની ઝબાનથી નકલ કરે છે.

“હું બધી ભાષાઓનો જાણનાર, બૈતુલમાલના રખેવાળ છું.”

(સુ. યુસુફ-૫૫)

હારૂનરશીદની હુકુમતમાં જ. અલી બીન યકતીનનાં સંજોગો પણ એજ રીતનાં હતા. તેઓ હંમેશા શીઆઓની જાન અને માલની હીફાઝતમાં સક્રીય રહેતા હતા. એ જ કારણે જ્યારે પોતાના હોદ્દાથી રાજીનામું આપવાનો ઈરાદો કર્યો તો ઈમામ કાઝીમ અ.સ. એ લખ્યુઃ

“હું તમારા માટે યોગ્ય નથી સમજતો કે હુકુમતથી પોતાને જુદા કરી લો. એટલા માટે કે ઝુલ્મ અને સીતમગારોનાં દરબારમાં ખુદાવંદે આલમ તરફથી અમુક લોકો હોય છે જેમના કારણે તેમના દોસ્તોથી બલાઓ દુર થાય છે અને તે લોકો ખુદાની રેહમતથી જહન્નમની આગથી નજાત પામે છે. એટલા માટે ખુદાના અઝાબથી પરહેઝ કરો અને પોતાનાં ભાઈઓ ઉપર નેકી કરો.”

(કરબુલ અસ્નાદ, પાના નં. 126)

આ વિષય એ સમયે ખુબજ મહત્વનો થઈ જાય છે જ્યારે ઈતિહાસમાં અરબ અને અજમની વચ્ચે ખુબજ સખત ભેદભાવ જોવા મળતા હતા અને અજમને હલ્કી નઝરથી જોવામાં આવતા. જેમકે બીજા ખલીફાની ખીલાફતના સમયમાં આ વાત જોવા મળે છે. આવા સંજોગોમાં જ. સલમાનને હુકુમતનાં એક ભાગનાં હાકીમ બનવું ખરેખર એક હદ સુધી આવા પ્રકારના ભેદભાવો સામે વિરોધનું કારણ હોય અને ખરેખર ઈરાનીઓને ઈસ્લામથી નઝદીક કરવાની તક મળી.

આ જગ્યાએ બીજી એક વાત એ છે કે ઈરાન અને શામ બન્ને જગ્યા લગભગ એક સમયે જ ફત્હ થઈ છે. પરંતું બન્ને જગ્યા ઉપર થોડું બારીકાઈથી જોઈએ તો ખબર પડશે કે બે જુદી જુદી વિચારધારા સાથે ઈસ્લામ રજુ કરવામાં આવ્યો છે.

તેનું કારણ છે કે શામની ઝમીન ઉપર ઈસ્લામ મોઆવીયા બીન અબુ સુફીયાનનાં સ્વરૂપે પહોચ્યો અને ઈસ્લામ ઈરાનમાં આવ્યો તે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બે નઝદીકી સહાબી હોઝયફા અને સલમાન (ર.અ)ના સ્વરૂપે પહોચ્યો અગર બન્ને દેશના રહેવાસીઓનો અહલેબૈત (અ.મુ.સ.)સાથેના વતૅનનો અભ્યાસ કરવામાં આવે તો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના નિણૅયની યોગ્યતા અને ઉંડી સુજબુઝ ઉપર બેહતરીન પુરાવો સ્પષ્ટ છે.