ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે?
જવાબ:
ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો માટે કોઇ નવી વસ્તુ નથી, બલ્કે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની સિરત અને આપ (સ.અ.વ.)ના સહાબીઓની જીંદગીમાં પણ જોવા મળે છે.
ફ્ક્ત રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના સહાબીઓજ નહીં પરંતુ અગાઉના નબીઓ (અ.મુ.સ.)એ પણ આવા કાર્યો અંજામ આપેલ છે. નીચે કુરઆન અને સુન્નતમાંથી અમૂક પૂરાવાઓ રજૂ કરવામાં આવેલ છે જે અલ્લાહના અવ્લીયાના મઝાર અને સ્મૃતિ ચિન્હો પાસેથી બરકત તલબ કરવાની કાયદેસરતાને સાબિત કરે છે.
૧. પવિત્ર કુરઆનમાં આપણે પઢીએ છીએ કે જ્યારે હ. યૂસુફે સિદ્દિકે (સાચા) પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ કરાવી અને તેમને માફ કર્યા, તેમણે કહ્યું:
اِذْهَبُوا بِقَميصي هذا فَأَلْقُوهُ عَلى وَجْهِ أَبي يَأْتِ بَصيراً
“તમે મારું આ ખમીસ લઈ જાવ પછી મારા પિતાના ચેહરા ઉપર નાખજો, તેમને દ્રષ્ટિ પાછી મળી જશે.”
સુરએ યુસુફ ૧૨:૩૯
પછી કુરઆને ફરી ફરમાવ્યું:
فَلَمَّا أَنْ جَاءَ الْبَشِيْرُ أَلْقَاهُ عَلى وَجْهِهِ فَارْتَدَّ بَصِيْرًا
“પછી જ્યારે ખુશખબર ધરાવનાર આવ્યો, તેણે તેમના ચેહરા ઉપર તે (ખમીસ) નાંખ્યું, તેથી તેઓ ફરી પાછા દેખતા થઇ ગયા.”.
સુરએ યુસુફ ૧૨:૯૬
કુરઆનના આ અર્થ સભર શબ્દોનો સંદર્ભ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે કઈ રીતે અલ્લાહના એક નબી (હઝરત યાકુબ અ.સ.) એ બીજા નબી (હઝરત યુસુફ અ.સ.)ના ખમીસ થકી બરકત મેળવી. તદ્ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે તે ખમીસના કારણે હઝરત યાકુબ (અ.સ.)ને તેમની દ્રષ્ટિ પાછી મળી.
હવે શું આપણે એમ કહી શકીએ કે આ બન્ને નબીઓનું આ કાર્ય તૌહીદ અને અલ્લાહની ઇબાદતની હદમાં નથી?
૨. આ વાતમાં કોઈને શંકા નથી કે અલ્લાહના પવિત્ર ઘરનો તવાફ કરતી વખતે, અલ્લાહના રસુલ (સ.અ.વ.) હજરે અસ્વદને સ્પર્શતા અથવા ચૂમતા.
બુખારી પોતાની સહીહમાં કહે છે:
“મેં અલ્લાહના રસુલ (સ.અ.વ) ને (હજરે અસ્વદને) સ્પર્શતા અને ચૂમતા જોયા”.
- (સહિહ-અલ-બુખારી (ઇજિપ્ત), ભાગ ૨, “કિતાબ અલ-હજ”, “બાબ તકબીલ અલ-હજર”, પાનું. ૧૫૧-૧૫૨)
તેથી જો પત્થરને સ્પર્શવું કે ચુમવું એ અલ્લાહની સાથે કોઈને ભાગીદાર બનાવવાનું કામ હોય તો પછી એ રસુલ (સ.અ.વ.) કે જેમણે તૌહીદની દઅવત આપી, તેમણે કેવી રીતે આવું કાર્ય કર્યું?
૩. સહીહ, મુસ્નદ તથા ઇતિહાસ અને હદીસોની કિતાબોમાં આ વિષે અસંખ્ય રિવાયતો જોવા મળે છે કે નબીના સહાબીઓ નબીની વસ્તુઓ જેવીકે કપડા, વુઝુનું પાણી, પાણીનું વાસણ વિ. થકી બરકત તલબ કરતા હતા. જે આ સુન્નતના જાએઝ હોવા અને પ્રખ્યાત હોવા વિષેની શંકાને દૂર કરે છે.
આપણે અહીં આ વિષેની બધી હદીસોનું વર્ણન કરી શકતા નથી, પરંતુ આપણે તેમાંની અમુક હદીસોનો ઉલ્લેખ કરીશું.
- બુખારીએ પોતાની સહીહમાં એક લાંબી હદીસ વર્ણવી છે કે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના સહાબીઓની અમૂક સિફતોનું વર્ણન કર્યું છે, લખે છે કે:
وَإِذَا تَوَضَّأَ كَادُوا يَقْتَتِلُونَ عَلَى وَضُوئِهِ
“જ્યારે તેઓ (રસુલુલ્લાહ સ.અ.વ.) વુઝુ કરતાં, ત્યારે તેઓ (મુસલમાનો) આપ (સ.અ.વ.) ના વઝુ (ના પાણી માટે) આપસમાં રીતસર ઝઘડતા (કે જેથી તેઓને વુઝુનું થોડુક પાણી મળી જાય).”
- (સહિહ-અલ-બુખારી (ઇજિપ્ત), ભાગ ૩, “કિતાબમાં વજુઝો મીન અશ-શુરુત ફિલ ઇસ્લામ”,
- “બાબ અશ-શુરુત ફિલ જિહાદ વલ મસલાહ”, પાનું. ૧૯૫.)
- ઇબ્ને હજર કહે છે:
كان النبي صلى الله عليه وسلم يؤتى بالصبيان يدعو لهم فبال عليه
“રસુલુલ્લાહ (સ.અ.વ)ની પાસે બાળકોને લાવવામાં આવતા અને તેઓ તેમને પોતાની બરકતોથી નવાઝતા.”
(અલ-ઈસબાહ (ઇજિપ્ત), ભાગ ૧, “ખુતબાહ અલ-કિતાબ”, પાનું. ૭)
- મોહમ્મદ તાહિર અલ-મકકી કહે છે:
ઉમ્મે સાબિત વિષે કહેવાય છે કે તેણીએ કહ્યું: “એક વખત રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મને બોલાવી. જ્યારે ઉભા હતા ત્યારે આપ (સ.અ.વ.) એ મશ્કના મૂખેથી પાણી પીધું કે જે લટકતી હતી. તેથી હું ઊભી થઈ અને મશ્કનું મૂખ કાપી લીધું.”
તે પછી ઉમેરે છે:
તિરમીઝીએ પણ આ હદીસ વર્ણવી છે અને કહ્યું છે: “આ એક સાચી (સહીહ) અને આધારભૂત (હસન) હદીસ છે”
અને આ હદીસની શર્હ કરનાર પોતાની કિતાબ, રિયાઝુ-અસ્-સાલિહીનમાં કહે છે:
“ઉમ્મે સાબિતે મશ્કનું મૂખ કાપી નાંખ્યું જેથી કરીને તેણી રસુલુલ્લાહ (સ.અ.વ.)નું મોં જ્યાં લાગ્યું હતું તેને પોતાની પાસે રાખે કે જેથી તેનાથી બરકત તલબ કરે. આવીજ રીતે આપ (સ.અ.વ.)ના સહાબીઓ પણ એજ જગ્યાએ થી પાણી પીતા જ્યાંથી રસુલુલ્લાહ (સ.અ.વ.) પાણી પીતા હતા”.
- (મોહમ્મદ તાહિર અલ-મકકી, તબર્રુક અસ-સહાબાહ, અનુવાદ અન્સારી, પ્રકરણ ૧, પાનું. ૨૯)
“મદીનાના ગુલામો સુબ્હની નમાઝ પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે પાણીથી ભરેલા વાસણો લઈને જતાં અને આપ દરેક વાસણમાં પોતાનો હાથ રાખતાં. ક્યારેક તેઓ શીયાળાની સવારે આપ (સ.અ.વ.) પાસે જતા ત્યારે પણ આપ (સ.અ.વ.) તેમાં (વાસણ)માં પોતાનો હાથ રાખતાં.”
- (સહિહ મુસ્લિમ, ભાગ ૭, “કિતાબ અલ ફઝાએલ”,
- “બાબ કુર્બ અન-નબી (સ.) મીન અન-નસ વ તબર્રુકેહિમ બેહી” પાનું. ૭૯)
આ બધી બાબતો સ્પષ્ટપણે બતાવે છે કે અલ્લાહના અવ્લીયાની વસ્તુઓથી તબર્રૂક હાસિલ કરવામાં કાંઈ વાંધો કે હરજ નથી. આ એ પણ બતાવે છે કે જેઓ આવા કાર્યને લીધે શીઆઓ ઉપર શિર્ક અને અલ્લાહના ભાગીદાર બનાવવાનો આરોપ લગાવે છે તેઓને તૌહિદના ખરા અર્થની સ્પષ્ટ સમજણ નથી.
શિર્ક અને અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરવી નો અર્થ અલ્લાહની સાથોસાથ બીજી કોઈ મખ્લુકને પણ ખુદા માનવી અથવા તો મખ્લુક સાથે એવા ઈલાહી કાર્યોને જોડી દેવા અને એમ માનવું કે તે મખ્લુક આ કાર્યોમાં સ્વતંત્ર છે અને મૂળભૂત ખિલ્કતમાં અને કુદરત ધરાવવામાં અલ્લાહથી બેનિયાઝ છે.
જ્યારે કે શીઆઓ ઇલાહી અવ્લીયાની જે વસ્તુઓ છે તેને અલ્લાહની ગણે છે, તેઓના માલિકોની જેમજ, કારણકે તે વસ્તુઓ કે જેને અલ્લાહ દ્વારા બનાવવામાં આવી છે તે પોતાના વૂજૂદ અને શક્તિ બન્નેના હિસાબે તે(અલ્લાહ)ની મોહતાજ છે.
શીઆઓ આ સ્મુતિ ચિન્હો પાસે ફકત પોતાના ઈમામો અને દીને ઇલાહીના પેશ્વા પેશ્ વાઓનો એહતેરામ કરવા અને તેમના પ્રત્યે ખાલિસ મોહબ્બત જાહેર કરવા માટે તેમનાથી બરકત તલબ કરે છે.
જ્યારે શીઆઓ ઝિયારત દરમિયાન પયગમ્બર (સ.અ.વ.) અને તેની એહલેબેત (અ.મુ.સ.) ના હરમના કોઈ ભાગ, દરવાજા કે દિવાલને ચૂમે છે, તો ફક્ત એટલા માટે કે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને આપના એહલેબેત (અ.મુ.સ.)ની મોહબ્બત છે અને આ માનવ લાગણીનો મુદ્દો છે, જે મોહબ્બત કરનારના દિલમાં આપોઆપ જાહેર થાય છે.
એક મીઠી ઝબાનવાળો માણસ કહે છે:
હું લયલાંના ઘર પાસેથી પસાર થયો, મેં ચૂમી આ દિવાલ અને તે દિવાલ.
એ ઘરની મોહબ્બત નથી જે મારા દિલને ખુશ કરે છે,
બલ્કે તેમાં રહેનારની મોહબ્બત છે.
આ પ્રકરણ કિતાબ “ધ શીઆ રિબ્યુટસ” લેખક સય્યદ રિદા હૂસયની નસબમાંથી લીધેલ છે જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની દેખરેખ હેઠળ લખાએલ છે.
વધારે માહિતી માટે, નીચેના સંદર્ભોને જુઓ
૧. સહીહ અલ-બુખારી, “કિતાબ અલ-અશરીબહ”.
૨. માલિક, અલ-મુવત્તા, ભાગ ૧, ધ સેક્શન ઓન ઇન્વોકિંગ બ્લેસ્સિંગ્સ ટુ ધ પ્રોફેટ (સ.), પાનું. ૧૩૮.
૩. અસદો અલ-ગાબાહ, ભાગ ૫, પાનું ૯૦.
૪. મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, ભાગ ૪, પાનું. ૩૨.
૫. અલ-ઇસ્તિયાબ ભાગ ૩, “અલ-એસાબહ” નો હાંશીયો, પાનું. ૬૩૧.
૬. ફતહો અલ-બારી, ભાગ ૧, પાનું. ૨૮૧-૨૮૨.
Be the first to comment