ઈસ્તીકસાઉલ ઈફહામ-અલ્લામા સૈયદ હામીદ હુસૈન હિન્દી

વાંચવાનો સમય: 9 મિનિટ

ખુદાના ફઝલો કરમથી અને ઈમામે ઝમાના (અ.સ.)ની ખાસ ઈનાયતના આધારે હિન્દુસ્તાનની ઝમીન એ જગ્યા રહી છે કે જ્યાં મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહનારાઓમાં ખુબજ બુઝુર્ગ આલીમો પૈદા થયા છે. તે આલીમોએ શીઆ મઝહબની દિફાઅમાં પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. શીઆઓના વિરોધીઓએ શીઆ અકીદાઓ ઉપર ખુબજ હુમલાઓ કર્યા છે અને શીઆ મઝહબને બાતીલ ઠેરવવા માટે પોતાની ઝબાનથી અને લખાણથી ઘણા બધા પ્રપંચોનો ઉપયોગ કર્યો છે. અમૂક જગ્યાએ તો પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે શીઆઓને કત્લ કરવા પણ તૈયાર થઈ ગયા હતા. આપણા આલીમોમાં શહીદ કાઝી નુરૂલ્લાહ શુસ્તરીને આગ્રામાં કત્લ કરવામાં આવ્યા. શહીદ રાબેઅ મીર્ઝા મોહમ્મદ કામીલ ઈબ્ને મીર્ઝા ઈનાયત એહમદ કશ્મીરી જેમની મઝાર દરગાહે પંજા શરીફ, જૂની દિલ્લી રેલ્વે સ્ટેશન પાસે છે. તેમને હી.સ. 1225 (ઈ.સ. 1810)માં ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા કારણકે તેમણે મોહદ્દીસે દહેલવીની કિતાબ તોહફએ ઈસ્નાઅશરીય્યાનો જવાબ આપ્યો હતો કે જે એહલેબૈત (અ.મુ.સ.)ના મઝહબની દિફાઅમાં લખવામાં આવેલી કિતાબ હતી. તે કિતાબનું નામ ‘નઝહતે ઈસ્નાઅશરીય્યા’હતું. આપે વિવિધ વિષયો ઉપર 68 કિતાબો લખી હતી. ટૂંકમાં એ કે ઘણા બધા આલીમો શહીદ થયા પરંતુ મઝહબની દિફાઅનું કામ શરૂ રાખ્યું. આ વિષયમાં એવીજ એક દિફાઅ કરનારી કિતાબની ઓળખાણ રજુ કરવામાં આવી રહી છે.

‘ઈસ્તીકસાઉલ ઈફહામ’આ એક એવી કિતાબનું નામ છે જેના લેખક હિન્દુસ્તાનના ખુબજ મશ્હુર આલીમે દીન અલ્લામા સૈયદ મીર હામીદ હુસૈન બિન સૈયદ મોહમ્મદ કુલ્લી મુસવી નેશાપુરી હિન્દી છે. આપની ગણના શીઆઓના બુઝુર્ગ મોતકલ્લેમીન અને મહાન આલીમોમાં થાય છે.

વિલાદત: 4 મોહર્રમુલ હરામ, હી.સ. 1247 લખનઉમાં થઈ. વફાત: 8 સફર, હી.સ. 1306 માં થઈ. તઅલીમ: આપે પોતાના વાલીદ અલ્લામા સૈયદ મોહમ્મદ કુલ્લી મુસવી કે જેઓ એક બુઝુર્ગ આલીમ હતા તેમની પાસેથી પ્રાપ્ત કરી. શરૂઆતની તઅલીમની સાથે ઈલ્મે કલામ અને અકાએદની તઅલીમ પણ હાંસીલ કરી. ફિકહ અને ઉસુલ જનાબ સૈયદ હુસૈન નકવી પાસેથી શીખ્યા. ફિલોસોફી અને હિકમત જનાબ સૈયદ મુર્તઝા બિન સૈયદ મોહમ્મદ પાસેથી અને અદબીય્યાતની તઅલીમ જનાબ મુફતી સૈયદ મોહમ્મદઅબ્બાસ પાસેથી હાંસીલ કરી.

અલ્લામા અમીની કુદ્સ સર્રહએ ‘અલ ગદીર’માં આપના બારામાં લખ્યું છે કે:

ہٰذَا   السَّیَّدُ   الطَّاہِرُ   الْعَظِیْم۔۔۔

‘આ સૈયદ ખુબજ પાકો પાકીઝા અને મહાન છે. આ પાક સૈયદ બુઝુર્ગવાર પોતાના વાલીદે મોહતરમની જેમ હક્કના દુશ્મનો ઉપર ખુદાની ખેંચેલી તલ્વારોમાંથી એક તલ્વાર છે અને હક્ક મઝહબની કામ્યાબીના પરચમ છે. અલ્લાહ સુબ્હાનહુ તઆલાની આયતોમાંથી એક બુઝુર્ગ નિશાની છે. ચોક્કસ ખુદાવંદે આલમે તેમના વડે હુજ્જત તમામ કરી અને હક્કના સીધા રસ્તાને પ્રકાશિત કર્યો. તેમની કિતાબ ‘અબ્કાત’ની ખુશ્બુ દુનિયાના એક ખુણાથી બીજા ખુણા સુધી ફેલાય ગઈ. (અબક નો અર્થ ખુશ્બુ થાય છે) અને તે કિતાબની ખ્યાતિ પૂર્વથી લઈ પશ્ર્વિમ સુધી ફેલાય ગઈ. જેણે તે કિતાબને જોઈ તો તેણે જોયું કે તે એક નૂર અને રોશની દેનારો મોઅજીઝો છે કે જેની અંદર કોઈ પણ બાતીલ રસ્તો નથી જોવા મળતો.

આ વિષયમાં આપણો મકસદ અલ્લામા હામીદ હુસૈન હિન્દીનું જીવન ચરિત્ર નથી. બલ્કે તેમની કિતાબ ‘ઈસ્તીકસાઉલ ઈફહામ’ની ઓળખાણ કરાવવી છે. આથી આ મહાન આલીમના જીવન ચરિત્રને કોઈક બીજા પ્રસંગે બયાન કરવાની કોશિશ કરીશું. કિતાબનું આખું નામ ‘ઈસ્તીકસાઉલ ઈફહામ વ ઈસ્તીફાઉલ ઈન્તેકામ ફી નકઝે મુન્તહ્યુલ કલામ’ છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કિતાબ શા માટે લખવામાં આવી છે.

જરૂરી વાત:

આ વિષયને આગળ વધારતા પહેલા એ જણાવી દેવું જરૂરી છે કે અમારી પાસે તે મૂળ કિતાબ મૌજુદ છે. અલબત્ત આ કિતાબના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આપણા બુઝુર્ગ આલીમ અસ્સૈયદ અલી હુસૈની અલ મીલાની દામઝીલ્લહુલ આલીએ તેના ઉપર સંશોધન કરી અને તેને અરબી ભાષામાં ત્રણ ભાગ ઉપર આધારીત એક સંશોધનાત્મક કિતાબના સ્વરૂપે ‘ઈસ્તીખ્રાજુલ મરામે મીન ઈસ્તીકસાઈલ ઈફહામે’ના નામથી પ્રકાશિત કરી. આથી અમે તે કિતાબથી ફાયદો ઉઠાવતા કિતાબની ઓળખાણ રજુ કરી રહ્યા છીએ. કિતાબના નામનો અર્થ છે: ઈસ્તીકસાઉલ ઈફહામથી તેના અર્થ અને હેતુની સાબિતી. હવે જોઈએ.

‘ઈસ્તીકસાઉલ ઈફહામ’નો અર્થ:

ઈસ્તીકસા: એટલે કે મસઅલાના ઉંડાણ સુધી પહોંચવું.

ઈફહામ: એટલે કે દલીલો આપીને ચૂપ કરી દેવું.

ફહમ: એટલે કે જવાબથી ખાલી હોવું.

ફહમના ઘણા બધા અર્થો છે જેમકે કાળુ હોવું, કાળુ કરવું એટલા માટે કોલસાને પણ ફહમ કહેવામાં આવે છે. કોલસા વહેંચનારને ફહહામ કહેવામાં આવે છે.

જો કે ઈસ્તીકસાની સાથે ઈફહામનો અર્થ દલીલો આપીને ચૂપ કરી દેવો છે અને પછી કિતાબના આખા નામ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ કિતાબ એક સુન્ની આલીમની કિતાબ ‘મુન્તહ્યુલ કલામ’નો જવાબ છે.

આકાએ મિલાની દામઝીલ્લહુ કિતાબના નામ સંબંધીત ફરમાવે છે કે:

وَکَانَ   المؤلّف   قد   وضع   علیہ  ہذا  الاسمُ  لیشیرَا لٰی اَنّ  للبحث  فیہ  جہتین، و انّ   لہ من تالیفہ غَرَضَین:

‘મોહતરમ લેખક (હામીદ હુસૈન હિન્દી) એ આ કિતાબનું નામ એવું કરાર દીધું છે કે જેનાથી ઈશારો થઈ શકે કે તેમાં બે રીતે ચર્ચા કરવામાં આવી છે અને તેના પ્રકાશનના બે હેતુઓ છે.’

اِحْدَہُمَا:  دَفعُ  الشبہ  والاعتراضات عن جُملۃ من العقائد، و ردّ  التُّہم  عن بعضِ  الاعلام، والتکلمُ علٰی  بعض الکُتب  المعروفۃ  عِند  الامامیہ  و  عنوان  (استقصاء  الافحام) ناظرٌ الی ہذہ  الجہۃ

‘પહેલો હેતુ: અકીદા સંબંધિત શંકાઓ અને વિરોધોનો જવાબ દેવો છે અને અમૂક આલીમોની તોહમતોને રદ કરવી છે અને શીઆ આલીમોની અમૂક મશ્હુર કિતાબો ઉપર ચર્ચા કરવી અને કિતાબનો આ વિષય (ઈસ્તીકસાઉલ ઈફહામ) એજ મકસદ તરફ ઈશારો કરે છે.’

والثانی: التحقیق  عن  موقع العلوم  الاسلامیۃ  من  علم  العقائد  والتفسیر  والحدیث  وا لفقہ  و عن حال موسسیہا، عند  الہل الشنّۃ،  و بیان  حال علمائہم و اَشْہَر کُتبہم المعتمدۃ فی ہٰذہ العلوم۔ و عنوان  (استیفاء الانتقام) ناظر الٰی ہذہ الجہۃ

‘બીજો હેતુ: એહલે સુન્નતના અકાએદી ઈલ્મ, તફસીર, હદીસ અને ફિકહનું સંશોધન અને તેની બુનિયાદોનું સંશોધન અને તેઓના આલીમોની પરિસ્થિતિ અને તે ઈલ્મોમાં તેઓની પ્રખ્યાત કિતાબોની પરિસ્થિતિ બયાન કરવી અને આ વિષય (ઈસ્તીફાઉલ ઈન્તેકામ) એજ હેતુ તરફ ઈશારો કરી રહ્યું છે. (ઈસ્તીફાઉલ ઈન્તેકામ એટલે કે સંપૂર્ણ બદલો લેવો).’

و بتعبیر آخر، فاِنَّ ہذا  الکتاب قد الّف نقضًا للکتاب (منتہی الکلام)

‘અને આ વિષયના અંતિમ હિસ્સાનો અર્થ એ છે કે આ કિતાબ ‘મુન્તહ્યુલ કલામ’ની રદ્દ અને તેના જવાબમાં લખવામાં આવી છે.’

મુન્તહ્યુલ કલામના લેખક:

મુન્તહ્યુલ કલામના લેખકનું આખું નામ હૈદરઅલી ઈબ્ને મોહમ્મદ ફૈઝાબાદી હતું. તેઓ એક સુન્ની હનફી આલીમ હતા, મોતકલ્લીમ અને ફકીહ હતા. તેઓએ દળદાર ભાગોમાં હી.સ. 1250 માં કિતાબ ‘ મુન્તહ્યુલ કલામ ફી રદ્દે એલશ્શીઆ’લખી હતી.

આ વાત ધ્યાન આપવા લાયક છે કે હૈદરઅલી ફૈઝાબાદમાં પૈદા થયા અને પ્રાથમિક તઅલીમ તેઓએ શીઆ આલીમો મીર્ઝા ફતેહઅલી, સૈયદ નજફઅલી અને હકીમ મીર નવાબ પાસેથી પ્રાપ્ત કરી. પછી તેઓ દિલ્લી ચાલ્યા ગયા અને ત્યાં સુન્ની આલીમ શૈખ રશીદુદ્દીન, શૈખ રફીઉદ્દીન અને શૈખ અબ્દુલ અઝીઝ બિન વલીય્યુલ્લાહ દહેલવી પાસેથી તઅલીમ હાસીલ કરી અને પછી લખનઉમાં એક લાંબી મુદ્દત સુધી રોકાયા અને ઈલ્મી ચર્ચા તથા વાદવિવાદમાં મશ્ગુલ રહ્યા. પછી ત્યાંથી તેઓ ભોપાલ ગયા અને એક મુદ્દત સુધી ત્યાં રોકાયા પછી હૈદરાબાદ ગયા અને નવાબ મુખ્તાર અલ મલેકને ત્યાં કાઝીના હોદ્દા ઉપર નિયુકત થયા અને તેઓ ત્યાં કિતાબોના લખાણ અને પ્રકાશનમાં મશ્ગુલ રહ્યા. તેમનો ઈન્તેકાલ હી.સ. 1299 માં થયો.

શીઆઓની રદ્દમાં તેમણે ઘણી બધી કિતાબો લખી છે. જેમકે એઝાલતુલ ગય્ન અન બસારતુલ અય્ન ત્રણ ભાગોમાં, નઝારતુલ અય્નય્ન અન શોહાતીલ હુસૈન, કાશેફુસ્સામ અન તદીસુલ મુજતહેદુલ કમકામ, વદ્દાહેયતુલ હાતેમાહ એલા મન અખ્રજ મીન અહલીલબૈતે ફાતેમા, રૂયતીસ્સઆલીબે વલ ગરાબીબે ફી ઈન્શાઈલ મકાતીબ, ઈસ્બાતુલ બય્અતીલ મુર્તઝવીય્યહ, ઈસ્બાતો ઈઝદેવાજે ઉમર બિન ખત્તાબ બે સય્યદતેના ઉમ્મે કુલ્સુમ બિન્તે અલીય્યેનીલ મુર્તઝા, તકમેલતો ફત્હીલ અઝીઝ (અસંખ્ય દળદાર ભાગોમાં).

આપણા ફખ્ર કરવા લાયક આલીમો:

આપણા આલીમો ફખ્ર કરવાને લાયક છે. તેઓ આવી હરકતોની સામે ચૂપ રહીને તમાશો જોતા રહ્યા નથી. બલ્કે તેઓએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેનાથી પણ વધારે એકજ કિતાબની રદ્દમાં ઘણા બધા આલીમોએ કિતાબો લખી. આજના ઝમાનામાં આપણે એમ વિચારીએ છીએ કે કોઈ કામને બીજીવાર અંજામ આપવાનો કોઈ ફાયદો થતો નથી. અગર કોઈ કિતાબનો એક જવાબ લખાય ચૂકયો છે તો પછી બીજો જવાબ ન લખાવવો જોઈએ. પરંતુ શું કહેવું તે આલીમોનું કે જેઓએ બીજા આલીમોના એહતેરામની સાથે પોતાના કામને શરૂ રાખ્યું. ખુદ કિતાબ તોહફએ ઈસ્નાઅશરીય્યહના અસંખ્ય જવાબો લખાયા છે કે જેની ગણતરી કરવી એક મુશ્કેલ કાર્ય છે.

તેઓ કેટલી હદે વિલાયતનું રક્ષણ કરનારા હતા:

એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતથી આ આલીમો કેટલા તરબોળ હતા, વિલાયતના રસ્તામાં પોતાની જાનોને કુરબાન કરનારા, વિલાયતના રસ્તામાં મુશ્કેલીઓ અને તકલીફો ઉઠાવનારા હતા અને શું કહેવું અલ્લામા મીર હામીદ હુસૈન હિન્દી રીઝવાનુલ્લાહ તઆલા અલય્હનું. તેમના બારામાં મળે છે કે ખુબજ વધારે કિતાબો લખવાના કારણે તેમનો જમણો હાથ અસરઅંદાજ થયો તો તેમણે ડાબા હાથે લખવાનું કામ શરૂ કર્યું. જ્યારે ડાબો હાથ અસરઅંદાજ થયો તો કામ અટકાવ્યું નહિ બલ્કે ઝબાનથી બોલીને કિતાબો લખાવવાનું શરૂ કર્યું. આપણે કુરબાન થઈએ તેમની ઉપર કે તેમણે વિલાયતે મુર્તુઝવીના ખુબજ મહાન મહાન પાસાઓ આપણને અતા કર્યા છે.

ઈસ્તીકસાઉલ ઈફહામના વિષયો:

આ કિતાબને અલ્લામા મીર હામીદ હુસૈન કુદ્સ સરર્હિએ ફારસીમાં 10 ભાગોમાં લખી છે. ફૈઝાબાદીની કિતાબ ‘મુન્તહ્યુલ કલામ’માં શીઆ અકીદાઓ ઉપરના દરેક જુમલાઓનો જવાબ આપ્યો છે. આપણે આયતુલ્લાહ મીલાનીના સંશોધનથી ફાયદો ઉઠાવીને અહીંયા અમૂક વિષયોનું વર્ણન કરીશું. ફૈઝાબાદીએ શીઆઓના અકાએદી મસઅલાઓ ઉપર શંકાઓ ઉભી કરી અને તે અકીદાઓને બાતીલ ઠેરવ્યા. જે વિષય ઉપર તેઓએ ચર્ચા કરી અને ઈસ્તીકસાઉલ ઈફહામમાં તેનો જવાબ લખ્યો છે તે નીચે મુજબ છે.

કુરઆનમાં ફેરફારની ચર્ચા બદાઅ, તજસ્સુમ, મતાએને અબુ હનીફા, કયાસ અને ઈસ્તેહસાન, મીસાકના મસઅલાની ચર્ચા સૂર ફુંકાવાની ચર્ચા રદ્દુશ્શમ્સ (સૂરજના પાછા ફરવાની) અને શક્કુલ કમર (ચાંદના બે ટૂકડા થવાની) ચર્ચા નમાઝ એ કંઈ નકામી બાબત નથી તેની ચર્ચા કિતાબ સુલૈમ બિન કય્સ અલ હિલાલીની ચર્ચા નબી (સ.અ.વ.)ના પૂર્વજોના ઈસ્લામની ચર્ચા ઉમર ઈબ્ને આસનો વંશવેલો, વલદુઝઝીનાના બારામાં હુકમ, અશાએરા મઝહબની નિંદા, સેહાહે સિત્તા અને તેના સહાબીઓના બારામાં, માલીક અને શાફેઈના બારામાં, અલી ઈબ્ને ઈબ્રાહીમે કુમ્મીની તફસીરના બચાવમાં, ઈસ્લામી ઉમ્મતમાં તફસીર અને તફસીરકારોના બારામાં ચર્ચા સુન્નીઓના મહત્ત્વના તફસીરકારો જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ, અબુ મુસા અશઅરી, અબ્દુલ્લાહ બિન ઝુબૈર, અનસ બિન માલીક, અબુ હુરૈરા, અબ્દુલ્લાહ બિન ઉમર, બિન આસ, મુજાહીદ, અકરમા, હસને બસરી, અતા અબુલ આલીય્યાહ, અઝઝહહાક, કતાદા, મર્રત બિન અઈન્તહ, અબ્દુલ રઝઝાક અને ફખ્રુદ્દીને રાઝી સુધીના બીજા તફસીરકારો.

ધ્યાન આપો:

મર્હુમ લેખક (અ.ર.)એ ફૈઝાબાદીની તે તમામ શંકાઓ અને તોહમતોના પોતાની મૂળ કિતાબમાં અલગ અલગ જવાબો આપ્યા છે. અલબત્ત્ા આગાએ મીલાની (મદ્દઝીલ્લાહ)એ ટૂંકાણથી કામ લીધું છે. અમે પણ તેમની પધ્ધતિ ઉપર અમલ કરતા વધારે ટૂંકાણથી કામ લઈને અમૂક વિષયો ઉપર પ્રકાશ ફેંકીશું. આ લેખમાં તમામ વિષયો ઉપર ચર્ચા કરવી શકય નથી તથા એક આખી કિતાબ ટૂંકાણની સાથે લખવામાં આવે તો પણ ઓછી પડે.

જો કે આપણે અહિં કુરઆનમાં ફેરફારની ચચર્નિો ખુલાસો રજુ કરીશું.

કુરઆનમાં ફેરફાર:

કિતાબ મુન્તહ્યુલ કલામના લેખક ફૈઝાબાદીએ શીઆઓ ઉપર એવો આરોપ લગાવ્યો છે કે શીઆઓ એમ માન્યતા ધરાવે છે કે કુરઆનમાં ફેરફાર થયો છે. આથી તેમણે શીઆઓની જનાબ અલી બિન ઈબ્રાહીમ અલ કુમ્મીએ લખેલી તફસીર ઉપર વાંધો ઉઠાવ્યો છે અને શીઆઓ ઉપર તથા શીઆ આલીમો ઉપર લઅન અને તઅન કરી છે અને તેઓનું કહેવું છે કે શીઆઓ એ ગુમાન કરે છે કે જનાબ કુમ્મીએ લખેલ તફસીર એ હકીકતમાં એહલેબૈત (અ.મુ.સ.)ની તફસીર છે અને તે તફસીર ઈમામ બાકીર (અ.સ.) અને ઈમામ સાદિક (અ.સ.)થી છે….

અને તેમાં એક આરોપનો ઉમેરો એ કરવામાં આવ્યો છે કે તે કિતાબમાં ભરોસાપાત્ર રિવાયતો ‘અબીલ જારૂદ’થી નોંધવામાં આવી છે. જ્યારે કે તે વ્યક્તિ અઈમ્મતુલ હોદાની નજીક મુલ્હીદ અને ઝીન્દીક (નાસ્તીક) છે. જ્યારે કે મઅસુમ ઈમામ (અ.સ.)એ અબીલ જારૂદને શૈતાન કહ્યો છે.

જવાબ:

મર્હુમ હામીદ હુસૈન હિન્દી કુદ્સ સરર્હિએ ઈલ્મે રેજાલ અને ઈલ્મે હદીસની રોશનીમાં અબીલ જારૂદની હૈસિયતનું વર્ણન કર્યું છે. આ વિષયમાં આપણે તેના ઉપર ચર્ચા નહિ કરીએ પરંતુ સંશોધનકારો કિતાબ ઈસ્તીખ્રાજુલ મરામનો અભ્યાસ કરી શકે છે.

હવે કુરઆનમાં ફેરફારના વિષયમાં આપણે જોઈએ કે:

કુરઆને કરીમ અલ્લાહ અઝઝ વ જલ્લનો કલામ છે. નબીએ અકરમ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)થી વારીદ હદીસો અને રિવાયતોમાં કુરઆનને મોઢે યાદ કરવું, તેના ઉપર અમલ કરવું અને તેના તરફ રજુ થવાની ખુબજ રિવાયતો વારીદ થયેલી છે. કુરઆનનો એહતેરામ કરવો વાજીબ છે અને તેની તૌહીન કરવી હરામ હોવી એ દરેક પ્રકારે સાબિત અને સ્પષ્ટ છે. આ પણ એક ચર્ચા છે કે જેને મર્હુમ લેખકે પોતાની કિતાબમાં રજુ કરી છે.

ઈમામીયાના તમામ આલીમોએ ફતવો આપ્યો છે કે હાલ કુરઆને કરીમમાં જે કંઈ જોવા મળે છે તે સુરાઓ અને આયતોમાં કોઈ પણ કમી નથી.

જ્યારે કે એહલે સુન્નત હઝરાત એ માન્યતા ધરાવે છે કે સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ કે જેને સહીહૈન કહેવામાં આવે છે તેમાં નોંધાએલી બધીજ રિવાયતો સહીહ છે.

શીઆ કિતાબોમાં રિવાયતો દરમ્યાન જે વિરોધાભાસ અને ટકરાવ જોવા મળે છે તેમાંથી ઘણી બધી રિવાયતોની સનદ ઝઈફ છે અને તેમાંથી ખુબજ ઓછી રિવાયતો ભરોસાપાત્ર છે અને તે તાકતવર દલીલોની સાથે બયાન થાય છે અને ઈમામીયા ઈસ્નાઅશરીની સહીહ કિતાબોમાં તાએફા પહેલેથી લઈને છેલ્લે સુધી અકબંધ છે. એટલે કે તેના સદ્ર રસુલે અકરમ (સ.અ.વ.) અથવા કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) છે.

પરંતુ એહલે સુન્નત હઝરાત એ માન્યતા ધરાવે છે કે સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ કે જેને સહીહૈન કહેવામાં આવે છે, તેમાં નોંધાએલી તમામ રિવાયતો સહીહ છે અને ચોક્કસ તેઓના ઘણા ખરા સંશોધકનકારો સહીહૈનના બારામાં એમ કહેતા જોવા મળે છે કે તે કિતાબના તમામ શબ્દો અને વાકયો અકબંધ છે. જેમકે સિયુતી, અલ બલ્કીની, ઈબ્ને સલાહ, ઈબ્ને કસીર, શાફેઈ મસ્લકના લોકો જેમકે અબુ ઈસ્હાક, અબુ હામીદ અસ્ફરાએની, કાઝી અબુ તૈયબ અને તેવીજ રીતે હમ્બલી, અશઅરી અને એહલે હદીસના અમુક સુફી લોકો પણ એજ માન્યતા ધરાવે છે.

તારણ એ કે એહલે સુન્નત હઝરાતને ત્યાં હદીસ સહીહ હોવાનું માપદંડ કિતાબ સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ છે.

આપણી મૂળ ચર્ચા:

શું શીઆઓ કુરઆનમાં ફેરફારની માન્યતા ધરાવે છે? કે પછી તે માન્યતા એહલે સુન્નત હઝરાતની છે? ઉદાહરણ રૂપે અમુક આયતો અને તેની તફસીરો એહલે સુન્નત હઝરાતના આલીમોથી નોંધી રહ્યા છીએ અને વાંચકો ઉપર એ ફેંસલો છોડી રહ્યા છીએ કે હવે તેઓજ નક્કી કરે કે વાસ્તવિકતા શું છે. મર્હુમ અલ્લામા હામીદ હુસૈન હિન્દી કુદ્સ સરર્હિએ ઘણી બધી આયતોનું વર્ણન કર્યું છે. અમે અહિંયા અમુક આયતો વર્ણવીશું.

સુરએ અહઝાબ:

وقال السیوطی فی (الاتقان)

قال۔ ای ابوعبید:- حدثنا اسماعیل بن جعفر عن زر بن جیش قال: قال ابی بن کعب کایٍ تعدّ سورۃ الاحزاب؟ قلتُ: اثنتین و سبعین اۤیۃ اور ثلاثًا و سبعین ا-ۤیہ۔۔۔

‘સિયુતી અલ અત્કાનમાં લખે છે કે ઝર કહે છે કે ઓબ્ય ઈબ્ને કઅ્બે મને કહ્યું: અય ઝર! સુરએ અહઝાબની કેટલી આયતો છે? મેં કહ્યું: 72 અથવા 73 આયતો છે. પછી કહે છે કે નહિ, બલ્કે તેમાં સુરએ બકરહની માફક આયતો છે અથવા તેનાથી પણ વધારે.’

આયતુર રજ્મ:

સહીહ બુખારીમાં છે કે:

ઈબ્ને અબ્બાસે નોંધ કરી છે કે ઉમરે મિમ્બર ઉપરથી બયાન કર્યું છે કે ખુદાવંદે મોતઆલે મોહમ્મદ (સ.અ.વ.)ને હક્કની સાથે મોકલ્યા અને તેમના ઉપર કિતાબ નાઝીલ કરી અને તે આયતોમાંથી એક આયત, આયતે રજ્મ છે કે જેને અમે વાંચી અને સમજ્યા. તેમજ તેજ આયત મુજબ રસુલે ખુદા (સ.અ.વ.) ઝીના કરનારાઓને સંગસાર કરતા. ત્યારબાદ અમે પણ તેમની પધ્ધતિ મુજબ અમલ કરવા લાગ્યા. પરંતુ મને ડર લાગે છે કે એક સમય આ ઉમ્મત ઉપર એવો આવશે કે કહેનારાઓ કહેશે કે ખુદાની કસમ! આયતે રજ્મ કુરઆનમાં જોવા મળતી નથી અને પછી એક હુકમ જેને ખુદાએ મોકલ્યો તેને છોડી દેવાથી ઉમ્મત ગુમરાહીમાં પડી જશે.

નબી (સ.અ.વ.) ઉપર સલવાતની આયત:

હમીદા બિન્તે અબુ યુનુસ નકલ કરે છે કે મારા પિતા 80 વર્ષના હતા અને આ આયતને આયેશાની મુસ્હફમાંથી મારા માટે આવી રીતે પઢતા હતા.

إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا و علی الذین یصلون  الصفوف الاول،

હમીદા કહે છે કે આ તે સમયની વાત છે કે હજુ ઉસ્માને કુરઆન બદલ્યું ન હતું.

આ આયતો ઉપરાંત અલ્લામા મીર હામીદ હુસૈન હિન્દી કુદ્સ સરર્હિએ બીજી ઘણી બધી આયતોનું વર્ણન કર્યું છે. જેમાં સુન્ની રિવાયતો મુજબ કુરઆનની આયતોમાં જોવા મળતી કમી અને ભૂલ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. જેમકે સુરએ બરાઅત, સુરએ હફદ વ ખલઅ, આયતુલ જેહાદ, આયતુર રઝા, આયતે હમીય્યતે જાહેલીય્યત, આયતે સલાતુલ વુસ્તા, નમાઝે જુમ્આની આયતો, આયતે તલાક અને આયતે તબ્લીગ. અંદાજે 20 જેટલી આયતોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે 20 આયતો માટે એકથી વધારે હદીસો એહલે સુન્નત હઝરાતની કિતાબોથી નોંધવામાં આવી છે જે સ્પષ્ટ રીતે તે આયતોમાં જોવા મળતી કમી, ભુલ અથવા તો વધારા તરફ ઈશારો કરી રહી છે.

ત્યાર પછી અલ્લામા મીર હામીદ હુસૈન હિન્દીએ દલીલો સાથે જવાબ આપ્યો છે કે એહલે સુન્નત હઝરાતની સહીહ કિતાબોમાં કુરઆનમાં ફેરફાર અને કમી સાબિત થાય છે પરંતુ શીઆ આલીમો દરમ્યાન તેવા ફેરફારો જોવા મળતા નથી.

ફૈઝાબાદીના જવાબમાં અલ્લામા હામીદ હુસૈન હિન્દી કુદ્સ સર્રાહએ ઉપરોકત વર્ણવેલી આયતો અને સુરાઓમાં કમી, ભુલ અથવા તો વધારો એહલે સુન્નત હઝરાતની નજીક યોગ્ય હોવાને સાબિત કર્યું છે. સિયુતી અને ફખ્રે રાઝી જેવા મહાન સુન્ની તફસીરકારોએ તે રિવાયતોને સહીહ ઠેરવી છે.

અંત:

લેખના અંતમાં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે:

1) અગર એક શબ્દ અથવા અમુક શબ્દો કુરઆને કરીમમાંથી કાઢી નાંખવામાં આવે અથવા તેમાં વધારો કરી દેવામાં આવે અને તે પણ એવી રીતે હોય કે તેનાથી કુરઆનની વાસ્તવિકતામાં કોઈ ફેર ન પડે તો પણ આ કાર્યને ફેરફાર કહેવામાં આવશે.

2) એવીજ રીતે કુરઆને કરીમના સુરાઓ અને આયતોમાં કંઈ વધારો કે ઘટાડો કરવાને પણ ફેરફાર કહેવામાં આવશે.

3) એવીજ રીતે અગર કોઈ એમ કહે કે હાલમાં કુરઆને કરીમમાં જે કંઈ છે તે કલામ ખુદાના કલામ નથી તો તેવી વાત પણ કુરઆનમાં ફેરફાર કહેવાશે.

ખુલાસો એ કે શીઆઓ ઉપર ફેરફારનો આરોપ તદ્દન જૂઠો છે અને અયોગ્ય છે. બલ્કે વાસ્તવિકતા તેનાથી ઉલ્ટી છે. એટલા માટે કે એહલે સુન્નત હઝરાતની રિવાયતોમાં આ ફેરફાર સ્પષ્ટ રીતે સાબિત થાય છે.

ખુદા! ઈમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવે અને તેમના વડે કુરઆનની વાસ્તવિકતાને જાહેર ફરમાવે. ઈલાહી આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*