અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ખિલાફત માટે તલ્વાર શા માટે ન ઉઠાવી?

વાંચવાનો સમય: 6 મિનિટ

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી ઈસ્લામી સમાજમાં જે ફેરફારો આવ્યા તેમાંથી એક પયગમ્બર (સ.અ.વ.)ની આલને એક બાજુ કરી દેવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને એક કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ શૈખૈનની ખિલાફતના ઝમાનામાં તેને ભુલાવી દેવામાં આવ્યું. આલે મોહમ્મદ (અ.મુ.સ.)ને ન ફકત એ કે હુકુમતના કાર્યોથી દૂર કરી દેવામાં આવ્યા બલ્કે તેમની બાબત આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવેલા કથનો અને હદીસોને પણ બયાન કરવા ઉપર પાબંદી લગાવી દેવામાં આવી કે જેથી લોકો તેમના ફઝાએલ અને મનાકીબથી બેખબર અને અજાણ રહે. તેમજ તે વડે ઉમ્મતે મુસ્લેમામાં તેમના પ્રભાવને ઓછો કરી શકવામાં આવે. સાથોસાથ તેમના હક્કને છીનવીને તેમને કમઝોર કરી દેવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આખરી હજ્જથી પરત ફરતા સમયે ગદીરે ખુમના મૈદાનમાં હઝરત અલી (અ.સ.) પોતાના ખલીફા, વસી અને જાનશીન હોવાનું એઅલાન કર્યું હતું. એ વાતને તમામ એહલે ઈસ્લામ કબુલ કરે છે કે આં હઝરત (સ.અ.વ.)એ મૌલા અલી (અ.સ.) સંબંધીત આ એઅલાન ફરમાવ્યું હતું કે:

‘જેનો હું મૌલા છું તેના આ અલી (અ.સ.) મૌલા છે.’

એહલે સુન્નત હઝરાત આ વાતને તો કબુલ કરે છે પરંતુ તેમને પોતાના પહેલા ખલીફા નથી માનતા. તેમનું માનવું છે કે અલી (અ.સ.)એ ચૂપકીદી ધારણ કરી અને બીજાઓની ખિલાફતનું સમર્થન કર્યું છે. રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે:

‘અલી (અ.સ.) હક્કની સાથે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે.’

એટલા માટે અલી (અ.સ.)નું શૈખૈનની ખિલાફતની સામે ચૂપકીદી ધારણ કરવી તે દશર્વિે છે કે તેઓ શૈખૈનની ખિલાફતથી રાજી હતા. એહલે સુન્નત હઝરાત અને તેઓ જેવી વિચારધારા ધરાવનારાઓ મૌલા અલી (અ.સ.)ની ચૂપકીદીને શૈખૈનની હુકુમતને સમર્થન સમજે છે. જ્યારે કે શીઆઓ એ માન્યતા ધરાવે છે કે ખિલાફત એ અલી (અ.સ.)નો હક્ક હતો અને તેને તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો. આ ખિલાફત અલી (અ.સ.)ને અલ્લાહ તઆલા અને રસુલે ખુદા (સ.અ.વ.)ના હુકમથી અતા કરવામાં આવી હતી. જે કોઈ પણ તેમની પાસેથી છીનવી શકતું નથી. એટલા માટે મૌલા અલી (અ.સ.)ને શું જરૂરત હતી કે તેઓ પોતાની ખિલાફતનો એકરાર બીજાઓ પાસેથી લ્યે.

જો કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ચૂપકીદી ધારણ કરવી અને તલ્વાર ન ઉઠાવવી તે કંઈ વિરોધીઓના હક્ક ઉપર હોવાની દલીલ બનતું નથી. હક્ક હંમેશા અલી (અ.સ.)ની સાથેજ છે ચાહે તેમની વિરૂધ્ધમાં કોઈ પણ હોય. તેમ છતાં આપ (અ.સ.)એ પોતાના હક્કને હાંસીલ કરવા માટે તલ્વારનો ઉપયોગ નથી કર્યો. આ ચૂપકીદી ધારણ કરવાના ઘણા બધા કારણો છે. આ લેખમાં તેમાંથી અમૂક કારણો ઉપર આપણે ઉડતી નજર નાંખીશું.

‘ઉસે સય્યાદને કુછ, ગુલને કુછ, બુલબુલને કુછ સમજા

ચમનમે કિત્ની મઅનાખેઝથી એક ખામોશી મેરી’

હઝરત અલી (અ.સ.)એ ખિલાફતને પ્રાપ્ત કરવા માટે પોતાના વિરોધીઓની વિરૂધ્ધ તલ્વાર કેમ ન ઉઠાવી તેના અસંખ્ય કારણો કિતાબોમાં જોવા મળે છે. તેમાંથી એક કારણ એ છે કે હઝરત અલી (અ.સ.)ને ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)એ તે વાતથી રોકયા હતા. બેહારૂલ અન્વાર અને બીજી શીઆ કિતાબો ઉપરાંત એહલે સુન્નત હઝરાતના આલીમોએ પણ તે વાતને પોતાની કિતાબોમાં નોંધી છે. ઉદાહરણરૂપે એક રિવાયત અહીં રજુ કરવામાં આવી રહી છે.

قال رسول اللہ : یا علی انت بمنزلۃ الکعبۃ  توءتی  ولاتاتی،  فان  اتاک ہٰوءلاء القوم فسلموہا الیک۔یعنی الخلافۃ۔ فاقبل منہم وان تاتوک فلا تاتہم حتی یاتوک۔

‘પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ મૌલા અલી (અ.સ.)ને ફરમાવ્યું:

‘અય અલી! તમારો મરતબો કાઅબાની જેવો છે. લોકો તેની પાસે જાઈ છે, તે કંઈ લોકો પાસે જતું નથી. બસ અગર આ ઉમ્મત તમને પોતાના ખલીફા માની લે તો તમે કબુલ કરી લેજો અને અગર તેઓ તમારી પાસે ન આવે તો તમે પણ તેઓ પાસે ન જતા. ત્યાં સુધી કે લોકો ખુદ તમારી પાસે આવે અને તમને કબુલ કરે.’

આ પ્રકારની એક બીજી રિવાયત એહલે સુન્નત હઝરાતની કિતાબ ગાયતુલ મરામમાં પણ નોંધવામાં આવી છે.

یا علی انما انت بمنزلۃ الکعبۃ  توءتی  ولاتاتی،  فان  اتاک ہٰوءلاء القوم فمکنوالک ہٰذا الامر فاقبلہ منہم و ان لم یاتوک فلا تاتہم

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ.)ને ફરમાવ્યું:

‘અય અલી! તમારો મરતબો તો બસ કાઅબાની જેવો છે. લોકો તેની પાસે જાય છે, તે લોકો પાસે જતું નથી. બસ અગર આ કૌમ આ અમ્ર (ખિલાફત)ને તમારા હવાલે કરી દે તો તમે કબુલ કરી લેજો અને અગર આ લોકો તમારી પાસે ન આવે તો તમે પણ તેઓ પાસે ન જતા.’

આ રિવાયતોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ રસુલે ખુદા (સ.અ.વ.)ની નસીહત ઉપર અમલ કર્યો અને ચૂપકીદી ધારણ કરી. પરંતુ ઠેક ઠેકાણે તેઓએ પોતાનો હક્ક લોકો ઉપર સ્પષ્ટ કર્યો અને લોકોને તે પ્રસંગો અને હદીસો યાદ દેવડાવતા રહ્યા કે જેમાં આં હઝરત (સ.અ.વ.)એ તેમની ખિલાફતનું વર્ણન કર્યું હતું. પરંતુ લોકોએ તેમની વાતને કબુલ ન કરી. એટલા માટે આપ (સ.અ.વ.)ની વસીયત ઉપર અમલ કરીને અલી (અ.સ.)એ ચૂપકીદી ધારણ કરી અને તલ્વાર ન ઉઠાવી.

કાઅબા પાસે ન જવાથી કંઈ કાઅબાનું મહત્ત્વ અને મહાનતા ઓછી થતી નથી અને ન તો કાઅબા તરફ ન જનારાઓની હક્કાનીય્યત સાબિત થાય છે. બલ્કે કાઅબાથી દૂર થઈ જવું એ ખુદ ગુમરાહીની નિશાની છે. કાઅબાની હક્કાનીય્યત લોકોના તવાફ કરવા ઉપર આધારિત નથી. બલ્કે તેની હકીકત એકદમ સ્પષ્ટ અને સાબિત છે. કાઅબા લોકોની પાસે જઈને પોતાનો તવાફ નથી કરાવતો તો પછી હઝરત અલી (અ.સ.) લોકો પાસે કેવી રીતે જાય?

બીજા કારણનું ઉલ્લેખ જે હદીસોમાં જોવા મળે છે તે એ છે કે ખુદ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને એ ડર હતો કે કયાંક મુસલમાનો મુરતદ (દીનથી ફરી જવું) ન થઈ જાય. તે સમયે ઈસ્લામ પોતાના પ્રાથમિક તબક્કામાં હતો અને ઘણા ખરા લોકોએ ઈસ્લામ કબુલ કર્યાને પાંચ વર્ષ કે તેથી પણ ઓછો સમય પસાર થયો હતો. એ પરિસ્થિતિમાં ખિલાફત માટે મુસલમાનોના બે સમૂહો દરમ્યાન આંતરિક ઝઘડો તે લોકોને ઈસ્લામથી ફેરવી દેત. ન ફકત એ કે નવા મુસલમાનો ફરીથી કુફ્ર ઈખ્તેયાર કરી લેત બલ્કે જે લોકો ઈસ્લામ પ્રત્યે આકર્ષિત હતા તેઓ પણ ઈસ્લામથી દૂર થઈ જાત. શૈખ સદુક (અ.ર.)એ કિતાબ એલલુશ્શરાયેઅમાં એક પ્રકરણમાં આ વિષયની હદીસો એકઠી કરી છે. તેમાંની એક રિવાયત મુજબ આપણા છઠ્ઠા ઈમામ (અ.સ.)ના સહાબી કે જેમનું નામ ઝોરારાહ ઈબ્ને આઅયુન હતું તેમણે જ્યારે ઈમામ (અ.સ.)ને સવાલ કર્યો કે શું કારણ હતું કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ લોકોને પોતાની ખિલાફત તરફ દઅવત ન આપી. તો તેના જવાબમાં ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું કે: તેમને એ વાતનો ડર હતો કે કંઈક લોકો મુરતદ (દીનથી ફરી જવું) ન થઈ જાય.

عن زرارۃ قال: قلت  لابی عبد اللہ ؑ مامنع  امیر  المؤمنین علیہ السلام  ان یدعو  الناس  الی نفسہ، قال خوفا  ان یرتدوا

કદાચ એજ કારણ રહ્યું હોય કે રસુલે અકરમ (સ.અ.વ.)એ પણ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને ખિલાફતને છીનવી લેનારાઓ વિરૂધ્ધ તલ્વાર ઉઠાવવાથી રોકયા હોય. ખુદ મૌલાએ કાએનાત અલી (અ.સ.) માટે પણ એ વાત સહન કરી શકાય તેવી ન હતી કે તેમના કારણે લોકો ઈસ્લામ પ્રત્યે બદગુમાની કરે. તે લોકોનું શહાદતૈન પઢવું એટલે કે લાએલાહ ઈલ્લલ્લાહ, મોહમ્મદુર રસુલુલ્લાહનો એકરાર કરવો ઓછામાં ઓછુ તેમને મુસલમાન તો બનાવી રહ્યું હતું. અગર ખિલાફતનો ઝઘડો ઉદ્ભવે તો શાયદ તે લોકો આ કલેમાથી પણ દૂર થઈ અને કાફીર થઈ જાય. બીજું એ પણ શકય હતું કે મુસલમાનોના આંતરિક ઝઘડાનો ફાયદો વિરોધીઓ ઉઠાવે અને ઈસ્લામનો વિકાસ થવા ન દે.

ત્રીજું કારણ કે જેના લીધે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ચૂપકીદી ધારણ કરી એ તેમની જેવા વિચારો ધરાવતા મદદગારોની કમી હતી. કોઈ પણ ચળવળ માટે ખાલીસ મદદગારોની જરૂરત પડે છે. મૌલાએ કાએનાતને પણ ખિલાફતને છીનવી લેનારાઓનો મુકાબલો કરવા માટે ખાલીસ મદદગારોની જરૂરત હતી. તેમને પોતાના મકસદ સુધી પહોંચવા માટે એવા સહાબીઓની જરૂરત હતી કે જે ન ફકત આપનો સાથ આપે બલ્કે એવા લોકોની જરૂરત હતી કે જેઓ તેમના મકસદને સારી રીતે જાણતા પણ હોય. એવું હરગીઝ ન હતું કે અલી (અ.સ.) માટે એક લશ્કર તૈયાર કરવું શકય ન હતું. બલ્કે જેવા ખાલીસ મદદગારોની જરૂરત હતી તે ઉપલબ્ધ ન હતા. આ વાસ્તવિકતાની રજુઆત મૌલા અલી (અ.સ.)એ અબુ સુફયાનને પણ કરી હતી. જ્યારે તે તેમની મદદ કરવાનો ઈરાદો કરીને આવ્યો અને અબુ સુફયાને એ પ્રસ્તાવ મુકયો કે ‘અગર તમે ચાહો તો હું આપના સમર્થનમાં બની ઉમય્યા અને તેના સાથી કબીલાઓનું એક લશ્કર તૈયાર કરું કે જેની મદદ વડે આપ તે બન્ને (શૈખૈન)થી તમારા કાકાના દિકરા ભાઈની હુકુમતને ફરીવાર પ્રાપ્ત કરી લ્યો.’

હઝરત અલી (અ.સ.)એ તેને એક જવાબ આમ પણ આપ્યો.

لَوْ وَجَدْتُ اَعْوَانًا  اَرْبَعِیْنَ  رَجُلًا  مِنَ   الْمُہَاجِرِیْنَ  وَ  الْاَنْصَارِ  مِن  السَّابِقَۃِ لَنَا ہَضْتُ ہٰذَا الرَّجُلَ

‘અગર મુહાજીરો અને અન્સારમાં પહેલા ઈમાન લાવનારાઓમાંથી 40 લોકો પણ મારો સાથે આપત તો હું તે લોકોથી જરૂર જંગ કરત…’

આ વાકયથી એ વાત સ્પષ્ટ જાહેર થઈ જાય છે કે અલી (અ.સ.)ને ન ફકત તે બન્નેની હુકુમત પ્રાપ્ત કરવી હતી બલ્કે એવા લોકોની જરૂરત હતી કે જેઓ ખાલીસ મુસલમાનો હોય. જેઓએ દીનમાં સબકત હાસીલ કરી હોય અને જેઓ દીનના દર્દને સમજતા હોય. આપ (અ.સ.)ની મદદ માટે એક લશ્કર તો તૈયાર થઈ જાત પરંતુ આ હુકુમતને પ્રાપ્ત કરવી એ પરિણામે ઈસ્લામને નુકસાન પહોંચાડત. હવે અગર અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) મદદગારોની કમી હોવા છતાં ખિલાફતને પ્રાપ્ત કરવા માટે જંગ કરત તો ચોક્કસ વિરોધીઓ તેમના ઉપર પ્રભુત્વ હાંસીલ કરી લેત અને તેમને તથા તેમના સાથીઓને કત્લ કરી નાખત. પછી આ વિરોધીઓ દીને ઈસ્લામની છબીને એટલી હદે બગાડી નાખત કે તેમાં હકીકી ઈસ્લામનું કોઈ સ્વરૂપ જ બાકી ન રહેત. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ચૂપકીદીએ ઈસ્લામને ખુબજ મોટા નુકસાનથી બચાવી લીધું છે. આજે દુનિયામાં એ તો જરૂર સમજે છે કે ઈસ્લામની બે સુરતો જોવા મળે છે. એક અલી (અ.સ.) અને તેમના ઘરાનાનો ઈસ્લામ અને બીજો તેમના વિરોધીઓનો ઈસ્લામ.

તેનાથી જ જોડાએલું બીજું એક કારણ એ છે કે આપ (અ.સ.) ચાહતા ન હતા કે પોતાના એહલેબૈત (અ.મુ.સ.) અને મુખ્લીસ શીઆઓની ઝીંદગીને ખતરામાં નાંખે.

નહજુલ બલાગાહમાં મૌલાએ કાએનાત અલી (અ.સ.)નો આ જુમલો જોવા મળે છે કે:

۔۔۔فَنَظَرْتُ  فَاِذَا  لَیْسَ  لِی  رَافِد وَ لَا ذَابّ  وَلَا مُسَاعِد  اِلَّا  اَہْلَ  بَیتِی  فَضَنِنْتُ بِہِمْ  عَن  المَنِیَّۃِ۔۔۔

‘બસ મેં જોયું કે મારા ઘરવાળાઓ સિવાય કોઈ મારી મદદ કરનાર નથી કે મારો બચાવ કરે. પછી મેં ન ચાહ્યું કે તેઓને મૌતને હવાલે કરું (એટલા માટે મેં ચૂપકીદી ધારણ કરી અને સબ્ર કરી)….’

મુસલમાનોએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આલ સાથે કેવું વર્તન કર્યું? તે બાબતનું એઅલાન ઈતિહાસ આજે પણ ચીખી ચીખીને કરી રહ્યું છે. ઈતિહાસના પાનાઓ એ વાતના સાક્ષી છે કે સત્તાને પ્રાપ્ત કરવા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)ને કેવી રીતે મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. તેઓમાંથી અમૂકને ઝહેર આપવામાં આવ્યું તો અમૂકને તલ્વાર વડે શહીદ કરી દેવામાં આવ્યા. અગર અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ખિલાફત માટે તલ્વાર ઉઠાવત તો તેઓના વિરોધીઓ ચોક્કસ એહલેબૈત (અ.મુ.સ.)ને એ બહાના હેઠળ કત્લ કરી નાખત અને હિદાયતના ચિરાગને હંમેશા હંમેશા માટે બુજાવી નાખત.

આ અમૂક મહત્ત્વના કારણો ઉપરાંત મઅસુમીન (અ.મુ.સ.)ના કથનોમાં અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ચૂપકીદી ધારણ કરવાના બીજા પણ ઘણા બધા કારણો બયાન કરવામાં આવ્યા છે. આપ (અ.સ.)એ તે પુરઆશોબ માહોલમાં જે પણ કદમ ઉઠાવ્યા તે ઈસ્લામ અને મુસલમાનોની ભલાઈ માટે હતા. અલી (અ.સ.) જેવા બહાદુર ઈન્સાન માટે જંગ કરવી તો આસાન વાત હતી. પરંતુ આપ (અ.સ.)એ પોતાના માટે ખુબજ સખત અને મુશ્કેલ રસ્તો પસંદ કર્યો અને રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત ઉપર અમલ કરીને સબ્ર કરી. આ પસંદગીએ ન ફકત આપ (અ.સ.)ના એહલેબૈત (અ.મુ.સ.) અને તે સમયના શીઆઓની જાનનું રક્ષણ કર્યુ બલ્કે હંમેશા હંમેશા માટે આપ (અ.સ.)ના શીઆઓ માટે તેઓના દુશ્મનોથી રક્ષણનો રસ્તો પૈદા કરી દીધો. આ વાત પણ ચમકતા સૂર્ય માફક છે કે અલી (અ.સ.) શૈખૈનની ખિલાફતોથી રાજી ન હતા. આપ (અ.સ.)ની ચૂપકીદી ધારણ કરવાનો અર્થ બિલ્કુલ એ નથી કે આપ પોતાના વિરોધીઓના અમલથી રાજી હતા અથવા તો આપ (અ.સ.) પોતાની ખિલાફતના દાવાને ભુલી ગયા હતા. બલ્કે આપ (અ.સ.)એ વારંવાર ખિલાફત છીનવી લેનારાઓને ઝાલીમ અને પોતાને મઝલુમ જાહેર કર્યા છે. તેનું સબુત આપ (અ.સ.)નો મશ્હુર ખુત્બો, ખુત્બએ શિકશીકયા નહજુલ બલાગાહમાં મૌજુદ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*