હઝરત અલી (અ.સ.): સૌથી બલંદ અને સૌથી શ્રેષ્ઠ પરંતુ પ્રથમ મઝલુમ

વાંચવાનો સમય: 8 મિનિટ

પવિત્ર મઝહબ ઈસ્લામમાં બલ્કે સમગ્ર દુનિયામાં ઈલ્મ અને મઅરેફતને અત્યંત ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. આ તે ઈલ્મ અને મઅરેફત જ છે કે જે ઈન્સાનને તરક્કીના શિખરે પહોંચાડે છે અને તે જ તેની વધારે પ્રગતિ અને સંપૂર્ણતાનું કારણ પણ છે. તે મઅરેફત કે જેની કદરો-કિંમતનો અંદાજો લગાવી શકાતો નથી તે ઉસુલે દીનની મઅરેફત છે. આ મઅરેફત વડે જ અમલમાં વજન પૈદા થાય છે તેમજ આ મઅરેફત જ કાર્યને ખુદાવંદે આલમની બારગાહ સુધી પહોંચાડે છે. આ મઅરેફત જ ઈન્સાનને જાહેલીય્યતની મૌતથી અને કુફ્રની ઝીંદગીથી છૂટકારો અપાવે છે. આ મઅરેફત ઉપર પાબંદી લગાવવી એ સૂર્ય સાથે સંબંધ તોડવા બરાબર છે અને સૂર્ય સાથે સંબંધ તોડવાનું પરિણામ અંધકાર અને ગુમરાહી સિવાય બીજું કંઈ હોય શકતુ નથી… લાખ દિવાઓ પ્રકાશિત કરવામાં આવે પરંતુ તે સૂર્યની જગ્યા લઈ શકતા નથી.

ઉસુલે દીનમાં ઈમામત એ એવો એકમાત્ર અકીદો છે કે જે બધા જ અકીદાઓ, એહકામ, અખ્લાક અને આઅમાલનું રક્ષણ કરનારો છે.

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ પોતાની દઅવતની શરુઆતથી લઈને પોતાની ઝીંદગીની આખરી પળો સુધી એ જ ઈમામતની તબ્લીગ કરી… લોકોને પ્રથમ દિવસથી જ તે ઈમામત તરફ ધ્યાન દોરતા રહ્યા કે જેનું કુરઆને કરીમે અસંખ્ય જગ્યાઓએ કાયદેસર રીતે વર્ણન કર્યું છે. કુરઆને કરીમે પોતાની આયતોમાં જેટલી હદે એહલેબૈત (અ.મુ.સ.)માંથી ઈમામત ધરાવનારાઓનું વર્ણન કર્યું છે, તેટલુ કોઈ પણ સહાબીનું વર્ણન નથી કર્યું. એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને હઝરત અલી (અ.સ.)ના બારામાં ન ફકત આયતો નાઝીલ થઈ છે, બલ્કે સંપૂર્ણ સુરાઓ તેમની શાનમાં નાઝીલ થયેલા છે. શીઆ અને સુન્ની તફસીરકારો અને ઈતિહાસકારોએ પોત-પોતાની કિતાબોમાં તે આયતો અને સુરાઓનું વર્ણન કર્યું છે કે જે એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શાનમાં નાઝીલ થયેલા છે.

શીઆ અને સુન્ની આલીમોએ પોત-પોતાની કિતાબોમાં એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારાની હદીસોને નોંધી છે. બલ્કે અસંખ્ય બુઝુર્ગ આલીમો અને હદીસવેત્તાઓએ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ફઝાએલ અને મનાકીબ તેમજ તેમનાથી સંબંધિત ખાસિયતોની નોંધ પોતાની કિતાબોમાં કરી છે.

ફઝાએલ અને મનાકીબની એટલી હદે હદીસો અને એટલી બધી કિતાબો બીજા કોઈ સહાબીના બારામાં જોવા મળતી નથી. બલ્કે તે બધી હદીસો કે જે સઘળા સહાબીઓના બારામાં વારીદ થયેલી છે, તેને અગર એકઠી કરવામાં આવે તો પણ જે એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલતમાં વારીદ થયેલી છે, તેની સરખામણીમાં એક ટકા પણ નથી.

આ તે સમયની હાલત છે કે જ્યારે એહલેબૈત (અ.મુ.સ.) અને ખાસ કરીને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ફઝાએલ અને મનાકીબને બયાન કરવા ઉપર સખત પાબંદી લગાવવામાં આવેલી હતી અને બયાન કરનારાઓને સજા કરવામાં આવતી હતી. જનાબે અબુઝર, જનાબે અમ્મારે યાસીર, જનાબે મિસમે તમ્માર અને જનાબે રુશૈદ હુજરી તેના ઉદાહરણો છે. એક બાજુ સખત પાબંદી હતી અને બયાન કરનારાઓને સજા કરવામાં આવતી હતી તો બીજી બાજુ અમૂક લોકોની ફઝીલતો બયાન કરવા ઉપર ઈનામ અને ભેટ-સોગાદો અતા કરવામાં આવતી હતી. હોદ્દો અને માન આપવામાં આવતુ હતું. તેઓ પાસે મિમ્બર હતુ, લોકો હતા, કલમ હતી અને પ્રચાર અને પ્રસારના માધ્યમ, જાહેરાત, તબ્લીગ અને પ્રપંચોના દરેક માધ્યમો તેઓની પાસે હતા. તેમ છતાં તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ની સરખામણીમાં બીજાઓની એક ટકા ફઝીલત પણ એકઠી કરી શકયા નહી. આ પણ ત્યારે છે જ્યારે બીજાઓના ફઝાએલ અને મનાકીબના બારામાં બયાન કરેલી હદીસોને સહીહ કે ઝઈફના માપદંડ ઉપર પરખવામાં ન આવે. અગર હકીકતમાં તે માપદંડ ઉપર ચકાસવામાં આવે તો તેની સંખ્યા એક ટકા પણ ન થાય.

શું આ ઈસ્લામ અને મુસલમાનોની કમનસીબી નથી કે જેઓના બારામાં એક ટકા હદીસો પણ જોવા ન મળતી હોય, કુરઆને કરીમની એક પણ આયત ન હોય તેઓ તો અત્યંત માનનીય હોય અને તેઓની સીરત મુસલમાનો દરમ્યાન પ્રચલિત હોય અને જેઓના બારામાં ફઝાએલ અને મનાકીબના સમંદર જોવા મળતા હોય તેઓ મઝલુમ હોય, તેઓની સીરત અને ચારિત્ર્ય મુસલમાનો ઈખ્તેયાર કરવા તૈયાર ન હોય. અગર કોઈ ઈન્સાન કોઈ એક સહાબીના બારામાં અણગમતી વાત કહે તો તેનો જબરદસ્ત વિરોધ કરવામાં આવે અને એહલેબૈત (અ.મુ.સ.)ના પવિત્ર મઝારોને તોડી પાડવામાં આવે તો મુસલમાન ખામોશીથી તમાશો જોતા રહે.

ચારિત્ર્યનો આ વિરોધાભાસ અક્કલ અને સમજણથી ઉચ્ચ છે. એક તરફ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલતોની કિતાબોથી લાઈબ્રેરીઓ ભરેલી હોય અને બીજી તરફ તે જ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઈસ્લામી ઈતિહાસની પહેલી મઝલુમ શખ્સીય્યત હોય. આ કેવો વિરોધાભાસ છે? જે અલી (અ.સ.)ના બારામાં રિવાયતો જોવા મળતી હોય કે તેઓ ઈસ્લામ લાવવામાં સૌ પ્રથમ હતા, તેઓના જંગના મૈદાનમાં જેહાદના કારનામા જોવા મળતા હોય, જેમની ઈબાદતોનું વર્ણન જોવા મળતુ હોય, જેમના અખ્લાક અને આદાબને બયાન કરવાથી આલીમો અને ખતીબો આજીઝ હોય. તે જ અલી (અ.સ.) મઝલુમ હોય અને તેમની ઉપર ઝુલ્મ કરનારા અને ઝુલ્મ માટે પરિસ્થિતિ સાનુકૂળ બનાવનારા લોકોને બિરદાવવામાં આવી રહ્યા હોય. આ કેવો વિરોધાભાસ?

અલી (..)ની વિલાયતનો ઈન્કારખુદાવંદે આલમનો દર્દનાક અઝાબ:

ખુદાવંદે આલમે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ને ‘રેહમતુલ્લીલ આલમીન’એટલે કે ‘દુનિયાઓ માટે રેહમત’બનાવીને મોકલ્યા છે. તેમનું પાકીઝા વુજુદ સમગ્ર ઝમીન અને આસ્માનવાસીઓ, અર્શ, કુરસી, બલ્કે અલ્લાહ (સુ.વ.ત.) સિવાય સઘળા લોકો માટે રેહમત જ રેહમત છે. ખુદાવંદે આલમે તેમને ‘રઉફુર રહીમ’એટલે કે ‘માફ કરનાર અને દયાળુ’જેવા લકબથી નવાઝયા છે. તેમને લોકો માટે ‘લિન્ત લહુમ’‘રહેમ દિલ’કરાર દીધા છે. આ જ કારણ છે કે અગાઉની ઉમ્મતોથી વધારે રસુલે અકરમ (સ.અ.વ.)ની ઉમ્મતે તેમને વધારે ઈજાઓ પહોંચાડી, તેમને તેમના વતનથી બહાર કાઢી મુકયા, તેમની સાથે સતત જંગો કરી… પરંતુ પયગમ્બરે રેહમત (સ.અ.વ.)એ કયારેય પોતાની ઉમ્મત માટે બદ્દોઆ નથી કરી, તેમજ કયારેય ઉમ્મત માટે અઝાબની માંગણી નથી કરી. બલ્કે હંમેશા તેઓ માટે મગ્ફેરત અને રેહમતની દોઆ કરતા રહ્યા.

ખુદાવંદે આલમ કુરઆને કરીમમાં સુરએ અન્ફાલની આયત નં. 32 માં ઈરશાદ ફરમાવે  છે કે:

وَإِذْ قَالُوا اللّٰهُمَّ إِنْ كَانَ هٰذَا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيْمٍ

જ્યારે કાફીરો અને મુશ્રીકોએ કુરઆન અને ઈસ્લામની મજાક ઉડાવીને કહ્યું: ખુદા અગર (ઈસ્લામ અને કુરઆન) હક્ક છે અને તારી તરફથી છે તો અમારા ઉપર આસ્માનથી એક પથ્થર નાઝીલ કર અથવા અમને દર્દનાક અઝાબમાં સપડાવી દે.”

અર્થાત જેવી રીતે અગાઉની ઉમ્મતોએ જ્યારે પોતાના ઝમાનાના નબી અને રસુલ તથા તેમના દીનને જુઠલાવ્યો ત્યારે ખુદાવંદા આલમે તેઓ ઉપર અઝાબ નાઝીલ કરીને એ સ્પષ્ટ કરી દીધુ કે તમે લોકો જેને જુઠલાવી રહ્યા છો તે હક્ક છે અને તે ખુદાવંદે આલમની તરફથી છે. એવી જ રીતે અગર તમારો દીન, મઝહબ, કુરઆન અને ઈસ્લામ હક્ક હોય તો અમારી ઉપર આસ્માનથી પથ્થર નાઝીલ કર અથવા તો અમોને ઈલાહી અઝાબમાં ગિરફતાર કરી દે કે જેથી તેમની હક્કાનીય્યત દરેક માટે સ્પષ્ટ થઈ જાય. અગર અઝાબ નાઝીલ ન થાય તો તેનો મતલબ એમ છે કે ખુદાના ખ્વાસ્તા (નઉઝો બિલ્લાહ) તે બધુ હક્ક નથી… ખુદાવંદે આલમે કાફીરો અને મુશ્રીકોના તે એઅતેરાઝના જવાબમાં ફરમાવ્યું:

وَمَا كَانَ اللهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُوْنَ

ખુદાવંદે આલમ તેના આધારે તેઓ ઉપર અઝાબ નાઝીલ નહી કરે કે તમે તેઓની દરમ્યાન છો અને જ્યાં સુધી તેઓ ઈસ્તિગ્ફાર કર્યા કરશે તેઓ ઉપર અલ્લાહ અઝાબ નાઝીલ નહી કરે.” [i]

કાફીરો અને મુશ્રીકો દ્વારા જુઠલાવ્યા પછી અને તેઓ દ્વારા ઈજા પહોંચાડવા છતાં અલ્લાહ તેઓ ઉપર અઝાબ નાઝીલ નથી કરી રહ્યો, તો તેનો મતલબ એમ નથી કે દીને ઈસ્લામ અને કુરઆને કરીમની હક્કાનીય્યતમાં (મઆઝ અલ્લાહ) કંઈ ઉણપ છે. અઝાબ નાઝીલ ન થવાના બે કારણો છે. એક તો આપ (સ.અ.વ.) તેઓની દરમ્યાન છો અને બીજું ઈસ્તિગ્ફાર.

હાલના સમયે દુનિયામાં તમામ ગુનાહો અને ફીત્ના-ફસાદ મૌજુદ હોવા છતાં દુનિયા ઉપર અઝાબ નાઝીલ થઈ રહ્યો નથી, તેના પણ બે કારણો છે. એક રસુલે અકરમ (સ.અ.વ.)ના ફરઝંદ હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.)નું બરકતવંતુ વુજુદ અને બીજું ખુદાવંદે આલમની બારગાહમાં મોઅમીનો અને મુખ્લીસ લોકોની તૌબા અને ઈસ્તિગ્ફાર.

હવે કુરઆને કરીમની સુરએ મઆરીજની શરુઆતની આયતો ઉપર ધ્યાન આપો અને તેની હેઠળ શીઆ અને સુન્ની તફસીરકારોએ જે બનાવોની નોંધ કરી છે, તેની ઉપર ચિંતન-મનન કરો. પછી અંદાજો લગાવી શકાશે કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત કેટલી મહત્વની છે અને તેનો ઈન્કાર કરવો કેટલો દર્દનાક છે.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ   –  لِّلْكَافِرِيْنَ لَيْسَ لَهُ دَافِعٌ  –   مِّنَ اللهِ ذِي الْمَعَارِجِ

એક સવાલ કરનારે અઝાબનો સવાલ કર્યો અને તે તેના ઉપર નાઝીલ કરી દેવામાં આવ્યો. આ અઝાબ કાફીરોથી મખ્સુસ છે અને તેને કોઈ રોકી શકતું નથી. તે બલંદીવાળા ખુદાવંદ તરફથી છે.”

(સુરએ મઆરીજ, આ. 1-3)

કિતાબ અલ ગદીરના લેખક જનાબ અલ્લામા અબ્દુલ હુસૈન અમીની (અ.ર.)એ પોતાની અત્યંત મૂલ્યવાન કિતાબના ભાગ-1, પાના નં. 239-246 ઉપર નીચે મુજબના બનાવની નોંધ કરી છે અને એહલે સુન્નતના 30 આલીમોના નામો અને તેઓની કિતાબોના નામોનું વર્ણન કર્યું છે કે જેઓએ આ બનાવને નોંધ્યો છે. તેમાંથી અમૂકના નામો અને તેઓની કિતાબોના નામો નીચે મુજબ છે.

હાફીઝ અબુ સઈદ હરવી – તફસીરે ગરીબુલ કુરઆન.

અબુ બક્ર નક્કાશ મુસલી – તફસીરે શેફાઉલ સોદુર.

અબુ ઈસ્હાક સઆલબી – (1) તફસીરુલ કશ્ફ વલ બયાન (2) તઝકેરાહ.

અલ કરતબી – તફસીર.

હમવીની – ફરાએદુસ સીમતૈન.

શૈખ મોહમ્મદ ઝરન્દી – દોરરુસ સીમતૈન.

શમ્સુદ્દીન શાફેઈ – તફસીરે સિરતે હલબી.

સૈયદ મોઅમિન શબલન્જી – નુરુલ અબ્સાર.

શમ્દસુદ્દીન શાફેઈ – શર્હે જામેઉલ સગીર સિયુતી.

આ ઉપરાંત ઘણા બધા આલીમો અને તફસીરકારોએ આ બનાવની નોંધ કરી છે. અમે અહિં તે બનાવ હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની ઝબાનથી એટલા માટે વર્ણવી રહ્યા છીએ કારણ કે તમામ શીઆઓ અને એહલે સુન્નત તેમની મહાનતા અને સચ્ચાઈ ઉપર એકમત છે. તેમના સુધી આ બનાવ તેમના બાપ-દાદાથી પ્રત્યક્ષ રીતે પહોંચ્યો છે. તેમના બાપ-દાદાઓ બધા જ મઅસુમ છે. આથી બનાવની સત્યતામાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. ઈમામ (અ.સ.) ફરમાવે છે:

જ્યારે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ ગદીરના દિવસે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ખિલાફતનું એઅલાન ફરમાવ્યું અને ફરમાવ્યું કે:

مَنْ کُنْتُ  مَوْلَاہُ  فَعَلِیٌّ  مَوْلَاہُ

જેનો જેનો હું મૌલા છું તેના અલી (..) મૌલા છે.

અમૂક દિવસોમાં આ સમાચાર શહેરોમાં દરેક જગ્યાએ પહોંચી ગયા. તે સમયે ‘નોઅમાન બિન હારીસે ફેહરી’હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયો અને કહેવા લાગ્યો:

આપે અમોને કહ્યું કે અમો અલ્લાહની વહદાનીય્યત (એક હોવાની) ગવાહી આપીએ અને તેની ગવાહી આપવા કહ્યું કે તમે અલ્લાહના રસુલ છો તો અમે તે બન્ને ગવાહીઓ આપી. પછી આપે અમોને જેહાદ, હજ્જ, રોઝા, નમાઝ અને ઝકાતનો હુકમ આપ્યો તો અમોએ તે પણ કબૂલ કર્યો, પરંતુ તમે એટલાથી ખુશ ન થયા અને આપે આ યુવાનને (હઝરત અલી (અ.સ.)ની તરફ ઈશારો કરતા કહ્યું) પોતાનો જાનશીન અને ખલીફા નિયુકત કર્યો અને ફરમાવ્યું: ‘જેનો જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) મૌલા છે.’ તો શું આ વાત તમારા તરફથી છે કે પછી ખુદાવંદે આલમ તરફથી છે?

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: તે ખુદાની કસમ કે જેના સિવાય બીજો કોઈ મઅબુદ નથી. આ ખુદાવંદે આલમની તરફથી છે.

તો નોઅમાને પોતાનું મોઢું ફેરવી લીધું અને કહેવા લાગ્યો:

اللہم  ان کان ہذا  ہوالحق  من  عندک  فامطر علینا  حجارۃ من السمائ

‘ખુદાયા! અગર આ હક્ક તારી તરફથી હોય તો મારી ઉપર આસ્માનમાંથી એક પથ્થર નાઝીલ કર.’

તે સમયે આસ્માનમાંથી એક પથ્થર તેના માથા ઉપર નાઝીલ થયો અને તે હલાક થઈ ગયો. ત્યારે આ આયત નાઝીલ થઈ.

તફસીર મજમઉલ બયાનના લેખકે આ રિવાયત સુન્ની આલીમ જનાબ અબુલ કાસીમ હસકાનીની સનદના સિલસિલાથી હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી નોંધી છે.

(તફસીરે નમુના ફારસી, ભાગ-25, પાના નં. 7)

ચાહે નોઅમાને કુરઆનના શબ્દો દોહરાવ્યા હોય કે પછી કુરઆનના શબ્દોમાં પોતાના માટે બદ્દોઆ કરી હોય અથવા આયત સઅલ સાએલુન બીજી વખત નાઝીલ થઈ હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે હઝરત અલી (અ.સ.)ની આસ્માની વિલાયતનો ઈન્કાર કરવા ઉપર આસ્માનમાંથી એક પથ્થર નાઝીલ થયો અને વિલાયતનો ઈન્કાર કરનારો હલાક થઈ ગયો. તેમજ આ બધુ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની મૌજુદગીમાં અને તેમની સમક્ષ થયુ.

હવે તમે ધ્યાન આપો કે સુરએ અન્ફાલની આયત તો એમ કહી રહી છે કે જ્યાં સુધી તમે મૌજુદ હો ખુદા તેઓની ઉપર અઝાબ નાઝીલ નહીં કરે પરંતુ અહીંયા અઝાબ નાઝીલ થયો. તેના ઉપરથી એ અંદાજો લગાવી શકાય છે કે હઝરત અલીએ મુર્તુઝા (અ.સ.)ની વિલાયત કેટલી મહત્વની છે.

આજે આસ્માનમાંથી પથ્થર નથી વરસી રહ્યા પરંતુ અલી (અ.સ.)ની વિલાયતનો ઈન્કાર કરનારા કેવી રીતે અને કેટલી હદે મુસીબતોમાં સપડાએલા છે. દુન્યવી માધ્યમોથી ભરપૂર હોવા છતાં દુનિયાની નજરોમાં ઝલીલ અને તુચ્છ છે. આ બધી હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની દોઆની દુન્યવી અસર છે. આં હઝરત (સ.અ.વ.)ની ગદીરની હદીસ કંઈ ‘જેનો જેનો હું મૌલા છું તેના આ અલી (અ.સ.) મૌલા છે.’ ઉપર ખત્મ નથી થતી બલ્કે તેમાં નીચે મુજબના જુમ્લાઓ પણ શામેલ છે.

اَللّٰہُمَّ  وَالِ  مَنْ وَالَاہُ

‘ખુદાયા! તું તેને દોસ્ત રાખ જે અલી (અ.સ.)ને દોસ્ત રાખે.’

وَ عَادِمَنْ عَادَاہُ

‘અને તેને દુશ્મન રાખ જે અલી (અ.સ.)ને દુશ્મન રાખે’

وَ انْصُر مَنْ نَصَرَہٗ

‘તેની મદદ કર જે અલી (અ.સ.)ની મદદ કરે.’

وَاخْذُلْ  مَنْ  خَذَلَہٗ

‘અને તેને છોડી દે, જે અલી (અ.સ.)નો સાથ છોડી દે.’

ખુદાવંદે આલમનો પૈગામ પહોંચાડયા પછી આ દોઆ અને બદ્દોઆનો અંદાજ અલી (અ.સ.)ની વિલાયતના એઅલાન સિવાય બીજે કયાંય જોવા મળતો નથી. તે પણ ‘દુનિયાઓ માટે રેહમત’બનાવીને મોકલાએલા રસુલ (સ.અ.વ.)ની મુબારક ઝબાનથી બદ્દોઆ. આ બધી બાબતોથી એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતના મહત્વનો અંદાજો લગાવી શકાય છે. તેનાથી એ સ્પષ્ટપણે જાહેર થાય છે કે અગર અલી (અ.સ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત સુરક્ષિત છે તો બધા જ અકીદા, એહકામ, અખ્લાક અને આઅમાલ સુરક્ષિત છે અને અગર તે નથી તો કંઈ પણ સુરક્ષિત નથી. અગર યકીન ન હોય તો તૌહીદના પ્રકરણમાં આવેલી તે રિવાયતોનો અભ્યાસ કરો જે એહલેબૈત (અ.મુ.સ.)એ બયાન ફરમાવેલી છે તેમજ તે રિવાયતોનો પણ અભ્યાસ કરો જે બીજાઓએ પોત-પોતાની કિતાબોમાં નોંધી છે.

આ આધારે તેમ કહેવું બિલ્કુલ યોગ્ય છે કે અગર ગદીર સલામત છે તો દીન પણ સલામત છે. એહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં ઈદે ગદીરને ઈદે અકબર, ઈદે અઅઝમ અને ઈદે અહદ વ પયમાન કરાર દેવામાં આવી છે. તેમજ તેને મનાવવાના એટલા બધા અજર અને સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે બીજી કોઈ ઈદોના બારામાં જોવા મળતો નથી. કારણ કે બીજી બધી ઈદોનું ઈદ હોવું તે ફકત ઈદે ગદીરના આધારે છે.

તેનું એક કારણ એ પણ હોય શકે છે કે ગદીરના તાજદારના વારીસ તેમની તમામ શાનો-શૌકત અને તમામ વિરાસત અને ખાસિયતોની સાથે આજે પણ મૌજુદ છે. જેમના લીધે ગદીર આજે પણ જીવંત અને અમર છે.

[i] સુરએ અન્ફાલ-8, આયત નં. 33

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*