મુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને (રાષ્ટ્રને) કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરઆન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. વાસ્તવમાં આ અભિપ્રાય ખુદ પયગંબર (સ.અ.વ.)ના સમયમાં પણ પ્રચલીત હતો. જ્યારે પયગંબર (સ.અ.વ.) તેમના મૃત્યુશય્યા (બિસ્તરે બીમારીમાં આખરી સમય) પર હતા અને તેમના જાનશીનની નિમણુક બાબતે લખાણ કરવાના હતા, ત્યારે અમુક સહાબીઓ અને ભાવી ખલીફાને ખ્યાલ આવી ગયો કે આપ(સ.અ.વ.) શું કરવાના છો અને આ લોકો એ પયગંબર (સ.અ.વ.) ને તેમની ઇચ્છા પૂરી કરતા અટકાવ્યા અને આ લોકો એ એવો દાવો કર્યો કે – કુરઆન આપણા માટે પૂરતું છે
(સહીહબુખારી ૯૪૬૮, ૭૫૭૩; સહીહમુસ્લિમ ૧૬૩૭)
રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી ઉમ્મતના માર્ગદર્શનના વિષય પર એક શામી અને હશ્શામ બીન હકમ વચ્ચે રસપ્રદ ચર્ચા થઇ છે. હશ્શામ બીન હકમે ઇમામ સાદિક (અ.સ.) ના ખુબજ નજદીકના સહાબી હતા. તેમની આ ચર્ચા સાબિત કરે છે કે ફક્ત કુરઆન જ મુસ્લિમો માટે પુરતુ માર્ગદર્શક હોવા અંગેના દાવામાં રસુલેખુદા (સ.અ.વ.)ના કહેવાતા સહાબીઓ સંપૂર્ણ ખોટા હતા.
તે ઇમામ સાદિક (અ.સ.)નો સમયગાળો હતો જ્યારે સુન્ની મઝહબનો એક શામી મક્કા આવ્યો હતો.
શામી : હું ધર્મશાસ્ત્ર (કલામ) અને ન્યાયશાસ્ત્ર (ફીકહ)નો આલીમ(વિદ્વાન)છું અને તમારા સહાબીઓ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા આવ્યો છું.
ઇમામ (અ.સ.): શું તમારી ચર્ચા અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની રીવાયતો પર આધારીત છે કે તમારા પોતાના અભિપ્રાય પર આધારીત છે?
શામી: મારી ચર્ચા મારા પોતાના અભીપ્રાય અને સાથે સાથે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની રીવાયતો પર આધારિત છે.
ઈમામ (અ.સ.): તો પછી તમે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ભાગીદાર થયા ગણાશો.
શામી: ના, હું તેમનો ભાગીદાર નથી.
ઈમામ (અ.સ.): શું તમને અલ્લાહ તરફથી વહી આવે છે?
શામી: ના.
ઇમામ (અ.સ.): શું તમારી કહેલી વાતોનું માનવું ફરજીયાત (વાજીબ) છે જેવી રીતે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ની વાતોને માનવું ફરજિયાત (વાજીબ) છે?
શામી: ના, હું મારા કહેણ એને અભિપ્રાયને માનવાને બીજા લોકો માટે ફરજિયાત માનતો નથી.
આ પછી ઇમામ (અ.સ.)એ તંબુમાંથી બહાર ડોકિયું કર્યું જે મક્કાના કિનારે પર્વતની ટોચ પર હતો . ઇમામ (અ.સ.)ની નજર એક ઉંટ સવાર વ્યક્તી પર પડી. આપ (અ.સ.) એ કહ્યું – કાબાના રબ ની કસમ, આ બીજું કોઈ નહીં પણ હશ્શામ છે.
હાજર રહેલા લોકો એવું સમજ્યા કે તે અકીલ (અ.સ.)ના પુત્રોમાંના એક હશ્શામ છે જેમને ઇમામ (અ.સ.) ખૂબ ચાહતા હતા. પરંતુ જેમ જેમ ઊંટ નજીક આવ્યુ તો લોકો એ જોયું કે તે તો હશ્શામ બીન હકમ છે. હશ્શામ બીન હકમ તે વખતે હજી માંડ માંડ યુવાનીમાં પ્રવેશ્યા હતા અને તેમના ચહેરા પર વાળના દોરા હજી ફૂટ્યા હતા. ત્યાં હાજર અન્ય લોકો તેમના કરતા ઘણા વયમાં ઘણા મોટા હતા.
જેવી ઇમામ (અ.સ.)ની નજર હશ્શામ પર પડી, આપ (અ.સ.)એ તે નવયુવાનનુ સ્વાગત કર્યું અને તેમના માટે પોતાની બાજુમાં જગ્યા બનાવી અને કહ્યું – આ તે છે જે તેના દિલ, તેની જીભ અને તેના હાથથી અમારી મદદ કરે છે.
ઇમામ (અ.સ.) પછી શામી તરફ વળ્યા અને કહ્યું: તમે આ નવયુવાન સાથે ચર્ચા કરો.
શામી હશ્શામ સાથે ચર્ચા કરવા સંમત થયો અને ચર્ચા આ રીતે શરૂ થઈ:
શામી: અય નવયુવાન, મને આ માણસ (ઇમામ સાદિક (અ.સ.))ની ઇમામત વિશે પૂછો, હું ફક્ત આ વિષય પર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું.
આ અભદ્ર ટિપ્પણીથી હશ્શામ એટલા ગુસ્સે થયા કે તેઓ ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યા, તેમણે શામી તરફ વળી અને તેને પૂછ્યું: શું અલ્લાહ તેની ખીલ્કત માટે વધારે ભલાઈ અને ખુશી ચાહે છે કે પછી ઇન્સાન પોતે?
શામી: અલ્લાહ માણસ માટે તેના કરતાં વધારે ભલાઈ અને સુખની ઇચ્છા રાખે છે.
હશ્શામ: અલ્લાહે તેની રહેમતના કારણે ઇન્સાનના (હિદાયત) માર્ગદર્શન માટે શું કર્યું છે?
શામી: તેણે તેના બંદાઓ પર તેની સાબિતી (હુજ્જત) સ્થાપિત કરી છે અને તેમના માટે ઇમામને
નિયુક્ત કર્યા છે, જેથી તેઓ શંકા અને અસંમતિનો શિકાર ન બને. ઇમામ તેમની બાબતોનું નિયમન કરે છે અને તેમને અલ્લાહ પ્રત્યેની તેમની જવાબદારીઓથી વાકેફ કરે છે.
હશ્શામ : તે ઈમામ કોણ છે?
શામી: અલ્લાહના રસુલ (સ.અ.વ.) તે ઇમામ છે.
હશ્શામ : અને તેના પછી કોણ ઇમામ અને માર્ગદર્શક છે?
શામી: અલ્લાહની કિતાબ કુરઆન અને રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્ન્ત.
હશ્શામ : શું કુરઆન અને અને સુન્ન્ત આજે આપણા મતભેદો દૂર કરવામાં ઉપયોગી થઇ છે જેથી કરી ને આપણે કોઈ એક બાબત પર સહમત થઈ શકીએ?
શામી: ચોક્કસ થાય છે .
હશ્શામ: તો પછી આપણી વચ્ચે અટલા બધા મતભેદ કેમ છે અને કેમ તમે આ મતભેદો વીષે અમારી સાથે ચર્ચા અને વીવાદ (ડિબેટ) કરવા માટે સીરિયાથી મક્કા સુધીનો આટલો લાંબો સફર કર્યો ?
આ સાંભળીને શામી ચૂપ થઈ ગયો. તેની પાસે બોલવાના શબ્દો ન હતા.
આ જોઈ ને ઈમામ (અ.સ.) એ શામીને પૂછ્યું કે તે શા માટે ચૂપ થઈ ગયો અને જવાબ નથી આપી રહ્યો?
સીરિયનઃ જો હું કહું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી તો તે જૂઠ હશે. બીજી બાજુ, જો હું કહું કે કુરઆન અને સુન્ન્ત આપણા મતભેદોનું નિરાકરણ કરવા માટે કાફી છે તો પણ હું ખોટો સાબિત થઈશ કારણ કે આપણી વચ્ચે ઘણા મતભેદો છે અને દરેક મુસ્લિમ કુરઆન અને સુન્ન્તનું અર્થઘટન તેની ઇચ્છાઓને અનુરૂપ કરે છે. જો હું કહું કે મતભેદો છે અને છતાં આપણે બંને સત્ય પર છીએ, તો તેનો અર્થ એ છે કે કુરઆન અને સુન્નત મતભેદોને દૂર કરવામાં ફાયદાકારક નથી. જો કે હું તેની (હશ્શામ) વિરુદ્ધ પણ આજ દલીલનો ઉપયોગ કરી શકું છુ કે કુરઆન અને સુન્ન્ત હોવા છતાં આપણી વચ્ચે આટલા મતભેદ કેમ છે.
ઈમામ (અ.સ.): તમે આ વીષે હશ્શામને પૂછી શકો છો જેથી તમને તમારા જવાબ મળે.
શામી હીશામ તરફ વળ્યો અને આ પ્રશ્ન પૂછ્યો: શું અલ્લાહ તેની ખીલ્કત પર ઇન્સાન કરતાં વધુ દયાળુ છે?
હશ્શામ : હા, અલ્લાહ તેની ખીલ્કત પર ઇન્સાન કરતા વધુ દયાળુ છે.
શામી: શું અલ્લાહે તેની ખીલ્કત માટે કોઈ એવી વ્યક્તિની નિમણુંક કરી છે જે તેમના ધર્મને સુમેળ કરે અને તેમના મતભેદોને દૂર કરે અને સત્યને અસત્યથી અલગ કરે ?
હશ્શામ : શું તમે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના યુગ વિશે પૂછો છો કે આજના યુગ વિશે?
શામી: અલ્લાહના રસુલ (સ.અ.વ.) તો પોતાના જમાનામાં પોતે હાજર હતા, પરંતુ આજના જમાનામાં એવું કોણ છે ?
હશ્શામ: ઇમામ સાદિક (અ.સ.)ની તરફ ઈશારો કરી ને કહે છે કે આ માણસ અલ્લાહ(સુ.) તરફથી લોકો પર નિયુક્ત છે જે લોકોને આકાશ અને ધરતીના સમાચાર આપે છે અને આ તેમને તેમના પીતા (અ.સ.) અને તેમના પરદાદાઓ પાસેથી વારસાંમાં મળેલ છે.
શામી: હું કેવી રીતે માનું કે આ માણસને આ ઈલ્મ અને હોદ્દો વારસામાં નબી (સ.અ.વ.) પાસેથી મળ્યો છે ?
હશ્શામ : તમે તેમને જે ઈચ્છો તે પૂછી શકો છો.
શામી: હવે તમે મારા માટે કોઈ બહાનું બાકી રાખ્યું નથી સિવાય કે હું તેમને પૂછું.
ઇમામ (અ.સ.): અય શામી, શું હું તમને તમારી મુસાફરી વિશે અને રસ્તામાં શું થયું તે વિશે જાણ કરું?
ઇમામ (અ.સ.)એ શામીના સમગ્ર પ્રવાસની વિગતો જણાવી અને આ સાંભળતાજ શામીએ તરતજ કબુલ કર્યું કે ખરેખર તમે સાચા છો. હું ગવાહી આપું છું અને તમારી ઇમામતને કબૂલ કરું છુ.
ઈમામ (અ.સ.): હવે તમે સાચા ઈમાનનો સ્વીકાર કર્યો છે, આ પહેલા તમે શહાદતૈન (તૌહીદ અને નબુવ્વતની ગવાહી) દ્વારા માત્ર મુસ્લિમ હતા. ઈસ્લામ ઈમાન કરતા પહેલા છે. ઇસ્લામના આધારે વ્યક્તિ વારસો મેળવે છે અને લગ્ન કરે છે. અને ઈમાનના આધારે તેને અલ્લાહ તરફથી નેઅમતો મળે છે. અને જ્યાં સુધી કોઈ ઈમામત ન સ્વીકારે ત્યાં સુધી તે જન્નત માટે લાયક બનતો નથી.
શામી: તમે સાચું કહ્યું છે, હું ગવાહી આપું છું કે અલ્લાહ એક છે અને પવિત્ર પયગંબર (સ.અ.વ.) અલ્લાહના રસુલ છે અને તમે તેમના વસી છો.
અલ-કાફી વો. 1 પા..171
અલ-ઇર્શાદ વો. 2 પા. 194
અલ-એહતેજાજ વો. 2 પા. 122
ઇબ્ને શહર આશોબના અલ-મનાકીબ વો. 3 પા.368
મદીના અલ-મઆજીઝ વો. 5 પા. 265
બેહાર અલ-અન્વાર વો.. 23 પા. 9, વો. 8 પા. 203
અઆલમ અલ-વારા વો. 1 પ. 530
કશ્ફ અલ-ગુમ્માહ વો. 2 પા.૩૮૭
આ ચર્ચા પરથી એ વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે કે મુસલમાનોને હંમેશા એક ઇલાહી માર્ગદર્શકની જરૂર હોય છે. હકીકતમાં આ પવિત્ર કુરઆનનું પણ એલાન છે –
‘તમે માત્ર એક ચેતવણી આપનાર છો અને દરેક લોકો માટે એક માર્ગદર્શક છો.‘
પહેલા તે પવિત્ર પયગંબર (સ.અ.વ.) હતા, પછી તેમણે દરેક યુગમાં મુસલમાનોને માર્ગદર્શન(હિદાયત) આપવા માટે ઇલાહી હુકમ પર ઈમામો (અ.સ.)ને નિયુક્ત કર્યા હતા. જેથી ઇસ્લામનો એક પણ યુગ ઇમામ વિના બાકી ન રહે. પવિત્ર કુરઆન એક સંપૂર્ણ હાદી (માર્ગદર્શક) છે પરંતુ ત્યારેજ જયારે ઇમામ (અ.સ) સાથે હોઈ અન્યથા ઇમામ વગર ફક્ત કુરઆન મુસલમાનોની હિદાયત માટે અપૂરતું છે અને લોકોની સમજ શક્તિ અને અકલના અભાવે ગેરમાર્ગે દોરી શકે છે જેવી રીતે જંગે સિફફીનમાં બન્યું હતું.
Be the first to comment