ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા પોતાની મુલ્યવાન જાનોને નિસાર કરી દીધી.
આ બનાવ ઇસ્લામના ઇતિહાસમાં એક જ બનાવ નથી કે જેમાં તૌહીદની માન્યતા ધરાવનારા અને આશીકાને ખુદાએ તૌહીદના બાકી રહેવા માટે પોતાની જાન આપી દીધી હોય.
ખુદ કુરઆનમાં આ કુરબાનીનો ઝીક્ર જોવા મળે છે,
અસહાબે ઉખ્દુદનો બનાવ, સુર-એ-યાસીનમાં એક મર્દે મોઅમીનનું રુદન, ફરિયાદ અને જનાબે આસીયા (ફિરઓનની પત્ની)ની શહાદતનો બનાવ, .આ બધુ કુરઆનની અંદર મૌજુદ છે પરંતુ આ બધુ હોવા છતાં પણ કરબલાનો બનાવ પોતાની અલગ વિશેષતા ધરાવે છે.
આ બનાવના મહત્વ માટે આટલું જ પૂરતું છે કે ખુદ અઈમ્માં(અ.મુ.સ.)એ મજલીસે-અઝા થકી તેમની યાદને જીવંત રાખી છે અને આ મજલીસે અઝા-એ-સૈયદુશોહદાની બુનિયાદ બની હાશીમની ઔરતોએ શામમાં શરુ કરી હતી.
યઝીદથી જ્યારે કૈદથી રેહાઈ મળી ત્યારે એહલે હરમે ત્રણ દિવસ સુધી શામમાં રોકાઈને સતત રડીને કરબલાના શહીદોનો ગમ મનાવ્યો. તેઓએ આ અઝાદારીમાં શામની ઓરતોને પણ પોતાના ગમમાં શામેલ કરી હતી.
-બેહાર અલ-અનવાર ભાગ. 45
જ્યારે એહલેહરમનો કાફલો શામથી પરત ફરીને કરબલા પહોંચ્યો ત્યારે ત્યાં થોડા દિવસો સુધી કરબલાના શહીદો ઉપર ગીર્યા અને માતમ કર્યું. તેઓના વતન મદીના પહોંચીને રાત,દિવસ પોતાના સૈયદ અને સરદાર ઈમામ હુસૈન (અ.સ) અને તેમના શહીદ સાથીદારો ઉપર રુદન અને માતમ કરતા રહ્યા.
ઇમામ સજ્જાદ (અ.સ.)ના દીકરાએ ફરમાવ્યું: “…ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી બની હાશિમની ઓંરતોએ કાળા કપડા પહેરીને ગમ મનાવતા અને અઝાદારીમાં રહેતા હતા, તેઓને ન તો ગરમીની પરવા હતી અને ન તો તેમને ઠંડીની તીવ્રતાનો અનુભવ થતો હતો.અને ઈમામ સજ્જાદ (અ.સ.) ખુદ પોતે તેઓના માટે જમવાની વ્યવસ્થા કરતા હતા.
-અલ-મહાસીન, ભાગ 2, પેજ 420
આ રિવાયતમાં બે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ છે – એક ઔરતોનું કાળા કપડા પહેરવું અને બીજી એ છે કે ઇમામ સજ્જાદ (અ.સ.)એ પોતે તેઓના માટે જમવાની વ્યવસ્થા કરતા હતા. આ બે વસ્તુઓ મજલીસ ઈમામ હુસેન (અ.સ.)ની નિશાની બની ગઈ છે. મોટા ભાગના લોકો કાળા કપડા પહેરીને મજલીસમાં શરીક થાય છે. અને બીજુ અઝાદારે ઈમામ હુસેન (અ.સ.) માટે ન્યાઝની વ્યવસ્થા કરે છે.
એટલું જ નહીં પરંતુ ઇમામ સજ્જાદ (અ.સ.) પોતાના જદ્દના ગમમાં આખી જિંદગી રડતા રહ્યા. તેવીજ રીતે તેમના પછી આવવાવાળા ઇમામો (અ.મુ.સ.) આ અઝાદારીને જારી રાખી અને બીજા લોકોને તેમજ ખાસ કરીને શાએરોને ઈમામે મઝલુમ માટે અશઆર પઢવા માટે કેહતા હતા.
ઈમામ સાદિક (અ.સ.) કહે છે કે જે કોઈ મારા દાદા (ઈમામ) હુસૈન (અ.સ.) પર એક શેર પઢે અને તે પોતે રડે અથવા બીજાને રડાવે તો તેના પર જન્નત વાજિબ છે.
-રિઝાલે તુસી પેજ 189
એટલું જ નહીં, ઇમામ રેઝા (અ.સ.) જેઓ પોતાના વતન અને પોતાના લોકોથી દૂર હતા, તેઓ (અ.સ.) મશહુર શાએર જનાબે દેઅબલને બોલાવતા અને મજલીસે ઈમામ હુસેન (અ.સ.)નો એહતેમામ કરતા હતા.
આપ (અ.સ.) એ પોતાના નજીકના અસહાબોને આ ગમ અને અઝાદારીનુ મહત્વ સમજાવ્યું છે.
ઇમામ રેઝા (અ.સ.)નું તેમના સાથી રૈયાન બિન શબીબને એક લાંબી હદીસ બયાન ફરમાવી છે, જેમાં ફરમાવે છે કે અય શબીબના પુત્ર! જ્યારે કોઈને રડવું હોય ત્યારે તેણે ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું જોઈએ કારણ કે તેમના પર રડવાથી ગુનાહોની માફ થઈ જાય છે.
બેહાર અલ-અનવાર, ભાગ:94, પેજ:184
શૈખે સદુક(અ.ર.)ની આમાંલીમાંથી અલ્લામા મજલિસીએ તેમની કિતાબ બેહાર અલ-અન્વારમાં આ રિવાયત ને નકલ કરે છે:
عَنْ أَبِي عَبْدِ اللَّهِ ع قَالَ: قَالَ لِي يَا أَبَا عُمَارَةَ أَنْشِدْنِي فِي الْحُسَيْنِ بْنِ عَلِيٍّ قَالَ فَأَنْشَدْتُهُ فَبَكَى ثُمَّ أَنْشَدْتُهُ فَبَكَى قَالَ فَوَ اللَّهِ مَا زِلْتُ أُنْشِدُهُ وَ يَبْكِي حَتَّى سَمِعْتُ الْبُكَاءَ مِنَ الدَّارِ قَالَ فَقَالَ يَا بَا عُمَارَةَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ بْنِ عَلِيٍّ شِعْراً فَأَبْكَى خَمْسِينَ فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَأَبْكَى ثَلَاثِينَ فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَأَبْكَى عِشْرِينَ فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَأَبْكَى عَشَرَةً فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَأَبْكَى وَاحِداً فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَبَكَى فَلَهُ الْجَنَّةُ وَ مَنْ أَنْشَدَ فِي الْحُسَيْنِ شِعْراً فَتَبَاكَى فَلَهُ الْجَنَّةُ
અબુ અમ્માર વર્ણન કરે છે કે ઇમામ સાદિક (અ.સ.)એ મને ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઉપર મરસીયા પઢવાનો હુકમ આપ્યો, જ્યારે મેં અશઆર પઢયા ત્યારે ઇમામ (અ.સ.) પણ રડ્યા અને તેમના કુટુંબીજનોએ પણ ગીર્યા કર્યો. તે કહે છે કે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યુ : અય અબુ અમ્માર! જે કોઈ ઇમામ હુસૈન (અ.સ.) માટે એક શેર પઢે અને પોતે રડે, અને તેના દ્વારા પચાસ લોકોને રડાવે છે, તો તેના માટે જન્નત વાજીબ છે. પછી તેણે કહ્યું…જે આ શેરથી ત્રીસ લોકોને રડાવે છે, તેના માટે જન્નત છે….જે વીસ લોકોને આ શેરથી રડાવે છે તો તેની માટે પણ જન્નત છે…જે આ શેરથી દસ લોકોને રડાવે છે તો તેમની માટે પણ જન્નત છે. અને અગર આ શેરથી એક જ રડે છે તો પણ તેના માટે જન્નત છે. પછી આપ(અ.સ.) આગળ ફરમાવ્યુ કે “જે કોઈ ઇમામે મઝલુમ(અ.સ.)ની મુસીબત ઉપર એક શેર પઢે છે અને તે પોતે તેના પર રડે છે અથવા કોઈને રડાવે છે અથવા ફક્ત રડવાનો પ્રયત્ન કરે છે તો પણ તેના માટે પણ જન્નત છે.
આ બનાવ પરથી આપણને જાણવા મળે છે કે અઈમ્મા એ માઅસૂમીન (અ.મુ.સ.) નિયમિત રૂપે પોતાની બેઠકોમાં મજલીસે અઝા બરપા કરતા હતા. તેમજ આ મજલીસોમા ઘરની ઓરતોને પણ શામિલ કરતા હતા ઔરતો પડદાની પાછળ બેસીને મરસીયા સાંભળતી અને પોતાના જદ્દે મઝલુમ(અ.સ) ઉપર ગીર્યા કરતા હતા.
ઈમામો (અ.મુ.સ.)એ માત્ર તેમના શિયાઓને ઈમામ હુસૈન (અ.સ.) પર રડવાના સવાબ વિશે જ જણાવ્યું નથી પરંતુ આ મજલીસમા બીજા લોકોને પણ સામેલ કરીને અન્ય લોકોને પણ રડવા અને રડાવવા બાબતે જણાવ્યું છે.
Be the first to comment