અમૂક કહેવાતા મુસલમાનો એવો દાવો કરે છે કે અલ્લાહે બહુમતીને કાફીરો કે મુશ્ રીકોના સંદર્ભમાંજ વખોડી છે. જ્યારે કે મુસ્લીમો તો જ્યારે બહુમતીમાં હોય ત્યારે હંમેશા સાચાજ હોય છે. માટેજ કુરઆનની એ આયતો કે જે બહુમતીને વખોડે છે તેને મુસલમાનોની વિધ્ધ દલીલ તરીકે રજૂ ન કરી શકાય.
જવાબ
1) બની ઇસરાઈલ
2) ખ્રિસ્તીઓએ પણ ઘણી રીતે ભૂલો કરી
3) મુસ્લીમો બની ઇસરાઈલના રસ્તે ચાલશે
પવિત્ર કુરઆનમાં એવી કોઈ આયત નથી કે જે આ દાવાને સમર્થન આપતુ હોય કે બહુમતીને નિશ્ચિત રીતે ત્યારેજ વખોડવામાં આવી છે જ્યારે મુશ્ રીકો અને કાફીરોના સંદર્ભમાં હોય અને જ્યારે પણ મુસ્લીમો બહુમતીમાં હોય તો તેમના કામોને હંમેશા વખાણવામાં આવ્યા હોય.
જેવી રીતે કે આપણે પવિત્ર કુરઆનથી જોશું કે મુસ્લીમો બહુમતીમાં હોવા છતાં અથવા તો તેમના પહેલા બની ઇસરાઈલ કે જે બહુમતીમાં હતા, છતાં અલ્લાહે તેમને વખોડયા છે.
આવો આપણે જોઈએ કે બની ઇસરાઈલ કે જે અલ્લાહના ચૂંટાએલા લોકો હતા કે જેનો કુરઆને બે વખત ઉલ્લેખ કર્યો છે, તેઓએ પણ અવારનવાર બહુમતી હોવા છતાં ભૂલો કરી છે.
બની ઇસરાઈલ
1) તાલૂતની પસંદગી
અલ્લાહ (સુ.વ.ત.)નો નિશ્ચિત હુકમ હોવા છતાં બની ઈસ્રાઈલે પયગમ્બર (શમઅુલ) દ્વારા કરવામાં આવેલ તાલૂતની નિમણુંકને કબુલ ન કરી (સ્વિકાર ન કર્યો).
“અને જ્યારે તેમને તેમના નબી એ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યા છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તે અમારા ઉપર કેવી રીતે હુકુમત કરી શકે જ્યારે કે હુકુમત માટે અમે તેના કરતા વધુ લાયક છીએ, (વળી) તેને ધનનું પણ જોર આપવામાં આવ્યું નથી, તેણે (નબીએ) ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર ચૂંટી કાઢયો છે અને તેને જ્ઞાન અને શારીરિક બળમાં પુષ્કળ વધારી દીધો છે અને અલ્લાહ પોતાની હુકુમત જેને ચાહે છે તેને અર્પણ કરે છે અને અલ્લાહ સર્વ વ્યાપી અને સર્વજ્ઞ છે.“
(સુ. બકરહ, આયત 247)
2) લશ્કર પાણી ન પીવે તે માટે તાલૂતની ચેતવણી:
જ્યારે તાલૂત પોતાનું લશ્કર લઈને જાલૂતની સામે લડાઈ કરવા જઈ રહ્યું હતું, તો તેણે પોતાના લશ્કરને નદીમાંથી પાણી પીવાની ચોખ્ખી ના પાડી હતી, પરંતુ બની ઇસરાઈલ તેના હુકુમની અવગણના કરી અને ઈલાહી પરીક્ષામાં નિષ્ફળ થયા.
“પછી જ્યારે તાલૂત લશ્કર લઈને ચાલ્યો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરનાર છે. પછી જે તેમાંથી (પાણી) પી લેશે તે મારામાંથી નથી અને જે તેને ચાખશે નહી તે ખરેખર મારામાંથી છે, સિવાય કે જે પોતાના હાથે (એક) ઘૂંટડા જેટલું પી લેશે. આ છતાં તેઓમાંથી (ગણત્રીના) થોડાક લોકો સિવાય સઘળાઓ એ તેમાંથી પી લીધું. પછી જ્યારે તે તથા તેના ઈમાનદાર સાથીઓને નહેરને ઓળંગી ગયા, ત્યારે તે (મોઅમીનો સિવાયના)ઓએ (તેને) કહ્યું કે આજે તો અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શકિત નથી અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાત્રી હતી તેઓએ કહ્યું કે ઘણાંય નાના ટોળા મોટા ટોળા ઉપર અલ્લાહના હુકમથી વિજય મેળવી ગયા છે અને અલ્લાહ ધીરજ ધરનારાઓની સાથે છે.“
(સુ. બકરહ, આ. 249)
3) બની ઈસ્રાઈલે મુસા (અ.સ.) ની અવગણના કરી:
એક સંપૂર્ણ કિતાબ લખી શકાય છે કે જેમાં ઘણાં બધા એવા પ્રસંગોની નોંધ થઈ શકે છે કે બની ઈસ્રાઈલે જ. મુસા (અ.સ.)ની એવી અવગણના કરી કે જે ઈલાહી ક્રોધ અને શિક્ષાને નોતરે છે.
વાછરડાની પૂજા કરવી
“અને મુસાની કૌમે તેની ગેરહાજરીમાં પોતાના ઘરેણાઓમાંથી એક વાછરડાની આકૃતિ બનાવી, જેનો અવાજ ગાયના (અવાજ) જેવા હતો. શું તેઓ એટલું એ સમજતા ન હતા કે તે (વાછરડું) ન તો તેમની સાથે વાત કરતું હતું અને ન તેમને કોઈ (પ્રકારનો) માર્ગ દેખાડતું હતું? (છતા પણ) તેઓ તેને પૂજવા લાગ્યા અને તેમાં તેઓ ઝાલીમ હતા.“
(સુ. અઅરાફ, આ. 148)
હારૂન (અ.સ.) આ વાછરડાની પૂજાને અટકાવવા જતા એટલી તકલીફો સહન કરી કે લગભગ મરવા સુધી પહોંચી ગયા.
“અને જ્યારે મુસા પોતાની કૌમ તરફ અતિ ક્રોધવેરા અને અફસોસ કરતા પાછા ફર્યા ત્યારે કહ્યું કે તમોએ મારી ગેરહાજરીમાં ખરેજ એક દુષ્ટ વર્તન ચલાવ્યું છે; શું તમોએ તમારા પરવરદિગારના હુકમથી મોઢુ ફેરવી લેવામાં ઉતાવળ કરી? અને (ક્રોફથી) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈ હાનનું માથુ પકડી પોતાની તરફ ખેંચવા લાગ્યા. (ત્યારે) તેણે અરજ કરી કે અય મારા ભાઈ, ખરેજ કોમવાળાઓએ મને અશકત સમજ્યો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું મારા પર મારા શત્રુઓને ન હસાવ અને ઝુલ્મગારો સાથે મારી ગણના ન કર.“
(સુ. અઅરાફ, આ. 150)
આ પ્રસંગ નબી (સ.અ.વ.)ના જાનશીનની પ્રતિનિધીની હાજરીમાં ઉમ્મતનું વિચલિત થવું બતાવે છે.
પેલેસ્ટાઈનમાં દાખલ થવાનો ઈન્કાર અને સજાના પે તેઓનું જંગલમાં 40 વર્ષ સુધી ભટકવું
“તેમણે કહ્યું કે અય મુસા જ્યાં સુધી તેઓ અંદર છે અમે તો અંદર નહીંજ જઈએ. જેથી તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને (જણ તેમની સાથે) લડો, અમે તો અહીંજ બેસી રહેશું.
તેણે (મુસાએ) કહ્યું: ‘અય મારા પરવરદિગાર! હું કેવળ મારી જાતનો તથા મારા ભાઈ સિવાય બીજા કોઈ ઉપર અંકુશ નથી રાખતો, માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે.
તેણે (અલ્લાહે) કહ્યું કે તેમનામાનો નિસંશય તે ભૂમિ ચાલીસ વર્ષ સુઘી હરામ કરી દેવામાં આવશે, તેઓ પૃથ્વી ઉપર ભટકતા રહેશે, માટે તું તે નાફરમાન લોકોની (અવદશા) ઉપર ખેદ કરીશ નહીં.“
(સુ. માએદાહ, આ. 24-26)
ઉપરોકત આયત તેનું ઉદાહરણ છે કે જેમાં આખી ઉમ્મતે નબીની નાફરમાની કરી.
અલ્લાહના મોકલેલા ઘણા બધા નબીઓના કત્લ:
“બની ઇસરાઈલમાંથી જેઓ ઈમાન ન લાવ્યા તેમના ઉપર દાઉદ તથા મરિયમના પુત્ર ઈસાના મુખેથી લઅનત કરવામાં આવી; એટલા માટે કે તેઓ નાફરમાની તથા અત્યાચાર કરતા હતા.“
(સુ. માએદાહ, આ. 78)
નબીઓના કત્લ પછી, બુધ્ધિશાળી વ્યકિત માટે એ યોગ્ય નથી કે તે એવો દાવો કરે કે બહુમતી હંમેશા સાચી જ હોય છે.
ઈસાઈઓએ પણ ઘણી રીતે ભૂલો કરી
જનાબે ઈસા (અ.સ.)ના કહેવાતા કત્લ બાબતે ગૂંચવણ
“અને તેમના આ કહેવાના કારણે કે નિસંશય અમોએ અલ્લાહના રસૂલ મરિયમના પુત્ર ઈસા મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો અને ન શૂળીએ ચઢાવ્યો પરંતુ તેમને તે (ઈસા અ.સ.)ના જેવો લાગ્યો હતો અને નિસંશય જે લોકો આ બાબતમાં મતભેદ કરે છે તો આ બાબતમાં ખરેજ તેઓ મોટી શંકામાં (પડયા) છે, ફકત ગુમાનના અનુકરણ સિવાય તેમને આ (બાબત)માં કાંઈ જ્ઞાન નથી અને આ તો ખાત્રીપૂર્વક છે કે તેમણે તેને કત્લ કર્યો નથી.“
(સુ. નિસા, આ. 157)
બહુમતી પોતાના ખુદના નબીને કે જેઓ ઘણા બધા વર્ષો સુધી તેમની સાથે રહ્યા હોવા છતા તેમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા, તો પછી તેમના ઉપર કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે તેઓ ગૂંચવણભર્યા મસઅલાઓમાં અલ્લાહના નિયમોને આધીન રહ્યા હોય?
હ. ઈસા (અ.સ.)ને અલ્લાહના દીકરા (નઉઝોબિલ્લાહ) તરીકે લીધા.
“અને જ્યારે અલ્લાહ (કયામતના દિવસે) ફરમાવશે કે અય મરિયમના પુત્ર ઈસા! શું તે તેઓને કહ્યું હતું કે અલ્લાહ ઉપરાંત મને તથા મારી માં ને બીજા બે ખુદા માની લો? તે અરજ કરશે કે તારી ઝાત પાક છે, મારા માટે આ હરગીઝ લાયક ન હતું કે હું એવી વાત કરતે કે જેનો મને કંઈજ હક ન હતો; જો મે એવું કહ્યું હોત તો ખચીતજ તું તે જર જાણતે; તું મારા મનની વાત જાણે છે અને હું તારા મનની વાતથી અજાણ છુ; બેશક તું સૌથી મોટો છુપી વાતોનો જાણનાર છે.“
(સુ. માએદાહ, આ. 116)
આજ દીન સુધી બધાજ ખ્રિસ્તીઓ ક્રોસની પૂજા કરે છે. હ. ઈસા (અ.સ.)ને ખુદાના પુત્ર તરીકે માને છે (અલ્લાહની પનાહ – નઉલોબીલ્લાહ), શરાબ જેવી હરામ ચીજોનો ઉપભોગ કરે છે અને અકીદો ધરાવે છે કે આ કાર્ય ઈમાનના મુળભૂત સિધ્ધાંતોમાંથી છે.
મુસ્લિમો બની ઇસરાઈલના માર્ગ ઉપર ચાલશે
મુસ્લિમો કે જેઓ આ આયતો અને દલીલોને નકારે છે અને એવુ માને છે કે તેઓ બની ઇસરાઈલની જેવી ભૂલો કયારેય કરી શકતા નથી તેઓએ આ હદીસ નોંધી લેવી જોઈએ.
‘સલમાન (ર.અ.) એ કહ્યું: અને મેં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા: મારી ઉમ્મત બની ઇસરાઈલની પરંપરાને એવી રીતે પસંદ કરશે કે જેવી રીતે એક પગ બીજા પગ ઉપર પડે છે, એક વેંત બરાબર બીજી વેંત, એક હાથ બીજા હાથ સમાન, એક અંતર બીજા અંતર જેટલું ત્યાં સુધી કે તેઓ એક ખાડામાં દાખલ થશે તો આ લોકો પણ તેજ ખાડામાં દાખલ થશે. નિસંશય, તૌરેત અને કુરઆન એકજ ફરિશ્તા દ્વારા, એકજ ચામડી ઉપર અને એકજ કલમથી લખવામાં આવ્યા છે અને પરંપરાની સાથે દરેક ઉદાહરણો સમાન થઈ ગયા.’
(કિતાબે સુલૈમ બીન કૈસ અલ હેલાલી (ર.અ.), ભાગ-2, પા. 599)
અને તેઓએ ઈમામ હસન (અ.સ.)ની તે હદીસ નોંધી લેવી જોઈએ કે જેમાં તેમણે મોઆવીયાને નિર્દેશીને સમજાવ્યું કે કઈ રીતે મુસ્લીમો ખિલાફતના મામલામાં બની ઇસરાઈલને અનુસર્યા.
ઈમામ હસન (અ.સ.) એ કહ્યું: અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ કહ્યું: ‘જ્યારે લોકો પોતાના કાર્યોને એવા લોકોના હાથમાં આપી દે (કે જેઓ ઓછા જાણકાર હશે) જ્યારે કે તેઓની વચ્ચે વધુ જાણકાર (બુધ્ધિશાળી) લોકો હાજર હોય, તો તેઓના કાર્યો નિસંશય નિષ્ફળતા તરફ પ્રયાણ કરશે. એટલી હદે કે તેઓ દીનમાંથી બહાર નીકળી જશે અને વાછરડાની પૂજાના રિવાજમાં દાખલ થઈ જશે.
બની ઇસરાઈલ આ હકીકતથી વાકેફ હતા કે હાન (અ.સ.) (નબી) મુસા (અ.સ.)ના અનુગામી છે, છતાં પણ તેઓએ હાન (અ.સ.)ને છોડી દીધા અને વાછરડાની પૂજા કરવા લાગ્યા. તેવીજ રીતે આ ઉમ્મત પણ પોતાની જાતે પયગમ્બર (સ.અ.વ.) ને કહેતા સાંભળ્યા હતા કે ‘અય અલી! તમારો સંબંધ મારી સાથે એવોજ છે જેવો હાનનો મુસાથી હતો સિવાયકે મારા પછી કોઈ નબી નથી’છતા પણ મારી ઉમ્મતે અલી (અ.સ.)ને છોડી દીધા.
(અલ એહતેજાજ, ભાગ-2, પા. 289)
દેખીતી રીતે, તૌહીદ અને નબીઓના અનુગામીઓએ પણ તેમની બહુમતી હોવા છતાં ભૂતકાળમાં ભૂલો કરેલી છે અને પોતાની જાતને વિચલનથી બચાવી શકયા નથી. આજના મુસ્લિમો સાથે પણ તેવીજ બાબત છે. ખિલાફતની બાબતે બહુમતી હોવુ એ સત્ય અને હિદાયતની દલીલ ન હોય શકે. હકીકતમાં તો, બની ઇસરાઈલ અને ખ્રિસ્તીઓનું ઉદાહરણ, કે જેઓ બહુમતીમાં હોવા છતાં એ બાબતની દલીલ માટે પૂરતી છે કે તેઓ ગુમરાહ છે.
Be the first to comment