રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા.
શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) કહે છે : જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની મુસીબતો તેમના મઅસુમ ફરઝંદો (અ.મુ.સ.)ને તલ્વાર અને ખંજરની ઈજાઓ કરતા વધારે પીડાદાયક હતી અને આપ (સ.અ.)નું દુ:ખ તેઓને આગમાં સળગવા કરતા વધારે ઈજા પહોંચાડતું હતું. અલ્લાહ (ત.વ.ત.) તરફથી તેમને તકય્યા કરવાનો હુકમ હતો. તેથી તેઓ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની મુસીબતોને જાહેર ન કરી શકયા. આમ, જ્યારે જનાબે ફાતેમા (સ.અ.)નું નામ તેમની સમક્ષ લેવામાં આવતું તો તેઓના દિલ ગમથી ભરાઈ જતા હતા અને કોઈપણ સમજુ માણસ તેઓના કરીમ ચેહરા ઉપર તેની અસરો જોઈ શકતો હતો.
(બય્તુ અલ-અહઝાન, પા. 136)
આ ગમ તેઓની ઈમામતની સિફત વર્ણવતી હતી એ બે રીતે જાહેર થાય છે.
(1) તેમના ઉપર રૂદન કરવું (તવલ્લા) અને
(2) તેમના દુશ્મનો ઉપર લઅનત કરવી (તબર્રા).
નીચેનો બનાવ અમુક અંશે આ વાતને સ્પષ્ટ કરે છે
1) ઈમામ મોહમ્મદ ઈબ્ને અલી અલ જવાદ (અ.સ.)નો ગમ
ઝકરિયા ઈબ્ને આદમ નકલ કરે છે:
એક દિવસ, હું ઈમામ અલી રેઝા (અ.સ.)ની ખિદમતમાં હાજર હતો જ્યારે તેમના ફરઝંદ ઈમામ મોહમ્મદ અલ જવાદ (અ.સ.) કે જેઓ ચાર વર્ષ કરતા પણ નાની વયના હતા તેમને લાવવામાં આવ્યા. જ્યારે તેઓ અંદર આવ્યા, આપ (અ.સ.)એ પોતાની હથેળીઓને ઝમીન ઉપર મારી, પોતાનું માથું આસમાન તરફ બલંદ કર્યું અને લાંબા સમય સુધી ઊંડા વિચારમાં ડૂબેલા રહ્યા.
આ જોતા ઈમામ રેઝા (અ.સ.)એ તેમને પુછયું: હું તમારા ઉપર કુરબાન થાઉ! તમે કઈ બાબતના બારામાં વિચારી રહ્યા છો?
ઈમામ જવાદ (અ.સ.)એ જવાબ આપ્યો: હું મારી જદ્દા ફાતેમા (સ.અ.)ની ઉપર જે મુસીબતો પડી તેના વિચારમાં ડુબેલો છું. અલ્લાહની કસમ! હું આ બન્ને માણસો (શેખૈન)ને તેમની કબ્રમાંથી બહાર કાઢી બાળી નાંખીશ અને તેઓની રાખને દરીયામાં નાંખી દઈશ.
આ સાંભળી ઈમામ રેઝા (અ.સ.)એ તેમના ફરઝંદને તેમની નઝદીક લાવવા કહ્યું, તેમને કપાળ ઉપર બોસો આપ્યો અને ફરમાવ્યું: મારા માં-બાપ આપ ઉપર કુરબાન થાય! તમે આ (ઈમામતના) મરતબાને લાયક છો.’
(મુસ્તદરકે વસાએલુ અશ્-શીઆ, ભાગ-1, પા. 123; દલાએલુ અલ-ઈમામહ, પા. 212; ઈસ્બાતુ અલ-વસીય્યહ, પા. 218; મદીનતુ અલ-મઆજીઝ, ભાગ-7, પા. 325; બેહારૂ અલ-અન્વાર, ભાગ-50, પા. 59)
2) ઈમામ મોહમ્મદ ઈબ્ને અલી અલ–બાકિર (અ.સ.)નો ગમ
રિવાયતમાં છે કે જ્યારે પણ ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને તાવ આવતો ત્યારે આપ (અ.સ.) તાવનો ઈલાજ એ રીતે કરતા કે એક કપડાને ઠંડા પાણીમાં પલાળી પોતાના શરીર ઉપર રાખતા. એવા મોટા અવાજે કહેતા, ‘યા ફાતેમા બિન્તે મોહમ્મદ (સ.અ.વ.)!’ આ અવાજ એટલો મોટો હતો કે ઘરના પ્રવેશદ્વાર ઉપર આપ (અ.સ.)નો અવાજ સંભળાતો.
(રવઝતુ અલ-કાફી, પા.87; બેહારૂ અલ-અન્વાર, ભાગ-62, પા. 102),(બય્તુ અલ-અહઝાન ફી મસાએબિ અસ્-સય્યદતુ અન્-નિસ્વાન (સ.અ.), પા. 135)
આ હદીસની સમજૂતિમાં અલ્લામા મજલીસી (ર.અ.) કહે છે કે ઈમામ બાકિર (અ.સ.) જનાબે ફાતેમા (સ.અ.)ના પાક નામની બરકતથી તેમનો તાવ દૂર કરવા ચાહતા હતા.
શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) કહે છે : હું મક્કમપણે માનુ છું કે ઈમામ (અ.સ.)ના પાક શરીરને તાવ આવવાનું કારણ તેમની જદ્દા જનાબે ફાતેમા (સ.અ.)ની ઉપર પડેલી મુસીબતો છે. જે આપ (અ.સ.)ના સીનામાં છુપાયેલી હતી. આપ (અ.સ.) આપની જદ્દા જનાબે ફાતેમા (સ.અ.) અને તેમની મુસીબતને યાદ કરીને તાવની ગરમીને પાણી વડે દૂર કરતા હતા. આ તેના જેવું છે કે જાણે એક ગમગીન માણસ પોતાના ગમને ઓછો કરવા નિસાસો અને ઉંડા શ્વાસ લે છે.
(બય્તુ અલ-અહઝાન, પા. 136)
3) ઈમામ જઅફર સાદિક (અ.સ.)નો ગમ
રિવાયત છે કે ઈમામ સાદિક (અ.સ.)એ અલ-સકુનીને પુછયું કે જેમને અલ્લાહ (ત.વ.ત.)એ દિકરી અતા કરી હતી કે ‘તમે તમારી દુખ્તર માટે કયું નામ પસંદ કર્યું છે?’
તેણે જવાબ આપ્યો: ‘ફાતેમા’
આ સાંભળી (માત્ર ફાતેમાનું નામ સાંભળતાજ) ઈમામ સાદિક (અ.સ.) ગમગીન થઈ ગયા અને કહ્યું: ‘હાય! અફસોસ!’ આમ કહેતા આપ (અ.સ.)એ પોતાનો હાથ કપાળ ઉપર રાખ્યો અને ગમની હાલતમાં બેસી ગયા… ત્યાર પછી ઈમામ (અ.સ.)એ તાકીદ કરી કે ‘હવે જ્યારે તમે તેનું નામ ફાતેમા રાખ્યું છે તો કયારેય તેને ખરાબ ન કહેતા, લઅનત ન કરતા અથવા મારતા નહીં.’ (જનાબે ફાતેમા (સ.અ.)ની તઅઝીમ માટે અને એ પણ શકય છે કે આપ (સ.અ.)એ દુશ્મનોના હાથે આ બધી તકલીફોનો સામનો કરવો પડયો હતો તેના કારણે)
(અલ કાફી, ભાગ-6, પા. 48-49; તેહઝીબુ અલ-એહકામ, ભાગ-8, પા. 112; બય્તુ અલ-અહઝાન, પા. 136)
તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ઈમામ સાદિક (અ.સ.) પોતાની વાજીબ નમાઝો બાદ ચાર માણસો અને ચાર ઔરતો ઉપર લઅનત કરવાનું કયારેય ચુકતા નહીં, તેઓના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથેના દુર્વ્યવહારના કારણે.
(અલ કાફી, ભાગ-3, પા. 342; તેહઝીબુ અલ-એહકામ, ભાગ-2, પા. 321)
મઅસુમ હાદીઓ (અ.મુ.સ.) કે જેઓ જનાબે ફાતેમા (સ.અ.)ની મુસીબતોથી વ્યાકુળ થઈ જતા હતા અહીં ફક્ત તેમના અમુક ઉદાહરણો રજુ કર્યા છે. આવા બનાવો ઘણા બધા છે અને તેમાં શ્રેષ્ઠ મરતબાવાળી શખ્સીયતો જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો પણ સમાવેશ થાય છે કે જેમણે જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ મનાવ્યો હોય.
Be the first to comment