શંકા:
મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.
જોકે આ તાજેતરમાં સલફીઓના ઉદય સાથે સુસંગતતા હોવાનું જણાય છે, હકીકતમાં આ એક વર્ષો જુની ખોટી માન્યતા છે કે જેનો જાહીલ અને શંકા કરનારા લોકો વર્ષોથી પ્રચાર કરે છે.
પરંતુ હકીકતમાં આપણે જોઈશુ કે મુસલમાનોના કહેવાતા આગેવાનો પણ આ બાબતે મુંઝવણમાં છે:
જવાબ:
ઈમામ સાદિક(અ.સ.) અને અબુ હનીફા (હનફી ફીર્કાના ઈમામ) વચ્ચે આ વસીલાના વિષય ઉપર એક દિલચસ્પ મુનાઝેરો છે જે શંકા કરનારાઓના મોઢા ઉપર હંમેશા માટે તાળા મારી દેશે.
અબુ હનીફા કોણ છે?
કહેવાતો ઈમામ અબુ હનીફાના બારામાં ટૂંકો પરિચય નીચે મુજબ છે.
અબુ હનીફા નોઅમાન ઈબ્ને સાબીત (વફાત 150 હી.સ.) તે હનફી ફીર્કાનો ઈમામ છે. આ એહલે તસન્નુન (અથવા સુન્નીઓ જેમ તેઓ પોતાના કહે છે)નો સૌથી મોટો ફીર્કો છે.
તેણે ઈમામ જઅફર સાદિક(અ.સ.)ની પાસે તઅલીમ લીધી અને સ્વિકાર્યું કે તે સમયગાળો પોતાની ઝીંદગીનો સૌથી મહત્વનો સમય હતો:
‘અગર તે બે વર્ષો (ઈમામ સાદિક(અ.સ.)ના વિદ્યાર્થી હોવાના) ન હોત તો બેશક નોઅમાન નાશ પામતે.’
(મુખ્તસર તોહફે ઈસ્ના અશરીયા, પા. 9)
તેણે આ પણ સ્વિકાર્યું છે કે:
મેં જોયેલા ફકીહોમાંથી જઅફર બીન મોહમ્મદ(અ.સ.) સૌથી મહાન ફકીહ છે.
(જામેઓ અલ મસાનીદ અબી હનીફા, ભા. 1, પા. 222)
અબુ હનીફા અને ઈમામ સાદિક(અ.સ.) વચ્ચે મુનાઝેરો
અલ કરાજકી(ર.અ.) કન્ઝુલ ફવાએદમાં નકલ કરે છે કે અબુ હનીફા ઈમામ સાદિક(અ.સ.)ની સાથે જમી રહ્યા હતો. જ્યારે ઈમામ(અ.સ.)એ જમવાનું ખત્મ કર્યું તો આ રીતે કહીને અલ્લાહનો શુક્ર અદા કર્યો:
‘તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહના માટે છે. અય અલ્લાહ! બેશક આ ખોરાક તારા તરફથી હતો અને તારા રસુલ(સ.અ.વ.) તરફથી હતો.’
અબુ હનીફાએ ટીકા કરી:
અય અબા અબ્દિલ્લાહ(અ.સ.)! શું તમે અલ્લાહ સાથે ભાગીદાર જોડી રહ્યા છો?
ઈમામ(અ.સ.)એ તેને ઠપકો આપ્યો:
તારા ઉપર વાય થાય! બેશક અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ પોતાની કિતાબમાં ફરમાવ્યું:
“અને તેઓ (એ કારણે મુસલમાનો સામે) ચિડાઈ ગયા હતા કે અલ્લાહે તથા તેના રસુલે પોતાના ફઝલથી તેને(મુસલમાનોને) પૈસાદાર બનાવ્યા.” (સુરએ તૌબા-9, આ. 74)
બીજી જગ્યાએ ઈરશાદ થાય છે:
“અને જો તેઓ અલ્લાહ તથા તેના રસુલ(સ.અ.વ.)એ તેમને જે આપ્યું હતું તેના ઉપર રાજી થઈ જતે અને કહેતે કે અમારા માટે તો અલ્લાહ બસ છે તો નજીકમાંજ અલ્લાહ તથા રસુલ પોતાના ફઝલથી અમને (વધુ) આપી દેશે.” (સુરએ તૌબા-9, આ. 59)
અબુ હનીફાએ સ્વિકાર્યુ:
‘અલ્લાહની કસમ! આ એવું છે જાણે કે અલ્લાહની કિતાબમાંથી આ બન્ને આયતો મેં કયારેય પડી નથી અને સાંભળી નથી સિવાય કે હમણા.’
ઈમામ સાદિક (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
અલબત્ત તમે આ બન્ને આયતો પઢી છે અને સાંભળી છે પરંતુ અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ તમારી અને તમારી જેવા લોકો માટે ફરમાવ્યું છે:
“નહિ, તેઓના દિલો ઉપર તાળા લાગેલા છે.”
(સુરએ મોહમ્મદ-47, આ. 24)
અને આમ પણ ફરમાવ્યું:
“નહિ નહિ, અલબત્ત તેઓ જે કાર્યો કર્યા કરતા હતા તેનાથી તેમના દિલો પર કાટ ચડી ગયો છે.
(સુરએ મુતફ્ફેફીન-83, આ. 14)
(બેહારુલ અન્વાર, ભા. 47, પા. 240, હ. 25, અલ કરાજકીની કન્ઝુલ ફવાએદ, પા. 196 માંથી નકલ કરતા)
ઈમામ સાદિક(અ.સ.) અને અબુ હનીફા વચ્ચેની વાતચીતથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટપણે જાહેર થાય છે
1) આપણા સુધી બધુ જ ફઝલ રસુલ(સ.અ.વ.)ના વસીલા વડે પહોંચે છે અને અન્ય રિવાયતો મુજબ આલે મોહમ્મદ(અ.મુ.સ.) થકી પહોંચે છે, ચાહે આપણે કબુલ કરીએ અથવા મહેસુસ કરીએ કે ન કરીએ.
2) પવિત્ર કુરઆને ઈમામ સાદિક(અ.સ.) દ્વારા નિર્દેશ કર્યા મુજબ આ હકીકતનો ઘણી જગ્યાએ ઈશારો કર્યો છે.
3) મહાન રસુલ(સ.અ.વ.) તેમની ઝીંદગી દરમ્યાન અને ત્યારબાદ પણ વસીલા છે. આ તે જૂઠાણાને જાહેર કરે છે કે જેઓ એવો દાવો કરે છે કે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) ફકત તેમની ઝીંદગીમાં જ વસીલા છે. હકીકતમાં આપ(સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના વસીલાથી જનાબે આદમ(અ.સ.) અને જનાબે નુહ(અ.સ.) મુસીબતોમાંથી નજાત પામ્યા.
(જુઓ 17 રબીઉલ અવ્વલની અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ઝિયારત)
તેથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) દરેક સમયે બધી જ મખ્લુકાત માટે વસીલો છે.
4) જેઓ એ દાવો કરે છે કે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) જમીનમાં દફનાવ્યા બાદ જમીનની જેમ નિર્જીવ છે તેઓએ આપ(સ.અ.વ.) ઉપર ખુબ જ મોટો અન્યાય કર્યો છે. તેઓ આપ(સ.અ.વ.)ના ઉચ્ચ મકામને ઓળખવામાં નિષ્ફળ ગયા છે અને આપ(સ.અ.વ.)ના દરજ્જાને પોતાની કમઝોર અકલો અને તકલાદી માન્યતાઓના કારણે હલ્કો કર્યો. તેઓએ માનનીય રસુલ(સ.અ.વ.) ઉપર એઅતેરાઝ કરવા પહેલા હઝરત યુસુફ(અ.સ.)ના ‘નિર્જીવ’ લિબાસ અને તેની મોઅજીઝાતી શકિતઓ તથા ‘નિર્જીવ’ હજરે અસ્વદ ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ.
Be the first to comment