શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ

જેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે.

તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર હતા કે આપ (અ.સ.) એ રસુલે ખુદા (સ.અ.વ.)ના સુચન મુજબ તૈયાર કરેલું કુરઆન પણ છોડી દીધું.

(નોંધ: એ પહેલા કે અમે આ આરોપનો જવાબ આપીએ, એ દર્શાવવું જરુરી છે કે અમે મુસલમાનોમાં ઇત્તેહાદની વિરુધ્ધ નથી. બલ્કે અમે ફકત એજ મુસલમાન ઇત્તેહાદને સમર્થન આપીએ છીએ જે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત, ઈતાઅત અને તસ્લીમવાળી હોય. અમે દરેક તે મુસલમાનના ઇત્તેહાદની વિરુધ્ધ છે જે કપટ, ખોટા, છેતરપીંડી અને પચાવી પાડવાના સિધ્ધાંત ઉપર બનાવટી હોય).

 જવાબ:

અમે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની તરફ જુઠની નિસ્બત દેવાથી અને આપ (અ.સ.)ની કુરઆને મજીદના સંકલન અને વ્યવસ્થિત કરવામાં ઉઠાવેલ ઝહેમતોને ઓછી જાણવાથી અલ્લાહ તઆલા પાસે પનાહ ચાહીએ છીએ અને ખંતપૂર્વક દલીલો વડે આપ (અ.સ.)ની ખિલાફત માટે અફઝલીય્યતને સંકલીત કરેલ કુરઆનના આધારે સાબીત કરીએ.

આપણે જોશું કે કેવી રીતે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ઈમામતને છોડી દેવાથી મુસલમાનો ન ફકત એહલેબૈત (અ.મુ.સ.)થી વંચિત થઈ ગયા પરંતુ અલ્લાહની કિતાબથી પણ દૂર થઈ ગયા છે.

નીચેનો અહેવાલ ખોટા કહેવાતા ઇત્તેહાદના દાવા કરનારાઓ માટે વ્યાપક જવાબ છે.

સુલૈમ બિન કૈસ જનાબે સલમાન (અ.ર.)થી સકીફાનો બનાવ વર્ણન કરે છે:

‘…જ્યારે ઈમામ અલી (અ.સ.) એ લોકોના બહાનાઓ, છેતરપીંડી, બેવફાઈ જોયા, આપ (અ.સ.) ઘરે પરત ફરી ગયા અને કુરઆનની આયતોનું સંકલન અને વ્યવસ્થા કરવામાં લાગી ગયા અને પોતાના ઘરની બહાર ત્યાં સુધી ન નિકળ્યા જ્યાં સુધી આપ (અ.સ.) એ આ કામને પૂર્ણ ન કર્યું કારણકે પહેલા આ કુરઆનને કાગળો, લાકડા, ઘેટાના હાડકાઓ, કપડાઓ ઉપર લખવામાં આવ્યું હતું. જ્યારે ઈમામ (અ.સ.) કુરઆનનું સંકલન કરી રહ્યા ત્યારે આપ (અ.સ.) એ તેની તન્ઝીલ (સ્પષ્ટતા) અને તાવીલ (તફસીર) લખી અને રદ થયેલ આયતો નોંધી.

પ્રથમ ખલીફાએ પોતે આપ (અ.સ.)ને પયગામ આપ્યો કે ઘરમાંથી બહાર આવો અને તેના હાથો ઉપર બયઅત કરો.

ઈમામ અલી (અ.સ.)એ ફરમાવ્યું: હું કુરઆનના સંકલનમાં વ્યસ્ત છું અને મેં કસમ ખાધી છે કે હું અબા મારા ખભા ઉપર નહિ રાખું સિવાય કે નમાઝ માટે જ્યાં સુધી હું કુરઆનનું સંકલન ન કરી લઉ.

જ્યારે ઈમામ અલી (અ.સ.) એ સંકલન કાર્ય પૂર્ણ કર્યું, આપ (અ.સ.) એ તેને (કુરઆને મજીદને) એક કપડાની થેલીમાં મુકયું અને તેના ઉપર પોતાની મોહર મારી દીધી.

 

બીજી રિવાયત છે કે ઈમામ અલી (અ.સ.) એ કુરઆને મજીદ લીધું જે આપ (અ.સ.) એ સંકલન કર્યું હતું અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર ઉપર આવ્યા. આપ (અ.સ.)એ કુરઆન રાખ્યું, બે રકાત નમાઝ બજાવી અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર સલામ મોકલ્યા. જ્યારે લોકો મસ્જીદમાં પ્રથમ ખલીફા પાસે જમા થયા, ઈમામ અલી (અ.સ.) એ મોટા અવાજે તેઓને મુખાતબ થઈને ફરમાવ્યું: અય લોકો! જ્યારથી રસુલુલ્લાહ (સ.અ.વ.)નો ઈન્તેકાલ થયો છે, હું ઘણા બધા કામોમાં વ્યસ્ત હતો, જેમાંનું પહેલું રસુલુલ્લાહ (સ.અ.વ.)ને દફનાવવાનું હતું, તેના પછી કુરઆનના સંકલનના કામમાં. મેં સંપૂર્ણ કુરઆનને જમા કર્યું છે જે આ થેલીમાં છે. મેં દરેક આયતને નોંધી છે જે રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર નાઝીલ થઈ હતી. કુરઆનમાં કોઈ એવી આયત નથી સિવાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ મને વાંચી સંભળાવી હોય અને મેં તેને નોંધી લીધી હોય. આપ (સ.અ.વ.) એ મને તેની છુપી તફસીર પણ બયાન ફરમાવી છે.’

આપ (અ.સ.) એ આગળ ફરમાવ્યું: ‘આ જાહેરાત તેઓ માટે કરવામાં આવી છે કે જેઓ કાલે કયામતના દિવસે એમ ન કહી શકે કે તેઓને આ અલી (અ.સ.)ના બારામાં ખબર ન હતી. તમે એમ ન કહી શકો કે મેં તમને મદદ માટે દાવત નથી આપી અથવા મારા હક્કો બાબતે યાદદહાની નથી આપી.

આ સાંભળી બીજા ખલીફાએ કહ્યું: અમારી પાસે કુરઆનનું હોવાથી તમે સંકલીત કરેલ કુરઆનની જરુરત રહેતી નથી.’ બીજી એક રિવાયત છે કે બીજા  ખલીફા કહ્યું: ‘કુરઆન મુકી દયો અને તમારા કામે જાવ.’

ઈમામ અલી (અ.સ.) એ ફરમાવ્યું: ‘રસુલુલ્લાહ (સ.અ.વ.) એ મને ફરમાવ્યું છે કે ‘હું તમારી દરમ્યાન બે મહાભારે વસ્તુઓ છોડી જાઉ છું, અલ્લાહની કિતાબ (કુરઆન) અને મારી ઈતરત (મારા એહલેબૈત અ.મુ.સ.). આ બન્ને વસ્તુ કયારેય એકબીજાથી જુદા નહિ થાય જ્યાં સુધી મને હૌઝ (કવસર) ઉપર ન મળે. પછી અગર તમે કુરઆનને કબુલ કરો છો તો પછી તમારે મને પણ આની સાથે કબુલ કરવો જોઈએ જેથી હું તમારી દરમ્યાન અલ્લાહે કુરઆનમાં જે નાઝીલ કર્યું છે તેના દ્વારા ફેંસલો કરૂ કારણકે તમારી નિસ્બત હું સંપૂર્ણ કુરઆનથી વધારે માહિતગાર છું, અને તેની કઈ આયત રદ થયેલ છે, તેની તફસીર, મોહકમ (સ્પષ્ટ) અને મુતશાબેહ (અસ્પષ્ટ) આયતો, હલાલ અને હરામ.’

આ સાંભળી બીજા ખલીફા બોલ્યા: ‘આ કુરઆન લઈ જાવ! કે જેનાથી તમે કયારેય જુદા નહિ થાવ અને તે તમારાથી કયારેય જુદા નહિ થાય. અમને ન તો તમારા આ સંકલીત કરેલ કુરઆનની જરુર છે અને ન તો તમારી જરુર છે.’

ઈમામ અલી (અ.સ.) એ કુરઆન લીધું અને પોતાના ઘરે પરત ફર્યા અને પોતાની ઈબાદતની જગ્યા ઉપર બેઠા અને કુરઆનને ખોલ્યુ અને પોતાના ખોળામાં રાખ્યું અને તેની આયતોની તિલાવત કરી જ્યારે કે આપ (અ.સ.)ની આંખોમાં આંસુઓ વહી રહ્યા હતા.

(કિતાબ અલ સુલૈમ, હદીસ 4)

(શૈખ અબ્બાસ કુમ્મી (અ.ર.)ની બય્ત અલ અહઝાન, પ્ર. 3 ‘કુરઆનનું સંકલન અને વ્યવસ્થા’ના વિષય હેઠળ)

આ રિવાયત અને બીજી ઘણી રિવાયતોથી એ સ્પષ્ટ છે કે:

અમીરુલ મોઅમેનીન (અ.સ.) થાકયા વગર એ પ્રયત્નો કર્યા કે મુસલમાનોને કુરઆનની નઝદીક લાવે, બન્ને કુરઆન એક જે આપ (અ.સ.) એ સંકલીત કર્યું હતું અને બીજું જે મુસલમાનો દરમ્યાન છે.

મુસલમાનો ન તો અલી (અ.સ.) દ્વારા સંકલીત કુરઆનમાંથી હિદાયત મેળવવા ચાહતા હતા અને ન તો તે કુરઆનમાંથી જે તેઓ દરમ્યાન હતું.

એ અશકય છે કે સકલૈનમાંથી ફકત કુરઆનને લઈ લેવામાં આવે. અગર મુસલમાનો કુરઆનને ચુંટે છે તો તેઓ માટે જરુરી છે કે એહલેબૈત (અ.મુ.સ.)ને પણ કબુલ કરે.

ફકત મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) અલ્લાહે નાઝીલ કરેલ કુરઆનમાંથી ફેંસલો કરી શકે છે અને તેઓ તન્ઝીલ, તાવીલ, રદબાતલ, સ્પષ્ટ અને અસ્પષ્ટ આયતોના સૌથી વધારે જાણકાર છે.

ફકત કુરઆનને કબુલ કરી, મુસલમાનો એમ માનીને કે તેઓ હિદાયતના રસ્તા ઉપર છે પોતાની જાતને છેતરે છે. કુરઆનને કયારેય ઈમામ (અ.સ.) વગર અલગથી કબુલ કરી શકાતું નથી. અલ્લાહે સકલૈનમાંથી એક વસ્તુ લેવાનો વિકલ્પ આપ્યો જ નથી.

ફકત કુરઆનને ચુંટીને મુસલમાનોએ અલબત્ત્ બન્ને કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)ને છોડી દીધા છે.

બીજા ખલીફાનો પ્રતિભાવ સ્પષ્ટપણે દેખાડે છે કે તે અને તેના સાથીદારો હિદાયતમાં રસ ધરાવતા નથી કારણકે તેમ કરવાથી તેઓને અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને ખલીફા તરીકે લેવા પડે. તેઓ માટે અમીરુલ મોઅમેનીન (અ.સ.) ખિલાફત ગસ્બ (છીનવી લેવા) કરવામાં અવરોધરુપ હતા.

અમીરુલ મોઅમેનીન (અ.સ.) હુકુમતથી નારાજ હતા જે આપ (અ.સ.)ની દલીલોથી સ્પષ્ટ થાય છે અને એ હકીકતથી આપ (અ.સ.) આંસુ વહાવે છે. આપ (અ.સ.)એ કુરઆનને ઇત્તેહાદ માટે છોડી ન દીધું. આપ (અ.સ.) એ એટલા માટે પાછું ખેંચી લીધું કારણકે લોકોએ તેના પ્રત્યે કોઈ રુચિ ન બતાવી. લોકોએ કુરઆન અને તેના શિક્ષક તરફ રજુ થવું જોઈએ, આ બન્ને લોકો તરફ રજુ નહિ થાય.

મુસલમાનો સાથે ઇત્તેહાદ એટલે તેઓની જેમ આપણે પણ કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)ને છોડી દેવા. શું આપણે તેના માટે તૈયાર છીએ?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*