ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

વાંચવાનો સમય: 5 મિનિટ

તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા,હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની બેશુમાર અસરો અને બરકતો છે. ચાલો આપણે વિવિધ પ્રકારના ગમ/રુદનનું મૂલ્યાંકન કરીએ જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની પ્રકૃતિને ઓળખી શકીએ.

ગીર્યા એ ઈન્સાનની લાગણીને જાહેર કરવાનું પ્રતિક અને પ્રતિનિધિત્વ છે. તેની પાછળ ઘણા કારણો અને હેતુઓ હોય શકે છે અને દરેકની અલગ લાક્ષણિકતાઓ હોય છે. હદીસોમાં અમૂક સંજોગોમાં ગીર્યા કરવાના વખાણ કરવામાં આવ્યા છે અને તે અલ્લાહના  ખાલીસ બંદાઓની વખાણપાત્ર ખુસુસીય્યત છે જ્યારે અમૂક ગીર્યાને વખોડવામાં આવ્યા છે.

ગીર્યા ગમ અને બેચેની જાહેર કરે છે. દા.ત. ઘણી વખત એવુ બને છે કે જેને મોહબ્બત કરતા હોય તેને ઘણા લાંબા સમય પછી મળવાના કારણે બન્ને વ્યક્તિઓ રડી પડે છે.

તદઉપરાંત ઘણી વખત ગીર્યા ઈન્સાનના દીની અકીદાઓ જાહેર કરે છે. આ વ્યાખ્યાથી પણ ગીર્યા એ ફિતરી કાર્ય છે તે બાબત નિર્દેશ કરે છે અને તે સ્વભાવિક છે. તેથી આ કાર્ય પ્રતિબંધિત નથી બની શકતું અને દીનના એહકામ મુજબ તેને ન તો સારૂ અને ન તો ખરાબ ગણવામાં આવે છે. શું સારૂ છે અને શું ખરાબ છે તે ગીર્યા માટેના હેતુઓ અને પૂર્વભુમિકા પર આધારિત છે.

આપણે સય્યદુશ્શોહદા, હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની અસરો અને બરકતોનું પૃથ્થકરણ કરીશું. અહિં રૂદનના વિવિધ પ્રકારોનું બયાન કરવા યોગ્ય ગણાશે જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યાની પ્રકૃતિને ઓળખી શકીએ.

1) બાળકનું રૂદન: ઈન્સાનની ઝીંદગીની શરૂઆત ગીર્યાથી થાય છે અને તે તંદુરસ્તી અને સલામતીની નિશાની છે. ગીર્યા તો બાળકની ભાષા છે.

2) જુદાઈમાં ગીર્યા: એવી માં નું રૂદન કે જે એક લાંબા સમય પછી પોતાના ફરઝંદને મળે. આ સમયે આંસુઓ ઉત્સાહ અને વ્યાકુળતાના કારણે વહે છે.

3) લાગણીના કારણે ગીર્યા : લાગણીઓમાં મુળભુત મોહબ્બત છે જે ઉંડો લગાવ બતાવે છે. દા.ત.અલ્લાહથી હકીકી મોહબ્બત એ શ્રેષ્ઠ સિફત છે જે તેની મખ્લુકમાં હોય છે અને આંસુઓ આ મોહબ્બતને વ્યક્ત કરવાની  નિશાની છે.

4) મઅરેફત અને ખૌફમાં ગીર્યા: ખુલુસતા સાથે ઈબાદત અને તેની ખિલ્કતની મહાનતા ઉપર ચિંતન તથા ફરજો અને જવાબદારીઓના મહત્વથી ઈન્સાનમાં એક ખાસ પ્રકારનો ખૌફ તારી થાય છે. આ ખૌફ અલ્લાહનો ખૌફ છે અને તે પોતાની જાતની સુધારણા માટે જરૂરી છે અને તે ખૌફે ખુદાથી પણ પ્રખ્યાત છે.

5) તૌબાના આંસુઓ: ગમના પરિબળોમાંથી જે રડવાનું કારણ બને છે તે પોતાની જાતનો હિસાબ છે કે જેના કારણે તે પોતાના ભૂતકાળના બારામાં વિચારે છે. તે પોતાની ખામીઓ અને ભૂલો તરફ નિર્દેશ કરે છે અને આ યાદના કારણે પસ્તાવાના અને શરમીંદગીના આંસુઓ વહે છે. આ આંસુઓ તૌબા અને અલ્લાહ તરફ પાછા ફરવાના કારણે હોય છે.

6) કોઈ હેતુ માટે ગીર્યા કરવું: કયારેક, ઈન્સાનના આંસુઓ કોઈ સંદેશ અને હેતુ માટે હોય છે. શહીદ ઉપર ગીર્યા કરવું  તે આ પ્રકારનો જ ગિર્યા છે. શહીદ ઉપર ગીર્યા કરવાથી ઈન્સાનની અંદરની પ્રકૃતિ જીવંત થાય છે. સય્યદુશ્શોહદા (અ.સ.) ઉપર ગીર્યા કરવાથી ઈન્સાનની અંદર હુસૈની ફિતરતને બેદાર કરે છે. હુસૈની ફિતરત એ છે કે ન તો ઝુલ્મ કરવામાં આવે અને ન તો ઝુલ્મ સહન કરવામાં આવે. જે કોઈ કરબલાના બનાવને સાંભળે છે તે પોતાના આંસુઓને વહેતા રોકી નથી શકતો.

7) પરાજય અને ઝિલ્લત માટે રૂદન: કમઝોર અને નિ:સહાય, જુસ્સાના અને હિમ્મતની કમીના આંસુઓ જ્યારે તેઓ પોતાને પોતાના હેતુઓ સુધી ન પહોંચતા જોવે છે.

ઉપરોકત ગીર્યાના પ્રકારો બયાન કરી આપણો મકસદ ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની ફિતરતને સમજવાનો છે. જે કોઈ જર્રા બરાબર પણ ધ્યાન આપે તે અનુભૂતિ કરશે કે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા મોહબ્બતનું ગીર્યા છે, એ મોહબ્બત કે જે પોતાના દિલમાં તેમના તરફ લાગણી અનુભવે છે. તેમના ઉપર ગીર્યા જુદાઈનું ગીર્યા છે. કરબલાની જંગમાં બહાદુરી, કુરબાની અને જોશીલી તકરીરોના કારણે ઝાલીમ લોકો દ્વારા ન્યાયી અને હક્ક પસંદ કરનાર મર્દો અને ઔરતોને કૈદ કરવામાં આવેલ, હક્ક અને બાતીલ વચ્ચે એવો સંઘર્ષ કે સાંભળનાર પર પણ અસરઅંદાઝ હોય, તદઉપરાંત રૂદન એ હક્ક અને જેઓ હક્ક ઉપર હતા તેઓની મઅરેફતની નિશાની છે અને પોતાની અને ઈલાહી હુકમ વચ્ચેની કડી છે.

ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા ઝિલ્લત અને પરાજયનું ગીર્યા નથી, તેનાથી ઘણું દૂર છે. તે કમઝોરોનું રૂદન નથી પરંતુ તે બહાદુરોનું ગીર્યા છે, તે નિ:સહાયનું ગીર્યા નથી પરંતુ ઉમ્મતના આંસુઓ છે. અંતે, ગીર્યા મઅરેફત છે, ઈમામ હુસૈન (અ.સ.)ના કયામમાં મઅરેફતના આંસુઓ ઈન્સાનને ગુમરાહી અને જૂઠથી બચાવે છે. તેથી ઘણી બધી હદીસોમાં સય્યદુશ્શોહદા (અ.સ.) ઉપર ગીર્યા કરવાની ફઝીલતનું વર્ણન થયું છે. ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: દરેક બાબતમાં ગીર્યા અને વિલાપ કરવો ઠપકા પાત્ર છે સિવાય કે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ઉપર ગીર્યા કરવામાં કે તેમાં સવાબ છે.

તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ અસંખ્ય છે. આવો આપણે અમૂક અસરો તરફ નજર કરીએ અને આ અઝાદારી થકી ઈમામ હુસૈન (અ.સ.)ની કુરબત અને શફાઅતના હકદાર થઈએ:

(1) હુસૈની કુરબાનીઓ અન્યાય અને ઝુલ્મ સામે પ્રતિક ચિન્હ છે:

તે વાત ચર્ચાને પાત્ર છે કે શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ની મજલીસો ખાસ કરીને સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની મજલીસોને ઝાલીમ ખલીફાઓ અને બાદશાહોએ રોકવાની કોશીષો કરી છે? તેનું કારણ એ છે કે ઈમામ હુસૈન (અ.સ.) અને બીજા ઈમામો (અ.મુ.સ.)ની અઝાદારી ઝાકીરો અને સ્વતંત્ર વિચારો ધરાવનારાઓ માટે જાગૃતિ લાવવાનું માધ્યમ બને છે. હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરની દાવત આપે છે.

બેશક આ મજલીસો કે જેમાં અખ્લાક અને અકીદાનું વર્ણન થાય છે શ્રેષ્ઠ શાળાઓ અને યુનિવર્સીટીઓ છે જે જેહાલતને દૂર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. જેઓ આ મજલીસોમાં શિરકત કરે છે તેઓના ઈમાન અને અમલ કે જે કુરઆન અને એહલેબય્ત (અ.મુ.સ.) એ શીખવ્યા છે તે બતાવવામાં આવે છે.

(2)  ઈમામ (અ.સ.)ની મોહબ્બતમાં અને તેમના દુશ્મનોથી નફરતમાં વધારો:

સય્યદુશ્શોહદા (અ.સ.)ની મજલીસો થકી એહલેબય્ત (અ.મુ.સ.)થી મોહબ્બત અને કુરબતમાં વધારો થાય છે. તદ્ઉપરાંત, ઈમામ હુસૈન (અ.સ.)ના મસાએબનું સતત વર્ણન કરીને ઈસ્લામ અને એહલેબય્ત (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતમાં વધારો થાય છે. અઝાદારી આપણને દરેક પ્રકારના ઝુલ્મ, અન્યાય અને ગુનાહને પ્રત્યે બરાઅત કરવાનું પ્રોત્સાહન આપે છે.

(3) હકીકી દીનની ઓળખાણ અને તેનો પ્રચાર:

અઝાદારી અને સય્યદુશ્શોહદા (અ.સ.)ની મજલીસોની બીજી અસર એ છે કે લોકો ઈસ્લામ અને તેના સિધ્ધાંતોથી માહિતગાર થાય છે. દીને ઈસ્લામની તઅલીમાત લોકો તરફ રજુ થાય છે. મજલીસોમાં તેઓ કુરઆને કરીમ અને મોહમ્મદ વ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના અમુલ્ય શિક્ષણો જાણે અને શીખે છે.

(4) ગુનાહોનું માફ થવું:

રય્યાન ઈબ્ને શબીબ ઈમામ રઝા (અ.સ.) થી વર્ણન કરે છે:

‘અય ફરઝંદે શબીબ, અગર તમે ઈમામ હુસૈન (અ.સ.) પર રડો કે તમારા આંસુ તમારા ગાલ ઉપર વહે તો અલ્લાહ તમારા બધા ગુનાહો માફ કરી દેશે ભલે પછી મોટા હોય કે નાના હોય, વધારે હોય કે ઓછા.’

  • મુન્તખબ કામીલુઝઝીયારાત, પાના નં. 164, લેખક: ઈબ્ને કુલવૈહ અલ કુમ્મી

ઈમામ (અ.સ.) એ પણ ફરમાવ્યું:

‘જે કોઈ રડે છે તેને જોઈએ કે તે ચોક્કસ ઈમામ હુસૈન (અ.સ.) જેવા પર રડે કારણકે આપ (અ.સ.) પર રડવાથી ગુનાહે કબીરા દૂર થઈ જાય છે.’

  • જીલા અલ ઉયુન, પાના નં. 462, લેખક: અલ્લામા મજલીસી અ.ર.

(5) જન્નતમાં રહેઠાણ:

ઈમામ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું:

‘જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.) ના ગમમાં આંસુ વહાવે  તો અલ્લાહ તેને જન્નતમાં જગ્યા આપશે.’

  • બેહાલ અન્વાર 44/293, લેખક: અલ્લામા મજલીસી અ.ર.

ઈમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું:

‘જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.)નો નૌહો પડે, પોતે રડે અને બીજાને રડાવે, અલ્લાહ તે બંને માટે જન્નત વાજીબ કરી દે છે.’

(6)    શિફા:

સૈય્યદુશ્શોહદા ઈ.હુસૈન (અ.સ.)ની અઝાદારીની બીજી ચમત્કારીક અસર બિમારો માટે સેહત અને લાઈલાજ રોગો માટે શિફા છે.

આયતુલ્લાહ બુરૂજર્દી (અ.ર.) વર્ણન કરે છે કે નેવુ વર્ષની ઉમરે હું જીણાં અક્ષરો ચશ્મા વગર વાંચી શકું છું. આંખની આ રોશની માટે હું સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)નો આભારી છું. અમૂક વર્ષો પહેલા હું બુરૂજર્દમાં હતો જ્યાં મને આંખનો સખ્ત દુખાવો શરૂ થયો. તબીબોએ દવા દીધી પરંતુ દવાઓએ કાંઈ અસર ન કરી. પછી મોહર્રમ શરૂ થયો. આયતુલ્લાહ મોહર્રમના પહેલા દસ દિવસ બુરૂજર્દમાં આવ્યા અને ઘણી બધી મજલીસોમાં શિરકત કરી. આશુરાના દિવસે ઘણા બધા લોકો માતમી જુલુસ લઈને આવતા. જેમાં સાદાત, આલીમો અને મોઅમીનો હાજર હતા. દરેક કમરમાં સફેદ કપડું અને માથામાં ધૂળ નાંખી માતમ કરતા અને નૌહા પડતા પસાર થતા હતા. આયતુલ્લાહ (અ.ર.) વર્ણન કરે છે: જ્યારે તેઓ મારા ઘરમાં આવ્યા અને મજલીસ કરી તો મારી અજીબ હાલત થઈ. હું ખુણામાં બેસી ધીમે ધીમે રડતો હતો. પછી મેં જુલુસના લોકોના કદમોની ધૂળ ઉપાડી અને મારી દુ:ખતી આંખો ઉપર લગાડી. અઝાદારોના પગની ધૂળે મારી આંખોને એવી શિફા આપી કે આજ સુધી ક્યારેય મને આંખનો દુ:ખાવો થયો નથી એટલું જ નહિં મારી આંખોની રોશની તેજ થઈ ગઈ અને ઈમામ હુસૈન (અ.સ.)ના સદકાથી ચશ્મા પહેરવાની પણ જરૂર પડતી નથી.

(7) જે ઈમામ હુસૈન (અ.સ.) પર રડે તે કયામતના દિવસે નહિં રડે:

રસુલે ખુદા (સ.અ.વ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.) ને ફરમાવ્યું:

‘તમામ આંખો કયામતના દિવસે રડશે સિવાય તે આંખો જે ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો પર રડી હોય. તેઓ હસતી હશે અને જન્નતની નેઅમતોથી ખુશ હશે.’

  • ઈખ્તેયાદે મઅરેફત, અલ રેજાલ, પાના નં. 89, શૈખ તુસી

 

(8) મૌતના સમયની મુશ્કેલીઓથી રક્ષણ:

 

જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.) પર રડે તો મલેકુલ મૌત તેના માટે તેની મૌતના સમયે માં કરતા પણ વધારે મહેરબાન રહેશે.

 

(ખુલાસા અઝ મકાલએ આશુરા, લે. જવાદ મોહદ્દેસી)

 

આવો આપણે અલ્લાહ (ત.વ.ત.)ની બારગાહમાં દોઆ કરીએ કે તે આપણને સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી વધારેમાં વધારે કરવાની તૌફીક અતા કરે.

Be the first to comment

Leave a Reply