ઉમ્મે અયમન: તે માનનીય ખાતુન કે જેમની ફદકની ગવાહીને નકારવામાં આવી

વાંચવાનો સમય: 2 મિનિટ

જ્યારે હાકીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે તેમના ફદકના દાવા માટે ગવાહો માગ્યા તો આપ (સ.અ.)એ ગવાહ તરીકે ઉમ્મે અયમન અને બીજાઓને રજુ કર્યા.

આપણે ફદકની ગવાહીની ચર્ચામાં દાખલ થઈએ તે પહેલા ઉમ્મે અયમનનું ઈસ્લામમાં જે સ્થાન છે તેના ઉપર નજર કરવી આવશ્યક છે.

ઉમ્મે અયમન કોણ છે?

ઉમ્મે અયમન રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કનીઝ હતા. તેમનું નામ બરકાહ બિન્તે સઅલબહ હતું.તેઓ મુહાજીર હતા જેમને બે વખત હિજરત કરવાનો શરફ હાસીલ થયો છે. પહેલા ઈથોપીયા અને ત્યારબાદ મદીના. તેમણે હુનૈન, ઓહદ અને ખૈબર જેવી ઘણી જંગો જોઈ છે. તેમની ગણત્રી એ ઔરતોમાં થાય કે જેઓ મુસલમાન સૈનિકોને પાણી પિવડાવતા તથા તેમના ઝખ્મો ઉપર મરહમ લગાવતા. રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમને ‘માં’ કહી સંબોધન કરતા અને કહેતા: મારી હકીકી “માં” પછી તેઓ મારી “માં” છે.

ઈબ્ને હજર નોંધે છે: ઉમ્મે અયમને અનસ ઈબ્ને માલીક, વિગેરેની જેમ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી પોતાની સનદથી હદીસો નકલ કરી છે.

તેઓ અયમન (અગાઉ ઓબૈદ બિન ઝૈદ સાથે શાદીથી) અને ઓસામા ઈબ્ને ઝૈદના માતા હતા. એ નકલ કરવામાં આવ્યું છે કે તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પિતા અબ્દુલ્લાહ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ના કનીઝ હતા. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમને વારસામાં મેળવ્યા હતા.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમના બારામાં મુસલમાનોને જાણ કરી: જે કોઈ જન્નતી ઔરત સાથે શાદી કરવા ચાહતું હોય તેણે ઉમ્મે અયમન સાથે શાદી કરવી જોઈએ. ઝૈદ ઈબ્ને હારીસે તેમની સાથે શાદી કરી અને ઓસામા ઈબ્ને ઝૈદ તેમના ફરઝંદ હતા.

તેઓ ત્રીજા ખલીફાના શરુઆતના સમયગાળા દરમ્યાન ઈન્તેકાલ કરી ગયા. અમુક રિવાયતો મુજબ તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતના છ મહીના બાદ ઈન્તેકાલ કરી ગયા.

  • અલ ઈસાબાહ, ભા. 4, પા. 415
  • તેહઝીબુત્તેહઝીબ, ભા. 12, પા. 459
  • તબકાત
  • અસદુલ ગાબાહ, ભા. 5, પા. 567

ઉમ્મે અયમનની ફદકની ગવાહીને હાકીમોએ નકારી કાઢી:

ઉમ્મે અયમનને જ્યારે ફદકના ગવાહ તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ખલીફાને કહ્યું: અય અબુબક્ર! હું ત્યાં સુધી ગવાહી નહી આપુ જ્યાં સુધી હું તારી સામે મારી દલીલ સાબીત નહિ કરુ કે જે મને રસુલુલ્લાહ (સ.અ.વ.)એ બતાવી હતી. હું તને અલ્લાહનો વાસ્તો આપીને સવાલ કરુ છું કે શું તું જાણતો નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે: ઉમ્મે અયમન એ ઔરતોમાંથી છે જેમના માટે જન્નતની બાંહેધરી લેવામાં આવી છે.

તેણે કહ્યું: હા.

ઉમ્મે અયમને કહ્યું: હું ગવાહી આપું છું કે અલ્લાહ અઝઝ વ જલ્લએ કુરઆનમાં પોતાના રસુલ (સ.અ.વ.) ઉપર આયત નાઝીલ કરી કે જેના પરિણામમાં આપ (સ.અ.વ.)એ ફદક જનાબે ફાતેમા (સ.અ.)એ અતા કર્યો:

وَآتِ ذَا الْقُرْبٰى حَقَّهُ

અને નઝદીકના સગાવ્હાલાઓને તેમનો હક્ક આપી દો.

(સુરએ બની ઈસરાઈલ (17): 26)

આ બનાવની શરુઆતમાંતો હાકીમ ઉમ્મે અયમન અને અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ગવાહીના કારણે ફદકને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને આપી દે છે.

પરંતુ તેનો સાથી આવે છે અને તે પત્રને એમ કહીને ફાડી નાખે છે કે ઔરતની ગવાહી ભરોસાપાત્ર નથી અને અલી (અ.સ.)તો સ્વભાવીકપણે પોતાની પત્નિના હક્કમાં ગવાહી આપશે.

  • અલ એહતેજાજ, ભા. 1, પા. 90-95

એ અફસોસનાક છે કે કેવી રીતે એ ખાતુનની ગવાહીને બિનભરોસાપાત્ર ગણવામાં આવે કે જેમના માટે જન્નતની બાંહેધરી આપવામાં આવી હોય. તેમણે ઘણા બધા સહાબીઓ કરતા પણ વધારે રસુલ (સ.અ.વ.) અને મુસલમાન સૈનિકોની ખિદમત કરતા કરતા તેમની સાથે સમય પસાર કર્યો છે.

હાકીમોએ તેમને એક સહાબી તરીકે પણ યોગ્ય માન ન આપ્યું અને એહલે સુન્ન્તની ઘણી રિવાયતો મુજબ તો સહાબીઓને લગભગ મઅસુમ જેવા ગણવામાં આવે છે. જેમકે: એહલે સુન્નત રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દરેક સહાબીઓ માટે એકમત છે કે તેઓ આદીલ છે. કોઈ આ મંતવ્યને જૂઠલાવતા નથી પરંતુ બિદઅત કરનારાઓમાં સૌથી વધારે ગુમરાહ.

  • અલ ઈસાબાહ, પા. 17

હકીકતમાં, ફદક બાબતે ઉમ્મે અયમન અને અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ગવાહીએ આ  મુસલમાનોને મૂશ્કેલીમાં મુકી દીધા. અગર સહાબીઓ આદીલ છે તો પછી શા માટે આ સાચા આદીલ સહાબીઓની ગવાહીને નકારવામાં આવે છે. અને અગર તેઓ બિનભરોસાપાત્ર છે તો પછી કેવી રીતે એ દાવો કરી શકે છે કે સહાબીઓ આદીલ છે.