પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 3 મિનિટ

એક ચર્ચા

વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં એવો ફેરફાર કરે છે કે જાણે પ્રકાશિત દિવસને ઘોર અંધારી રાત્રી અને ઘોર અંધારી રાત્રીને પ્રકાશિત દિવસ કહે છે.

ટીકાકારોનું માનવું છે કે પવિત્ર કુરઆનનું અર્થઘટન શાબ્દિક જેમ છે તેમ જ થવું જોઈએ. એવા અર્થઘટનની પરવાનગી નથી કે જે શાબ્દિક અર્થ કરતા અલગ હોય.

જવાબ 

(અ) એક સામાન્ય પ્રત્યુત્તર 

પવિત્ર કુરઆનના અર્થઘટનનો વિષય એટલો સરળ નથી કે જેવો શંકા કરનારાઓ દેખાડે છે.અગર આ વિષય એટલો સરળ હોત કે શાબ્દિક અર્થ લેવો અથવા ભાષાંતર તો પછી અલ્લાહ એ શા માટે પવિત્ર પયગંબર (સ.અ.વ.) ને મોકલ્યા? કુરઆન અને તેનો શાબ્દિક અર્થ મુસલમાન માટે કાફી હોત.

હકીકતમાં આ અમુક અજ્ઞાની (જાહિલ) અને પુર્વાગ્રહી સહાબીઓનો દાવો હતો કે પયગંબર (સ.અ.વ) જલ્દીથી જલ્દી આ ફાની દુન્યા છોડીને ચાલ્યા જાય અને ખિલાફત તેઓના હાથમાં આવી જાય. તેથી તેઓએ પયગંબર (સ.અ.વ.)ને વસીયત લખવાથી પણ અટકાવ્યા અને જાહેર કર્યું કે કુરઆન મુસલમાનો માટે કાફી છે.

શું તેઓ એ પવિત્ર કુરઆનની આ આયત પડી નથી કે જેમાં અલ્લાહ (સુ.વ.ત.) જાહેર કરે છે કે

“(હે રસુલ) એજ તે (અલ્લાહ) છે કે જેણે તારા ઉપર આ કિતાબ ઉતારી છે જેની કેટલીક આયતો સાફ (સ્પષ્ટ અને એક અર્થી) છે અને એજ આયતો કિતાબનું મૂળ છે બીજી બહુઅર્થી છે; હવે જે લોકોના અંત:કરણોમાં અવળાઈ છે તેઓ તે (કિતાબ)માંની બહુઅર્થી આયતોને અનુસરે છે (અને તે કેવળ) ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી, જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ જ્ઞાનમાં પ્રવીણ છે અન્ય કોઈ જાણતું નથી……….”

(સુ.આલે ઇમરાન -૭)

સ્પષ્ટપણે આ આયત અને બીજી ઘણીબધી આયતો સાબિત કરે છે કે પવિત્ર કુરઆનનો અર્થ સરળ અને શાબ્દિક નથી. તેમાં એવી ઘણી બધી આયતો છે કે જે બહુઅર્થો ધરાવે છે અને તેને સમજવા માટે એ લોકો પાસેથી ઇલ્મ લેવું જોઈએ કે જે સંપુર્ણપણે જ્ઞાનમાં ડૂબેલા હોય એટલે કે પયગંબર (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ.

(બ) આધુનિક સલફીઓના પિતા સાથે એક ચર્ચા

કુરઆનનના અર્થઘટનની બાબતે શિયા મુજ્તહીદ સય્યદ મોહસીન અલ હકીમ (ર.અ.) અને અબ્દુલ અઝીઝ ઇબ્ને બાઝ કે જે આધુનિક સલફીઓના પિતા કેહવાય છે તેમની વચ્ચે થયેલી એક નાની ચર્ચા આ મુજબ છે.

એક હજ યાત્રા દરમ્યાન સય્યેદ મોહસીન અલ અલ-હકીમ (ર.અ)નો મેળાપ થયો ઇબ્ને બાઝ સાથે.

ઇબ્ને બાઝ તેમના વાસ્તવિક સ્વભાવ પ્રમાણે વાત શરુ કરે છે એ વાંધાથી કે જે મોહસીન અલ હકીમ (ર.અ.) અને બીજા અન્ય શિયાઓ સામે પણ હતો.

ઇબ્ને બાઝના મુખ્ય સવાલો – 

  • શું કામ શિયાઓ પવિત્ર કુરઆનનું જાહેરી અર્થ (શાબ્દિક અર્થ)  લેતા નથી અને તેના પર અમલ કરતા નથી?
  • શું કામ તમે કુરઆનને તેની સમજુતી અને અર્થઘટન સાથે ભેળવો છો?
  • શું કામ તમે દાવો કરો છો કે ઈમામ સાદિક (અ.સ) અને ઈમામ બાકીર (અ.સ) એ અર્થઘટનના બારામાં આવું કહ્યું?
  • આપણા માટે જરૂરી છે કે પવિત્ર કુરઆનના જાહેરને માનવું જોઈએ અને અર્થઘટનને દુર રાખવું જોઈએ.

સય્યેદ મોહસીન અલ હકીમ (અ.ર.) એ જવાબ આપ્યો 

આનો મતલબ એમ નથી કે આપણે જાહેર અર્થને જ લઈએ અને તેની સમજુતી અને અર્થઘટન છોડી દઈએ.

પવિત્ર કુરઆન કહે છે –

وَمَنْ كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا

અને જે કોઇ આ (જગત)માં (આંખો છતાં) આંધળો રહ્યો તો તે આખેરતમાં પણ આંધળો અને રાહે રાસ્તથી ઘણે છેટે ભટકેલો રહેશે.

(સુ.બની ઇસરાઈલ-૭૨)

અગર તમે આ આયાતના જાહેર અર્થને સ્વીકારવા માંગતા હો તો અમને કોઈ વાંધો નથી.

ઇબ્ને બાઝ ચુપ થઇ ગયો અને એક શબ્દ પણ બોલી શક્યો નહિ કારણ કે તેઓ ખુદ પણ આંધળા હતા.

  • મા સમેઅતો મીન્માં રઅયતો પેજ-૨૫

તેથી શું આ કોઈ સંયોગ છે કે ઈબ્ને બાઝ અને અબ્દુલ અઝીઝ આલ અલ-શેખ જેવા ઘણા મુફ્તીઓ પવિત્ર કુરાનના અર્થઘટન અને તેની સમજૂતી અને તફસીરમાં  એહલેબૈત (અ.મુ.સ.)ની ભૂમિકા પ્રત્યે શાબ્દિક અને અલંકારિક રીતે અંધ છે!