શું ફક્ત કુફાવાસીઓ જ બેવફા હોય છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસલમાનોના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ બેવફાઈનું અથવા તો વાયદાને તોડવાનું ઉદાહરણ આપવું હોય તો લોકો ફક્ત કુફાવાસીઓનું ઉદાહરણ આપે છે તેનું કારણ હી.સ.૬૦નો કરબલાનો તે બનાવ છે કે જેમાં હ.ઈમામ હુસૈન(અ.સ) અને તેના ખાનદાનના ઘણા બધા લોકોની દર્દનાક શહાદત થઈ હતી. તે કુફાવાસીઓ જ હતા કે જેઓએ હ.ઈમામ હુસૈન(અ.સ)ને પત્ર લખીને બોલાવ્યા પરંતુ તેમનો સાથ ન આપ્યો. બલ્કે શામના લશ્કરમાં શામેલ થઈને ઈમામ (અ.સ)ની વિરૂધ્ધ જંગ કરી અને તેમને શહીદ કર્યા. ઈતિહાસના પાનાઓથી આ હકીકત સાબિત છે એટલુંજ નહિ ભલે ઈતિહાસમાં તેમના બીજા ઘણા ગંભીર ગુનાહો નોંધાયેલા છે. આ શહેરના રેહવાસીઓએ સિબ્તે અકબર ઈમામ હસન(અ.સ) સાથે પણ દગાબાજી કરી છે. જેના કારણે સુલેહનો બનાવ બન્યો. ત્યારબાદ આ લોકોજ હતા જેઓ એ પોતાના મેહમાન અને ઈમામ હુસૈન (અ.સ)ના એલચી જ. મુસ્લિમ ઇબ્ને અકીલ (અ.સ) સાથે દગો કર્યો હતો અને તેઓને એકલા-અટુલા છોડી દીધા હતા. જેના કારણે ઇબ્ને ઝિયાદ મલઉને તેમને ગરીબુલ વતનીની હાલતમાં શહીદ કરી નાખ્યા હતા. આ બધા ગુનાહો અત્યંત ગંભીર પ્રકારના છે તેમજ ઉપરોકત બધા ગુનાહોમાં કુફાવાસીઓની બેવફાઈ અને વાયદાને પુર્ણ ન કરવાની બાબત સ્પષ્ટ રીતે વર્તાય આવે છે. તેઓની આ બેવફાઈ માટે કોઈ વકાલત કરી શકતું નથી અને ન તો તેઓના આ કાર્ય માટે કોઈ બહાનું રજુ કરી શકાય છે.

પરતું તેનાથી પણ વધારે બેવફા અને વાયદાને પૂર્ણ ન કરનાર લોકો પણ ઇસ્લામી ઇતિહાસમાં જોવા મળે છે અને તેઓ એ લોકો છે કે જેઓને મદીનામાં રસુલે ખુદા (સ.અ.વ)ના સહાબી હોવાનો શરાફ હાંસિલ થયો છે. તેઓની બેવફાઇ અને વાયદાને તોડવાની દાસ્તાન કુરઆને કરીમ આ પ્રમાણે બયાન કરે છે.

وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ

અને (હે મુસલમાનો !) તમારી આસપાસના બદ્દુઓ માંહેના કેટલાક દાંભિકો છે, અને મદીનાવાળાઓમાંથી પણ; તેઓ દાંભિકપણા ઉપર અડીને બેઠા છે; તું તેમને નથી જાણતો; અમે તેમને જાણીએ છીએ; નજીકમાં અમે તેમને બેવડો અઝાબ આપીશું, પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે.

(સુ.તોબા-૧૦૧)

આ તે લોકો હતા કે જેઓએ મુસ્લિમ ઉમ્મત દરમ્યાન રસુલ(સ.અ.વ)ના એહલેબેત(અ.મુ.સ) પ્રત્યે બેવફાઈના બીજ રોપ્યા. તેઓ દ્વારા સૌથી વધારે વાયદાઓને તોડવાનું દ્રષ્ટાંત હી.સ ૧૧ મા જાહેર થયું હતું કે જયારે સરવરે કાએનાત આ ફાની દુન્યાથી કુચ કરી ગયા.કોઈપણ પ્રકારના ડર કે હિચકિચાટ વગર ‘એહલે સકીફાએ’ હુકુમત ઉપર કબજો કરી લીધો. તે સમયે મદીના શહેર ઇસ્લામી હુકુમતનું કેન્દ્રસ્થાન હતું. તે વાતને મદીનાવાસીઓ સારી પેઠે જાણતા હતા કે ખિલાફત અને વિલાયત ઉપર ફક્ત અને ફક્ત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)નો જ હક્ક છે. તેમજ તે બાબતનું એઅલાન પણ પયગંબર અકરમ (સ.અ.વ)એ ગદીરમાં ફરમાવી દીધું હતું. આ ઉપરાંત આ વિષયની બીજી મહત્વની અને ભરોસાપાત્ર રિવાયત ‘હદીસે સકલૈન’ના સૌથી વધારે રાવીઓ પણ મદીનાના લોકોજ છે. આ રીતે મદીનામાં રેહતા દરેક મોહાજીર અને અન્સાર એ બાબતથી સારી પેઠે માહિતગાર હતા કે ઇસ્લામમાં રસુલ(સ.અ.વ)એ પોતાની ઝીંદગી દરમિયાન વારંવાર પોતાના એહલેબેતની બુઝુર્ગી અને તેમની મંન્ઝેલત વર્ણવી હતી. આ શહેરમાં તે લોકો પણ રેહતા હતા કે જેમને ઇસ્લામમાં ‘સાબેકીન’ની સનદ મળી હતી. તે બદ્ર અને ઓહદ વાળા હતા. તેઓએ સરવરે કાએનાતને વારંવાર કેહતા સાંભળ્યા હતા કે મારા પછી તમારા સય્યદ અને સરદાર અલી(અ.સ) છે. પયગંબરે અકરમ(સ.અ.વ)એ અસંખ્ય જગ્યાઓએ તે લોકોને વસીય્ય્ત કરી હતી કે ‘ઉઝકુરકુમ બે એહલેબેતી’ ‘ઉઝકુરકૂમ બે એહલેબેતી” (હું તમને મારા એહલેબેત સંબંધિત વસીય્ય્ત કરું છુ.)

પરંતુ અફસોસ કે જેવી રસુલે અકરમ(સ.અ.વ)ની આંખ બંધ થઇ કે તરતજ તેઓએ બધુજ ભુલાવી દીધું અને એ જ મદીનામાં રસુલ(સ.અ.વ)ના એહલેબેત ઉપર ઝુલ્મ અને સિતમ આચરવામાં આવ્યા અને સમગ્ર મદીના ખામોશ રહ્યું, રસુલે અકરમ (સ.અ.વ)ની લાડલી પુત્રી મોહાજીર અને અન્સારના ઘરે ઘરે જઈને તેઓને અલી(અ.સ)ની વિલાયત યાદ દેવડાવતા રહ્યા પણ કોઈ એક પણ તેમનો સાથ ન આપ્યો. કુફાવાસીઓએ તો રસુલ (સ.અ.વ)ના નવાસા સાથે ૫૦ વર્ષ પછી દગાબાજી કરી હતી જયારે કે મદીનાવાસીઓએ તો રસુલ એકરમ(સ.અ.વ)ની આંખ બંધ થવા પછી તરતજ તેમની પુત્રીના હકને પાયમાલ થતો જોયો અને કઈ ન કર્યું. રસુલે ખુદા(સ.અ.વ)ના જમાઈના ગળામાં ઝુલ્મ અને સિતમનું દોરડું બાંધીને તેમને દરબાર સુધી ખેંચીને લઈ જવામાં આવ્યા. પરંતુ મદીનાના કોઈપણ વ્યક્તિએ તેમનું સમર્થન ન કર્યું. તે બધાએ રસુલે અકરમ(સ.અ.વ)ના ફરમાનો અને હદીસોને નઝરઅંદાઝ કરી દીધા.

ઈતિહાસમાં એ પણ સુરક્ષિત છે કે જયારે હ. અલી(અ.સ)ને જાહેરી ખીલાફત મળી ત્યારે આ મદીનાના લોકો જ હતા કે જેઓએ સૌથી પેહલા તેમની વિરુધ્ધ બગાવત કરી અને જંગે જમલ અસ્તિત્વમાં આવી એટલું જ નહિ જયારે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ)ને બગાવતખોરો વિરૂધ્ધ જંગ કરવા માટે લશ્કરની જરૂરત પડી ત્યારે મદીનાવાસીઓએ આપ(અ.સ) નો સાથે આપવાથી ઈન્કાર કરી દીધો. તે સમયે આપે કુફા તરફ રૂખ ફેરવ્યો જેના કારણે ઈમામ(અ.સ)ના લશ્કરમાં કુફાવાસીઓની સંખ્યા ઘણી વધારે હતી. એટલા માટે જ મોલાએ કાએનાતે મદીનાને છોડીને કુફા શહેરને દારુલ એમારા (રાજધાની) બનાવવું પડ્યું.

હવે માનનીય વાંચકો ખુદ પોતે નિર્ણય કરે કે સૌથી પહેલી અને સૌથી મોટી બેવફાઈ કુફાવાસીઓએ કરી કે પછી મદીનાવાસીઓએ??

Be the first to comment

Leave a Reply