નામ : મુસા ((અ.સ))
લકબો: કાઝીમ , અબ્દુસ્સાલેહ , નફસે ઝકીય્યાહ , સાબીર , અમીન , બાબુલ હવાએજ , વગેરે
કુન્નીયત: અબુલ હસન , અબુ ઈબ્રાહીમ , અબુ અલી, અબુ અબ્દીલ્લાહ
વિલાદત તારીખ : ૭ સફર હિ.સ. ૧૨૮
શહાદત તારીખ : ૨૫ રજબ હિ.સ. ૧૮૩
દફન સ્થળ : કાઝમૈન (બગદાદ) ઈરાક
હઝરત ઈમામ મુસા કાઝીમ ((અ.સ))એ હ. રસુલે અકરમ (સ.અ.વ.)ના ૭ માં જાનશીન છે. આપ (અ.સ)ના પિતાનુ નામ હઝરત ઈમામ જાફરે સાદીક (અ.સ)અને આપ (અ.સ)ના માતા હમીદા ખાતુન(સ.અ.)હતા અને તેઓ બર્બર અથવા અન્દલૂસના રહેવાસી હતા.
ઈમામ બાકીર (અ.સ) જનાબે હમીદા ખાતુન (સ.અ) વિષે ફરમાવે છે કે આપ (સ.અ.)દુનિયામાં હમીદાહ અને આખેરતમાં મહમુદહ છો. હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ) પોતાના બાપ દાદાઓની જેમ ઇમામ,મન્સુસ મેનલ્લાહ,મઅસુમ,આઅલમે ઝમાના અને અફઝલે કાએનાત હતા. આપ (અ.સ) દુનિયાની તમામ ભાષાઓ જાણતા હતા. આપ (અ.સ) દુનિયાના તમામ આબીદોમાંથી સૌથી વધારે ઈબાદતગુઝાર (ઈબાદતકરવાવાળા) અને દુનિયાના તમામ સખીઓ કરતા સૌથી વધારે સખાવત કરનાર હતા.
હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ) ૭ સફરુલ મુઝફ્ફર હિ.સ.૧૨૮, (શનિવાર, ૧૦ નવેમ્બર ઇ.સ.૭૪૫)ના અબ્વાહ નામના સ્થળે કે જે મક્કા અને મદીનાની વચ્ચે આવેલું છે ત્યાં આપ (અ.સ)ની મુબારક વિલાદત થઈ હતી. અને આપ (અ.સ)ની વિલાદત થતાજ આપ (અ.સ) એ પોતાના હાથ જમીન પર રાખી અને આસમાન તરફ મોઢુ રાખીને કલ્મએ શહાદત પોતાની મુબારક ઝબાન પર જારી કર્યો. આ અમલ આપ (અ.સ)એ એવી રીતે અંજામ આપ્યો કે જેવી રીતે આપ (અ.સ)ના જદ્દદે બુઝુર્ગવાર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ અંજામ આપ્યો હતો.
આપ (અ.સ)ના જમણા હાથ પર આ કલમો (વાક્ય ) લખેલું હતું.
وتمت كلمت ربك صدقا وعدلا
હિ.સ ૧૪૮ માં હઝરત ઈમામ જાફરે સાદિક (અ.સ)ને શહીદ કરવામાં આવ્યા,અને પિતાની શહાદત પછી હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ) ઇમામતના હોદ્દા પર ફાએઝ થયા અને ઈમામતના દરેક કાર્યો આપ(અ.સ)ના ઝીમ્મે હતા. અને ત્યારે મન્સુરે દવાનકીની હુકુમત હતી. અને આ એવો ઝાલીમ બાદશાહ હતો કે તેણે ખુબજ મોટી સંખ્યામાં સાદાતણે કત્લ કર્યા હતા અને ઘણાબધાઓને દીવારમાં ઉભા રાખીને ચણી નાખવામાં આવ્યા હતા.
હિ.સ. ૧૫૮ માં મન્સુરે દવાનકી જહન્નમ વાસિલ થયો. અને તેના પછી તેનો ફરઝંદ મહદી હુકુમતની ગાદી પર બેઠો.શરૂઆતમાં તેણે હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ)ને કોઇપણ પ્રકારની અઝીય્યત (તકલીફ) નહોતી આપી. અને આપ (અ.સ)ની બેએહતેરામી પણ નહોતી કરી પરંતુ અમુક વર્ષો પછી તેને પણ પયગંબર (સ.અ.વ.)ની ઔલાદ (વંશજો)ની મુખાલેફત (વિરોધ) કરવાનું શરુ કરી દીધુ અને હિ.સ. ૧૬૪ માં હજજના બહાને હેજાજ તરફ રવાના થયો. અને તે ઈમામ મુસા કાઝીમ (અ.સ) ને પોતાની સાથે મક્કા થી બગદાદ લઈ ગયો. અને બગદાદમાં ઈમામ (અ.સ)ને કૈદ કરી લીધા. એક વરસ ઈમામ (અ.સ) કૈદ માં રહ્યા. અને પછી ઈમામ (અ.સ)ને કૈદમાંથી આઝાદ કરી દીધા અને મદીના પરત મોકલી દીધા. મહદી પછી તેનો ભાઈ હાદી હિ.સ. ૧૬૯ માં હુકુમતની ગાદી પર બેઠો. અને તેણે ફક્ત ૧ વરસ હુકુમત કરી. એના પછી હારુન રશીદની હુકુમત આવી અને તેના હુકુમતના સમયમાં ઈમામ (અ.સ)ને કૈદમાં રાખવામાં આવ્યા. અલ્લામાં તબરસી લખે છે કે જયારે ઈમામ (અ.સ)ઈમામતના હોદ્દા પર ફાએઝ થયા ત્યારે આપ (અ.સ)ની ઉમ્ર ૨૦ વર્ષની હતી.
- એઅલામુલવરા પેજ- ૧૭૧
ઈમામ મુસા કાઝીમ (અ.સ) ની શહાદત :
ઈમામ (અ.સ)ને બસરામાં એક વર્ષ કૈદમાં રાખ્યા પછી હારુન રશીદે બસરાના ગવર્નર ઇસા બિન જઅફરને પત્ર લખ્યો કે ઈમામ મુસા કાઝીમ (અ.સ)ને શહીદ કરી દે. પછી ઇસા બિન જઅફરે પોતાના અનુયાયીઓ સાથે સલાહ – મશવેરો કરીને હારુન રશીદને લખ્યું કે મેં ઈમામ મુસા કાઝીમ (અ.સ)ને એક વર્ષ કૈદમાં રાખ્યા પણ તેમનામાં કોઈ બુરાઈ નથી જોઈ. તેઓ દિવસ અને રાત નમાઝમા અને રોઝામાં મશગુલ રહે છે અને હુકુમત અને તેના લોકો માટે દોંઆ કરે છે. અને મુલ્કની ભલાઈ અને બહેતરીની આશા રાખે છે. તો પછી તેમને કેવી રીતે શહીદ કરી દવ. અને તેમને શહીદ કરવાથી હું મારો અંજામ અને મારી તબાહીને પણ જોઈ રહ્યો છું. અને તું મને આ અઝીમ ગુનાહથી માફ કર અને તું મને હુકમ કર કે હું આપ (અ.સ)ને આ કૈદની મુશ્કેલીમાંથી આઝાદ કરી દવ.
આ પત્રને વાચીને પછી હારુન રશીદે આ કામ સિન્દી બિન સાહકને સોપ્યું અને તે મલઉનના વડે ઈમામ (અ.સ)ને ઝેર અપાવીને ઈમામ (અ.સ)ને શહીદ કરી દીધા.
અલ્લામા ઇબ્ને હજરે મક્કી લખે છે કે હારુન રશીદે ઈમામ (અ.સ)ને કૈદમાં રાખ્યા અને આપ (અ.સ)ની શહાદત સુધી આપ (અ.સ)ને કૈદમા જ રાખ્યા હતા. આપ (અ.સ)ની શહાદત પછી આપ (અ.સ)ના હાથમાંથી અને પગમાંથી હથકડી અને ઝંઝીરને કાપીને કાઢવામાં આવી હતી. અને આપ (અ.સ)ની શહાદત હારુન રશીદના ઝેર વડે થઈ હતી કે જેને સિન્દી બિન સાહકના વડે આપવામાં આવ્યું હતું.
-સવાએકે મોહર્રેકા ભાગ પેજ-૧૩૨
ઈમામ મુસા કાઝીમ (અ.સ)ની શહાદત ૨૫ રજબુલ મુરજ્જબ શુક્રવાર હિ.સ.૧૮૩ માં થઈ હતી અને તે વખતે આપ (અ.સ) ની ઉમ્ર ૫૫ વર્ષની હતી. આપ (અ.સ) ૪૧ વર્ષ હારુન રશીદના કૈદખાનામાં રહ્યા હતા.
આપ (અ.સ)ની શહાદત પછી આપ (અ.સ)ના જનાઝાને હથકડી અને ઝંઝીરો સાથેજ બગદાદના પુલ પર મૂકી દેવામાં આવ્યા હતા. અને આપ (અ.સ) અને આપ (અ.સ)ના માનવાવાળાને ખરાબ શબ્દો સાથે બોલાવવામાં આવ્યા (તૌહીન કરવામાં આવી). સુલૈમાન બિન જઅફર ઇબ્ને અબી જઅફર પોતાના સાથીઓની સાથે હિંમત કરીને આપ (અ.સ)ને દુશ્મનો પાસે થી છીનવીને લઈ ગયા. અને ગુસ્લ અને કફન આપ્યુ અને શાનો શૌકતથી જનાઝાને મક્બરે કુરૈશમાં લઈ ગયા.
ઈમામ અલીરઝા (અ.સ) કફન અને દફન માટે અને નમાઝે જનાઝા પઢાવવા માટે મદીના એ મુનવ્વરાથી એઅજાઝ (મોઅજીઝા)થી પહોચી ગયા. અને આપ (અ.સ) મેં પોતાના વાલીદને દફન કર્યા. અને દફન કર્યા પછી આપ (અ.સ) મદીના પાછા ફર્યા હતા.
અને જયારે મદીનાવાળાઓને ઈમામ મુસા કાઝીમ (અ.સ)ની શહાદતની ખબર મળી તો મદીનામાં કોહરામ બરપા થઈ ગયો અને નૌહા અને માતમ અને તઅઝીયતનો સિલસિલો ઘણા દિવસો માટે શરુ રહ્યો હતો.
Be the first to comment