ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

વાંચવાનો સમય: 5 મિનિટ

ઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ મામુન એક આલીમ અને બુદ્ધિમાન વ્યક્તિ ગણાતો હતો. તેણે ઈમામ મોહમ્મદતકી(અ.સ.) પર નઝર રાખવા માટે પોતાની દીકરી ઉમ્મુલ ફઝલની શાદી ઈમામ સાથે કરવાનો ઈરાદો કર્યો પરંતુ આ વાતનો બની અબ્બાસના બીજા ઘણા લોકોએ વિરોધ કર્યો તેઓના મત મુજબ આઠમાં ઈમામ(અ.સ.)ને વલી અહદ બનાવવાનો મામુનનો ફેસલો ખોટો હતો અને હવે તેમનાં ફરઝંદ ઈમામ જવાદ(અ.સ.)ને આટલી ઇઝ્ઝત આપવી તે મામુનની મૂર્ખતા કેહવાય પરંતુ મામુને ઈમામ(અ.સ.)ના ઈલ્મી કમાલાતથી સારી રીતે વાકિફ હતો તેણે પોતાના કુટુંબીજનોને પોતાના ફેસલા સાથે સહમત કરવા માટે એવો દાવો કર્યો કે તમે લોકો જે આલીમથી પણ ઈચ્છો ઈમામ રઝા(અ.સ.)ના ફરઝંદ સાથે મુનાઝેરો(વાદવિવાદ)કરાવીને તમે ખુદ જોઈ લ્યો કે ઈમામ(અ.સ.) કામયાબ થશે.આથી અબ્બાસીઓએ ઓલમાઓમાં મશહુર બસરાના મુખ્ય ન્યાયધીશ(કાઝી)યહ્યા બિન અક્સમથી મુનાઝેરો(વાદવિવાદ)કરાવવાનું નક્કી કર્યું આ રીતે મામુને પણ ઈમામ જવાદ(અ.સ.)ના ઇલ્મને પારખવા માટે એક મેહફીલનું આયોજન કર્યું. આ મેહફીલની શરૂઆતમાં યહ્યાએ મામુનને પૂછ્યું કે અગર પરવાનગી આપો તો હું આ નવયુવાનથી અમુક સવાલ કરું.

મામુને કહ્યું : “તમે પોતે એમનાથી પરવાનગી લ્યો.”

યહ્યાએ ઈમામ મોહમ્મદતકી(અ.સ.)થી પરવાનગી માંગી

ઈમામ(અ.સ.)એ કહ્યું : “યાહ્યા તમે જે પુછવા ઈચ્છો તે પુછો”

યહ્યાએ સવાલ કર્યો: “હાલતે એહરામમાં અગર કોઈ શખ્સ જાનવરનો શિકાર કરીલે તો તેમનાં માટે શું હુકમ છે?”

યહ્યાએ આ સવાલ એમ સમજીને પુછ્યો હતો કે આ આઠ વર્ષના બાળકને રોજીંદા મસાએલ ખબર હશે પરંતુ હ્જ્જના મસાએલથી તો તે યકીનન વાકિફ નહિ જ  હોય એટલે તેણે (પોતાની દ્રષ્ટિએ)જાહેરી રીતે સહેલો લાગતો સવાલ પરંતુ હકીકતમાં અઘરો સવાલ પુછ્યો.

ઈમામ મોહમ્મદતકી(અ.સ.)એ જવાબ આપતા કહ્યું : “અય યહ્યા!તમારો સવાલ અસ્પષ્ટ અને અધુરો છે પહેલા એ બતાવ કે તે શખ્સે શિકાર હરમની હ્દ્દની બહાર કર્યો હતો કે હરમની અંદર? શિકાર કરનાર માણસ મસઅલાથી જાણકાર હતો કે મસઅલો જાણતો ન હતો? તેણે જાણીબૂજીને આ જાનવરનો શિકાર કર્યો હતો કે ભૂલથી કત્લ થઇ ગયુ હતું? તે માણસ આઝાદ હતો કે ગુલામ? શિકાર કરનાર બાલીગ હતો કે નાબાલિગ હતો? તેણે આ શિકાર પહેલીવાર કર્યો હતો કે આ પહેલા પણ શિકાર કરેલો હતો? જેનો શિકાર કરવામાં આવ્યો છે તે પક્ષી હતું કે નહિ? શિકાર થનાર જાનવર મોટું હતું કે નાનું? તે માણસ પોતાના આ કાર્ય પર ફખ્ર જાહેર કરે છે કે પસ્તાવો? તેણે રાત્રીના છુપાઈને શિકાર કર્યો કે દિવસમાં જાહેરીરીતે શિકાર કર્યો? એહરામ ઉમરાહ માટે હતો કે હજ્જ માટે હતો?

“જ્યાં સુધી આ દરેક બાબતોને વિગતવાર બયાન ન કરવામાં આવે ત્યાં સુધી આ બાબતે કોઈ હુકમ સ્પષ્ટ રીતે આપી નહિ શકાય”

ઈમામ મોહમ્મદતકી(અ.સ.)એ જ્યારે એક મસઅલાની બધી જ શાખાઓને બયાન કરી તો યહ્યા બિન અકસમ હેરાન અને આશ્ચર્યચકિત થઇ ગયો અને તેના ચહેરા પર હાર અને અક્ષમતા જાહેર થઇ. એક મામુલી અને આસાન લાગતા સવાલમાંથી ઈમામ(અ.સ.)એ બીજા ૧૨ સવાલ પૂછ્યા ઈમામ(અ.સ.)નો આ કમાલ જોઇને યહ્યાને પોતાના ઇલ્મની કમી અને ઈમામ(અ.સ.)ના ઈલ્મી કમાલાતનો અંદાજ આવી ગયો.

ઈમામ(અ.સ.)ની સામે પોતાની ઝબાન ખોલી ન શક્યો અને મેહફીલમાં હાજર દરેક લોકોને યહ્યાની હાર અને અક્ષમતા દેખાય આવી.

મામુને ઈમામ તકી(અ.સ.) તરફ જોયું અને કહ્યું: “હું આપના પર કુરબાન થઇ જાવ બેહતર એ છે કે આપ હાલતે એહરામમાં શિકાર કરવાની દરેક બાબતોના એહકામ બયાન કરો જેથી અમે લોકો તેને જાણી તેનાથી ફાયદો મેળવી શકીએ.”

ઈમામ મોહમ્મદતકી(અ.સ.) એ વિગતવાર દરેક બાબતોની સ્પષ્ટતા અને એહકામ બયાન કર્યા.

ઈમામ(અ.સ.) એ ફરમાવ્યું: “અગર તે માણસ એહરામ બાંધ્યા પછી હરમની બહાર શિકાર કરે અને શિકાર પક્ષી હોય અને મોટું હોય તો તેનો ક્ફ્ફારો એક બકરી છે અગર શિકાર હરમમાં કર્યો હોય તો તેનો ક્ફ્ફારો બે બકરી છે.

અગર શિકાર કોઈ નાના પક્ષીનું કર્યું હોય અને તે હરમની બહાર કર્યું હોય તો તેનો કફ્ફારો ઘેટાનું એક  બચ્ચું છે કે જેણે તેની માતાનું દુધ છોડી દીધુ હોય અને અગર શિકાર હરમની અંદર કર્યો હોય તો તેણે તે પક્ષીની કીમત અને એક ઘેટું ક્ફ્ફારામાં આપવું જોઈએ.

અગર એ શિકાર ચાર પગ વાળા જાનવરનો કર્યો છે તો તેનો ક્ફ્ફારો અલગ અલગ પ્રકારે છે.

જેમકે તે એક વહશી ગધેડો હોય તો તેનો ક્ફ્ફારો એક ગાય છે અગર તે શતર મૂર્ગ છે તો તેનો ક્ફ્ફારો એક ઉંટ છે અગર તે હરણ છે તો તેનો ક્ફ્ફારો એક બકરી છે.

આ ક્ફ્ફારો હરમની બહાર કરેલા શિકાર માટે છે અગર હરમની અંદર શિકાર કર્યો છે તો તે ક્ફ્ફારો બેગણો દેવો પડશે.

અગર એહરામ હજ્જનો હશે તો મીનામાં કુરબાની કરવી પડશે અને અગર એહરામ ઉમરાહનો હશે તો મક્કામાં કુરબાની આપવી પડશે અને શિકાર કરનાર મસઅલાથી જાણકાર હોય કે અજાણ ક્ફ્ફારો સરખોજ લાગુ પડશે.

જાણીબુજીને શિકાર કરનાર માટે ક્ફ્ફારો વાજીબ થવા ઉપરાંત ગુનેહગાર પણ ગણાશે પરંતુ ભૂલથી શિકાર થવાની બાબતમાં ગુનેહગાર નહિ ગણાય.

આઝાદ ઇન્સાનનો ક્ફ્ફારો પોતાના પર વાજિબ થશે અને ગુલામનો ક્ફ્ફારો તેના માલિક પર વાજિબ છે.

નાબાલીગ પર કોઈ ક્ફ્ફારો નથી અને બાલીગ પર ક્ફ્ફારો આપવો વાજિબ છે.

અને જે શખ્સ પોતાની આ ભૂલ પર પસ્તાવો કરે છે આખેરતના અઝાબથી બચી જશે પરંતુ અગર તે પસ્તાવો નથી કરતો તો અઝાબનો મુસ્તહક છે.

મામુને કહ્યું : “ઘણુ જ સરસ! અય અબુ જાફર! ખુદા આપને જઝાએ ખૈર અતા કરે બેહતર છે કે આપ પણ યહ્યા બિન અક્સમને સવાલ પુછો જેવી રીતે તેણે આપણે સવાલ પુછ્યો”

ઈમામ(અ.સ.)એ યહ્યાને કહ્યું: “અગર પરવાનગી આપો તો હું સવાલ કરું?”

યહ્યાએ કહ્યું : “તેના માટે આપને ઈખ્તિયાર છે હું આપના પર કુરબાન થાઉં અગર મારાથી જવાબ આપી શકાશે તો હું આપીશ નહીતર આપના જવાબથી  હું ફાયદો મેળવીશ”

યહ્યાને હવે ખ્યાલ આવી ચુક્યો હતો કે તેનો મુકાબલો કોઈ નાના શખ્સ સાથે નથી બલ્કે મહાન વિદ્વાન ફકીહ સાથે થઇ રહ્યો છે આથી તેની વાતમાં નમ્રતા અને ઇલ્મની કમી દેખાઈ આવતી હતી.

ઈમામ(અ.સ.)એ પોતાના મુકાબલા માટે આવેલ યહ્યાની હાલત જોઈ કોઈ અઘરો ફિકહી સવાલ ન કર્યો પરંતુ એક મામુલી તેમજ યહ્યા જેવા મુફ્તીના રોજીંદા જીવનમાં આવતો હોય તેવો સવાલ કર્યો.

ઈમામ(અ.સ.)એ ફરમાવ્યું: “એવા શખ્સ માટે શું કહેશો કે સવારે એક ઔરત પર તેણે નજર કરી તે હરામ હતી અને દિવસ ચડતા સમયે તેના પર નઝર કરી તો તે  ઔરત હલાલ થઇ ગઈ અને ફરી ઝોહરના સમયે હરામ થઇ ગઈ અને અસ્રના સમયે હલાલ થઈ ગઈ અને સૂર્ય ડુબવાના સમયે હરામ થઇ ગઈ અને ઈશાના સમયે ફરી હલાલ થઈ ગઈ અને અડધી રાત્રે ફરી હરામ થઇ ગઈ અને સુબ્હના સમયે ફરી હલાલ થઇ ગઈ બતાવો આ કેવી ઔરત હશે કે જે એક શખ્સ પર આટલી બધીવાર હરામ અને હલાલ થઇ?”

ઈમામ જવાદ(અ.સ.)નો આ સવાલ સાંભળી મુખ્ય ન્યાયધીશ (કાઝી) યહ્યા બિન અક્સમ હેરાન અને દંગ રહી ગયો થોડીવાર વિચાર કરીને ઈમામ(અ.સ.)ને આજીઝી સાથે કહ્યું: “ખુદાની કસમ હું આ સવાલનો જવાબ નથી જાણતો અને તે ઔરતના હલાલ અને હરામ થવાનું કારણ પણ મને નથી ખબર અગર આપ યોગ્ય જાણો તો અમોને આ જવાબ આપો જેથી અમારી જાણકારીમાં વધારો થાય.”

ઈમામ(અ.સ.)એ ફરમાવ્યું તે ઔરત કોઈની કનીઝ હતી સવારે કોઈ અજાણ્યા શખ્સે તેની તરફ નજર કરી ત્યારે તે હરામ હતી દિવસ ચડતા તે કનીઝને તે અજાણ્યા શખ્સે ખરીદી લીધી આથી તે કનીઝ પર નજર કરી તે  હલાલ થઇ ગઈ ઝોહરના સમયે તેણે તે કનીઝને આઝાદ કરી દીધી આથી હરામ થઇ ગઈ અસ્રના સમયે તેણીની સાથે તે શખ્સે નિકાહ કર્યા હવે તે હલાલ થઇ ગઈ મગરીબના સમયે તે શખ્સે તેને “ઝહાર” કરી જેના કારણે ફરી હરામ થઇ ગઈ ઈશાના સમયે તે શખ્સે “ઝ્હાર”નો કફ્ફારો અદા કર્યો આથી ફરી તે ઔરત હલાલ થઈ ગઈ અડધી રાત્રે તે શખ્સે તે ઔરતને તલાકે રજઈ આપી જેના કારણે હરામ થઇ ગઈ અને સુબ્હના સમયે ફરી તેનાથી રજુ કરી લીધું આથી ફરી હલાલ થઈ ગઈ.”

આ જવાબ સાંભળી યહ્યા બિન અક્સમ ખુબ જ પ્રભાવિત થઈ ગયો તેમજ મેહ્ફીલમાં હાજર દરેક લોકો અને બની અબ્બાસના લોકોને આઠ વર્ષના આ બાળક ઈમામ(અ.સ.)ના  ઈલ્મી ક્માલાતનો અંદાજો આવ્યો.

ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની આ ઈલ્મી કામયાબી અને શાહી વાદવિવાદ દરમ્યાન મળેલી ઉચ્ચતાની વાત દરેક ઇસ્લામી રાજ્યોમાં ફેલાય ગઈ.

આ ન ફક્ત એક કેહ્વાતા વિદ્વાન ફકીહની હાર હતી બલ્કે ખાનદાને એહલેબૈત અ.સ.ના ઈલ્મી કમાલાત હતું.

મુસલમાનો માટે ફરી એકવાર સ્પષ્ટ થઇ ગયું કે હકીકતમાં “બાબે મદીનતુલ ઇલ્મ” ના વારીસ ફક્ત અઈમ્માએ એહલેબૈત(અ.મુ.સ.) છે. અગર કોઈને હકીકી ઇલ્મથી સેરાબ થવું છે તો તેણે એહલેબૈત(અ.મુ.સ) દરથી જોડાવું પડશે. આ દરથી મુતમસ્સીક થવું પડશે કારણકે રસુલુલ્લાહ(સ.અ.વ.) ના કૌલ મુજબ આ જ મહાન હઝરાત “હદીસે સકલૈન” ની બે ભારી ચીઝોમાંથી એક છે અને આજ હઝરાત કુરઆનના હકીકી તરજુમાન (સાચું અર્થઘટન કરનાર)છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*