શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

વાંચવાનો સમય: 6 મિનિટ

એક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે?

૧૮મી ઝિલ્હજ્જ તે મહાન દિવસ છે જેને શીઆઓ ઈદે ગદીરે તરીકે મનાવે છે અને મોટા પાયે જશ્નનો માહોલ બનાવીને તેને મનાવે છે. અમૂક લોકો આ ખુશીના જશ્નની તૈયારી ખુબ જ પહેલાથી કરવાનું ચાલુ કરી દે છે. આ પ્રસંગ અસંખ્ય સંશોધકો અને આલીમોના પ્રયત્ન અને મહેનતને સમર્પિત છે.

એક વાંધો:

ઘણી વાર એવો વાંધો ઉઠાવવામાં આવે છે કે શા માટે આ પ્રસંગની પાછળ આટલા બધા શારીરિક અને માનસીક પ્રયત્નો નાખવામાં આવે છે. અગર આટલા જ પ્રયત્નો અને મહેનત શિક્ષણ અને સમાજની સુધારણા પાછળ ખર્ચવામાં આવે તો બધા જ મુસલમાનો માટે વધુ ફાયદાકારક નિવડે. છેવટે ગદીરના વાર્ષિક જશ્નના કારણે કયો સામાજીક પ્રશ્ન હલ થઈ શકયો છે? અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની જાનશીની અને સંપૂર્ણ વિલાયતને કબુલ કરવાથી સમાજને શું ફાયદો થયો છે? શું એ સાચુ નથી કે આપણે મુસલમાનોની વિવિધ મુશ્કેલીઓના હલ માટે પ્રયત્ન કરીએ અને  પહેલી વાતોને પહેલાની વાતો તરીકે રહેવા દઈએ?

જવાબ:

આ કોઈ નવો વાંધો નથી. શીઆ ઈસ્ના અશરીયાહના દુશ્મનો અનેક પેઢીઓથી આ વાતને મુદ્દો બનાવ્યો છે. તઅજ્જુબ નથી કે દુશ્મનોએ શીઆ વિચારધારાને નઝર સમક્ષ રાખીને આ વાંધો ઉઠાવ્યો છે. આ અનુસંધાને તેઓએ ઈસ્લામના દુશ્મનો પાસેથી યુક્તિઓ શીખી છે કારણ કે જ્યારે ઈસ્લામના દુશ્મનો પવિત્ર કુરઆન અને ઈસ્લામ વિરૂધ્ધ વાંધાઓ ઉઠાવે છે તો આવી જ યુક્તિઓ વાપરે છે. દા.ત. તેઓ કહે છે કે આર્થિક અને સામાજીક વિકાસને છોડીને શા માટે આપણે દીની રિવાજો પાછળ આટલી કોશિષ અને પૈસા ખર્ચીએ છીએ જેમકે નમાઝ, રોઝા, કુરઆનની તિલાવત, વિગેરે. પ્રમાણિકપણે બોલતા દર વર્ષે અલ્લાજના ઘરની હજ્જ કરવી અને સતત કુરઆન અને ઈસ્લામની સચ્ચાઈ સાબીત કરીને, સમાજની કઈ એવી સતત વધતી સમસ્યાઓ અને તકલીફોનો હલ લાવી શકયા છીએ?

આ વાંધાની સમીક્ષા કરવા માટે બે મુદ્દાઓને સમજવા જરી છે:

1) કોઈ પણ કાર્યને ફકત ભૌતિક દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. તેનો અર્થ એમ થયો કે અગર કોઈ વસ્તુ ઉપયોગી છે તો પછી તેનો ઉપયોગ ફકત ભૌતિક નથી.

2) કોઈ બનાવ અથવા પ્રસંગને તે ઐતિહાસીક ગણીને તેનો હલ્કો ન ગણી શકાય.

જ્યાં સુધી પહેલા મુદ્દાની વાત છે, એ જાણવું જરી છે કે ઈલ્મ અને સમજણ ઈન્સાનના વિકાસ માટે ખુબ જ આવશ્યક છે. આજે પણ, વિજ્ઞાન અને ટેકનોલોજીએ પ્રગતિ કરી હોવા છતાં નામાંકિત યુનીવર્સીટીઓ એરીસ્ટોટલ અને પ્લેટોની ફિલોસોફી શીખવાડે છે. આપણે એવા વિધ્વાનોને જોઈએ છીએ કે જેઓ આવી વ્યક્તિાઓના મંતવ્યોથી ફાયદો હાસીલ કરી કામ્યાબી પ્રાપ્ત કરે છે.

બધા જ માં-બાપ પોતાની ઔલાદને સચ્ચાઈ તરફ દઅવત આપે છે અને જૂઠાણાને ઘૃણાસ્પદ જાણે છે તથા પોતાની ઔલાદને તેનાથી દૂર રહેવાનો હુકમ આપે છે. શું આવો ઉછેર માનવજાત માટે ઉપયોગી નથી? શું આનો ફાયદો ભૌતિક છે?

પવિત્ર કુરઆન ઈલાહી હોવાની નિશાની સ્વરૂપે બધા જ મુસલમાન કુટુંબ પાસે મૌજુદ હોય છે અને મુસલમાનો તેની નિયમીત રીતે તિલાવત કરે છે જ્યારે કે બધા મુસલમાનો સારી પેઠે વાકેફ છે કે ફકત તિલાવત કરવી પૂરતી નથી અને તેની સાથે તેના ઉપર ચિંતન-મનન પણ જરૂરી છે. પરંતુ એ હકીકત છે કે ફકત તિલાવત કરવાથી પણ પવિત્ર કુરઆન આપણી હિદાયત કરે છે, અલ્લાહની નઝદીક કરે છે અને આપણી દુન્યવી અને આખેરતની મુશ્કેલીઓનો હલ કરે છે.

તેવી જ રીતે, બીજી પણ એક હકીકત છે કે જે ઈતિહાસ સાથે સંબંધીત છે અને તેનું આવનારા દિવસોમાં પણ ખુબ જ વધારે મહત્વ સાબીત થયું છે. આ છે મઆદ એટલે કે બધી જ વિગતો અને હકીકતોની સાથે કયામત અને હિસાબનો દિવસ જેવી રીતે પવિત્ર કુરઆનમાં ચર્ચા કરવામાં આવી છે. તે એટલુ બધુ મહત્વ ધરાવે છે કે તે તરત જ આપણું ધ્યાન ખેંચે છે. આપણામાંથી બધા જ એવા કાર્યો કરવાના પ્રયત્નો કરીએ છીએ કે જે આપણને જહન્નમની આગથી સુરક્ષિત રાખે. મઆદ સંબંધીત કુરઆને કરીમની આયતોની તિલાવત અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની હદીસો આપણા કાર્યો ઉપર ઉંડી અસર છોડી જાય છે અને આપણને વધુ કેન્દ્રીત બનાવે છે. મઆદની માન્યતાથી કોઈ ભૌતિક ફાયદો નથી થતો અને આ માન્યતાથી મુસ્લીમ સમાજને કોઈ પણ લાંબા ગાળાથી ચાલતી સમસ્યાનો હલ નથી મેળવ્યો છતાં પણ તેનો કોઈપણ મુસલમાન ઈન્કાર કરી શકતો નથી. આ જ તૌહીદ અને નબુવ્વતની ઈસ્લામી માન્યતાઓને લાગુ પડે છે.

આ ઉદાહરણોથી એ સ્પષ્ટ છે કે ઈસ્લામી અકીદાનું મહત્વ તેની ઈસ્લામી સમાજ ઉપર ભૌતિક અસર ઉપર આધારીત નથી. તેવી જ રીતે કોઈ બનાવને એટલા માટે હલ્કો ન ગણી શકાય કે તે ફકત ઐતિહાસીક છે.

ઈસ્લામના શરૂઆતના ઈતિહાસથી ઘણુ બધુ શીખવવાનું છે. કુરઆની આયતોની નાઝીલ થવાની રીત, અમૂક આયતો નાઝીલ થવાનું કારણ, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના અખ્લાક, આ બધુ જ ઈતિહાસના મુળમાં છે. ઈતિહાસની અવગણના કરીને આપણે આ બધા બનાવોના અદભૂત ફાયદાઓ ગુમાવી રહ્યા છીએ.

હકીકતમાં હજ્જ કંઈ નથી સિવાય કે રિવાજોની શ્રેણી કે જેમાં હઝરત ઈબ્રાહીમ(અ.સ.) અને તેમના કુટુંબ સંબંધીત ઐતિહાસીક ઘટનાઓને યાદ કરવામાં જે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના આગમનના વર્ષો પહેલા બની હતી. શું કોઈ મુસલમાન હજ્જ અને ઝિયારતના મહત્વનો ઈન્કાર કરી શકે છે? મક્કા અને મદીના જતા હાજીઓ અને તે પવિત્ર સ્થળોનું ધ્યાન રાખનારાઓ લાખો રૂપિયા ખર્ચે છે. ભારત સહિત ઘણા દેશોમાં સરકાર હજ્જ માટે સબસીડી આપે છે. આ બધા રૂપિયા અને મહેનત ફકત એક ઐતિહાસીક બનાવને મનાવવામાં ખર્ચાય છે કે જે બનાવ ઈસ્લામના વર્ષો પહેલાનો છે. હજ્જ થકી મુસ્લીમ સમાજની કંઈ સમસ્યાનો હલ આવ્યો? શું એ વધુ સલહાભર્યુ નથી કે આ સમય, મહેનત અને પૈસા એવા ક્ષેત્રોમાં ખર્ચવામાં આવે જેથી મુસલમાન સમાજને હકીકી અસર થાય?

આવા પાયાવિહોણા વાંધાઓનો જવાબ એ છે કે આપણે કોઈ પણ બનાવના મહત્વનો આધાર તેની જાહેરી અને ભૌતિકવાદ અસર ઉપર ન કરીએ. કુરઆને કરીમ અને સુન્નતમાં ઘણી વખત નોંધવામાં આવ્યું છે કે ઈસ્લામ આખેરતની ઝીંદગી ઉપર વધુ ભાર મુકે છે અને આપણે દરેક કાર્યો આખેરત માટે અંજામ આપવા જોઈએ ભલે આપણને દુનિયામાં તેનો કોઈ જાહેરી ફાયદો ન દેખાય.

ગદીરનું જશ્ન:

ગદીરના અનુસંધાને શીઆઓ જે કાંઈ બયાન કરે છે તે આ હિકમતને આધીન છે. શીઆઓ ગદીરને મહત્વની, માનવંત અને બરકતવાળી ઈદ માની છે, ઈતિહાસમાં તો તેના મૂળ છે જ, સાથોસાથઆ ગદીરે ઈસ્લામને ઈમામત અને વિલાયતનો અકીદો આપ્યો છે કે જે દીનના પાયાઓમાં છે.

શું પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ગદીરે ખુમમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની પોતાના પછી ઈમામ અને સરદાર તરીકે ઓળખાણ નથી કરાવી અને આમ નથી ફરમાવ્યું:

“હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) મારા ભાઈ, જાનશીન અને મારા પછી ઈમામ છે. તેઓ અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.) પછી તમારા નફસો ઉપર હક્કે વિલાયત ધરાવે છે.

(ખુત્બએ ગદીર, 71, અલ એહતેજાજ, ભાગ-1, પા. 66, બેહારૂલ અન્વાર, ભાગ-37, પા. 201)

બેશક પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ આ એલાન ગદીરના દિવસે કર્યું હતું. ગદીરે ખુમ એક પ્રસંગ છે, જેનું જશ્ન મનાવવું લોકોના દિલો-દિમાગમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની વિલાયત અને મોહબ્બતને મજબુત કરે છે. જેવી રીતે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની નુબુવ્વત ચોક્કસ અને હતમી છે તેવી જ રીતે ગદીરનો બનાવ પણ સ્પષ્ટ અને બિનઈન્કારપાત્ર છે, જેનો મુળ અને સ્ત્રોત ઈતિહાસની કિતાબોમાં જોઈ શકાય છે.

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) દ્વારા આ હકીકત ના માટે ખાસ વ્યવસ્થા, ખાસ વર્ણન અને ખાસ ઝીક્ર કરવા માટે પુરતુ નથી? અલ્લાહના હુકમથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ને પોતાના જાનશીન નિયુકત કર્યા છે અને તેમની ઈતાઅત બધા અરબ, ગૈરઅરબ, જવાન, વૃધ્ધ, ગોરા, કાળા ઉપર વાજીબ કરી છે. ગદીરના દિવસે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ અલી(અ.સ.)ના હુકમને જારી કર્યો. આં હઝરત(સ.અ.વ.)એ અલી(અ.સ.)ના દુશ્મનોને લઅનત પાત્ર અને આપ(અ.સ.)થી મોહબ્બત કરનારને કામ્યાબ અને નજાત પામનાર જાણ્યા છે.

અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના જાનશીન છે. પવિત્ર કુરઆનની તફસીરમાં પણ આપ(અ.સ.) રસુલ(સ.અ.વ.)ના ઈલ્મના વારીસ છે. આપ(અ.સ.) હિદાયતના સરદાર છો અને આપ(અ.સ.)ના દુશ્મનો ઉપર અલ્લાહનો ગઝબ અને લઅનત છે. આ અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની અમુક સિફતો છે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ લોકોને વિસ્તારથી ગદીરના ખુત્બામાં બયાન કરી છે.

તેથી શું અલી(અ.સ.)ની મઅરેફત અને તેમના બારામાં ઈલ્મ હાસીલ કરવા માટે કોશિષ કરવી જરી નથી અને લોકોને આપ(અ.સ.)ની મઅરેફતની નઝદીક લાવવા કોશિષો કરવી જે ઈસ્લામના ઉસુલો અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) ઉપર અકીદાની સ્થાપનતા કરવા બરાબર છે?

એક વખત આપ(અ.સ.)ની મઅરેફત હાસીલ થઈ જાય અને ઓળખાણ થઈ જાય કે અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) અલ્લાહ તરફથી ઈમામ અને સરદાર છે, પછી શું તે દિવસ જે દિવસે આખરી નબી(સ.અ.વ.)એ આપ(અ.સ.)ની ઓળખાણ કરાવી અને પોતાના હિદાયતના મિશનને પૂર્ણ કર્યો તે દિવસને ખુબ જ ઠાઠમાઠ અને શાનો શૌકતથી મનાવવો જોઈએ?

ગદીરના જશ્ન બાબતે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નો ખુત્બો:

ગદીરના જશ્નના બારામાં ઘણી બધી હદીસો છે જે મઅસુમ એહલેબૈત(અ.મુ.સ.) દ્વારા બયાન કરવામાં આવી. અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ગદીરના ખુત્બામાંથી આ ભાગ ઉપર ધ્યાન આપવા નમ્ર વિનંતી છે:

“અલ્લાહ તમારા ઉપર રહેમ કરે! ખુત્બા પછી તમો બધાએ તમારા ઘરે જવું જોઈએ અને તમારા પરિવાર માટે સુવિધા અને સગવડતાની વ્યવસ્થા કરો, તમારા ભાઈઓ સાથે નેકી કરો અને અલ્લાહે તમારી સાથે જે સારૂ કર્યું છે તેના માટે તેનો શુક્ર અદા કરો. અલ્લાહની નેઅમતોમાંથી એકબીજાને તોહફાઓ આપો જેવી રીતે અલ્લાહ અઝઝ વ જલ્લએ તમારા ઉપર કૃપા કરી છે અને આ દિવસની નેકીના અજ્રને પહેલા અને પછીની ઈદો સમાન જાણો. આ દિવસે નેકી કરવી એ રોઝીમાં બરકતનું સબબ છે અને વયમાં વધારાનું કારણ છે. આ દિવસે એકબીજા ઉપર મોહબ્બત અને રહેમ કરવું અલ્લાહની રહમત અને ખુશ્નુદીનું સબબ બનશે. આ દિવસે પોતાના પરિવાર અને ભાઈઓ ઉપર ખર્ચ કરો અને એકબીજાને ખુશી સાથે મુબારકબાદી આપવી એ ખુબ જ તાકીદભર્યું છે.”                (સૈયદ ઈબ્ને તાઉસ (અ.ર.)ની મિસ્બાહુલ મોહજ્જહ, પા. 757)

ઉપરોકત ખુત્બો તે લોકોની દલીલોને પણ રદ કરે છે કે જેઓ એમ માને છે કે ઈદે ગદીરના જશ્નમાં કોઈ ભૌતિક ફાયદો નથી. લાંબી ઝીંદગી અને માલ-દૌલતના વધારા કરતા વધુ શું ભૌતિક ફાયદો હોય શકે કે જેમાં ઈલાહી ખુશ્નુદી પણ શામીલ હોય?

તેથી, એ સ્પષ્ટ છે કે ગદીરનું જશ્ન મનાવવુ ન તો મૂર્ખાઈ છે અને ન તો તેને નિરર્થક અને વ્યર્થ ગણી શકાય. અગર ખુદાના ખ્વાસ્તા આપણે તેને નિરર્થક અને વ્યર્થ માનીએ, તો પછી આ અલ્લાહ પસંદગી અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની મુસલમાનોના માટેની સલાહને નિરર્થક અને વ્યર્થ માનવા બરાબર છે.

બેશક અમે ગદીરને એહલેબૈત(અ.મુ.સ.)ની હદીસોની રોશનીમાં મનાવીએ છીએ. આ જશ્નમાં, ભલે દેખીતી રીતે કોઈ ભૌતિક પાસુ નથી પરંતુ ચોક્કસપણે અલ્લાહ, તેના રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.)ની નઝદીકી હાસીલ કરવાનું માધ્યમ છે.

Be the first to comment

Leave a Reply