લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ

નવા ટેકનોલોજીના યુગમાં આખી દુનિયામાં હકારાત્મક (સારા) સંકેતોની સાથે નકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. નવી ટેકનોલોજીની આડઅસરમાંથી એક એ છે કે નવી યુવાપેઢીનું પોતાના આદાબ અને સામાજીક વાતાવરણથી અલગ થઈ જવું અને પોતાની ઓળખાણને ખોઈ બેસવી પણ છે.

હકીકતમાં આ યુવાપેઢી પોતાની જ ઓળખાણથી અપરિચિત થઇ ગઈ છે. જેવી રીતે આપણા મહાન આલિમોમાંથી થોડા આલિમો સિવાય બીજા કોઈ ઓલમાની ઓળખાણ કે તેનાથી પરિચિત નથી અને અગર કોઈનાથી પરીચીત પણ છે તો તે ફક્ત થોડો ઘણો પરિચય હોય છે. એટલે કે તેમની કિતાબના હવાલાથી અથવા કોઈ જગ્યાએ તેમનો ઝીક્ર સાંભળી લે છે તો તેની ઉપરછલ્લી જાણકારી મળી જાય છે. બીજી નકારાત્મક અસર અને પરિણામ એ છે કે ઇલ્મને ફક્ત આર્થિક બાબતો પુરતુ મર્યાદિત કરી દીધું છે. જેના લીધે આજના ઝમાનામાં આલિમો અને બુધ્ધિશાળીઓ માટે આ વાત આશ્ર્ચર્યજનક અને પરેશાનીરુપ છે કે એક આલીમે દીન અડધી રાતે મુશ્કિલ હાલાતોમાં પોતાની અક્કલ, ફિક્ર અને ઇલ્મના પરિણામને ખુબજ કાળજી અને ખંત દ્વારા તેને કાગળ પર લખે છે. તે પણ એ ખ્યાલ વગર કે જાહેરમાં તેને પ્રોત્સાહન મળે કે તેનો ફેલાવો થશે કે નહિ, ન ફકત એ કે તેમને કોઈ ઉમ્મીદ કે ઈંતેઝાર નથી હોતો કે તેમની આ મેહનત અને લખાણોથી કોઈ દુન્યવી ફાયદો મળશે પરંતુ તેનાથી વધીને પોતે તેના તમામ ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ તૈયાર રહે છે.

જ્યારે કે નવી યુવાકાઝી નુરુલ્લાહ મરઅશી શુસ્તરીનો ઇલ્મ, જેહાદ અને શહાદત આપનાર મર્દોમાં તેમનો શુમાર થાય છે. એક જવાંમર્દ કે જેમણે મેદાદે ઓલમાઅ (ઓલમાની કલમ)ને દેમાએ શોહદાઅ (શહીદોના લોહી)થી મેળવી દીધી અને બલ અહયાઅ (હંમેશા જીવંત)નો ગૌરવભર્યો મરતબો મેળવ્યો.

કાઝી નુરુલ્લાહ શુસ્તરી ખાલિસ મુદર્રીસ, મહાન ફકીહ અને કાઝી (ન્યાયાધીશ) હતા. અડધી રાતના સમયને દુનિયા અને તેની લઝ્ઝતોથી દુર થઈને કબુલ થવાવાળી ઇબાદતોમાં ગુઝારતા હતા.

આપે લખેલી કિતાબો જેવી કે એહકાકુલ હક્ક, મજાલીસુલ મોઅમેનીન, મસાએબુન્નવાસીબ અને સવારેમુલ મોહર્રેકા વગેરે આજે પણ ઉપલબ્ધ છે. જ્યારે કે આપનાથી કોઈએ તે કિતાબોને પ્રકાશન કરવાનો કે ફેલાવવાનો વાયદો કર્યો ન હતો પરંતુ ઈતિહાસ ગવાહ છે કે આપની ખુલુસતાની બરકતો અને આપ ઉપર મૌલાની બરકતોને લીધે આપના ઈલ્મની અસરોની ખ્યાતી બાકી છે અને આપણને ખુલુસતાનો બોધ આપે છે અને તમામ લોકોને પૈગામે ઇલાહીની યાદદેહાની કરાવે છે.

وَمَن يَتَّقِ اللهَ يَجْعَل لَّهُ مَخْرَجًا

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ

“જે શખ્સ અલ્લાહથી ડરશે તેના માટે અલ્લાહ છુટકારાનો માર્ગ કરી દેશે અને તેને એવા સ્થળેથી રોઝી પહોંચાડશે કે જ્યાંથી તેને ગુમાન પણ નહિ હોય.”

(સુરએ તલાક, આયત 2 અને 3)

કાઝી નુરુલ્લાહ શુસ્તરીએ અડધી રાત્રીઓ સુધી જાગીને અઈમ્માહ (અ.મુ.સ)નાં નુરના પરચમને લહેરાવ્યો હતો કે જેથી પોતાની ફરજ (અલ્લાહની મદદ)ને અદા કરે અને ખુદાએ હકીમે પણ પોતાના મદદના વાયદાને પુરો કર્યો.

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا إِنْ تَنْصُرُوْا اللهَ

يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ

“અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહ (ના દીન)ની મદદ કરશો તો તે પણ તમારી મદદ કરશે, અને તમારા પગ જમાવી દેશે.”

(સુરએ મોહમ્મદ, આયત 7)

અમોએ ઉપરોક્ત વાત જે નવી યુવાપેઢીનાં આદાબ, રીતભાત, સામાજીક વાતાવરણથી અજાણ હોવા વિષે કરી છે તે એ નવી યુવાપેઢી છે કે જે કાઝી નુરુલ્લાહ શુસ્તરી જેવા મહાન આલીમથી અજાણ છે. આપણા હિન્દુસ્તાનમાં આટલા મહાન શહીદની મઝાર (કબ્રે મુબારક) આગ્રામાં છે પરંતુ આપણી નવી પેઢીનું ધ્યાન તેના તરફ નથી. અગર કોઈ થોડા લોકો આ શહીદ આલીમ વિષે જાણે પણ છે તો ફક્ત એટલુજ કે તેમની કબ્રે મુબારક આગ્રામાં છે અને વાર્ષિક મજ્લીસનો પ્રોગ્રામ થાય છે. ત્યાં મુરાદો પૂરી થાય છે. એટલા માટે અમુક લોકો તેમની ઝીયારતે જાય છે.

પરંતુ સંપુર્ણ રીતે નવી યુવાપેઢીને તેના કસુરવાર હોવાનું નહી કહી શકાય પરંતુ થોડી ભૂલ એ આલીમેદીનની પણ છે કે જેઓએ આ મહાન શહીદની ઓળખાણ કરાવવામાં પોતાની ઈલ્મી જવાબદારીઓને બરાબર અંજામ આપી નથી.

જેમકે કાઝી નુરુલ્લાહની ખીદમતો જે બેશુમાર છે. પરંતુ ફક્ત થોડી જ કિતાબોની ઓળખાણ કરાવે છે કે જેને આપણે આંગળીઓના વેઢે ગણી શકીએ કે જે પણ અરબી ભાષામાં અને આ ભાષાની જાણકારી ન હોવાના કારણે આપણી નવી પેઢી કાઝી નુરુલ્લાહ શુસ્તરી (અ.ર.)ની અમુલ્ય ખિદમતોથી અજાણ રહે છે.

શહીદે સાલીસ (..)નું ખાનદાન:

આ વિષયની વિગતો માટે અમે આ લખાણ ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહમાંથી લખ્યું છે. આ આર્ટીકલ લગભગ 68 વર્ષ પહેલા હિ.સ. 1327 માં મોહક્કીકે ફકીહ મર્હુમ સૈયદ જલાલુદ્દીન મોહદ્દીસે અમ્રવી કુદ્સ સર્રાહનાં હાથે લખાયેલ છે, જે શહીદે સાલીસની કિતાબ અસ્સવારેમુલ મોહર્રેકા ફી નકદે સવાએકુલ મોહર્રેકા નામની કિતાબની પ્રસ્તાવનામાં લખાયેલું છે. આ કિતાબ અરબી ભાષામાં હતી. આથી લોકો આ કીતાબથી ફાયદો મેળવવાથી વંચિત હતા. તેથી લગભગ છ વર્ષ પહેલા સન 1386 શમ્સીમાં (ઈરાની વર્ષ 21 માર્ચથી શરુ થાય છે. ઈરાની વર્ષનો પહેલો મહિનો ફરવરદીન કેહવાય છે. આજ સન 1394 શમ્સી ઈરાની વર્ષ છે એટલે કે 21 માર્ચ 2015થી ઈરાની વર્ષ સન 1394 શમ્સી શરુ થયું છે).

ફાઝીલ મોહક્કીક જનાબ ડોક્ટર આકાએ અબ્દુલ હસન તાલઈ (ખુદા તેમની તૌફીકાતમાં વધારો કરે) તેમણે આ કિતાબનો ફારસી ભાષામાં તરજુમો કરવાનો ઈરાદો કર્યો પરંતુ તેમનું સંશોધન અને મહેનત મર્હુમ મોહદ્દીસે અરમુવીના ઈલ્મી માર્ગદર્શન હેઠળ હતી. તે કહે છે કે ડોક્ટર અબ્દુલહમીદ તાલઈની મુલાકાત સન 1991માં પેહલી વાર થઇ. તેમની ઈલ્મી કાબેલીયત અને ખાસ કરીને કિતાબોની ઓળખમાં તેમનું પ્રભુત્વ જોઇને હું ઘણો જ પ્રભાવિત થયો. તેમણે મને ઘણી બધી ફારસી અને અરબી કિતાબોની ઓળખ આપી કે જેમાં ઘણી બધી હદીસો અને રિવાયતોની કિતાબ પણ હતી અને અમુક કિતાબો તેમણે મને ભેટ તરીકે આપી. તેમની કિતાબો અને સંશોધનોનો ઘણો મોટો સિલસિલો છે. અહી તે બધા વિષયો અને કિતાબોનું વર્ણન શક્ય નથી. તેમજ આપ નીચે  મુજબની ઈલ્મી કમિટીઓના સભ્યો પણ છે.

(1) હીયતે ઈલ્મી ગિરોહ કીતાબદારી વ ઇત્તેલ્લાઅ રસાની દાનીશગાહ-કુમ

(2) કમીતે તવલીદે કીતાબ દર પઝોશ્કદહ તાઅલીમ વ તરબીયત

(3) અઝવ્હીયતે મવસીસ વ રઈશ હિયત મદીયરહ અંજુમને કીતાબદારી વ ઇત્તેલાઅ રસાની મશાહખહ ઇસ્નાન કુમ

તારણ એ કે અમે અહીં ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહનાં ફારસી તરજુમામાંથી કાઝી નુરુલ્લાહ શુસ્તરીનું જીવન ચરિત્ર લખી રહ્યા છીએ.

વંશ:

મોહદ્દીસે અરમુવીએ અલ્લામાં અમીની (અ.ર.)ની કિતાબ શોહદાઉલ ફઝીલહનાં હવાલાથી લખ્યું છે કે અલ્લામાં અમીની (અ.ર.) ફરમાવે છે કે કાઝીનું વંશ આ રીતે છે.

સૈયદ ઝીયાઉદ્દીન કાઝી નુરુલ્લાહ બિન સૈયદ શરીફ બિન નુરુલ્લાહ બિન મોહમ્મદ શાહ બિન મુબરઝદિન મન્ઝત બિન હુસૈન બિન નજમુદ્દીન મોહમ્મદ બિન એહમદ બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી મુફાખર બિન અલી બિન એહમદ બિન અબી તાલિબ બિન ઈબ્રાહીમ બિન યહ્યા બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી અલી બિન હમ્ઝાહ બિન અલી બિન હમ્ઝાહ બિન અલી અલ મરઅરા બિન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ (સીયાકનો લકબ ધરાવનાર) બિન અલ્ હસન બિન હુસૈનીલ અસગર બિન અલ્ ઈમામ અલી ઝયનુલ આબેદીન બિન અલ્ ઈમામ હુસૈન બિન અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.).

વિલાદત:

વિલાદતની તારીખ વિષે એટલુ મળે છે કે આપ હિજરી સન 956માં ઈરાનનાં શહેર શુસ્તરમાં પૈદા થયા શુસ્તરને અરબી કિતાબોમાં તુસ્તર લખવામાં આવે છે.

તાઅલીમ (શિક્ષણ):

શરુઆતની તાલીમ ઉલુમે અકલી અને કુરઆન અને હદીસોનું ઇલ્મ તેમણે પોતાના વાલીદથી તેમના વતન શુસ્તરમાં જ લીધુ હતું. આપના ઉસ્તાદોમાં મીર સફીયુદ્દીન અને મીર જલાલુદ્દીન મોહમ્મદ સદ્ર પણ હતા.

મશહદમાં પ્રવેશ:

લગભગ 23 વર્ષની ઉમ્રમાં હિજરી સન 979માં શુસ્તરથી ઝીયારત માટે અને વધારે ઈલ્મ હાંસિલ કરવા અને તઝકીએ નફસ માટે મશહદે મુકદ્દસે રીઝવી તરફ રવાના થયા અને માહે મુબારકે રમઝાનમાં મશ્હદ પહોચ્યા અને દીનનું ઇલ્મ અને હકાએકની ઊંડી સમજણ માટે કાર્યરત થઇ ગયા.

મશહદમા આપ (અ.ર)એ મશહુર આલીમેદિન મૌલાના અબ્દુલ વાહીદ બિન અલી કુદ્સ સર્રાહનાં દર્સમા શિરકત કરી.

કાઝી નુરુલ્લાહના ફરઝંદ એલાઉલમુલ્કે તેમની કિતાબ મહેફીલે ફીરદોસમાં પોતાના વાલીદના ઉસ્તાદ અબ્દુલ વાહીદનો ઝીક્ર આ રીતે કર્યો છે. અલ મવલલ મોહક્કિક અલ તહરીર વલ બહર અલ ગઝીર અબ્દુલ વાહીદ બિન અલી (કુદ્દ્સ સર્રાહ)ની અક્કલ તેમજ છેવટ સુધીની મેહનત ફાયદામંદ હતી. તેમજ આપની ફિક્ર બલંદ હતી આપનો નફસ ઇસ્લામની શરીઅત અને કાનૂનોને હાંસીલ કરવા માટે ઇલ્હામથી જોડાયેલ હતો અને આપની ઊંડી સમજણ દરેક અક્કલોને ચુપ કરી દેતી હતી.

મૌલાના અબ્દુલ વાહીદ સિવાય કાઝી કુદ્સ સર્રાહના બીજા ઉસ્તાદો પણ મશહદમાં હતા, જે આપણને એલાઉલમુલક તેમના પુત્રના લખાણ પરથી જ ખબર પડે છે. તે કહે છે કે આપ (કાઝી નુરુલ્લાહ સાહેબ) સંશોધનકાર મૌલાના અબ્દુલ વાહીદ અને બીજા અલગ અલગ ઉસ્તાદોથી ફાયદો હાસિલ કરતા હતા.

આવી જ રીતે ખુદ પોતે કાઝી સાહેબ મજાલેસુલ મોઅમેનીન નામની પોતાની કિતાબના સાતમાં પ્રકરણના અંતમાં મોહક્કીકે દવાનીની ઝીંદગી અને તેના લખાણોનો ઝીક્ર કર્યા પછી ફરમાવે છે કે

આ તમામ ઉપરોક્ત કાર્યો જે તેમની (મોહક્કીકે દવાની) કલમનાં કારણે છે, જે મારા ઉસ્તાદો કે જેમની લાંબા સમય સુધી મેં એમની શાગીર્દીમા ગુઝારી છે તેમના કારણે છે.

ખુલાસો:

કાઝી સાહેબના બીજા ઉસ્તાદ મોહક્કીકે દવાનીના શાગીર્દોના શાગિર્દમાંથી છે. આપે મૌલાના અબ્દુલ વાહીદથી ફીકહ, ઉસુલ, કલામ, હદીસ અને તફસીરનું ઇલ્મ હાસિલ કર્યું. મોહમ્મદ અદીબ કારી શુસ્તરીથી મશહદમાં જ અદબીય્યાતે અરબ અને કુરઆને કરીમની તાલીમ લીધી હતી. આ દરમ્યાન આપને બુઝુર્ગ ઓલમાઅથી ઈજાઝાએ રિવાયત મળી ગઈ હતી. ખાસ કરીને આપને મૌલા અબ્દુલ રશીદ બિન ખ્વાજાનુરુદ્દીન તબીબ શુસ્તરીથી આપે ઈજાઝાએ રિવાયત હાસિલ કર્યો. ખ્વાજા નુરુદ્દીનની મશહુર કિતાબ મજાલેસુલ ઈમામીયાહ છે.

 

બીજો ભાગ

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*