અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે.

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રસ્તાવના:

ઈસ્મતના બારામાં શીઆઓના નઝરીયાને મોટાભાગના મુસલમાનો દ્વારા ગુલુવ (અતિશ્યોકિત)ના બહાના હેઠળ પડકારવામાં આવ્યો છે. શીઆઓ ઉપર ગુલુવનો આરોપ લગાવવામાં આવે છે કારણકે તેઓ અઈમ્મા (અ.મુ.સ.)ને મઅસુમ ગણે છે. દા.ત. એવી વ્યકિતઓ કે જે તેઓના જન્મથી લઈ મૃત્યુ સુધી કયારેય દીની અથવા દુન્યવી કામોમાં ભૂલ કરતા નથી. મુસલમાનો એવો દાવો કરે છે કે ઈસ્લામમાં ઈસ્મતનું કોઈ સ્થાન નથી. હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સહીત બીજા અઈમ્મા (અ.મુ.સ.) નઉઝોબીલ્લાહ ભુલો કરી શકતા હતા.

જવાબ:

1) અલી (અ.સ.) અને હક્ક વચ્ચેનો સંબંધ

2) એહલે સુન્નતના આલીમો દ્વારા રજુ કરવામાં આવતી હદીસનું લખાણ

3) હદીસ સહીહ હોવાના બારામાં આલીમોની સર્વસંમતિ (ઈજમાઅ)

4) અમૂક આલીમોના વાંધાઓ અને તેના જવાબો

એવું કહેવું કે ઈસ્લામમાં ઈસ્મતનું કોઈ સ્થાન નથી તે કુરઆને કરીમની નબળી સમજણ તરફ નિર્દેશ કરે છે કારણકે કુરઆને સ્પષ્ટ શબ્દોમાં ઘણી બધી જગ્યાએ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) માટે ‘ઉલુલ અમ્ર’(જેમની પાસે અધિકાર છે) કહીને મુખાતબ થયું છે.

સાથોસાથ ઈસ્મતની માન્યતા દીનમાં અતિશયોકિત નથી કરતી. જેના પુરાવા માટે અલ્લાહે ઈસાઈઓને ગુલુવ (કોઈને ખુદા તરીકે માનવું)ની ચેતવણી આપી હતી. (સુરએ નીસા (4):171). દરેક લોકો સહમત છે કે શીઆઓ અઈમ્મા (અ.મુ.સ.)ને ખુદા તરીકે નથી માનતા, બલ્કે તેઓ આપ (અ.સ.)ને આ ઝમીન ઉપર ઈલાહી પ્રતિનિધિઓ માને છે. અઈમ્મા (અ.મુ.સ.) અંબીયા (અ.મુ.સ.)ના વારસદારો છે.

1) અલી (અ.સ.) અને હક્ક વચ્ચેનો સંબંધ

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને હક્ક વચ્ચેના સંબંધ દશર્વિતી સૌથી મહત્વની હદીસ

عَلِیٌّ مَعَ الحَقِّ وَ الحَقُّ مَعَ عَلِیٍّ

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે.

આ ઘણી બધી રિવાયતો પૈકી એક રિવાયત છે કે જે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈમામત, શ્રેષ્ઠતા અને ઈસ્મતને ઉજાગર કરે છે.

રસુલે ખુદા (સ.અ.વ.) તરફથી બીજી પણ એક હદીસ છે કે જેને બન્ને શીઆ અને એહલે સુન્નતના રાવીઓએ નકલ કરી છે.

عَلِیٌّ مَعَ القُرآنِ وَ القُرآنُ مَعَ عَلِیٍّ

અલી (અ.સ.) કુરઆન સાથે છે અને કુરઆન અલી (અ.સ.) સાથે છે.

આ રિવાયત ‘અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે’બન્ને ફીરકાઓના આલીમો દ્વારા વધુ રજુ કરવામાં આવે છે ખાસ કરીને શીઆ આલીમો એહલે સુન્નતની સાથે ચર્ચામાં તેનું વધુ બયાન કરે છે, તેથી અમે આ હદીસનું વિસ્તૃત વિશ્લેષણ કરીએ છીએ.

2) એહલે સુન્નતના આલીમો દ્વારા રજુ કરવામાં આવતી હદીસનું લખાણ

1) ખતીબે બગદાદી, પોતાની સનદ ઉપરાંત અબુ સાબિત, અબુઝરના ગુલામથી રિવાયત કરે છે કે: હું ઉમ્મે સલમા (ર.અ.)ની ખિદમતમાં હાજર હતો જ્યારે આપ (ર.અ.) હઝરત અલી (અ.સ.)ને યાદ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે

عَلِیٌّ مَعَ الحَقِّ وَ الحَقُّ مَعَ عَلِیٍّ لَن یَفتَرِقَا حَتّٰی یَرِدَا عَلَیَّ الحَوضِ

અલી (અ.સ.) હક્કની સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છેતે બન્ને એકબીજાથી જુદા નહિ થાય ત્યાં સુધી કે હૌઝે કવસર ઉપર મને મળે.

(તારીખે બગદાદી, ભાગ-14, પા. 321)

2) હયસમી એ પણ આ રિવાયત પોતાની સનદથી અને સાદ બીન અબી વક્કાસ અને તેમણે ઉમ્મે સલમા (ર.અ.)થી નકલ કરી છે.

(મજમઉલ ઝવાએદ, ભાગ-7, પા. 236)

3) ઈબ્ને કુતય્બાહ દૈનુરી એ મોહમ્મદ બીન અબી બક્ર (ર.અ.)થી નકલ કર્યું છે કે તે તેની બહેન આયેશા સાથે હતા અને તેને પુછયું કે શું તેણીએ રસુલે ખુદા (સ.અ.વ.) પાસેથી નથી સાંભળ્યું કે: અલી (અ.સ.) હક્ક સાથે છે… તો પછી શું કામ તેણીએ અલી (અ.સ.) સામે બળવો કર્યો?

(અલ ઈમામહ વલ સીયાસહ, ભાગ-1, પા. 73)

4) ઝમખ્શરી નકલ કરે છે કે અબુ સાબિતે ઉમ્મે સલમા (ર.અ.)ની ખિદમતમાં પરવાનગી માંગી અને હાજર થયા. તેણીએ કહ્યું: આવો એ અબુ સાબિત! જ્યારે લોકોના દિલો વિવિધ દિશાઓમાં વળ્યા છે, તમે કોની તરફ વળ્યા છો? અબુ સાબિતે જવાબ આપ્યો: અલી (અ.સ.) તરફ.

ઉમ્મે સલમા (ર.અ.) એ કહ્યું: તમે કામ્યાબ થઈ ગયા. હું તેની કસમ ખાઈને કહું છું કે જેના કબ્ઝામાં મારી જાન છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)ને આ ફરમાવતા સાંભળ્યું છે કે:

عَلِیٌّ مَعَ الحَقِّ وَالقُرآنِ وَ القُرآنُ مَعَ عَلِیٍّ وَ لَن یَفتَرِقَا حَتّٰی یَرِدَا عَلَيَّ الحَوضِ

અલી (અ.સ.) હક્ક અને કુરઆન સાથે છે અને કુરઆન અલી (અ.સ.) સાથે છે અને તે બન્ને કયારેય એકબીજાથી જુદા નહિ પડે જ્યાં સુધી મને હૌઝ ઉપર ન મળે.

(રબી અલ અબ્રાર, ભાગ-1, પા. 828)

5) તબરાની અને બીજા આલીમોએ સહીહ સનદથી રસુલે ખુદા (સ.અ.વ.)થી રિવાયત કરી છે કે આપ (સ.અ.વ.) એ ગદીરના પ્રસંગે દોઆ કરી:ُ

اَللّہُمَّ وَالِ مَن وَالَاہُ  وَعَادِ مَن عَادَاہُ… وَادرِ الحَقَّ مَعَہٗ حَیثُ دَارَ

અય અલ્લાહ! તેગ્ને દોસ્ત રાખ જે અલી (અ.સ.)ને મૌલા માને અને તેને દુશ્મન રાખ જે અલી (અ.સ.)ને દુશ્મન ગણે અને હક્કને એ તરફ ફેરવી દે જે તરફ અલી (અ.સ.) ફરે.

(મોઅજમુલ અવ્સાત, ભાગ-5, પા. 455, હ. 4877)

6) હાકીમ નેશાપુરી, તીરમીઝી અને બીજા આલીમોએ સહીહ સનદથી રસુલે ખુદા (સ.અ.વ.)થી રિવાયત કરી છે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

رَحِمَ اللہُ عَلِیّاً، اَللّہُمَّ اَدرِ الحَقَّ مَعَہٗ حَیثُ دَارَ

અલ્લાહ અલી (અ.સ.) ઉપર રહેમ કરે! અય અલ્લાહ અલી (અ.સ.) જ્યાં ફરે ત્યાં હક્કને તે તરફ ફેરવી દે.

(અલ મુસ્તદરક અલા સહીહૈન, ભાગ-3, પા. 134, હ. 4628, તીરમીઝીની અલ જામેઅ અસ્સહીહ, ભાગ-5, પા. 592, હ. 3724)

7) મોહમ્મદ ઈબ્ને ઉમર રાઝી (અમુક તેઓને ફખરૂદ્દીન કહે છે) તેમગ્ની તફસીર મફાતીહ અલ ગૈબમાં નકલ કરે છે કે: અલી (અ.સ.) હંમેશા بِسمِ اللہِ الرَّحمٰنِ الرَّحِیمِ ઉંચા અવાજે પઢતા અને આ (તવાતુર) સતત ચાલુ રહેતી રાવીઓની સનદથી સાબીત છે કે જે કોઈ અલી (અ.સ.)ને તેના દીનમાં અનુસરશે તે હિદાયત યાફતા અને કામ્યાબ છે. જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) આના અનુસંધાનમાં ફરમાવ્યું છે કે:

اَللّہُمَّ اَدرِ الحَقَّ مَعَہٗ حَیثُ دَار

અય અલ્લાહ હક્કને તેમની (અલી અ.સ.)ની સાથે વાળ જ્યાં પણ તે (અલી અ.સ.) વળે.

જે આ વાતને સાબિત કરતું સ્પષ્ટ અને ઉમદા દલીલ છે. તફસીરે મફાતીહ અલ ગૈબ (તફસીરે કબીર તરીકે પણ મશ્હુર), ભાગ-1, પા. 205

8) હાફીઝ ગંજી શાફેઈ અને ખ્વારઝમી બન્નેએ ઝયદની સનદથી નકલ કર્યું છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ અલી (અ.સ.)ના આમ કહી વખાણ કયર્:િ બેશક હક્ક તમારી સાથે છે, હક્ક તમારી ઝબાન ઉપર છે, તમારા દિલમાં છે અને તમારી આંખો દરમ્યાન છે. ઈમાન તમારા ગોશ્ત અને ખૂનમાં એવી રીતે ભળી ગયું છે જેવી રીતે તે મારા ગોશ્ત અને ખૂનમાં ભળી ગયું છે.

(કિફાયહ અલ તાલીબ, પા. 265, પ્ર. 62, મનાકીબ અલ ખ્વારઝમી)

9) અબુ યઅલા બીજાઓની સાથે અબુ સઈદ ખુદરીની સનદથી નકલ કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) અલી (અ.સ.) તરફ ઈશારો કરતા ફરમાવ્યું: હક્ક અલી (અ.સ.) સાથે છે, હક્ક અલી (અ.સ.) સાથે છે.

(મુસ્નદે અબી યઅલા, ભાગ-2, પા. 318, હ. 1052)

10) હયસમી ઉમ્મે સલમા (ર.અ.)થી પોતાની સનદથી રિવાયત નકલ કરે છે કે: અલી (અ.સ.) હક્ક ઉપર છે. જે કોઈ અલી (અ.સ.)ને અનુસરે અને તેમની ઈતાઅત કરે તેણે અલબત્ત્ા હક્કને અનુસર્યું અને તેની ઈતાઅત કરી. જે કોઈએ અલી (અ.સ.)ને ત્યજી દીધા તેણે હકીકતમાં હક્કને ત્યજી દીધું. આ તે વાયદો છે કે જે આજ કરતા ઘણા સમય પહેલા લેવામાં આવેલ છે.

(મજમઉલ ઝવાએદ, ભાગ-7, પા. 35)

11) એક હદીસ જે આજ માન્યતાને ટેકો આપે છે તે ઉમ્મે સલમા (ર.અ.)થી સહીહ સનદોથી નકલ કરવામાં આવી છે જેમાં રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલી (અ.સ.) કુરઆન સાથે છે અને કુરઆન અલી (અ.સ.) સાથે છે. તે બન્ને એકબીજાથી અલગ નહિ થાય જ્યાં સુધી મને હૌઝ પર ન મળે.

(અલ મુસ્તદરક અલા અલ સહીહૈન, ભાગ-3, પા. 134, હ. 4628, અલ જામેઅલ સગીર, ભાગ-2, પા. 177, હ. 5594, અસ્સવાએક અલ મોહર્રેકા, પા. 71, 124, અલ મોજમ અલ અવ્સત, ભાગ-5, પા. 455, હ. 4877)

3) હદીસ સહીહ હોવાના બારામાં આલીમોની સર્વસંમતિ (ઈજમાઅ)

ઘણા બધા એહલે સુન્નતના આલીમોએ આ મુબારક હદીસ નકલ કરી છે અને તેને રાવીઓની સનદથી સહીહ જાણી છે. તેમાંથી થોડી અહીં રજુ કરીએ છીએ

1) અલ હાકીમ અલ નેશાપુરીએ તેમની કિતાબ ‘અલ મુસ્તદરક અલા અલ સહીહૈન’માં આ હદીસને સહીહ બતાવી છે.

2) ઝહબી, ઈબ્ને તયમીયાના સમકાલીન તેમની કિતાબ ‘તલ્ખીસ અલ મુસ્તદરક’માં આ હદીસને સહીહ જાણી છે.

3) હાફીઝ તબરાની એ આ હદીસને (હસન) ભરોસાપાત્ર ગણી છે.

4) અબુ યાઅલા મોસુલી કહે છે કે તેના રાવીઓ બધા કોઈપણ અપવાદ વગર ભરોસાપાત્ર છે અને વિશ્વાસપાત્ર છે.

4) અમૂક આલીમોના વાંધાઓ અને તેના જવાબો

1) તીરમીઝી કે જેણે આ હદીસને પોતાની કિતાબ ‘જામેઅ અલ સહીહ’માં નકલ કરી છે, આ હદીસની રાવીઓની સનદને અનિયમીત અને અજાણ ગણે છે.

તેમ છતાં એહલે સુન્નતના આલીમોનું એવું માનવું છે કે સહીહ તીરમીઝીની વિચિત્ર હદીસ પણ ચર્ચા કરવા માટે પાકી દલીલ છે.

સાથોસાથ આપણે એ પણ જોવું જોઈએ કે તીરમીઝી એટલા માટે આ હદીસને વિચિત્ર જાણે છે કારણકે તે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સામે બીજા સહાબીઓ અને પત્નિઓની બાબાતમાં વિરૂધ્ધની માન્યતા ધરાવે છે.

2) હયસમી એ આ હદીસ મજમઉલ ઝવાએદમાં નકલ કરી છે એ અવલોકનની સાથે કે બધા રાવીઓ પૈકી એક રાવી સાદ બીન શોએબ છે જેમને હું નથી ઓળખતો જ્યારે કે બીજા બધા રાવીઓ સહીહ છે.

અલ્લામા અમીની (ર.અ.) એ હયસમીના વાંધાનો જવાબ આમ આપ્યો છે: જે વ્યકિતના બારામાં સવાલ છે, સાઅદ બીન શોએબ જેમને હયસમી ઓળખતા નથી તે સાદ બીન શોએબ અલ હઝરામી સિવાય બીજું કોઈ નથી. નામમાં થોડા ફરકથી હયસમી તેને ઓળખવામાં મુંઝવણમાં પડી ગયા લાગે છે. એહલે સુન્નતના લોકો સાદ બીન શોએબને ભરોસાપાત્ર અને વિશ્ર્વાસપાત્ર ગણે છે. જેમકે, શમશુદ્દીન ઈબ્રાહીમ જવઝાની નકલ કરે છે ‘તે એક મશ્હુર, નેક અને પ્રમાણિક શખ્સ છે.’

આ હદીસ હક્ક અને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વચ્ચેના સંબંધને સ્પષ્ટપણે સ્થાપીત કરે છે. આ બન્નેમાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ધરી છે કે જેની ફરતે હક્કને રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે. મુસલમાનો માટે બીજો કોઈ રસ્તો નથી સિવાય કે એ હકીકતનો સ્વિકાર કરે અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પત્નિઓ અને સહાબીઓ કરતા ઉંચા દરજ્જે રાખે, કે જેઓએ પણ અલી (અ.સ.) માટે આ ફઝીલતનો સ્વિકાર કર્યો છે.

Be the first to comment

Leave a Reply