એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહ પાસે મદદ માંગવી

વાંચવાનો સમય: 7 મિનિટ

અમૂક વિરોધી લોકો શીઆઓ ઉપર એ આરોપ મુકે છે કે શીઆ લોકો રિઝક, ફઝલ, સફળતા, તંદુરસ્તી અને દૌલત જેવી નેઅમતોની પ્રાપ્તિ માટે એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ના વસીલામાં માન્યતા ધરાવે છે. ત્યાં સુધી કે તેઓ વરસાદ, સારો પાક, વિગેરે જેવી કુદરતી ઘટનાઓ માટે પણ એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને વસીલો બનાવે છે. વિરોધીઓ આ માટે એ દલીલ રજુ કરે છે કે અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે ગૈબી મદદ માંગવી એ વસીલા અથવા શખ્સીય્યતની ઈબાદત કરવા બરાબર છે. આ દલીલ વડે તેઓ શીઆ લોકો ઉપર એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની ઈબાદત કરતા હોવાનો આરોપ લગાવે છે અને શીઆ લોકોને મુશ્રીક ગણાવે છે.

વસીલાનું મહત્વ:

મુસલમાનોમાંથી અમૂક કહેવાતી વિચારધારાને માનનારા લોકો સિવાય મોટા ભાગના મુસલમાનો વસીલામાં માન્યતા ધરાવે છે. આથી શીઆ લોકોનું વસીલા દ્વારા મદદ માંગવું તેમને કોઈ પણ પ્રકારે મુશ્રીક સાબીત કરતુ નથી. બલ્કે એ તૌહીદનો ઉચ્ચસ્તરીય અમલનો પ્રકાર છે. આ તો ખુદ ખુદાવંદે કરીમની ઝાત છે કે જેણે મોઅમીનોને વસીલો શોધવાનો હુકમ કર્યો છે. અલ્લાહ તઆલા કુરઆનમાં ફરમાવે છે:

અય ઈમાન લાવનારાઓ! અલ્લાહથી ડરો અને  તેના  સુધી  પહોંચવાનો  વસીલો શોધો તથા તેના માર્ગમાં સંઘર્ષ કરો કે જેથી તમે સફળતા મેળવો.”

(સુરએ માએદાહ-5: આયત નં. 35)

જે લોકો તવસ્સુલમાં માન્યતા ધરાવતા નથી હકીકતમાં તો તે લોકો કુરઆનનો ઈન્કાર કરનારા છે અને તેઓ જ કુફ્ર કરનારા છે. સાથો સાથ આ આયત એ વાતને પણ રદ કરે છે કે કોઈને વસીલો બનાવવો એ તેની ઈબાદત કરવા સમાન છે. કારણ કે અગર આવું જ હોત તો અલ્લાહ તઆલા મોઅમીનોને કયારેય વસીલો શોધવાનો હુકમ  ન આપત.

કુરઆન, હદીસો અને ઈતિહાસમાં એવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે જેમાં મુસલમાનો કે જેમાં રસુલ (સ.અ.વ.)ના સહાબીઓનો પણ સમાવેશ થાય છે તેઓએ ખુદાની મદદ અને પોતાના ગુનાહોની માફી વસીલા થકી મેળવી છે. આ ઉદાહરણો શીઆઓના અકીદાને મજબુત સમર્થન આપે છે અને વિરોધીઓના તમામ આરોપોનું ખંડન કરે છે.

ઈલાહી વસીલાઓ દ્વારા મદદ માંગવી:

કુરઆને કરીમમાં સંખ્યાબંધ આયતો જોવા મળે છે કે જેમાં જુદી જુદી કૌમોએ ઈલાહી વસીલા વડે મદદ માંગી છે.

અહિં નીચે મુજબ અમૂક આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણા અકીદાને સાબીત કરવા માટે પૂરતી છે.

1) હઝરત ઈસા (અ.સ.)ને (એમની કૌમ દ્વારા) વસીલા બનાવવા:

સુરએ માએદાહની 112 થી 115 આયતમાં જોવા મળે છે:

અને જ્યારે હવારીઓએ કહ્યું કે અય મરિયમના પુત્ર હઝરત ઈસા (અ.સ.)! શું તમારા પરવરદિગારથી આ થઈ શકે છે કે અમારા માટે આકાશ ઉપરથી માએદાહ (દસ્તરખ્વાન) ઉતારે? તો તેમણે ફરમાવ્યું કે અગર તમે મોઅમીન હો તો અલ્લાહથી ડરો.

તેઓએ અરજ કરી કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કંઈક ખાઈએ અને અમારા મનનું સમાધાન થઈ જાય અને અમે જાણી લઈએ કે તમે અમને સાચું કહ્યું છે અને અમે પણ તેના સાક્ષી બની જઈએ.

ત્યારે મરિયમના પુત્ર હઝરત ઈસા (અ.સ.)એ અરજ કરી કે ખુદાયા! પરવરદિગાર! અમારા ઉપર આકાશમાંથી દસ્તરખ્વાન ઉતાર કે જે અમારા પહેલાઓ તથા પછીના માટે ઈદ થઈ જાય. તેમજ તારી કુદરતની નિશાની બની જાય અને અમને રોઝી અર્પણ કર અને તું સર્વોત્તમ રોઝી આપનાર છો.

અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા ઉપર જરૂર ઉતારનાર છું પરંતુ ત્યાર બાદ તમારામાંથી જે કોઈ ઈન્કાર કરશે તો તેના ઉપર એવો અઝાબ ઉતારીશ કે જેવો સૃષ્ટિમાંથી કોઈ ઉપર ઉતાર્યો નહિં હોય.”

(સુરએ માએદાહ-5, આયત નં. 112-115)

શા માટે હઝરત ઈસા (અ.સ.)ના હવારીઓએ ફકત હઝરત ઈસા (અ.સ.) પાસે જ દસ્તરખ્વાનની માંગણી કરી?

  • શા માટે હવારીઓએ આ માંગણી સીધેસીધી અલ્લાહ પાસે ન કરી?
  • અગર હવારીઓએ વસીલા વગર અલ્લાહ પાસે ખોરાકની માંગણી ન કરીને ભુલ કરી હતી તો જ. ઈસા (અ.સ.) કે જે અલ્લાહ અને હવારીઓ વચ્ચે વસીલા બનવાને બદલે હવારીઓની ભુલની સુધારણા શા માટે ન કરી?
  • અને સૌથી વધારે વિચારવા યોગ્ય વાત તો એ છે કે હઝરત ઈસા (અ.સ.)ની દોઆ પછી અલ્લાહનું કહેવું કે બેશક હું તમારા માટે ખોરાકને નાઝીલ કરીશ.

આ બધી જ વાતો તવસ્સુલની માન્યતાને યોગ્ય ઠેરવે છે, નહીં કે ગલત.

2) હઝરત મુસા (અ.સ.)નો વસીલો:

અને અમોએ બની ઈસ્રાઈલને (યાઅકુબ અ.સ.ની બાર અવલાદને) બાર હિસ્સાઓમાં વહેંચી દીધી અને મુસા (અ.સ.)ની પાસે જ્યારે તેની કૌમે પાણી માંગ્યુ ત્યારે અમોએ વહી કરી કે તમે લાકડીને પથ્થર ઉપર મારો તો જ્યારે તેમણે લાકડી મારી તો તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યા એવી રીતે કે દરેક ટોળાએ પોત પોતાના ઘાટને ઓળખી લીધો; અને અમોએ તેમના ઉપર વાદળાઓથી છાંયો કર્યો અને તેમના ઉપર મન્ન તથા સલ્વા જેવી નેઅમતો ઉતારી કે અમારા દ્વારા અતા કરેલુ પાકીઝા રીઝકને ખાઓ; (અને તેઓએ નાફરમાની કરીને અમારી ઉપર ઝુલ્મ ન કર્યો પરંતુ ખરેખર તેઓએ પોતાના નફસ ઉપર ઝુલ્મ કર્યો.”

(સુરએ અઅરાફ-7, આયત નં. 160)

અહીં પણ બની ઈસ્રાઈલના લોકોએ પાણી જેવી બુનિયાદી ચીજ માટે પણ હઝરત મુસા (અ.સ.)નો સંપર્ક સાધ્યો.

શા માટે બની ઈસ્રાઈલના લોકોએ કોઈ પણ વસીલા વગર અલ્લાહ પાસે પાણીની માંગણી ન કરી?

આ પ્રસંગે પણ ન તો હઝરત મુસા (અ.સ.)એ અને ન તો અલ્લાહ તઆલા દ્વારા તવસ્સુલ બારામાં નારાઝગી જાહેર કરવામાં આવી પરંતુ અલ્લાહે હઝરત મુસા (અ.સ.) ને પાણી કેવી રીતે પ્રાપ્ત કરવું તેનો ઉપાય બતાવ્યો.

એક વધુ ઉલુલઅઝમ નબીની કૌમ દ્વારા ઈલાહી વસીલાની માન્યતાને અપનાવવાનો આ કિસ્સો તવસ્સુલની માન્યતાને વધારે મજબુતી અર્પણ કરે છે.

બંને કુરઆની વાકેઆ વડે આ વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જાય છે કે હઝરત મુસા (અ.સ.)ની કૌમનું પાણી માંગવુ અને હઝરત ઈસા (અ.સ.)ની કૌમ દ્વારા ખોરાકની માંગણી કરવી એ કોઈ પણ પરિસ્થિતિમાં સુરએ શુરા આયત નં. 79 અને તે જ મને ખાવા માટે અને પીવા માટે આપે છે.” થી વિરોધાભાસી બાબત નથી.

આજ પ્રમાણે સંખ્યાબંધ કુરઆનની આયતો એ બાબતો તરફ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ખુદાવંદે કરીમે પયગમ્બરોની ઉમ્મતો માટે ખોરાક, પાણી અને તંદુરસ્તી જેવી નેઅમતો પયગમ્બરોના વસીલા દ્વારા અર્પણ કરેલ છે. જ્યારે કે આ ચીજોનો સવાલ તે લોકોએ પયગમ્બરો અને તેના વસીઓ પાસે કર્યો હતો. શું ખુદાવંદે કરીમથી વધારે કોઈ તૌહીદને સમજી શકે છે? શું કુરઆનથી વધારે શ્રેષ્ઠ કોઈ શિક્ષક છે? અને અમને કોઈ એવો પ્રસંગ કે બનાવ જોવા નથી મળતો જેમાં અલ્લાહ અથવા કુરઆને લોકોને પયગમ્બર અથવા તેના વસીઓને વસીલો બનાવવાની મનાઈ કરી હોય.

3) હઝરત યાઅકુબ (અ.સ.)નો વસીલો:

સુરએ યુસુફની આયત નં. 97 અને 98 માં જોવા મળે છે:

તે લોકોએ કહ્યું અય અમારા પિતા! તમે અમારા ગુનાહો માટે ઈસ્તિગ્ફાર કરો, બેશક અમે ગુનેહગાર હતા. તેમણે કહ્યું હું નજીકમાંજ તમારા હકમાં ઈસ્તિગ્ફાર કરીશ કે મારો પરવરદિગાર મોટો માફ કરનાર અને મહેરબાન છે.”

અહી પણ હઝરત યાઅકુબ (અ.સ.)ના ફરઝંદો કોઈ પણ વસીલા વગર સીધા જ અલ્લાહ પાસે મગ્ફેરતની માંગણી કરી શકતા હતા.

પરંતુ તેઓએ ખુદાની નઝદિક પોતાના વાલીદે બુઝુર્ગવારના ઉચ્ચ મકામ (હોદ્દા)ને ધ્યાનમાં રાખીને અલ્લાહની બારગાહમાં હઝરત યાઅકુબ (અ.સ.)ને વસીલા બનાવ્યા.

અને હઝરત યાઅકુબ (અ.સ.) એ પણ પોતાના ફરઝંદોના આ અમલને શીર્ક ન કહ્યું બલ્કે પોતાના ફરઝંદોથી એ વાયદો પણ કર્યો કે તેઓ અલ્લાહની બારગાહમાં તેઓની મગ્ફેરત માટે દોઆ કરશે.

તવસ્સુલનો તરીકો:

શીઆઓ પોતાની હાજતો પૂર્ણ થવા માટે, એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલો મેળવવા માટે વિવિધ દોઆઓ, ઝિયારતો, મુનાજાતો અને નમાઝો વિગેરેનો સહારો લે છે. એ કે જે ભરોસાપાત્ર સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલ છે તે ઝીક્રે ખુદા પઢતી વખતે શીઆ લોકો શું એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહ રબ્બુલ ઈઝઝતથી બેનિયાઝ માને છે? અથવા શું તેમને અલ્લાહ તઆલાની કુદરતમાં ભાગીદાર સમજે છે? નહિં એવું હરગીઝ નથી. શીઆ લોકોની એ માન્યતા છે કે એહલેબૈત (અ.મુ.સ.) મઅસુમ છે અને અલ્લાહની નઝદિક બલંદ દરજ્જો ધરાવે છે અને હંમેશા અલ્લાહના હુકમ અને કુદરતને સમર્પિત હોય છે. આ કારણે શીઆ લોકો એહલેબૈત (અ.મુ.સ.)ને પોતાની અને ખુદાવંદે કરીમની દરમ્યાન વસીલો બનાવે છે.

 

ઝિયારતે જામેઆ:

વિરોધીઓ ઝિયારતે જામેઆના પઢવાના બારામાં વિરોધ દર્શાવતા કહે છે કે આ ઝિયારત શિર્કથી ભરપૂર છે. કારણ કે તેમાં એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહના ભાગીદાર દર્શાવતા કલામો દ્વારા સંબોધિત કરવામાં આવ્યા છે. (મઆઝલ્લાહ).

વિરોધીઓ દ્વારા આ આરોપો લગાવવા ખૂબજ ગુમરાહીભર્યુ કૃત્ય છે કારણ કે આ ઝિયારતના કોઈ પણ ભાગમાં એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહના શરીક દર્શાવવામાં આવેલ નથી. હકીકતમાં આ ઝિયારત તૌહીદના વિષયથી ભરપૂર છે.

ઝિયારતે જામેઆ એ ઝિયારતમાંથી એક છે જે ખૂબજ ભરોસાપાત્ર છે અને ઈમામે મઅસુમ દ્વારા નકલ થયેલી છે. હ. ઈમામ અલી બીન મોહમ્મદ અલ હાદી (અ.સ.) એ હસ્તી છે કે જેમણે તૌહીદ એ રીતે ગ્રહણ કર્યુ છે જેવી રીતે તૌહીદના વિષયો-પ્રશ્નો કુરઆનમાં નાઝીલ થયેલ છે અને રસુલે ખુદા (સ.અ.વ.) એ બયાન કરેલ છે. આ સમયના મોટા આલીમો કે જેમાં એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોનો પણ સમાવેશ થાય છે તેઓ ઈ. અલી બીન મોહમ્મદ અલ હાદી (અ.સ.) અને બીજા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની ચોખટ ઉપર તૌહીદના દર્સ શીખતા અને સમજતા નજરે પડે છે. આ ઝિયારત એ જ હઝરત (અ.સ.)થી વારીદ  થયેલી છે.

ઉદાહરણ સ્વરૂપે આ ઝિયારતમાંથી અમૂક વાકયો અહીં રજુ કરવામાં આવે છે. વાંચકો પોતે નિર્ણય કરે કે શું આ ઝિયારત શીર્ક છે???!!!!

આપના લીધે અલ્લાહ ખૂબજ વધારે અને દૂર દુરના વિસ્તારો સુધી પહોંચનારો વરસાદ નાઝીલ કરે છે અને આપના લીધે જ આસમાનને પોતાને ઝમીન ઉપર પડવા નથી દેતું ત્યાં સુધી કે એ (ખુદાવંદે કરીમ) હુકમ આપે અને આપના લીધે અલ્લાહ મુશ્કેલીઓને દુર અને સખ્તીઓને ખતમ કરે છે અને તે હઝરાત પાસે એ છે જે અલ્લાહે પોતાના રસુલ (સ.અ.વ.) ઉપર નાઝીલ કર્યું છે.

આ વાકયો ઉપરથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થાય છે કે ઝિયારતે જામેઆમાં એહલેબૈત (અ.મુ.સ.)ને વસીલો બનાવવામાં આવ્યા છે અને ખુદાવંદે કરીમને એ કાર્યોનો હંમેશનો માલીક અને મુખ્તાર સમજવામાં આવ્યો છે. અહીં એહલેબૈત (અ.મુ.સ.)ને ખૂબજ ઉચ્ચ હોદ્દા ઉપર દર્શાવવા વરસાદના નાઝીલ થવાના ઝરીયા, મુસીબતો અને સખ્તીઓ દુર કરવાના રસ્તા તરીકે રજુ કરવામાં આવ્યા છે. અહીં એવું કાંઈ પણ નથી કે જે એમ દર્શાવતુ હોય કે એહલેબૈત (અ.મુ.સ.) ખુદ પોતે પોતાની જાત થકી (અલ્લાહની પરવાનગી અને મદદ વગર) વરસાદ નાઝીલ કરે છે અથવા પોતાની જાત થકી મુસીબતોને દુર કરે છે.

અગર વર્ણનમાં એમ છે કે એહલેબૈત (અ.મુ.સ.) પોતાની જાત થકી પોતે કોઈ કાર્યને અંજામ આપે છે તો તેનો મકસદ ફકત એ જ છે કે તેઓ આ કાર્યને અલ્લાહના હુકમથી અંજામ આપે છે. જેવી રીતે કે અલ્લાહ રબ્બુલ ઈઝઝતે કુરઆને મજીદમાં રૂહોના કબ્ઝ કરવા બાબતે ફરમાવ્યું છે.

આપ (સ.અ.વ.) કહી દયો કે:

મૌતના ફરિશ્તા જે તમારા ઉપર નીમવામાં આવ્યા છે તે તમને મૌત દેશે.”

(સુરએ સજદા, 42-11)

જુઓ આ આયતમાં મૌતનો ફરિશ્તો ઈન્સાનોની રૂહને કબ્ઝ કરી રહ્યો છે. પરંતુ જે લોકો કુરઆનની રજુઆતના તરીકાથી માહિતગાર છે અને તૌહીદ તથા શીર્કના વિષયોને સમજી રહ્યા છે તેઓ આ વાતને સંપૂર્ણ રીતે સમજે છે કે મૌતનો ફરિશ્તો સ્વતંત્ર રીતે (રૂહ કબ્ઝ કરવા ઉપર) ઈખ્તિયાર ધરાવતો નથી બલ્કે તેનો ઈખ્તિયાર અલ્લાહના હુકમને આધીન હોય છે.

બિલ્કુલ એવી જ રીતે જે લોકો ઝિયારતે જામેઆની તિલાવત કરતા હોય છે તેઓ એ વાતથી માહિતગાર હોય છે કે એહલેબૈત (અ.મુ.સ.) પણ અલ્લાહના હુકમને આધીન હોય છે અને તેમના કાર્યો પણ અલ્લાહ તઆલાની મરઝી અને મશિય્યત મુજબના હોય છે, કારણ કે એહલેબૈત (અ.મુ.સ.) મલેકુલ મૌતથી વધારે અલ્લાહના ફરમાંબરદાર અને તેમનો દરજ્જો અલ્લાહની નઝદીક બધા જ ફરિશ્તાઓથી અફઝલ છે.

દોઆ એ તવસ્સુલ

આ બીજી મહત્વની દોઆ છે કે જેની તિલાવત શીઆ લોકો દ્વારા કરવામાં આવે છે. જેમ કે આ દોઆના નામથી જ ખ્યાલ આવે છે કે આ દોઆમાં એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહની મદદ માંગવામાં આવે છે. આ બાબત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે આ દોઆમાં આપણી હાજતોને પૂર્ણ કરાવવા માટે એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહની બારગાહમાં વસીલા અને ઝરીયા બનાવવામાં આવે છે અને તેનાથી એ તારણ હરગિઝ નથી કાઢી શકાતું કે એહલેબૈત (અ.મુ.સ.) નેઅમતો પ્રાપ્ત કરવાના મૂળ સ્ત્રોત અને વસીલા છે.

જેમ કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને વસીલા બનાવીને આપણે કહીએ છીએ:

અય અબલ હસન, અય અમીરૂલ મોઅમેનીન, અય અલી ઈબ્ને અબી તાલિબ, અય અલ્લાહની હુજ્જત તેની મખ્લુક ઉપર, અય અમારા સરદાર, અય અમારા મૌલા, અમે તમારી તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએઅમે તમને અલ્લાહની બારગાહમાં અમારી શફાઅત કરનારા અને વસીલા બનાવીએ છીએ. અમે તમારી સમક્ષ અમારી હાજતો રાખીએ છીએ. અય અલ્લાહના પ્રતિનિધિ અલ્લાહ પાસે અમારી શફાઅત કરો.

આવી જ રીતે બીજા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ને પણ અલ્લાહની બારગાહમાં વસીલા બનાવીએ છીએ.

એકદમ સ્પષ્ટ છે કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને આ દોઆમાં અલ્લાહની સમક્ષ ખૂબજ બલંદ દરજ્જા ધરાવનારી શખ્સીય્યત કરાર દેવામાં આવ્યા છે. નહીં કે તેઓને અલ્લાહની સાથે શરીક અથવા અલ્લાહની ઝાત કરાર દેવામાં આવ્યા છે.

દરેક વારીદ થયેલી ભરોસાપાત્ર દોઆ અને ઝિયારત જેમાં એહલેબૈત (અ.મુ.સ.)ને વસીલા બનાવવામાં આવ્યા છે તેનો અર્થ અને ભાવાર્થ પણ આમ જ છે અને તેમાંથી કોઈ પણ દોઆ કે ઝિયારતમાં તૌહીદના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના શક કે શંકા નથી. બલ્કે હકીકતમાં તે દરેક મુનાજાતોમાં તૌહીદ અને શીર્કની સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને વિરોધીઓ આ ત્યારે જ સમજી શકશે જ્યારે તેઓ કુરઆનની આયતો અને રસુલ (સ.અ.વ.)ની સાચી સુન્નત ઉપર વધારે ચિંતન અને મનન કરશે.

જ્યારે આ સાબિત થઈ ચુકયુ છે કે ખુદ અલ્લાહ તઆલાએ કુરઆનમાં વસીલો શોધવાનો હુકમ આપ્યો છે ત્યારે દરેક મુસલમાન પુરૂષ અને સ્ત્રી ઉપર વાજીબ છે કે અલ્લાહના આ હુકમને બજાવી લાવે. કારણ કે અગર કોઈ તેનો ઈન્કાર કરે તો હકીકતમાં તેણે અલ્લાહની નાફરમાની કરી અને આ આધારે તે ઈસ્લામમાંથી બહાર નીકળી જશે.

અલ્લાહ તઆલા આપણને બધાને એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને વિલાયત ઉપર કાએમ રાખે અને તેમના વસીલાથી આપણા બધાની મગફેરત ફરમાવે. આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*