હદીસે નૂર ઉપર એક નઝર – ભાગ-૧

વાંચવાનો સમય: 6 મિનિટ

હદીસે નૂરને ઘણા બધા સુન્ની અને શીઆ આલીમોએ વિગતવાર પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક ફેરફારોની સાથે વર્ણન કરી છે. આલીમોએ આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોને સાબીત કરવા માટે રજુ કરી છે. આ રિવાયત ભરોસાપાત્ર સનદોની સાથે હોવા છતાં અને ઘણી બધી જગ્યાએ વર્ણન કરવામાં આવી હોવા છતાં કારણ વગર ટિપ્પણી કરનારાઓ અને મઝહબના વિરોધીઓએ તે કોશિશો કરી છે કે આ હદીસના લખાણ અને હદીસના રાવીઓની ભરોસાપાત્રતા ઉપર શંકાઓ ઉભી કરે.

આ હદીસમાંથી એક મહત્ત્વનું પરિણામ એ નીકળે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની પછી તરત જ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મુસલમાનોના ખલીફા અને ઈમામ છે. આ એજ પયગામ છે કે જેને દુશ્મનોએ અને નકામી ટિપ્પણી કરનારાઓએ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે અથવા કમ સે કમ તેની ભરોસાપાત્રતા ઉપર શંકાઓ ઉભી કરીને હક્ક ઉપર પર્દો નાખવાનો પ્રયત્ન કર્યો છે. આવા બેબુનિયાદ શક અને શંકાઓને દૂર કરવા માટે આપણે આ હદીસ ઉપર એક ઉડતી નઝર કરીશું.

હદીસે નૂર:

હદીસે નૂરને ઘણા બધા શીઆ અને એહલે સુન્નતના આલીમોએ વર્ણન કરી છે. અમે અહીં આ હદીસના સામાન્ય લખાણને રજુ કરીએ છીએ કે જેમાં એક સામાન્ય સંદેશ છે જેનું શીઆ અને સુન્ની આલીમોએ સમર્થન કર્યુ છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

હું અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અલ્લાહની સમક્ષ હઝરત આદમ (અ.સ.)ની ખિલ્કતના 14000 વર્ષ પહેલા એક જ નૂર હતા. જ્યારે અલ્લાહે હઝરત આદમ (અ.સ.)ને પૈદા કયર્િ તો આ નૂરને તેમની સુલ્બમાં રાખી દીધું. અમે બંને એક સાથે (તેમની સુલ્બમાં) એક નૂર હતા અને જનાબે અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ની સુલ્બમાં જુદા થયા પછી મને નુબુવ્વતથી નવાઝવામાં આવ્યો અને અલી (અ.સ.)ને ખિલાફતથી.

એહલે સુન્નતના ઘણા બધા આલીમોએ પોતાની કિતાબોમાં આ હદીસને લખી છે જેમના નામો નીચે મુજબ છે:

  • એહમદ ઈબ્ને હમ્બલે પોતાની મુસ્નદમાં.
  • મીર સૈયદ અલી હમદાની એ મવદ્દતુલ કુરબામાં.
  • ઈબ્ને મગાઝેલી શાફેઈએ મનાકીબમાં.
  • મોહમ્મદ ઈબ્ને તલ્હા શાફેઈએ મતાલેબુસ્સોઉલ ફી ફઝાએલીલ મુર્તઝા વલ બતુલ વસ સીબ્તૈનમાં.
  • ખ્વારઝમીએ મનાકીબમાં.
  • અબ્દુલ હમીદ ઈબ્ને અબીલ હદીદે શરહે નહજુલ બલાગાહમાં.
  • હાફીઝ સુલૈમાન કુન્દુઝીએ યનાબીઉલ મવદ્દતમાં.

આ ઉપરાંત બીજા ઘણા બધા સુન્ની આલીમો છે જેઓ આ વાત ઉપર એકમત છે કે આ હદીસ ભરોસાપાત્ર સનદો ધરાવે છે કે જેનું વર્ણન એક અલગ શીર્ષક હેઠળ કરવું યોગ્ય છે.

હદીસે નૂર – શીઆ રિવાયત મુજબ:

શીઆ સુન્ની આલીમોએ આ હદીસને ઘણી બધી જગ્યાએ નોંધ કરી છે પરંતુ શીઆઓમાં આ હદીસનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. પરિણામે આ હદીસ રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોમાં વધારો કરે છે.

ટૂંકાણને ધ્યાનમાં રાખીને અમે અહીં શીઆ હવાલાઓનું વર્ણન નથી કર્યુ કારણકે આ હદીસને ઘણી બધી જગ્યાએ ભરોસાપાત્ર રાવીઓ દ્વારા નોંધવામાં આવી છે તેમજ આ હદીસના ભરોસાપાત્ર હોવાના બારામાં શીઆઓમાં કોઈ વિરોધાભાસ પણ નથી.

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ ફરમાવ્યું છે કે:

અલ્લાહે મારા અને અલી (અ.સ.)ના નૂરને અર્શની નીચે આદમ (અ.સ.)ની ખિલ્કતના 12,000 વર્ષ પહેલા પૈદા કર્યુ. જ્યારે અલ્લાહે આદમ (અ.સ.)ને પૈદા કયર્િ તો આ નૂરને તેમની સુલ્બમાં રાખ્યુ અને આ નૂર એક સુલ્બમાંથી બીજી સુલ્બમાં સ્થળાંતર થતું રહ્યું. અહીં સુધી કે જ. અબ્દુલ મુત્તલીબ (અ.સ.) સુધી પહોંચ્યું અને ત્યાંથી આ નૂર બે ભાગમાં વહેંચાઈ ગયું.

મઆઝ ઈબ્ને જબલે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી ફરમાવ્યુ:

બેશક અલ્લાહે મનેઅલી (અ.સ.)ફાતેમા (સ.અ.)હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને દુનિયાની ખિલ્કતના 7,000 વર્ષ પહેલા પૈદા કર્યા

મઆઝ ઈબ્ને જબલે પુછયું: અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)! તે સમયે આપ હઝરાત કયાં હતાં? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

અમે અર્શની નીચે અલ્લાહની તસ્બીહતમજીદ અને તકદીસ કર્યા કરતા હતા.

મઆઝે પુછયું: તે સમયે આપ કયા સ્વરૂપમાં હતા?? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

અમે નૂરના સ્વરૂપમાં હતા. જ્યારે અલ્લાહે અમને આકાર આપવાનો ઈરાદો કર્યો તો તેણે અમને નૂરના સ્તંભના સ્વરૂપમાં આદમ (અ.સ.)ની સુલ્બમાં રાખ્યા. પછી તેણે આ નૂરનું સુલ્બમાંથી ગર્ભમાં સ્થળાંતર કર્યું. તેણે અમને હંમેશા નજાસતોશીર્ક અને ઝીનાથી પાક રાખ્યા કે જે બાબતો કુફ્રના ઝમાનામાં સર્વ સામાન્ય હતી. દરેક ઝમાનામાં અમૂક લોકો અમારા ઉપર ઈમાન ધરાવવાના લીધે ખુશબખ્ત કહેવાયા અને બીજા ઘણા બધા લોકો અમારો ઈન્કાર કરવાના કારણે બદબખ્ત થયા. જ્યારે તે અમને જનાબે અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ની સુલ્બમાં લાવ્યો તો તેણે અમારા બે ભાગ કર્યા એક ભાગને જ. અબ્દુલ્લાહ (અ.સ.)ની સુલ્બમાં રાખ્યો અને બીજા ભાગને જનાબે અબુ તાલિબ (અ.સ.)ની સુલ્બમાં રાખ્યો. ત્યારબાદ માં નૂર (મારી માતા) જનાબે આમેના (સ.અ.)માં સ્થળાંતર થયું અને તે નૂરનો બીજો હિસ્સો (અલી અ.સ.ની માતા) જનાબે ફાતેમા બિન્તે અસદ (સ.અ.)માં સ્થળાંતર થયું. મારી વિલાદત જ. આમેના (સ.અ.)થી થઈ અને અલી (અ.સ.)ની વિલાદત જનાબે ફાતેમા બિન્તે અસદ (સ.અ.)થી થઈ. પછી તે નૂર મારી તરફ પાછુ ફર્યુ અને મારી દિકરી ફાતેમા (સ.અ.)ની વિલાદત થઈ. તે જ રીતે આ નૂર અલી (અ.સ.) તરફ પાછુ ફર્યુ અને તે બંને નૂર એટલે કે અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના નૂરથી હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ની વિલાદત થઈ. આ રીતે મારૂ નૂર ઈમામ હુસૈન (અ.સ.)ની નસ્લ થકી કયામત સુધી આવનારા ઈમામો (અ.મુ.સ.)માં સ્થળાંતર થયું.

ઉપરોકત હદીસથી એ સ્પષ્ટ થાય છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું નૂર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના માનનીય નૂરથી છે. અને હઝરત અલી (અ.સ.)નો મરતબો હિદાયત અને સઆદતમાં એ જ છે જે રસુલે અકરમ (સ.અ.વ.)નો મરતબો છે. ફર્ક ફકત એ છે કે અલી (અ.સ.) ઈમામ અને ખલીફા છે અને નબી નથી. તેવી જ રીતે તે બધા ઈમામો (અ.મુ.સ.) કે જે તેમની નસ્લમાંથી છે તેઓ પણ તે જ મરતબો અને મન્ઝેલત રાખે છે. જેવી રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ની મહાનતા અને સર્વોચ્ચતાનો ઈન્કાર નથી થઈ શકતો કારણકે તેમ કરવું કુફ્ર છે. તેવી જ રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની મહાનતા અને સર્વોચ્ચતાના બારામાં એવો શક કરવો કે તેઓ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની પછી ઈમામ અને તેમના બિલા ફસ્લ ખલીફા છે કે નહિ તે પણ કુફ્ર છે.

વધુમાં આ હદીસ તે વાત તરફ પણ ધ્યાન દોરે છે કે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બધા બાપ-દાદાઓ કુફ્ર અને નિફાકથી દુર અને પાક છે કે જેમાં જનાબે અબુ તાલિબ (અ.સ.), જનાબે અબ્દુલ્લાહ (અ.સ.) અને હઝરત આમેના (સ.અ.) જેવી શખ્સીય્યતો પણ શામેલ છે કે જેઓને દીનના દુશ્મનોએ નિશાન બનાવ્યા છે અને જેમના ઉપર લગાતાર અને ગેરવ્યાજબી રીતે કુફ્રના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે કે હદીસે નૂરના આધારે આ બધા હઝરાત મોઅમીન છે અને તેમના ઉપર કુફ્રનો પડછાયો પણ નથી પડયો.

એક બીજી હદીસમાં જોવા મળે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

જ્યારે આદમ (અ.સ.)ને પૈદા કરવામાં આવ્યા ત્યારે આ નૂરને તેમની સુલ્બમાં રાખવામાં આવ્યું. જ્યારે તેઓ જન્નતમાં હતા ત્યારે આ નૂર તેમનામાં હતું. જ્યારે હઝરત નૂહ (અ.સ.) કશ્તીમાં સવાર થયા ત્યારે આ નૂર તેમની સુલ્બમાં હતું. જ્યારે ઈબ્રાહીમ (અ.સ.)ને આગમાં નાખવામાં આવ્યા ત્યારે આ નૂર તેમનામાં મૌજુદ હતું. આ નૂર પાકીઝા સુલ્બોમાંથી પાકીઝા ગર્ભોમાં સ્થળાંતર થતું રહ્યુ. અહીં સુધી કે આ નૂર જ. અબ્દુલ મુત્તલીબ (અ.સ.) સુધી પહોંચ્યું. પછી આ નૂર બે ભાગોમાં વહેંચાઈ ગયું. મને નુબુવ્વતથી નવાઝવામાં આવ્યો અને અલી (અ.સ.)ને ઈમામતથી નવાઝવામાં આવ્યા.

આવી રીતે આ નૂર અલ્લાહે મોકલેલા નબીઓ અને રસુલો (અ.મુ.સ.)ની કસોટીઓમાં તેમના રક્ષણના જામીન બન્યા.

કુરઆનમાં ઘણી બધી આયતો છે કે જેમાં આ નૂરની પાકીઝગીનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે અહીં એક આયતનો ઉલ્લેખ કરીશું.

એક શખ્સે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને નીચેની આયતના બારામાં સવાલ કર્યો:

તેણે (અલ્લાહે) કહ્યું: અય ઈબ્લીસ! કઈ વસ્તુએ તને તેને સજદો કરવાથી રોકયો કે જેને મેં પોતાના હાથો વડે ખલ્ક કર્યો છે. શું તે ઘમંડ કર્યો અથવા તુ બુઝુર્ગ લોકોમાંથી થઈ ગયો છો?”

(સુરએ સાદ 38:75)

તે શખ્સે પુછયુ: તે લોકો કોણ છે જે ફરિશ્તાઓ કરતા પણ બલંદ અને બુઝુર્ગ છે? રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

હું (સ.અ.વ.)અલી (અ.સ.)ફાતેમા (સ.અ.)હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.). અમે અર્શની નીચે અલ્લાહની તસ્બીહ કરતા હતા. અમારી તસ્બીહ કરવાથી ફરિશ્તાઓ તસ્બીહ કરતા શીખ્યા… પછી અલ્લાહે ફરિશ્તાઓને હુકમ આપ્યો કે આદમ (અ.સ.)ને સજદો કરે. ઈબ્લીસ સિવાય બધાએ અલ્લાહની ઈતાઅત કરી. ત્યારે અલ્લાહે તેને ઠપકો આપ્યો કે તે મારા સજદો કરવાના હુકમની સામે ઘમંડથી કામ લીધું. શું તુ તે બલંદતરીન લોકોમાંથી છે કે જેઓના નામો અર્શ ઉપર લખેલા છે?’

  • (તફસીરે બુરહાન, લેખક સૈયદ હાશીમ બેહરાની ર.અ.,  ભાગ-4, પાના નં. 684 તેમણે શૈખે સદુક અ.ર.ની ફઝાએલુશ્શીઆમાંથી નકલ કર્યું છે અને તેમણે આ હદીસને અબુ સઈદ ખુદરીથી રસુલુલ્લાહ (સ.અ.વ.)થી વર્ણન કરી છે)

ઈમામ હસન (અ.સ.)થી નકલ થયુ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યુ છે કે:

મારી ખિલ્કત અલ્લાહના નૂરથી થઈ છે અને મારા એહલેબૈત (અ.મુ.સ.)ની ખિલ્કત મારા નૂરથી થઈ છે અને એહલેબૈત (અ.મુ.સ.)ના ચાહનારાઓ એહલેબૈત (અ.મુ.સ.)ના નૂરથી પૈદા થયા છે. તે સિવાયના બીજા બધા લોકો જહન્નમની આગથી પૈદા થયા છે.

હદીસે નૂર વડે રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ની ઘણી બધી ફઝીલતો સામે આવે છે. જેમાંથી અમૂક નીચે પ્રમાણે છે:

અલ્લાહે આ બધા મઅસુમ (અ.મુ.સ.)ને સૌથી પહેલા ખલ્ક કર્યા આ હઝરાત (અ.મુ.સ.)ની ખિલ્કત તે સમયે થઈ જ્યારે અલ્લાહ સિવાય બીજુ કોઈ મૌજુદ ન હતું.

રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ના બધા બાપ-દાદાઓ કે જેમાં જનાબે અબુ તાલિબ (અ.સ.), જનાબે અબ્દુલ્લાહ (અ.સ.) અને જનાબે આમેના (સ.અ.) શામેલ છે) મુવહહીદ (એક ખુદામાં માનનારા) હતા અને શીર્ક તથા બીજા બધા પ્રકારના ગુનાહોથી પાકો પાકીઝા હતા.

જે લોકો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ને સમર્પિત થયા તે દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત બન્યા અને જે લોકોએ આપ હઝરાત (અ.મુ.સ.)નો ઈન્કાર અને વિરોધ કર્યો તે દુનિયા અને આખેરતમાં કુફ્ર અને અપમાનની ખીણમાં પડી ગયા.

આ તે લોકો છે કે જેમને હઝરત આદમ (અ.સ.)ને સજદો કરવાનો હુકમ આપવામાં આવ્યો ન હતો.

ફરિશ્તાઓ રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)પાસેથી અલ્લાહની તમજીદ અને હમ્દ કરતા શીખ્યા.

ફકત તે જ લોકો નજાત પામેલા છે કે જેઓને આપ (અ.મુ.સ.)ના નૂરથી પૈદા કરવામાં આવ્યા છે.

બાકી બીજા બધા લોકો જહન્નમી છે.

જે લોકો શોખ અને રસ ધરાવતા હોય તેઓ કિતાબ અબકાતુલ અન્વાર (જેના લેખક મર્હુમ મીર હામીદ હુસૈન કિન્તુરી હિન્દી અઅલલ્લાહો મકામહુ છે) નો અભ્યાસ કરી શકે છે કે જેમાં સુન્ની આલીમોના નામોનું વિસ્તૃત લીસ્ટ મૌજુદ છે કે જેમણે હદીસે નૂરને પોતાની કિતાબોમાં વર્ણન કરી છે. વાંચકોની જાણ માટે જણાવી દઈએ કે અબકાતુલ અન્વાર કિતાબ મોહદ્દીસે દહેલવીની કિતાબ તોહફએ ઈસ્નાઅશરીયાનો જવાબ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*