ઉલીલ અમ્ર-એક તપાસ

વાંચવાનો સમય: 16 મિનિટ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ લોકો દ્વારા વિભિન્ન માન્યતાઓ બયાન થતી રહી છે. શીઆઓ એમ અકીદો ધરાવે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) પછી ખિલાફત ખુદાવંદે આલમ તરફથી અઈમ્મા (અ.મુ.સ.)નો હક્ક છે અને બીજાઓએ તે બુઝુર્ગવારો પાસેથી નાહક ખિલાફત છીનવી લીધી છે. શીઆઓ પાસે તેઓની આ વાત માટે દલીલો મૌજુદ છે.

શીઆઓની વિરૂધ્ધમાં અઈમ્મા (અ.મુ.સ.)ના વિરોધીઓ અને દુશ્મનો તેમ ઈચ્છે છે કે ઈસ્લામની શરૂઆતમાં ઘટનારા બનાવોને કાયદેસર ગણાવીને સકીફામાં ચૂંટાએલા ખલીફાઓને અલ્લાહની મરજી મુજબના અને ઈસ્લામી શરીઅત મુજબ દર્શાવે.

અહિં આપણે આ લેખમાં આ હકીકત અને વાસ્તવિકતાઓ તરફ વાંચકોનું ધ્યાન કેન્દ્રીત કરીશું કે જે ખતમુલ મુરસલીન હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) પછી આપ (સ.અ.વ.)ના બરહક ખલીફા તરફ આપણું માર્ગદર્શન કરે છે.

કુરઆને મજીદમાં બેશુમાર દલીલો અને સાબિતીઓ મૌજુદ છે કે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના જાનશીન અને બરહક ખલીફા તરફ આપણું માર્ગદર્શન કરે છે, તે દલીલો અને સાબિતીઓ પૈકીની સુરએ નિસાઅની 59 મી આયત:

يَا   أَيُّهَا   الَّذِيْنَ  اٰمَنُوْا   أَطِيْعُوا   اللهَ   وَأَطِيْعُوا   الرَّسُوْلَ   وَأُوْلِي   الْأَمْرِ   مِنْكُمْ

અય ઈમાન લાવનારાઓ! અલ્લાહની ઈતાઅત કરો અને તેના રસુલની ઈતાઅત કરો અને તમારામાંથી જે ઉલીલ અમ્ર છે તેની.”

(સુરએ નિસા 4:59)

ઉપરોકત આયત એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામતનું સમર્થન કરે છે. આપણે ટૂંકમાં ઉપરોકત આયતના બારામાં ચર્ચા કરીશું.

આયતના શબ્દોના અર્થ:

મૂળ ચર્ચા શરૂ કરતા પહેલા આયતમાં ઉપયોગ થયેલા શબ્દોના અર્થ તરફ ઈશારો કરવો જરૂરી છે.

(અ) અલ્લાહની ઈતાઅતનો અર્થ (أَطِيْعُوا   اللهَ   )

અલ્લાહની ઈતાઅતથી મુરાદ તે હુકમોનું અનુસરણ કરવું અને તેના તાબે થવું કે જે રસુલે ખુદા (સ.અ.વ.)ના મુબારક દિલ ઉપર વહ્ય વડે નાઝીલ કરવામાં આવ્યા છે તથા આ હુકમ અને સંબોધન તમામ મુકલ્લેફીન માટે છે. આથી અલ્લાહની ઈતાઅત એટલે કે કુરઆન અને કુરઆનની સિવાય બયાન થયેલા ખુદાના તમામ એહકામોનું અનુસરણ છે.

(બ) અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની ઈતાઅતનો અર્થ: (اَطِیْعُوْا   الرَّسُوْلَ)

રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત ત્રણ પ્રકારની છે:

1) રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત તે બાબતોમાં કે જે એહકામની સ્પષ્ટતાના સ્વરૂપે વહ્ય વડે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર નાઝીલ થઈ છે. પરંતુ તે કુરઆને મજીદમાં મૌજુદ નથી. કારણ કે જે કંઈ કુરઆનમાં આવ્યું છે તે એહકામના મૂળભૂત સિધ્ધાંતો છે અને નબી (સ.અ.વ.)ના બયાન અને સ્પષ્ટતાના મોહતાજ છે. એટલા જ માટે કુરઆન કહે છે:

وَأَنزَلْنَا   إِلَيْكَ   الذِّكْرَ   لِتُبَيِّنَ   لِلنَّاسِ   مَا   نُزِّلَ   إِلَيْهِمْ

અને અમે તમારા ઉપર કુરઆન નાઝીલ કર્યું કે જેથી જે કંઈ તેઓના તરફ નાઝીલ કરવામાં આવ્યું છે તેને તમે લોકો માટે સ્પષ્ટ કરી દયો.”

(સૂરએ નહલ 16:44)

2) રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત તે હુકમોમાં કે જેની સમજણ આં હઝરત (સ.અ.વ.)ની જવાબદારી છે. કારણ કે અમૂક દલીલો મુજબ અમૂક એહકામની સમજણ અને સ્પષ્ટતા રસુલે ખુદા (સ.અ.વ.)ની જવાબદારી છે.

(મન લા યહઝોરોહુલ ફકીહ, પ્રકરણ અદદે રકઆતે નમાઝ)

3) રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત આં હઝરત (સ.અ.વ.)ની વ્યકિતગત રાય અને તે બાબતોમાં કે જે સમસ્ત મુસલમાનોથી સંબંધિત અને સંલગ્ન છે. તે હુકમો કે જે ઈસ્લામી ઉમ્મતની મજબુતાઈ અને અડગતા માટે ઈસ્લામી હાકીમ અને વાલીની જવાબદારીઓથી સંબંધિત છે. ખુદાવંદે આલમ ફરમાવે છે:

وَمَا   كَانَ   لِمُؤْمِنٍ   وَلَا   مُؤْمِنَةٍ   إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا   أَنْ   يَكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ   مِنْ   أَمْرِهِمْ

અને જ્યારે કોઈ મોઅમીન મર્દ કે મોઅમેના સ્ત્રીને અલ્લાહ અથવા તેના રસુલ કોઈ કામનો હુકમ આપે તો તે કામમાં તેને કોઈ (ચૂં કે ચાં કરવાનો) ઈખ્તેયાર નથી અને જે શખ્સ અલ્લાહ તથા તેના રસુલની નાફરમાની કરે તો તે ખુલ્લી ગુમરાહીમાં છે.”

(સુરએ અહઝાબ 33:36)

તમામ મુસલમાનો માટે જરૂરી અને વાજીબ છે કે તે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ત્રણેય પ્રકારના એહકામમાં ઈતાઅત કરે અને વાસ્તવમાં આં હઝરત (સ.અ.વ.)ની ઈતાઅતને ખુદાવંદે આલમની ઈતાઅત ગણે.

(ક) ઉલીલ અમ્રની ઈતાઅતનો અર્થ: (وَ   اُوْلِی   الْاَمْر)

ઉલીલ અમ્ર એટલે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એહલેબૈતમાંથી અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) છે. અને આપણે આ વાતને ઈન્શાઅલ્લાહ અલ્લાહ તઆલા એ અતા કરેલી કુવ્વત થકી સાબિત કરશું. અત્યારની ચર્ચા એ છે કે ‘ઉલીલ અમ્ર’ની હદો કયાં સુધીની છે? અને કઈ બાબતો અને કયા અમ્રમાં તેમનું અનુસરણ કરવું જોઈએ? આ સંદર્ભમાં બે બાબતોની ચર્ચા કરવી જરૂરી છે.

1) અમૂક આલીમોનું મંતવ્ય છે કે અઈમ્મા (અ.મુ.સ.) શરીઅત લાવવાનો હક્ક નથી ધરાવતા અને તેઓનું કામ ફકત શરઈ એહકામની સમજૂતિ અને તેને બયાન કરવાનું છે કે જે રસુલે અકરમ (સ.અ.વ.) દ્વારા વર્ણવવામાં આવ્યા છે અને સ્પષ્ટતા માંગે છે. લોકો ઉપર જરૂરી છે કે તે બુઝુર્ગોની સમજુતિને સાંભળે અને તેના ઉપર અમલ કરે.

અબ્દુલ્લાહ બીન અજલાને ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી ઉપરોકત આયતની તફસીરમાં નોંધ્યુ છે કે ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

આ આયત અલી (અ.સ.) અને અઈમ્મા (અ.મુ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે. ખુદાવંદે આલમે તેમને અંબીયા (અ.મુ.સ.)ની જગ્યા ઉપર મુકયા છે સિવાય એ કે તેઓ કોઈ ચીઝને હલાલ નથી કરતા અને કોઈ બાબતને હરામ નથી કરતા.

(તફસીરે અયાશી, ભાગ-1, પાના નં. 252, હદીસ નં. 173)

2) બીજી બાબતો કે જેમાં એહલેબૈતે ઈસ્મતો તહારત (અ.મુ.સ.)ના એહકામને આપણે સાંભળવા જોઈએ અને તેના ઉપર અમલ કરવો જોઈએ તે એ એહકામ છે કે જે ઈસ્લામી વ્યવસ્થા અને ઈસ્લામી રાજ્યોનું રક્ષણ કરે છે અને તેની શાન અને મહાનતાથી સંબંધિત છે. એટલા જ માટે અગર આ પ્રકારના હુકમોમાંથી કોઈ હુકમ (અઈમ્મા અ.મુ.સ.) તરફથી જાહેર કરે, ભલે પછી તે તેમના સત્તાધીશ હોવાના ઝમાનામાં હોય કે બિનસત્તાધીશ હોવાના ઝમાનામાં તમામ મુસલમાનો ઉપર તે એહકામની ઈતાઅત જરૂરી છે.

ઉલીલ અમ્રના બારામાં કથનો:

આ આયતમાં ‘ઉલીલ અમ્ર’થી મુરાદ કોણ લોકો છે તે સંદર્ભમાં અમૂક કથનો નોંધાયા છે. તેમાંથી અમૂક કથનો તરફ નીચે ઈશારો કરવામાં આવ્યો છે.

1) ‘ઈરાની લશ્કર’ઉલીલ અમ્ર છે.

2) ‘પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓ’ઉલીલ અમ્ર છે.

3) ‘સહાબીઓ અને તાબેઈન’ઉલીલ અમ્ર છે.

4) ‘ચાર ખલીફાઓ’ઉલીલ અમ્ર છે.

5) ‘સમગ્ર ઈસ્લામી ઉમ્મતના આલીમો’ઉલીલ અમ્ર છે.

6) ‘જે કોઈ પણ યોગ્ય તરીકાથી લોકોના કાર્યોનો મુતવલ્લી (દેખરેખ રાખનાર) હોય તે’ઉલીલ અમ્ર છે.

7) ‘એહલે હલ્લ વ અકદ’ઉલીલ અમ્ર છે.

8) ‘પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એહલેબૈતમાંથી મખ્સુસ અઈમ્મા (અ.મુ.સ.)’ ઉલીલ અમ્ર છે.

(અલ બહરૂલ મોહીત, ભાગ-3, પાના નં. 278)

આપણે એ સાબિત કરીશું કે ‘ઉલીલ અમ્ર’થી મુરાદ ફકત એહલેબૈત (અ.મુ.સ.)થી મખ્સુસ અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) જ છે.

ઉલીલ અમ્રની ઈસ્મત:

‘ઉલીલ અમ્ર’ની આયત ઉપર ચિંતન-મનન કરવાથી એ માલુમ થાય છે કે આયતમાં જે હઝરાતને ઉલીલ અમ્ર ઠેરવવામાં આવ્યા છે તેઓ ઈસ્મત ધરાવનારા છે. આ અર્થને આપણે નીચે મુજબના પ્રકારે સાબિત કરીશું.

ખુદાવંદે આલમે બિનશરતી રીતે ઉલીલ અમ્રની ઈતાઅત કરવાનો હુકમ આપ્યો છે. દરેક તે હસ્તી કે જેના માટે આવા પ્રકારનો હુકમ આપવામાં આવ્યો હોય તેના માટે દરેક પ્રકારની ખતા અને ભૂલોથી પાકો-પાકીઝા અને મઅસુમ હોવું જરૂરી છે. કારણ કે અગર તેમ ન હોય તો તેનો અર્થ એવો થશે કે ખુદ ખુદાવંદે આલમે ભૂલ ભરેલા કામોની ઈતાઅત કરવાનો હુકમ આપ્યો છે. જ્યારે કે ભુલ અને ખતા એટલા માટે ખતા છે કે તેને કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરિણામે ઉપરોકત આયતમાં અગર ઉલીલ અમ્ર મઅસુમ ન હોય અને ઈસ્મત ન ધરાવતા હોય તો એ જરૂરી થઈ જશે કે એક જ કાર્યમાં એક જ સમયે અને એક જ એઅતેબારથી અમ્ર અને નહ્ય ભેગા થઈ જશે જે અશકય છે. આથી આયતમાં ‘ઉલીલ અમ્ર’થી મુરાદ એ હઝરાત છે કે જેઓ દરેક પ્રકારની ભૂલ અને ખતાથી પાકો-પાકીઝા અને મઅસુમ છે.

(તફસીરે ફખ્રે રાઝી, ભાગ-1, પા. નં. 144)

આ વાતો ફખ્રે રાઝીની હતી.

હાલાંકે ફખ્રે રાઝી અહિં સુધી શીઆઓની માન્યતા સાથે સહમત છે અને ‘ઉલીલ અમ્ર’ને મઅસુમ હસ્તીઓ માટે લાગુ પાડેલ છે. પરંતુ જ્યારે ‘ઉલીલ અમ્ર’ના મિસ્દાક કોણ છે તે નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે તેઓ ભુલમાં પડી ગયા અને આ બાબતને ઉમ્મતના એહલે હલ્લ વ અકદ ઉપર લાગુ પાડી દીધું.

તેઓ કહે છે કે: ઉલીલ અમ્રની આયત બિનશરતી ઈતાઅત અને અનુસરણને સાબિત કરે છે પરંતુ આપણે કોણ મઅસુમ છે તે ઓળખી શકવા શકિતમાન નથી અને તે એટલા માટે કે મઅસુમ યા તો બાહ્ય (જાહેરી) અસ્તિત્વ નથી ધરાવતા અથવા આપણે તેમના સુધી પહોંચી શકવા માટે અસમર્થ છીએ. અમે તેથી કહીએ છીએ કે: ‘ઉલીલ અમ્ર’થી મુરાદ ઉમ્મતના બુઝુર્ગોમાંથી એહલે હલ્લ વ અકદ છે કે જેઓ મસઅલાઓ અને એહકામથી માહિતગાર છે અને અગર જ્યારે તે લોકો કોઈ મસઅલા ઉપર એકમત થઈ જાય અને તેમના ઈજતેમાઅથી કોઈ પરિણામ નીકળે તે દરેક પ્રકારના ઐબ, ભુલ અને ખતાથી પાક છે.

(તફસીરે ફખ્રે રાઝી, ભાગ-1, પાના નં. 144)

કુરઆનની તફસીર રિવાયતો વડે:

જેમ કે કુરઆને કરીમ પોતાની અમૂક આયતોની તફસીર બીજી આયતો વડે કરે છે અને રિવાયતો પણ કુરઆનની તફસીર અને સ્પષ્ટતા કરે છે અને સમજૂતિ આપે છે. ખુદાવંદે આલમનો ઈરશાદ છે કે:

وَأَنزَلْنَا   إِلَيْكَ   الذِّكْرَ   لِتُبَيِّنَ   لِلنَّاسِ   مَا   نُزِّلَ   إِلَيْهِمْ

અને અમે તમારા ઉપર કુરઆન નાઝીલ કર્યું કે જેથી જે એહકામ લોકોના માટે નાઝીલ કરવામાં આવ્યા છે તે તમે લોકો માટે સ્પષ્ટ કરી દયો.”

(સુરએ નહલ 16:44)

‘ઉલીલ અમ્ર’ના બારામાં રિવાયતો મૌજુદ છે કે જે તેઓના મિસ્દાક (ઉદાહરણો) ને સ્પષ્ટપણે બયાન ફરમાવે છે. અમૂક રિવાયતો તરફ ધ્યાન આપો.

1) બાર ખલીફાઓના બારામાં હદીસો: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

મારા પછી તમારી દરમ્યાન બાર અમીર હશે કે જેઓ બધા જ કુરૈશમાંથી છે.

(સહીહ બુખારી, કિતાબુલ ઈસ્તેખ્લાફ, હદીસ નં. 7222)

શબ્દ ‘અમીર’અમ્ર અને એમારતથી બન્યો છે. આ રિવાયત ‘ઉલીલ અમ્ર’ની સંખ્યાની હદ નક્કી કરવામાં આપણી મદદ કરે છે કે ઉલીલ અમ્ર બાર હઝરાત હશે.

2) હાકીમ નેશાપુરીએ સહીહ સનદ થકી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી નોંધ્યું છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

مَنْ   اَطَاعَنِیْ   فَقَد   اَطَاعَ   اللہَ،   وَ   مَنْ   عَصَانِیْ   فَقَدْ   عَصَی   اللہَ،

وَ   مَنْ   اَطَاعَ   عَلِیًّا   فَقَدْ   اَطَاعَنِیْ   وَ   مَنْ   عَصَیَ   عَلِیًّا   فَقَدْ   عَصَانِیْ

જેણે મારી ઈતાઅત કરી ચોક્કસ તેણે અલ્લાહની ઈતાઅત કરી અને જેણે મારી નાફરમાની કરી તેણે ચોક્કસ અલ્લાહની નાફરમાની કરી. જેણે અલી (અ.સ.)ની ઈતાઅત કરી તેણે ચોક્કસ મારી ઈતાઅત કરી અને જેણે અલી (અ.સ.)ની નાફરમાની કરી તેણે ચોક્કસ મારી નાફરમાની કરી.

(મુસ્તદરકે હાકીમ, ભાગ-3, પાના નં. 121)

આ હદીસમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ઈમામ અલી (અ.સ.)ની ઈતાઅતને પોતાની ઈતાઅતની સાથે સાથે દર્શાવી છે અને પોતાની ઈતાઅતને ખુદાની ઈતાઅતની સાથે દર્શાવી છે. પરિણામે આ એ જ અર્થ છે જેની તરફ ઉપરોકત આયતમાં ઈશારો કરવામાં આવ્યો છે.

3) હદીસે સકલૈન: આ હદીસમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

હું તમારી દરમ્યાન બે મહા ભારે (કિંમતી) ચીઝો છોડીને જઈ રહ્યો છું. અગર તમે તે બંને ચીઝોથી વળગીને રહેશો તો હરગીઝ ગુમરાહ નહિં થાવ. એક અલ્લાહની કિતાબ અને બીજી મારી ઈત્રત.

આ હદીસમાં પણ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઇત્રતથી તમસ્સુક (જોડાએલા રહેવાની) અને ઈતાઅત તરફ ઈશારો કરવામાં આવ્યો છે.

શીઆ હદીસો ઉપર એક નજર:

‘ઉલીલ અમ્ર’ના મિસ્દાક (ઉદાહરણ)ના બારામાં શીઆ ઈમામીયાની હદીસો ઈજમાલી તવાતુર અને સાચી સનદો સાથે એહલેબૈત (અ.મુ.સ.)ને લાગુ પડે છે તેમ માર્ગદર્શન કરે છે. તે હદીસોનો પયગામ કુરઆનની આયતોના માર્ગદર્શન મુજબનો છે. આ આધારે આ હદીસો તફસીર અને અર્થ માટે સ્વિકાર્ય છે.

જો કે આ આયતના બારામાં હદીસો મુખ્તલીફ છે પરંતુ તેઓની દરમ્યાન કોઈ ટકરાવ, વિરોધાભાસ કે મતભેદ નથી.

હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)એ એક હદીસમાં ફરમાવ્યું:

اِیَّانَا   عَںٰی   خَاصَّۃً   اَمَرَ   جَمِیْعَ   الْمُؤْمِنِیْنَ   اِلٰی   یَوْمِ   الْقِیَامَۃِ   لِطَاعَتِنَا

ખુદા એ ફકત અમારા માટે ઈરાદો કર્યો છે અને તમામ મોઅમીનોને કયામતના દિવસ સુધી અમારી ઈતાઅત કરવાનો હુકમ આપ્યો છે.

(કાફી, ભાગ-1, પાના નં. 276, હદીસ નં. 1)

જાબીર કહે છે: જ્યારે ખુદાવંદે આલમે પોતાના પયગમ્બર હઝરત મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) ઉપર આયતે ઉલીલ અમ્ર નાઝીલ કરી તો મેં પુછયું: અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)! અમે ખુદા અને તેના રસુલને તો ઓળખ્યા. પરંતુ ઉલીલ અમ્ર કે જેમની ઈતાઅત ખુદાવંદે આલમે પોતાની ઈતાઅતની સાથે રાખી છે તે હઝરાત કોણ છે? તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: તે હઝરાત મારા જાનશીન અને મારા પછી મુસલમાનોના પેશ્વા અને રેહબર છે. તેઓમાંથી પ્રથમ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે, પછી હસન (અ.સ.), પછી હુસૈન (અ.સ.), પછી અલી બિન હુસૈન (અ.સ.), પછી મોહમ્મદ બિન અલી (અ.સ.) છે કે જેઓ તવરાતમાં બાકીરના નામથી ઓળખાય છે. અય જાબીર! તમે તેમને જોશો અને જ્યારે તેમનાથી મુલાકાત કરો તો મારા સલામ તેમના સુધી પહોંચાડી દેજો. પછી જઅફર બિન મોહમ્મદ સાદિક (અ.સ.), પછી મુસા બિન જઅફર (અ.સ.), પછી અલી બિન મુસા (અ.સ.), પછી મોહમ્મદ બિન અલી (અ.સ.), પછી અલી બિન મોહમ્મદ (અ.સ.), પછી હસન બિન અલી (અ.સ.) છે. પછી તે શખ્સ કે જેમનું નામ મ-હ-મ-દ છે. જેમની કુન્નીય્યત ‘હુજ્જતુલ્લાહ’અલ્લાહની હુજ્જત ઝમીન ઉપર અને ખુદાના બંદાઓ દરમ્યાન ‘બકીય્યતુલ્લાહ’છે. તેઓ હસન બિન અલી (અ.સ.)ના ફરઝંદ છે. ખુદાવંદે બુઝુર્ગ અને બરતર તેમના હાથો વડે પૂર્વ અને પશ્ચિમવાસીઓને કલ્યાણ અને મુશ્કેલીઓનો હલ અતા કરશે.’

(કમાલુદ્દીન, ભાગ-1, પાના નં. 253, હદીસ નં. 3, અઅલામુલ વરા, પાના નં. 375)

ઈમામ રઝા (અ.સ.) એ આયતમાં ‘ઉલીલ અમ્ર’ની તફસીરના બારામાં ફરમાવ્યું:

اَلْاَئِمَّۃُ   مِنْ   وُلْدِ   عَلِیٍّ   وَ   فَاطِمَۃَ   عَلَیْہِمَا   السَّلَامُ   اِلٰی   اَنْ   تَقُوْمَ   السَّاعَۃُ

ઉલીલ અમ્ર અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના ફરઝંદોમાંથી કયામત સુધીના પેશ્વા અને રેહબર છે.

(કમાલુદ્દીન, ભાગ-1, પાના નં. 222, હદીસ નં. 8)

હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ‘ઉલીલ અમ્ર’પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબૈતમાંથી છે અને તેમની ઈતાઅત ખુદાની ઈતાઅત સમાન છે તે બારામાં ફરમાવે છે કે:

وَ   ہُمُ   الْمَعْصُوْمُوْنَ   الْمُطَہَّرُوْنَ   الَّذِیْنَ   لَا   یُذْنِبُوْنَ   لَا   یَعْصُوْنَ۔۔۔۔

لَا   یُفَارِقُوْنَ   الْقُرْاٰنَ   وَ   لَا   یُفَارِقُہُمْ

તે લોકો પાક અને મઅસુમ છેતેઓ ગુનાહો નથી કરતામઅસીયત (નાફરમાની) નથી કરતા… તેઓ કુરઆનથી જુદા નહિં થાય અને કુરઆન પણ તેમનાથી જુદુ નહિં થાય.

(એલલુશ્શરાયેઅ, પાના નં. 123-124, હદીસ નં. 1)

લોકાએે જ્યારે ઈમામ હસન (અ.સ.)થી બયઅત કરી ત્યારબાદના એક ખુત્બામાં ઈમામ (અ.સ.) એ આ પ્રમાણે ફરમાવ્યું:

فَاَطِیْعُوْنَا   فَاِنَّ   طَاعَتَنَا   مَفْرُوْضَۃٌ   اِذْ   کَانَتْ   بِطَاعَۃِ   اللہِ   مَقْرُوْنَۃً   قَالَ   اللہُ   عَزَّ   وَ   جَلَّ   یَا   اَیُّہَا   الَّذِیْنَ   اٰمَنُوْا   اَطِیْعُوْا      اللہَ   وَ   اَطِیْعُوْا   الرَّسُوْلَ   وَ   اُوْلِی   الْاَمْرِمِنْکُمْ

પછી અમારી ઈતાઅત કરોઅમારી ઈતાઅત વાજીબ છે. કારણ કે આ ઈતાઅત ખુદાની ઈતાઅતની સાથે સાથે કરાર દેવામાં આવી છે. અલ્લાહ અઝઝ વ જલ્લ ફરમાવે છે: અય ઈમાન લાવનારાઓ! અલ્લાહની ઈતાઅત કરો અને રસુલની ઈતાઅત કરો અને તમારામાંથી જે ઉલીલ અમ્ર છે તેની.

(આમાલીએ શૈખે તુસી, પાના નં. 121, હદીસ નં. 188)

ઉલીલ અમ્રએહલે સુન્નતની રિવાયતોમાં:

એહલે સુન્નતની અમૂક રિવાયતો મુજબ પણ ઉપરોકત આયતમાં ‘ઉલીલ અમ્ર’થી મુરાદ એહલેબૈતે ઈસ્મતો તહારત છે. હાકીમ હસ્કાનીએ પોતાની સનદથી રિવાયત કરી છે કે ઈમામ અલી (અ.સ.) એ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ કર્યું છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘મારા શરીક તે લોકો છે કે જેઓની ઈતાઅતને ખુદાએ પોતાની ઈતાઅત અને મારી ઈતાઅતની સાથે સાથે રાખી છે અને તેઓના બારામાં આ રીતે નાઝીલ કર્યું છે. اَطِیْعُوْا  اللہَ  وَ  اَطِیْعُوْا الرَّسُوْلَ وَ اُوْلِی الْاَمْرِمِنْکُمْ મેં કહ્યું અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)! તેઓ લોકો કોણ છે? ફરમાવ્યું:

તમે તેઓમાંના પ્રથમ છો.

(શવાહેદુત્તન્ઝીલ, ભાગ-1, પાના નં. 191, હદીસ નં. 204)

હમ્વીનીએ પણ પોતાની સનદથી એક લાંબી હદીસ હેઠળ નકલ કર્યું છે કે ઈમામ અલી (અ.સ.) એ અમૂક સહાબીઓને સંબોધીને ફરમાવ્યું:

‘… તમને ખુદાની કસમ આપું છું કે જ્યારે આયત

یَا اَیُّہَاالَّذِیْنَ اٰمَنُوْا اَطِیْعُوْا  اللہَ وَ اَطِیْعُوْا الرَّسُوْلَ وَ اُوْلِی الْاَمْرِمِنْکُمْ

નાઝીલ થઈ તો લોકોએ કહ્યું અય રસુલે ખુદા (સ.અ.વ.)! શું ‘ઉલીલ અમ્ર… ખાસ લોકો અને અમૂક મોઅમીનો છે કે તેમાં બધા લોકો શામેલ છે? પછી ખુદાવંદાએ પોતાના પયગમ્બરને હુકુમ આપ્યો કે વાલીયાને અમ્ર હઝરાતની ઓળખાણ લોકોની કરાવી દે અને તેઓને એવી જ રીતે જેવી રીતે નમાઝ, ઝકાત અને હજ્જની તફસીર બયાન કરી છે તેવીજ રીતે વિલાયતની તફસીર કરી દે, બસ પછી રસુલે ખુદા (સ.અ.વ.) એ મને ગદીરે ખુમમાં લોકો માટે નિયુકત કર્યો.’

(ફરાએદુસ સીમતૈન, ભાગ-1, પાના નં 313, પ્રકરણ-58, હદીસ નં. 250)

અને તેવીજ રીતે હાકીમ હસ્કાનીએ પણ મુજાહીદ બીન જબર તાબેઈ થકી ઉપરોકત આયતની શાને નુઝુલને ઈમામ અલી (અ.સ.)ને પયગમ્બરે ખુદા (સ.અ.વ.)ના જાંનશીન હોવાના બારામાં નકલ કરી છે અને લખ્યું છે:

‘(આયતે ઉલીલ અમ્ર) અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બારામાં નાઝીલ થઈ છે. જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) એ મદીનામાં તેમને પોતાની જગ્યા ઉપર બેસાડયા અને અલી (અ.સ)એ અરજ કરી:

શું તમે મને સ્ત્રીઓ અને બાળકોની દરમ્યાન છોડીને જઈ રહ્યા છો?’ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘શું તમે એ વાતથી રાજી નથી કે જે મન્ઝેલત હારૂન (અ.સ.)ને મુસા (અ.સ.) સાથે હતી તે જ મન્ઝેલત તમારી પણ હોય?’

(શવાહેદુત્તન્ઝીલ, ભાગ-1, પાના નં. 192, હદીસ નં. 205)

એહલે સુન્નતની માન્યતા ઉપર એક નજર:

ફખ્રે રાઝી સિવાય તમામ એહલે સુન્નત હઝરાત આ આયતમાં ‘ઉલીલ અમ્ર’ની ઈતાઅતને ખુદાની ઈતાઅત અને તેઓનું ખતાઓથી મઅસુમ હોવાની શરત વગર માને છે અને શીઆઓની માન્યતાથી વિરૂધ્ધ ‘ઉલીલ અમ્ર’હઝરાતને મઅસુમ નથી ઠેરવતા અને આ સિલસિલામાં બીજો અભિપ્રાય ધરાવે છે જેમ કે:

1) ઉલીમ અમ્ર-બરહક હાકીમો:

ઝમખ્શરી કહે છે: ‘ખુદાવંદાએ વલીઓ (ગર્વનરો)ને હુકમ આપ્યો છે કે અમાનતોને તેના માલિકને પરત કરે  અને અદ્લ તથા ઈન્સાફથી ફેંસલાઓ કરે. પછી આ આયતમાં લોકોને હુકમ આપ્યો છે કે તેઓની ઈતાઅત કરે અને તેઓના હુકમ અને ફેંસલાઓને માન્ય રાખે. આ લોકો બરહક હાકીમો સિવાય બીજા કોઈ નથી. કારણ કે ખુદા અને તેના રસુલ ઝાલીમ હાકીમોથી બેઝાર છે અને શકય નથી કે તે લોકોની ઈતાઅતનું વાજીબ હોવું ખુદા અને રસુલની ઈતાઅતની સાથે જોડાએલ હોય.

(કશ્શાફ, ભાગ-1, પાના નં. 524)

યાદ દેહાની:

આયતમાં શબ્દ اَطِیْعُوْا (ઈતાઅત કરો) અલ્લાહની સાથે આવ્યો છે અને રસુલ માટે પણ આ જ શબ્દ બીજી વખત વાપરવામાં આવ્યો છે. જ્યારે કે ઉલીલ અમ્ર માટે અલગથી આ શબ્દ વાપરવામાં આવ્યો નથી. બલ્કે રસુલની સાથે જે શબ્દ اَطِیْعُوْا વાપરવામાં આવ્યો છે તેને ઉલીલ અમ્રની સાથે લાવવામાં આવ્યો છે. એટલે કે શબ્દ ઉલીલ અમ્ર ‘વાવે અત્ફ’વડે રસુલની સાથે વાપરવામાં આવેલા શબ્દ اَطِیْعُوْا તરફ પાછો ફરે છે. આ આધારે જ્યાં પણ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઈતાઅત વાજીબ છે ત્યાં ઉલીલ અમ્રની પણ ઈતાઅત વાજીબ છે. પરંતુ ન જાણે કેમ સુન્ની હઝરાત એ તર્ક રજુ કરે છે કે ઉલીલ અમ્રની ઈતાઅત વાજીબ હોવી ખુદા અને રસુલની જેમ નથી. કદાચ આ તેઓની મજબુરી હોય.

2) ઉલીલ અમ્રહાકીમો અને આલીમો છે:

કરતબી કહે છે: ‘આ સિલસિલામાં સૌથી સહીહ કથનોમાં બે કથન છે. પ્રથમ એ કે ઉલીલ અમ્રથી મુરાદ હાકીમ (અમીરો) છે. કારણ કે તે લોકો સાહેબે અમ્ર છે અને તેઓ માટે હાકેમીય્યત છે અને બીજુ કથન એ કે તેનાથી મુરાદ એ આલીમો છે કે જેઓ દીનની મઅરેફત ધરાવે છે…’

(અલ જામેઉલ એહકામુલ કુરઆન, ભાગ-5, પા. 260)

3) ઉલીલ અમ્ર-હાકીમોસુલ્તાનો અને શરીઅતના કાઝીઓ છે:

આ કથન ઉલીલ અમ્રના બારામાં વિશાળ ઘેરાવો ધરાવે છે અને ઉલીલ અમ્રમાં હાકીમો, સુલ્તાનો અને શરીઅતના કાઝીઓ તથા જે પણ શરીઅતની વિલાયત ધરાવતો હોય તે શામીલ છે.

(રૂહુલ મઆની, ભા.4, પા. 96, ફત્હુલ કદીર, ભા.1, પા. 481)

આ કથનો ધરાવનારા દરેક આ આયતમાં ઉલીલ અમ્રની ઈતાઅતને વાજીબ તો જાણે છે પરંતુ તેમાં ઈસ્મતની શર્ત નથી મુકતા. અર્થાત તેઓની નઝદીક ઉલીલ અમ્રનું મઅસુમ હોવું જરૂરી નથી.

જ્યારે કે આયતમાં ઉલીલ અમ્ર મુત્લક છે અને શર્ત ઝાહીરથી વિરૂધ્ધ છે એટલા માટે આપણે ઉલીલ અમ્રને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ને લાગુ પાડીએ છીએ.

યાદ દેહાની:

સુન્ની હઝરાત ઉલીલ અમ્રની ઈતાઅતને વાજીબ તો ગણે છે પરંતુ તેમને ત્યાં ઉલીલ અમ્રનું મઅસુમ હોવું શરત નથી. ઉલીલ અમ્ર માટે તેઓને ત્યાં ઈલ્મ અને ઈસ્મતની કોઈ ચર્ચા જોવા મળતી નથી. તેઓ ફકત જાહેરી હુકુમતને જુએ છે. ત્યાં સુધી કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને પણ જાહેરી હુકુમત સુધી જ મર્યાદિત કરે છે અને એમ સમજે છે કે આં હઝરત (સ.અ.વ.)ની હુકુમત પણ બીજી તમામ હુકુમતોની જેવી જ હતી અને તેમની હુકુમત માટે પણ કોઈ પ્રકારની ખાસ શર્ત ન હતી. આં હઝરત (સ.અ.વ.)ની હુકુમત માટે તેમના ઝાતી કમાલાત, ઈલ્બે ગય્બ અને અલ્લાહ તરફથી અતા કરવામાં આવેલી ઈસ્મત અને મઅસુમિય્યતની કોઈ જરૂરત ન હતી. આવી જ રીતે તેઓ ઉલીલ અમ્ર માટે પણ એમ જ સમજે છે અને ઉલીલ અમ્ર માટે મઅસીયત અને ગુનાહના પહેલુને નજરઅંદાઝ કરી દે છે. બીજા શબ્દોમાં એમ કહેવામાં આવે કે તેઓને ત્યાં ઉલીલ અમ્ર ચોર, લુંટારા, ઝાલીમ, ઝીના કરનાર, હરામઝાદા, કાતીલ, ગાસીબ અને શરાબી વિગેરે બધા હોય શકે છે. તે લોકોને ત્યાં આ પ્રકારની મઅસીયત ઉપર ધ્યાન આપવાની કોઈ જરૂરત જણાતી નથી. વિચાર કરો કે આ એક પ્રકારની મનમાની, શર્ત છે કે ઉલીલ અમ્રની ઈતાઅત કરો અને તેઓની મઅસીયત અને ગુનાહ ઉપર ધ્યાન ન આપો. જ્યારે કે આયતમાં ઈલાહી ઈતાઅતને કોઈ પણ પ્રકારની મયર્દિા અને શરત વગર નકલ થઈ છે. બલ્કે આયતના આગળના હિસ્સાથી સ્પષ્ટ જાહેર છે કે અગર તમારી દરમ્યાન આપસમાં કોઈ વિખવાદ પૈદા થઈ જાય તો ઉલીલ અમ્ર તરફ રજુ થાવ, તે ખુદાવંદે આલમના હુકમની રોશનીમાં વિખવાદોને ખતમ કરી નાખશે. શું એ યોગ્ય છે કે ઉલીલ અમ્ર ઈલાહી નસ્સ અને રસુલ (સ.અ.વ.)ના હુકમની વિરૂધ્ધ કોઈ હુકમ બહાર પાડે? ના. તેમ હરગિઝ થઈ શકતું નથી. આથી ઉલીલ અમ્રનું મઅસુમ હોવું જરૂરી છે અને અલ્લાહ તથા રસુલ (સ.અ.વ.)ના એહકામથી પરિચિત હોવું વાજીબ છે. આ ઉપરાંત કુરઆને કરીમની અસંખ્ય આયતો સ્પષ્ટ રીતે બયાન કરે છે જેમ કે:

وَ   لَا   تُطِیْعُوْا   اَمْرَ   الْمُسْرِفِیْنَ

અને અતિશ્યોકિત કરનારાઓની વાતને ન માનો.”

(સુરએ શોઅરા (26): 151)

وَ   لَا   تُطِعْ   مَنْ   اَغْفَلْنَا   قَلْبَہٗ   عَنْ   ذِکْرِنَا   وَاتَّبَعَ   ہَوٰہُ

અને હરગીઝ તેની ઈતાઅત ન કરો કે જેના દિલને અમે અમારી યાદથી ગાફિલ કરી દીધું છે અને જે પોતાની ખ્વાહીશાતને અનુસરે છે.”

(સુરએ કહફ (18): 28)

فَلَا   تُطِعِ   الْمُکَذِّبِیْنَ

તો પછી તમે જુઠલાવનારાઓની ઈતાઅત ન કરો.”

(સુરએ કલમ (68): 8)

યાદ દેહાની:

ઉપરોકત આયતોથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે કે ઉલીલ અમ્ર કયારેય ગૈર મઅસુમ હોય શકતા નથી.

ફખ્રે રાઝીના કથન ઉપર ટીકા:

ફખ્રે રાઝીએ આયતમાં ઉલીલ અમ્રને ‘એહલે હલ્લ વ અકદ’પર લાગુ પાડી છે. અમે તેને કહીએ છીએ કે જ્યારે એહલે હલ્લ વ અકદની તમામ વ્યકિતઓ ઈસ્મત ન ધરાવતી હોય તો પછી ગૈર મઅસુમના સામુહિક અભિપ્રાય કેવી રીતે ઈસ્મત ધરાવનારા બની શકે? એવું બને કે ઈજતેમાઅ સાચાની નજીક હોય. પરંતુ આ નજીક હોવું એ કારણ નહિં બને કે તેઓથી કોઈ પણ પ્રકારની ખતા ન થાય અને તેઓનું મંતવ્ય ઈસ્મતની હદમાં દાખલ થઈ જાય અને અગર એમ માની લેવામાં આવે કે ઈજતેમાઅની પરિસ્થિતિમાં મંતવ્ય ઈસ્મત સુધી પહોંચી જાય તો આવી ઈસ્મત નીચે મુજબના કારણોથી કોઈ એક કારણથી સંબંધિત હશે.

૧) અગર હલ્લ વ અકદના તમામ લોકો મઅસુમ હોય તો પરિણામે તેઓનો ઈજતેમાઅ પણ ઈસ્મતનો દરજ્જો ધરાવનાર હશે.

પરંતુ આ વાત સ્પષ્ટ અને જાણીતી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વફાતથી લઈને આજ સુધી કોઈ ઝમાનો એવો પસાર નથી થયો કે એહલે હલ્લ વ અકદના તમામ લોકો મઅસુમ હોય અને આ એવી વાત છે કે જેને ખુદ ફખ્રે રાઝી પણ કબુલ કરે છે.

૨) અગર એમ કહેવામાં આવે કે એહલે હલ્લો વ અકદના લોકો ભલે ઈસ્મત ન ધરાવતા હોય પરંતુ ઈજતેમાઅની પરિસ્થિતિમાં તેઓ તમામ લોકો ઈસ્મતના દરજ્જા સુધી પહોંચી જશે છે તે અર્થમાં કે ઈસ્મત લોકોની એક સામુહિક અંજુમન માટે છે, ન કે દરેક વ્યકિત માટે વ્યકિતગત સ્વરૂપે.

આવી શકયતા પણ બાતિલ છે. કારણ કે ઈસ્મત એક વાસ્તવિક બાબત અને ખરી સિફતમાંથી છે. જ્યારે કે સામુહિક અંજુમન એક ગૈર વાસ્તવિકથી વધીને બીજું કંઈ નથી અને વાસ્તવિક સિફતને ગૈર વાસ્તવિક કરાર દઈ શકાતી નથી.

૩) ત્રીજી શકયતા એમ છે કે આપણે કહીએ કે ઈસ્મતની સિફત ન તો વ્યકિતની સિફત છે અને ન તો કોઈ સામુહિક અંજુમનની. બલ્કે ખુદાવંદાની સુન્નત એ વાત ઉપર કરાર પામેલી છે કે એહલે હલ્લ વ અકદની રાય જે ફેંસલો આવે તે ભુલ અને ખતાથી સુરક્ષિત હોય છે. આ બાબતમાં પણ ત્રણ પેટા શકયતાઓ જોવા મળે છે.

અ) પહેલી શકયતા એ કે આપણે કહીએ છીએ કે આ ઈલાહી સુન્નત તમામ ઉમ્મતો માટે છે જ્યારે કે આ શકયતા ચોક્કસપણે બાતિલ છે. કારણ કે ઘણા બધા મંતવ્યોમાં એક મત હોવા છતાં તેમાં ભુલો અને ખતા જોવા મળે છે.

બ) બીજી શકયતા એ છે કે આ સુન્નત ફકત મુસલમાનો માટે મખ્સુસ છે તેના અર્થમાં આપણે એમ કહીએ કે ખુદાવંદે આલમે આ ઉમ્મત ઉપર એહસાન કર્યો છે અને એહલે હલ્લ વ અકદના મંતવ્યને ભુલ અને શંકાઓથી સુરક્ષિત રાખ્યો છે.

પરંતુ આ શકયતા પણ ઈતિહાસની હકીકતો અને વાસ્તવિકતાઓથી વિરૂધ્ધ છે. કારણ કે ઘણા બધા એહલે હલ્લ વ અકદના મંતવ્યો આ ઉમ્મતમાં બાતિલ ઠર્યા  છે અને અગર આ વાત આ ઉમ્મતમાં સાબિત પણ થઈ હોય તો તેને એક મોઅજીઝાના રૂપે સમજવું જોઈએ. જ્યારે કે કોઈ પણ સાચી દલીલમાં તેની તરફ મોઅજીઝો તરીકે ઈશારો કરવામાં નથી આવ્યો.

ક) ત્રીજી શકયતા એમ છે કે આપણે કહીએ: જે વ્યકિતઓ માટે આ ઉમ્મતમાં ઈસ્મત છે તે અસાધારણ અને ગૈર મામુલી બાબતોની તરફ પલટતી નથી. બલ્કે તેઓનો સંબંધ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) થકી અને ઈલાહી તઅલીમાત થકી તેઓની શ્રેષ્ઠ તરબીયતથી છે કે તેઓને આ મરતબા સુધી પહોંચાડી દીધા કે તેઓનું એકમત હોવું ઈસ્મતનો દરજ્જો  ધરાવે છે.

આ શકયતા પણ બાતિલ છે કારણ કે એવી પરિસ્થિતિમાં કે જ્યારે ઉમ્મતનો દરેક વ્યકિત મંતવ્ય આપવામાં ભુલ કે ખતાથી સુરક્ષિત ન હોય તો કેવી રીતે તેઓના એકમત થઈ જવાને મઅસુમ સમજી લેવામાં આવે? આ ઉમ્મતના એહલે હલ્લ વ અકદની ઘણી બધી મીટીંગો ગોઠવવામાં આવી છે અને તેઓ થકી બાતિલ મંતવ્યો અને પરિણામો બહાર આવ્યા છે.

ફખ્રે રાઝીની શંકાઓ અને તેના વાંધાઓ:

શીઆ ઈમામીયા ઉલીલ અમ્રને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એહલેબૈતમાંથી કરાર દે છે અને તેમના અકીદા મુજબ દરેક ઝમાનામાં તેઓમાંથી એક હસ્તી હુજ્જતે ખુદા તરીકે ઝમીન ઉપર મૌજુદ હોય છે. પરંતુ ફખ્રે રાઝીએ શીઆઓની આ માન્યતા ઉપર વાંધો ઉઠાવ્યો છે. અહિંયા અમે તે વાંધાઓ અને તેના જવાબો રજુ કરી રહ્યા છે.

પહેલો વાંધો:

શબ્દ ઉલીલ અમ્ર આયતમાં ‘મીન્કુમ’ની સાથે આવ્યો છે. એટલે કે તે લોકો તમારી જીન્સ અને સીન્ખમાંથી છે અર્થાત ઉલીલ અમ્ર એક સામાન્ય ઈન્સાનોની જેમ છે અને તેઓ ઈસ્મત ધરાવતા નથી. જ્યારે કે શીઆઓ એમ માને છે કે ઉલીલ અમ્રના દરેક હઝરાત ઈસ્મત ધરાવે છે.

જવાબ:

આયતમાં શબ્દ ‘મીન્કુમ’એમ સમજાવવા માટે આવ્યો છે કે ઉલીલ અમ્ર જો કે મઅસુમ છે, પરંતુ જીન્સે બશરમાંથી છે અને તેઓ મલાએકાની સીન્ખમાંથી નથી. કારણ કે અમૂક આયતો મુજબ લોકો એવો વાંધો ઉઠાવતા હતા કે શા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ખોરાક ખાય છે અને બજારોમાં હરે ફરે છે? જાણે કે તે લોકો એમ ધારતા હતા કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) જીન્સે મલકમાંથી હોવા જોઈએ ન કે જીન્સે બશરમાંથી અને એટલે જ કુરઆને કરીમે પણ ઘણી બધી આયતોમાં એ બાબતની તાકીદ કરી છે કે પયગમ્બર (સ.અ.વ.) તમારામાંથી છે (મીન્હુમ) અને અગર અમે ચાહતે કે તેમને જીન્સે મલાએકામાંથી કરાર દઈએ તો તેવી પરિસ્થિતિમાં પણ બશરના સ્વરૂપે બનાવત કે જેથી તેઓ આપણી સાથે સતત સંપર્કમાં રહી શકે.

(સુરએ અન્આમ 6:9)

બીજો વાંધો:

શબ્દ ઉલીલ અમ્ર બહુવચન છે અને બહુવચન ઘણા બધા લોકો ઉપર દલાલત કરે છે અને આ અર્થ ઈમામીયા અકીદાના મંતવ્ય સાથે બંધ બેસતો નથી. કારણ કે તે લોકો એમ માને છે કે દરેક ઝમાનામાં એક ઈમામ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કે આયત એક સમૂહની ઈતાઅતનો હુકમ આપે છે.

જવાબ:

જે વાત જાહેર અને સ્વભાવની વિરૂધ્ધની છે તે એ છે કે શબ્દ બહુવચનને એક વ્યકિત માટે લાગુ પાડવામાં આવે. જ્યારે કે આયત એ પ્રમાણે નથી કારણ કે ઈમામીયા ફીકર્િ મુજબ ઉલીલ અમ્ર બાર મઅસુમ ઈમામો છે કે જેઓની ઈતાઅતનો હુકમ ખુદાનીની ઈતાઅત મુજબ વાજીબ છે અને તેના ઉપર બહુવચનનો ઉપયોગ એ આધારે નથી કે એકજ સમયમાં તે બધા મૌજુદ હોય બલ્કે તે આધારે છે કે કોઈ પણ ઝમાનો તે બાર હસ્તિઓથી કયારેય ખાલી ન હોય. બીજા શબ્દોમાં તેઓ માટે બહુવચન શબ્દ લાંબા સમયગાળા માટે (એક પછી એક સતત) અસ્તિત્વ ધરાવતા હોવાના આધારે વાપરવામાં આવ્યો છે ન કે એકજ સમયે બધા હાજર હોવાના આધારે અને આ ઉપયોગ પણ એક વાસ્તવિકતા છે નહિં કે કાલ્પનિક અને કુરઆને કરીમમાં પણ તેનો ખુબજ વધારે ઉપયોગ થયો છે.

ખુદાવંદે આલમનું ફરમાન છે

فَلَا   تُطِعِ   الْمُکَذِّبِیْنَ

જુઠ્ઠાઓની ઈતાઅત ન કરો.”

(સુરએ કલમ 68:8)

તો શું ઉપરોકત આયતથી મુરાદ જુઠ્ઠા લોકો ફકત એક સમયમાં અને એક ઝમાનામાં છે? કે પછી દરેક ઝમાનામાં એક જ જુઠ્ઠો શખ્સ હોય તો તમારે તેની ઈતાઅત ન કરવી જોઈએ?

ત્રીજો વાંધો:

મઅસુમની ઈતાઅત ઓળખની શરતની સાથે છે. જ્યારે કે મઅસુમ શખ્સની ઓળખ અશકય કામ છે અને તેના પરિણામે તકલીફ બે મોહાલ (અશકય વાત ઉપર અમલ કરવો) બાતિલ છે.

જવાબ:

મઅસુમ ઈમામ તે લોકો છે કે જેઓ ખુદા અને તેના રસુલ તરફથી હોય છે કે જેઓ સ્પષ્ટ અને રોશન નસ્સ અને બયાનો વડે ઓળખાવવામાં આવ્યા છે અને દરેક ન્યાય પ્રિય ઈન્સાન માટે તેસ્પષ્ટ અને જાણીતુ છે.

ચોથો વાંધો:

ખુદાવંદે આલમે આયત ઉલીલ અમ્રમાં ફરમાવ્યું છે કે:

فَاِنْ   تَنَازَعْتُمْ   فِیْ   شَیْ   ئٍ   فَرُدُّوْہُ   اِلَی   اللہِ   وَ   الرَّسُوْلِ

અગર કોઈ વસ્તુ બાબત તમારો ઝઘડો થાય તો તેને ખુદા અને રસુલની પાસે લઈ જાઓ.”

(સુરએ નિસા 4:59)

ઉપરોકત આયતમાં ઝઘડો અને વિખવાદના નિરાકરણ માટે ખુદા અને રસુલની સામે રજુ થવું દર્શાવવામાં આવ્યું છે ન કે ઉલીલ અમ્રની સામે. આ દલીલ છે તે વાત ઉપર કે ઉલીલ અમ્ર ઈસ્મતનો મકામ ધરાવતા નથી.

જવાબ:

પહેલું: આ એ માટે છે કે શરીઅતનો હક્ક ફકત ખુદા અને રસુલને છે ઉલીલ અમ્રને નથી. આથી ઝઘડાઓ અને વિખવાદના મૌકાઓ ઉપર ઈસ્લામી શરીઅતમાં ખુદા અને રસુલ તરફ જ રજુ થવું જોઈએ.

બીજું: જ્યારે કોઈ ઝઘડો કે વિખવાદ ઉલીલ અમ્રથી મુરાદ કોણ છે તે બારામાં હોય તો તેવી પરિસ્થિતિમાં એ સિવાય બીજો કોઈ રસ્તો નથી કે તેના નિરાકરણ માટે ખુદા અને રસુલ સિવાય બીજા કોઈ પાસે રજુ થઈ શકાય.

પાંચમો વાંધો:

આપણે આ ઝમાનામાં મઅસુમ ઈમામ સુધી પહોંચી શકવા માટે અસમર્થ છીએ. આથી તેઓથી એહકામ, મસાએલ અને દીની મોઆમેલાત હાસીલ કરવા અને તેના ઉપર અમલ કરવો આપણે માટે અશકય બાબત છે. જ્યારે કે આયતમાં ઉલીલ અમ્રની ઈતાઅત વાજીબ ઠેરવવામાં આવી છે. પરિણામે ઉલીલ અમ્રથી મુરાદ શીઆઓના ઈમામો નથી.

જવાબ:

ઈમામ (અ.સ.)ના ઝુહુરના ઝમાનામાં તેમના સુધી પહોંચવું શકય છે. ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબતમાં જોકે ઈન્સાન તેમના હાજર હોવાની બરકતોથી વંચિત છે પરંતુ તેમના થકી જે એહકામ અને હુકમોનો મજમુઓ આપણા સુધી પહોંચ્યો છે તે મૌજુદ છે અને તે એહકામની ઈતાઅત વડે હકીકતમાં આપણે ઈમામે ઝમાના (અ.સ.)ના હુકમો ઉપર અમલ કરીએ છીએ. ખાસ કરીને તે વાતને ધ્યાનમાં રાખીને કે ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબતનું એક કારણ આપણે પોતેજ છીએ.

જે લોકોએ આ આયતને એહલેબૈત (અ.મુ.સ.)ની શાનમાં નાઝીલ થએલી દર્શાવી છે:

લેખના અંતમાં એ જરૂરી સમજીએ છીએ કે એહલે સુન્નત હઝરાતના તે આલીમોનું વર્ણન કરવામાં આવે કે જેઓએ પોતાની કિતાબોમાં આયત ઉલીલ અમ્ર એહલેબૈતે ઈસ્મતો તહારતની શાનમાં નાઝીલ થઈ હોવાનું બયાન કર્યું છે. તે આલીમો અને તેઓની કિતાબોના નામો નીચે મુજબ છે:

  • ઈબ્ને હય્યાન અન્દલુસીએ પોતાની કિતાબ અલ બહરૂલ મોહીત, ભાગ-3, પાના નં. 278 ઉપર નોંધ્યું છે.
  • હાકીમ નેશાપુરીએ પોતાની તફસીરમાં નોંધ્યું છે. આ તફસીર જામેઉલ બયાન, ભાગ-5, પાના નં. 208 ના હાસીયામાં જુઓ.
  • મોહમ્મદ સાલેહ કશફી મુરતઝવીએ મનાકીબે અલ મુરતઝવી, પાના નં. 56 ઉપર લખ્યું છે.
  • કુન્દુઝી હનફીએ યનાબીઉલ મવદ્દતના પાના નં. 134 અને 137 ઉપર લખ્યું છે.
  • હાકીમ હસ્કાનીએ શવાહેદ્દુત તન્ઝીલ, ભાગ-1, પાના નં. 189, હદીસ નં. 202, 203 અને 204.
  • ફખ્રે રાઝીએ તફસીરે રાઝી, ભાગ-3. પાના નં. 357 ઉપર લખ્યું છે.
  • હમ્વીની (હમ્વીઈ) એ ફીરાએદુસ્સીમતૈન, ભાગ-1, પાના નં. 314.

ખુદાયા! જે વિલાયત તે અમોને અતા કરી છે તેને ઝીંદગીના આખરી શ્ર્વાસ સુધી અને મરવાના સમયે અને આલમે બરઝખના શરૂઆતી તબક્કાઓમાં એટલે કે મૌત પછી કબ્રમાં અને પછી બરઝખથી હશ્ર સુધી અને હશ્રથી હિસાબો કિતાબ, કવસર અને જન્નત સુધી સાથે સાથે રાખજે.

દુનિયામાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એહલેબૈત, ઉલીલ અમ્રની વિલાયત અને આખેરતમાં તે હઝરાતની શફાઅતથી વંચિત ન કરજે. ઈલાહી આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*