ઈમામની જરૂરત અને પસંદગી

વાંચવાનો સમય: 10 મિનિટ

અલ્લાહ સુબ્હાનહુ તઆલાના સંપૂર્ણ દીન ‘ઈસ્લામ’ની ઘણી બધી સ્પષ્ટ ખાસીયતો છે. તેમાંથી એક એ છે કે તે દુનિયાના તમામ આસ્માની અને ગૈરઆસ્માની મઝહબોમાં સર્વશ્રેષ્ઠ છે અને તે ખાસીયતમાં મઝહબે ઈસ્લામનું કોઈ ભાગીદાર નથી અને તે ખાસીયત ‘તૌહીદ’છે. પવિત્ર મઝહબ ઈસ્લામે તૌહીદનું જે ચિત્ર રજુ કર્યું છે તે બીજે કયાંય જોવા મળતું નથી. આ તૌહીદનું ચિત્ર એ કંઈ ફકત કાલ્પનીક નથી બલ્કે વાસ્તવિક છે. ઉસુલે દીનના તમામ ઉસુલો અને અકીદાઓમાં તૌહીદનું ચિત્ર સ્પષ્ટ અને રોશન છે.

1) તૌહીદ: એટલે કે એક ખુદા સિવાય બીજો કોઈ ખુદા નથી. ફકત અને ફકત તેજ ખુદા ઈબાદતને લાયક છે અને તેની ઝાત અને ઈબાદતમાં તેનો કોઈ ભાગીદાર નથી.

2) અદ્લ: તે પોતાના અદ્લ અને ઈન્સાફ અને બીજી તમામ સિફતોમાં એક અને એક માત્ર છે. તેના જેવું બીજું કોઈ નથી.

3) નુબુવ્વત: ખુદાવંદે મોતઆલની શરીઅત ફકત નુબુવ્વત વડે લોકો સુધી પહોંચે છે. તેમજ નબીની નિમણુંક ફકત ખુદાજ કરે છે. શરીઅત નુબુવ્વતમાં ઘેરાયેલી છે.

4) ઈમામત: અનુસરણ, વિલાયત અને રેહબરી ફકત તેઓથી જ મખ્સુસ છે જેમને ખુદાએ નિયુકત કર્યા છે. તે સિવાય બીજા કોઈનું અનુસરણ, ઈમામત અને રેહબરી કબુલ કરવાને પાત્ર નથી.

5) કયામત: દરેકનો અંજામ એક છે. અહિંયા કામ્યાબીનું માપદંડ ખુલુસ અને ઈખ્લાસ છે.

હવે અગર કોઈ ખુદાવંદે આલમે મોકલેલા નબી અને અલ્લાહ તઆલાએ પસંદ કરેલા ઈમામ સિવાય બીજા કોઈની શરીઅતની પાબંદી કરે અને તેનું અનુસરણ કરે તો તે ખુદા સિવાય બીજા કોઈને તેના હક્કમાં શરીક કરી રહ્યો છે એટલે કે તે એમ માને છે કે ખુદા સિવાય બીજા કોઈને પણ એ હક્ક પ્રાપ્ત છે કે તે નબી અને ઈમામ નિયુકત કરી શકે ભલે પછી તે અમૂક લોકો હોય અથવા તો એક સમગ્ર ઉમ્મત. ખુદાવંદે આલમે બનાવેલા નબી સિવાય બીજા કોઈની નુબુવ્વતનો અકીદો ધરાવવો તથા અલ્લાહે નિયુકત કરેલા ઈમામ સિવાય બીજા કોઈનું અનુસરણ કરવું એ બીજાઓને ખુદામાં શરીક કરવા જેવું છે.

ઈમામતનો અર્થ:

ઈમામતનો વિષય શરૂઆતથી જ ચચર્મિાં રહ્યો છે. વાત આગળ વધારવા પહેલા એ અરજ કરી દેવું જરૂરી છે કે ઈમામતનો શું અર્થ થાય. સાથે સાથે એ વાત પણ બયાન કરવી છે કે કોઈ પણ વસ્તુનું પ્રમાણ નક્કી કરતા પહેલા તેનો અર્થ બયાન કરવામાં આવે છે અને તે બયાન કરેલા અર્થની રોશનીમાં તે પ્રમાણને શોધવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પ્રમાણ બયાન કરેલા અર્થ મુજબના હોય છે. પરંતુ કયારેક પહેલા પ્રમાણ નક્કી કરવામાં આવે છે અને પછી તે પ્રમાણ મુજબનો અર્થ બયાન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં માપદંડો બદલાય જાય છે કારણકે પ્રમાણ એકજ પ્રકારના માપદંડના હોતા નથી. આથી તેનો અર્થ પણ બદલાતો રહે છે.

અમૂક લોકોનું માનવું એમ છે કે ઈમામત એ એક દુન્યવી હોદ્દો અને સત્તા છે કે જેની જવાબદારી રાજ્યની સરહદોનું રક્ષણ કરવું, લોકોના કાર્યોની દેખરેખ રાખવી, શહેરોમાં અમ્ન અને સલામતીનું વાતાવરણ બરકરાર રાખવું, વિગેરે… છે. એટલે કે દુનિયાના બીજા રાજકીય સત્તાધીશોની જેમ એક આગેવાની અને રહેનુમાઈ છે કે જેની કાર્ય સીમા દુન્યવી કાર્યો પૂરતી સિમિત છે.

જ્યારે કે બીજા અમૂક લોકોએ ઈમામતનો અર્થમાં દુન્યવી સત્તાની સાથોસાથ દીની સત્તા અને આગેવાનીની પણ શરત રાખેલી છે. તેમાં ઉપરોકત કાર્યોની જવાબદારી ઉપરાંત દીનની તબ્લીગ અને તેનો પ્રચાર પણ શામેલ છે.

પરંતુ ઈમામતની હકીકત તે બન્ને વાતો અને બન્ને અર્થોથી અલગ જ છે. આ બન્ને વાતો ઈમામતની હકીકતનો માત્ર એક ભાગ છે. જ્યારે કે તે મૂળ હકીકત નથી. કારણકે ઉપરોકત બયાન કરેલા બન્ને કાર્યોને અંજામ આપવા માટે ન તો ઈસ્મત જરૂરી છે, ન તો ઈલાહી ઈલ્મનું હોવું જરૂરી છે. આ કામ તો દુનિયામાં થઈજ રહ્યું છે પછી ભલે તે સારી રીતે થઈ રહ્યું હોય કે ખરાબ રીતે. સત્તાધિશો તેઓના હેતુમાં કામ્યાબ થાય કે નાકામ.

જ્યારે કે ઈમામતમાં ઈસ્મત અને ઈલાહી ઈલ્મનું હોવું એ શર્ત છે. આટલી મોટી શર્ત અને આટલી મહાન સિફતની સામે શું આટલુ સામાન્ય કાર્ય? શું અક્કલ એ વાતને કબુલ કરે છે કે મદ્રેસાના એક સામાન્ય બાળકને અલીફ, બે શીખવવા માટે દુનિયાના સૌથી પહેલી હરોળના અને અજોડ મોઅલ્લીમની પસંદગી કરવામાં આવે. એક કામ કે જે સામાન્ય ઈન્સાનથી થઈ શકતું હોય તેની માટે શું શહેનશાહે અઅઝમની નિમણુંક કરવામાં આવે? શકય છે કે આ બધા અર્થોથી પણ ઉચ્ચ તે ઝમાનાની પરિસ્થિતિઓ હોય અને ઝાલીમ હાકીમોની જાસુસી હોય… એ વાત તદ્દન સ્પષ્ટ છે કે અગર ઈમામતમાં દુન્યવી સત્તા અને હુકુમત શામીલ છે. એટલે કે ઈમામ તેજ હશે કે જે હુકુમતનો પણ આગેવાન હોય. લોકો ઉપર તેની હુકુમત હોય એવી પરિસ્થિતિમાં ઘણા ખરા નબીઓની નુબુવ્વત અને રિસાલત તેમજ ઘણા ખરા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની ઈમામત સવાલ કરવા લાયક હશે. જ્યારે કે તે તમામ લોકોની નુબુવ્વત, રિસાલત અને ઈમામત એટલી હદે યકીની છે કે જેના ઉપર ઈમાન લાવ્યા વગર ઈન્સાન મુસલમાન નથી થઈ શકતો. તો હવે સવાલ એમ થાય કે ઈમામત શું છે? અને શા માટે તે જરૂરી છે?

નીચે ઈમામતની જરૂરીયાતની અત્યંત સ્પષ્ટ દલીલો રજુ કરવામાં આવી છે અને તે દલીલોથી એ સ્પષ્ટ અને સાબીત થઈ જાય છે કે ઈમામતની જરૂરીયાત હંમેશા બાકી રહેનારી છે. એટલે કે ઈમામત એ સતત રહેનુમાઈ કરનારો સિલસિલો છે કે જે કયામત સુધી બાકી રહેશે.

હિશામ બિન હકમની એક રિવાયત છે. એક ઝીન્દીક (દીનનો ઈન્કાર કરનારા)એ હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)ને પુછયું:

ઈમામતની જરૂરત:

આપે નબી અને રસુલને કેવી રીતે સાબીત કર્યા (એટલે કે કઈ દલીલના આધારે રસુલ અને નબીની જરૂરત છે)?

ઈમામ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:

‘જ્યારે એ નક્કી થઈ ચુકયું છે કે આપણો એક પૈદા કરનાર છે અને તે એક છે જેણે આપણને બનાવ્યા છે. તે આપણાથી અને તમામ મખ્લુકાતથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે. આ બનાવનાર ખાલીકે હકીમ છે અને બલંદ છે. લોકો તેને જોઈ શકતા નથી. ન તો તેને સ્પર્શી શકે છે. ન તો લોકો ખુદાની પાસે જઈ શકે છે ન તો તેની પાસે બેસી શકે છે કે જેના આધારે તેઓ એકબીજા પાસે દલીલ કાએમ કરે. તો જરૂરી છે કે તેની મખ્લુકાતમાં તેના પ્રતિનિધિઓ હોય જે તેની વાતો અને તેના હુકમો તેની મખ્લુકાત અને બંદાઓ સુધી પહોંચાડે અને તેઓને એ જણાવે કે કઈ વાતો તેઓ માટે ફાયદાકારક છે અને કઈ વાતોમાં તેઓ માટે મસ્લેહત છે, કઈ વસ્તુ તેઓની બકાનું કારણ છે અને કઈ વસ્તુને તર્ક કરવામાં તેઓની ફના અને નાબુદી છે.

આથી જરૂરી છે કે તે ખુદાવંદે હકીમ અને અલીમની તરફથી અમૂક લોકોની નિયુક્તિ કરવામાં આવે કે જે લોકોને હુકમ આપે,મનાઈ ફરમાવે અને ખુદાનો હુકમ પહોંચાડે. આ હઝરાત જ અંબિયા (અ.મુ.સ.) છે અને અલ્લાહની મખ્લુકાતમાં તેના પસંદ કરેલા બંદાઓ છે. તેઓ હકીમ છે અને હિકમત તથા અદબ ધરાવનારાઓ છે. તેઓને હિકમતની સાથે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હઝરાત શકલમાં તો લોકોની જેવાજ છે પરંતુ હકીકતમાં આ લોકો તદ્દન અલગ પ્રકારના છે. ખુદાવંદે હકીમ અને અલીમ તરફથી હિકમત વડે તેઓનું સમર્થન કરવામાં આવે છે. આ દલીલ સ્પષ્ટ કરે છે કે દરેક સમય અને ઝમાનામાં અંબિયા અને મુરસલીનનું હોવું જરૂરી છે કે જેથી ઝમીન હુજ્જતે ખુદાથી ખાલી ન રહે. દરેક ઝમાનામાં એક હુજ્જતનું હોવું જરૂરી છે કે જેની પાસે એવું ઈલ્મ હોય કે જે તેની સદાકત અને અદાલત ઉપર ગવાહ હોય.’

  • એક બીજી દલીલ:

એ વાત બયાન કરી ચુકયા છીએ કે અગર ઈમામ (અ.સ.) સમક્ષ કોઈ વાત બયાન કરવામાં આવે અને ઈમામ (અ.સ.) તેની તસ્દીક કરી દે તો તે વાત રિવાયતનો દરજ્જો ધરાવે છે. એવીજ રીતે તે વાત ભરોસાપાત્ર અને સનદ ધરાવનારી છે કે જે ઈમામ (અ.સ.) સમક્ષ અંજામ આપવામાં આવે અને ઈમામ (અ.સ.) તેનો વિરોધ ન કરે.

મન્સુર બિન હાઝીમની રિવાયત છે કે મેં હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી:

‘ખુદાવંદે આલમ તેનાથી કયાંય વધારે ઉચ્ચ અને બલંદ છે કે તે પોતાની મખ્લુકાત વડે ઓળખાય. બલ્કે મખ્લુકાત ખુદાવંદે આલમ વડે ઓળખાય છે.’

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: તમારું કહેવું વ્યાજબી અને યોગ્ય છે.

મેં અરજ કરી: જે એ મઅરેફત ધરાવે છે કે તેનો એક પરવરદિગાર છે તેણે એ પણ જાણી લેવું જોઈએ કે ખુદા માટે ખુશ્નુદી પણ છે અને નારાઝગી પણ છે. તેની ખુશ્નુદી અને નારાઝગી વહી અને રસુલ સિવાય બીજા કોઈ માધ્યમ વડે જાણી શકાતી નથી. તેણે રસુલની શોધ કરવી જોઈએ અને જ્યારે રસુલ સાથે મુલાકાત થઈ જાય તો તેણે જાણી લેવું જોઈએ કે તેજ હુજ્જતે ખુદા છે અને તેમનું અનુસરણ અને ફરમાંબરદારી લાઝીમ અને જરૂરી છે.

મેં લોકોને કહ્યું: શું તમે જાણો છો કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) મખ્લુકાત ઉપર ખુદાની તરફથી હુજ્જત હતા.

લોકોએ જવાબમાં કહ્યું: હા, ચોક્કસ.

મેં કહ્યું: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના આ દુનિયાથી ચાલ્યા જવા પછી મખ્લુકાત ઉપર ખુદાની હુજ્જત કોણ છે?

લોકોએ કહ્યું: કુરઆને કરીમ.

મેં કુરઆનને જોયુ તો એ દેખાણુ કે મુરજેઆ કદરી અને ઝીન્દીક… દરેક કુરઆનથી દલીલ રજુ કરે છે અને કામ્યાબ થઈ રહ્યા છે. મને યકીન થઈ ગયું કે કુરઆને કરીમ એ કોઈ સરપરસ્ત કે રક્ષણ કરનાર વગર હુજ્જત નથી. તે જે કુરઆને કરીમના બારામાં જણાવે તેજ હક્ક છે.

મેં લોકોને પુછયું: આ સમયે કુરઆને કરીમનું સરપરસ્ત અને રક્ષણ કરનાર કોણ છે?

લોકોએ કહ્યું: ઈબ્ને મસ્ઉદ કુરઆને કરીમના બારામાં જાણે છે, ઉમર પણ જાણે છે અને હુઝૈફા પણ જાણે છે.

મેં કહ્યું: શું તેઓ કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ ધરાવે છે?

લોકોએ કહ્યું: નહિ (તેઓ કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ તો ધરાવતા નથી).

લોકોએ કહ્યું: અમારી નઝરમાં તેઓમાંથી કોઈ એક પણ એવું નથી કે જેની પાસે કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ હોય સિવાય કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.).

જ્યારે કૌમમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો અને તેઓને પુછવામાં આવતું તો તેઓ કહેતા કે ‘અમને નથી ખબર’. જ્યારે બીજાને પુછવામાં આવતું તો તે પણ કહેતો ‘અમને નથી ખબર’પરંતુ જ્યારે તેમને (અલી અ.સ.ને) પુછવામાં આવતું તો તેઓ ફરમાવતા: હા, મને ખબર છે.

હું ગવાહી આપું છું કે કુરઆનના સરપરસ્ત અને રક્ષણ કરનારા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. તેમનું અનુસરણ વાજીબ છે અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની પછી તેઓજ ખુદા તરફથી લોકો ઉપર હુજ્જત છે. તે જે કંઈ કુરઆને કરીમના બારામાં બયાન ફરમાવે તેજ હક્ક છે.

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: અલ્લાહ તમારા ઉપર રહેમ કરે.

આ બન્ને રિવાયતો ઉપર ધ્યાન આપવાથી અમૂક બાબતો સ્પષ્ટ થઈ જાય છે.

1) ઈમામતનો અકીદો (હુજ્જતે ખુદા)ની ચર્ચા તે લોકોથી છે કે જેઓ ખુદાનો એકરાર કરે છે અને તેની વહદાનીય્યતને કબુલ કરે છે.

2) તે લોકો જેઓ ખુદામાં માન્યતા ધરાવતા નથી તેઓ સાથે રિસાલત અને ઈમામતની ચર્ચા કરવી બેકાર છે. જ્યારે તેઓ ખુદાને જ કબુલ કરતા નથી તો પછી ખુદાના પ્રતિનિધિઓને કબુલ કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી.

3) ખુદાવંદે આલમની ઝાત એવી છે કે જે લોકોની દરમ્યાન આવી શકતી નથી. લોકો કોઈ પણ પ્રકારે પોતાની આંખો વડે તેની જોઈ શકતા નથી.

4) લોકોની સુધારણા અને ફાયદો તથા નુકસાન અલ્લાહ સિવાય કોઈ બયાન કરી શકતું નથી. એટલે કે લોકોની કામ્યાબ ઝીંદગીના કાનૂનો બનાવવાનો હક્ક ફકત અને ફકત ખુદાવંદે આલમને જ પ્રાપ્ત છે.

5) જ્યારે ખુદા છે તો પછી ચોક્કસ અમૂક બાબતો એવી છે કે જે તેની ખુશ્નુદીનું કારણ બને છે અને અમૂક બાબતો એવી છે કે જે તેની નારાઝગીનું કારણ બને છે.

6) જ્યારે આપણે ખુદાના વુજુદમાં યકીન ધરાવીએ છીએ અને તેની નેઅમતોથી ફાયદો ઉઠાવીએ છીએ તો પછી આપણી જવાબદારી છે કે હંમેશા તે બાબતો ઉપર અમલ કરીએ કે જે ખુદાની ખુશ્નુદીનું કારણ બને અને તે બાબતોથી પરહેઝ કરીએ કે જે તેની નારાઝગીનું કારણ બને છે.

7) ખુદાવંદે આલમ પોતાની અસિમીત અઝમતોના આધારે મખ્લુકાતની દરમ્યાન આવતો નથી.

8) જરૂરી છે કે તેના તરફથી પ્રતિનિધિઓ આવે કે જે લોકો સુધી તેનો પૈગામ પહોંચાડે.

9) આજ પ્રતિનિધિઓ હુજ્જતે ખુદા છે કે જેનું દરેક ઝમાનામાં હોવું જરૂરી છે.

10) બીજી હદીસમાં આજ હકીકતને રજુ કરવામાં આવી છે કે કુરઆને કરીમ ફકત એકલી હુજ્જત નથી. દરેક વ્યક્તિ પોતાનો અકીદો અને પોતાની વાત કુરઆનથી સાબિત કરે છે.

11) જે લોકો કુરઆનના ઈલ્મનો દાવો કરે છે તેમાંથી કોઈ એક પણ આખા કુરઆનથી સંપૂર્ણ રીતે માહિતગાર નથી.

12) કુરઆને કરીમ માટે એક સરપરસ્ત અને રક્ષણ કરનારની જરૂરત છે કે જે કુરઆને કરીમથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય અને કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ ધરાવતો હોય. જેથી કુરઆને કરીમના અર્થોને બયાન કરી શકે.

13) આ બધી સિફતો ધરાવનાર ફકત એક જ ઝાત છે. જેનું નામ છે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે.

14) બસ ફકત તેઓજ હુજ્જતે ખુદા છે.

15) તેમનું અનુસરણ અને ઈતાઅત દરેક ઉપર લાઝીમ અને જરૂરી છે.

આ વાતોની રોશનીમાં એ વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે દરેક ઝમાનામાં એક એવા શખ્સનું અસ્તિત્વ હોવું જરૂરી છે.

અ) કે જે લોકોને તે તમામ ચીઝોથી માહિતગાર કરી શકે કે જે તેઓ માટે ફાયદાકારક અને નુકસાનરૂપ છે.

બ) તે બાબતોની સ્પષ્ટતા કરે કે જેનાથી ખુદાની ખુશ્નુદી પ્રાપ્ત થાય છે અને જેનાથી ખુદા નારાઝ થાય છે.

ક) તે કુરઆને કરીમના વાસ્તવિક અર્થોને બયાન કરી શકે.

ડ) જેથી લોકો ખુદાની ઈબાદત કરી શકે અને એવી રીતે ઈબાદત કરી શકે કે જે સંપૂર્ણ રીતે ખુદાની મરજી મુજબની હોય અને પોતાની ખિલ્કતનો મકસદ પૂર્ણ કરી શકે.

ઈ) જેથી લોકો દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત અને કામ્યાબ ઝીંદગી પસાર કરી શકે.

ઉપરોકત તમામ વાતોને ધ્યાનમાં રાખીને તમામ અક્કલ ધરાવનારાઓથી એ સવાલ કરીએ છીએ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પછી તે કોણ શખ્સ છે કે જેનામાં આ તમામ ખાસીયતો જોવા મળતી હોય? અને તે કોણ છે કે જે તે તમામ જરૂરતોને બિલ્કુલ સારી રીતે પૂર્ણ કરી શકતું હોય.

શું ઈતિહાસના પાનાઓમાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સિવાય કોઈ બીજું જોવા મળે છે કે જેની ઝાતમાં આ તમામ ખાસીયતો પોતાની કમાલની મંઝીલ સુધી જોવા મળતી હોય.

તે શખ્સ જે લોકો સમક્ષ ખુદાના હુકમો બયાન કરે અને તેઓને ખુદાની ખુશ્નુદી અને નારાઝગીથી આગાહ કરે અને જેની પાસે કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ હોય.

શું આખી દુનિયાના તમામ લોકો બલ્કે દુનિયાના તમામ વિધ્વાનો મળીને એક એવા વ્યક્તિની પસંદગી કરી શકે છે કે જેનામાં આ બધી ખાસીયતો જોવા મળતી હોય?

આ પ્રકારની પસંદગી લોકોના હાથની વાત નથી.

કારણકે,

દુનિયાના તમામ વિધ્વાનો અને અક્કલ ધરાવનારાઓની પહોંચ ઈન્સાનના જાહેરી સ્વરૂપ સુધી જ હોય છે અને એક મયર્દિા સુધી તેઓ તેના બાતીનને ઓળખી શકે છે. જ્યારે કે આ ખાસીયતોનો સંબંધ ઈન્સાનના બાતીન સાથે છે અને તે પણ એવી જાણકારીઓ કે જેમાં કયારેય પણ કોઈ પણ પ્રકારની ભુલ કે ખતાનો અવકાશ ન હોય.

આ પસંદગી ફકત અને ફકત ખુદા વડે જ શકય છે. તેમાં કોઈ એકની પણ દખલ નથી.

આથી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પછી તેમના જાનશીન, હુજ્જતે ખુદા અને પ્રતિનિધિ ફકત તેજ હશે કે જેની નિમણુંક ખુદાવંદે મોતઆલે કરી હોય.

જ્યારે આપણે ઈમામતના અર્થમાં સરહદોનું રક્ષણ અને સામાન્ય લોકોની કામ્યાબીના કાર્યોની વાત કરશું તો તે વ્યક્તિની નિમણુંક કરશું કે જે આ જવાબદારીને અદા કરી શકે. પરંતુ ઈમામત તો કુરઆને કરીમની તફસીર વડે, શરીઅતના બયાનો વડે હુકમોનું બયાન કરવું છે અને ઉમ્મતમાંથી ઈખ્તેલાફને દૂર કરવું છે. આથી તેના માટે એક એવા વ્યક્તિની જરૂરત પડશે કે જે શરીઅતના તમામ હુકમોથી સામાન્ય રીતે અને બારીકાઈથી સંપૂર્ણપણે માહિતગાર હોય અને કુરઆને કરીમના તમામ ઈલ્મો અને મઆરીફ તેની સામે હોય. તે શરીઅતની દરેક બારીકાઈને ખૂબજ સારી રીતે જાણતો હોય અને ઈખ્તેલાફને દૂર કરવા માટે દરેક મસઅલાની ઉંડાઈ સુધી દિર્ઘદ્રષ્ટિ ધરાવતો હોય. આવા વ્યક્તિની પસંદગીનો રસ્તો કંઈક અલગ જ હશે.

સામાન્ય લોકો આ બીજી પરિસ્થિતિને શા માટે કબુલ કરતા નથી?

તેનું કારણ એ છે કે અગર લોકો આ બીજી પરિસ્થિતિને કબુલ કરી લે તો પછી રાજાની પસંદગીમાં તેઓનો રોલ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. કારણકે આ ખાસીયતો ધરાવનાર વ્યક્તિની પસંદગી ઈન્સાનોના હાથની વાત નથી. આ ઉપરાંત બીજું મહત્ત્વનું કારણ એ છે કે જે કદાચ મૂળ કારણ પણ હોય. તે એ છે કે તે તમામ કે જેને લોકોએ પસંદ કર્યા છે તેઓમાંથી કોઈ એકમાં પણ આ બધી ખાસીયતો જોવા મળતી નથી. પરિણામ સ્વરૂપ તે તમામ લોકોથી ઉમ્મતે હાથ ઉંચા કરી લેવા પડે અને દૂર થઈ જવું પડે કે જેને વર્ષોથી દિલોમાં માન અને એહતેરામ આપીને સજાવીને રાખ્યા છે. તેઓને દિલોમાંથી કેવી રીતે કાઢી નાખે. આવીજ પરિસ્થિતિ તૌહીદના રસ્તામાં પણ લોકો સમક્ષ ઉભી થઈ હતી કે જેઓ એક મુદ્દતો સુધી અને પેઢી દર પેઢી ખુદા સિવાય બીજાઓને પોતાના દિલમાં સજાવીને બેઠા હતા અને જ્યારે તેઓને તૌહીદ તરફ દઅવત આપવામાં આવી તો તેઓ કહેવા લાગ્યા કે:

‘અમે અમારા બાપદાદાઓને આજ રસ્તા ઉપર જોયા છે અને અમે તેઓના રસ્તા ઉપર જ ચાલીએ છીએ.’

અગર ઈન્સાન થોડુંક પણ અક્કલ અને ઈન્સાફથી કામ લ્યે તો અને ઈમામતની વાસ્તવિક જરૂરીયાતથી આગાહ થઈ જાય તો પછી તે એહલેબૈત (અ.મુ.સ.) સિવાય બીજા કોઈની ઈમામતમાં માન્યતા નહિ ધરાવે.

ઈબાદત અને મઅરેફતનું પ્રકરણ:

ખુદાવંદે આલમે ઈન્સાનોને પોતાની મઅરેફત અને ઈબાદત માટે પૈદા કર્યા છે. આજ મઅરેફત અને ઈબાદત ઈન્સાનનો કમાલ છે. ભૌતિકવાદ અને જેહાલતમાં ઘેરાએલો ઈન્સાન ખુદ પોતાની રીતે ખુદાવંદે આલમની મઅરેફત અને ઈબાદત હાંસીલ કરી શકતો નથી. અગર ખુદ પોતાની રીતે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરે તો કયાંક બીજે પહોંચી જશે પરંતુ હકીકી ખુદા સુધી નહિ પહોંચી શકે. આ તે હકીકત છે કે જે આ સમયે આપણી નજરોની સામે છે. તેના માટે કોઈ ખાસ દલીલ બયાન કરવાની જરૂરત રહેતી નથી.

ખુદાવંદે આલમે ઈન્સાનની આ કમઝોરી અને નબળાઈને ધ્યાનમાં રાખીને અંબીયા અને રસુલોને મોકલ્યા કે જેથી તેઓ ઈન્સાનોને વાસ્તવિક ખુદાની મઅરેફત અતા કરે અને તેઓને ખુદાની ઈબાદતનો તરીકો શીખવાડે. બધાજ અંબીયા અને રસુલો (અ.મુ.સ.)એ ઈન્સાનોનું કાયદેસર રીતે ખુદાની મઅરેફત અને ઈબાદત તરફ માર્ગદર્શન કર્યું.

હવે સવાલ એ થાય છે કે શું આ જરૂરીયાત રસુલે ખુદા (સ.અ.વ.)ની રેહલત પછી ખત્મ થઈ ગઈ? અથવા તો કયામત સુધી તે જરૂરીયાત બાકી છે??

અગર આ જરૂરીયાત ખત્મ થઈ ગઈ અને દીન સંપૂર્ણ થઈ ચુકયો હતો તો પછી લોકોએ રસુલે ખુદા (સ.અ.વ.)ની રેહલત પછી તરતજ તેમને દફન કરવા પહેલા તેમના જાનશીનને પસંદ કરવાની કોશિશ શા માટે કરી?

આ તરત જ કોશિશ કરવી અને એક સુનિયોજીત કાવત્રા હેઠળ કોશિશ કરવી એ બતાવે છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની રેહલત પછી રિસાલત તો ખત્મ થઈ ગઈ હતી પરંતુ મઅરેફત અને ઈબાદતના રસ્તામાં માર્ગદર્શનની જરૂરીયાત બાકી હતી.

સવાલ: હવે આ જરૂરીયાતને કોણ પૂર્ણ કરી શકે?

જવાબ: બસ તેજ આ જરૂરીયાતને પૂર્ણ કરી શકે છે જે ખુદાવંદે આલમની ભરપૂર મઅરેફત ધરાવતો હોય અને ઈબાદતના તમામ તરીકાઓ અને ઈબાદતના દરજ્જાઓમાંથી નાનામાં નાના દરજ્જાથી લઈ અને સર્વશ્રેષ્ઠ દરજ્જાઓથી ન ફકત માહિતગાર હોય બલ્કે તે તમામ દરજ્જાઓને પામી ચુકેલ હોય.

આ વાત સંપૂર્ણ યકીન સાથે કહી શકાય છે અને તેમાં બિલ્કુલ શંકાને સ્થાન નથી કે એહલેબૈત (અ.મુ.સ.) સિવાય કોઈ આ જરૂરીયાતને પૂર્ણ કરી શકતું નથી. તે હસ્તીઓમાંથી પ્રથમ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને આખરી હઝરત હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.) છે. જેઓ આ સમયે જીવંત છે અને તેઓ જ ખુદા અને મખ્લુકની દરમ્યાનનો સંબંધ, વાસ્તો અને તેની હુજ્જત છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*