કિતાબનો સાર:
આ કિતાબના સારમાં લેખક કહે છે કે કેવી રીતે સૈફ બીન ઉમરના ઘડી કાઢેલા કિસ્સાએ ઈસ્લામી ઈતિહાસમાં જગ્યા મેળવી. પછી લખે છે કે મેં આ કાલ્પનીક વાર્તા અને ઘડી કાઢેલા પાત્રને શોધવાની કોશિશ કરી જે તારીખે ઈસ્લામની કિતાબોમાં મૌજુદ છે. ખાસ કરીને જે મુસ્તશરેકીનની કિતાબોનું મહત્ત્વનું માધ્યમ છે. ઉંડા અને ઝીણવટભર્યા અભ્યાસ પછી હું સંતુષ્ટ થયો કે અમુક ખાસ મકસદો માટે આ પાત્ર ઘડવામાં આવ્યું છે. આ વાર્તાઓ અને નકલી પાત્રનો સ્ત્રોત સૈફ બીન ઉમર છે. જેને ભરોસાપાત્ર રાવી ગણવામાં આવતો નથી. ન ફકત પોતાના લખાણના સંદર્ભે ઘડી કઢાએલુ છે. બલ્કે સનદના સિલસિલામાં પણ ખોટા રાવીઓની મૌજુદગીથી પણ તે ઘડી કઢાયેલુ છે. સૈફે આ પાત્રને ઘડવાનું કાર્ય તે લોકોને રાજી કરવા માટે કર્યું કે જેઓ હકીકતને ઢાંકવા માંગતા હતા અને ઈતિહાસને તેની સાચી હકીકતોની વિરૂધ્ધ રજુ કરવા માંગતા હતા. તે ઉપરાંત પ્રારંભીક ઈસ્લામના રાજાઓ, હાકીમો, કમાંડરો અને વગદાર લોકો પણ તેમાં શામીલ હતા. જે કંઈ તેમના માટે અયોગ્ય બાબતો હતી, તે બધા ઉપર સૈફની આ વાર્તાઓએ તે બધા ઐબ ઉપર અલગ-અલગ બહાનાઓ વડે પર્દો નાખી દીધો અને તેના દ્વારા તેઓને ટીકા અને ખંડનના હુમલાઓથી બચાવી લીધા.
સૈફ બીન ઉમરની વાર્તાઓની હકીકતના વિગતવાર અભ્યાસ માટે વાંચકો આ કિતાબ તરફ રજુ થઈ શકે છે.
અબ્દુલ્લાહ બીન સબા શીઆઓના ઈતિહાસમાં:
સફળ પૃથ્થકરણ અને સૈફ બીન ઉમરની જુઠ્ઠી રિવાયતો રદ કર્યા પછી આવો ટૂંકમાં આપણે જોઈએ કે શીઆ મઝહબમાં અબ્દુલ્લાહ બીન સબા વિષે રિવાયતો શું કહે છે. આ રિવાયતો વધુ કરીને અલ કશીની કિતાબ અર-રેજાલમાંથી લેવામાં આવી છે. પરંતુ અહીં પણ લેખકે તે રિવાયતોનું વર્ણન કર્યું છે જે અબ્દુલ્લાહ બીન સબાની ટીકા કરે છે. ઈબ્ને શોઅબા અલ હરરાનીની કિતાબ તોહફુલ ઓકુલના પા. 118 ના હાંશીયામાં લખવામાં આવ્યું છે કે અબ્દુલ્લાહ બિન સબા મુરતદ થઈ ગયો હતો અને ગુલુવ (અતિશ્યોક્તિ) કરનાર હતો. આજ હાંશીયામાં વધુમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી વર્ણવવામાં આવ્યું છે કે ‘અબ્દુલ્લાહ બીન સબા નબુવ્વતનો (જુઠ્ઠો) દાવેદાર હતો અને તેનું માનવું હતું કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અલ્લાહ છે.
(تَعَالَی اللّٰہُ عَمَّایُشْرِکُوْنَ) આ વાત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સુધી પહોંચી. આપે તેને બોલાવી તે બાબતે પૂછયું. પરંતુ તે પોતાના દાવા પર મક્કમ રહેતા કહેવા લાગ્યો કે તમે જ (અલ્લાહ) છો અને મારા ઉપર વહી નાઝીલ થઈ છે કે તમે અલ્લાહ છો અને હું નબી છું. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું:
‘વાય થાય તારા ઉપર! શૈતાને તારો મજાક બનાવી દીધો છે. તે જે કહ્યું છે તેના ઉપર તૌબા કર. તારી માઁ તારા ગમમાં માતમ કરે. તૌબા કર (પોતાના દાવાથી).’
પરંતુ તેણે ઈન્કાર કર્યો. તો આપે તેને કૈદ કર્યો અને ત્રણ દિવસ સુધી તેને તૌબા કરવાની મોહલત આપી, પરંતુ તેણે તૌબા ન કરી તો તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો.
શૈખે સદુક (ર.અ.) એ પોતાની કિતાબ ખેસાલ, ભાગ-2, પા. 629 ઉપર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના તેમના અસ્હાબ માટેના હુકમોને વર્ણન કર્યા છે. તેના હાંશીયામાં તેઓ વર્ણવે છે કે ‘અબ્દુલ્લાહ બીન સબા વિષે કહેવાય છે કે અલ કશીએ તેમની ટીકા અને નિંદામાં રિવાયતો વર્ણવી છે અને તેમના સમકાલીન લોકોએ તેના અસ્તિત્વનો મૂળમાંથી એમ કહી ઈન્કાર કર્યો કે તે એક બનાવટી પાત્ર છે કે જેને સૈફ બીન ઉમરે ઘડી કાઢયુ છે.’
આ બધી હકીકતો રજુ કર્યા પછી આપણે કહી શકીએ છીએ કે ઈતિહાસકારો દ્વારા અબ્દુલ્લાહ બીન સબાને શીઆ મઝહબના સ્થાપક દર્શાવવાનું મુળભુત કારણ એ સામે આવે છે કે શીઆઓ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના પિતરાઈ ભાઈ અને તેમના જમાઈ હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) સિવાય કોઈને રસુલે ખુદા (સ.અ.વ.)ના સાચા જાનશીન નથી માનતા અને તેઓએ ઉસ્માનને ખલીફા તરીકે કબુલ કરવાનો ઈન્કાર કર્યો હતો. શીઆઓનો આ અકીદો તેમનો જાતે બનાવેલો નથી, બલ્કે તે કુરઆન અને તે મોઅતબર હદીસો જે સર્વાનુમતે તમામ મુસલમાનો સ્વિકારે છે તેના આધારે સાબીત અને સ્પષ્ટ છે. ખાસ કરીને 10 મી હીજરીમાં પોતાની અંતિમ હજથી પાછા ફરતી વેળા ગદીરે ખુમમાં હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) એ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને મૌલા અને જાનશીન નિયુક્ત કર્યા હતા. આથી શીઆઓને કોઈ ઘડી કાઢેલી રિવાયત ઉપર આધાર રાખવાની જરૂરત રહેતી નથી.
ખરેખર અફસોસ છે! કેવી રીતે ઈતિહાસકારોએ આવા ઘડી કાઢેલા પૂરાવાઓ વર્ણવતી વખતે પોતાની આંખો પર પટ્ટી બાંધી રાખી હતી અને તેમાં રસુલે ખુદા (સ.અ.વ.) અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પણ શામીલ કરી દીધા. ઈતિહાસકારોની તે જવાબદારી છે કે તેઓ ઈતિહાસને એવી રીતે વર્ણવે જે રીતે તે ખરેખર બન્યો છે. ઈતિહાસ લખવામાં કોઈ ખાસ અકીદા અથવા કોઈ ખાસ મકસદની અસર ન હોવી જોઈએ. એવું લાગે છે કે અબ્દુલ્લાહ બીન સબાને શીઆ મઝહબના સ્થાપક જાહેર કરતી વખતે અમૂક પાયાના સિધ્ધાંતોને અવગણવામાં આવ્યા હતા. કમનસીબે મુસલમાનોએ આ સમયમાં શીઆઓ ઉપર હુમલા કરવા માટે સરળ રસ્તાઓ શોધી કાઢયા છે અને અબ્દુલ્લાહ ઈબ્ને સબા તેમાંથી એક છે. આ લેખ વડે અમે તે ખોટા દાવાને રદ કર્યો છે. સાચી અને કડવી હકીકતો જાણવા માટે કોઈ પણ વ્યક્તિ ઈતિહાસનું અવલોકન કરી શકે છે પરંતુ કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના.
અંતમાં આપણે અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરીએ કે તે અમીરૂલ મોઅમેનીનની વિલાયતના સાચા વારસદાર, આપણા મૌલા હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.)ના ઝુહુરમાં જલ્દી કરે જેથી દરેક વ્યક્તિ તે જાણી લે કે
مَن اَصْحَابُ الصِّرَاطِ السَّوِیِّ وَ مَنِ اھْتَدٰی
“સીધા રસ્તાવાળા કોણ છે અને કોણ હિદાયત પામેલા છે?”
(સુરએ તાહા, આ. 135)
Be the first to comment