શીઆ વિરોધી આક્ષેપોમાંથી શીઆઓને કાફીર અને ઈસ્લામમાંથી બહાર જણાવવા ઉપરાંત એક આક્ષેપ એ પણ છે કે ઈસ્લામી ઈતિહાસમાં આ અકીદો ફેલાવનાર અબ્દુલ્લાહ ઈબ્ને સબા હતો. અબ્દુલ્લાહ ઈબ્ને સબા કોણ છે? ઈસ્લામી ઈતિહાસમાં તેનું શું સ્થાન છે? તેની માન્યતાઓ શું છે? તેના વિષે શીઆઓ અને સુન્નીઓના પ્રખ્યાત ઈતિહાસકારો અને આલીમોના શું મંતવ્યો છે? શું હકીકતમાં શીઆઓ તેનું અનુસરણ કરે છે અને તેને માન આપે છે?
આ ટુંકા લેખમાં આપણે તે બધા સવાલોના જવાબો આપવાનો પ્રયત્ન કરીશું. ભુતકાળમાં પણ ઘણા બધા લેખો, નિબંધો અને કિતાબો તે બાબતે લખવામાં આવી છે. તે બધી કિતાબોનું આ લેખમાં વર્ણન કરવું શકય નથી. તેથી અમે ફકત અલ્લામા સૈયદ મુર્તુઝા અસ્કરી (ર.અ.)ની કિતાબ ‘અબ્દુલ્લાહ ઈબ્ને સબા ઔર દીગર ખોરાફાત’ માંથી અમુક સંદર્ભોનું અહીં વર્ણન કરીશું. આ કિતાબનો અંગ્રેજી અનુવાદ એમ.જી. મુકદ્દસ સાહેબે કર્યો છે અને વોફીસે તેને પ્રકાશિત પણ કરી છે.
આ કિતાબમાં:
સદીઓથી મુસલમાનોએ પોતાની ઈતિહાસની કિતાબો સાથે ઈન્જીલ જેવો વર્તાવ કર્યો છે. ઈ.સ. 1955 માં અલ્લામા સૈયદ મુર્તુઝા અસ્કરી એ પોતાની કિતાબ ‘અબ્દુલ્લાહ ઈબ્ને સબા ઔર દીગર ખોરાફાત’માં સ્પષ્ટ કર્યું છે કે મુસલમાનોની ઈતિહાસની કિતાબોમાં શીઆઓ વિરૂધ્ધ ઘણી બધી ખોટી અને ઘડી કાઢેલી અને કાલ્પનિક વાર્તાઓ જોવા મળે છે અને શીઆઓ ઉપર અબ્દુલ્લાહ ઈબ્ને સબાના માનનારાઓ અને અનુસરણ કરનારા હોવાનો આક્ષેપ પાયાવિહોણો છે. લેખકે ખુબજ સુનિયોજીત રીતે ઐતિહાસિક કિતાબોમાંથી અને તેને સંબંધિત પ્રસંગોનું અવલોકન કરીને તે પુરવાર કર્યું છે કે અબ્દુલ્લાહ ઈબ્ને સબા સૈફ ઈબ્ને ઉમરનું ઘડી કાઢેલુ એક બનાવટી પાત્ર છે કે જેને તેણે શીઆ મઝહબના સ્થાપક તરીકે રજુ કર્યો છે.
લેખકે કિતાબની શરૂઆત આ બન્ને એટલે કે અફસાના એ સબાઈયા (અબ્દુલ્લાહ ઈબ્ને સબાના અનુસરણ કરનારાઓ) અને તેના સર્જક સૈફ બિન ઉમરના સ્પષ્ટીકરણથી કરી છે. સૈફ બિન ઉમર બીજી સદી હિજરીમાં એક વાર્તાકાર હતો અને તેણે ઈસ્લામનો બિન-તાર્કિક ઈતિહાસ લખ્યો છે. તદ્ઉપરાંત લેખકે તે રિવાયતો અને સંશોધકો ઉપર પ્રકાશ ફેંકયો છે કે જેમણે પોતાના સૈધ્ધાંતિક અને ઐતિહાસિક સંશોધનોમાં તેના ઉપર ભરોસો કર્યો છે અને ઈસ્લામના બુઝુર્ગ આલીમોના મંતવ્યો રજુ કર્યા છે કે સૈફ બિન ઉમર એક બિન ભરોસાપાત્ર અને સનદ વગરનો શખ્સ છે.
સૈફ બિન ઉમર કોણ હતો?
સૈફ બિન અલ તમીમી બીજી સદી હિજરીમાં હતો (આઠમી સદી ઈસવી) અને તેનું મૃત્યુ હી.સ. 170 (ઈ.સ. 750)માં થયું હતું.
તેણે બે કિતાબો લખી છે ‘અલ ફોતુહુલ કબીર વરરદ્દતુન’. આ કિતાબમાં રસુલે અકરમ (સ.અ.વ.)ની શહાદત પહેલાથી લઈને ઉસ્માન બિન અફફાનના ખલીફા બનવાના સમયગાળા સુધીનો ઈતિહાસ છે.
‘અલ જમલ વ મસીરો આએશાત વ અલી’ આ કિતાબમાં ઉસ્માનના કત્લ અને જંગે જમલના સમય સુધીનું વર્ણન છે.
આ બન્ને કિતાબોમાં વાસ્તવિકતા અને તથ્યથી વધારે વાર્તાઓ, અમુક મનઘડત પ્રસંગોની સાથે સાથે અમુક સત્ય ઘટનાઓ કે જે જાણીને હાંસી ઉડાવવા માટે નોંધવામાં આવી છે તેના ઉપર આધારિત છે. કારણ કે સૈફએ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓનું વર્ણન કર્યું છે અને અમુક પાત્રોને ઘડી કાઢયા છે તેથી તેની વર્ણવાયેલ વાર્તાઓએ ઈસ્લામના પ્રારંભિક કાળ ઉપર ઘણી અસર કરી છે.
સૈફના જીવન ઉપર અભ્યાસ કરવાથી જણાય છે કે સૈફ એક ભૌતિકવાદી અને બિન ભરોસાપાત્ર વાર્તાકાર હતો. તેના કિસ્સાઓ શંકાસ્પદ અને સંપૂર્ણપણે અથવા આંશિકરૂપે ઘડી કાઢેલા હતા, તેની અમુક ઘડી કાઢેલી રિવાયતો નીચે મુજબ છે.
લશ્કરે ઓસામા:
હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ શામ માટે એક સૈન્યની રચના કરી, તેનો કમાંડર ઓસામા હતો. સૈન્યની અંતિમ હરોળ મદીનાની હદની બહાર જવા પહેલા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની વફાત થઈ ગઈ. ઓસામાએ ખલીફાએ રસુલ અબુબકરની મંજુરી મેળવવા માટે ઉમરને પરત મોકલ્યા. ઉમર અન્સારોમાંથી અમુકના પત્રો પણ સાથે લાવ્યા હતા જેમાં ઓસામાને ફૌજના કમાંડર પદેથી હટાવવાનો પ્રસ્તાવ હતો. જ્યારે અબુબકરે આ સાંભળ્યું તો તેણે કહ્યું: ‘હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઓસામાને કમાંડર બનાવ્યો છે; હું તેને બદલીશ નહિ.’ તેણે તરતજ સૈન્યને રવાના થવાનો હુકમ આપતા કહ્યું કે: ‘અલ્લાહ તમને કત્લ અને તાવુન (રોગ)થી નાશ થવાથી બચાવે.’ બીજા ઈતિહાસકારોએ આ પ્રસંગને અલગ-અલગ રીતે લખ્યો છે.
સૈફે સકીફા વિષે સાત વાર્તાઓ વર્ણવી છે, તે કિસ્સાઓમાં રસુલ (સ.અ.વ.)ના સહાબીઓમાંથી 3 હિરો છે. આ ત્રણેય નામ સૈફના કિસ્સા સિવાય બીજે કયાંય જોવા મળતા નથી. આ લાક્ષણીકતાઓ વિચારવા માટે ફરજ પાડે છે અને આ પ્રસંગોની સત્યતાને શંકાસ્પદ બનાવે છે. જ્યારે એહલે સુન્નતની ભરોસાપાત્ર કિતાબોનું અવલોકન કરવામાં આવે તો સૈફનો પ્રસંગ વર્ણવવામાં પ્રસંગ જુઠ્ઠો હોવાનું સ્પષ્ટપણે જાહેર થઈ જાય છે.
અબ્દુલ્લાહ બિન સબા કોણ હતો?
અબ્દુલ્લાહ બિન સબા સંબંધે વિવિધ મંતવ્યો છે, ઈતિહાસકારોની નજરમાં સૌથી પ્રખ્યાત મંતવ્ય એ છે કે અબ્દુલ્લાહ ઈબ્ને સબાએ સૈફ બિન ઉમર દ્વારા ઘડાયેલું એક કાલ્પનીક પાત્ર છે. જે ઈતિહાસકારોએ તબરીથી નોંધ કરી છે તેઓના પ્રમાણે અબ્દુલ્લાહ બિન સબા એક યહુદી હતો જે યમન શહેર સનઆથી સંબંધ ધરાવતો હતો. જેણે ઉસ્માન બિન અફફાનના સમયમાં જાહેરી રીતે ઈસ્લામનો સ્વિકાર કર્યો હતો અને તેણે ઈસ્લામ તથા મુસલમાનો વિરૂધ્ધ કાવત્રાઓ ઘડયા. તેણે કુફા, બસરા, દમીશ્ક અને મિસ્ર જેવા મોટા શહેરોની મુસાફરી કરી અને પોતાના અકીદાનો પ્રચાર કર્યો. જેમાં તેણે હઝરત ઈસા (અ.સ.)ની રજઅતની જેમ રસુલે અકરમ (સ.અ.વ.)ની રજઅતના અકીદાને રજુ કર્યો.
તેણે વિસાયતના અકીદાની તબ્લીગ કરી અને તેણે એવો દાવો કર્યો હતો કે હઝરત અલી (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સાચા જાનશીન છે અને ઉસ્માન બિન અફફાન ઉપર ખિલાફતને ગસબ કરવાનો આક્ષેપ મુકયો. તેણે લોકોને ઉસ્માનના કત્લ માટે ઉશ્કેર્યા અને પછી ઉસ્માનને કત્લ કરી નાખવામાં આવ્યો. ઈતિહાસકારોએ એમ પણ લખ્યું છે કે તેણે સહીહ ઈસ્લામના પ્રચારના નામે પોતાના પ્રચારકોને વિવિધ શહેરોમાં મોકલ્યા હતા. જેમાં તેણે અમ્ર બિલ માઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર ઉપર ભાર મુકયો અને લોકોને ઉશ્કેર્યા કે તેઓ પોતાના હાકીમની વિરૂધ્ધ બળવો કરે ત્યાં સુધી કે તેને કત્લ કરી નાખે. જે સહાબીઓને અબ્દુલ્લાહ બિન સબાનું અનુસરણ કરનારા દર્શાવવામાં આવ્યા છે તેમાં જ અબુઝરે ગફફારી અને જ. માલિકે અશ્તર જેવા મહાન સહાબીઓના નામો પણ છે.
ઐતિહાસિક સ્ત્રોતો:
અબ્દુલ્લાહ બિન સબાની વાર્તા 1200 વર્ષ જુની છે અને ઈતિહાસકારો તથા લેખકોએ એક પછી એક તેને નકલ કરી છે અને તેમાં વધારો કર્યો છે. આ કિસ્સાના રાવીઓના સિલસિલા ઉપર એક નજર કરવાથી આપણને જણાય છે કે તેમાં દરેકમાં સૈફ જોવા મળે છે. તે બધા ઈતિહાસકારોએ સીધે સીધી સૈફથી આ રિવાયત નકલ કરી છે.
1) અબુ જઅફર મોહમ્મદ બિન જરીર તબરી અલ આમોલી (વફાત હી.સ. 310) એ પોતાની કિતાબ ‘તારીખુલ ઓમમ વલ મોલૂક’માં ખાસ રીતે સૈફથી વર્ણન કર્યું છે. તબરીએ પોતાના કિસ્સાને બે વ્યક્તિઓ વડે સૈફથી વર્ણવ્યો છે.
અ) ઓબ્યદુલ્લાહ બિન સઅદ ઝોહરી તેણે પોતાના કાકા યઅકુબ બિન ઈબ્રાહીમથી અને તેણે સૈફથી.
બ) સરી બિન યહ્યા અને તેણે શોઐબ બિન ઈબ્રાહીમથી અને તેણે સૈફથી.
2)ઈબ્ને અસાકિર (વફાત હી.સ. 571) પોતાની કિતાબ ‘તારીખે દમીશ્ક’માં આ પ્રસંગને અબુલ કાસીમ સમરકંદીથી તેણે અબુ હુસૈન નકુરથી તેણે અબુ તાહિર મુખલ્લસથી, તેણે અબુબકર બિન સૈફથી, તેણે સરીથી તેણે શોઐબ બિન ઈબ્રાહીમથી, તેણે સૈફથી. આથી અહીં પણ સરી જ તેનું ખરૂં માધ્યમ છે કે જેના સિલસિલાથી તબરીએ વર્ણવ્યુ છે.
3) ઈબ્ને અસીર (વફાત હી.સ. 630)એ પોતાની કિતાબ ‘અલ કામિલ’માં તબરીના માધ્યમથી નકલ કર્યું છે.
4) ઈબ્ને અબી બકર (વફાત હી.સ. 741) ની ‘અત-તમહીદ’ નામની એક કિતાબ છે કે જેમાંથી અમુક લેખકોએ નકલ કરી છે. આ કિતાબ ઉસ્માનના કત્લ વિષે છે અને તેની પ્રસ્તાવનામાં ‘અલ ફોતુહ’ કિતાબનું વર્ણન છે કે જે સૈફે લખેલી છે અને તેવી જ રીતે ઈબ્ને અસીરનું નામ પણ લખવામાં આવ્યું છે. ઈબ્ને અસીરે તબરીથી અને તબરીએ સૈફથી નકલ કરેલ છે.
5) ઝહબી (વફાત હી.સ. 748) એ પોતાની કિતાબ ‘તારીખુલ ઈસ્લામ’માં ભાગ-2, પાના નં. 122 થી 128 ઉપર આ કહાનીને સૈફની કિતાબ ‘અલ ફોતુહ’માંથી નકલ કરી છે. તબરી પણ તેનું એક માધ્યમ છે.
6) ઈબ્ને કસીર (વફાત હી.સ. 774)એ પોતાની કિતાબ ‘અલ બદાયા વન્નહાયા’ ના સાતમાં ભાગમાં તબરીથી વર્ણન કર્યું છે.
તદ્ઉપરાંત ઘણા બધા ઈતિહાસકારોએ તેને કોઈને કોઈ માધ્યમથી વર્ણવ્યું છે પરંતુ મોટાભાગના રાવીઓએ તબરીથી સીધે સીધુ વર્ણન કરેલ છે. આ વાત તે હકીકતને પુરવાર કરે છે કે અબ્દુલ્લાહ ઈબ્ને સબાને ઘડનાર સૈફ બિન ઉમર છે કે જેની કિતાબમાંથી તબરીએ વર્ણન કર્યાનો દાવો કર્યો છે. વધુ માહિતી માટે તારીખે તબરીમાં અબ્દુલ્લાહ ઈબ્ને સબા સંબંધિત રિવાયતોના રાવીઓના સિલસિલાનું અવલોકન કરી શકાય છે. દા.ત. અંગ્રેજી અનુવાદના 15 માં ભાગમાં સૈફ બિન ઉમર અથવા અબ્દુલ્લાહ બિન સબાના શિર્ષક હેઠળ જોઈ શકો છો.
Be the first to comment