અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

વાંચવાનો સમય: 6 મિનિટ

જ્યારે મક્કાની ઝમીન ઉપર પહેલીવાર લાએલાહની આવાઝ બલંદ થઈ ત્યારે દરેક ઘરના દરો દિવાલો સાથે ટકરાઈ. કુરેશી દિમાગ આ આવાઝથી બે પ્રકારની અસર અનુભવવા લાગ્યા. એક તરફ જ્યાં તેમના દિલો આ આવાઝ તરફ આકર્ષિત થયા હતા ત્યાં બીજી તરફ પથ્થર, લાકડી, માટી અને ખજુરના બૂતોના ખૌફે દરેક માણસના અસ્તિત્વમાં પરેશાની પૈદા કરી નાખી હતી. શંકા એ અને વહેમે રસ્સીના ટુકડાઓને મોટા મોટા અજગરો બનાવી દીધા હતા. હજારો વર્ષોથી ચાલતા આવતા કાફીરોના પરંપરાગત રીવાજોનો સિલસિલો ટુટવાનો ભય સ્પષ્ટ દેખાતો હતો. જેના પરિણામરૂપે સખ્તીઓ, ધરપકડો અને છેવટે ખૂનામરકીનું બજાર ગરમ થતું જતું હતું અને દરેકે જોયું કે પહેલી વખત બે મઝલુમોના જનાઝા ઉઠયા અને માટીના હવાલે કરી દેવામાં આવ્યા. અમ્મારની સામેજ તેમની માતા સુમૈય્યા અને તેમના પિતા યાસીરને અબુ સુફયાને ખુબજ બેરેહમીથી મારી નાખ્યા. આ પહેલા શહીદોની મૌત અગાઉ તેમને એટલી બધી તકલીફો આપી અને તડપાવી તડપાવીને માર્યા છે કે અગર તેની કલ્પના કરવામાં આવે તો તેના કારણે શરીરના રૂવાટા ઉભા થઈ જાય. પરંતુ આ જીવલેણ બનાવ ને લીધે એ જરૂર બન્યું કે તૌહીદ પરસ્તીના જઝબા એ આસ્માનોની હદોને પણ પાછળ છોડી દીધી (કારણ કે અર્શે ઈલાહીની નજદીકી પ્રાપ્ત કરી લીધી અને એક અલ્લાહે તેઓની ઈસ્તેગાસા ઉપર લબ્બયક કહ્યું હશે) જ્યારે શરૂઆત આટલી બધી સખત અને મુશ્કેલ હોય કે ન તો રૂહ માટીના શરીરમાંથી નિકળી ને આઝાદ થઈ શકે છે અને ન તો શરીરના હાડકાઓ ટુટે છે અને ન તો રંગ ખેંચાય છે અને ન તો શ્ર્વાસ રોકાય છે. ન તો હાલતમાં અને ઈઝા પહોંચવામાં કોઈ મોહલત નસીબ થાય છે બલ્કે આગળ વધીને તેના કરતા પણ વધારે મુશ્કેલ મંઝીલો છે. મક્કામાં એજ ઝાલીમો, બેરેહમો અને સિતમગારોની દરમ્યાન નુબુવ્વત પહોંચાડવામાં તેર વર્ષની તકલીફો ભોગવવાની છે, સામનો કરવાનો છે. એક તરફ ખૂનરેઝી ફેલાવનાર કૌમ છે તો બીજી તરફ ખાતેમુલ મુરસલીનનો સ્પષ્ટ સંદેશો છે અને અમુક એવા વફાદાર સહાબીઓ છે કે જેઓ ઉપર ઝુલ્મો સિતમ ગુજારવામાં આવ્યા છે. આગ છે ઈબ્રાહીમ (અ.સ.) છે અને નમરૂદ છે, શું ફરી કોઈને ઈમ્તેહાન લેવું છે? અરે ભાઈ કયાંની આગ અને કયાંનો નમરૂદ? હા, ખલીલીય્યત, રિસાલત અને ઈમામતના વારીસ પોતાના આખરી ઈલાહી સંદેશા લઈને આવ્યા છે. આગ અને નમરૂદનો કિસ્સો તો જુનો થઈ ગયો છે. હવે એવી આગ છે કે જે બેગુનાહો ઉપર ચારેય તરફથી વરસે છે અને એવા નમરૂદ સીફત ધરાવતા લોકો છે કે જેઓના નામ નમરૂદ પોતે જહન્નમમાં સાંભળીને ચીસો પાડી ઉઠે. અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ પોતાના આખરી નબી માટે, ઈલાહી હિદાયત માટે, પોતાની હુજ્જતની સંપૂર્ણતા માટે મક્કાની ઝમીનની પસંદગી કરી અને અહિં તેમના માટે ઈમ્તેહાનનો સમયગાળો તેર વર્ષનો રાખ્યો. હાલત એ હતી કે સવાર થઈ નથી કે અહિં ઝુલ્મ અને હિંસાની નવી યોજનાઓ તૈયાર રહેતી. દિવસ ચઢતા ચઢતા તો આપ (સ.અ.વ.) અને આપની નઝદીકમાં રહેતા લોકો ઉપર તકલીફો પહોંચાડવા માટે કુરૈશના લોકો ઉભા થતા. ઈતિહાસમાં તકલીફો પહોંચાડયાનો પળે પળનો હિસાબ લખાતો ગયો. જ્યારે તકલીફો હદથી વધારે થવા લાગી તો ઈલાહી મશીય્યતે અમૂક રાહત ભર્યો સમય નાઝીલ કર્યો અને મુરસલે આઝમ (સ.અ.વ.)એ મક્કાની ઝમીનને ખુદા હાફીઝ કર્યું અને મદીના તરફ હિજરત કરી. માહોલમાં વિલાયતનું પ્લેટફોર્મ મજબુતીની સાથે તૈયાર થઈ ગયું અને મુરસલે આઝમ (સ.અ.વ.)ના માનનારાઓના દિમાગમાં, તેમની સોચમાં વિલાયત તેના અર્થ અને મતાલીબની સાથે ઉતરી ગઈ. પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની મદીનાએ મુનવ્વરામાં તબ્લીગે  રિસાલતની મુદ્દતઓછા વત્તા પ્રમાણમાં દસ વર્ષની છે. આ દસ વર્ષમાં ઘણી બધી જંગો થઈ. તેમાં સૌ પ્રથમ તો યહુદીઓ અને ઈસાઈઓની મુનાફેકતભરી ઉંડી ચાલોના કારણે મક્કાના કુરૈશ લડવા માટે તૈયાર થયા અને નૌબત ત્યાં સુધી પહોંચી કે એક સમય એવો પણ આવ્યો કે સુલેહ હુદૈબિયાના કરાર હેઠળ ઈસ્લામના ઉસુલો અને કાનૂની હદની હિફાઝત કરવી પડી. પરંતુ ઈસ્લામની તબ્લીગ અને તેના શિક્ષણના મૂળ ઉંડા હતા. હવે અલ્લાહની  રિસાલતનું ફળ પણ સામે આવવા લાગ્યું અને વિલાયતનું નુર તબ્લીગાતથી ફુટી નિકળ્યું હતું. અબ્દુલ્લાહ ઈબ્ને અબી અને ઈબ્ને સાલૂન અને આમીરની મુનાફેકત ભરી ચાલો ઉઘાડી થઈ ચુકી હતી. પરંતુ ન તો લડાઈઓના સિલસિલા બંધ થઈ રહ્યા હતા અને ન તો પયગમ્બર (સ.અ.વ.)ની તે તઅલીમાત (શિક્ષણ)ના સિંચનને લીધે જે ઈસ્લામ વિકસી રહ્યો હતો તે મંદ પડતો. તે સમયે ઈસ્લામનો ચહેરો વધારે ચમકી ઉઠયો કે જ્યારે મુબાહેલાના મયદાનમાં પંજેતને પાક રાહીબોના સામે પ્રકાશિત થયા. રાહીબો ત્યાંથી ભાગવાનું પસંદ કર્યું. અલ્લાહની મશીય્યત ખુશ થઈ અને ઝુમીને મુબાહેલાની આયતોમાં મુબાહેલાના કિસ્સાનું કંઈક એવી રીતે રક્ષણ કર્યું કે માલથી ખરીદાયેલા ઈતિહાસકારો, તફસીરકારો, હદીસવેત્તાઓના સર ચકરાવા લાગ્યા પરંતુ તેના પાછળના દ્રશ્યમાં કોઈપણ પ્રકારની સમજૂતિ,ફેરફાર કે ખોટા કારણોના કિસ્સાઓ ઘડી ન શકયા.

ટુંકમાં આજ દસ વર્ષના ગાળામાં મક્કા જીતી લેવામાં આવ્યું અને સમસ્ત અરબસ્તાનમાં ઈસ્લામની બોલબોલા થઈ ગઈ. એ ધ્યાનમાં રહે કે આજ દસ વર્ષોમાં બધી જ લડાઈઓ અને બનાવો અને ઈસ્લામના દુશ્મનો સાથે જંગ જયારે બીજી તરફ કુરઆનનું જમા થવું, કુરઆનના નાઝીલ થવાનો સમય અને જગ્યાનું યકીન, તેના નાઝીલ થવાનું કારણ અને સાથે સાથે ઉસુલ અને ઈસ્લામના અરકાન (હુકમો) નિયુકત કરવા અને રસુલે ખુદા (સ.અ.વ.)ની સિરતની એક તારીખીનોંધ તૈયાર કરવું એ સમયમાં કે જયારે કાગળનું નામો નિશાન ન હતું એક ખુબજ મોટું કારનામું થયું. તેનું કારણ આ હતું કે હજી આપણે મુરસલે આઅઝમ (સ.અ.વ.)ની સાથે બેસનારાઓની વિલાયતનો પગરવ તો સાંભળી રહ્યા હતા પરંતુ ખુલુસની કમીને કારણે તેને પામી શકતા ન હતા તેથીજ આ દસ વર્ષના સમયગાળા દરમ્યાન સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે જે પાસુ સિરતે નબી (સ.અ.વ.)માં જોવા મળ્યું તે રિસાલતની તબ્લીગના કાર્યમાં એહલેબૈત (અ.મુ.સ.)ની ઓળખાણનું તે રિસાલતી સ્થાન હતું જે વિસાયતની સાથે જોડાએલું હતું અથવા એમ કહો કે એકજ સિક્કાની બે બાજુ હતી કે જે ધીમે ધીમે સામે આવતું ગયું.

મદીનાના લોકો શું ન જોઈ રહ્યા હતા કે મુરસલે અઅઝમ (સ.અ.વ.) એ તરીકો અપનાવ્યો હતો અથવા તો એ રિત અપનાવી હતી કે જ્યારે મુસાફરી માટે જતા અથવા તો લશ્કરની સાથે જંગના મયદાન તરફ જતા તો જનાબે ફાતેમા (સ.અ.)ના ઘરનો દરવાજો ખખડાવતા, સલામ કરતા અને આમ પણ સામાન્ય રીતે દરરોજ સવાર-સાંજ પોતાની દિકરીના ઘરે આવતા ખબર-અંતર પૂછતાં રહેતા. શું ઈતિહાસે હદીસે કિસાઅને નોંધીને એહલેબૈતે નબી (અ.મુ.સ.) અને રિસાલતની ખાણને બધાએ લખીને સિરતે નબી (સ.અ.વ.)નો એહલેબૈત (અ.મુ.સ.)ની સાથેનો અતુટ સંબંધ કાએમ નથી કર્યો અને એહલેબૈત (અ.સ.) ની વ્યકિતઓની ઓળખ પ્રકાશિત દિવસની જેમ દર્શાવેલ નથી? શું સુરએ દહર તે પવિત્ર નફસોની ઉચ્ચ અઝમત અને જલાલતને વર્ણવતો સુરો આજ ઘરમાં નાઝીલ નથી થયો? શું રસુલે ખુદા (સ.અ.વ.) એ આ નથી ફરમાવ્યું કે મારી બેટી મારો જીગરનો ટુકડો છે, જેણે તેમને તકલીફ પહોંચાડી તેણે મને તકલીફ પહોંચાડી. શું આજ પવિત્ર ઘર ઉપર સિતારો નથી ઉતર્યો? શું જન્નતના ફરિશ્તા રીઝવાન દરજી સ્વરૂપે શેહઝાદાઓ માટે જન્નતનો લિબાસ લઈને આજ ઘરે આવ્યા ન હતા? શું ઈદના દિવસે શેહઝાદાઓને ખભા ઉપર સવાર કરીને એમ ફરમાવ્યું ન હતું કે સવારીને ન જુવો બલ્કે એ જુવો કે સવાર કેટલા મહાન મર્તબાના માલીક છે. ટુંકમાં કહેવાનું એ કે ડગલે અને પગલે ઓળખાણ કરાવવા લાગ્યા અને છેવટે એમ પણ ફરમાવી દીધું કે આ હુસૈન (અ.સ.) મારાથી છે અને હું હુસૈન (અ.સ.)થી છું. આ અર્થસભર શબ્દો આપણને આમંત્રણ આપે છે કે આપણે વિચારીએ અને તેના ઉપર અમલ કરીએ, પછી અલી (અ.સ.)ની તરફ એવી રીતે મોતવજ્જેહ રહ્યા કે દરેક મૌકાઓ ઉપર આપની વિસાયતનું એઅલાન કર્યું. કયારેક કહ્યું કે હક્ક અલી (અ.સ.)ની સાથે છે અને અલી (અ.સ.) હક્કની સાથે છે. કયારેક ફરમાવ્યું કે અય અલી (અ.સ.) તમે મારા માટે એમજ છો જેમ હારૂન (અ.સ.) મુસા (અ.સ.) માટે હતા. કયારેક બયાન કર્યું કે અય અલી (અ.સ.) અગર લોકો તમારી સાથે દુશ્મની કરવા તૈયાર ન હોતે તો અલ્લાહ (સુ.વ.ત.) જહન્નમને પૈદા જ ન કરત. અય અલી (અ.સ.) અગર તમે ન હોતે તો મોઅમિનોને તમારી દોસ્તી થકી અને મુનાફીકોને તમારી દુશ્મની થકી ઓળખી ન શકાત. આ બધી કોશિશો ઈલાહી મશીય્યત તરફથી નબી (સ.અ.વ.)ની વિલાયત અને વસીના સિલસિલામાં હુજ્જત તમામ કરવાનો એક સફર હતો અને કુરઆનની આયત વસલ્લેમુ તસ્લીમાની તફસીર માટે, સમજણ માટે અને ઈસ્લામની રૂહને પામવા માટેના દરવાજાઓ હતા કે જેના ખુલવાની સાથેજ ઈસ્લામની ખુબસુરત દિલ તથા રૂહને પસંદ પડે તેવી વાદીઓ નજરે પડવા લાગે છે.

الذين بذلو مهجهم دون الحسين عليه السلام  એક પરિણામ રૂપ તમન્નાનું નામ છે જે વિલાયતના ઈમ્તેહાનમાં સફળતાના પછી જન્મ પામે છે. ઝોહૈર, સઈદ, હુર્ર, હબીબ એ તે પવિત્ર નફસો છે કે જેઓ આ ધરતી ઉપર રહીને આસ્માનોની સફર કરતા હતા. તેઓ રસ્તાની ધુળ છે. બની બેઠેલા બાદશાહોની મદદથી પોતાનું રીઝકની શોધતા ન હતા, બલ્કે તેઓની આંખોમાં સમાતા ન હતા. તેઓ ઉંચી ઉડાણ અને બલંદ હોંસલામાં જીબ્રઈલ (અ.સ.) થી પણ આગળ હતા. ઈદે ગદીરનો દિવસ એક એવો દિવસ છે કે જે બધીજ ઈદો કરતા ઘણીજ વધારે બરકતોવાળો છે. આ દિવસે મુરસલે આઅઝમ (સ.અ.વ.) સાહેબે મેઅરાજ પોતાની વિલાયત અને તેમના વસીની વિલાયતને ખભેથી ખભા મેળવીને હંમેશ માટે સ્થાપિત કરી દીધી અને મોઅમીનો, સાલેહો, પસંદીદા અને નેક લોકોને ખુબજ મહાન નેઅમત અર્પણ કરી, જેના છાયા હેઠળ જ. મિસમ ઝાડ ઉપર કપાએલા હાથ-પગ અને કપાએલી ઝબાનથી મુસ્કુરાઈ રહ્યા છે. રોશય્દે હુજરી શહાદતની ખુશીમાં બે રકાત નમાઝ ઉતાવળથી પઢી રહ્યા છે. અમ્માર તેમના અંતિમ સમયે દુધના પ્યાલામાં પોતાની આખેરતની ઝીંદગીની આરામગાહોને જોઈને ખુશ થઈ રહ્યા છે. એક સિલસિલો છે કે જેઓએ વિલાયતની નેઅમતોથી ફાયદો મેળવ્યો છે અને વિલાયતના ઝરણાઓથી તૃપ્ત થનારાનો કે જેઓ વર્તમાન ઝમાનાના યુવાનો, વિદ્વાનો અને સાહેબે ઈમાન લોકોને અવાજ આપી રહ્યા છે. આ જમીનથી ગ્રહોની તરફ જવાવાળાને હસરતથી ન જુવો, બલ્કે એ જુવો કે તમારી પોતાની તાકત, કુવ્વત અને આવડત વિલાયતે અલી (અ.સ.) થકી એટલી છે કે તમે આસ્માનોની બલંદીઓને ઝમીન ઉપર ઉતારી શકો છો. આસ્માનના રહેવાસીઓને ઈમામે હુસૈન (અ.સ.)એ આશુરાના દિવસે આજ કહ્યું હતું. ‘અગર તમે કહેતા તો હું મારા બયતુશ્શરફ (પવિત્ર ઘર) માં ફરીશ્તાઓની પાંખો દેખાડુ. થોડા વિલાયતની રાહમાં પગલાઓ જમાવીને ચાલ્યા હોત તો જન્નતમાં રહેનારાઓને જમીન ઉપર બતાવવાની કુવ્વત એહલેબૈત (અ.મુ.સ.)માં હતી. અય અલી (અ.સ.)ની વિલાયતના ઉપર યકીન ધરાવનારાઓ! અલી (અ.સ.) વિલાયતના તાજદાર ઈન્સાનોની ઉન્નતીનું કેન્દ્ર છે, જેઓ સમગ્ર કાએનાતની ખિલ્કતનો મકસદ છે. નુકશાનમાં છે તે લોકો કે જેઓ ચારિત્ર્ય બનાવવા બારામાં વિલાયતે અલી (અ.સ.)ના મતાલીબથી અજાણ છે. એટલા માટે કે તેઓજ સમગ્ર કાએનાતના બાકી રહેવાનું કારણ છે અને તેમનાજ વારસદારે તેની તમામ ઈમામત અને વિલાયતના હોદ્દાની ફરજો સાથે ગયબતના પરદામાં રહીને પણ ઝાલીમો અને ઝાલીમ સત્તાધીશો અને તેઓનું નમક ખાનારાઓને તેના અંતિમ પરિણામ સુધી પહોંચાડીને બધા નિ:સહાય અને મિલ્લતના સમગ્ર લોકોને પોતાના મહેરબાનીના દામનમાં લઈ લીધેલ છે. જ્યારે આ બળતી દુનિયામાં જ્યાં ફકત આગ જ આગ છે નિરાંતે શ્ર્વાસ લેવો અને ઈત્મિનાનથી મંઝીલ ઉપર ઠહેરવા અને દિલની ઠંડકને મહેસુસ કરવા માટે ઝીંદગીની ક્ષણોને ઉપલબ્ધ કરાવી આપે છે અલી (અ.સ.) નો લાલ….. તો ઝુહુર પછી આપણે કઈ રીતે અને કેવી ખુશી અને આનંદની દુનિયામાં હશું તેને કોઈ કલ્પનામાં નથી લાવી શકતું. પરંતુ વિલાયતના ઈમ્તેહાનમાંથી તો જરૂર પસાર થવું પડશે અને આપણે ઈન્શાઅલ્લાહ તેમાંથી પસાર થઈ જશું. મંઝીલ ખુબજ નઝદીક છે, દુરથી રોશની દેખાય રહી છે અને આપણે હરગિઝ થાકયા નથી. આપણા પગલાઓ આગળ વધી રહ્યા છે અને વધતાજ રહેશે.