إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ
“(હે ઇમાનદારો !) તમારો વલી અલ્લાહ અને તેના રસુલના સિવાય કોઇ નથી અને તે લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ નમાઝ કાયમ કરે છે તથા રૂકુઅની સ્થિતિમાં ઝકાત આપે છે.’’
(સુ.માએદાહ -૫૫)
મુસલમાનોનો એક મોટો સમૂહ એવો વિચાર ધરાવે છે કે કુરઆને કરીમમાં હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો ઝીક્ર નથી.તેઓનું કેહવું છે કે કુરઆનમાં અલ્લાહ અલી(અ.સ.)નો ઝીક્ર કરતે તો બધા સહાબાઓ તેને કબુલ કરી લેતે.સહાબાઓનુ હઝરત અલી(અ.સ.)ને બીલાફસ્લ ખલીફા ન માનવું એ બતાવે છે કે ન અલ્લાહે, ન તેના રસુલ(સ.અ.વ.)એ ઉમ્મતને હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો ઝીક્ર કર્યો છે.
તેઓનું કેહવું છે કે અગર મુરસલે આઝમ(સ.અ.વ.)એ અલ્લાહના હુક્મથી હઝરત અલી (અ.સ.)ની બીલાફસ્લ ખિલાફતનું એલાન કર્યું હોત તો સહાબાઓની એટલી મોટી સંખ્યા આ હુક્મને કેવી રીતે ભૂલી જાત.
હકીકતમાં આ કોરા કાગળ(જેવા) આ લોકોની વાતનો પાયો જ ખોટો છે.આ લોકો સહાબાના અમલને પાયો બનાવીને કુરઆન અને સુન્નતને તેના પર પારખવાની ભૂલ કરી રહ્યા છે.ઈતિહાસ બતાવે છે કે સહાબાઓએ ઘણી વખત અલ્લાહના હુક્મની અને રસુલ(સ.અ.વ.)ના હુક્મની નાફરમાની કરી છે.
‘વાકએ કીરતાસ’ (કલમ અને દવાતનો બનાવ) અને ‘ઓસામાના લશ્કરમાં શામીલ થવાથી ઇન્કાર કરી દેવો’ આ વાતના બે મોટા ઉદાહરણો છે.આ સિવાય હઝરત અલી (અ.સ.) સાથે અમુક સહાબાનું બુગ્ઝ રાખવું પણ ઇતિહાસની કિતાબોમાં છે.આમ પણ કુરઆનમાં અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ રસુલ (સ.અ.વ.)નું અનુસરણ કરવાનો હુક્મ આપ્યો છે,સહાબાઓનો નહી.
કદાચ એ જ કારણ હતું કે અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ ઘણા બધા પ્રસંગોએ લોકોના સમૂહમાં સહાબાથી પોતાની ખિલાફત અને વિલાયતનો ઈકરાર લીધો છે.એક વખત મુસલમાનોના ત્રીજા ખલીફાના વખતમાં,મુહાજીરો અને અન્સારોના સમુહમાં અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ લોકોને કસમ આપીને સવાલ કર્યો કે શું તમો આ વાતથી નાવાકેફ છો કે જ્યારે “યા અય્યોહલ્લઝીન આમનુ અતીઉલ્લાહ વ અતીઉર્રસુલ વ ઉલીલઅમ્રે મીનકુમ…..,ઇન્નામા વલીય્યોકુમુલ્લાહો વ રસુલોહુ…” જેવી આયતો નાઝીલ થઇ હતી તો લોકોએ આંહઝરત (સ.અ.વ.)ને સવાલ કર્યો; “યા રસુલુલ્લાહ (સ.અ.વ.)શું આ વિલાયત અમુક ખાસ મોમીનોને હાસિલ છે કે બધા માટે છે ..?” ત્યાર પછી અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ પોતાના નબી (સ.અ.વ.)ને હુક્મ આપ્યો કે તેઓ લોકોને વિલાયતની તાલીમ આપે અને તેઓ માટે વિલાયતની એવી જ રીતે તફસીર બયાન કરે જેવી રીતે તેમણે નમાઝ,રોઝા,ઝકાત અને હજના વિષે તફસીર અને વિસ્તૃત વર્ણન કર્યું હતું.
પછી હુઝુરે અકરમ (સ.અ.વ.)એ ગદીરે ખુમમાં મને વિલાયતના હોદ્દા પર નિયુક્ત કર્યો અને મારી વિલાયતનું એલાન કર્યું.તે વખતે અબુબક્ર અને ઉમર ઉભા થયા અને રસુલે ઇસ્લામ (સ.અ.વ.)ને આ બંનેએ પૂછ્યું; “શું આ આયતો ખાસ અલી (અ.સ.)માટે છે?” આં હઝરત (સ.અ.વ)એ જવાબ આપ્યો “હા! અલી (અ.સ.)ના માટે અને અને કયામત સુધી આવવાવાળા તેમના વસીઓ માટે આ આયતો મખ્સુસ છે.”
તે બંનેએ ફરીવાર સવાલ કર્યો; “યા રસુલુલ્લાહ(સ.અ.વ.) આપ આ વિલાયતને અમારા માટે બયાન કરો.” નબીએ અકરમ(સ.અ.વ.)એ જવાબ આપ્યો; “અલી (અ.સ.) મારો ભાઈ છે,મારો વઝીર છે,મારો વારીસ છે, આ ઉમ્મતમાં મારો વસી અને મારો ખલીફા છે.મારા પછી અલી (અ.સ.) બધા મોઅમીનોના વલી (સરપરસ્ત) છે. તેમના પછી તેમના ફરઝંદ હસન (અ.સ.), તેમના પછી હુસૈન(અ.સ.), તેમના પછી હુસૈન (અ.સ.)ની ઔલાદમાં એક પછી એક નવ લોકો(ઇમામો) મોમીનોના વલી હશે. આ બધા કુરઆનની સાથે છે અને કુરઆન તેઓની સાથે છે અને આ બંને એકબીજાથી હરગીઝ અલગ નહિ થાય ત્યાં સુધી કે મારી પાસે હૌઝએ કૌસર સુધી ન આવી જાય.” મૌલા અલી (અ.સ.)ની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકોએ ગવાહી આપી “હા! અમે રસુલે ઇસ્લામ (સ.અ.વ.)ને લોકોને હઝરત અલી (અ.સ.)ના ખલીફએ બીલાફસ્લ હોવાની ખબર આપતા સાંભળ્યા છે .”
(તફસીર એ નુરુસ્સકલૈન ભા.૨,પા.૧૯૧)
આ બનાવથી સ્પષ્ટ રીતે જાણી શકાય કે અસહાબની એક મોટી સંખ્યા,કે જે મૈદાને ગદીરમાં હાજર હતા,તેઓને હઝરત અલી (અ.સ.)ની બીલાફસ્લ ખીલાફતની જાણ હતી.આ જે દાવો છે કે અગર ખબર હોત તો માની લેત, આ ફક્ત એક બહાનુ છે.
આ પ્રકારની રીવાયાતો એહલે તસન્નુનની કિતાબોમાં તવાતુરની સાથે મૌજુદ છે.દા.ત.એક પ્રસંગે આંહઝરત (સ.અ.વ.)એ ખુદ મૌલા અલી (અ.સ.)થી ફરમાવ્યું “અય અલી (અ.સ.)! તમે મારા પછી બધા મોમીનોના માટે મારા ખલીફા છો.”
- અલ-શય્બાની અમ્ર બિન અબી આસીમ અલ્ઝ્હાક(વફાત:-૨૮૭ હિજરી) અલ – સુન્નત ભાગ-૨ પેજ -૫૬૫
આ હદીસને બુઝુર્ગ એહલે તસન્નુંન ઓલમા જેમકે શૈખ અલ્બાનીએ પણ ‘હુસ્ન’ (સારી) ઠેરવી(કહી) છે.
-અલ સુન્નત ભાગ-૨ પેજ -૫૬૫
આ ઉપરાંત પણ આ ઓલમાઓ હઝરત અલી(અ.સ.)ની બીલાફસ્લ ખિલાફતના કાએલ(માનવા વાળા) નથી.
Be the first to comment