પવિત્ર રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતે મુસ્લિમ ઉમ્મતમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી. એવી ચોંકાવનારી -આઘાતજનક ઘટનાઓ, કે જેની આપ (સ.અ.વ.)ની હયાતીમાં કલ્પના પણ કરી શકાય તેમ ન હતી, એક પછી એક એવી રીતે સામે આવવા લાગી જાણે કોઈ પૂર્વનિયોજિત વ્યૂહરચના મુજબ બધુ થઈ રહ્યું હોય.
આવી જ એક ઘટના અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની જાન લેવા કરવામાં આવેલા એક પ્રયાસ સાથે સંબંધિત છે.
આ અંગે મતભેદ જોવા મળે છે કે તે સમયના શાસકોએ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને સંપૂર્ણપણે દૂર કરીને અથવા તેમની હત્યા કરીને તેમને મૌન કરાવવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં.
એક જૂથ કહે છે: અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નો જીવ બચી ગયો હતો.
બીજા એક જૂથનું કહેવું છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની જાન લેવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
અહીં સત્ય શું છે તે જાણવા માટે આપણે બંને જૂથની દલીલોનો અભ્યાસ કરીશું.
અલ્લામા મજલિસી (ર.અ.) બેહારુલ અન્વારમાં એહલે તસન્નુનના પ્રખ્યાત આલીમ ઇબ્ને અબિલ હદીદના હવાલાથી આ પ્રમાણે રિવાયત કરી છે:
ઇબ્ને ઇબીલ હદીદ – મેં મારા શિક્ષક, અબુ જાફર અલ-નકીબને પૂછ્યું – મને એ વાત પર આશ્ચર્ય થાય છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ની શહાદત પછી અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) આટલા લાંબા સમય સુધી કેવી રીતે જીવતા રહ્યા! જ્યારે દુશ્મનો તેમનાથી ભારે ગુસ્સામાં હતા, ત્યારે તેઓ કેટલા લાંબા સમય સુધી પોતાના ઘરમાં એકાંતમાં રહ્યા!
અબુ જાફર: જો અલી (અ.સ.) નમ્ર ન બન્યા હોત અને શાંત ન બેઠા હોત, તો તેઓ ચોક્કસપણે માર્યા ગયા હોત. પરંતુ તેમણે શાંત રહેવાનું પસંદ કર્યું અને પોતાની જાતને ઇબાદત, નમાઝ અને કુરઆનની તિલાવત પૂરતી મશ્ગુલ રાખી. તેમણે પોતાની તલ્વાર છોડી દીધી અને તેઓ એક એવા ઘાયલ વ્યક્તિ સમાન હતા જે રાહતની શોધમાં હોય. તેઓ જમીન પર ભટકતા મુસાફર અથવા જંગલોમાં એકાંતવાસ કરનાર વ્યક્તિ સમાન હતા.
કારણકે અલી (અ.સ)એ ખલીફાઓ સાથે જાહેરી રીતે સમજુતીભર્યું વલણ અપનાવ્યું, તેથી તેમણે આપ (અ.સ.)ને પોતાની હાલત પર છોડી દીધા,
કોઈ પણ અરબ વ્યક્તિ ખલીફાની સ્પષ્ટ પરવાનગી મેળવ્યા વિના અથવા તેમની ગુપ્ત સંમતિ પ્રાપ્ત કર્યા વિના આપ (અ.સ.)ની હત્યા કરી શકે તેમ નહોતો.
પરંતુ સત્તાધીનો પાસે આપ (અ.સ.)ની હત્યા કરવા પાછળનું કારણ નહોતું અને તેઓ આપ (અ.સ.)ને નુકસાન પહોંચાડવાથી દૂર રહ્યા. જો પરિસ્થિતિ આનાથી જુદી હોત, તો નિઃશંકપણે તેઓએ આપ (અ.સ.)ની હત્યા કરી નાખી હોત.
ઇબ્ને અબિલ હદીદ: મેં તેમને પૂછ્યું, ‘શું ખાલિદ ઇબ્ને વલીદના વર્ણન (અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. ના જીવન પર હુમલાનો પ્રયાસ) માં કોઈ સત્ય પુરાવા છે?’
અબુ જાફર: અલવી શીઆઓમાંના એક સમૂહના લોકો આ ઘટનાને આ રીતે રિવાયત કરે છે:
તેઓ કહે છે કે એક વ્યક્તિ અબૂ હનીફાના સાથી ઝફર ઇબ્ને હુઝૈલ પાસે આવી અને તેને પૂછ્યું:
“શું એ સાચું છે કે અબૂ હનીફાના મતે કોઈ વ્યક્તિ નમાઝને સલામ દ્વારા પૂર્ણ કરે તે પહેલાં કોઈ કાર્ય કરવું તેના માટે જાએઝ છે? ઉદાહરણ તરીકે, વાત કરવી, કોઈ કામ કરવું અથવા કુદરતી હાજત માટે જવું વગેરે?”
ઝફર: હા, તે જાએઝ છે, અને તે એ કારણે કે અબુબક્રે નમાઝમાં સલામ પઢતા પહેલા વાત કરી હતી.
તે માણસે પૂછ્યું: અબુબક્રે સલામ પહેલાં શું કહ્યું હતું?
ઝફર – તમારે આ મામલામાં પડવું જોઈએ નહીં,
પરંતુ તે વ્યક્તિએ આ જ સવાલ બીજી વખત અને ત્રીજી વખત પણ પૂછ્યો.
ઝફરે ત્યાં હાજર લોકોને કહ્યું – “આ માણસને અહીંથી કાઢી મૂકો…”
મેં પ્રશ્ન કર્યો: શું તમે આ ઘટના ઘડી કાઢી છે (ખોટી બનાવી છે)?
શિક્ષક: હું આવી બાબતોથી પર (દૂર) છું. બલ્કે, આ વાત ઇમામિય્યાહ (શિયા) લોકો રિવાયત કરે છે.
- શરહ નહજુલ બલાગાહ, ભાગ ૧૩ પાનાં.૩૦૧
- બેહારુલ અનવાર, ભાગ ૨૯ પાનાં.૧૩૮
- બૈત અલ-અહઝાન, પાનાં.૧૪૮-૧૪૯
ખાલિદ ઇબ્ને વલીદ દ્વારા હત્યાનો પ્રયાસ
આ ઘટનામાં ખાલિદ ઇબ્ને વલીદનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે, જે અબૂબક્રના આદેશથી યોજવામાં આવ્યો હતો. યોજના એવી હતી કે નમાઝ પૂર્ણ થયા બાદ અંતિમ સલામના સમયે નબી (સ.અ.વ.)ની મસ્જિદમાં જ અલી (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવે.
પરંતુ અબૂબક્રે નમાઝ દરમિયાન જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને તે જ સ્થિતિમાં ખાલિદ ઇબ્ને વલીદને આ યોજના છોડી દેવાનો આદેશ આપ્યો.
અબુબક્રે આખરી સલામની જગ્યાએ મોટેથી બોલીને યોજનામાં આ ફેરફાર કર્યો – “અય ખાલિદ! મેં તને જે આદેશ આપ્યો હતો તેનાથી દૂર રહે, અને તમારા પર સલામ હોજો!”
- એલલ – અશ-શરાએઅ’, પાનાં. ૧૯૦-૧૯૨, હદીસ ૧
- બેહારુલ અનવાર, ભાગ ૨૯ પાનાં.૧૩૪
શૂરા કમિટી – અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને હટાવવાનો ઉમરનો પ્રયાસ
મુસ્લિમ બહુમતી અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ (અ.સ.)ના જીવન પર કોઈ હત્યાના પ્રયાસની વાતને સ્વીકારતી નથી. પરંતુ પછી સવાલ એ થાય છે કે ઉમરે શૂરામાં હઝરત અલી (અ.સ.)ના જીવને જોખમમાં મૂકવા માટે જે વ્યવસ્થા કરી હતી, તેને તેઓ કેવી રીતે યોગ્ય ઠેરવે છે?
તમામ મુસલમાનો સહમત છે કે ઉમરે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે શૂરા કમિટી ની રચના કરી હતી, પસંદગી તેમની પોતાની ઈચ્છા મુજબ થાય તે સુનિશ્ચિત કરવા માટે, તેમણે કેટલાક વિચિત્ર નિયમો ઘડ્યા હતા:
- તેમણે સોહૈબ (ઇબ્ને સિનાન ઇબ્ને માલિક) ને ત્રણ દિવસ સુધી નમાઝની ઇમામત કરવાનો આદેશ આપ્યો અને માત્ર આ છ સભ્યો જ આપસમાં શૂરા કમિટી કરશે.
- આ છ સભ્યો ઉપરાંત સાતમા વ્યક્તિ તરીકે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર સિવાય બીજું કોઈ નહીં હોય, પરંતુ તેમના તરફથી કોઈ અભિપ્રાય (મત) આપવામાં આવશે નહીં.
- ત્યારબાદ, ઉમરે ત્યાં હાજર મુહાજેરીન અને અન્સાર ને આ પ્રમાણે વસીયત કરી: જો ત્રણ દિવસ પસાર થઈ જાય અને શુરા પછી પણ છ સભ્યો કોઈ એક સભ્યની બયઅત કરવા પર સહમત ન થાય, તો તે છ એ જણાના માથા કલમ કરી દો. જો ત્રણ દિવસ વીતતા પહેલા, તેમાંથી ચાર જણા કોઈ એક વ્યક્તિ પર સહમત થાય અને બે જણા તે ચારનો વિરોધ કરે, તો વિરોધ કરનારા તે બે સભ્યોના માથા કલમ કરી દો.
- અલ-કાફી, ભાગ ૫ પાનાં.૨૩
- તહઝીબ અલ-અહકામ, ભાગ ૬ પાનાં.૧૪૮
- અલ-એહતેજાજ, ભાગ ૨ પાનાં ૩૬૨-૩૬૩
- વસાએલ અશ-શિયા, ભાગ ૧૫ પાનાં.૪૧
- મિરઆત અલ-ઉકૂલ, ભાગ ૧૮ પાનાં.૩૪૮
અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) એ શૂરા કમિટીમાં કેમ ભાગ લીધો?
શૂરા કમિટીના સભ્યો અને તેની પસંદગીની નીતિ તેમની વિરુદ્ધ ભારે પક્ષપાતી હોવા છતાં, અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) એ ઇબ્ને અબ્બાસને જણાવ્યું કે તેમણે ઉમરના એ શરૂઆતના વલણના વિરોધાભાસને સાબિત કરવા માટે ભાગ લેવાનું નક્કી કર્યું હતું કે નબુવ્વત અને ખિલાફત એક જ પરિવાર (બની હાશીમ)માં રહી શકતા નથી. અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) એ દલીલ કરી કે ઓછામાં ઓછું ઉમરે હવે સ્વીકારી લીધું હતું કે ખિલાફત બની હાશીમ પાસે રહી શકે છે.
તે જ રીતે, અલ્લાહની હુજ્જત કોઈ પણ બાબતની સર્વાંગી સમજ ધરાવે છે અને સંપૂર્ણ હિકમત સાથે કાર્ય કરે છે. તેથી, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ શૂરા સમિતિમાં ભાગ લેવાનું બીજું એક કારણ એ પણ હોઈ શકે કે આપ (અ.સ.) અબૂબક્ર તેમજ ઉમરના કહેવાથી આપની હત્યાના અગાઉના પ્રયાસને પણ ઉજાગર કરવા માગતા હતા.
કારણ કે જો ઉમર ઘટનાઓ પોતાની ઈચ્છા મુજબ બને તે સુનિશ્ચિત કરવા માટે શૂરા કમિટીમાં આપ(અ.સ)ની હત્યાનો આદેશ આપી શકે તો એ જ હેતુસર અગાઉ પણ આપ (અ.સ.)ની હત્યાનો આદેશ આપી શકતા હતા.
આથી, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને ખતમ કરવાના કાવતરા અંગે વિરોધીઓ પાસે કોઈ દલીલ બાકી રહેતી નથી. જો શૂરા સમિતિમાં આપ (અ.સ.)ની હત્યાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી શકતી હોય, તો અગાઉ પણ આપ (અ.સ.)ની હત્યાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય નહીં.
સાદ ઇબ્ને ઉબાદહની હત્યા
જો અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ના જીવન પરના હુમલાના પ્રયાસ અંગે કોઈ વિવાદ હોય, તો પણ સાદ ઇબ્ને ઉબાદહની નિર્મમ હત્યા વિશે વિરોધીઓનું શું કહેવું છે?
શું તેઓ નકારી શકે છે કે બયઅત કરવાનો ઇન્કાર કરવા બદલ ખલીફાઓ દ્વારા તેમનો ખાતમો કરવામાં આવ્યો હતો?
સાદ ઇબ્ને ઉબાદહ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. પવિત્ર પયગંબર (સ.અ.વ.) ના સહાબી તરીકે, તેઓ ખૂબ જ આદરણીય હતા અને તેનો મરતબો અબુ બક્ર અને ઉમર જેવા લોકો કરતા ઘણા ઉંચો હતો.
તેમની પ્રશંસા માટે એટલું જ પૂરતું છે કે બદ્રના દિવસે તેમને અન્સારનો અલમ આપવામાં આવ્યો હતો જ્યારે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) પાસે મુહાજીરીનનો અલમ હતો.
- તારીખ અલ-તબરી, ભાગ ૩ પાનાં.૨૧૦
સ્પષ્ટપણે અબુ બક્ર અને ઉમર ફઝીલતમાં સાદ ઇબ્ને ઉબાદહ સાથે સરખામણી પણ કરી શકતા નહોતા, અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ની વાત તો દૂર રહી.
સકીફાના દિવસે, જો બહુમતી મુસ્લિમો દ્વારા સૌથી વધુ સ્વીકારવામાં આવતા માપદંડ એટલે કે સર્વસંમતિને આધાર બનાવવામાં આવે, તો સાઅદ ઇબ્ને ઉબાદા ખિલાફતના સૌથી સંભવિત ઉમેદવાર હતા. કારણ કે રસૂલે ખુદા (સ.અ.વ.)ની રેહલત પછી અન્સારનો મોટો સમૂહ સકીફામાં એકત્રિત થયો હતો.
પરંતુ બે પરિબળો સાદની વિરુદ્ધ ગયા – નબળી તબિયત અને અન્સારના ઔસ અને ખઝરજ જૂથો વચ્ચેની આપસી લડાઈ. આનાથી મુહાજીરીનને ફાયદો થયો, જો કે તેમની સંખ્યા ઘણી ઓછી હતી અને અબુ ઉબૈદાહ જર્રાહ અને બે શેખ જેવા લોકો ખિલાફત પર દાવો કરી રહ્યા હતા.
મુસલમાનો દ્વારા અબુ બક્રની બયઅત કર્યા પછી – સાદ ઇબ્ને ઉબાદહ અને તેમના આખા કબીલાએ તેમ કરવાનો ઇન્કાર કર્યો અને ખલીફાઓ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા, તેમની સાથે મળવાનું, તેમની પાછળ નમાઝ પઢવાનું કે તેમની સાથે હજ કરવાનું પણ બંધ કરી દીધું. અબુ બક્રના મૃત્યુ સુધી અને ઉમર શાસક બન્યા ત્યાં સુધી આ ચાલુ રહ્યું.
એક દિવસ મુસલમાનોએ સાંભળ્યું કે સાદ ઇબ્ને ઉબાદહની એક દૂરના વિસ્તારમાં તીર મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુનું કારણ એક ‘જીન’ ને જવાબદાર ગણાવવામાં આવ્યું. બુદ્ધિશાળી લોકો માટે, એ સ્પષ્ટ હતું કે આ ‘જીન’ એક સત્તાવાર સરકારી હત્યારો હતો – જેમ કે ખાલિદ ઇબ્ને વલીદ અથવા મુઆવિયાનો એજન્ટ અલ-મુગીરાહ ઇબ્ને શોઅબા. ઇતિહાસકારો દ્વારા નોંધવામાં આવ્યા મુજબ તેમનો ‘ગુનો’ એ હતો કે તેમણે બયઅત કરવાનો ઇન્કાર કરીને ખલીફાઓ અબુ બક્ર અને ઉમરની સત્તાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
- શરહ નહજુલ બલાગાહ, ભાગ ૧ પાનાં.૫૪૦
સાદ ઇબ્ને ઉબાદહ તમામ મુસલમાનોને બે પાઠ શીખવે છે
સાદ ઇબ્ને ઉબાદહની ઘટના ભૂતકાળના અને આજના મુસલમાનો દ્વારા ફેલાવવામાં આવેલા બે મહત્વપૂર્ણ જૂઠાણાંને ખુલ્લા પાડે છે:
- પ્રથમ જૂઠ – અબુ બક્ર અને ઉમરની પસંદગીને સર્વસંમતિ (ઇજમા) નું સમર્થન હતું:
આ સ્પષ્ટપણે ખોટું છે.
શું સાદ ઇબ્ને ઉબાદહ અને તેમનું ખઝરજ જૂથ સર્વસંમતિનો ભાગ નહોતા? હા,
શું તેઓએ અબુ બક્ર અને ઉમરની બયઅત કરી હતી? ના.
તેથી અબુ બક્ર અને ઉમરની પસંદગી સર્વસંમતિ દ્વારા થઈ નહોતી.
- બીજું જૂઠ – ખલીફાઓદ્વારા અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ના જીવનને બક્ષવામાં આવ્યું હતું:
શું ખલીફાની બયઅત કરવાનો ઇનકાર કરવા બદલ સાદ ઇબ્ને ઉબાદહનો ‘ખાતમો’ કરવામાં આવ્યો નહોતો?
ઓછામાં ઓછું, તેમના ગાયબ થવા પાછળ કોઈ સ્પષ્ટતા નથી. હુકુમત જે સર્વશ્રેષ્ઠ ખુલાસો આપી શકી તે એ હતો કે તે કોઈ જીનનું કારનામું હતું!
તેથી જો અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ને પણ ખલીફાઓના વિરોધ કરવા બદલ આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હોય, તો તેમાં કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.
અંતમાં, ચાલો એક નાની રમૂજી ઘટનાનો ઉલ્લેખ કરીએ.
મોઅમીન અલ-તાક, જેઓ ઇમામ જાફર સાદિક (અ.સ.) ના મહાન આલીમ સહાબી હતા અને વિરોધીઓ સાથેના મુનાઝેરા માટે જાણીતા હતા, તેમને એકવાર પૂછવામાં આવ્યું કે:
‘જો અલી (અ.સ.) સાચા હતા, તો તેમણે પોતાના હક છીનવી લેનારાઓ સામે ક્યામ કેમ ન કર્યો?’
મોઅમીન અલ-તાકે જવાબ આપ્યો: ‘તેઓ જીનથી ડરતા હતા.’
આ દેખીતી રીતે અર્થહીન જવાબ પર દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ મોઅમીન અલ-તાકે સ્પષ્ટતા કરી:
‘અલી(અ.સ.) એ જ જીનથી ડરતા હતા જેણે સાદ ઇબ્ને ઉબાદહની હત્યા કરી હતી.’
આ જવાબ સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેઓ આ જવાબમાં છુપાયેલા સંકેત અને તેની પાછળની દલીલ સમજી ગયા.
Be the first to comment