ઘણા મુસ્લિમો કહે છે કે – પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ વચ્ચેના મતભેદો બાબતે અથવા પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના સાચા જાનશીન કોણ? એ બાબત પર ચર્ચા કરવી યોગ્ય નથી કે કારણ કે આ મુદ્દાઓ અને ઘટનાઓ ઇતિહાસના પાનામાં સુરક્ષિત છે અને તેમને ફરીથી ઉજાગર કરવાનો કોઈ ખાસ હેતુ નથી.
તદુપરાંત, તેઓ એ પણ દાવો કરે છે કે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ઉમ્મતની સમસ્યાઓ વધી શકે છે અને ઘર્ષણ ફેલાઈ શકે છે, જે આખરે મુસ્લિમો વચ્ચે દુશ્મનીને જન્મ આપે છે.
તેઓની આ દલીલ ત્યારે જ માન્ય થઇ શકે, અગર જો આ મુસ્લિમો અન્ય કેટલીક ઘટનાઓને યાદ કરવાનો પ્રયાસ ન કરતે, જે મુસ્લિમો વચ્ચે મતભેદ ઊભા કરે છે. ઉદાહરણ તરીકે, ગુફામાં અબુબકરની પયગંબર (સ.અ.વ.) સાથે સાથે હોવાની ઘટના, અથવા જ્યારે પયગંબર (સ.અ.વ.) એ તેમની બીમારી દરમિયાન અબુ બકરને નમાઝ પઢાવવાની ‘પરવાનગી’ આપી.
તે સ્પષ્ટ છે કે એહલે સુન્નત અબુબકરના ‘માન’ને ઉંચો કરવાની અને તેમના ખિલાફતના અધિકારનો બચાવ કરવાની કોઈપણ તક છોડતા નથી! આ મુસ્લિમો અબુબકરના કહેવાતા ગુણોનું વર્ણન કરવાથી શા માટે નથી અટકતા, પરંતુ જયારે અમીરુલ મોમિનીન (અ.સ.) – અલી બિન અબી તાલિબ અને તેમના ગુણોને યાદ કરવાની વાત આવે ત્યારે તેના પર વાંધો ઉઠાવે છે? જવાબ સરળ છે – કારણ કે અલી (અ.સ.)ના ગુણોને યાદ કરવાથી અનિવાર્યપણે ખિલાફતના મુદ્દા પર ચર્ચા થાય છે.
અમીરુલ મોમિનીન (અ.સ.) – અલી બિન અબી તાલિબ (અ.સ.) અને તેમના પવિત્ર પુત્રો (અ.સ.)ના ગુણોની ચર્ચા કરવા અને તેમની તુલના કેટલીક વ્યક્તિઓની દુષ્ટતા અને બદનામી સાથે કરવાનો સ્પષ્ટ જવાબ એ છે કે તે મુસ્લિમો માટે ઘણા ફાયદા ધરાવે છે.
એક તો – તે સાચા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે અને જેઓ માર્ગદર્શન શોધે છે તેમના દિલમાં આ પવિત્ર વ્યક્તિઓ (માઅસૂમીન)નું અનુકરણ કરવા માટે પોતાની જાતને પ્રોત્સાહીત કરે છે. તેનાથી વિપરીત, તે તેમને એ પણ જણાવે છે કે શું ન બનવું જોઈએ – જે દુષ્ટ અને નીચલા લોકોના જીવન દ્વારા આપવામાં આવેલો એક સમાન મહત્વપૂર્ણ બોધ છે જેનાથી ઇન્સાન દુરી ઇખ્તેયાર કરવાની કોશિશ કરે છે.
ચર્ચા અને સમજણ માટે આમંત્રણ:
બધાથી વધુ દયાળુ અલ્લાહ પવિત્ર કુરઆનમાં હુકમ આપે છે:
فَاقۡصُصِ الۡقَصَصَ لَعَلَّہُمۡ یَتَفَکَّرُوۡنَ
‘… માટે તું કિસ્સા વાંચી સંભળાવ કદાચ તેઓ વિચારે.‘
(સૂરે અઅરાફ (૭): આયત ૧૭૬)
૧. ઉદાહરણોમાંથી પાઠ લેવો
અન્યના અનુભવોમાંથી પાઠ લેવાના સંદર્ભમાં, અલ્લાહ કુરઆનમાં કહે છે:
لَقَدْ کَانَ فِیۡ قَصَصِہِمْ عِبْرَۃٌ لِّاُولِی الۡاَلْبَابِ
બેશક તેમના કિસ્સાઓમાં અક્કલમંદો માટે નસીહત છે
(સૂરહ્ યુસુફ (૧૨):આયત ૧૧૧)
અન્ય સ્થળે, દિલોના પાલનહાર સૂરહ્-એ-હશ્ર (૫૯): આયત ૨ માં હુકમ આપે છે:
…તેથી અય બસીરત રાખનારાઓ ઇબ્રત હાંસિલ કરો.
અમીરુલ મોમિનીન (અ.સ.) – અલી બિન અબી તાલિબ (અ.સ.) ઇતિહાસમાંથી શીખવાના મહત્વને નીચે મુજબ ફરમાવે છે :
“વધુ ડહાપણ (અને હિકમતના જ્ઞાન) મેળવવાથી નિરાશાઓ ઓછી થાય છે.”
(ગોરર અલ-હકમ, ભાગ ૫, પાના- ૨૧૭)
પોતાના પુત્ર ઇમામ હસન બિન અલી (અ.સ.) ને સંબોધતા, પોતાની વસિયતમાં, અમીરુલ મોમિનીન – અલી બિન અબી તાલિબ (અ.સ.) ભારપૂર્વક ફરમાવે છે:
‘જોકે મારા જીવનનું આયુષ્ય મારા પહેલાં મૃત્યુ પામેલા કેટલાક લોકો જેટલી લાંબી નથી, તો પણ મેં તેમના જીવનનો ખૂબ અભ્યાસ કર્યો, તેમની પ્રવૃતિઓની સંપૂર્ણ સમીક્ષા કરી, તેમના વિચારો અને કાર્યો પર ચિંતન કર્યું, તેમના અવશેષો, ખંડેરો અને વસ્તુઓનો અભ્યાસ કર્યો અને તેમના જીવન પર એટલા ઊંડાણપૂર્વક વિચાર કર્યો કે મને એવું લાગ્યું કે જાણે મેં ઇતિહાસના શરૂઆતના સમયથી લઈને અમારા સમય સુધી તેમની સાથે રહીને કામ કર્યું છે. મને ખબર છે કે તેમના માટે શું સારું હતું અને શું નુકસાનકારક હતું. સારાને ખરાબથી અલગ કરીને હું આ પાનાઓમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, અને તમારા ભલા માટે, મેં એકત્રિત કરેલું જ્ઞાન તમને આપું છું.’
(નહજુલ બલાગાહ, પત્ર નં. ૩૧)
અન્ય સ્થળે, ફરમાવે છે – જે જીવનમાંથી પાઠ લે છે તેને દૃષ્ટિ મળે છે, જે દૃષ્ટિ પ્રાપ્ત કરે છે તે ડાહ્યો બને છે, અને જે ડહાપણ પ્રાપ્ત કરે છે તે જ્ઞાન હાંસલ કરે છે.
આગળ ફરમાવે છે – જ્યારે માણસ જીવનમાંથી પાઠ લે છે, ત્યારે તે માર્ગદર્શન તરફ વધુ આગળ વધે છે.
(નહજુલ બલાગાહ, હઝરત અલી (અ.સ.)ના કલામ- ૧૯૬)
૨. દિલની મજબૂતાઈ પ્રાપ્ત થાય છે
જ્યારે કોઈ વ્યક્તિ પવિત્ર હસ્તીઓ (અ.સ.)ના જીવનનું વિશ્લેષણ અને તેની વાતોને પુનર્જીવિત કરે છે અને તેમની અઝમાઈશો (કસોટીઓ) તથા મુજાહિદા (સંઘર્ષો) ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે, ત્યારે તેના દિલને અકલ્પનીય તાકાત મળે છે અને તે તેમના પવિત્ર જીવનમાંથી પ્રચંડ પ્રેરણા મેળવે છે.”
અલ્લાહ પવિત્ર કુરઆનમાં ફરમાવે છે:
وَكُلًّا نَّقُصُّ عَلَیۡکَ مِنْ اَنۡۢبَآءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِہٖ فُؤَادَکَ
અને અમે દરેક રસૂલના કિસ્સા બયાન કરીએ છીએ, જેના વડે તારા દિલને મજબૂત બનાવીએ……
(સુરે હૂદ (૧૧):આયત ૧૨૦)
૩. ઉમદા લોકોના પાત્રો એક અરીસા સમાન છે
ઉચ્ચ નૈતિકતા અને બેગુનાહ (માંસુમ) પાત્રો ધરાવતી વ્યક્તિઓના જીવન પર ચિંતન કરવું તે એવા લોકો માટે અરીસાનું કામ કરે છે જેઓ પ્રતિબિંબિત કરવા અને પૂર્ણતા માટે ઉમ્મીદ રાખે છે. ઇલાહી માર્ગદર્શકો (ઈમામો) નું અનુકરણ કરવું જેઓ સંપૂર્ણ ઈમાન અને શ્રેષ્ઠ અખ્લાક ધરાવતા હતા એક પ્રતિબિંબ તરીકે કામ કરે છે જેમાં આ લોકો પોતાને જોવાનું પસંદ કરે છે. આવી એક પવિત્ર વ્યક્તિ પવિત્ર પયગંબર (સ.અ.વ.) છે, જેમનું અનુકરણ કરવું એ સફળતાની ચાવી છે.
અલ્લાહ તેમના પવિત્ર કુરઆનમાં ફરમાવે છે:
لَقَدۡ کَانَ لَکُمۡ فِیۡ رَسُوۡلِ اللّٰہِ اُسۡوَۃٌ حَسَنَۃٌ لِّمَنۡ کَانَ یَرۡجُوا اللّٰہَ
وَ الۡیَوۡمَ الۡاٰخِرَ وَ ذَکَرَ اللّٰہَ کَثِیۡرًا
બેશક તમારામાંથી જે અલ્લાહ(ની રહેમત) તથા કયામત(ના હિસાબ)ની
ઊમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય તેના માટે અલ્લાહના
રસૂલ (સ.અ.વ.ની ઝિંદગી)બહેતરીન નમૂનો છે.
(સુરે -અહઝાબ (૩૩): આયત ૨૧)
બીજી જગ્યાએ, કુરઆન પયગંબર ઇબ્રાહીમ (અ.સ.) અને તેમની સાથેના લોકો વિશે વાત કરીને હુકમ આપે છે:
قَدْ کَانَتْ لَكُمْ اُسْوَۃٌ حَسَنَۃٌ فِیۡۤ اِبْرٰہِیۡمَ وَ الَّذِیۡنَ مَعَہٗ ۚ اِذْ قَالُوۡا لِقَوْمِہِمْ اِنَّا بُرَءٰٓؤُا مِنۡكُمْ وَ مِمَّا تَعْبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللہِ ۫ کَفَرْنَا بِكُمْ وَ بَدَا بَیۡنَنَا وَ بَیۡنَكُمُ الْعَدَاوَۃُ وَ الْبَغْضَآءُ اَبَدًا حَتّٰی تُؤْمِنُوۡا بِاللہِ وَحْدَہٗۤ
તમારા માટે બહેતરીન મિસાલ ઇબ્રાહીમ અને તેના સાથીઓમાં છે, જયારે તેમણે પોતાની કોમને કહ્યું કે અમે તમારાથી અને તમારા ખુદાઓથી બેઝાર છીએ, અમોએ તમને જૂઠલાવ્યા, અને જ્યાં સુધી તમે એક અલ્લાહ પર ઇમાન નહિં લાવો ત્યાં સુધી અમારી અને તમારી વચ્ચે દુશ્મની અને કીનો એકદમ વાઝેહ છે.
(સુરે મુમતહેના (૬૦): આયત ૪)
નિઃસંદેહ, જ્યારે આપણે પયગંબરો (અ.સ.) ના શ્રેષ્ઠ અસ્હાબની ખાસીયતોની ચર્ચા કરીએ છીએ અથવા જે નેકી તેઓએ ઇસ્લામના માર્ગમાં બજાવી લાવ્યા તેને મહત્વ આપીએ છીએ, ત્યારે તેનું કારણ એ છે કે આપણે તેમને એવા લોકોથી અલગ કરવા ઈચ્છીએ છીએ જેઓ દેખીતી રીતે તક્વામાં શણગારેલા હતા, પરંતુ તેમના દિલની ઊંડાઈમાં પયગંબર (સ.અ.વ.) અને ઇસ્લામ માટે દ્વેષ ધરાવતા હતા.
તદુપરાંત, અમે ઈચ્છીએ છીએ કે મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની નજરમાં વિવિધ અસ્હાબના દરજ્જાને સમજે, જેથી ભોળા મુસ્લિમો પયગંબર (સ.અ.વ.)ના કહેવાતા અસ્હાબના બેવડા ધોરણોથી પ્રભાવિત ન થાય.
તેથી પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના સાચા અસ્હાબની વ્યાપકપણે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે, જેથી મુસ્લિમો જાણી શકે કે આપ (સ.અ.વ.) પ્રત્યે કોણ વફાદાર અને આજ્ઞાકારી હતો અને આપ (સ.અ.વ.) માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હતો. આમ, મુસ્લિમો આવા મહાન વ્યક્તિઓના લક્ષણોનું અનુકરણ કરીને અને સમાન લક્ષણોને આત્મસાત કરીને માર્ગદર્શન મેળવી શકે છે, જેથી તેમના ઈમાન અને અખ્લાકને પૂર્ણ કરી શકે અને તેના દ્વારા અલ્લાહ અને તેમના પયગંબર (સ.અ.વ.)ની ખુશી પ્રાપ્ત કરી શકે.
અલ્લાહ તઆલા ફરમાવે છે
قُلْ ہَلْ مِنۡ شُرَکَآئِكُمۡ مَّنۡ یَّہۡدِیۡۤ اِلَی الْحَقِّؕ قُلِ اللہُ یَہۡدِیۡ لِلْحَقِّؕ اَفَمَنۡ یَّہۡدِیۡۤ اِلَی الْحَقِّ اَحَقُّ اَنۡ یُّتَّبَعَ اَمَّنۡ لَّا یَہِدِّیۡۤ اِلَّاۤ اَنۡ یُّہۡدٰی ۚ فَمَا لَكُمْ ۟ كَیۡفَ تَحْكُمُوۡنَ
તું કહે કે તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે હક તરફ હિદાયત કરે? તું કહે કે અલ્લાહ હક તરફ હિદાયત કરે છે. શું તે કે જે હક તરફ હિદાયત કરે તે વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે ? અથવા તે કે જેને કોઇ હિદાયત ન કરે ત્યાં સુધી હિદાયત થતી નથી? તમને શું થઇ ગયું છે, કેવી રીતે ફેસલો કરો છો?
(સૂરહ્ યુનુસ (૧૦): આયત ૩૫)
૪. ખરાબ કાર્યોથી દુરી રાખવી
જ્યારે કોઈ વ્યક્તિ ઇસ્લામિક ઇતિહાસના પ્રકાશમાં પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ પર ચર્ચા અને દલીલ કરે છે, ત્યારે અમારો હેતુ સારાને ખરાબથી અલગ કરવાનો છે, જેથી ઓળખી શકાય કે અલ્લાહ (સુ.વ.ત.) અને તેમના હબીબ પયગંબર (સ.અ.વ.)ની નજરમાં કોણ વધુ પ્રિય હતું અને કોણ તેમનાથી નફરત હતું, જેથી લોકો ઇસ્લામના માર્ગમાં બલિદાન માટે ગુણવાન અસ્હાબથી મોહબ્બત કરે અને તેમની કદર કરે, અને તે દુષ્ટ લોકો પ્રત્યે અણગમો વ્યક્ત કરે જેમણે પોતાના હેતુઓને અનુરૂપ માન્યતાઓને વિકૃત કરી.
લોકોને સત્ય તરફ બોલાવવા અને તેમને ખરાબ કાર્યોથી (ગુનાહથી) રોકવા, તેમને પયગંબર (સ.અ.વ.)ના સાચા અસ્હાબને દોસ્ત બનાવવા અને તેમના પ્રત્યે મોહબ્બત રાખવા અને ફિતના – ફસાદ ફેલાવનારાઓથી દૂર રહેવા કરતાં મોટું કોઈ કાર્ય નથી.
૫. એકતા અને સમજૂતીનું વાતાવરણ બનાવે છે.
આ બાબતે અમારો અભિપ્રાય એ છે કે જો કોઈ આવા વિષયો પર ગંભીર, નિષ્પક્ષ અને પક્ષપાતરહિત ચર્ચા કરે, તો આપણે સરળતાથી એકતાના હાથ મળાવવા તરફ આગળ વધી શકીએ છીએ, કારણ કે અત્યાર સુધી આપણા સમુદાય (ઉમ્મત)ને ત્રાસ આપનારો એકમાત્ર વિષય પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ની રેહલત પછી ખિલાફતનો મુદ્દો છે. તૌહીદ, ઇલાહી અદ્લ (ન્યાય), પયગંબરી (નબુવ્વત) અને કયામત (મઆદ) સંબંધિત અન્ય મતભેદો, જોકે નિર્ણાયક છે, તે ખિલાફતના મતભેદોથી ઉદ્ભવે છે. તેથી, અમારા માટે આજે પણ, ચૌદસો વર્ષના ગાળા છતાં, આ ઘટનાઓ પાછળના તર્કની તપાસ કરવી, તેનું વિશ્લેષણ કરવું અને વિખરાયેલી કડીઓને તેમના યોગ્ય સ્થાને પાછા શોધીને તેમને જોડવી અનિવાર્ય છે, જેથી બનેલી સાંકળ આપણા માટે કુરઆનને સમજવાનું અને અહલેબૈત (અ.મુ.સ.) સુધી પહોંચવાનું સરળ બનાવે. આ રીતે, મુસ્લિમો માટે સાચું માર્ગદર્શન અને ઇમામત (વિલાયત) પ્રાપ્ત કરવું સરળ બનશે, જેનાથી મતભેદો દૂર થશે અને વિસંવાદિતા ઘટશે.
૬. સમસ્યાઓનું વિશ્લેષણ અને ઉકેલની ઓળખ:
સીરિયન લેખક ડૉ. અબ્દુલ રહેમાન તેમના પુસ્તક ‘અલ-ગદીર’ (ખિલાફતના મુદ્દા પર) માં જણાવે છે કે – મુસ્લિમ ઉમ્મતને હંમેશા ખિલાફતના મુદ્દાથી સંબંધિત ઘટનાઓ અને પ્રસંગોનું વિશ્લેષણ કરવાની જરૂર લાગી છે, અને તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળ દરમિયાન અને પછી રાજકારણ કેવી રીતે ચાલ્યું, જેના કારણે ખિલાફતના મુદ્દે વિવાદો થયા. મુસ્લિમ ઉમ્મત માટે ઈમામતના મુદ્દે વિભાજન અને કલેહના કારણો જાણવા જરૂરી છે. પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ની રેહલત પછી શું કારણ હતું જેણે સમુદાય (ઉમ્મત)ના વિભાજન તરફ દોરી અને આખરે અહલેબૈત (અ.મુ.સ.) ને તેમના હક્કોથી વંચિત રાખ્યા?
મુસ્લિમ ઉમ્મત હંમેશા સમુદાયને ત્રાસ આપતી સમસ્યાઓના ઉકેલ અને તેમને શ્રેષ્ઠ રીતે કેવી રીતે ઉકેલવા તે અંગે ખૂબ ચિંતિત છે. છેવટે, મુસ્લિમો વચ્ચે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાના રસ્તાઓ ઓળખવા મહત્વપૂર્ણ છે, જેથી એક એવી એકતા બનાવી શકાય જે અસરકારક રાજકીય અને ધાર્મિક ઉકેલ પૂરો પાડી શકે. કદાચ દરેક વ્યક્તિ પર એક નિષ્પક્ષ અને તથ્ય-આધારિત ચર્ચા શરૂ કરવી ફરજિયાત (વાજિબ) છે, જેથી સમુદાયની તિરાડો પાછળના કારણો અને તેની ઊંડી સમજ મેળવી શકાય અને સત્ય સુધી પહોંચવા માટે તેનું વિશ્લેષણ કરી શકાય.
(અલ-ગદીર, ભાગ ૫, પાના ૩૪૦)
તે ઘટનાઓને સમજવી મહત્વપૂર્ણ છે જેના કારણે ઉમ્મતનું વિભાજન થયું, પયગંબર (સ.અ.વ.)ની રેહલત પછી અહલેબૈત (અ.મુ.સ.) પર થયેલા અત્યાચારો (ઝુલ્મો), અને જે ક્રૂરતા અને પક્ષપાત સાચા વારસદાર, અમીરુલ મોમિનીન અલી બિન અબી તાલિબ (અ.સ.)ને સહન કરવા પડયા, જ્યારે તેમના હક્કો (ખિલાફત) છીનવી લેવામાં આવ્યા. આ રીતે, સરેરાશ મુસ્લિમ માટે એ જોવાનું સરળ બનશે કે સત્ય (હક) ક્યાં છે અને છુપાવેશમાં રહેલા શેતાનને ઓળખી શકે છે.
૭. ઇલાહી ઈમામતનું અનુસરણ ઇલાહી એહકામોને (હુકમોને) તાજા અને જીવંત રાખે છે.
જ્યારે મોઅમેનીન (ઈમાનવાળાઓ) અલી બિન અબી તાલિબ (અ.સ.) અને તેમના પવિત્ર વંશજો (અ.સ.)ની પ્રશંસા કરતી અથવા તેમની યાદમાં મજલિસમાં ઉપસ્થિત થાય છે, ત્યારે તે તેમના માટે પોતાનો મોહબ્બત દર્શાવવાનો એક માર્ગ છે. તેઓ આ વ્યક્તિઓ વિશે ગહન જ્ઞાન (મઆરેફત) મેળવે છે જે બદલામાં ઇલાહી ખુશ્નુદી (રિઝવાન)ને આકર્ષવાનું કામ કરે છે. કોઈ પૂછી શકે છે – શું આ મજલિસનું આયોજન કરવાનો બીજો કોઈ હેતુ છે, સિવાય કે પવિત્ર વ્યક્તિઓ (અ.સ.)ના આચારસંહિતા (સીરત), કસોટીઓ (મસાએબ) અને મુશ્કેલીઓની ચર્ચા કરવા સિવાય? જવાબ છે – ના. આવા સમારોહ (મજલિસ) સ્થાપિત કરવાનો ઇલાહી નબીઓ અને ઇમામોના અખ્લાક તેના ઇલ્મ, ફ્ઝીલ્ત અને મુશ્કેલીઓ મસાએબ પ્રત્યે મુસ્લિમોને જાગૃત કરવા સિવાય બીજો કોઈ હેતુ નથી. જેઓ આવી મજલિસની સ્થાપનાનો બિદઅત (નવીનતા) અથવા બિનજરૂરી કે નિરર્થક તરીકે વિરોધ કરે છે, અમે કહીએ છીએ – શું આપણે કુરઆનનો પાઠ પણ બંધ કરી દેવો જોઈએ? કારણ કે કુરઆન તો ભૂતકાળમાં જે બન્યું તેની ‘ઉમ્મતો માટે એક યાદગીરી (ઝિક્ર)’ અને પયગંબરો (અ.સ.)ના બનાવો અને તેમના અખ્લાક અને વર્તન સિવાય બીજું કંઈ નથી? અમારી મજલિસો આ અખ્લાકો અને બનાવને અને યાદ અપાવવાની (ઝિક્ર) એક વિસ્તૃતતા માત્ર છે.
૮. મુસ્લિમો જેઓ અલ્લાહ દ્વારા પસંદ કરાયેલા ઈમામોની પ્રશંસા કરે તેઓને માન આપે છે અને તેમનું અનુકરણ કરે છે, તેઓના દિલોમાં તેમના માટે મોહબ્બત પૈદા થાય છે અને તેમાં વધારો થાય છે.
ત્યાં સુધી કે જ્યાં સુધી કોઈ ચોક્કસ માન્યતા અથવા વિચાર વ્યક્તિના દિલમાં સ્થાન ન લે, ત્યાં સુધી તેના રસ્તા પર ચાલનાર કોઈ લાભ મેળવતો નથી. મુસ્લિમો ધાર્મિક અને રૂહાની સ્તરે મજબૂત ઈમાન ત્યારે જ પૈદા કરી શકે છે જ્યારે ઇલાહી નબી અને ઈમામોની શિક્ષાઓ પર ચિંતન કરવામાં આવે અને તે તેમના દિલની ઊંડાઈમાં પ્રવેશ કરે.
૯. નિર્દોષ (માસૂમ – મઝલુમ) નો બચાવ કરવામાં આવે છે
જ્યાં એક તરફ સામાન્ય મુસ્લિમ પાસેથી આ ઘટનાઓનું ઇલ્મ (માંઅરેફત) પ્રાપ્ત કરીને પોતાની ફરજ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, તે જ રીતે ધર્મના વિદ્વાનો (ઓલમા) અને શિક્ષકો (મુબલ્લિગ) માટે પવિત્ર વ્યક્તિઓ (અ.સ.)નો બચાવ કરવો અને અલ્લાહ અને ઇસ્લામના માર્ગમાં તેમની કુરબાનીઓ (મસાઈબ) ને પ્રકાશિત કરવી પણ એટલી જ જરૂરી છે.
જ્યારે અલી બિન અબી તાલિબ (અ.સ.) ને કૂફાની મસ્જિદમાં નમાઝ પઢતી વખતે માથા પર જાનલેવા હુમલો થયો, ત્યારે તેમણે પોતાના બે પુત્રો – ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) ને બોલાવીને તેમને નીચે મુજબ સંબોધન કર્યું:
وَ كُونَا لِلظَّالِمِ خَصْماً وَ لِلْمَظْلُومِ عَوْنا
‘અત્યાચારી (ઝાલિમ)ના દુશ્મન અને પીડિત (મઝલૂમ)ના મિત્ર અને સહાયક બનો.‘
(તારીખ-એ-તબરી, ભાગ ૪, પાના ૧૧૩)
સમગ્ર વિશ્વના મુસ્લિમો સ્વીકારે છે કે સમગ્ર ઇસ્લામના ઇતિહાસમાં અલી બિન અબી તાલિબ (અ.સ.) જેટલું મહાન, પ્રશંસનીય અને અનુકરણીય પાત્ર કોઈ નથી, ન તો કોઈએ તેમના જેટલો, ઝુલ્મ અને અત્યાચાર સહન કર્યો. તેથી, મુસ્લિમોએ ઝુલ્ કરનાર (ઝાલિમ)ને ઓળખવો જોઈએ અને પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકાર (ખિલાફત) ના મુદ્દાનું વિશ્લેષણ કરવું જોઈએ. સત્ય (હક)ને અસત્યથી અલગ કરવું અને સત્યનો પ્રચાર કરવો જરૂરી છે. જેમણે અમીરુલ મોમિનીન (અ.સ.)ના સાચા સ્થાનને નકાર્યું અથવા તેમના સ્થાનને ઘટાડવાનો પ્રયાસ કર્યો, તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવવો જોઈએ. વ્યક્તિએ પોતાના હાથ ઉંચા કરીને તેમના માટે દુઆ કરવી જોઈએ જેમણે પવિત્ર ઈમામો – ખાસ કરીને અલી બિન અબી તાલિબ (અ.સ.)ના માનમાં સત્ય અને સચ્ચાઈનો ધ્વજ ફરકાવ્યો. છેલ્લે, વ્યક્તિએ સતત અલ્લાહને ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના ઝુહૂર માટે દુઆ કરવી જોઈએ, જેથી તે વિશ્વને હંમેશ માટે ઇલાહી નુર અને ન્યાય (અદ્લ)થી ભરી દે.
Be the first to comment