ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત વિશે શંકા કરનારાઓ દ્વારા ઉઠાવવામાં આવેલો એક સવાલ એ છે કે – જો તેઓ તેમના પૂર્વજો ઈમામ અલી (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જેવા બહાદુર અને હિંમતવાન છે, જેઓ ક્યારેય જંગથી પાછળ હટ્યા નથી, તો પછી તેમને ગૈબતમાં છુપાવવાની જરૂર શા માટે છે? શંકાશીલો માટે આ કાયરતા છે અને અગાઉના ઈમામો (અ.સ.)ની સુન્નતથી વિપરીત છે, જેઓ તેમના જીવનું જોખમ હોવા છતાં ક્યારેય ગૈબતમાં ગયા ન હતા.
જવાબ
૧. ગૈબત એ છુપાઈ જવા જેવું નથી.
૨. ઈમામ(અ.સ.)ની ગૈબત અમુક અંશે ભયને કારણે છે.
૩. ગૈબતનું સાચું કારણ અલ્લાહના રહસ્યો પૈકીનું એક છે.
૪. અલ્લાહના પયગંબરો કત્લ થવાના ડરમાં જીવતા હતા.
૧. ગૈબત એ છુપાઈ જવા જેવું નથી.
ઈમામ મહદી (અ.ત.ફ.શ.) એ રીતે છુપાયેલા નથી જેમ શંકાશીલો માને છે, કે કોઈ વ્યક્તિ આશ્રયસ્થાન, ગુફા કે ભૂગર્ભ બંકરમાં બીજાઓથી છુપાઈ જાય છે. આપ (અ.ત.ફ.શ.) બધાની નજરોની સામે જ છે, પરંતુ જ્યાં સુધી આપ (અ.ત.ફ.શ.) પોતાનો પરિચય ન આપે ત્યાં સુધી લોકો આપ (અ.ત.ફ.શ)ને ઓળખી શકતા નથી.
આ બાબતે ઈમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે:
આ અમ્રના માલિક (સાહેબુલ અમ્ર) (અ.ત.ફ.શ.) માં ઘણા પયગંબરોની સુન્નતો છે: મુસા ઇબ્ને ઈમરાન (અ.સ.)ની એક સુન્નત, ઈસા (અ.સ.) ની એક સુન્નત, યુસુફ (અ.સ.) ની એક સુન્નત અને મોહમ્મદ (સ.અ.વ.) ની એક સુન્નત…
જ્યાં સુધી યુસુફ (અ.સ.) ની સુન્નતનો સવાલ છે, તે કેદ (ઘરમાં પાંચ વર્ષ માટે) અને ગૈબત છે (૨૬૦ હિજરી પછી)…
- કમાલુદ્દીન, ભાગ ૧, પાનાં.૨૨૯
- ઈસ્બાત અલ-હોદાત, ભાગ ૫, પાનાં. ૮૩-૮૪
- બેહારુલ અનવાર, ભાગ ૫૧, પાનાં.૨૧૮
ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના બીજા ખાસ નાએબ, મોહમ્મદ ઇબ્ને ઉસ્માન (ર.અ.) વર્ણન કરે છે:
આ અમ્રના માલિક (અ.ત.ફ.શ.) દર વર્ષે હજમાં હાજર હોય છે અને લોકોને જુએ છે અને તેઓને ઓળખે છે, અને તેઓ પણ તેમને જુએ છે પરંતુ તેમને ઓળખતા નથી.
- કમાલુદ્દીન, ભાગ ૨, પાનાં.૪૪૦;
- વસાએલ અલ-શિયા, ભાગ ૧૧, પાનાં.૧૩૫
સ્પષ્ટપણે, ગૈબત એ મહદી (અ.ત.ફ.શ.)ને ન ઓળખવાની બાબત છે, કાયરતા નથી કે જેમાં કોઈ વ્યક્તિ છુપાઈને કે વેશપલટો કરીને પીછેહઠ કરે. અલ્લાહના પયગંબરો જેવાકે યુસુફ(અ.સ.), મૂસા ઇબ્ને ઇમરાન(અ.સ.), સાલેહ(અ.સ.) જેવા ઘણા ને તેમની પોતાની કોમે ઓળખ્યા ન હતા સિવાય કે તેઓ તેમની વચ્ચે જ રહેતા હતા, જ્યાં સુધી અલ્લાહે ગૈબતનો પડદો ઉઠાવવાનું પસંદ ન કર્યું. પયગંબર યુસુફ (અ.સ.) ને તેમના પોતાના ભાઈઓ ઘણા વર્ષો સુધી તેમની સાથે રહ્યા છતાં પણ તેમને ઓળખી શક્યા ન હતા.
૨. ઈમામ (અ.સ.)ની ગૈબત અમુક અંશે ભયને કારણે છે
ઈમામ (અ.ત.ફ.શ.)ની (જીવ) જાની ખતરો હોવાની રિવાયત છે, જેમાં ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:
કાએમ (અ.ત.ફ.શ.)ના ઝુહુર પહેલા તેમના માટે એક ગૈબત છે. મેં પૂછ્યું: એવું શા માટે છે? તેમણે જવાબ આપ્યો: તેમને ભય છે. અને તેમણે પોતાના પેટ તરફ ઈશારો કર્યો, જેનો અર્થ એ હતો કે કાએમ (અ.ત.ફ.શ.) ને પોતાના જીવનો ભય છે.
- એલલ અલ-શરાએઅ, ભાગ ૧, પાનાં.૨૩૬
- અલ-કાફી, ભાગ ૧, પાનાં.૩૩૮
- કમાલુદ્દીન, ભાગ ૨, પાનાં.૪૮૧
- બેહારુલ અનવાર, ભાગ ૫૨, પાનાં.૯૭
ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબતના કારણોમાંનું માત્ર એક કારણ તેમની જાનનો ખતરો છે. અન્ય રિવાયતોમાં બીજા કારણો પણ જણાવવામાં આવ્યા છે, જેમ કે:
- મુસલમાનોની પરીક્ષા
- મુસલમાનોની તૈયારીનો અભાવ અને બેદરકારી
- દરેક એવા મુસલમાનના જન્મની રાહ જોવી જે બિન-મુસલમાનોના વંશમાં હાજર હોય
- જુલમી શાસકની બયઅતથી મુક્તિ
આથી ડર(ભય)ને ગૈબતનું એકમાત્ર મહત્વનું કારણ ગણાવવું એ ગેરમાર્ગે દોરનારું છે.
૩. ગૈબતનું સાચું કારણ અલ્લાહના રહસ્યોમાંથી છે
શંકાશીલો એ દાવો કરવામાં ભૂલ કરે છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત ભય અને કાયરતાને કારણે છે. તેઓ માત્ર એક રિવાયતને આધાર માનીને અને અન્ય રિવાયતોને અવગણીને અંધારામાં તીર ચલાવી રહ્યા છે. ગૈબતનું સાચું કારણ એક રહસ્ય છે જે ઈમામો (અ.સ.) દ્વારા શિયાઓને પણ જણાવવામાં આવ્યું નથી. ઈમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે:
સાહેબુલ અમ્ર (ઈમામ મહદી (અ.ત.ફ.શ.) માટે ગૈબત જરૂરી છે, બધા ગુમરાહ થયેલા લોકો ગૈબત વિશે શંકા કરશે.
રાવી : મારી જાન તમારા પર કુરબાન થાય, ગૈબત શા માટે હશે?
ઈમામ સાદિક (અ.સ.): જે હિકમત અલ્લાહના ભૂતકાળના અમ્બીયા(અ.)ની ગૈબત માટે હતી, તે જ હિકમત સાહેબુલ અમ્ર(અ.)ની ગૈબત પાછળ પણ છે. આ હિકમત આપના ઝુહુર પછી જ જાહેર થશે, જેમ કે ખીઝર (અ.સ.)ના કાર્યો પાછળની હિકમત – એટલે કે હોડીમાં કાણું પાડવું, યુવાનને મારી નાખવો અને દીવાલ બનાવવી – પયગંબર મૂસા (અ.સ.) અને ખીઝર (અ.સ.)ના અલગ થવા પર જ જાહેર થઈ હતી.
ઈમામ (અ.સ.) એ આગળ ફરમાવ્યું: અય ફઝલના દીકરા! આ મામલો અલ્લાહના મામલાઓમાંથી છે, આ અલ્લાહના રહસ્યોમાંથી એક રહસ્ય છે, તે અલ્લાહની ગૈબતમાંથી એક ગૈબત છે. જ્યારે આપણે જાણીએ છીએ કે અલ્લાહ હકીમ છે, ત્યારે આપણે ગવાહી આપીયે છે કે તેના બધા કાર્યો હિકમતથી ભરેલા છે, ભલે તેની પાછળના કારણો દેખાતા ન હોય.
- અલ-એહતેજાજ – શેખ તબરસી (ર.અ.), ભાગ ૨, પાનાં.૩૭૬
આ અને આવી રિવાયતો દર્શાવે છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબતનું સાચું કારણ કોઈને જણાવવામાં આવ્યું નથી, તે ઈલાહી રહસ્યોમાંથી એક રહસ્ય છે.
૪.અલ્લાહના પયગંબરોના જીવનમાં કત્લ ડર હતો.
જ્યાં સુધી મૃત્યુના ડરનો સવાલ છે – અન્ય પયગંબરો પણ આ ભય સાથે જીવતા હતા અને બચાવના પગલાં લીધા હતા, અને કોઈ પણ મુસલમાન આને કાયરતાની નિશાની માનતો નથી.
આપણે બહુ દૂર જોવાની જરૂર નથી – આપણા પયગંબર (સ.અ.વ.વ.) ને તેમના જીવ પર ગંભીર ખતરો હતો, જેનાથી બચવા માટે તેમણે ઈલાહી હુકમ પર મદીના હિજરત કરી. તેઓ (સ.અ.વ.) કાફિરોની નજર સામે જ અદૃશ્ય થઈ ગયા, જેમ કે પવિત્ર કુરઆન જણાવે છે:
وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لاَ يُبْصِرُونَ
અને અમોએ તેમની સામે દીવાલ અને તેમની પાછળ એક દીવાલ રાખી દીધી, પછી તેમને ઢાંકી દીધા જેથી તેઓ જોતા નથી.
(સૂરે યાસીન (૩૬: ૯))
ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ઉપર ઝાલીમોની નજર સામે ગૈબત એ કાયરતાની નિશાની નથી અને તે હિજરતની રાત્રે તેમના નાના (સ.અ.વ.)ના ગાએબ થવા જેવી જ છે.
પયગંબર મૂસા (અ.સ.) પણ ફિરઔન અને તેની સેનાથી બચવા માટે શહેરમાંથી બહાર નીકળી ગયા હતા, જેઓ તેમને એક ઇજિપ્તવાસીને કત્લ કરવા બદલ પકડવા નીકળ્યા હતા:
فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ قَالَ رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
માટે મુસા શહેરની બહાર ડરતા ડરતા સાવચેતીથી નીકળી ગયા અને કહ્યું કે પરવરદિગાર મને ઝાલીમ લોકોથી નજાત આપ.
(સૂરહ કસસ (૨૮): ૨૧)
સ્વ્ભાવીક રીતે , ઈમામ હુસૈન (અ.સ.) એ પણ તેમના સમયના ફિરઔનથી બચવા માટે મદીના છોડતી વખતે આ જ આયત પઢી હતી.
ઈમામ મહદી (અ.ત.ફ.શ.) આ સંદર્ભમાં પયગંબર મૂસા (અ.સ.) જેવા છે, જેમ કે ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:
આ અમ્રના માલિક(સાંહેબુલ અમ્ર) (અ.ત.ફ.શ.) માં ઘણા પયગંબરોની સુન્નતો છે: મૂસા ઇબ્ને ઈમરાન (અ.સ.)ની સુન્નત, ઈસા(અ.સ.)ની સુન્નત, યુસુફ(અ.સ.)ની સુન્નતઅને મોહમંદ(સ.અ.વ.વ.)ની સુન્નત)……
જ્યાં સુધી મુસા(અ.સ.)ની સુન્નતથી સંદર્ભ છે. તે ડર અને ઈન્તેઝાર છે…..
- કમાલુદ્દીન, ભાગ ૧, પાનાં.૨૨૯,
- ઈસ્બાત અલ-હોદાત, ભાગ ૫, પાનાં. ૮૩-૮૪,
- બેહારુલ અનવાર, ભાગ ૫૧, પાનાં. ૨૧૮
પયગંબર લૂત (અ.સ.) પણ તેમની કોમના ખૂની અને જબરદસ્તી કરનારા લોકોથી ઘેરાયેલા હતા અને તેમને કત્લ થવાનો ડર હતો, તેથી તેમણે પઢ્યું:
قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَى رُكْنٍ شَدِيدٍ
તેણે(અફસોસ સાથે) કહ્યું કે કદાચ તમારા મુકાબલા માટે મારી પાસે કુવ્વત હોત અથવા મેં કોઈ મજબુત સહારનો આશરો લીધો હોતા.
- (સૂરહ હુદ (૧૧): ૮૦))
આખરે, પયગંબર લૂત (અ.સ.)ને ઈલાહી આદેશ પર શહેર છોડવાનો હુકમ થયો. તેવી જ રીતે, ઈમામ મહદી (અ.ત.ફ.શ.) પણ દુશ્મનોથી ઘેરાયેલા હતા ત્યારે તેમણે ઈલાહી આદેશ પર ગૈબત પસંદ કરી.
સ્પષ્ટપણે, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત વિશે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. ગૈબતનું સાચું કારણ મુસલમાનોને જણાવવામાં આવ્યું નથી. અને જીવનના ભય( જીવના જોખમ) જેવા દેખીતા કારણો પયગંબર મોહંમદ (સ.અ.વ.વ.), મૂસા (અ.સ.), લૂત (અ.સ.) જેવા અન્ય પયગંબરોની સુન્નત સાથે સુસંગત છે, અને કોઈ મુસલમાન એવું માનતો નથી કે આ પયગંબરોમાં કાયરતાની નિશાની છે. તો પછી એ જ કારણોસર શા માટે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત શંકાશીલો માટે ચર્ચા અને મશ્કરીનો વિષય છે?
Be the first to comment